Featured Books
શ્રેણી
શેયર કરો

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૬

પ્રકરણ ૬ અતુલ માં આગમન

૧૯૫૬માં ગ્રેજ્યુએટ થયો. નોકરીની શોધ શરૂ કરી.અમારૂં કુટુંબ અમદાવાદમાં સર ચીનુભાઇ બેરૉનેટનું કુટુંબી હતું મારા કાકાશ્રી બેરોનેટ કુટુંબના જમાઈ હતા. અમારા કુટુંબને અને કસ્તુરભાઈના કુટુંબને ઘણો જ સારો સંબંધ હતો. B.Sc. થયા બાદ તેમને મળીને તેમના આશીર્વાદ લેવા ગયો. “હવે શું વિચાર છે? આગળ ભણવું છે કે નોકરી કરવી છે ?"

"ભણવાનો તો વિચાર છે, પણ ઘરની આર્થિક પરિસ્થિતિથી તમે વાકેફ છો. તેથી નોકરી કરવા વિચાર છે.

"સારૂં હું કસ્તુરભાઇ શેઠને વાત કરીશ. કસ્તુરભાઈ શેઠની ઘણી બધી મીલો અમદાવાદમાં છે. તારે ક્યી મીલમાં અને ક્યા ખાતામાં જવું છે ? તે નક્કી કરી મને જણાવજે.”

" મારે મીલમાં નથી જવું. 'અતુલ'નું તે વખતે મોટું નામ હતું. તેથી વલસાડ આવેલી તેમની અતુલ કંપનીમાં જવું છે. તેમ જણાવ્યું"

"સારૂં હું વાત કરીશ."

બીજે દિવસે અરજી લઈને વલસાડ જઈને શ્રી સિધ્ધાર્થભાઈ શેઠને મળવા જણાવ્યું.

વલસાડ જઈ શ્રી સિધ્ધાર્થભાઈ શેઠને મળ્યો, તેમણે શ્રી બી.વી. શાહને ફોન ઉપર વાત કરી મારો ઈન્ટર વ્યુ લેવા જણાવ્યું.. શ્રી શાહ સાહેબ તે વખતે, કેમીસ્ટ એમ.વી.દેસાઈ. સાથે પ્રયોગમાં વ્યસ્ત હતા. તેથી મને મારૂં નામ, ક્વોલીફીકેશન, ક્યાંથી આવો છો વગેરે સામાન્ય માહિતી પૂછી. અને તેમણે તેમના પ્રયોગમાં મન પરોવ્યું. હું તેમની સામે જોતો અડધો કલાક ઉભો રહ્યો. લગભગ ચાર સાડાચાર વાગ્યા હશે, તેમના તરફથી કોઈ 'રીસ્પોન્સ' ના મળતાં મેં તેમને પછ્યું " હું હવે જાઉં ?

કારણ કે અતુલમાંથી છેલ્લી બસ સાંજે પાંચ વાગે મળે પછી બીજી રાતે ૧૧-૩૦ વાગે મળે. પાંચની બસ મળે તો મને સાંજની ૦૬-૨૦ની અમદાવાદ લોકલ મળે. તેથી હું મુંઝાતો હતો.

તેમને ટુંકાક્ષરી "હા" જવાબ આપ્યો. “

શ્રી સિધ્ધાર્થભાઈ શેઠને હું શું કહું ?

મારી સામે કતરાતી નજરે જોઈ " એ તો હું તેમને વાત કરીશ"

શ્રી સિધ્ધાર્થભાઈ શેઠને મળ્યો અને વાત કરી. શાહ સાહેબે મારો ઈન્ટરવ્યુ લીધો છે.

તેમને કહ્યું સારૂં હું પપ્પાને વાત કરીશ."

અને હું 'બેક ટુ અમદાવાદ'

કાકાને વાત કરી કે હું વલસાડ જઈ શ્રી સિધ્ધાર્થભાઈ શેઠને મળી આવ્યો છું

"સારૂં રાહ જો, અને શું જવાબ આવે છે તે મને જણાવજે."

અઠવાડિયું થયું પણ કોઈ જવાબ નહિ. કાકાને વાત કરી કે જવાબ નથી. બીજે દિવસે, તેમણે શ્રી કસ્તુરભાઈ શેઠ જોડે વાત કરી હશે તેથી મને કહ્યું ,"શ્રી કસ્તુરભાઈ શેઠ તો કહે છે કે ત્યાં તો ફક્ત ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ્સને જ લે છે, તો એમ કર અહિં કોઈ મીલમાં લાગી જા."

“ના કાકા, એવું કોણે કહ્યું? એવું નથી, મારો મિત્ર નીરંજન પરીખ મારી સાથે જ પાસ ક્લાસમાં પાસ થયો છે અને તેને હું ત્યાં નોકરી કરતો જોઇ અને મળીને આવ્યો છું."

"શેઠ સાહેબ જુઠ્ઠું તો ના બોલે. સારૂ એમ કર કાલે આવજે આપણે રૂબરૂ મળી.વાત કરીશું"

બીજે દિવસે મને લઈને તેઓ કસ્તુરભાઈ શેઠને મળ્યા, અને વાત કરી શાંતિથી સાંભળી, શેઠે જાતે ચીઠ્ઠીમાં સ્પષ્ટ લખ્યું "આવનાર શ્રી ઉમાકાન્ત મહેતા તે શ્રી ……………….ના મોટા ભાઈનો પુત્ર છે,અને ભાઈ શ્રી.................એ જ એનું ક્વોલીફીકેશન છે."ચીઠ્ઠી બંધ કરી મને આપી વલસાડ જઈને શ્રી સિધ્ધાર્થભાઈ શેઠને મળવા કહ્યું.

અતુલ આવી શ્રી સિધ્ધાર્થભાઈ શેઠને મળ્યો, ચીઠ્ઠી આપી, વાંચી અને મને વર્ક્સ મેનેજર શ્રી એસ. એસ. ભાટિયાને મળવા કહ્યુ તેમણે મને બેસાડી એપોઈન્ટમેન્ટ લેટર ટાઈપ કરાવી સહિ કરી મને આપ્યો,

ક્યારથી જોડાવ છો? એમ પૂછ્યું. તારીખ ૧૭મીને શુક્રવાર હતો અને હું થાકેલો હતો. તેથી મેં કહ્યું કે સોમવાર ૨૦ જુલાઈથી.

મને કહે સારૂં.

મને તરત નોકરી મળી ગઈ. મોટા શેઠની ચીઠ્ઠી આગળ બધી જ યુનિવર્સીટીનાં સર્ટીફીકેટ ગૌણ સાબીત થયા. આમ ૨૦-૦૭-૧૯૫૬ ના શુભ દિને મારૂં અતુલમાં આગમન થયું.

???????