no return-2 part-39 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૩૯

નો-રીટર્ન-૨

ભાગ-૩૯

એક અસંભવ સમાન લાગતી કહાની હું સાંભળી રહયો હતો. મારા દાદા વીરસીંહ અને અનેરીનાં દાદા સાજનસીંહ પાલીવાલ બંને જીગરજાન મિત્રો હતાં એ વાત મારા માટે તો દુનિયાની આઠમી અજાયબી સમી આશ્વર્યજનક હતી. જો એ હકીકત સત્ય હતી તો હજું ઘણુબધું મારે જાણવું હતું કે તેઓ કંઇ રીતે ખજાનાની ખોજમાં નીકળ્યા હતાં અને ત્યાં જઇને તેમણે શું-શું કારનામા કર્યા હતાં. એ વીશે જાણવાની મારી જીજ્ઞાસા તેની ચરમસીમાએ પહોંચી હતી. વળી... સૌથી અગત્યની બાબત તો એ હતી કે જે સ્થળને “ અ પોઇન્ટ ઓફ નો રીટર્ન ” તરીકે લોકો ઓળખતા હતાં એ મોતનાં મુખ સમાં સ્થળે તેઓ પહોચ્યાં હતાં કે નહીં...? અને જો પહોચ્યાં હોય તો જીવીત પાછા કેવી આવ્યાં...? સાથે કેમેરામાં ત્યાંનાં ફોટા પણ પાડતા આવ્યાં હતાં એ બાબત ખરેખર હૈરતઅંગેજ હતી. જબરી ઉત્કંષ્ઠાથી હું સાજનસીંહનાં મોંઢેથી નીકળતા એક-એક વાક્યને સાંભળી રહયો હતો.

“ વીરસીંહનાં જક્કી વલણને કારણે હું તેની સાથે જવા તૈયાર થયો હતો. પણ એ પહેલાં પૂર્વતૈયારી રૂપે અમે ભૂતકાળમાં જે-જે વ્યક્તિઓ ત્યાં ગયા હતાં એમનાં વીશે વિગતવાર માહિતી એકઠી કરી હતી. માત્ર બે દિવસનાં ટૂંકાગાળામાં અમારા હાથમાં એ વિગતો આવી હતી....” દાદુએ તેમની વાત કંન્ટીન્યૂ રાખતા કહયું.... “ એ માહિતી પ્રમાણે...

અઢારમી સદીનાં આરંભમાં એક સંશોધક ટૂકડી દસ્તાવેજમાં લખાયેલી વિગતોની સઘન તપાસ કરીને બ્રાઝિલ- બોલિવીયાની સરહદે આવેલા ગાઢ વનમાં દટાયેલા અતિ મૂલ્યવાન ખજાનાની ખોજમાં નીકળી હતી. તેમની જાણકારી પ્રમાણે ત્યાંના ભગ્નાવશેષ ખંડેરોમાં અનેક જગ્યાએ સોના.. ચાંદી.... રત્નજડીત દાગીનાઓ... કિંમતી પથ્થરો... ઉપરાંત બહુમુલ્ય હિરા-માણેક વિખરાયેલા પડયાં હતાં. સંશોધક ટૂકડીનાં સભ્યો મહા-મુસીબત વેઠીને એ જગ્યાએ પહોંચ્યા હતાં અને તેમને આ અમૂલ્ય ખજાનો મળી આવ્યો હતો. તેમને એવું પ્રતિત થતું હતું કે જો આ નગરનાં કાટમાળનું હજું વ્યવસ્થિત રીતે ખોદકામ કરવામાં આવે તો એની નીચેથી અબજો- ખર્વો રૂપિયાની અમૂલ્ય કહી શકાય એવી સંપત્તિ નીકળી શકે એમ છે. સંશોધક ટુકડીનાં સભ્યો આ કિંમતી જાણકારી મેળવી લીધા બાદ પોતાના બેઝ કેમ્પે પાછા ફર્યા હતાં અને વધારે લોકોને મોકલવા પોતાના બીજા સાથીદારોને સંદેશાઓ માકલ્યા હતાં, કારણકે તેઓ એકલા આટલો મોટો ખજાનો પોતાની સાથે લઇ આવવા અક્ષમ હતા. ગાઢ, વિકટ જંગલમાંથી આટલી મોટી સંપત્તિ વહન કરવી એ થોડાક માણસોનું કામ નહોતું. એનાં માટે તો આખી ફોજ જોઇએ તેમ હતું. પરાગુ આસુ નદીના તટ પર વસેલા આદિવાસીઓનાં હાથેથી તેમણે એ સંદેશાપત્ર મોકલ્યો હતો. તે સંદેશાપત્રમાં સુવર્ણનગરીનો નક્શો, ત્યાં દટાયેલી સંપત્તિ, એ જગ્યાએ પહોંચવાનો રસ્તો... વગેરે વિગતો સાંકેતિક ભાષામાં લખી હતી...! તમે સાચું નહીં માનો છોકરાઓ, પણ એ સંદેશાપત્ર એટલે એ જ દસ્તાવેજ જે અત્યારે બ્રાઝિલનાં નેશનલ મ્યુઝિયમમાં જાહેર જનતા માટે પ્રદર્શનમાં મુકાયો છે. એ જ પાંચસો બાર (૫૧૨) નંબરનો દસ્તાવેજ જેને વાંચીને કંઇ- કેટલાય મરજીવાઓએ તેમાં વર્ણવેલા ખજાના પાછળ પોતાનાં જાન-માલની ખુવારી નોતરી છે. તેમાં એક અમે પણ હતાં. અમારા સદ્-નસીબે અમે જીવતાં પાછા આવ્યાં હતાં પરંતુ બીજા લોકો અમારી જેટલા ભાગ્યશાળી નહોતાં નિવડયા. ” દાદુએ એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને પછી નિસાસો નાંખતાં હોય એમ મુંડી હલાવી ફરીથી વાત આગળ વધારી....

“ જે ખજાનાને શોધવા માટે ભારે પ્રયત્નો થતાં હતાં એ ખજાનાની વિગતો અને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આદિવાસીઓનાં હાથે એ લોકો સુધી પહોંચી ગયો જેમને માટે એ લખાયો હતો. એ લોકો વધારે માણસો લઇને ત્યાં પહોંચી પણ ગયાં પરંતુ જેમણે એ સંદેશો મોકલ્યો હતો એ સંશોધક ટુકડીનો એકપણ વ્યક્તિ તેમને બેઝ કેમ્પ પર મળ્યો નહીં. એવું લાગતું હતું કે બધા જ માણસો અચાનક કયાંક ગાયબ થઇ ગયા હતાં. એ લોકોનું શું થયું...? એ લોકો કયાં અદ્રશ્ય થઇ ગયાં...? જો એમના મરણ થયા હોય તો તેમનાં મૃતદેહો તો બેઝ કેમ્પ પર મળવા જોઇએ ને....! પણ એય કયાંયથી ન મળ્યાં. એવું લાગતું હતું જાણે એકાએક જ સંશોધક ટુકડીનાં માણસો હવામાં ગાયબ થઇ ગયા હોય. બેઝ કેમ્પ સલામત હતો પરંતુ ત્યાં કોઇ હતું જ નહીં. એકદમ ખાલીખમએ આખો વિસ્તાર ભેંકાર ભાસતો હતો. સહાય માટે ગયેલી ટૂકડીનાં સભ્યોને અપાર આશ્વર્ય થયું હતું. પછી તેમણે પેલા નકશાનાં આધારે આગળ તપાસ કરી જોઇ હતી પરંતુ તેમના હાથમાં કંઇ આવ્યું નહીં એટલે નિરાશ થઇને એ લોકો અડધેથી જ પાછા ફરી ગયાં હતાં. પણ... તેમણે એ માહિતી બીજા લોકોને આપી દીધી. એમની પાસેથી વળી અન્ય લોકો પાસે એ માહિતી ટ્રાન્સફર થઇ. આમ, ત્યારથી માંડીને અત્યાર સુધી એ જગ્યાને શોધવા ઘણાં પ્રયત્નો થતાં રહયા છે પણ એમાંથી એકેયને સફળતા સાંપડી નથી. અને એ ખજાનો અછુત જ રહયો છે. ઘણા વર્ષો પછી...

વિશ્વ પ્રસિધ્ધ બ્રિટિશ સંશોધક કર્નલ પી. એચ. ફોસેટ એમનાં બે સાથીદારો સાથે ૨૦ એપ્રિલ ૧૯૨૫નાં રોજ એ ખજાનાની ખોજમાં નીકળ્યાં હતાં. આગળ વધતાં રસ્તામાં તેમણે ઠેક-ઠેકાણે પોતાનાં સંદેશા કેન્દ્રો સ્થાપ્યાં હતાં અને રોજની સફરનાં સંદેશાઓ ત્યાં પહોંચાડી દેતાં. ૨૯ મે નાં રોજ તેમણે મોકલેલો એક સંદેશો કેન્દ્રને મળ્યો હતો કે તેઓ સાથીદારો સાથે “ હેડ હોર્સ કેમ્પ ” સુધી પહોંચી ગયા છે અને... આશ્વર્યજનક રીતે એ પછી તેમનાં સંદેશાઓ આવતાં બંધ થઇ ગયા હતાં. એ લોકો પણ કયાં ગુમ થઇ ગયાં એ કોઇ જાણી શકયું નહોતું. સંદેશા કેન્દ્રોએ રખાયેલા માણસોએ પોતાના બોરીયા-બિસ્તરા બાંધ્યા હતાં અને બધું બંધ કરી ઘરભેગા થઇ ગયાં હતાં. આમ માણસોનાં ગુમ થવાનો સિલસિલો સતત ચાલ્યે રાખ્યો હતો.

તેનાં થોડા સમય બાદ જ્યોર્જ ડયોટની અધ્યક્ષતામાં ફરી વખત એક ટુકડી જંગલોમાં રવાના થઇ હતી. એ ટુકડી ફોસેટનાં અંતિમ સંદેશાવાળી જગ્યાએથી આગળ વધીને કિલીસ્યૂ નદીને પાર કરી એક આદિવાસી ગામમાં પહોંચ્યાં હતાં. એ આદિવાસી કબીલો કલાપલિસ તરીકે ઓળખાતા આદિવાસીઓનો હતો. જ્યોર્જ ડયોટનાં છેલ્લા આટલા સમાચાર મળ્યા પછી એ ટૂકડીનાં પણ બધાં સભ્યો કયાં ગુમ થઇ ગયાં એ હજુ સુધી દુનિયા જાણી શકી નથી...” પ્રોફેસર સાજનસીંહ હાંફી ગયાં હતાં. એકધારું બોલતાં તેમનું ગળું સુકાતું હતું એટલે વારે વારે તેઓ કોફીનો “સીપ” લેતાં રહયાં હતાં. છતાં તેઓ થાકયા હતાં. મને હૈરત એ વાતની થતી હતી કે તેમને ખજાના વીશે ઘણું બધું યાદ હતું. હું વિસ્મયપૂર્વક તેમને તાકી રહયો. તેમણે ચશ્મામાંથી તગતગતી આંખોથી મારી સામું જોયું હતું અને મારા ચહેરા ઉપર છવાયેલા આશ્વર્યને જોઇને તેઓ મંદ-મંદ મુસ્કુરાયા હતાં. કદાચ તેઓ સમજી ગયા હતાં કે હું તેમને કોઇ પ્રશ્ન પુંછવાનો છું.

“ દાદુ...! તમને તો બધું જ યાદ છે. તો તમે આ વાત કાર્લોસને કેમ ન જણાવી...? તમે યાદશક્તિ જતી રહેવાનું નાટક શું કામ કર્યું....? ” મને આ વાતની ખરેખર ઉત્સૂકતા જન્મી હતી. જો કે આ પ્રશ્નનો ઉત્તર શું હોઇ શકે એની મને ધારણાં તો હતી જ, છતાં મેં પુછી લીધું. દાદુ ફરીથી હસ્યાં... એમનાં હાસ્યમાં મારો જવાબ સમાયેલો હતો. હું એટલો નાદાન પણ ન હતો કે એવું તેમણે કેમ કર્યુ એ સમજી ન શકું.

મેં પુછેલાં પ્રશ્નનો જવાબ સાંભળવા ભારે અધીરાઇથી અનેરી અને વિનીત દાદુનાં ચહેરાને તાકી રહયા હતાં.

( ક્રમશઃ )

મિત્રો..

હવેથી આપની મનપસંદ ધારાવાહીક નો રીટર્ન-૨ અઠવાડીયામાં ત્રણ દિવસ આવશે.

તો વાંચતા રહેજો.

રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો. જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા. વોટ્સએપ ૯૦૯૯૨૭૮૨૭૮

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED