બ્લાઇન્ડ ગેમ (ભાગ-3) DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ (ભાગ-3)

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા)

(ભાગ-3 : પારદર્શક ખંજર)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(ભાગ-૨ માં આપણે જોયું કે...

કિડનેપ થઈ ચૂકેલા નવોદિત લેખક અરમાન દીક્ષિતને લમણે ખૂબસૂરત નવ્યાની રિવોલ્વર કાળ બનીને ટેકવાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટે હઝરત કુરેશીના નામથી વાર્તા લખવાનું દબાણ થાય છે. એને વિડીયો-ક્લિપ્સ બતાવીને ચેતવણી અપાય છે કે નજરકેદમાં ફક્ત એ પોતે જ નહિ, એની પત્ની અર્પિતા પણ સપડાઈ ચૂકી છે. કોઈ પણ સંજોગોમાં ‘વિનર’ બનીને એવોર્ડ મેળવવાનું ષડયંત્ર રચાય છે ત્યારે અરમાન વાર્તાસર્જન માટે ખુશનુમા વાતાવરણની માંગ કરે છે. અને ત્યાર બાદ ગોઠવાય છે માઉન્ટ આબુની સફર..

હવે આગળ...)

-----------------
સંધ્યાની રતાશ આકાશમાંથી ધરા ઉપર ઉતરી આવી હતી. ઠંડા પવનની લહેરખી અરમાનના ગાલે હળવી ટપલી મારીને જાણે કે મજાક કરતી હોય એમ નવ્યાની લહેરાતી લટો તરફ વળી જતી હતી. એ પવનની લહેરખીઓ પણ નવ્યાને તાકતી રહેતી અનેક નજરોથી અલગ નહોતી! એનાં ચહેરા પર લાંબો સમય માટે રોકાતી, ગાલે-હોઠે અડપલાં કરતી, પછી આંખોમાં ફૂંક મારતી સરકી જતી!

નવ્યાનાં સૌંદર્યનું રસપાન કરતો અરમાન સામે આવીને ઊભેલી સાક્ષાત લિમોઝીન કારને પણ ભૂલી ગયો હતો. લગભગ વીસ ફૂટ લાંબી અને સાત ફૂટ પહોળી એવી આ શાનદાર ગાડી વસાવવાનું તો દૂર, એમાં બેસીને સફર કરવાનુંયે એક સ્વપ્ન સમાન હોય! ચળકતા કાળા રંગની નાગણ જેવી લાંબીલચક લિમોઝીન માઉન્ટ આબુ રવાના થવા માટે સજીધજીને તૈયાર હતી. શોફરે જયારે નીચા નમીને દરવાજો ખોલ્યો ત્યારે છેક અરમાન નવ્યાનાં મોહપાશમાંથી છૂટીને લિમોઝીનમાં પ્રવેશ્યો. એની આંખો ચકચકિત થઈ ઊઠી, જાણે કે ધરતી પર હરતાંફરતાં સ્વર્ગમાં ઉતરી આવ્યો હોય! પર્પલ રંગની થીમથી સજાવેલું લિમોઝીન કારનું ઇન્ટિરિઅર એક માદક વાતાવરણ ઊભું કરી રહ્યું હતું. ગાડીની છત તથા દીવાલો ઝાંખા ગુલાબી-વાદળી રંગની લાઇટોથી ઝળાહળા થતી હતી. ડ્રાઇવરની કેબીનથી પાછળના વિશાળ કમ્પાર્ટમેન્ટને અલગ પાડતું અપારદર્શક કાચનું એક પાર્ટીશન હતું. ગાડીની એક તરફની દીવાલને અડીને લાંબા કદના પર્પલ રંગના મખમલી કવર ચઢાવેલા મુલાયમ ગાદીવાળા સોફા ગોઠવેલા હતા. એની સામેની તરફ નાનાં કદનું રેફ્રીજરેટર, ટેબલ, મ્યુઝીક-સીસ્ટમ સરસરીતે સજાવ્યા હતા. પાર્ટીશનની દીવાલ પર લટકતા એલ.ઇ.ડી. ટીવી ઉપર કોઈક અંગ્રેજી ચલચિત્ર ચાલી રહ્યું હતું. મરોડદાર સોફાને કિનારે એક પુશબેક ચેર હતી. પાર્ટીશન અને સોફાની વચ્ચે પડતી થોડી જગ્યામાં બે મધ્યમ કદની સીટ હતી જેની ઉપર અગાઉથી જ હઝરત કુરેશીના બે મુસ્તંડા કાળા રંગના સુટમાં બિરાજમાન હતા. બ્લેક-કેટ કમાન્ડો જેવા, કોઈપણ પ્રકારના ભાવ વિનાનો તદ્દન સપાટ ચહેરો ધરાવતા મુસ્તંડાઓએ અરમાનને આવકાર આપ્યો. અરમાનની પાછળ નવ્યાએ પણ પ્રવેશ કર્યો. અરમાને જાજરમાન સોફા પર બેઠક લીધી તો નવ્યાએ ખૂણામાં રહેલી પુશબેક ચેર ઉપર! ને સુંદર તેમજ સ્વચ્છ નવસારી શહેરના હાર્દસમા ગોળાકાર લુન્સીકુઈ વિસ્તારને અલવિદા કહેતી લિમોઝીનની સવારી મારવાડના માઉન્ટ આબુ તરફના રસ્તે રવાના થઈ...

આથમી ચૂકેલા સૂર્યએ છોડેલી લાલીમા પણ જાણે કે ઉગી રહેલા ચાંદની દૂધિયા રોશનીને આવકારવા બેતાબ જણાતી હતી! બહારનું આછકલાં વાદળોમઢ્યું વાતાવરણ આહલાદક હતું તો અંદરનું ઉષ્ણતામાન પણ હૂંફનો તિખારો આપી રહ્યું હતું. ક્યારેક ત્રાંસી આંખે અરમાન નવ્યા ભણી જોઈ લેતો તો ક્યારેક નવ્યા કતરાતી નજરે અરમાન તરફ તાકી રહેતી. કુરેશીના બંને કમાન્ડો અંધારા ભણી સરકી રહેલી રાતે પણ આંખો પર કાળા રંગના ગોગલ્સ ચઢાવીને તદ્દન નિર્લેપ આકારમાં બેઠાં હતા. તેઓ જાગે છે કે સૂઈ ગયા એ કળવું પણ મુશ્કેલ હતું. સ્પીકરમાં વાગતી હળવી ધૂન સાંભળતા લગભગ બે કલાક જેવા વીત્યા, ને ભરૂચ નજીક ગાડી અટકી પડી.

‘આપણે નર્મદાનાં કેબલબ્રિજ ઉપર છીએ, મે’મ.’ આગળની કેબિનમાંથી શોફરે ઇન્ટરકોમ ઉપર માહિતી આપી, ‘આગળ ટ્રાફિક જામ છે!’

નવ્યા તથા અરમાનની નજર લિમોઝીનના પારદર્શક કાચની આરપાર ફંગોળાઈ. કદાવર થાંભલા અને ધાતુનાં દોરડાઓ બ્રિજ ઉપર કૃત્રિમ પિરામીડનો આભાસ ફેલાવી રહ્યા હતા. રાતના અંધારામાં બ્રિજના લોખંડી દોરડા લાલ-પીળી રોશનીથી ઝળુંબી રહ્યા હતા. અને એ રોશનીનું રંગબેરંગી પ્રતિબિંબ ઝીલી રહેલી નર્મદાની ધારા બેફામપણે બ્રિજ નીચેથી વહી રહી હતી. જોકે પેલા બંને પઠ્ઠાઓને એમને સોંપાયેલા ખાસ કામ સિવાયની આવી કોઈ પણ બાબતોમાં લેશમાત્ર રસ હોય એવું જણાતું નહોતું. કદાચ વિધાતાએ એનાં લેખમાંથી દુન્યવી સુંદરતાની મઝા માણવાનો આમનો અધિકાર છીનવી લીધો હશે!

‘બ્રિજ ઉપર આ ટોળું શેનું છે, જેક?’ નવ્યાએ ગાડીઓની લાંબી કતારની આગળ નજર દોડાવતાં પૂછ્યું.

દરેક ગાડીઓની ગતિ હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ હતી. એક કમાન્ડો ગાડીમાંથી ઉતર્યો અને થોડીવારે પાછો ફરતા બોલ્યો, ‘મે’મ, ચીફ મિનિસ્ટર સાહેબનો કોઈક ઓચિંતો કાર્યક્રમ ઘડાયો છે. કોઈક અનાથાશ્રમના બાળકોને પીકનીક ઉપર લઈ ગયા હતા. રસ્તે વળતા બધાં બાળકોને કેબલ બ્રિજની લાઇટીન્ગ્સ બતાવવા રોકાયા છે.’

અરમાનના ચહેરા પર ખુશી અને સંતોષ એકસાથે ઝળકી ઉઠ્યાં. ચાલો, કોઈક નેતા તો એવો નીકળ્યો જે આવા અનાથ બાળકોની લાગણીનું વિચારે છે. એણે નવ્યા તરફ કૈક એવા અંદાજમાં જોયું કે જાણે કહી રહ્યો હોય, ‘શીખો કૈક..!’ પણ નવ્યાનાં મોં પર ફરી વળેલી કટુતા જોઈને અરમાન એક ક્ષણ માટે એની સુંદરતાને નેવે મૂકીને એને ધ્રુણા કરવાનું વિચારી રહ્યો. એક કલાક મોડું પહોંચાશે તો કયું આબુની ‘નકી ઝીલ’નું પાણી સુકાઈ જવાનું હતું! પણ એ ખામોશ રહ્યો. એ જાણતો હતો કે એણે દરેક કદમ સાવચેતીથી ઉઠાવવાના છે, નહિ તો આ ખૂંખાર લોકો એને ઊઠાવી લેશે.

અચાનક નવ્યા ગાડીમાંથી બહાર આવી. ઉતરતી વખતે એ સાથે પેડ-પેન્સિલ લેવાનું નહિ ભૂલી. ડાબી તરફના રોડ પરની રેલીંગ કૂદીને એ પુલના કઠેરા પાસે પહોંચી. નીચે તરફ બંને કાંઠે ખળખળ વહેતી નર્મદાનાં વહેણ અને ઉપર ફૂંકાતી પવનની ઠંડી લહેર... કાળા વાદળો સાથે સંતાકૂકડી રમતો ચંદ્ર આતુરતાથી નવ્યાને તાકી રહયો. અરમાન પણ ગાડીમાંથી ઉતરી નવ્યાથી એક વ્યવસ્થિત અંતર રાખીને ઊભો રહ્યો. અર્પિતા પણ આમ જ ક્યારેક ઊભી હતી અહીં, અરમાન મીઠી યાદ મમળાવી રહ્યો. આજે સાંજે જયારે અર્પિતાને એ મળ્યો ત્યારે પણ એ એવી જ નમણી લાગતી હતી જેવી આ કેબલબ્રિજની એમની પહેલી મુલાકાત વખતે... માઉન્ટ આબુ નીકળતાં પહેલાં એ અર્પિતાને મનભરીને મળી પણ નહિ શક્યો. મળે પણ કેવી રીતે અને બોલે પણ શું? આ મુસ્તંડાઓ ક્યાં એનો પીછો છોડતા હતા! એની નજર સામે વારેવારે એ વિડીયો ક્લિપ્સ તરી આવતી હતી જેમાં અર્પિતા પર જાણે કે દરેક ક્ષણનો એક અદ્રશ્ય પહેરો ગોઠવાઈ ચૂક્યો હતો. એ માત્ર એટલું જ કહી શક્યો હતો, ‘અર્પિ, જવું જરૂરી છે. બોસનો અર્જન્ટ કોલ હતો. રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં નવરાત્રી પૂર્વેનું ફેન્સી કપડાઓનું ‘સેલ’ છે, દસ દિવસો માટે. અને તું તો જાણે જ છે સ્વિટુ, સેલ્સમેનની નોકરી એટલે...’

અરમાને નિરિક્ષણ કર્યું કે નર્મદાની નજાકત માણતી નવ્યા પેડમાં કશુંક ચીતરી રહી હતી, જાણે કે થંભી ગયેલો સમય કેદ કરી લેવા માગતી ન હોય! નવ્યાની આંખોની માંજરી કીકીઓમાં અરમાનને એક ખૂંખાર જંગલી બિલાડી ભાસી રહી હતી. એનાં હાથમાં નાજુક પેન્સિલ પણ એટલી જ બંધબેસતી હતી જેટલી જર્મન-મેડ રિવોલ્વર! ટ્રાફિક ધીરેધીરે હળવો થઈ રહ્યો હતો. જો લિમોઝીનનાં આગળ વધવાનાં એંધાણ વર્તાયા ન હોત તો શાયદ નવ્યા હજુયે એની ચિત્રકળામાં ચૂર જ રહી હોત. બંને જણ ત્વરાએ ગાડીમાં ગોઠવાયાં.

‘અફસોસ! આપનું ચિત્ર અધૂરું રહી જવા પામ્યું!’ અરમાને વાંકા હોઠ કરીને એક મુસ્કાન વેરી.

‘નવ્યાનું કોઈ કામ અધૂરું નથી રહેતું, ક્યારેય...’ નવ્યાએ ‘સી.બી.આઇ.’ની ભરતી માટે પોતાનો પરિચય આપી રહી હોય એ અદામાં કહ્યું, ‘આ ચિત્ર પણ પૂર્ણ થઈ ચૂક્યું હશે, જલ્દી જ.’

રાત વીતતી રહી. બરોડા, અમદાવાદ જેવાં શહેરો પસાર થતાં રહ્યાં. અને બીજી સવારના સૂર્યએ એનાં કિરણો લિમોઝીન ઉપર લાદવાની શરૂઆત કરી ત્યાં જ આબુ રોડની કઢી-પકોડાની મસાલેદાર મહેક બારીનાં કાચ સોંસરવી ઊતરવા માંડી. એ સાથે જ નવ્યાનાં મોબાઇલમાં મેસેજ-ટોન રણક્યો, ‘એક્સચેન્જ!’ એણે આજુબાજુ નજર દોડાવી; મુસ્તંડાઓને ખાસ ઈશારાથી સમજાવ્યું. બધાં સડસડાટ ઉતરવા માંડ્યાં. લિમોઝીનને લગોલગ આવીને પાર્ક થયેલી એક કદાવર એસ.યુ.વી. ગાડીમાં દરેક જણ ગોઠવાઈ ગયા. અરમાન માટે આ બધી ગતિવિધિને સમજવું એટલું જ કઠીન હતું જેટલું પેલા બે મુસ્તંડાઓ માટે સાહિત્યને સમજવું! એણે મનોમન સ્વીકારી લીધું કે અપરાધની અંધારી આલમનો કદાચ વણલખ્યો નિયમ હશે, કે ગાડી અને લાડી સમય અનુસાર બદલતાં રહેવું!

‘આબુના ઢોળાવવાળા જોખમી ચઢાણ માટે લિમોઝીનની લચક નહિ, એસ.યુ.વી.ની સખતાઈ જરૂરી છે, લેખકબાબુ.’ નવ્યાએ વચ્ચેની સીટ પર આરામદાયક મુદ્રામાં પોતાનાં એક પગ પર બીજો પગ ચઢાવીને બેસતાં કહ્યું, ‘સરનો ઓર્ડર છે!’

‘બધાંના જરૂરી કપડાં તથા સામાનની બેગ ડીકીમાં મોજૂદ છે, મેં’મ.’ ડ્રાયવરે નવ્યાને સંબોધીને કહ્યું અને ગાડીએ પહાડી રસ્તાઓનું ખેડાણ શરુ કર્યું...

સાંકડા રસ્તાની એક તરફ ચટ્ટાનોની અભેદ્ય દીવાલ હતી તો બીજી તરફ ધીરેધીરે ઊંડી થતી જતી ખીણ... અને એ ખીણમાંથી ડોકાતા ડુંગરોની હારમાળા! દૂર દેખાતી નાનીમોટી ટેકરીઓ આછાં ધુમ્મસના શણગારથી સુશોભિત થઈ ઊઠી હતી. રસ્તાની ધારે બનાવેલી પથ્થરની પાળીઓ પર ઠેરઠેર કપીરાજો આરામ ફરમાવી રહ્યા હતા. એકધારું ઉંચાઈ તરફનું ગાડીનું આરોહણ હવાને પાતળી થતું મહેસૂસ કરાવી રહ્યું હતું. અરમાન મીઠી મૂંઝવણમાં હતો - આબુનું અદભૂત સૌન્દર્ય માણે કે નવ્યાનું અફાટ ઐશ્વર્ય! એ મનોમન બોલી ઊઠયો, ‘કિડનેપ થયેલી વ્યક્તિની જો હું વાર્તા લખું અને એને અપાતી યાતનાઓમાં આ રળિયામણી સુવિધાઓનો ઉલ્લેખ કરું તો જરૂર વિવેચકો મારા માથે માછલાં ધુએ. પરંતુ આ હકીકત હતી, અને એ હકીકતનો અચંબો એક કિડનેપ થઈ ચૂકેલી વ્યક્તિ જ સમજી શકે એમ હતું!’

એક કલાક પછી...

ખુશનુમા વાતાવરણમાં એક માદક ધૂન લહેરાઈ ઊઠી, ‘કેસરિયા બાલમ... પધારો ની મ્હારે દેસ રે...’

રાજસ્થાનની ધરતીએ માઉન્ટ આબુની ભેખડધારી કાયામાં દરેકનું ગુલાબી ઠંડી અને વરસાદી ફોરાંથી ભાવભીનું સ્વાગત કર્યું!

આબુના બજારમાં પ્રવેશતાં જ નવ્યાએ એક ચાઇનીસ વાસ્તુશાસ્ત્રની દુકાન નજીક ગાડી થોભાવી. થોડીવાર પછી જયારે એ પાછી ફરી ત્યારે એનાં હાથમાં એક ખંજર હતું - કાચનું પારદર્શક ખંજર! ‘વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈપણ નવા કામની શરૂઆત પારદર્શકતાથી કરવી જોઈએ!’ નવ્યાએ ખંજરથી પોતાની ગરદન સહેલાવી. જોકે એને એવો ખુલાસો કરવાની કોઈ જરૂર નહોતી.

થોડીવાર પછી ગાડી એક રળિયામણા કોટેજ પાસે આવીને ઊભી રહી ગઈ. કોટેજની છત રંગેબેરંગી અને સુગંધિત ફૂલોની વેલથી આચ્છાદિત હતી. મોહેંજો-દરો જેવી જૂની ઢબની પથરીલી દીવાલોથી અનેરું આકર્ષણ પેદા થઈ રહ્યું હતું. આસપાસ ફેલાયેલા ગાઢ વ્રુક્ષોએ તરછોડેલા હૃદય આકારના ઢગલેબંધ સૂકા-પીળા પાંદડાઓએ આસપાસની જમીન ઢાંકી દીધી હતી. બહારની ચારે તરફ મોટી પરસાળ હતી અને એમાં હારબંધ ગોઠવેલાં ફૂલછોડના સંખ્યાબંધ કૂંડાઓ... બહારથી મધ્યમ કદના દેખાતા કોટેજની વિશાળતા અંદર પ્રવેશ્યા પછી છતી થતી હતી.. ભોંયતળિયે અને ઉપરના કાતરિયે થઈને કુલ પાંચ અટેચ-બાથ-બેડરૂમ હતા. નીચે એક સજાવટભર્યો બેઠકખંડ, કોટેજમાં લગભગ ઘર જેવી બધી જ સગવડો હતી.

આબુનો પ્રથમ દિવસ બધાંએ કોટેજમાં જ પોતપોતાના કમરામાં વિતાવ્યો.

રાતે નવ્યાને કોટેજથી દૂર ફરવા નીકળેલી ભાળી અરમાન એનાં રૂમમાં પ્રવેશ્યો. ચોતરફ એક આછકલી નજર ફેરવતા એની આંખે એક ચિત્ર ટકરાયું. એ કુતૂહલતાવશ ચિત્રને જોઈ રહ્યો. ચીફ મિનિસ્ટર સાહેબ મીઠાઈ વહેંચી રહ્યા હતા. નાનાં અનાથ બાળકો મુક્ત કિલ્લોલ કરી રહ્યા હતા. સૌ ભૂલકાઓ એમને વીંટળાઈ વળ્યાં હતાં. પણ એના શરીરમાંથી એક હળવી ધ્રુજારી પસાર થતી એણે ત્યારે મહેસૂસ કરી જયારે ચિત્રમાં એણે જોયું કે... એક નાની બાળકી પોતાનો હાથ કોણીએથી વાળી ચૂકી હતી. બાળકીનાં હાથમાં ખંજર હતું. અને એ ખંજર સી.એમ. સાહેબના પેટ તરફ ગતિ કરી રહ્યું હતું. એ ખંજર અદ્દ્લોઅદ્દ્લ એવું જ કાચનું પારદર્શક ખંજર હતું જેવું આજે સવારે આબુમાં આવતાં જ નવ્યાએ એક ચાઇનીસ વાસ્તુશાસ્ત્રની દુકાનમાંથી ખરીદ્યું હતું. એના કાનમાં નવ્યાનાં શબ્દો પડઘાઈ ઊઠ્યા, ‘નવ્યાનું કોઈ કામ અધૂરું રહેતું નથી! આ ચિત્ર પણ જલ્દી જ પૂર્ણ થઈ ચૂક્યું હશે!’

અરમાન સ્તબ્ધ બની ગયો! શું આ હતી ચિત્રની પૂર્ણતા? શું એક નિષ્પાપ નેતા અને સાચા સમાજસેવકનો જીવ જોખમમાં...? મારા કિડનેપ થવા પાછળ અને સી.એમ. સાહેબના જીવના જોખમને કોઈ ઘેરો સંબંધ હશે? મારી વાર્તા અને આ ચિત્ર શું કોઈ મજબૂત તાંતણે જોડાયેલા હશે? આ તે કેવો જેહાદ? પ્રશ્નો અનેક હતા, પરંતુ એના ઉત્તર...?

(ક્રમશઃ)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : ભાગ-૪ વાંચવાનું ચૂકશો નહિ.)