સૌરાષ્ટ્રનાં તીર્થક્ષેત્રો- ૧ - ગીરની ગરિમા Kamlesh Vichhiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌરાષ્ટ્રનાં તીર્થક્ષેત્રો- ૧ - ગીરની ગરિમા

કાઠિયાવાડમાં રહેવું એ સ્વર્ગના સુખથી કઇ ઓછું નથી. અહીંના એકએક વિસ્તારની અલગ-અલગ ઓળખાણ છે. આમતો આપણે સૌરાષ્ટ્રને જ કાઠિયાવાડ કહીયે છીએ. અહીંની પ્રકૃતિ હરહંમેશ જીવજીવન સાથે અનુકૂળ-પ્રતિકૂળ થતી રહે છે. એ પછી સોરઠના જંગલ હોય કે ઘેડનો સમુદ્રકીનારો, બરડાની ખીણો હોય કે હાલરનું કાંટાળુ વન, ઝાલાવાડની નદીઓ હોય કે પાંચાળ ના ઉના મેદાનો, નાઘેર અને બાબારીયાવાડના દરિયાકાંઠાના ઊપવનો અને સદાય ઘૂંઘવાટા કરતા ગીર કાઠિયાવાડની વસાહતો હોય કે ગોહિલવાડના નાના મોટા ટેકરાઓ આબધું અહીંની પ્રકૃતિનો પ્રેમદર્શી અરીસો છે.આ પ્રત્યેક વિસ્તારમાં દસથી પંદર પોતાના સંતાનોની તરસ છીપાવતી માતાઓ અને એકઆધો અડીખમ ઉભેલો પોતાને આખી વાડનો ધણી દર્શાવતો ગિરિરાજ જરૂર નોંધી શકાય છે. આપણી નદીઓ એટલે વિવિધ અતરંગી નામો ધરાવતી જગદંબાઓ.

મોજ આવે છે વર્ણવાની
સોનરેખ,ધ્રાફ્ડ, ઓઝત ને સાની
ઘી,તેલી, સીંહણને રાવળ
મેઘલ,વર્તુ,મચ્છુને આંબાજળ
ઘેલો,કેરી,ઊંડને વેરી
આજી, સસોઈ, ઉતાવળી,ન્યારી
સોનપરી, શેત્રુંજીને ગૌતમી
ખારો, તળાજીને ગોમતી
બ્રાહ્મણી, ફાલકુને સુખભાદર
વ્રજમી નાગમતીને ફુલઝર
ઉબેણ, હિરેણ ને કપિલા
નાવલી, સાતલડીને બેલા
કાલુભાર,રંઘોળીને મધુવન્તિ
મચ્છુન્દ્રી,શીંગવડોને, સરસ્વતી
શેલ,માલણને ઘાતરડી
ઠેબી, ગાંગડીયોને સુરજડી
ભાદર,ભોગતને બે ભોગવો
વહે ત્રણે ત્રણ દિશામાં હો !!

સાચું કહેજો કોના કોના ગામની નદીઓ આવી આ નાનકડી નામાવલિમા!!?

"સત સત સત્યોતેર સાવજડાને ભોળો બાણેજનો નાથ
જગજોગણી કન્કેષ્વરી , બેઠી શીંગોડા ને કાંઠ
ખળ ખળ ખળ ખમખમતી હિરણ રેલમછેલ
સાત સાત દૈવ ખુલ્યા ત્યાંરે પોહચ્યા ગામ ભાલછેલ".

ભાલછેલ કદાચ ગણતરીના લોકોએ જ નામ સંભાળીયું હશે!
આ ગામ છે ગર્જના કર્તા ગીરની મધ્યમા આવેલી હીરણ નદીનાં કાંઠે આવેલો નાનકડો નેસ ,- જેની પ્રકૃતિની સુંદરતા વિશ્વની કોઇપણ પ્રકૃતિ સાથે સ્પર્ધામાં જીતી શકે છે.

સૌરાષ્ટ્રનાં દક્ષિણ મધ્ય વિસ્તારમાં આવેલા, ઘનઘોર વૃક્ષો અને ઝરણાંથી ગુંજતા, વિશાળ વાનર સેનાનાં ખીલખીલાટ , ખાખરાનાં પાનનાં ખમખમાટ વચ્ચે, હિરણ નદીનાં ખળભળાટથી ,કલકલિયાનાં કિલકિલાટ, તરતા મગરના ઝમઝમાટ ,શાંતિમા તમરાનાં તમતમાટ, અને શિકાર જોતાં વનરાજનાં ઘૂઘવાટથી સદાયે ગુંજતા ગીરની આ વિશિષ્ટતા છે.


એમાંય ગીરની ગાયો એટ્લે સ્વયઁ ગોલોકધામથી બિરાજેલ માતા શ્રી સુરભી

'રંગે રતુંબલ રાતડી
એ આંબે કેસર કાય;
સોરઠની તરસ પુરે
એવી તેં ગિરગાય'


વળી , આ ગીરનાં જળાશયો મા પણ વિવિધતા છે


'વહેણ હિરણનું ધોધ જામજીરનો, રંગ રાવળનો માલણ તરસી
ઉદગમ કમલેષ્વર ઘાટ આંબાજળ, ધરો તાતણીયો કુંડ તુલસી'


આપણાં સૌરાષ્ટ્રનાં દરેક ક્ષેત્રમા ક્ષેત્રના અધિપતિ ઇશ્વર , ક્ષેત્રગંગા, હરિસ્થળ , શિવસ્થળ , શક્તિ સ્થળ, સુર્યસ્થળ અને સંતસ્થળ(પીરાઇ)
ગીર તીર્થક્ષેત્રનાં તીર્થ સ્થળો આ મુજબ છે
ગીર ક્ષેત્રના અધિપતી:- બાણેજ મહાદેવ
ક્ષેત્રગંગા:- મચ્છુન્દ્રી નદી
હરી સ્થળ:- શ્યામ સુન્દર ભગવાન , તુલસીશ્યામ
શિવ સ્થળ:-હિરણેષ્વર , ભાલછેલ
શક્તિ સ્થળ:-કનકેષ્વરી , કનકાઈ
સુર્ય સ્થળ:-સૂર્યમંદિર , ભિમદેવળ , કપિલા નદી
સંત સ્થળ:- સતાધાર.


●ગીર ક્ષેત્રનાં અધિપતિ બાણેજ:-
આ શિવાલય ગીર ક્ષેત્રનાં મધ્યમા સ્થાન પામેલ છે. વનવાસે નીકળેલા પાંડવો જ્યારે ગીર ક્ષેત્રનાં મધ્યમા પહોંચ્યા માતા કુંતીને તરસ લાગી, પરંતું દુર્ભાગ્યવશ અહી આસપાસ પાણી ન હતુ. તેથી પાંડુપુત્રોએ અને માતા કુંતી અહી શિવલિંગની સ્થાપના કરી , અને અર્જુને પોતાના ધનુષ્ય પર પ્રત્યન્ચા ચડાવી ધરતીમા તિર ચલાવ્યું , તેથી આ સ્થળે જળની ધારા વહેવા લાગી. 'અર્જુનના બાણથી જળ ઉત્પન્ન થયુ હોવાથી આ સ્થળને બાણેજ કહેવાયું'.
આ પવિત્ર સ્થળે મછૂંદ્રિ નદીની બે ઉપનદીઓ-ધ્રામણીયો અને ટાઢણીયો નો સંગમ થાય છે.જે આગળ જતા મછૂંદ્રિ નદીમા ભળે છે.
●ગીરની ક્ષેત્રગંગા મછૂંદ્રિ:-
ઉદ્દગમ: આ રમણીય પ્રકૃતિની પગદંડી ગીરના દલખનીયાથી નેઃઋત્ય દિશામા આવેલી ટેકરીઓ માંથી ઉદ્દભવે છે.
માર્ગ: નદી બાણેજ મંદીર પાસે વિસ્તૃત રૂપ ધારણ કરે છે, ત્યારબાદ કોંડિયા ગામની પાસે થઈ દ્રોણેષ્વર તીર્થ જે આચાર્ય ગુરુ દ્રોણનું સ્થાપેલ ભવ્ય શિવલિંગ છે ત્યાંથી પસાર થાય છે.,ત્યારબાદ મછૂંદ્રિ ચનચકવડ ગામે જમનેષ્વર તીર્થને પખાળીને ઉના , દેલવાડા થઈને નવાબંદર પાસે સમુદ્રને મળે છે.
●ગીરનું હરિસ્થળ , શ્યામસુન્દર- તુલસીશ્યામ:-
શિવનાં અંશ જલંધરની આરાધના ભગવાન શ્રી નારાયણ આ અરણ્યમા રહેવા પધારેલા. પુરાણો અનુસાર ગોલોંકધામની ગોપી તુલસી જલંધરની પત્ની વૃંદા તરીકે અવતરેલી. જલંધરનાં મૃત્યુ માટે જ્યારે શ્રીનારાયણે વૃંદાના સતીવ્રતને નષ્ટ કર્યું , અને જલંધરને શિવે તથા મહાકાળીએ મોક્ષ આપ્યો, આ વાતનો સતી વૃંદાને ખ્યાલ આવતાં તેણીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે પાષાણ હ્ર્દયી તુ પાષાણ થઇજા, આ કાળી પાષાણની મુરતએ જ તુલસીશ્યામનાં શ્યામસુન્દર ભગવાન.
અહી ગરમ પાણીના કુંડ આવેલા છે, સાથે અહીંના એક શિખર પર દેવી રુક્ષ્મણીનું મંદીર પણ આવેલુ છે.તુલસીશ્યામની નજીક એક માર્ગમા એન્ટિ ગ્રેવીટી રોડ પણ આવેલો છે જયાં વાહનો જાતે ચઢાણ ચડે છે.

●ગીરનું શિવસ્થળ હિરણેષ્વર :-
આ સ્થળ ભાલછેલ ગામ નજીક હિરણ નદીના કાંઠે આવેલુ રમણીય શિવાલય છે.

●ગીરનું શક્તિસ્થળ કનકાઈ:-
સ્કંદ પુરાણના રેવાખંડે કનકેષ્વરી તીર્થ અધ્યાંયે 153 માં જ્યારે યુધિષ્ઠિરે ઋષિ માર્કંડેયને પુછ્યું કે આ તીર્થનું નામ કનકેષ્વરી કેમ પડયું, ત્યારે તેમણે કહ્યુ કે માતા પાર્વતી સુવર્ણનાં શિખરમા સંતાયા હતાં એટ્લે તેમનુ નામ સુવર્ણઈશ્વરી અને સુવર્ણને કનક પણ કહેવાતુ હોવાંથી કનકેષ્વરી તીર્થ કહેવાયું . આ મંદીર શીંગવડો નદીના કાંઠે આવેલુ છે .

●ગીરનું સુર્યસ્થાન ભીમદેવળ:-
ગીરના તાલાલા તાલુકાના ભીમદેવળ ગામ પાસે કપિલાનદી કિનારે વર્ષોજૂનું સુર્યમંદીર આવેલુ છે.

●સંતસ્થળ સતાધાર  :-  સંતોનું આપણાં કાઠીયાવાડ તથા ગુજરાતની ભૂમિમા આગવું મહત્વ રહેલું છે. સત્યનો આધાર એટ્લે સતાધાર. આંબાજળ નદીના કાંઠે મહંત શ્રી આપાગીગાનું સમાધિસ્થાન છે સતાધાર.

◆અન્ય તીર્થો:- #દ્રોણેષ્વર : મછૂંદ્રિ નદીના કિનારે આવેલુ દિવ્ય મંદીર  જેના ગર્ભગૃહમા આવેલા ગોમૂખિ માથી સતત જળપ્રવાહ વહેતો રહે છે અને શિવલિંગનો જળાભિષેક થતો રહે છે. કહેવામા આવે છે કે આ શિવલિંગ પાંડવોના ગુરુ શ્રી દ્રોણાચાર્ય દ્રારા સ્થાપવામા આવેલ છે.
# તાતણીયા : આ સ્થળ ખોડિયારમા ના મંદીર તથા તાતણીયા ધરા માટે જગ પ્રસિધ્ધ છે. આ તાતણીયો ધરો (એક જળાશય) ધાતરવડી નદી પર આવેલો છે.
#હનુમાનગાળા :ગીરની પહાડીયોમા આવેલુ એક નાનકડું મંદીર.
અન્ય સ્થળો:
#સાસણ ( ગીર રાષ્ટ્રીય ઉદ્યાન - એશિયાઇ સિંહ)
#દેવળીયા પાર્ક
#કમલેષ્વર ડેમ ( મગરો અને પક્ષીઓનું રહેઠાણ)
#જામજીરનો ધોધ
#તાલાલા ( કેસર કેરી માટે પ્રખ્યાત )
અંતે એજ કહેવાનું કે જો ગીરભ્રમણ કરવાનું વિચારો તો આ સ્થળોની મુલાકાત અચુક લેજો.☺️