' પ્રિયે, '
થોડા દિવસ પહેલા સમાચાર પત્ર વાંચતા વાંચતા એક લેખ વાંચ્યો હતો. લગ્ન વિષયક હતો , કદાચ એટલે જ વાંચ્યો હતો. એમાં એક શ્લોક હતો. તું જો મને મારી પત્ની તરીકેની તારી પાસે અપેક્ષાઓ પુછું ને .., તો આ શ્લોકમાં બધું જ સમાયેલું છે. અને આ પત્ર લખવા નો આશ્રય પણ કદાચ એ જ હતો કે આ શ્ર્લોક તને ' આદર્શ ગૃહિણી ' બનવા ની તારી યાત્રા માં મદદરૂપ થાય. કદાચ આટલી સારી રીતે હું તને ક્યારેય સમજાવી શકતો નહીં.
' કાર્યેષુ દાસી , કરણેશુ મંત્રી ;
ભોજનેશુ માતા , શયનેષુ રંભા ;
રૂપેશુ લક્ષ્મી , ક્ષમાયેશુ ધરીતી ;
સતધર્માયુક્તા , કુલાધર્મા પત્ની . '
[ તેલુગુ - કવિ બદદેના , નીતિ શાસ્ત્ર , ૧૩ મી સદીમાં ]
આકાંક્ષા વાંચતા વાંચતા સ્મિત આપી રહી હતી .
' ગુડ મોર્નિંગ ' અમોલ બોલ્યો.
' અરે ! તમે ઉઠી ગયા ! લેટર જ વાંચતી હતી. ' આકાંક્ષા બોલી.
' તો ! કેવો લાગ્યો લેટર ? ગમ્યો ? ' અમોલે પૂછ્યું.
" હા ! ખૂબ જ સુંદર રીતે થોડા શબ્દોમાં અદ્ભુત વર્ણન કર્યું છે પત્નીના ગુણોનો નું…. એક પ્રશ્ર્ન પુછી શકું છું? " આકાંક્ષા બોલી.
"પુછ ને!"
" હું પૂરો પ્રયત્ન કરીશ ; પરંતુ જો આમાંથી કોઈ મારા થી પરિપૂર્ણ નાં થયું તો ? તો હું ' આદર્શ ગૃહિણી ' નાં કહેવાવુ ? " આકાંક્ષા એ થોડા ખચકાટ સાથે પ્રશ્ન પૂછ્યો.
" મને વિશ્વાસ છે કે તું અવશ્ય કરી શકીશ. ચાલ ગૅલરી માં બેસી ને ચા પીએ. " એમ કહી અમોલ ગૅલરી માં ગયો.
આકાંક્ષા એ ચા નો ઓર્ડર આપ્યો અને ગૅલરી માં પહોંચી અને બંને સિંગાપોર ની ભવ્યતા માણવા લાગ્યા.
* * *
છ દિવસ ની હનીમૂન પૅકેજ પતાવી મુંબઈ જવા માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા. વાદળો ની વચ્ચે થી પસાર થતું
એરૉપ્લેન જાણે સ્વર્ગ ની અનુભૂતિ કરાવતું હતું. આકાંક્ષા નાં મનમાં રમુજી વિચાર પણ આવ્યો કે જો આની વિન્ડો ખુલતી હોત તો વાદળો ને અડી લેત.
મુંબઈ આવી ગયું અને બન્ને ઘરે પહોંચ્યા. બધાં જ આતુરતા થી હનીમૂન કપલ ની રાહ જોતા હતા.અંદર આવતા ની સાથે અમોલે ગૌતમ ને જોયો અને ખુબ જ આનંદ વ્યક્ત કરતાં કહ્યું, " અરે! શું
વાત છે , ગૌતમ !! તું ક્યારે આવ્યો ?? " અને આકાંક્ષા ની ઓળખાણ કરાવતા કહ્યું , " આ ગૌતમ છે . મામાનો દીકરો ... "
આકાંક્ષા એ હાથ જોડી નમસ્તે કર્યું અને સામે નમસ્તે કરીને ગૌતમે પણ હાથ જોડયા .
" આજે સવારે જ આવ્યો . મેં જ એને આગ્રહપૂર્વક બોલાવ્યો છે, ત્યાં એ એકલો જ રહે છે . મુંબઈમાં એમ પણ વડોદરા કરતાં પગાર સારા હોય અને આપણું ઘર પણ છે. તો આપણી સાથે રહે એ સારું ને!! " દમયંતી બહેને બોલ્યા.
ગૌતમ ફક્ત સ્મિત આપી રહ્યો હતો . બધાં સાંજે સાથે જમ્યા . અને પછી અનન્યા ને ન્યૂયોર્ક ની ફ્લાઇટ માટે વિદાય આપી.
આકાંક્ષા અને અમોલ રૂમમાં ગયા અને આકાંક્ષાએ અમોલ ને ગૌતમ વિશે પૂછ્યું કે , 'ગૌતમભાઈ એકલા કેમ રહે છે વડોદરામાં '!
" મામા-મામી એક કાર એક્સીડેન્ટમાં બે- એક વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા. ત્યારથી ગૌતમ એકલો જ રહે છે. તેથી મમ્મીએ ગૌતમ ને અહીં બોલાવી લીધો . ગૌતમ ઉંમરમાં મારા કરતાં બે વર્ષ મોટો છે પણ અમે હંમેશા મિત્ર ની જેમ જ રહીએ છીએ ." અમોલે કહ્યું.
" બહુ ઓછું બોલે છે નહીં ! ". આકાંક્ષા એ પૂછ્યું.
" હા ! પહેલાં એ આવો નહોતો . થોડા વખત થી જરા બદલાઈ ગયો છે . " અમોલે જવાબ આપ્યો . અને પછી વાતો કરતાં કરતાં અમોલે નાઈટ લેમ્પ બંધ કરી દીધો.…
બીજા દિવસથી અમોલ એની ઓફીસ પર જવાનો હતો , ગૌતમ એની પત્રકારત્વની જોબ પર અને કૃતિ એની કૉલેજ.
દમયંતી બહેને આકાંક્ષા ને માર્ગદર્શન આપીને સમજાવી દીધું કે બધાને નાસ્તા અને ટિફિનમાં શું આપવું. અને આમ જ એમની રોજ ની દિનચર્યા નો નિત્યક્રમ ચાલવા લાગ્યો. અને આકાંક્ષા અને અમોલ નું દાંપત્યજીવન પણ મધુર રીતે વીતવા લાગ્યું.
દમયંતી બહેન હવે ઘર ની જવાબદારી ઓ થી રાહત અનુભવી રહ્યા હતા. અને એમણે ચારધામ ની યાત્રા જવા માટે ઈચ્છા દર્શાવી. ભરતભાઈ પણ સહેમત થયા . અમોલ નો ટુર્સ ઍન્ડ ટ્રાવેલ્સ નો બિઝનેસ હતો. એટલે થોડા કે જ સમય માં ટોપ ક્લાસ વ્યવસ્થા કરી દીધી અને એ લોકો યાત્રા માટે રવાના થયા.
રોજ ની માફક આકાંક્ષાએ ગૌતમ માટે દૂધ બનાવીને ટેબલ પર મુક્યું હતું અને પછી પોતાના કામમાં લાગી ગઈ . કામ પતાવીને આવીને જોયું તો દૂધ એમનું એમ જ પડ્યું હતું . આકાંક્ષાને જોઈને ખ્યાલ આવ્યો કે ગૌતમે આજે દૂધ નથી પીધું. રૂમ આગળ જઈ ને થોડા ખચકાટ સાથે એણે દરવાજો ખટખટાવ્યો અને અવાજ લગાવ્યો , " ગૌતમ ભાઈ ! " . અંદરથી કાંઈ જ અવાજ ના આવ્યો . આકાંક્ષા થોડી ચિંતિત થઇ ગઇ. પછી ફરી જોરથી ખટખટાવ્યું તો અંદરથી એકદમ ધીરે થી અવાજ આવ્યો , " ખુલ્લો જ છે દરવાજો ! " ખોલી ને જોયુ તો ગૌતમ સુતો હતો . આકાંક્ષા ને ખ્યાલ આવ્યો કે કદાચ એમની તબિયત ઠીક નથી . કપાળ પર હાથ મૂક્યો તો ખૂબ જ તાવ ધીકતો હતો. જલ્દી થી એ રસોડામાં ગઈ અને આવીને કપાળ પર પાણી નાં પોત મુકવા લાગી. ગૌતમ ની આંખો ખુલી જ નહોતી રહી. આકાંક્ષા એ તાવ ની દવા આપી અને ફેમિલી ડૉક્ટર ને ફોન કરી બોલાવ્યા. ડૉક્ટરે વાયરલ ફિવર ની દવા આપી અને થોડા દિવસ ઘરે જ આરામ કરવા કહ્યું.
ગૌતમ ને હવે ધીરે ધીરે સારું લાગી રહ્યું હતું . સહેજ આંખો ઉપર કરી , ' થેંક્યુ ' બસ એટલું જ બોલી શક્યો. અને આકાંક્ષા હસીને કંઈ પણ ના કહેવા માટે કહ્યું. ગૌતમ મનમાં વિચારી રહ્યો , ' મમ્મી હોત તો આવી જ રીતે મારો ખ્યાલ રાખ્યો હોત ભગવાન પ્રેમ ને લાગણી મોકલે તો છે પણ ઘણીવાર કોઈ બીજા જ રૂપમાં . '
વર્ષો પહેલા જેણે ' ભગવાનને નથી માનતો ' એવું બોલ્યો હતો એ આજે મનોમન ભગવાન નો આભાર માની રહ્યો હતો.
સાંજે જ્યારે અમોલ ઘરે આવ્યો ત્યારે બધું જાણીને આકાંક્ષા પર ખુબ જ ગર્વિત થયો. અને એ વાત ની ખાતરી થઇ ગઈ કે એની ગેરહાજરી માં એ બધુંય સંભાળી શકશે.
એકદિવસ આકાંક્ષા ગૌતમને લીંબુ નું શરબત આપવા માટે રૂમમાં ગઈ. પણ ગૌતમ સૂતો હતો અને બાજુમાં ડાયરી ખુલ્લી પડી હતી આકાંક્ષાને વધારે કશું વંચાયું તો નહીં પણ ખાલી ' પ્રિય અમી ' એટલું જ દેખાયું. કોઈની ડાયરી માં ઝાંખી ને જોઉં એને યોગ્ય ના લાગ્યુ એટલે ડાયરી બંધ કરી દીધી અને રસોડા માં આગળ નાં કામ પતાવવા લાગી.
સહેજ અવાજ આવ્યો એટલે આકાંક્ષાને લાગ્યું કે ગૌતમ ઉઠી ગયો લાગે છે એટલે ફરી એ રૂમમાં ગઈ અને પૂછ્યું , " લીંબુનું શરબત બનાવ્યું છે લઈ આવું. ? " ગૌતમે હકારમાં જવાબ આપ્યો .
આકાંક્ષા શરબત લાવી ત્યારે ગૌતમ ડાયરી માં કશુંક લખી રહ્યો હતો. આકાંક્ષા એ પૂછી જ લીધું. ," તમે રોજ ડાયરી માં શું લખો છો ?
" ઘણું બધું …!! લખવાનો શોખ છે મને .. ગૌતમે જવાબ આપ્યો.
" કવિતા - વાર્તા એવું બધું … ". આંકાક્ષા વાતને ગોળગોળ ફેરવી રહી હતી પણ એને જાણવું તો ફક્ત એ જ જાણવું હતું કે આ ' અમી ' કોણ છે?
" હા ! . એવું પણ અને બીજું ઘણું… પત્રકારત્વ માં લખવાનું ઘણું જ હોય છે , લેખ પણ હોય છે. હું અત્યારે ડોક્યુમેન્ટરી પર કામ કરી રહ્યો છું . તો તેમાં પણ વાંચવા લખવાનું થોડું વધારે હોય છે. " ગૌતમે જણાવ્યું.
" ઇન્ટરેસ્ટિંગ !!! તમારી જોબ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે ! " આકાંક્ષા એ કહ્યું. " હા ! એમાં ઘણું બધું જાણવા મળે છે. અમુક વાર તો બીજા ની દુઃખ- તકલીફ જોઈને મનમાં ખૂબ જ વેદના થાય છે. " ગૌતમ હવે થોડો થોડો ખુલીને વાત કરી રહ્યો હતો ; નિખાલસ થઈ રહ્યો હતો.
આકાંક્ષા એ પૂછી જ લીધું , " આ અમી કોણ છે ? તમે એની સાથે લગ્ન કરવા ના છો ?"
" ના ! કરવાનો ..હતો ...હવે નહીં થાય.…..". ગૌતમ એ નિઃસાસો નાખતા કહ્યું.
" એટલે ??? હું સમજી નહિં !!" આકાંક્ષા ની જિજ્ઞાસા ખૂબ વધી રહી હતી.
" બહુ લાંબી વાત છે !! ફરી કોઈ વાર કહીશ .." ગૌતમે વાત ઉડાવતા કહ્યું.
" ફરી ક્યારે ????? અત્યારે તમે ઘરે પણ છો . પછી તો સવાર થી જશો અને છેક રાત્રે આવશો ત્યારે હું પણ વાત કરવા માટે કદાચ નવરી ના હોવું તમને ના કહેવું હોય તો મારા તરફથી કોઈ બળજબરી નથી!"
આકાંક્ષા એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું.
" ના એવું નથી ..ભાભી !!એમાં છુપાવવા જેવું કશું જ નથી ઘરમાં બધાને ખબર છે. તો સાંભળો !! હું અને અમી કૉલેજમાં સાથે ભણતા હતા. પહેલાં મિત્રો અને પછી પ્રણયસંબંધ …પાંચ વર્ષ અમારો સંબંધ ચાલ્યો. ખુબ જ પ્રેમ કરતા હતા અમે એકબીજાને… પછી એક દિવસ અમારા ઘરમાં આ વાતની ખબર પડી ગઈ અને મારા પપ્પા અને એના પપ્પા વચ્ચે ખૂબ જ ઝઘડો થયો અને બંને એ એકબીજા ના સંતાનો ઉપર ફસાવ્યા નાં આરોપો મૂક્યા.
અહીં મારા મમ્મી-પપ્પા એ મને ધમકી આપી કે જો હું ઉપરવટ જઈને લગ્ન કરીશ તો. એમનું મરેલું મોં જોઈશ. અને એના પપ્પાએ દુઃખી થઈને એના થી પંદર વર્ષ મોટા એક બીજવર સાથે લગ્ન નક્કી કરી દીધા. " બોલતા બોલતા ગૌતમ ગમગીન થઇ ગયો.
" અને તમે એ લગ્ન રોકી ના શક્યા ???? " આકાંક્ષા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.
" ના !વાત બહુ મોટી થઈ ગઈ હતી. પ્રશ્ન લગ્ન થી વધારે ' ધર્મ ' નો થઇ ગયો હતો. હું એને પ્રેમથી અમી કહેતો હતો, પણ એનું અસલી નામ તો ' અમીના ' હતું એ મુસ્લિમ હતી . મમ્મી એ એક વખત એને જોઈ તે ખૂબ જ સૌમ્ય અને સરળ છોકરી હતી અને ગમી પણ હતી… પણ મમ્મીને પણ એ વખતે એ વાતની ખબર નહોતી કે એ મુસ્લિમ છે. " ગૌતમે સ્પષ્ટતા કરતાં કહ્યું.
" એ તો સ્વભાવિક હતું !! એટલી સહજતાથી તો કોઈ આ સંબંધને
સ્વીકારત નહીં !!! અને એના પપ્પા થી અપમાન સહન ના થયું એટલે એમણે લગ્ન કરાવી દીધું ? " આકાંક્ષા એ વાત ને કળતા કહ્યું.
" મમ્મી - પપ્પા પણ એમના અહમની ચરમસીમાએ આવી ગયા હતા . એમની ચેતાવણી છતાં પણ અમે ઉપરવટ થઈને લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા , કોર્ટમાં જઈ ને લગ્ન કરવા માટે.
પણ નક્કી કરેલા દિવસના આગલા દિવસે જ મમ્મી પપ્પા ની કાર ને એક્સિડન્ટ થઇ ગયો અને એ લોકો મને અને આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા . " ગૌતમ બોલતા બોલતા થોડું અટકી ગયો .
" બધું જ ખોટું ફક્ત અને ફક્ત મારા લીધે જ થયું અમી નું લગ્ન, મમ્મી-પપ્પા નું મૃત્યુ ……બધું જ………" અને ગૌતમ એકદમ ગમગીન થઈ ગયો.
" ગૌતમભાઈ !! વિધિ એ જે લેખ લખ્યા છે એ તો થવાના જ છે ! ને આપણે તો માત્ર નિમિત્ત છીએ.. તમે આ બધા માટે તમને જવાબદાર ના ગણો. એક પિતાએ અહમ્ માં આવી ને પોતાની પુત્રીના લગ્ન એક બીજવર સાથે કર્યા !! એમાં તમારો શું વાંક ??? અને આવું શું આપણા ધર્મમાં નથી થતું ???
કેટલાય પિતા તેમના હ્દય નાં ટુકડા સમાન દિકરી ને એમની મરજી વિરુદ્ધ લગ્નની વાત આવે ત્યારે શત્રુ ની માફક વર્તે છે. કેટલાય કિસ્સાઓમાં માર મારી રુમ માં બંધ કરી દેવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં તો મૃત્યુ ને ઘાટ પણ ઉતારી દે છે. …
પણ … અહીં જો સાચું કહું તો. મામા - મામી તદ્દન ખોટા નહોતાં.
બે અલગ-અલગ ધર્મ. ...એકદમ વિપરીત….. એટલે પછી લગ્ન. તુટે એનાં કરતાં… પહેલાં જ ચેતી જઇએ તો… !!! " આકાંક્ષા થોડા ખચકાટ સાથે બોલી.
" તો તારું એવું કહેવું છે …કે સમાન ધર્મ વાળા અને પરિવારની સંમતિ સાથે કરેલા લગ્ન જ સફળ થાય છે… જરા વિચારી ને જવાબ આપજે … પૂરતો સમય લઈ ને ….." ગૌતમે તીક્ષ્ણ પ્રશ્ન પૂછ્યો.
(ક્રમશઃ)