Reging books and stories free download online pdf in Gujarati

રેગીંગ

રેગીંગ
 અમદાવાદની એ વિખ્યાત મેડિકલ કોલેજનો ફ્સ્ટ ઈયરનો છોકરો હોસ્ટેલના દરવાજા બહાર ઊભો હતો .વૉચમેનના કહેવા છતા એ અડિયલ રડતી આંખો એ બોલતો હતો , “ મારા પપ્પા-મમ્મી નહિ આવે ત્યાં સુધી અંદર નહિ જાઉં.....” હોસ્ટેલના ઈંચાર્જ ધીરજભાઈ બહાર આવ્યા... , “ તારા પપ્પા-મમ્મીને ફોન કરીએ ,તેમને બોલાવીએ એમને આવતા ...ત્રણ-ચાર કલાક તો થશે જ .” પણ એ જગ્યા પરથી હલ્યો જ નહિ... છેવટે બે-ત્રણ છોકરાઓ ટિંગા-ટોળી કરી તેને અંદર લઈ ગયા .
 તેનું નામ દિવ્ય પંચાલ ...ફોન થયો ઘરે.. મા-બાપ સાથે વાત કરી... “ મમ્મી તું મને જીવતો જોવા માંગતી હોય તો આજે જ મને અહીંથી લઈ જા. જ્યાં સુધી તું નહિ આવે હું પાણી પણ નહિ પીઉં.” ગભારયેલા મા-બાપે તરત જ અમદાવાદની બસ પકડી .દિવ્યના હોસ્ટેલ પહોંચી રાગિણીબેન પોતાના વહાલસોયાને વળગી પડ્યા... પપ્પાની આંખો ગુસ્સાથી થોડી લાલ હતી .
  “ કેમ ગાંડા કાઢે છે...? આ જ કોલેજમાં એડમિશન જોઈતુ હતુ માટે તો એક વર્ષ બાર સાયંસમાં ડ્રોપ લીધો હતો... તારુ સપનુ હતુ આ કોલેજમાં ભણવાનું હવે શું થયુ...?” તેના પપ્પા બોલી રહ્યા હતા.. દિવ્યની રડતી આંખો જોઈ મમ્મીએ કહ્યુ, “ તમે એને લઢો નહિ ,એને સાંભળો તો ખરા ...” “ અરે શું સાંભળવાનો..? હાથમાં પાણીનો ગ્લાસ તે આપ્યો... અને અહીંયા ભાગ-દોડમાં પહોંચી નથી વળતો માટે ભાગેડુ વૃત્તિ આવી છે...” 
 “ હા..............હું છું.... ભાગેડું .......છુ...........હું........છુ.........હું........ભાગેડું .... જ .... છુ.” દિવ્યની ચીસોથી હોસ્ટેલ જાણે હલી ગઈ..સૌ તેને જોવા આવ્યા . “ અંકલ .... તમે સાચા છો તમારી જગ્યાએ પણ દિવ્યની વાત સાંભળો તો ખરા ....” દિવ્યના એક મિત્ર એ કહ્યું . એ મિત્રની આંખો પણ થોડી ડરેલી જ હતી .વિશાલભાઈ પુત્રના આવા વર્તનથી હેબતાઈ બહાર નીકળી ગયા . ધીરજભાઈએ દિવ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો .દિવ્યએ તેમને ધક્કો મારી કહ્યું , “ સાલા તું જ છે ડરપોક ,તુ મને સમજાવે છે ?” રાગિણી બેને પોતાના દિકરાને એક દિવસ લઈ જવાની પરવાનગી માંગતો પત્ર લખી હોસ્ટેલમાં આપી દિવ્યને લઈ... કમ્પાઉંડ બહાર નીકળ્યા .
  “ મમ્મી.... જો પાછી અહીં જ મોકલવાની હોય તો ના લઈ જઈશ... લટકી પડીશ અહીંના જ કોઈ પંખા પર ...” “ દિવ્ય હું તારી મા છુ, તુ ચલ મારી સાથે ,તુ મરી જાય તેના માટે જન્મ નથી આપ્યો બેટા, હું તારી સાથે જ છુ ,હું તને ઓળખુ છુ બેટા .” બસમાં બારી બહાર જોતો દિવ્ય ...ઊંડા –ઊંડા શ્વાસ લઈ રહ્યો હતો... થોડી-થોડી વારે મૂઠી વાળી પછાડતો હતો..... ઘરે પહોંચી રાગિણીબેન તેને તેના રૂમમાં લઈ ગયા.. તેના માથે હાથ ફેરવી કહ્યુ... “ એવુ ના માન કે મા છુ ... આ ક્ષણે હું જ તારી મિત્ર છુ .ખુલ્લા દિલે વાત કર બેટા શું તકલીફ છે ? મને તું વહાલો છે તારી ડૉક્ટરની ડીગ્રી નથી વહાલી , તને ગમે એવુ બીજુ કશુ ભણજે , બસ પણ મને કહે શું થયુ..?” 
 મમ્મીને બાઝી પડી દિવ્ય રડી પડ્યો પછી કહ્યુ, “ મમ્મી ત્યાં રેગીંગ થાય છે .” “ એટલે ?” “ એટલે મમ્મી ... કહેતા શરમ આવે છે ...” “ ના શરમાઈશ નહિ .” “ મમ્મી રાત્રે મોટા સિનિયર સ્ટુડંટ , જેમની હોસ્ટેલ બીજી છે.... ત્યાં બોલાવે ત્યાં જવુ પડે... પછી...પછી... મમ્મી એ લોકો ગંદુ-ગંદુ કરાવે એ બધુ કરવુ પડે.... સવારે ચાર વાગ્યે છોડે ... પછી .....પછી આપણી હોસ્ટેલ પર આવવાનુ ...... પછી કેટલુ ઓછુ ઊંઘવા મળે ? કેવો –કેવો ઉપયોગ કરે મમ્મી ,કેવુ –કેવુ કરાવે.... હું નથી કહી શકતો......” 
 રાગિણીબેનના માથે આભ પડ્યુ , પુત્રના માથે હાથ ફેરવી કહ્યુ...ઈટસ ..ઓ...કે . વિશાલભાઈને વાત કરી.... “ અરે અઘરુ લાગતુ હશે એટલે બહાના કાઢે છે . રાગિણીબેન એકલા જ અમદાવાદ ગયા .મેડિકલ કોલેજના ડીનને મળવાની પરમીશન લઈ મળ્યા .બધી જ વાત કરી . જે-જે સિનિયર સ્ટુડંટના નામ દિવ્યએ લખી આપ્યા હતા એ બધાને બોલાવ્યા .હોસ્ટેલના સંચાલક ધીરજભાઈને પણ બોલાવ્યા . બધાએ એક જ જવાબ આપ્યો , ના સર આવુ કશુ જ નથી આપણે ત્યાં .ધીરજભાઈ બોલ્યા , “ એ છોકરો આવ્યો ત્યારથી જ ઉદાસ લાગતો હતો ,એને ગમતુ નહિ હોય ભણવાનુ એટલે બહાના કાઢે છે .” 
 એક મા ખોટી ન હતી ,એનો દિવ્ય ખોટો ન હતો.. પણ આગળ કશુ બોલવુ રાગિણીબેનને વ્યર્થ લાગ્યુ. “ લાવો સર મારા છોકરાના સર્ટિ ... કદાચ .... તમારા કોલેજમાં ભણવાને એ લાયક નથી.... અથવા તમારી કોલેજ એ ઉત્સાહીના ઉત્સાહને પારખી ના શકી.” ભારે હૈયે સર્ટિ લઈ રાગિણીબેન ઘરે આવ્યા. કોઈ મળવા આવે તો પણ દિવ્ય કોઈને ન મળતો .એક વર્ષ ઘરમા જ બેસી રહ્યો ,ડિપ્રેશનમાં ગયો... એની પડખે કોઈ હતુ તો એની મા .
 ભણવુ તો એને ગમતુ જ ,ભારે ઉત્સાહી હતો એ .એનામાં ધગશ હતી કશુ કરી બતાવવાની . આથી બીજા વર્ષે ફાર્મસીમાં એડમિશન લઈ તે સારા માર્કસ થી પૂરુ કર્યુ ,આગળ ભણવા કેનેડા ગયો ત્યાં પી.એચ.ડી કર્યુ .સારી જોબ મેળવી ત્યાં જ. ત્યાંનુ ગ્રીન કાર્ડ મેળવ્યુ... તેના નામ આગળ ડૉક્ટર જ લખાતુ .
 છતા ક્યારેક એને ખૂંચતુ... કે કાશ એને સાથ આપનાર કોઈ મેડિકલ કોલેજમાં હોત તો પોતાના નાના ગામમાં જ એક દવાખાનુ હોત .જેની બહાર બોર્ડ હોત... ડૉ .દિવ્ય પંચાલ ( એમ.ડી)... હાય..રે .. મારી.... લાચારી ... આજે જો એ બધા મળે તો મોઢેથી કબૂલ કરાવુ કે શું કરાવતા હતા જુનિયર સ્ટુડંટ પાસે.. દર થોડા દિવસે તેનુ મન આ યાદ કરી બેચેન બની જતુ .રેગીંગ....... રેગીંગ.... રેગીંગ.... શબ્દ તેના અસ્તિત્વને હલાવી નાખતો...... શિક્ષણના ક્ષેત્રમાં આવા તો કેટલાય દિવ્ય હશે જે અજુગતુ કરવા તૈયાર નહિ થાય તો એને એ ક્ષેત્ર માંથી નીકળી જવુ પડતુ હશે . જેના પર વીતે એને જ ખ્યાલ આવે આવી બાબતોનો ...  
સંગીતા દયાળ 
સંગમ

બીજા રસપ્રદ વિકલ્પો