બ્લાઇન્ડ ગેમ (ભાગ-૨) DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૨)

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૨)

(સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા)

ભાગ–૨ (વાર્તા નહિ, આઝાદી નહિ...)

લેખક : ધર્મેશ ગાંધી

-------------------

(ભાગ-૧ માં આપણે જોયું કે...

એક રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા નીવડનાર નવોદિત વાર્તાકાર અરમાન દીક્ષિતને એક અજાણ્યો ફોન આવે છે. માતબર રકમનું ઈનામ ધરાવતી એ આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટે એને નિઃશુલ્ક આમંત્રણ આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયેલા અરમાન સમક્ષ એક આકરી શરત મૂકવામાં આવે છે – વિનર થાય એવી ‘બેસ્ટ’ વાર્તાનું સર્જન કરીને એવોર્ડ હાંસલ કરવો! પરંતુ, વાર્તા પોતાના નામે નહિ, અન્યના નામથી લખવી! એને એહસાસ થાય છે કે પોતે એક જાળમાં ફસાઈને કિડનેપ થઈ ચૂક્યો છે!

હવે આગળ...)

---------------------

લમણે ટેકવાયેલી નાજુક રિવોલ્વર કેવો ભયાનક વિનાશ વેરી શકે એ અરમાન પોતે સમજીને એને પચાવી શકે એ પહેલાં બાથરૂમનો દરવાજો ખૂલ્યો. ને છ ફૂટથીયે ઊંચું એક જાજરમાન વ્યક્તિત્વ ડોકાયું. ચાલીસીમાં પ્રવેશેલું મરદાના શરીર પહોળા ખભા અને વિશાળ છાતીનું માલિક હતું. અર્ધ સોનેરી રંગે રંગાયેલા માથાના સુંવાળા લાંબા વાળ પાછળથી ‘પોની ટેઇલ’થી વ્યવસ્થિત રીતે બંધાયેલા હતા. મહત્વાકાંક્ષી ચહેરા પર જડબેસલાક રીતે જડાયેલી મક્કમ આંખો પર ગોલ્ડન ફ્રેમના ચશ્માં દ્રઢતાપૂર્વક ગોઠવાયેલા હતા. ઘેરા ભૂરા રંગના સુટમાં શોભતા એ વ્યક્તિના હાથમાં ચમકતા-કાળા રંગની ‘વોકિંગ-સ્ટીક’ પ્રભાવ પાડી રહી હતી. એ સ્ટીક મજબૂત પ્રકારના લાકડામાંથી બનાવાઈ હતી જેનો ‘પેનાંગ લોયર’ તરીકે ઓળખાતો માથાનો ભાગ ગોળ અને લીસો હતો. એની નીચે એક ઇંચની પહોળાઈવાળી ચાંદીની પટ્ટી પર કોઈક નામ કોતરાયેલું હતું. પ્રતિષ્ઠા અને નિર્ભયતાની નિશાની સમી આ સ્ટીક બૂટના ‘ટક ટક’ અવાજ સાથે ઓફિસની વુડન-ફર્શ ઉપર પોતાના અનેરા ટકોરા પાડી રહી હતી. એ વ્યક્તિના બંને હાથની લગભગ દરેક આંગળીઓમાં માનવજાતને નડતરરૂપ થનારા વિવિધ ગ્રહો સામે રક્ષણ આપનારા રંગબેરંગી નંગો મઢેલી વીંટીઓ શોભતી હતી.

‘હેલો, મિ. રાઇટર!’ પ્રભાવશાળી વ્યક્તિએ અરમાનનું અભિવાદન કર્યું. જોકે અરમાન જે પરિસ્થિતિમાં કચડાઈ રહ્યો હતો એ કોઈ અભિવાદન માટે અનુકૂળ તો ન જ હતી!

‘તમને કે કોઈને પણ મળીને મને કોઈ ખાસ ખુશી નથી થઈ, મિ... જે પણ હોવ!’ અરમાન ધૂંધવાઈ ઊઠ્યો.

‘બેલાશક! અહીં તમારી હાજરી જરૂરી છે, તમારી ખુશી નહિ, રાઇટર બાબુ!’

‘મને અહીં શા માટે... આઈ મીન, આ ધમકી...’

‘ધમકી નહિ, રીક્વેસ્ટ... વાર્તા લખવા માટેની એક ‘હમ્બ્લ’ રીક્વેસ્ટ!’ જાજરમાન વ્યક્તિએ શાંત સ્વરે અરમાનનો ભ્રમ ભાંગવાની કોશિશ કરી.

‘અંહ... રિવોલ્વરની અણીએ રીક્વેસ્ટ? એક સર્જકને કેદ કરીને તમે એની પાસેથી શ્રેષ્ઠ સર્જનશીલતાની અપેક્ષા સેવો છો?’

‘કેદ નહિ, માત્ર નજરકેદ, મિ. દીક્ષિત! તમારું કામ ફક્ત વાર્તા લખવાનું છે. એક અદ્ભુત વાર્તા - મારા નામથી - ધી ગ્રેટ હઝરત કુરેશીના નામથી...’ રુઆબદાર વ્યક્તિએ પ્રેમાળ સ્વરે સમજાવ્યું.

‘વાર્તાસર્જન માટે તમને પૂરેપૂરી આઝાદી આપવામાં આવશે. તમારી દરેક જરૂરિયાતોનો પૂરતો ખ્યાલ રાખવામાં કચાશ નહિ રહે.’ નવ્યાએ પોતાની વાણીમાં એની કમનીય કાયાને શોભે એવી નજાકત લાવીને કહ્યું, સાથે એ ખાસ ધ્યાન રાખ્યું કે ‘દરેક’ શબ્દ થોડો વજનદાર લાગે!

‘અને મારી એ ‘દરેક જરૂરિયાત’વાળી સરભરાનો ખર્ચ રૂપિયા પાંચ લાખ? વાહ! વાર્તા લખું હું; વિજેતા બનું હું; અને ઈનામ-એવોર્ડ મેળવો તમે લોકો! તમારો આ ધંધો ધમધોકાર ચાલે એમ છે. આજકાલ સાહિત્યની મોસમ પૂરબહારમાં મહોરી ઊઠી છે, કુરેશીસાહેબ?’

હઝરત કુરેશીએ નવ્યા સામે એક સૂચક નજર નાખી. નવ્યા એ નજરનો ઈશારો પામી ગઈ હોય એમ અરમાનના લમણેથી રિવોલ્વર ખસેડીને પોતાની કમનીય કમર અને સિલ્કની સાડી વચ્ચે ખોસી દીધી.

અરમાનના કપાળ પર એકસામટી ચાર-પાંચ કરચલીઓ ઉપસી આવી. જોકે એ પોતે પણ કળી શકે એમ નહોતો કે એ કરચલીઓ ભયની છે કે મૂંઝવણની!

‘મારા નામથી લખાયેલી તમારી વાર્તા વિજેતા નીવડશે તો સ્પર્ધાનું પાંચ લાખનું પુરસ્કાર તમારું... ઉપરથી બીજા પાંચ લાખ રૂપિયા બક્ષીસ... કુલ દસ લાખ!’ હઝરત કુરેશીએ દરખાસ્ત મૂકી.

‘અને, હું ઇનકાર કરું તો?’

‘મિ. દીક્ષિત...’ હઝરત કુરેશીનો ચહેરો અચાનક તમતમી ઊઠ્યો. આંખોમાં રક્ત ધસી આવ્યું. એ એક જ ઝાટકે ઊભા થઈ ગયા. લાકડીના ગોળાકાર માથા પરની બંને હાથની પકડમાં સખતાઈ લાવીને એ તાડૂકી ઊઠ્યા, ‘હઝરત કુરેશીને ઇનકાર સાંભળવાની આદત નથી, મિ. દીક્ષિત.’ પછી પોતાની જાત પર થોડો અંકુશ લાવી ધીમા સાદે ઉમેર્યું, ‘તમારી પાસે કોઈ વિકલ્પ નથી, મિ. રાઇટર! આ કોઈ ખેલ નથી કે ‘લાઇફલાઇન’ હોય! અને ખુદાના ખાસ્તા તમારી લેખક તરીકેની કારકિર્દીનો ઉદય થતાં પહેલાં જ તમારી જીવનયાત્રાનો જો અસ્ત થઈ ગયો તો... હાં..ક..છીં..ઈ..ઈ...’

‘તો...’ પછીની અપશુકનિયાળ છીંક અને અધૂરાં રહેલાં વાક્યનો તાળો મેળવવાની હિંમત અરમાનમાં ભાંગી પડી.

‘ફક્ત બે કલાક; વિચારી લો! તમને એક મોકો આપવામાં આવે છે. તમારું અસ્તિત્વ તમારા પોતાના હાથમાં... બે કલાક પછી તમારા હોઠ પર રજામંદી નહિ હોય તો મારા હાથમાં રિવોલ્વર હશે!’ હઝરત કુરેશી સીધું આખરીનામું આપીને સડસડાટ ઓફિસની બહાર નીકળી ગયા.

અરમાન પાસે સમસમી જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એ સુન્ન થઈ ગયો હતો. એનું ગળું સૂકાઈ રહ્યું હતું. ‘પ...પ..પાણી... મ..મળશે?’ કુરેશીના આખરીનામાથી અરમાન નખશિખ ધ્રુજી ઊઠ્યો હતો.

સુનકારની થોડી ક્ષણો વીતી.

‘કોણ છે આ પાગલ?’ નંખાઈ ગયેલા ચહેરે અરમાને નવ્યાને પૂછવાનું સાહસ કર્યું, ‘ગેરરીતિથી સાહિત્યનું સન્માન પામીને એ શું સાબિત કરવાની કોશિશ કરે છે?’ અરમાને હથિયાર હેઠાં મૂકી ખુન્નસભર્યો સવાલ કર્યો.

‘કિડનેપ થયેલી વ્યક્તિને સવાલ પૂછવાનો અધિકાર હોતો નથી, છતાં... જેને તમે પાગલ વ્યક્તિ કહો છો એ કુરેશીસાહેબનું, અત્યાર સુધી અધૂરું રહેલું સ્વપ્ન છે કે પોતે આલા દરજ્જાના વાર્તાકાર-સાહિત્યકાર બને!’ નવ્યાએ રૂંધાયેલા અવાજે કહ્યું.

અરમાને અનુભવ્યું કે જાણે લાંબા સમય પછી ઓફિસમાં એક સંવેદનશીલતાએ દબાતા પગલે પ્રવેશ કર્યો છે!

‘હઝરતસરના અબ્બુને વાંચનનો પાગલપણાની હદ સુધીનો શોખ હતો.’ નવ્યાની આંખો પણ હવે એના શબ્દોની માફક પેલી દબાતે પગલે પ્રવેશેલી સંવેદનશીલતાને પોતાનામાં સમાવવા બેબાકળી થઈ રહી હતી, ‘એમના અબ્બુ હંમેશા એમને કહેતા, ‘બેટા હેઝુ, કિસી રોજ મેરે હાથોમેં તેરી લિખી હુઈ કિતાબ હોગી; મૈ સિર્ફ પઢતા હૂં, તું લિખના... દિલકી સુનના, ખૂબ લિખના. ઈસી સાહિત્યને મુઝે તેરી અમ્મી સે મિલવાયા થા. તું ઈસ સાહિત્ય કા સરતાજ બનના બેટે, તેરી અમ્મીજાન કી રૂહકો સુકુન મિલેગા!’-’

‘તો શું આમ કિડનેપ કરીને, હલકાપણું દાખવીને આ માથાફરેલ માણસ સાહિત્યનો સરતાજ બનશે? એમની મરહૂમ અમ્મીજાન પ્રસન્ન થશે?’ અરમાને નવ્યામાં સળવળી ઊઠેલી સંવેદનાને ધગધગતો સળિયો ચાંપવાની પેરવી કરી જોઈ.

‘એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ લીટરેચર, મિ. રાઇટર!’ નવ્યાએ સળવળતી સંવેદનાનાં અંતિમ સંસ્કાર કરીને હઝરત કુરેશીનો મનસૂબો મક્કમ કર્યો, ‘વાર્તા નહિ, આઝાદી નહિ!’

‘મિયાં હઝરત, ઈતિહાસ ગવાહ છે કે આશિક અને કલાકાર કોઈ સરમુખત્યારની બેડીઓમાં બંધાઈ શક્યાં નથી. પલકારો ઝપકાવશો ને હું પરબારો પલાયન થઈ જઈશ. તમારી આ ચુસ્ત ચિબાવલીની ચીકણી ટાંગો પણ મને લપસાવી નહિ શકે!’ હોઠ સુધી આવી ચૂકેલા ઝનૂની શબ્દો અરમાન ગળી ગયો.

‘અગર... સ્પર્ધામાં મારી વાર્તા વિજેતા નહિ નીવડી તો...?’

‘તો..?’ પોતાનો મોબાઇલ કાઢી નવ્યાએ અમુક ખાસ વિડીયો-ક્લિપ્સ ચાલુ કરી, ‘ફોર યુ, લેખક મહાશય!’

વિડીઓ-ક્લિપ્સ જોતાં જ અરમાનના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. દરેક ક્લિપ્સમાં એની પત્ની અર્પિતા મોજૂદ હતી - જોગીંગ કરતી અર્પિતા... ઘર તરફ રવાના થતી અર્પિતા... રસોડામાં શાક સમારતી અર્પિતા... ભૂલાઈ ગયેલો ટુવાલ લેવા બાથરૂમમાંથી ભીના શરીરે નીકળતી અર્પિતા...

અરમાનનું શરીર ફિક્કું પડવા માંડ્યું. જાણે કે એની નસોમાં લોહી નહિ, માત્ર સફેદી વહેતી હોય! એના ચહેરા પર એકસાથે જુદાં-જુદાં ભાવ ઉપસી આવ્યા અને ઉડતી મુલાકાત લઈ ફરાર થઈ ગયા. આંખે અંધારા છવાઈ ગયા. દીવાલને ટેકે ફર્શ પર ઢગલો થઈને બેસી જવાનું એણે મુનાસિબ માન્યું. એને હવે એ સમજાવવાની જરૂર રહી ન હતી કે આ લોકોની નજરકેદમાં માત્ર પોતે જ નહિ, અર્પિતા પણ સપડાઈ ચૂકી હતી!

***

સમય સરકી રહ્યો હતો. એરકંડીશન્ડ ઓફિસમાં આંટા મારી રહેલો અરમાન પરસેવે રેબઝેબ હતો. યોગનું કોઈ આસન પણ એને અત્યારે માનસિક તણાવમાંથી તારી શકે એમ જણાતું નહોતું. ઘડિયાળની ટક-ટક ત્યાં છવાયેલી ખામોશીને ચીરવાની અધકચરી કોશિશ કરી રહી હતી. નવ્યા બિન્દાસ્ત બનીને સોફા પર લેટી હતી. એની છાતીના ઉભારનું કલાત્મક પ્રદર્શન કરતો ખભા પરથી સરકી ગયેલો સિલ્ક સાડીનો છેડો ઠીક કરવાની એને ખાસ દરકાર જણાતી ન હતી; પરંતુ કમરે ખોસેલી રિવોલ્વર પર હાથ પસવાર્યા કરવું એ એનાં માટે અચૂક કાર્ય હતું!

-ને ઓફિસનો દરવાજો ખૂલ્યો. સમયના પાબંદ હઝરત કુરેશીએ અંદર પ્રવેશતા જ સદાયે સજાગ રહેતી દિવાલ-ઘડિયાળ સામે તાકતા અરમાનને આડકતરો ઈશારો આપ્યો, ‘તમારો સમય સમાપ્ત થયો, મિ. દીક્ષિત!’

અરમાન પાસે ઇનકાર માટેની કોઈ છટકબારી હાથવગી નહોતી. એણે જિંદગીની હજુ લાંબી મજલ કાપવાની હતી! પરંતુ એક વાત એ સમજી ચૂક્યો હતો કે એને પોતાને મોતને ઘાટ ઉતારવા કરતા હઝરત કુરેશી કંઈક સમાધાન કરવાનું મુનાસિબ માને, આખરે એણે પ્રતિષ્ઠિત વાર્તાસ્પર્ધા જીતીને એક ઉમદા વાર્તાકાર તરીકે પ્રખ્યાત જો થવું છે, નિ:સંદેહ!

‘વાર્તા રચવી એ એક આર્ટ છે, મિ. કુરેશી...’ અરમાનનું દિમાગ કૈક વિચારીને એની કલમ કરતા તેજ ભાગવા માંડ્યું, ‘...ને એ આર્ટ માત્ર પ્રફુલ્લિત દિમાગ, હળવું હૃદય અને ખુશનુમા વાતાવરણ દ્વારા જ સોળે કળાએ ખીલી શકે!’

‘બેલાશક!’ હઝરત કુરેશીએ સંમતિમાં ડોકું ધુણાવ્યું.

‘શું આપ ધારો છો કે આ અકળામણ ભરેલી બંધિયાર કોટડી મારી શ્રેષ્ઠ રચના ઉપજાવી શકે?’ અરમાને એનાં ભાથામાંથી એક ધારદાર તીર છોડ્યું.

હઝરત કુરેશી થોડી ક્ષણો ખામોશ રહ્યા. કૈંક ઊંડું વિચારતા નવ્યા તરફ ફરીને બોલ્યા, ‘હું એ માની લઉં છું કે દસ મિનીટની અંદર કોઈક હિલસ્ટેશન પર હોટેલનું દસ દિવસ માટે બુકિંગ કન્ફર્મ થઈ ચૂક્યું હશે!’

‘યસ્સ સર!’ નવ્યાએ એમની માન્યતા ઉપર મહોર મારી.

ફરી એ જ ખામોશી! એ જ ધડિયાળની ટીક-ટીક... અને કમ્પ્યૂટર કીબોર્ડ પર નવ્યાની નાજુક-નમણી આંગળીઓનાં ટકોરા... થોડાં ફોન-કોલ્સ... અને...

‘માઉન્ટ આબુ!’ નવ્યાએ એની બદામી આંખો નચાવતા કહ્યું, ‘કોટેજ!’

‘ડુંગરાળ પ્રકૃતિની શીતળતામાં હૂંફાળી નવ્યાનો સંગાથ તમારી રચનાને ઉષ્મા આપશે, મિ. દીક્ષિત.’ હઝરત કુરેશીએ અરમાનના ખભે હાથ મૂકી મલકાતા ચહેરે ઉમેર્યું, ‘માઉન્ટ આબુમાં નવ્યા તમારો સારી રીતે ખ્યાલ રાખશે, અને અમે અહીં નવસારીમાં તમારી પત્ની અર્પિતાનો...!’

ખભે મૂકાયેલા હાથની આંગળીઓમાં શોભતી નીલમ, પોખરાજ અને પન્નાનાં નંગોવાળી વીંટીઓ તરફ સંશયભરી નજરે તાકી રહેલા અરમાનને કુરેશીએ સોંસરો સવાલ કર્યો, ‘ઓહ્હ, આ ગ્રહો... અંધશ્રદ્ધાનો ઈજારો શું ફક્ત તમારો જ છે?’

‘બુકિંગ કન્ફર્મ્ડ, સર!’ નવ્યાએ ‘એન્ટર’નું બટન અંગૂઠા વડે દબાવ્યું અને નીચલો હોઠ દાંત વડે!

ચમકતી આંખોએ અરમાન પોતાની કાબેલિયતને દાદ દઈ રહ્યો હતો. પોતાના ભાથામાં સાચવી રાખેલા હજુયે કેટલાંયે ધારદાર શસ્ત્રો વણવપરાયા પડ્યા હતા. બસ, દરેક શસ્ત્રનો એક સમય હોય છે! એ મલકાયો, એનું ખાસ ધ્યાન રાખીને કે એ મલકાટ ક્યાંક છલકાઈ ન જાય!

આજના કંટાળાજનક દિવસની આ પહેલી એવી ઘડી હતી કે જયારે ત્રણેય પાત્રો પોતાની અંદર-અંદર જ મલકાઈ રહ્યાં હતાં! મલકાટ એક જ, પણ હોઠે-હોઠે મકસદ અલગ-અલગ!

(ક્રમશઃ)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : ભાગ-૩ વાંચવાનું ચૂકશો નહિ.)