ammi hu chhu ne books and stories free download online pdf in Gujarati

અમ્મી હુ છુ ને

અમ્મી હું છુ ને .............. 
       સાંજે કામેથી પાછી આવેલી શબીનાના ઘર પાસે લોકોનું ટોળુ હતુ . શબીના ડરી ગઈ . આગલા પતિનો પુત્ર સદ્દામ થોડો અડવીતરો મસ્તીખોર ખરો .... એટલે શબીનાને લાગ્યુ નક્કી કોઈને મારીને જ આવ્યો હશે ...આજે તો એનો ઓરમાન બાપો ફાડી જ ખાશે . તે ડરતી – ડરતી ટોળાને ચીરતી ઘરમાં દાખલ થઈ . અંદરનું દ્રશ્ય જુદુ જ હતુ . સદ્દામ પોતાની ઓરમાન નાની બહેન મહેંકને છાની રાખવાનો પ્રયત્ન કરતો હતો... શબીનાએ આવીને કશુ વિચાર્યા વગર સદ્દામને એક તમાચો ઠોકી દીધો . પડોશમાં રહેતી અફસાનાએ શબીનાનો હાથ પકડી લેતા કહ્યુ , “ એને શું મારે છે ?” “ શુ થયુ અફસાના મારા ઘર આગળ આટલી ભીડ કેમ છે ? મારા મરદે દારુ પીને ધમાલ કરી છે ?” “ ના..,ના એ હોય તો ધમાલ કરે ને..! ....” “ એટલે કામે ગયો કશે પણ મને તો કશુ કીધુ નથી ?” અરે..! હમણા થોડી વાર પહેલા જ ખબર પડી કે તારો મરદ સવારનો કોઈ કડિયા કામ કરનારી હિન્દુ છોકરીને લઈને ભાગી ગયો છે..!” 
      “ શું મુનાફ ભાગી ગયો?” કહેતા શબીના ફસડાઈ પડી . “ મુનાફ આવુ કરે..? ના....ના એ આવુ ના કરે ? છ વરસથી એનુ ઘર લઈને બેઠી છુ .., કામ કરુ છુ એ આવુ કંઈ રીતે કરે..” અરે ...! અસલમ ચાચાને કહેતો ગયો છે ક્યારેય પાછો નહિ આવુ એવુ .” અફસાના બોલી . “ અફસાના મારો એવો તે શુ ગુનો કે બીજીને લઈને ગયો .” “ ભાઈ સાંભળ્યુ છે કે એ છોકરી સાથે વરસોથી ફરતો હતો એની જોડે જ પરણવુ હતુ પણ એના બાપએ એની ચાલવા ના દીધીને તારી સાથે નિકાહ કરાવ્યા’તા . હવે બાપા છે નહિ તો રોકનાર કોણ ?” શબીના મૌન થઈ ગઈ . 
     મોડી રાત સુધી ટોળુ આમ થી તેમ થયા કર્યુ પણ કોઈ એ શબીના કે છોકરાઓને ખાવાનું ન પૂછ્યુ . રાતે પેટ ભરીને વાતો કર્યા પછી ટોળુ વિખેરાયુ . નાની મહેંક મા પાસે અવી બોલી “ અમ્મી ભૂખ લાગી છે .” મન મક્કમ કરી શબીના ઊભી થઈ .અને બાળકો માટે ખીચડી બનાવી . બાળકોને ખવડાવી શબીનાએ તેમને સૂવડાવ્યા . પછી રડતી શબીનાએ અલ્લાહને ફરિયાદ કરતા રાત વીતાવી . સવારે કાસમ ચાચા ઘરે આવ્યા . ચા શું પૂછવી દૂધ તો હતુ જ નહિ . શબીના ચૂપચાપ બેસી રહી . કાસિમ ચાચા એ પડ્યા પર પાટુ માર્યુ અને કીધુ , “ બિટીયા પંદર દિવસ પહેલા તારા નામે તારા મરદે 30 હજારની લોન લીધી’તી . એ પૈસાનું શુ કર્યુ ?”  
       શબીનાને યાદ આવ્યુ એ તો મુનાફે ધંધો કરવા જોઈએ છે એમ કરીને લીધી હતી . “ કાસિમ ચાચા મુનાફે ધંધો કરવા પૈસા લીધા હતા મેં તો પૈસા જોયા પણ નથી , હોય તો કબાટમાં જ હોય .” ઝડપથી ઊભા થઈ તેણે કબાટ ખોલ્યુ , જોયુ તો કશુ જ ન હતુ . ઉપરના ખાના પર નજર કરી તો શબીના ના નવા કપડા પણ ગાયબ હતા . રડતી આંખો લૂછતી શબીના બોલી , “ ચાચા હવે શુ થશે ?” “ બિટીયા લોન તો તારા નામે લીધી છે તો પૈસા તો તારે જ ભરવા પડશે .” “ ચાચા હું શું કરુ ? મને થોડો ટાઈમ તો આપો , કદાચ મુનાફ પાછો આવી જાય ...!” “ એ તો બિટીયા તુ જાણે પણ સોસાયટી તને ટાઈમ નહિ આપી શકે .હપ્તો તો તારે દર મહિને ભરવો જ પડશે .” કહી કાસિમચાચા ઉઠ્યા . 
      શબીનાએ રોટલા રાંધી નાની મહેંકને સાથે લઈ કામ પર નીકળી . પાંચ ઘરના કપડા-વાસણ કરતી હતી તો એ દિવસે બીજા ત્રણ નવા કામ બાંધ્યા . સાંજે ઘરે થાકીને આવી . શારીરમાં જાણે કશુ જ ન હતુ બસ બાળકોને જોયા કરતી હતી . રાતે નાની મહેંક અને સફી વહેલા સૂઈ ગયા . જેને વધુ ખાવાનું જોઈએ એ સદ્દામે ઓછુ ખાધુ ... પોતાની અમ્મી પાસે આવીને એ બાર વર્ષનો છોકરો અમ્મી ના ખોળામાં સૂઈ ગયો અને રડી પડ્યો ,શબીના તેને વળગી ખૂબ રડી . બંનેના જીવ રડીને જાણે હલકા થયા . શબીના બોલી , “ બેટા હવે શુ કરીશુ ?” 
       “ અમ્મી તુ ચિંતા ન કર હુ છુ ને ...! શુ ફરક પડ્યો જો એ નથી . આમ પણ કમાઈને અડધુ તો દારુ પીવામા જ તો ઉડાવતો હતો .” “ પણ બેટા મરદ તો કહેવાતો ને.., તારા અબ્બા ના ગુજરી ગયા પછી લોકો કેવુ બોલતા હતા એ તને શુ ખબર .., એટલે જ તો મેં બીજુ ઘર કર્યુ , હવે 2500 ઘર ભાડુ કાઢવાનુ ને ....સોસાયટીનો હપ્તો .., કામ કરીને બેટા મારા તો હાડકા તૂટે છે હુ એકલી કેવી રીતે કરીશ .” અમ્મી હું છુ ને.. હુ અસલમ ચાચાની દુકાને નોકરી કરીશ ., તને મદદ કરીશ , જોજે અમ્મી બધુ સારુ થશે . હુ હવે મોટો છુ . શબીના એના શબ્દો સાંભળી રહી . તેણે સદ્દામના માથે હાથ ફેરવી કહ્યુ , “ હા , બેટા તુ તો છે ને .” સવારે સદામે સ્કૂલના રસ્તાને બદલે દુકાનનો રસ્તો લીધો. દિલથી કામ કરતો . મસ્તીખોર સદ્દામ એક સમજદાર છોકરો થઈ ગયો . તેના કામથી અસલમ ચાચા ખુશ હતા . આખા મહિનાનુ કરિયાણાનો થેલો ઉંચકી સદ્દામ ઘરમાં આવ્યો . મહેંક અને સફીને હાથમાં ચોકલેટ આપી . શબીના ના હાથમાં 2500 રૂપિયા આપી બોલ્યો , લે અમ્મી પહેલો પગાર ભાડુ આપી દે જે .” 
      શબીનાની આંખો છલકાઈ ગઈ . તે બોલી બેટા તુ તો સાચુ મોટો થઈ ગયો .” હા..,અમ્મી હવે તુ ચિંતા ના કરતી હુ છુ તને હંમેશા મદદ કરીશ અને સવારે થોડી વાર સ્કૂલે પણ જઈશ . ચાચા એ સ્કૂલે જવાની પણ હા પાડી છે . જમીને સદામ સૂઈ ગયો અને શબીનાના કાનમાં તેના શબ્દો ગૂંજતા રહ્યા “ અમ્મી હું છુ ને...” ..અને શબીનાની પણ આંખ લાગી ગઈ . મુનાફના ગયા પછી આજે પહેલી વાર તે ખુશ હતી .....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED