પ્રકરણ ૪ ડૉ. વિમળાબહેન.
ડૉ. વિમળાબહેનની કૌટુંબિક ભાવના.
ગુજરાત રાજ્યના વલસાડ જીલ્લામાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું રંગ અને રસાયણનું વિશાળ સંકુલ(કારખાનું )આવેલું છે. વલસાડ સ્ટેશનથી આશરે દસેક માઈલ દુર તેના કર્મચારીઓ માટે રહેવા ખુબ સુંદર ટાઉનશીપ બાંધેલી છે.ટાઉનશીપમાં રહેતા લોકો કુટુંબ ભાવનાથી રહે છે.કર્મચારીઓના મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓ માટે સાંકૃતિક મંડળ "ઉત્કર્ષ ", બાળ પ્રવૃત્તિ માટે 'ઉદય' અને સ્ત્રી પ્રવૃત્તિઓ માટે 'ઊર્મિ" જેવા મંડળો કાર્યરત છે.
આશરે ૧૯૭૪-૭૫ની આ વાત છે."ઉત્કર્ષ"નો હું મંત્રી હતો અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી સીધ્ધાર્થભાઈ લાલભાઈનાં પત્ની ડૉ.વિમળાબહેન પ્રમુખ હતા. દર વર્ષે મંડળનો વાર્ષિકદિન ઉજવાય, ત્યારે કોઈ જાણીતી અને નામાંકિત વ્યક્તિને આમંત્રિત કરી તેમનું પ્રવચન ગોઠવાતું અને ત્યારબાદ 'એન્યુઅલ ડે'નું ભવ્ય 'ડીનર' થતું.
૧૯૭૪-૭૫ના વાર્ષિક દિન ના મુખ્ય મહેમાન તરીકે સુપ્રસિધ્ધ સંગીતકાર પદ્મશ્રી સ્વ. શ્રી અવીનાશભાઈ વ્યાસ હતા.કાર્યક્રમ પુરો થયો અને 'એન્યુઅલ ડે'ના ડિનરની તૈયારીઓ થઈ. એક બાજુ હું ડિનરની વ્યવસ્થામાં વ્યસ્ત હતો અને બીજી બાજુ શ્રી અવીનાશભાઈ મુંબાઈ જવાની ઉતાવળમાં હતા.ડૉ. વિમળાબહેન શ્રી અવીનાશભાઈને રોકાઈ ડિનર લઈ જવા વિનંતિ કરતા હતા, કારણ કે મુખ્ય મહેમાન વગરનું 'એન્યુઅલ ડિનર' શોભે નહિં તેમજ મુખ્ય મહેમાન ભૂખ્યા જાય તો મંડળની આબરૂ જાય.
ડૉ. વિમળાબહેને એક બાજુ બોલાવીને મને કહ્યું "ઉમાકાન્તભાઈ તમને જણાવતાં મને દુઃખ થાય છે. પરિસ્થિતિ વિકટ છે.શ્રી અવીનાશભાઈને કાલે મુંબાઈમાં રેકોર્ડીંગ છે તેથી તેઓ રોકાઈ શકે તેમ નથી.' એન્યુઅલ ડે 'ના 'ડિનરમાં ચીફ ગેસ્ટ ' હાજર ન હોય તે કેટલું વિચીત્ર લાગે. " વર વગરની જાન જેવું ના લાગે ? " શું કરીશું?"
મેં જણાવ્યું કે " તેઓ ના જ રોકાઈ શકે તેમ હોય તો તમે જાહેર કરો કે ' મને જણાવતાં દુઃખ થાય છે કે આકસ્મિક કારણોસર આપણા મુખ્ય મહેમાન શ્રી અવીનાશભાઈ આજે આપણી સાથે ડિનર માં સહભાગી થઈ શક્શે નહી, તો માફ કરશો."
"સારૂં, તો પછી તેમને મુકવા સ્ટેશને કોણ જશે? સામાન્ય ડ્રાઈવરની સાથે એમને મોકલીએ તો તે તેમનું અપમાન ગણાય. તેમને ખોટું
લાગે . શું કરીશું?"
" વિમળા બહેન, તમે મુંઝાશો નહિં. હું તેમને વલસાડ સ્ટેશને મુકવા જઈશ."
" અરે! તમે ? ડિનરમાં ચીફ ગેસ્ટ અને મંડળના સેક્રેટરી જ હાજર ના હોય તે કાંઈ સારૂં કહેવાય ?"
" જુઓ વિમળાબહેન, અવીનાશભાઈ આપણા માનનિય ચીફ ગેસ્ટ છે તેથી સામાન્ય વ્યક્તિ સાથે તેમને વિદાય અપાય નહિં, મંડલના સેક્રેટરી તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે હું તેમને વિદાય આપવા જાઉ તેમાં કાંઈ ખોટું નથી." આમ રકઝકને અંતે તેમને સમજવી હું શ્રી અવીનાશભાઈને મુકવા વલસાડ સ્ટેશને રવાના થયો.
તેમને મુકીને પાછા આવતાં રાત્રીના ૧૦-૩૦ કે ૧૧-૦૦ થયા. ડ્રાઈવરને સુચના આપી કે વિમળાબહેનને સંદેશો આપે કે ગેસ્ટને સારી રીતે પહોંચાડ્યા છે. કંપનીનો ડ્રાઈવર મને મારા ક્વાટર ઉપર મુકી ગયો.
હું કપડાં બદલી સુવાની તૈયારી કરતો હતો ત્યાં ડ્રાઈવર છોટુભાઈ અને શંકર મહારાજ જમવાનો થાળ લઈ ઘેર આવી પહોંચ્યા અને જણાવ્યું કે વિમળાબહેને આ થાળ મોકલ્યો છે અને ફોન કરવા કહયું છે. મેં તેમને ફોન કર્યો ત્યારે તેમણે જણાવ્યું "એન્યુઅલ ડૅ ના ડિનર "માં મંડળનો સેક્રેટરી જમ્યા વગર ભૂખ્યો રહે તે કેમ ચાલે ? આખું વર્ષ કામગીરી બજાવી અને આજના મુખ્ય પ્રસંગે તમારી ગેરહાજરીનું ઊંડું દુઃખ છે અને તે બદલ હું દિલગીર છું.
આમ મેનેજીંગ ડીરેક્ટરનાં પત્ની હોવા છતાં નાનામાં નાના માણસની કદર કરવાનું તેઓ ભૂલ્યા નહોતા.આમ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ કુટુંબની નાનામાં નાના માણસની કદર કરવાની તેમની સહ્રદયતા અને માનવતાંના દર્શન થયાં.
સમાપ્ત.