અનુરાગ Sangita Dayal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

અનુરાગ

અનુરાગ

 આજે રાજ રવિવારના મૂડમાં હતો. બહુ દિવસથી કબાટની સફાઈ બાકી હતી . કામવાળા હંસાબેન આમ તો બધી સફાઈ કરતા પણ રાજના પર્સનલ કબાટને અડવાની તેમને પણ મનાઈ હતી. બે ખાના સાફ કર્યા પછી ત્રીજું ખાનુ રાજના ફેવરેટ પુસ્તકો અને ડાયરીઓથી ખીચોખીચ ભર્યુ હતુ . તેનું મન થોડું ઉદાસ થયુ .તેણે પોતાના પ્રિય પુસ્તકો કાઢીને સોનાના દાગીના ને સાચવી એ એટલી કાળજીથી સાફ કરી બાજુ એ મૂક્યા. આખુ ખાનુ ખાલી થઈ ગયુ હવે બચી હતી માત્ર એક ચાંદીની ડાબલી જેને અડતાં –અડતાં તેના હાથ ધ્રુજી ગયા . મન તો બોલ્યુ, “ રહેવા દે ,આમ જ ખાનુ લૂછી પાછુ બધુ ગોઠવી દે .” પણ દિલમાં લાલચ જાગી ,એક વાર ડાબલી ખોલી જોઈ લઉં . છેવટે દિલની જીત થઈ , ડાબલી બહાર આવી છતા તેને બાજુએ મૂકી પોતાના પ્રિય પુસ્તકોને પહેલા ગોઠવ્યા .બીજા બે ખાના તો રૉબોટની સ્પીડથી સાફ થયા .વસ્તુઓ પોતાની જગ્યાએ છાનીમાની બેસી ગઈ .હવે હાથમાં હતી ચાંદીની ડાબલી અને એક ભૂરી ડાયરી ....! 
 ડાબલી અને ડાયરી ટિપોઈ પર મૂકી જાતે ચા બનાવી ,ચા પીતાં-પીતાં મન ફરી ગૂંચવાયુ શું પ્રથમ હાથમાં લઉં ,ડાબલી કે ડાયરી ? અંતે ડાબલી હાથમાં લીધી ,કોઈ મોટી જણસ ના મૂકી હોય એટલી કાળજીથી ડાબલી ઊપાડી....ધીમેથી ઉઘાડી .ડાબલી આપી હતી મિત્ર અરવિંદે જે વર્ષો પહેલા કેંસર ને કારણે મરણને શરણ થયો હતો .તેણે ડાબલી પણ પ્રયોજન પૂર્વક જ રાજની પ્રિય વસ્તુ મૂકવા માટે જ આપી જતી . હાથોની ધ્રૂજારી થોડી વધી ગઈ... અંતે ડાબલી ખૂલી ..., મિત્રની યાદ તાજી થઈ અને.......આરોહીની . હા.... ડાબલીમાંથી એક લાંબો કાળો વાળ રાજે બહાર કાઢ્યો... તેને લાંબો કરી પોતાના ખોળામાં મૂકી રાજ તેના પર વારંવાર હાથ ફેરવવા લાગ્યો . આંખોને બહાનુ જ મળી ગયુ આંસુ વરસાવવાનું ..., આંખો નિરંતર વહે જતી હતી .અડધો એક કલાક બસ આ જ ક્રિયા ચાલી .આરોહીના વાળ પર હાથ ફેરવવો અને આંખોનું બસ અવિરત છલકતા રહેવુ . દિલ તો ના પાડતુ હતુ પણ હિંમત ભેગી કરી અને....... વાળ ફરીથી ડાબલીમાં પૂરાયો . જણસ સચવાય તેમ ડાબલી ત્રીજા ખાનામાં પોતાના સ્વ સ્થાને પહોંચી ગઈ . ચા ઠંડી પડી ગઈ ,પીવાની ઈચ્છા પણ મરી ગઈ . રાજે નાહવા-ધોવાનું પતાવ્યું .ટિફિન આવી ગયો એ ટબલ પર પોતાની યથાવત જગ્યાએ બેસી ગયો .
 હા....... રાજને બિલકુલ ખાવાની ઈચ્છા ના થઈ .હવે વારો હતો ભૂરી ડાયરીનો . હાથમાં ડાયરી લઈ રાજે પલંગ પર લંબાવ્યુ . એક ઊંડા ઉચ્છવાસ સાથે ડાયરી ખોલી .વર્ષો પહેલા પોતે ચીતરેલું પ્રથમ પાનુ જોઈ રાજને હસવુ આવ્યુ. મનોમન બબડ્યો આજે કોણ બનાવે આવી ડાયરી ...? ડાયરીનું સ્થાન મોબાઈલના નૉટપેડે લઈ લીધુ ,ઈ-મેલ ના ટાસ્ક પેજે લઈ લીધુ. બે-ત્રણ પાના ઊથલાવ્યા , કંઈ કેટલીય વાર પોતેજ લખેલી રોજનીશીની આ ડાયરી તેણે વાંચી હતી છતા દર વખતે રોમાંચ , દુ:ખની વેદના , યાદોના ઝરણાની તીવ્રતા જરાય ઓછી થઈ ન હતી . પોતાના પ્રિય પાના પર તે પહોંચી ગયો. સપ્ટેમ્બર -18 ,1991 જેમાં લખ્યુ હતુ “ આજે શાળામાં નવા આવેલા આરોહીબેનને પ્રથમ વાર મળ્યો ,ખૂબ જ સુંદર ચહેરો ,અણિયાળુ નાક ,લાંબા સુંવાળા વાળ ,એકવડિયો બાંધો ,ગોરો રંગ ,બોલવાની અલગ છટા જાણે દિલને ખુશ કરી ગઈ. કોઈ સાચા દિલના ,ખુલ્લા વિચારો વાળા વ્યક્તિત્વને મળવાનો આનંદ થયો .” ડાયરી બંધ થઈ ગઈ .આંખોમાં લાચારી ,અપરાધભાવ , ન જાણે કેટલીય બાબતો આંસુ બની વહી રહી .....અને રાજ 1991 માં પહોંચી ગયો .
 ગામ ગોથાણ ,તાલુકો ઓલપાડા ,જિલ્લો સુરત . ધોરણ -3 ના વર્ગમાં આછા લાલરંગની જેમાં આછા ભૂરા ફૂલ હતા તેવી સાડી પહેરેલી સ્ત્રી બેઠી હતી .લાંબો કાળો ચોટલો જે પાછળથી જ દેખાતો હતો .તે એક વિધાર્થી સાથે તેને નજીક બોલાવી વાતો કરી રહી હતી . રાજ બે મિનિટ દરવાજા પર જ ઊભો રહ્યો પછી ઔપચારિકતાથી દરવાજો ખખડાવ્યો. સ્ત્રી એ દરવાજા તરફ મોં કર્યુ અને રાજનું દિલ બે સેકંડ ધડકન ચૂકી ગયુ . એનું નામ આરોહી હતુ .તેણે ખુરશી પર બેઠા- બેઠા જ પૂછ્યુ કોનુ કામ છે ? સ્તબ્ધ બનેલા રાજે અંદર આવી પોતાની ઓળખ આપી . “ હું રાજ પરમાર . આ શાળામાં શિક્ષક જ છું અત્યારે બી.એડ કરુ છુ માટે રજા પર છુ .અંગત કામે આવ્યો હતો . નીતા મેડમે કહ્યું કે નવા મેડમ આવ્યા છે એટલે થયુ કે તમને મળતો જાઉં.” 
 તરત જ ખુરશી પરથી ઊઠી આરોહીએ રાજને બેસવા કહ્યું , “ બેસો સર સોરી તમને ઓળખતી ન હતી .” અરે કંઈ રીતે ઓળખો ? સરકાર શાળાની ઑફીસમાં આપણા ફોટા થોડા લટકાવે છે ? આરોહીએ આછુ સ્મિત વેર્યુ જે રાજના દિલમાં અંકિત થઈ ગયુ .બે-ત્રણ મિનિટ વાત કરી તે નીકળી ગયો. અવાર-નવાર આવતો પણ ઔપચારિકતાથી મળતો. અંતે બી.એડ પૂરુ થયુ તેથી નવા સત્રથી રાજ શાળામાં હાજર થયો .રાજ પાસે સાતમું ધોરણ અને આરોહી પાસે છઠ્ઠું ધોરણ . વર્ગ આમ તો બાજુ માં જ પણ આરોહી રીસેસ સિવાય વર્ગ બહાર આવવાનું ટાળતી . ધીમે –ધીમે ઓળખણ વધી. આરોહી સોનગઢ બાજુની અને રાજ કીમનો . રાજ પોતાની કવિતા કે આર્ટિકલ આરોહીને વાંચવા આપતો .ગામડામાં રહેતી આરોહી રાત્રે વાંચતી .તે પણ મનોમન આવા હોશિયાર હેંડસમ પુરુષને ચાહવા લાગી . બંને એકબીજાની નજીક આવવા લાગ્યા . આરોહીએ એક દિવસ શાળા છૂટવાના સમયે રાજના હાથમાં પત્ર મૂક્યો .જેમ –તેમ ખિસ્સામાં મૂકી રાજે બાઈક ધૂળિયા રસ્તા પર ભગાડી થોડે આગળ જઈ બાઈક સાઈડ પર મૂકી પત્ર વાંચ્યો .એક સ્ત્રીએ ખૂલ્લા દિલે પ્રેમનો એકરાર કર્યો હતો .શબ્દે શબ્દમાં સચ્ચાઈ હતી. રાજની ખુશીનો કોઈ પાર ન રહ્યો .આરોહી રાજ કરતા છ-સાત વર્ષ નાની જ્યારે રાજ મોટો તો ખરો , કાષ્ઠ પણ અલગ તેનો પણ વાંધો નહિ પણ રાજ ડાઈવોર્સી હતો .આરોહીને તો કોઈ જ વાંધો ન હતો પણ આરોહીના મા-બાપને વાંધો તો હતો જ .પછીતો બંનેના વર્તનથી બધાને અંદાજ તો આવી ગયો . માંડ છ મહિના બોલ્યા હશે.રાજે કદી આરોહીને સ્પર્શ સુધ્ધા કર્યો ન હતો , અને આરોહી તો એટલી નાદાન કે ના પૂછો વાત .એક દિવસ તેણે તેની નાની બહેન રીનાને પૂછ્યુ , “ રીના વીર્ય એટલે શું ? ,આજે પેપરમાં વાંચ્યુ .” રીના નાની હતી આરોહી કરતા, પણ ચબરાક .તેણે જ્યારે હકીકત કીધી તો આરોહીએ કહ્યુ ના કહીશ મને ,નથી સાંભળવુ મારે . બીજે દિવસે બધી વાત રાજને કરી ,રાજ પોતાની આટલી ભોળી પ્રિયતમાને જોઈ ખુશ થયો .
 આરોહી અને રાજે નક્કી કર્યુ હતુ કે રીના ના લગ્ન થાય પછી આપણે લગ્ન કરીશુ .રીનાનું પીટીસી 1993 માં પૂરુ થયુ .તે રાજને જીજાજી જ કહેતી .રાજ તેને નાની બહેનની જેમ સાચવતો . એક દિવસ શ્રાવણ માસમાં આરોહીએ ઘરમાં ભગવદગીતાનું પારાયણ રખાવ્યુ હતુ .તેને થોડી શરદી રહ્યા કરતી એટલે નજીકના ગામડેથી એક વૈદ પાસેથી દવા લાવતી હતી .તારીખ 9/8/1993 રાજ તેને દવાખાને લઈ ગયો .ખૂબ ભીડ હતી . આરોહીએ રાજને કહ્યુ કે બહુ ભૂખ લાગી છે .રાજે કીધુ , “ તારો નંબર આવવાને ઘણી વાર છે ચલ કશુ ખાઈ આવીએ .” આરોહી રાજની બાઈક પર બેઠી .રાજ તેને કશે પાઉંભાજી ખાવા લઈ જતો હતો .આરોહીએ બધુ જ સફેદ પહેર્યુ હતુ. ડ્રેસ ,મોજડીથી માંડી બધુ જ .ખૂબ જ સુંદર લાગતી હતી .
 હાઈ-વે પર આરોહીએ રાજને કીધુ કે એક ટ્રક બહુ નજીક છે ,રાજે કીધુ આપણે સાઈડ પર જ છીએ .પૂના કુંભારિયા ગામ પાસે આરોહી એ રાજને ફરી ટોક્યો કે ટ્રક બહુ નજીક છે. તેના મનના સમાધાન ખાતર રાજે બાઈક થોડી સાઈડ પર કરી અને બીજી જ ક્ષણે પેલી ટ્રક ઑવરટેક કરવા ગઈ પણ સામેથી ધસીને આવતી ટ્રકને જોઈ પેલો ડ્રાઈવર ગૂંચવાયો તેણે બેલેંસ ખોઈ દીધુ અને ટ્રકને રસ્તા પર જ ત્રાસી કરી ,ટ્રક ત્રાસી થતા રાજ સાથે થોડી એક બાજુ નમીને બેઠેલી આરોહીના માથામાં ટ્રકનો પાછળનો ભાગ જોરથી વાગ્યો .આરોહી પડી ગઈ ,રાજે બાઈક સાઈડ પર મૂકી આરોહીને પોતાના ખોળામાં લીધી .ટ્રક ડ્રાઈવર પરિસ્થિતિ પામી ગયોતે સીધો પોલીસ સ્ટેશન ભણી દોડ્યો .બે જ સેકંડમાં રાજના ખોળામાં સૂતેલી આરોહીએ આંખો ચઢાવી અસહ્ય વેદનામાં તેના મોઢામાંથી શબ્દ સરી પડ્યો , “ ઓ આઈ ....” આઈ એટલે મમ્મી .તેના નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યુ .ત્રીજી ક્ષણે આરોહી પોતાના પ્રિય રાજના ખોળામાં જ સદાને માટે સૂઈ ગઈ .રાજ હેબતાઈ ગયો પાછળથી આવતી ગાડી ઊભી રહી ,આરોહીને લઈ ગાડી સુરતના મહાવીર હોસ્પીટલમાં પહોંચી .પણ આરોહી તો હતી જ ક્યાં? ડેડબોડી સિવિલમાં ખસેડવામાં આવી. બીજે દિવસે આરોહીના મા-બાપ ,કાકા-કાકી આરોહીને લઈ તેમના વતન સોનગઢ જવા નીકળ્યા .રાજે આરોહીના પિતાને પગે લાગી કહ્યુ ,તમારી દિકરી નખ-શિખ પવિત્ર છે ,મને માફ કરો ,તમારો સહારો મે છીનવી લીધો ,હા...આરોહીને ભાઈ ન હતો . રાજ તો જાણે અર્ધ પાગલ બની ગયો હતો .લગભગ એક વર્ષ તો તેણે જોબ પણ ના કરી .તે આત્મા –પરમાત્મા ,ધ્યાન –યોગ બાજુ વળી ગયો .આરોહી ક્યાં હશે તે જાણવા તેણે ઘણા પ્રયાસ કર્યા પણ વ્યર્થ હતુ .
 આજે આટલા વર્ષો પછી પણ આરોહી જ દિલમાં હતી. કોઈ સ્ત્રીને તેણે નજીક આવવા જ ન દીધી .આરોહી સાથે પડાવેલો ફોટો જ ડ્રોઈંગરૂમની દિવાલ પર તેના પ્રેમની સાક્ષી પૂરતો હતો .તેની યાદોમાં લખેલી કવિતા જ રાજ માટે ખજાનો હતી .અને પેલો લાંબો વાળ તેની અમૂલ્ય જણસ હતો .જે તેના શર્ટ પર આરોહી એ તેના ખોળામાં છેલ્લા શ્વાસ લીધા હતા ત્યારે આવી ગયો હતો .જાણે આરોહી એ છેલ્લી ભેટ આપી હતી .
 ડાયરી બંધ કરી રાજ ડોઈંગરૂમમાં દોડી ગયો ફોટા સામે જોઈ બોલ્યો ,આરોહી સૉરી ફરી રડી દેવાયુ ,કેટલીય વાર તને પ્રોમિસ કરુ છુ કે , તને યાદ કરી નહિ રડુ પણ દિલ દગો દઈ જ જાય છે ,મને માફ કરજે ... કરીશને ... હા....હું તારો સાચો આશિક છુ અને મરતા સુધી રહીશ .મારી યાદોમાં ,મારા અસ્તિત્વમાં તુ જ તો છે ...આને શુ કહેવાય આરોહી ...પ્રેમ જ ને .....કંઈ કેટલીય વાર બબડતો તે ત્યાં જ ઊભો રહ્યો...કેવો અનુરાગ... કોઈના ન હોવા છતા તેને જ ચાહવું ....યાદ કરવુ.... ક્યારેક યાદ કરી રડવુ તો ક્યારેક રોમાંચિત થવુ ....આવા અનુરાગની ઝલક હવે કેટલા બતાવી શકે ...? કદાચ બહુ ઓછા....ને..! રાજ શર્ટ પહેરી તાપીના પૂલ પર ગયો. વહેતુ પાણી તેને સમજાવી રહ્યુ હતુ હવે આગળ વધ પણ દિલ એક ડગલુ ભરવાની મનાઈ કરતુ હતુ .કદાચ તેને આ જ જીંદગી જેમાં તે અને આરોહીની યાદો હતી તે જ મંજૂર હતી ........... 
સંગમ સંગીતા દયાળ