નો રીટર્ન-૨ ભાગ-૪૫ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન-૨ ભાગ-૪૫

નો-રીટર્ન-૨

ભાગ-૪૫

દક્ષીણ અમેરિકાનો નક્શો જોશો તો એ ઉંધા શંખ આકારનો જણાશે. જેની પૂર્વમાં એટલેટીંક મહાસાગર છે અને પશ્વિમમાં પસેફિકની સમુદ્રધૂની આવેલી છે. આ બે મહાસાગરો વચ્ચે લેટીન અમેરિકા સચવાયેલું છે. જેનો અડધો ભૂ ભાગ તો એકલા બ્રાઝિલે જ રોકયો છે. બ્રાઝિલની પૂર્વ સીમા નોર્થ અને સાઉથ એટલેન્ટીક મહાસાગરને મળે છે જ્યારે પક્શ્વિમ તરફનો આખો વિસ્તાર કોલમ્બીયા, વેનેઝુએલા, પેરુ, બોલીવીયા, પરાગ્વે, આર્જેન્ટીના અને ઉરુગ્વેની સરહદ સાથે જોડાયેલો છે. આમ બ્રાઝિલની એક સાઇડે સમુદ્ર છે તો બીજી બાજુ તેની સરહદ ઘણાબધા દેશોની સરહદો સાથે જોડાયેલી છે.

અમારે બ્રાઝિલની પૂર્વે આવેલા રી-ડી-જાનેરોથી આખુ બ્રાઝિલ વીંધીને પશ્વિમે આવેલા બોલીવીયાનાં ગાઢ જંગલોની ખાક છાનવાની હતી. આ કંઇ ખાવાનાં ખેલ નહોતાં. આટલી લાંબી મુસાફરી કરવામાં જ અમારી કસોટી થઇ જવાની હતી.

સાઓ-પાઓલોથી અમે ત્રણ જણાં ફરીથી રીઓ જવા રવાનાં થયાં હતાં. અનેરીનાં દાદા, સાજનસીંહ પાલીવાલે ભીની આંખોએ અનેરીને રજા આપી હતી. એ મમતાંળુ બુઢ્ઢા આદમીમાં એટલી તાકાત નહોતી કે તે અનેરીને રોકી શકે. અને અનેરી રોકાશે નહી એ ખ્યાલ પણ તેમને હતો જ. ભારે ગમગીની ભર્યા વાતાવરણમાં અમે સાઓ થી રીઓ જવા ઉપડયા હતાં. ત્યાં અમારે હજું કાર્લોસ સાથે મેરેથોન મિટીંગ કરવાની હતી. અમે ઇચ્છયું હોત તો બધા બ્રાઝિલ મુકીને ભારત ભાગી જઇ શકત...! પરંતુ મને ખ્યાલ હતો કે કાર્લોસે અમારી ઉપર નજર રાખવા માણસો ગોઠવ્યા જ હશે. તે આટલી આસાનીથી અમને છટકવા દે એ વાતમાં દમ નહોતો. અને વળી હવે હું કે અનેરી પાછાં વળવાનાં સહેજે ઇરાદા ધરાવતાં નહોતાં. અમારે પણ એ ખજાનાનું રહસ્ય જાણવું હતું. ખજાના તરફનું અદમ્ય વળગણ અમને રીઓની દિશામાં લઇ જઇ રહયું હતું.

ટ્રેનમાં બેસીને અમે રીઓ પહોંચ્યાં ત્યારે બપોર ઢળી ચુકી હતી. સાંજનાં લગભગ ચાર વાગ્યાની આસપાસ અમે “સેન્ટો રીબેરો” નાં એ જ ભવ્ય સ્યૂટમાં પહોંચ્યાં હતાં જ્યાં કાર્લોસ સાથે અમારી પહેલી મુલાકાત ગોઠવાઇ હતી. કાર્લોસ પણ એકદમ રેડી... સ્ટેન્ડ બાય પોઝિશનમાં હતો. તેનાં માણસોએ તમામ તૈયારીઓ કરી રાખી હતી.

એ જ ભવ્ય સ્યૂટમાં અમારી મિટીંગ ચાલુ થઇ. મેં તેને મારી પાસે જે વિગતો હતી એનાથી તેને અવગત કરાવ્યો. કાર્લોસ અને તેનાં માણસો શ્વાસ થંભાવીને એ સાંભળતાં રહયાં. કાર્લોસ એકદમ ઠંડુ લોહી ધરાવતા ક્રુર આદમી હતો. પરંતુ મારી વાત સાંભળીને તેને પણ ગજબ આશ્વર્ય ઉદ્દભવતું હતું. તેનું આશ્વર્ય એ વાતે બેવડાયું હતું જ્યારે તેણે જાણ્યું કે સાજનસીંહ પાલીવાલની સાથે મારા દાદા વીરસીંહ જોગી પણ ખજાનાની ખોજમાં ગયા હતાં. અને જે કેમેરા પાછળ તે હતો એ કેમેરામાં ફોટા વીરસીંહ જોગીએ જ પાડયાં હતાં.

“ ઓહ.... ધેટ મીન્સ કે બહું યોગ્ય વ્યક્તિ મારી સાથે જોડાઇ છે એમને...! ” તેણે મારા વિશે ટીપ્પણી કરી.

“ યસ...! અને તમને જેટલો રસ ખજાના વીશે છે એટલો જ હું પણ ઉત્ત્સુક છું....” મેં કહયું હતું. એ પછી મેં પેલા કબુતરો વીશે અને એરિક હેમન્ડ વીશે વિસ્તારથી જણાવ્યું હતું. મારી કથની સમાપ્ત થઇ ત્યારે કમરામાં એકદમ સ્તબ્ધ શાંતી પ્રસરી ગઇ હતી. બધાનાં હદય જોર જોરથી ધડકવા લાગ્યાં હતાં. વાત જ એવી હતી....! અબજો રૂપિયાનો કિંમતી ખજાનો આજનાં સમયમાં જો કોઇનાં હાથમાં આવવાની સંભાવનાઓ હોય તો બધાનું સ્તબ્ધ થવું લાજમી હતું.

“ તો પછી રાહ કોની છે...! ચાલો નીકળી પડીએ...! ” કાર્લોસે એકદમ જ ઉભા થઇને જાહેરાત કરી. તે ઉત્સાહનાં અતીરેકથી છલકાતો હતો. મને તેની અધીરાઇ સમજાતી હતી. પણ મને બીજી ચીંતા હતી...

“ એ પહેલા મારે અમારા રાજ્યનાં દિવાન અને તેનાં છોકરાની તપાસ કરવાની છે. તે અહીં બ્રાઝિલમાં જ છે એવી માહિતી મને મળી છે. તે અહીં કેમ છે અને તેમને કોણ ઉપાડી લાવ્યું છે એ તો મેં તમને જણાવ્યું જ છે. એટલે ખજાનાની ખોજમાં નીકળતાં પહેલાં મારે એ લોકોને છોડાવવા જરૂરી છે...! ” મેં કાર્લોસને અમારા રાજ્ય “ ઇન્દ્રગઢ” માં જે ઘટનાઓ બની હતી એનાથી સવિસ્તાર માહિતગાર કર્યો જ હતો એટલે તેને સમજાયું હતું કે હું શું કહી રહયો છું.

“ તું એ વાતનું ટેંન્શન ન લે. આજથી... અરે. અત્યારથી તું એમનાં વીશે ચીંતા કરવાનું છોડી દે. એ લોકો જો પૃથ્વીનાં પેટાળમાં પણ છુપાયા હશે તો ત્યાંથી એમને શોધી લાવવાનું કાર્ય મારું. તું એ લોકો બાબતે નિશ્વિંત થઇ જા. હવે તેઓ મારી જવાબદારી છે. હું તેમને હેમખેમ “ઇન્દ્રગઢ” સુધી પહોંચાડવાની તને બાંહેધરી આપું છું....” કાર્લોસે ગજબ આત્મવિશ્વાસ સાથે કહયું. મને ખબર હતી કે તેણે કહી દીધું એટલે વાત ખતમ. દિવાનને એ ગમે ત્યાંથી શોધી કાઢશે. પણ મને તાજ્જુબી એ બાબતની પણ હતી કે અત્યારે કાર્લોસ જેવો માફીયા કીંગ અમને બધી જ રીતે સહકાર આપી રહયો હતો. તેનાં જેવો ખુંકાર માણસ આટલી સરળતાથી અમારી સાથે વર્તતો હતો એ બાબત મને જરૂર ખટકી ગઇ હતી. મનમાં ઉંડે- ઉંડે એક ડર પેદા થયો હતો કે કયાંક આ શિકારીની જાળ તો નથીને...!! જેમાં સામે ચાલી અમે ફસાવા જઇ રહ્યાં છીએ. હું સતર્ક થઇ ઉઠયો. મને મારી જાત કરતાં પણ અનેરીની વધુ ફિકર હતી. તે ભલે મને ચાહતી ન હોય, પરંતુ તેને એક ઉઝરડોય થાય એ હું બર્દાસ્ત કરી શકવાનો નહોતો. મેં સાવધાનીથી આગળ વધવાનું મનમાં નક્કી કરી લીધું.

રીઓથી અમે ફલાઇટમાં પણ જઇ શકયા હોત, પરંતુ કાર્લોસનું ગણિત કંઇક ઉંધુ ચાલતું હતું. તે નહોતો ઇચ્છતો કે દુનિયાભરને અમારી સફર વીશે ખબર પડે. એટલે તેણે બાય રોડ જ જવાનું ગોઠવ્યું હતું. અને એ મુજબની તૈયારીઓ તેણે કરી હતી. લેન્ડ રોવરની ત્રણ મીડ સાઇઝ એસ.યુ.વી. કારો અત્યારે “સેન્ટો રીબેરો” નાં પાર્કિંગ સ્લોટમાં આવી ઉભી હતી. જેમાં અમે લોકો સફર કરવાનાં હતાં.

“ સો ફ્રેન્ડસ્...! આજની રાત ખાઓ, પીઓ અને મોજ કરો. આપણે કાલે વહેલી સવારે નીકળીશું. ત્યાં સુધી થાય એટલું એજ્જોય કરી લો. આ હોટલ તમારી જ છે એમ સમજો અને કાર્લોસની મહેમાનગતીને મન ભરીને માણો...” કાર્લોસ ઉભા થતાં બોલ્યો. “ અને હાં...! એક વાત જણાવાનું તો હું ભૂલી જ ગયો. આપણી સફરમાં વધુ એક વ્યક્તિ જોડાવાનો છે જે આપણી સાથે આવશે. મને આશા છે કે એ તમને ગમશે...” અમારી તરફથી ફરીને તેણે કમરાનાં એક ખૂણે ઉભેલી એના ને ઇશારો કર્યો. એનાં ત્યાંથી હટીને બહાર નીકળી ગઇ. અમારા બધાનાં મનમાં ઉત્સુકતા છવાઇ ગઇ. એવું તે કોણ છે જેને ખુદ કાર્લોસે ઇન્ટ્રોડયુસ કરાવવું પડે...! જબરી ઉત્સુકતાથી અમે સ્યૂટનાં દરવાજા તરફ જોઇ રહયાં.

થોડી જ વારમાં અમારી એ ઉત્સૂકતાનો અંત આવ્યો. સ્યૂટનો દરવાજો ખુલ્યો અને સૌથી પહેલાં એનાં અંદર દાખલ થઇ. તેની પાછળ કોઇ સૂટેડ-બૂટેડ વ્યક્તિ બહાર ઉભેલો દેખાતો હતો. પણ... દરવાજાની ભિતરથી ફક્ત તેનું ધડ સુધીનું જ શરીર મને દેખાતું હતું. તેનું માથું બારસાખની ઉપર હતું. અહીથી એવુ લાગતું હતુ કે જાણે કોઇ માથા વગરનો માનવી દરવાજા બહાર ઉભો છે. હું ભારે ઉત્સૂકતાથી તે અંદર આવે એની રાહ જોઇ રહયો હતો. નીચા નમીને તે કમરાની અંદર દાખલ થયો અને અમારી નજદીક આવીને ઉભો રહયો.

“ માય ગોડ..! ” જેવો તે અંદર દાખલ થયો કે હું ઉછળી પડયો. મારા જીગરમાં ધડબડાટી વ્યાપી ગઇ. આંખોનાં ડોળા જાણે હમણાં બહાર નિકળી આવશે એમ ફાટી પડયા હતાં. શરીરની રક્ત વાહિનીઓમાં દોડતું લોહી જાણે થીજી ગયું હોય એમ એક ઠંડકભરી સીહરનથી રીતસરનો હું ધ્રુજી ઉઠયો. મારી નજરોની સામે પુરા સાડા સાત ફુટનો પહાડ ઉભો હતો.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 1 અઠવાડિયા પહેલા

Dddd

Dddd 2 માસ પહેલા

Nidhi Raval

Nidhi Raval 2 માસ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 1 વર્ષ પહેલા

Naresh Bhai

Naresh Bhai 2 વર્ષ પહેલા