નો રીટર્ન-૨. ભાગ-૩૬ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨. ભાગ-૩૬

નો-રીટર્ન-૨

ભાગ-૩૬

અનેરીને બોલતાં મેં અટકાવી એ કાર્લોસની તિક્ષ્ણ નજરોએ પકડી પાડયું. સાથોસાથ કદાચ તેને એ પણ સમજાયું હશે કે તેની સામે બેસેલો યુવાન કંઇ કાચી માટીનો બનેલો નથી એટલે તે થોડો ઢીલો પડયો હોય એવું મને લાગ્યુ.

“ યંગ બોય, તને ખબર છે કે અત્યારે તું કોની સાથે વાત કરી રહયો છે...? “ મને સમજાયું કે અચાનક તે પોતાને પ્રશિસ્ત કરવાનાં મુડમાં આવ્યો છે.

“ તમે જ જણાવી દો ને, કે અત્યારે હું કોની સામે બેઠો છું...? ” મેં પણ ઢીલું મૂકયું.

“ કાર્લોસ...! કાર્લોસ મોસ્સી, ફક્ત આ નામ તું આ કમરાની બહાર જઇને ઉચ્ચારી જો. તને આ નામનાં વજનનો તુરંત અહેસાસ થઇ જશે....” તે હસ્યો. જાણે મારો ઉપહાસ કરતો હોય.

પરંતુ હું સ્તબ્ધ બની ગયો હતો, કાર્લોસ મોસ્સી...! તે બોલ્યો ત્યારે જ મારા જીગરમાં શેરડો પડયો હતો. યસ્સ... આ નામ મેં વાંચ્યું હતું. મને ખબર હતી કે કાર્લોસ મોસ્સી કોણ છે...! ગુજરાતનાં એક ન્યૂઝ પેપરમાં કાર્લોસનાં કારનામાનો એક આખો લેખ ઘણાં સમય પહેલાં આવ્યો હતો. મને યાદ છે ત્યાં સુધી એ લેખ વાંચીને હું રીતસરનો ધ્રુજી ઉઠયો હતો. દુનિયાનાં ઇતિહાસમાં અત્યાર સુધીમાં જેટલાં પણ માફિયા સરદારો સર્જાયા હતાં તેમાં કાર્લોસ સૌથી વધુ ખૂંખાર હતો. એ કાર્લોસ મોસ્સી સમક્ષ અત્યારે હું બેઠો છું એ ખ્યાલે જ મારા હાજાં ગગડાવી મુકયાં હતાં. અચાનક જ મને ભાન થયું કે અમે કેટલી ભયાનક પરિસ્થિતીમાં ફસાઇ ચુકયા છીએ. અરે.... તેણે અત્યાર સુધી મને જીવતો રહેવા દીધો એ જ આશ્વર્યની બાબત હતી. અને વળી તે મારી બેવકુફી ભરી વાતો સાંભળી રહયો હતો એ દુનિયાનાં આઠમા અજુબાથી કમ તો નહોતું જ. એકાએક હું સાવધ બની ગયો. પણ મારી નર્વસનેસને, મારી ગભરાહટને મેં દેખાવા દીધી નહી. મેં સાવ અજાણ બનવાનો ઢોંગ ચાલુ રાખ્યો. જાણે કે હું તેનાં વિશે કશું જાણતો જ ન હોઉં.

“ ચોક્કસ તમે બ્રાઝિલનાં બહુ મોટા માણસ હશો. પરંતુ આખરે આપણા બંનેની મંઝિલ એક જ છે...ખજાનાની શોધ. તમારે એ ખજાનો જોઇએ છે અને મારે પણ, એટલે મારી ઓફર હજુપણ એ જ છે કે તમે અનેરી અને તેનાં દાદાને જવા દો. તેનાં બદલામાં હું તમને એ ખજાના સુધી પહોંચાડીશ એની જબાન આપું છું. ” ભારે હિંમત દાખવતા હું બોલ્યો તો ખરો, પણ એવું કેમ કરીશ એનો સહેજે અંદાજ મને નહોતો. આ સામે ચાલીને મોતનાં મુખમાં માથું મુકવા જેવી વાત હતી. પરંતુ મને તેની પરવા નહોતી. મારી પ્રાથમિકતા અનેરી હતી. એક વખત તે આ ઝમેલામાંથી સુરક્ષીત રીતે બહાર નીકળી જાય પછી મારું ભલે જે થવાનું હોય એ થાય.

“ તારો કોન્ફીડન્સ જોતાં લાગે છે કે તું એ ખજાના વીશે ચોક્કસ કંઇક જાણે છે. ઓ.કે... તું બેસ, હું હમણાં આવું છું...” કાર્લોસ બોલ્યો અને તેણે પેલી લાંબી યુવતીને પોતાની સાથે આવવા ઇશારો કર્યો. તે બંને સ્યૂટનાં બીજા કમરામાં ચાલ્યાં ગયાં.

“ માય ગોડ પવન....શું છે આ બધું...? તને કંઇ ખબર છે, તું કેટલું મોટું જોખમ ખેડી રહયો છે એની...? ” અમે બંને એકલાં પડયા કે તુરંત અનેરી ઉકળી પડી.

“ તું શાંતિ રાખ અને મામલો મને હેન્ડલ કરવા દે. આ લોકોને ખજાનો જોઇએ છે, અને એ રસ્તો હું તેમને બતાવી શકીશ. ” એક ઉંડો શ્વાસ ફેફસામાં ભરતા હું બોલ્યો.

“ તું પહોંચાડીશ...? બટ હાઉ...? તું એ ખજાના વીશે કયાંથી જાણી આવ્યો...? અરે, હજુ હમણાં જ, થોડીવાર પહેલાં તો આપણને પેલાં દસ્તાવેજમાંથી આ મામલો કોઇક ખજાના વીશે છે એ જાણવા મળ્યું, છતાં અત્યારે તું કહે છે કે આ લોકોને તું એ ખજાના સુધી પહોંચાડીશ...? એવું તો શું છે જે તું જાણી ગયો છે અને હું નથી જાણતી...? અથવા મને સમજાયું નથીં...? અને એ બધું છોડ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે તું આ બધું શું કામ કરી રહયો છે...? ” એકસાથે ઘણા બધા પ્રશ્નો અનેરીએ મને પુછી નાંખ્યા. તેનાં ખૂબસુરત ચહેરાં ઉપર વિસ્મય અને આશ્વર્યનાં ભાવ રમતાં હતાં. હું તેનાં રતુંબડા ચહેરાંને આસક્તિથી જોઇ રહયો.

“ તને હજુ નથી સમજાયું...? ” હું ભાવાવેશમાં જ બોલ્યો. મારી આંખોમાં ઉઠતાં ભાવ ને સમજતી ન હોય એટલી નાદાન તો તે નહોતી જ.

“ શું નથી સમજાયું પવન..? ” તેનાં કપોળે સળ પડયાં. હું કંઇ બોલ્યો નહીં. બસ... એકધારું તેની ભૂખરી આંખોમાં તાકતો રહયો. એ આંખોમાં એક સંમોહન હતું, જે મને તેનામાં ડૂબાડી રહયું હતું. તે પણ મને જ જોઇ રહી હતી. પછી તે ઓઝપાઇ. કદાચ તે મારા મનમાં ઉઠતાં સંવેગોને સમજી હશે. મેં પણ તેનાં ચહેરા પરથી નજર હટાવી લીધી. હવે મારે કંઇ કહેવા જેવું રહયું નહોતું. તે ચોક્કસ સમજી ગઇ હશે એવું મને લાગ્યું. કમરામાં થોડીવાર માટે ખામોશી છવાઇ.

“ તે જવાબ ન આપ્યો...! ખજાના વીશે તું કયાંથી જાણી આવ્યો...? ” થોડીવાર પછી ફરીથી તેણે વાતનો તંતુ સાંધ્યો.

“ પહેલાં એ કહે કે તે કેમેરો અને ફોટા કાર્લોસને આપી દીધા...?” મેં તેની વાતને અધ્યાહાર રાખતાં પુછયું.

“ હાં...!”

“ ફોટાઓ જોયા બાદ તેણે શું કહયું...? મતલબ કે તેનું રિએકશન શું હતું..? ”

“ અરે...! અમારે વાત જ કયાં થઇ..! હું કમરામાં અંદર આવી, તેણે મને બેસાડી અને ફોટાઓ માંગ્યાં. મેં તુરંત કેમેરો અને ફોટાઓ તેને આપી દીધા. પછી હું મારા દાદા વીશે કંઇક પુછું એ એ પહેલાં તો તું અંદર ધસી આવ્યો...”

“ ઓહ...!” મેં ઉદ્દગાર કાઢયો. મતલબ કે કાર્લોસ અને અનેરી વચ્ચે કોઇ વાતચીત થઇ નથી. મારા માટે એ ફાયદાકારક હતું. હું વિચારમાં ખોવાયો.

“ વળી પાછો તું શાંત થઇ ગયો...! મારે એ જાણવું છે કે, તે એવું શું કામ કહયું કે “ ખજાના સુધી હું પહોંચાડીશ...!” તું એ ખજાના સુધી પહોંચવાનો રસ્તો જાણે છે...? ” અનેરીનું આશ્વર્ય કોઇ રીતે શમતું નહોતું. તે વારે વારે એક જ પ્રશ્ન દોહરાવતી હતી.

“ જાણતો તો નથી, પરંતુ અનુમાન લગાવી શકું છું...” મેં કહયું.

“ અનુમાન...? વોટ ધ હેલ...? તું ફક્ત અનુમાનનાં આધારે કાર્લોસ સાથે સોદાંબાજી કરવા નિકળ્યો છે...? તને ખબર છે એ કેટલું ખતરનાક નીવડી શકે છે...?”

“ મારું અનુમાન એ કોઇ શેખચીલ્લીનાં ખ્વાબ નથી. મને કંઇક એવું જાણવા મળ્યું છે જેનાં આધારે મેં એક તર્ક કર્યો છે. અને મને ખાતરી છે કે મારો તર્ક ખોટો નહીં જ હોય. ઇન્દ્રગઢની લાઇબ્રેરીમાંથી મને પણ કંઇક એવું સાંપડયું છે, જેનાં આધારે મારો એ તર્ક ઘડાયો છે....”

“ ઓહ ગોડ પવન, તું મને આશ્વર્યચકિત કરી રહયો છે. પ્લીઝ... ચોખવટથી કહે કે આખરે તું શું ખોળી લાવ્યો છે...? ” અનેરી ખરેખર અકળાઇ ઉઠી હતી.

“ નહીં...! એ બધું તારે જાણવાની જરૂર નથી. તારું કામ અહીં પુરું થાય છે. હું કાર્લોસને મનાવી લઇશ કે એ તને અને તારા દાદાને અહીંથી જવા દે. પછી તમે સીધાં જ ઓરપોર્ટ જઇ ભારતની ફ્લાઇટ પકડી ભારત જતાં રહેજો. બાકીનું હું ફોડી લઇશ...” હું બોલ્યો. અનેરી સ્તબ્ધ બનીને એ સાંભળતી રહી.

“ મતલબ કે અમારી ખાતર તું તારા જીવને જોખમમાં મુકીશ...? ” તેણે મને પુછયું.

હવે હું તેને કેવી રીતે સમજાવું કે મારો જીવ તો એ ખુદ હતી. અને એ માટે તો આ દુનિયાનું ભયાનકથી પણ ભયાનક જોખમ ઉઠાવવા હું તૈયાર હતો. ઇતિહાસ ગવાહ છે કે પોતાને મનગમતી યુવતિનાં પ્રેમમાં પાગલ રાજકુમારોએ કંઇ કેટલાય સમરાંગણો ખેલ્યા છે. તેમાં હવે મારું નામ પણ ભલે ઉમેરાઇ જતું.

@@@@@@@@@@@@@

“ મોસ્સી, આઇ થીંક કે આપણ એ છોકરાને સાથે લઇ જઇએ. તેનામાં મને “ ગટ્સ્” દેખાય છે. ઉપરાંત તે કશુંક વિશેષ જાણતો હોય એવું પણ લાગે છે...! તારું શું કહેવું છે...? ” માર્ટીનીએ લાંબા સમય બાદ તેની ખામોશી તોડી હતી. તે અને કાર્લોસ હમણાંજ બહારનાં કમરામાંથી ઉભા થઇને અંદર આવ્યાં હતાં. સ્યૂટનો આ માસ્ટર બેડરૂમ હતો. ફુલ થ્રોટલમાં ચાલતાં એ.સી.ની હવાથી બેડરૂમમાં જબરજસ્ત ઠંડક પથરાયેલી હતી. “ જો તે કંઇ જાણતો હોય તો ઠીક, નહિંતર આખરે તેનો હિસાબ પતાવતાં આપણને વાર કેટલી...? ”

“ હમમ્...!” વિચારમગ્ન અવસ્થામાં કાર્લોસે મુંડી હલાવી. “ આઇ થીંક યુ આર રાઇટ...! એ છોકરાને આપણી ટીમમાં સામેલ કરી લઇએ. પણ... પેલા બુઢ્ઢાને છોડવાનો તો સવાલ જ પેદા નથી થતો. એ જ તો આપણું હુકમનું પત્તું છે...” તેણે સાજનસીંહ પાલીવાલ વીશે કહયું. કાર્લોસનાં એ વાકયે બેડરૂમમાં ફરી સન્નાટો પ્રસરાવી દીધો. એના માર્ટીનીને તેનાં બોસની વાત સમજાતી હતી. સાજનસીંહની રીહાઇ મતલબ અડધી બાજી હાથમાંથી જવા દેવી.

“ એક કામ કરીએ તો...?” એકાએક તેને એક આઇડીયા સૂઝયો.

“ શું...?”

“ આ બધાને જ સાથે લઇ જઇએ તો કેમ રહેશે...? ”

“ ઓહ ગ્રેટ...! ઇટસ્ વન્ડરફુલ આઈડીયા..” મોસ્સીએ તુરંત હામી ભરી દીધી કારણકે તેને માર્ટીનીનું આ સુચન યોગ્ય લાગ્યું.

“ ધેન લેટસ્ ગો...! ડીલ ફાઇનલ કરીએ...” અને તેઓ બેડરૂમમાંથી બહાર આવ્યાં.

વિધીની કેવી અજીબ વિચિત્રતા હતી...! સમગ્ર બ્રાઝિલને પોતાની એક આંગળીનાં ઇશારે નચાવનાર માફિયા ડોન કાર્લોસ અત્યારે એક સામાન્ય યુવક સાથે સોદાબાજી કરવા તૈયાર થયો હતો. લોભ અને લાલચ.... આ બે ચીજ એવી છે જેમાં ભલભલાં ચમરબંધી પણ પોતાની વિચાર શક્તિ ખોઇ બેસે છે. જ્યારે આ તો કરોડો અબજો રૂપિયાનાં ખજાનાની વાત હતી. કાર્લોસની ત્રિપુટી કુદરતનાંએ અજીબો-ગરીબ ખજાનાની લાલચમાં ફસાઇ ચૂકી હતી જેને આજ સુધી કોઇએ જોયો સુધ્ધા નહોતો. અને જે લોકો એ ખજાના પાછળ ગયા હતા એ બધાં જ તને ભ્ટયા હતા, કોઇ જીવતું પાછું ફર્યુ નહોતું. કાર્લોસ પણ જાણીજોઇને એક ખતરનાક પંથ તરફ આગળ પ્રયાણ કરી રહયો હતો.

@@@@@@@@@@@@

“ ગમે તે થાય, હું તારી સાથે આવીશ જ...” લગભગ છેલ્લી પંદર મિનીટથી અનેરી હઠ લઇને બેઠી હતી કે તે મને કાર્લોસની સાથે એકલાં નહીં જવા દે. એ પણ સાથે આવશે. હું તેને સમજાવી સમજાવીને થાકી ગયો હતો પરંતુ તે ટસ ની મસ થતી નહોતી. જીંદગીમાં આજે પહેલી વખત મને સ્ત્રી હઠનો મતલબ સમજાયો હતો. તેની દલીલો સામે હું લાચાર બન્યો હતો છતાં એક છેલ્લી વખતની કોશિષ કરવા મેં મોં ખોલ્યું જ હતું કે કાર્લોસ ફરીથી કમરામાં દાખલ થયો અને મારી સમક્ષ આવીને ઉભો રહયો. તેનાં મોંઢામાં ધખધખતી સિગારની ઠંડી મીઠી ખુશ્બોથી વળી પાછો આખો કમરો ધમધમી ઉઠયો.

“ ઓ.કે. યંગબોય, તારી શરત મને મંજૂર છે. હું આ છોકરી અને તેનાં ગ્રાન્ડફાધરને છોડી મુકીશ. એ બદલામાં તારે મને તું જે જાણે છે એ કહેવું પડશે. અને... ચાહે તો તું અમારી સાથે, અમારી ટીમમાં શામેલ થઇને સાથે આવી શકે છે...” કાર્લોસે સિગારને દાંતમાં દબાવીને પહોળું હાસ્ય કર્યું. હું તેને જોઇ રહયો. મને આશ્વર્ય થયું કે બહું જલ્દી તે મારી વાત માની ગયો હતો. જો કે મને અત્યારે એ ખબર નહોતી કે તેઓ બેડરૂમમાં કંઇક અલગ જ પ્લાન ઘડીને આવ્યાં છે. એની જાણ મને બહું મોડી થઇ હતી. પરંતુ અત્યારે તો તે મારી સાથે સહમત થયો હતો.

“ ઓ.કે...! તો અનેરીનાં દાદાને લઇ આવો અને એ બંનેને જવા દો. હું અહીં જ રહીશ, અને આગળની સફર માટે તમારી સાથે આવીશ...” મેં પણ મક્કમતાથી કહયું.

“ એ નહીં બને, હું પણ સાથે આવીશ. તમારા કહયા પ્રમાણે મેં ફોટોગ્રાફ્સ્ તમને લાવી આપ્યાં છે. હવે તમે મારા દાદાને જવા દો, અને પવનની સાથે મને પણ તમારા પ્લાનમાં શામિલ કરો...” અનેરીએ લગભગ જીદ આદરી.

“ ઓ.કે.... નો પ્રોબ્લેમ, પેક યોર બેગ એન્ડ જોઇન અસ્. આપણો આ સોદો ફાઇનલ રહયો કે તમે બંને અમારી સાથે આવો છો અને આ છોકરીનાં દાદા, એટલે કે સાજનસીંહને સહી-સલામત પાછા તેમનાં ટેનામેન્ટે પહોંચાડી દેવામાં આવશે....” કાર્લોસ બોલ્યો.

હવે મારે કંઇ કહેવા જેવું રહેતું નહોતું. મને ખબર હતી કે કાર્લોસની મંજૂરી બાદ અનેરી મારી કોઇ વાત નહી જ સાંભળે. એટલે મેં હથિયાર હેઠાં મુકી દીધા. જોકે અનેરી સાથે આવવાની હોય એ મને ગમતી વાત હતી છતાં મને તે કોઇ જોખમમાં મુકાય એની ચીંતા હતી.

એ પછીની ઘટનાઓ બહું ઘટી હતી. કાર્લોસ સાથે સોદાબાજી થયાનાં માત્ર બે કલાકમાં અનેરીનાં દાદાને એક વેન આવીને તેમનાં ટેનામેન્ટ નજીક ઉતારી ગઇ હતી. અમે રીઓ-ડી-જેનેરોથી અનેરીનાં ઘરે, સાઓ-પાઓલો પહોંચ્યા ત્યારે અડધી રાત વીતી ચુકી હતી. અનેરી તો તેનાં દાદાને હેમખેમ પરત આવેલા જોઇને બેહદ ભાવુક થઇ ઉઠી હતી. રડતી આંખોએ તે એનાં દાદાને વળગી પડી હતી. અને પછી આખી રાત તે બંને દાદા-દીકરીએ પોતાનાં સુખ-દુઃખની વાતોમાં જ વિતાવી દીધી હતી.

અનેરીને પ્રસન્ન જોઇને મને પણ સારુ લાગ્યું હતું. તેનાં દાદા સલામત હતાં એ બહું મોટી ઉપલબ્ધી અમને મળી હતી. મારે પણ તેમની સાથે ધણીબધી મસલતો કરવી હતી. ઘણું પુછવું હતું, ઘણાબધા પ્રશ્નોનાં જવાબો મેળવવા હતાં, પણ મને ખબર હતી કે આજની રાત એ શક્ય નહીં બને, કારણકે અનેરી તેનાં દાદાને એકલા છોડશે નહીં. એટલે હું ધીરે રહીને મને ફાળવવામાં આવેલાં કમરામાં સુવા ચાલ્યો ગયો. વિનીત પણ મારી પાછળ પાછળ કમરામાં દાખલ થયો હતો. તે ગજબનાક રીતે શાંત પડયો હતો. તેણે આ બધું કેવી રીતે થયું એ પુછયું હતુ અને અનેરીએ તેને સમજાવ્યું હતું. સાચુ પુછો તો મને કયારેક હેરાની ઉપજતી હતી કે આ છોકરો આખરે છે શું...? તેણે અમારી વાતો સાંભળી હતી, અમે જે સોદાંબાજી કરી હતી એ વીશે જાણ્યું હતું, છતાં કંઇ જ બોલ્યો નહોતો. કદાચ અનેરી તેનાથી દુર જઇ રહી છે એ ખ્યાલે તેને સુનમુન બનાવી દીધો હતો.

શું ખરેખર એવું હતું...?

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટમાં જણાવજો કે આ કહાની તમને કેવી લાગે છે.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

પ્રવિણ પીઠડીયા.