વિષાદ યોગ - પ્રકરણ - 2 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદ યોગ - પ્રકરણ - 2

પ્રસ્તાવના:-

જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદુ બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતી સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઊંચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવીજ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમા સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવું થ્રીલ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ.

‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________

નિશિથે પાછળ ફરીને જોયું તો સામે કશિશની ફ્રેન્ડ નૈના ઊભી હતી.

“હાય” નિશિથે કહ્યું

“હાય, નિશિથ આ વખતે તમેજ શુટીંગમાં રાજ્ય લેવલ પર પ્રથમ આવેલાને?”

“હા, પણ તે તમને કેમ ખબર પડી?” નિશિથે પુછ્યું.

“અરે એ તો મે ત્યારે તમારો ફોટો ન્યુઝપેપરમાં જોયેલો. મારો કઝીન તમારો ફેન છે. તેણેજ મને બતાવેલો ફોટો.” નૈનાએ કહ્યું.

આ સાંભળી નિશિથે વિચાર્યુ ચાલ શુટીંગ ક્યાંક તો કામ આવ્યું.

નૈનાએ આગળ કહ્યું “મારે તમારું એક કામ હતું. મારા કઝીનને પણ તમારી જેમ શુટીંગમાં રસ છે તો તેના કૉચિંગ માટે મારે તમારી પાસેથી માહિતી જોઇએ છે?”

“હા, બોલોને શું માહિતી જોઇએ છે?” નિશિથે કહ્યું.

“એકચ્યુલી તેને કૉચિંગ કરવા છે તો તમે કોઇ સારા કૉચને ઓળખતા હોય તો જણાવો.”

“ઓહ, કાલે તમને હું મારા કૉચનું કાર્ડ આપીશ એટલે તમે તેનો કોંટેક્ટ કરી મળી આવજો.” નિશિથે કહ્યું

“થેંક્યુ, કાલે આ ટાઇમે હું અહીંજ તમને મળીશ.” એમ કહી નૈનાએ નિશિથ સાથે હાથ મિલાવ્યા અને જતી રહી.

તેના જતા પ્રશાંત બોલ્યો “ એલા આ તો બગાસું ખાતા પતાશું મોમાં પડ્યું એવી વાત થઇ.”

“હા, નિશિથ આ નૈના નામની ચાવીથીજ કશિશના દિલનું તાળું ખુલશે.” સમીરે પણ ટેકો આપતા કહ્યું.

આ સાંભળી બધા હસી પડ્યા અને પછી ઘરે જવા છુટા પડ્યા.

બીજા દિવસે નિશિથ કૉલેજમાંથી છૂટીને પાર્કિંગમાં બાઇક લેવા ગયો. તેની બાઇક પાસે કશિશ અને નૈના તેની રાહ જોઇને ઊભા હતા. કશિશને જોઇ તેનું હ્રદય જોરથી ધડકવા લાગ્યું. એકવાર તો તેને ફરીથી કૉલેજમાં પાછું જતું રહેવાનું મન થયું પણ નૈના અને કશિશ તેના તરફ જોઇ રહી હતી એટલે તે પાર્કિંગ તરફ આગળ વધ્યો. નિશિથે નૈના પાસે જઇને હાથ મિલાવ્યા અને કહ્યું “હાય નૈના”

“હાય નિશિથ કેમ છે?” નૈનાએ કહ્યું અને પછી કશિશ તરફ જોઇને બોલી આ મારી ફ્રેન્ડ કશિશ છે.

નિશિથે કશિશને કહ્યું “હાય” અને તેની સાથે પણ હાથ મિલાવ્યા. કશિશનો હાથ પકડતાજ તેના આખા શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ અને તે કશિશ સામે જોઇ રહ્યો.

“તમે પેલા કૉચ વિશે માહિતી લાવ્યા કે નહીં?” આ સાંભળી નિશિથે કશિશનો હાથ છોડી દીધો અને ખિસ્સામાંથી એક કાર્ડ કાઢી નૈનાને આપ્યું અને કહ્યું “ આમાં કૉચના નંબર છે તમે તેનો કોન્ટેક્ટ કરી લેજો.”

નિશિથ વાત નૈના સાથે કરતો હતો પણ તેનું ધ્યાન કશિશ તરફજ હતું. નૈનાએ કાર્ડ પર્સમાં નાખી નિશિથનો આભાર માન્યો પછી બાય કહીને બંને ત્યાંથી જતા રહ્યા. નિશિથ તે લોકોને જતા જોઇ રહ્યો. મનોમન જાતને ઠપકો આપતાં બોલ્યો “શું યાર આટલો સરસ મોકો હાથમાંથી જતો રહ્યો. કશિશ સામેથી મળવા આવીને વાત પણ ના કરી શક્યો. તે પણ વિચારતી હશે કે આ છોકરો સાવ લબાડ છે. પણ તેને જોઇને મારી જીભ જ જલાઇ જાય છે. નૈના એકલી આવી હોત તો મે તેની સાથે એકદમ નોર્મલ થઇને વાત કરી હોત પણ આ કશિશ સામે આવતાજ મને કોણ જાણે શું થઇ જાય છે?” આમને આમ વિચાર કરતો ક્યાંય સુધી તે ઊભો રહ્યો પછી તેનું બાઇક લઇને ઘરે જવા નીકળ્યો.

“એલા 21મી સદીનો એકદમ ફોરવર્ડ ઘરમાંથી આવતો છોકરો થઇને એક છોકરી સાથે વાત કરવામાં તારી હિમ્મત નથી ચાલતી. કોઇને ખબર પડે કે જેની પાછળ કેટલીય છોકરીઓ ઘેલી હતી તે નિશિથ એક છોકરી સાથે વાત પણ કરી શકતો નથી તો હસસે તારા પર. “ આમને આમ વિચારતા તે ઘરે પહોંચી ગયો.

બીજા દિવસે નિશિથ કૉલેજથી છૂટીને બાઇક લઇને ઘરે નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં પાછળથી બુમ સંભળાઇ “નિશિથ એક મિનિટ ઊભો રહેજે.”

નિશિથે પાછળ ફરીને જોયું તો નૈના તેની તરફ ઝડપથી આવી રહી હતી. નિશિથે બાઇકને ફરીથી સ્ટેન્ડ પર મૂકી દીધુ. નૈનાએ આવીને કહ્યું “અમે કાલે પેલા કૉચને મળવા ગયા હતા. તેણેતો અમને એડમિશન આપવાની ના પાડી દીધી. તે કહે છે કે તેની બધીજ બેચ ફુલ છે.અમે ઘણી રિક્વેસ્ટ કરી પણ તે ન માન્યા.” આમ કહી નૈના થોડૂ રોકાઇ અને પછી બોલી “તું આમા કંઇ કરી શકે તો કરને પ્લીઝ. મારા કઝીનની કૉચિંગ જોઇન કરવાની ખૂબજ ઇચ્છા છે.”

આ સાંભળી નિશિથે કહ્યું “ એ એવાજ છે ધુની અને જિદ્દી. એકવાર કહે એટલે પછી કોઇ કાળે બદલે નહીં. પણ તેના કામમાં તે એકદમ પરફેક્ટ છે. તું ચિંતા છોડી દે હું કંઇક કરું છું જોઇએ શું થઇ શકે છે.”

“તું મને તારો નંબર આપ એટલે હું તને કોલ કરીશ. જે કંઇ પણ થાય તે મને જણાવજે.” નૈનાએ કહ્યું

“તું એક કામ કર કાલે સવારે દસ વાગે તેની ઑફિસ પર આવીજા. હું પણ ત્યાં આવીશ. તેને મળશું એટલે તારું કામ લગભગ તો થઇ જશે.” નિશિથે કહ્યું અને પછી બંને એકબીજાના નંબરની આપલે કરી અને છુટા પડ્યાં.

----------**************--------------******‌‌‌‌----------------------

નિશિથ રેસકોર્સની સામે આવેલ એક જૂના દાખલ થયો.આ બિલ્ડીંગમાં પાંચમાં માળે તેના શુટિંગનાં કૉચ કશ્યપ સક્સેનાની ઑફિસ હતી. નિશિથ અહીં ઘણીવાર આવી ગયો હતો. નિશિથે ઑફિસમાં પહોંચી જોયું તો નૈના અને તેનો કઝીન તેની રાહ જોઇને બેઠા હતા. નિશિથે નૈના પાસે જઇને કહ્યું “હું પહેલા કૉચને મળું છું પછી તને બોલાવુ તો તું એકલીજ અંદર આવજે.”

નિશિથે સામે રહેલી એક ચેમ્બરનો દરવાજો થોડો ખોલ્યો અને અંદર જોઇને કહ્યું “મે આઇ કમ ઇન સર?”

“ અરે નિશિથ આવ આવ.” સામેથી કૉચનો ઉષ્માભર્યો આવકાર મળ્યો એટલે નિશિથ અંદર દાખલ થયો.

થોડીવાર બાદ નિશિથે નૈનાને અંદર બોલાવી. નૈના બેઠી એટલે કોચે કહ્યું “જુઓ મિસ મે તમને કાલેજ કહ્યું હતુ કે મારું શિડ્યુલ ખુબજ ટાઇટ છે, પણ તમે આજે આ નિશિથને લઇ આવ્યા એટલે મારે હવે તમને ના પાડી શકાય એમ નથી. નિશિથ મારો ફેવરીટ વિદ્યાર્થી છે. તેના આગ્રહથી હું તમારા ભાઇને એડમિશન આપુ છું, પણ એક વાત યાદ રાખજો રેગ્યુલારીટી અને ડીસીપ્લીન બાબતમાં હું સહેજ પણ આમતેમ ચલાવીશ નહીં.”

આ સાંભળી નૈનાએ ખુશ થઇને કહ્યું “થેંક્યુ સર, અમે તમને કોઇ ફરિયાદનો મોકો નહી આપીએ.”

ત્યારબાદ કોચે બંને માટે ચા મંગાવી અને ચા પીને નિશિથ ત્યાંથી નીકળી ગયો અને નૈના બધી ફોર્માલીટી પુરી કરવા રોકાઇ ગઇ.

સાંજે કૉલેજથી છુટીને નૈના નિશિથને મળી એટલે નિશિથે કહ્યું “શું એડમિશન પ્રોસેસ પુરી થઇ ગઇ ને?”

“હા, આ બધુ તારી મદદથીજ શક્ય થયું. થેંકયુ વેરી મચ.” નૈનાએ કહ્યું.

“અરે એમા શું મિત્રોને મદદ તો કરવીજ પડે ને.” નિશિથે કહ્યું

“હા, પણ જરૂર પડે ત્યારે મિત્રો પાસેથી મદદ લઇ પણ શકાય.” નૈનાએ કટાક્ષમાં કહ્યું.

નિશિથને કટાક્ષ સમજાઇ ગયો પણ તેણે વાત વાળતા કહ્યું “ મદદ માંગવા માટે પણ યોગ્ય સમય જોઇએ. જ્યારે એ સમય આવશે ત્યારે તારી મદદ માંગી લઇશ.”

“હા, પણ સમય છે ત્યાં સુધીમાં માંગી લેવી જોઇએ નહીંતર પછી પાછળથી પસ્તાવાનો વારો આવે.” એમ કહી નૈના હસતી હસતી જતી રહી.

“શું નૈનાને ખબર પડી ગઇ હશે કે હું કશિશને પસંદ કરું છું? પણ તેને કેમ ખબર પડી હશે? મે તો કયારેય કંઇ કહ્યું નથી. તે એમ શું કામ બોલી કે પાછળથી પસ્તાવું પડશે. શું કશિશ કોઇ બીજા છોકરાને પસંદ કરતી હશે? કે પછી નૈનાએ ખાલી અમસ્તું જ એવું કહ્યું હશે?” નિશિથ ઘરે પહોંચ્યો ત્યાં સુધી વિચાર યાત્રા ચાલુ રહી.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


આમને આમ એક મહિનો નીકળી ગયો, ધીમે ધીમે નિશિથ અને કશિશ હાય હેલો કરતા થઇ ગયાં હતા. નિશિથને તેના મિત્રો ચીડવતા કે તું તો સાવ ફટ્ટુ છે પણ નિશિથની હિમ્મતજ નહોતી ચાલતી કે તે કશિશને સામેથી ફ્રેન્ડશીપ ઓફર કરે. એક દિવસ નિશિથે નૈનાને કહ્યું “તારી ફ્રેન્ડ સાથે અમારી પણ ફ્રેન્ડશીપ કરાવી આપ.”

આ સાંભળી નૈના ખડખડાટ હસી પડી અને ક્યાંય સુધી હસતી રહી. આ જોઇને નિશિથે કહ્યું ઓકે “તુ હસીલે પછી હું મળીશ.” એમ કહીને નિશિથ ત્યાંથી ચાલવા લાગ્યો. નૈનાએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું “અરે યાર ગુસ્સે શું કામ થાય છે? મને તો એ વાતનું હસવું આવે છે કે જે વાતની મને ખબરજ હતી તે કહેવામાં તે મહિનો કાઢી નાખ્યો તો તું કશિશ સાથે શું વાત કરીશ?”

“એતો તું ફ્રેન્ડશીપ કરાવ પછીજ તને દેખાડીશ કે હું શું વાત કરીશ? અને તમે છોકરીઓ પણ ટપોરી જેવા છોકરાનેજ લાયક છો. અમારા જેવા સીધા છોકરાની તો તમે મજાક ઉડાવશો.” નિશિથે થોડા ગુસ્સાથી કહ્યું

“અરે યાર એવુ નથી મે તો તને ત્યારેજ ઇશારો કરેલો કે કંઇ કામ હોય તો કહે પણ તે જ આટલું મોડુ કર્યુ એમા હું શું કરું? ઓકે ચાલ જાગ્યા ત્યાથી સવાર. હું કંઇક ચક્કર ચલાવુ છું. તુ તારા મિત્રો સાથે અને મારી સાથે તો જોરદાર વાતો કરે છે પણ પેલી કશિશ આવે એટલે તારી બોલતી બંધ થઇ જાય છે.” નૈનાએ કહ્યું.”

“હા, યાર એજ પ્રોબ્લેમ છે. મને પણ એજ નથી સમજાતુ કે આવું શું કામ થાય છે?” નિશિથે કહ્યું.

“અરે યાર તું કેટલો સ્માર્ટ અને હેન્ડસમ છે તને તો કોઇ છોકરી ના ન પાડી શકે. તું શું કામ ગભરાઇ છે?”

“મારે બીજી કોઇ છોકરીમાં રસ નથી માત્ર કશિશમાંજ રસ છે.”

“ પણ યાર એજ વાંધો છે. કશિશને કોણ જાણે કેમ પૈસાદાર છોકરાથી થોડી ચીડ છે. તેને લીધેજ તે તારી સાથે ઓછું બોલે છે, પણ તું ચિંતા નહીં કર. હું કંઇક કરું છું.”

ત્યારબાદ બંને કૉલેજથી નીકળી ગયાં.

બીજા દિવસે નિશિથ ઘરેથી કૉલેજ જવા નીકળ્યો ત્યારે કૉલેજ શરૂ થવાને હજુ સમય હોવાથી તે ફરીને કેકેવી સર્કલને રાઉન્ડ મારીને કાલાવડ રોડ તરફ આગળ વધ્યો. તે કાલાવડ રોડ પર જતો હતો ત્યારે તેની આગળ સ્કુટી પર એક છોકરી જતી હતી. હજુ તે અડધો કિલોમીટર આગળ ગયો ત્યાં અચાનક ગલીમાંથી એક કૂતરું નીકળ્યું અને દોડીને તે સ્કુટીની આગળ આવી ગયું. તે છોકરીએ બ્રેક મારી પણ સ્કુટી સ્લીપ થઇ જતાં તે છોકરી સ્કુટી સાથે જ નીચે પડી અને થોડે દૂર સુધી ઢસડાઇ. આ જોઇ નિશિથે તેનું બાઇક સાઇડમાં પાર્ક કર્યું અને દોડીને સ્કુટીવાળી છોકરી પાસે ગયો.તે છોકરીને પગ અને હાથમાં ઇજા થઇ હતી. તેણે મોઢા પર દુપટ્ટો બાંધ્યો હોવાથી નિશિથ તેનો ચહેરો જોઇ શક્યો નહીં. નિશિથે તેની પાસે જઇને પુછ્યું કેવું લાગ્યું છે? ચાલો હું તમને ઊભા થવામાં મદદ કરું. તે છોકરીની નજર નિશિથ પર પડી એટલે તેણે મોઢા પરથી દુપટ્ટો છોડી નાખ્યો. નિશિથ તે છોકરીનો ચહેરો જોતાજ આશ્ચર્યથી બોલી ઊઠ્યો “અરે કશિશ તું છે.” અને કશિશ કંઇ પણ જવાબ આપે તે પહેલા નિશિથે તેને ઊંચકી લીધી. પગ હલવાથી કશિશના મોમાંથી હળવી ચીસ નીકળી ગઇ. નિશિથે કશિશને બાજુમાં ફૂટપાથ પર રહેલ એક બેંચ પર બેસાડી. નિશિથ તેના પગ પાસે બેસી બેસી ગયો અને ચેક કરવા લાગ્યો કે ક્યાં લાગ્યું છે? પગને હલવતાજ કશિશના મોંમાથી હળવી ચીસ નીકળી ગઇ. “બહું લાગ્યું છે?” નિશિથે પુછ્યું. કશિશ નિશિથનો ચહેરો જોઇ, હસી પડી અને બોલી “અરે યાર એટલું બધુ કંઇ નથી લાગ્યું પણ પગમાં દુઃખે છે.”

“ચાલ મારા અંકલનુ ઓર્થોપેડિક હોસ્પિટલ છે ત્યાં જતા રહીએ.” એમ કહી નિશિથે એક ઑટોરિક્ષા રોકી અને કશિશને ઊંચકી તેમા બેસાડી આ વખતે કશિશે ટેકા માટે તેના હાથ નિશિથની ગર્દન પર વિંટાળી દીધા. નિશિથે કશિશને બેસાડી પછી પાસેના આવેલ પાનનાં ગલ્લા પર જઇને થોડી વાત કરી અને પછી ઑટોરિક્ષામાં બેસી કહ્યું “વિધ્યાનગર મેઇનરોડ પર “સામવેદ” ઓર્થોપેડિક હોસ્પિટલ પર લઇલે. ઑટોરિક્ષાવાળાએ આગળ આવેલ ચાર રસ્તા પરથી યુ-ટર્ન લીધો એટલે નિશિથે ખિસ્સામાંથી મોબાઇલ કાઢી ફોન લગાવ્યો અને કહ્યું “હાલો વ્યાસ અંકલ હું નિશિથ બોલુ છું. મારી એક ફ્રેન્ડનું સ્કુટી સ્લીપ થઇ જતાં તેને લાગ્યું છે. હું તેને લઇને દશ મિનિટમાં તમારી હોસ્પિટલ પહોંચુ છું.” સામેથી જે કહેવાયું એ સાંભળી નિશિથે કહ્યું “થેંક્યુ અંકલ”.પછી ફોન કટ કરી કશિશ તરફ જોયું તો કશિશ તેની સામેજ જોઇ રહી હતી.

“ ડૉ.અંકલ હોસ્પિટલ થોડીવારમાં પહોંચેજ છે.”

પછી થોડીવાર કોઇ કંઇ બોલ્યું નહીં. નિશિથની નજર થોડી થોડીવારે કશિશ પર જતી રહેતી. કશિશ પણ ત્રાસી નજરે નિશિથ તરફ જોઇ લેતી. કશિશને અમીર બાપના દિકરાથી સતત નફરત હતી. નૈના તેને કહેતી તોપણ તે નિશિથ સાથે મિત્રતા કેળવતી નહોતી. નિશિથનું વર્તન અને વ્યક્તિત્વ જોઇને કશિશ વિચારતી કે આ છોકરો બધા જેવો નથી છતાં તે એ ઘટના ભુલી શકતી નહોતી અને તેને લીધેજ તે કોઇ ભુલ કરવા માગતી ન હતી. નિશિથે નૈનાને કરેલી મદદ અને તેનો સ્વભાવ જોઇને કશિશને પણ નિશિથ માટે માન થયું હતુ. તેને ખબર હતી કે નિશિથ તેને પસંદ કરે છે અને લેક્ચરમાં તેની સામે જોયા કરે છે છતા તે નિશિથને ઇગ્નોર કરતી. આજે નિશિથ જે રીતે તેની કેર કરી રહ્યો હતો તે જોઇ કશિશને એકવાત તો સમજાઇ ગઇ કે નિશિથને તેના પૈસા અને સ્ટેટસનું સહેજ પણ અભિમાન નથી અને તે બધા અમીર છોકરા કરતા અલગ છે.

“બહું દુઃખે છે?” નિશિથના વાક્યથી કશિશ વિચારમાંથી બહાર આવી.

“હા, પગમાં થોડૂં દુઃખે છે?” કશિશે કહ્યું.

“તમે છોકરીઓ પણ આજુબાજુ જોયા વિના ચલાવ્યાજ કરો. આ નાના વ્હીલવાળી સ્કુટી બહું રીસ્કી હોય છે તરતજ સ્લીપ થઇ જાય છે.” નિશિથે થોડા ગુસ્સાથી કહ્યું

કશિશ ગુસ્સામાં રહેલી નિશિથની લાગણી સમજતી હતી એટલે તે કંઇ બોલી નહી.

“તારે ઘરે કોઇને ફોન કરી જાણ કરવી હોય તો કરી દે.” નિશિથે તેનો ફોન આપતા કહ્યું

“ના,ઘરે કોઇ નથી. મારા પપ્પા-મમ્મી આજે સવારેજ સુરત એક લગ્નમાં ગયા છે. જોઇએ ડૉક્ટર શું કહે છે. બહુ મેજર પ્રોબ્લેમ ન હોય તો તેને કંઇ કહેવું નથી. ખાલી ખોટી ચિંતા કરશે.”

“હા એ બરાબર છે.” નિશિથે કહ્યું”

નિશિથે પ્રશાંતને ફોન કરી બધી વાત કરી અને કહ્યું “મારું બાઇક ત્યાં રસ્તાની બાજુમાં પડેલું છે અને તેની ચાવી ત્યાં બાજુમાં પાનના ગલ્લે આપી છે, તે તું લઇ લેજે.”

“તું બાઇકની ચિંતા છોડ અને કશિશની સાથે મોજ કર. જોજે આ મોકો છોડતો નહીં.” આ સાંભળી નિશિથે હસતા હસતા ફોન કટ કરી નાખ્યો.

હોસ્પિટલ આવી જતા નિશિથે ઑટોરિક્ષાનું બિલ ચુકવી દીધું અને કશિશને ઊંચકીને ગેટમાં દાખલ થયો. પ્યુન તેને જોઇને વ્હીલચેર લઇને આવ્યો એટલે નિશિથે કશિશને વ્હીલચેરમાં બેસાડી અને લીફ્ટ તરફ આગળ વધ્યા. નિશિથ અને કશિશ લીફ્ટમાંથી બહાર નિકળ્યા ત્યાં ડૉ.વ્યાસ સામેજ ઊભા હતા. તે હસતા હસતા બોલ્યા “નિશિથ તું પણ ખરો છે આવી સરસ છોકરીને બાઇક પરથી પછાડી?”

“અંકલ મે તેને કંઇ પછાડી નથી. તે તો તેની સ્કુટી સ્લીપ થઇ જવાથી પડી છે.” નિશિથે પણ હસતા હસતા કહ્યું.

“હા ભાઇ હું અને તારો બાપ પણ આવાજ બહાના કાઢતા.”

“અંકલ હવે તમે પણ શું અત્યારે મજાક કરો છો પહેલા કશિશનું ચેકઅપ કરોને.” નિશિથે વાત બદલતા કહ્યું “સારું ચાલ આ બાજુ લઇલે.” એમ કહી તે ચેકઅપ રૂમ તરફ આગળ વધ્યા.

ડૉ.વ્યાસે બધુજ ચેક કરી કહ્યું “ જો આમતો કંઇ ખાસ લાગતું નથી પણ તેના પગનો એક્સરે અને એમ.આર.આઇ કરાવી લઇએ એટલે ફાઇનલ ખબર પડી જાય.

“અંકલ કંઇ મેજર નથી ને? નહીંતર મારે મારા મમ્મી-પપ્પા સુરત લગ્નમાં ગયા છે તેને જાણ કરવી પડશે.” કશિશે કહ્યું.

“અરે સુરતથી થોડા બોલાવાય. એવું કંઇ મેજર નથી. તારા મમ્મી પપ્પા આવે ત્યાં સુધી આ જવાન તારી સેવામાં છે જ ને?” ડૉ.વ્યાસે હસતા હસતા કહ્યું.

“અંકલ આ એક્સરે અને એમ.આર.આઇ કરતા કેટલી વાર લાગશે?” નિશિથે પુછ્યું.

“ એક્સરે તો અહીં હોસ્પિટલમાં હમણાજ થઇ જશે પણ એમ.આર.આઇ માટે આગળ આવેલી ‘ઓમ ઇમેઝીંગ સેન્ટરમાં’ જવું પડશે. હું ત્યાં હમણા નામ લખાવી આપુ છું પણ વારો આવતા થોડીવાર તો લાગશેજ. તને શેની ઉતાવળ છે મિત્ર સાથે વાતો કરને.” એમ કહી ડૉ.વ્યાસ હસતા હસતા ત્યાંથી નીકળી ગયાં.

“મમ્મીને ઘરે ફોન કરી ટિફિન મોકલવાનું કહી દઉં.” નિશિથે કહ્યું

“અરે ના ના ખોટા આન્ટીને હેરાન નથી કરવા આપણે કંઇક નાસ્તો કરી લઇશું.”

“નાસ્તોતો પછી કરીશુંજ પણ પહેલા બપોરે જમવું તો પડેજ. અને મારી મમ્મીને એમા કોઇ વાંધો નહી આવે.” એમ કહી નિશિથે ઘરે ફોન લગાવી બધી વાત કરી દીધી અને ટિફિનનું કહી દીધું.પછી પ્રશાંતને ફોન કરી કહ્યું કે તું મારી બાઇક મારા ઘરે મૂકી કાર લઇને હોસ્પિટલ આવીજા. કશિશને અહીથી એમ.આર.આઇ કરવા લઇ જવી પડશે.

કશિશ નિશિથને વાત કરતો જોઇ રહી. કેટલો હેન્ડસમ અને સ્માર્ટ છે અને પાછો એકદમ ધનાઢ્ય, છતા મારી માટે કેટલું કરે છે. નિશિથને તો તે ધારે તે છોકરી મળી શકે એમ છે. શું તે મને પસંદ કરતો હશે કે પછી ખાલી ટાઇમપાસ સંબંધ બનાવવા માંગતો હશે? ના એવું નથી તેની આંખોમાં મારા માટેની એકદમ સાચી લાગણી દેખાય છે.

નિશિથે ફોન મૂકી કશિશ સામે જોઇ સ્માઇલ કર્યુ એટલે કશિશે કહ્યું “ તમારે મારા લીધે ખૂબ હેરાન થવું પડે છે.”

“જો કશિશ પહેલા તો તું આ તમે તમે કહેવાનું બંધ કરી દે. આપણે મિત્રો છીએ અને મિત્રો માટે કંઇક કરવાની મજાજ અલગ હોય છે.”

આ સાંભળી કશિશ હસી પડી અને બોલી “મે તો તને આજે પહેલીવાર આટલું બોલતો સાંભળ્યો. મને તો એમ હતું કે તું બહું ઓછું બોલે છે.”

“હા એ માત્ર તારી સામેજ ઓછું બોલે છે બાકી અમારો તો બોલવાનો વારો પણ નથી આવવા દેતો.” આ સાંભળી બંનેએ દરવાજા તરફ જોયું તો નૈના ઊભી ઊભી હસતી હતી.

“અરે નૈના તું? તને કેમ ખબર પડી?” નિશિથે કહ્યું.

“તમે અમને ભૂલી જાવ પણ અમે તો મિત્રોની બધીજ ખબર રાખીએ છીએ.” નૈનાએ હસતા હસતા કહ્યું.

“એતો, મેજ તેને મેસેજ કરી દીધો હતો.” કશિશે કહ્યું.

“હા,એ સારુ કર્યુ. હું તો આ બધામાં ભૂલીજ ગયો હતો.”

“હા ભાઇ, તું તો બધુજ ભૂલી જઇશ હમણા.” એમ કહી નૈનાએ નિશિથ સામે આંખ મિંચકારી. અને પછી કશિશ તરફ ફરીને બોલી “શું મેડમ, કેવુક લાગ્યું છે?”

“પગમાં લાગ્યું છે. બાકી કંઇ વાંધો નથી.” કશિશે કહ્યું.

“તારા પણ નસીબ બાકી જોરદાર છે હો. સ્કુટી સ્લીપ થયું તો પણ એવી જગ્યાએ કે જ્યાં કૉલેજનો હેન્ડસમ અને ડેસીંગ જુવાન તરતજ સેવામાં પહોંચી જાય.” નૈનાએ મજાક ચાલુ રાખી.

“ તું અહીં મારી મજાક કરવા આવી છે કે મદદ કરવા.” કશિશે હસતા હસતા કહ્યું.

નૈના આવતાજ વાતાવરણ હળવું થઇ ગયું એ નિશિથને ગમ્યું. થોડીવારમાં પ્રશાંત અને સમીર કાર લઇને આવી ગયાં અને પછી બપોર સુધીમાં એક્સ.રે અને એમ.આર.આઇ પણ થઇ ગયાં. ડૉ.વ્યાસે રિપોર્ટ જોઇને કહ્યું “પગમાં નાનું અમથું ફ્રેક્ચર છે. પાટો મારી દઉં છું. એક અઠવાડિયું એકદમ બેડરેસ્ટ લેવાનો એટલે સારું થઇ જશે.તારે તારા પપ્પા મમ્મીને હમણા જાણ કરવાની જરૂર નથી.એક દિવસ અહીંજ રોકાવું હોય તો રોકાઇ જા.” ડૉક્ટરે પાટો બાંધતા કહ્યું

“ના અંકલ ઘરે જ જતી રહું એક દિવસ તો આ નૈના મારી સાથે રહેશે અને કાલે તો મમ્મી-પપ્પા પાછા આવી જશે.” કશિશે કહ્યું.

“હા જેવી તારી ઇચ્છા, બાકી તારા જેવી દિકરી એક દિવસ વધારે અહીં રહે તો મને કોઇ વાંધો નથી.” એમ કહી ડૉ.વ્યાસે કશિશના માથે હાથ ફેરવ્યો અને પછી નિશિથ તરફ જોઇને બોલ્યા. ”જો એક દિવસ તારે આ છોકરીનું ધ્યાન રાખવાનું છે. જે આવા સમયે કામ લાગે તેજ સાચો મિત્ર કહેવાય.”

“ઓકે અંકલ તે તમે મારા પર છોડી દો. પણ અમે હવે તમારો આ રૂમ ત્રણ વાગ્યા સુધી છોડશું નહીં. અહીં અમે ટિફિન પાર્ટી કરવાના છીએ. તમે પણ રોકાઇ જાવ”

“ ના ભાઇ તમે એન્જોઇ કરો. મારે તો મારી ગર્લફ્રેન્ડ તારી આંન્ટિની રસોઇ જ જમવી પડશે નહિંતર રાતે ઠંડુ ખાવું પડશે.” એમ કહી તે હસતા-હસતા જતા રહ્યાં.

ડૉક્ટર જતા રહ્યા પછી બધા બેસીને વાતો કરતા હતા, ત્યાં દરવાજે ટકોરા પડ્યાં.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM