પ્રકરણ ૯. શ્રી એસ. કે. ભલ્લા.સાહેબનું આગમન.
બેચલર્સ ક્વાટરમાં નિરુત્સાહિ વાતાવરણ હતું .સવારે ૦૮ વાગે સર્વિસ પર પર જવું અને સાંજે ૦૫ વાગે પાછા આવવું. આવ્યા પછી 'ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ' ના વાંચન સિવાયની કોઈ પ્રવૃતિ ના મળે. વડા પ્રધાન સ્વ.શ્રી જવાહરલાલ નહેરૂએ એક સુત્ર "आराम हराम है ' આપેલું હતું જ્યારે,બેચ-લર્સ ક્વાટરનું સુત્ર હતું. ભારતભરમાંથી યુવાધન અતુલમાં આવવા લાગ્યું; પરન્તુ નિષ્ક્રિય વાતાવરણને લીધે થોડો સમય સર્વિસ કરે અને છોડીને જતા રહે.
શ્રી ભલ્લા સાહેબનું આગમન ૧૯૫૬માં થયું. તેમણે નવું સુત્ર આપ્યું "आराम बडी चीज है, मुंह ढंक कर सोईए" વ્યંગમાં કહીને પડી રહેતા આળસુ લોકોમાં નવી ચેતના જગાડી.મૂળે તો પંજાબી જીવડો, ચંચળ સ્વભાવ નિષ્ક્રિય વાતાવરણથી કંટાળી ગયો. શ્રી બી.કે સાહેબને મળી 'વૉલી બૉલ'ની શરૂઆત કરી. શ્રી બી.કે.સાહેબતો માણસ પારખુ. શ્રી ભલ્લામા તેમને ઉત્સાહના દર્શન થયા. યુવક પ્રવૃતિની જ્યોત જોઈ.. અવાર નવાર શ્રી ભલ્લાને મળી યુવક પ્રવૃત્તિની માહીતિ મેળવે અને રમત ગમતનાં જરૂરી સાધનોપુરા પાડે.ધીરે ધીરે "ઉલ્હાસ જીમખાના"ની રચના કરી.'ક્રીકેટનું ગ્રાઉન્ડ ''ટેનીસ કૉટ', 'બેડમીંગ્ટન કૉટ', 'ટેબલ ટેનીસ' માટે હૉલ અને 'બીલીયર્ડ ટેબલ' વગેરે રમતો શરૂ થઈ.
રમત ગમત સાથે મનોરંજન પણ જોઈએ. વલસાડમાં સ્ટેશન રોડ પર ફક્ત એક જ લક્ષ્મી ટોકીઝ હતી. શ્રી સિધ્ધાર્થ્ભાઈ પાસે ૧૬ એમ.એમનું એક પ્રોજેક્ટર હતું, તેમાં "ચીલ્ડ્રન ફિલ્મ સોસાયટી" તરફ્થી ફીલ્મ મંગાવી કલ્યાણી સ્કૂલના હૉલમાં કોઈ કોઈ વાર બતાવે. લોકોને મનોરંજનની મુશ્કેલી જોઈ એક સાથે ૫૦૦૦ માણસો બેસી મનોરંજન માણી શકે તેવું વિશાળ "ઑપન ઍર થીઍટર" બાંધી દર શની-રવી સાંજ પીક્ચર બતાવવાનું શરૂ કર્યું. એક અઠવાડિયે હિન્દી કે ગુજરાતી તો એક અઠવાડિયે પરપ્રાંતિય (કેરાલા, આંધ્રપ્રદેશ, યુપી, બંગાળ, બીહારના ) લોકો માટે અંગ્રેજી પીક્ચર બતાવવાનું શરૂ કર્યું.
કૉલેજમાંથી થનગનતા તાજાજ આવેલા નવયુવકો અને યુવતીઓ તેમની કૉલેજના અધુરાં અરમાન પુરા કરવા નાટક અને અન્ય મનોરંજન એકાંકી સ્પર્ધા, રાસ ગરબા હરિફાઈ, શાસ્ત્રીય તેમેજ સુગમ સંગીત વગેરેના પ્રોગ્રામ પણ યોજાતા.સવેતન રંગભૂમિના નાટકો આઈ.એન.ટી. કાન્તિ મડીઆ વગેરેને આંમંત્રીને તેમના નાટકો તથા સંગીતના ખ્યાતનામ કલાકારો ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન, રઈશખાન, હરિપ્રસાદ ચોરસિયા વગેરે ને બોલાવી તેમના પ્રોગામો પણ ગોઠવતા. અતુલના લોકો જ નહિં પરન્તુ આજુબાજુ વલસાડ, નવસારી, સુરતથી લોકો જોવા આવતા.
આમ અતુલ રસાયણિક ઉદ્યોગ સાથે સાંસ્કૃતિક પ્રવૃતિનો પણ વિકાસ થયો.આથી એક ફાયદો એ થયો કે પરપ્રાંતીય લોકો જે થોડો વખત આવીને જતા રહેતા હતા તે સ્થાયી થયા, અને ભારતના નકશામાં અતુલનું નામ સ્થાયી થયું.
???????
શ્રી ભલા સાહેબની 'અમીરી ખીચડી '
૧૯૫૮માં અતુલ માં કામદારોની હડતાળ પડી. મેનેજમેન્ટ કે કામદાર કોઈ ટસના મસ ના થાય. બજારમાં વાત ફેલાય કે કમ્પની બંધ પડી છે, અને ત્યાં કામદારો હડતાળ ઉપર ઊતર્યા છે તો શેર બજારમાં કમ્પનીના શેર તળિયે બેસી જાય. મેનેજમેન્ટ ને તો કંપનીની આબરૂ સાચવવી હતી. તેથી અમદાવાદથી મીલોના કામદારોને લાવી ભરતી ચાલુ કરી, અને કંપની ચાલુ રાખી. તેમને માટે રાતોરાત વાંસથી અમદાવાદી ચાલ ' અને ' બામ્બુ ચાલ' ઉભી કરવામાં આવી. અમદાવાદી ચાલમાં અમદાવાદથી આવેલા લોકો રહેતા તેથી તેઓએ અમદાવાદી ચાલ નામકરણ કર્યું, પાછળથી જે લોકો આવ્યા તેમની બામ્બુ ચાલમાં ગોઠવણ કરવામાં આવી. તેઓને બામ્બુ ચાલ નામ હીણું લાગ્યું, અમદાવાદી કરતાં અમે કંઈ કમ છીએ ? તેથી તેમણે બામ્બુ ચાલનું નામ 'બોમ્બે ચાલ ' કર્યું.
શરૂઆતમાં આ કામદારોને જમવા માટે કંપનીના સ્ટાફ ના સભ્યો જે મેસમાં જમતા હતા તેમની સાથે વ્યવસ્થા કરી, પરન્તુ કામદારોનો વર્ગ મોટો હતો અને તેમનો ખોરાક પણ સ્ટાફ મેમ્બર કરતાં વિશેષ, એક એક માણસ ૨૦-૨૫ રોટલી રમતાં રમતાં સહેજમાં ખાઈ જાય, તેજ પ્રમાણે દાળભાત અને શાકનું પણ તેવું જ. આથી અવ્યવસ્થા ઉભી થવાથી સ્ટાફ મેમ્બરોએ શ્રી બી.કે.સાહેબને વાત કરી.કંપનીએ તો સ્ટાફને અને કામદાર બંન્નેને સાચવવાના હતા.આ માટે 'જી ટાઈપ' કોલોનીમાં જુદા બીલ્ડીન્ગમાં જુદી વ્યવસ્થા કરી અને તેની દેખભાળ કરવાનું સ્ટાફ ને સોંપ્યું. મેસનું નામ 'અવર ક્લબ' આપ્યું. તેમાં દર મહિને સભ્યોની મીટિંગ થાય અને તેના હિસાબ કિતાબ થાય અને ખર્ચ સરખે ભાગે વહેચી લેવાય.
શનિ-રવી રજાનો દિવસ આવે એટલે સુરત નવસારી, બીલીમોરાના સભ્યો પોતાને ઘેર ચાલી જાય અને દુર અમદાવાદ કે મુંબાઈથી આવેલા સભ્યો શનિવારે પાંચ વાગે સીધા જ વલસાડ લક્ષ્મી ટોકીઝમાં પીક્ચર જોવા ઊપડી જાય. પીક્ચર જોઈને સુપ્રીમમાં નાસ્તો કરી રાત્રે ૧૦ ની છેલ્લી બસમા આવે. સુપ્રીમ માં જમી અને નૉવેલ્ટી બેકરીના બિસ્કીટ લેતા આવે અને ખીચડી 'એવોઈડ કરે. જે લોકોએ વલસાડમાં નાસ્તો ના કર્યો હોય તેઓ રાત્રે ક્લબમાં જમવા જાય. ક્લબ માં શનિ- રવી મેમ્બર ઓછા હોય એટલે મહારાજ ખીચડી જેવું હળવું ભોજન રાખે. ખીચડી જોઈ મોંઢું ચડાવી, મહારાજને એક બે ચોપડાવી પાછા આવે, યુવાન વર્ગને ખીચડી નું ભોજન ભાવે નહિં એટલે નૉવેલ્ટી બેકરીના બિસ્કીટથી ચલાવી લે.રવીવારે 'ફીસ્ટ' એટલે કે મિષ્ટાન્ન રાખે.
મહારાજ તો સભ્યોની ગણતરી મુજબ ખીચડી બનાવે પણ મોટા ભાગના સભ્યો જમે નહિ તેથી બગાડ થાય અને માસિક બિલ વધુ આવે. દર મહિને મીટીંગમાં આ બાબત ચર્ચા થાય, મીટીંગમાં મહારાજને બોલાવી પુછવામાં આવ્યું. મહારાજે ખુલાસો કર્યો કે સાહેબ, શનિવારે સાજે ખીચડી બનાવું છું તે લોકો જમતા નથી અને રાંધેલું ધાન ફેંકી દેવું પડે છે. જો ખીચડી ઓછી બનાવું તો લોકો ભૂખ્યા રહે મારે તો સભ્યોના પ્રમાણે તેમને જમાડવા પડે. હું શું કરું ?
શ્રી ભલ્લા સાહેબ તે વખતે ક્લબની કમીટીના સેક્રેટરી. તેમણે આ પ્રશ્ન હાથમાં લીધો.અને શનિવારે આપણી ગુજરાતી ખીચડીમાં ચેઈન્જ કર્યો. ખીચડીમાં કાજુ, અને કીસમીસ (લાલ દ્રાક્ષ) નાંખવાની મહારાજને સૂચના આપી અને તે મુજબ બનાવવા કહ્યું.
મહારાજે તે મુજબ ખીચડી બનાવી. સભ્યો તેમની આદત મુજબ બહારથી જમીને આવ્યા હતા તેથી જમ્યા નહીં અને બગાડ તો થયો જ. બીજે દિવસે રવિવારે ફીસ્ટ હતી અને ગુલાબ જાંબુ રાખ્યા હતા. સભ્યો હોંશથી જમ્યા અને વાતે વળગ્યા. ગઈ કાલે જેઓ રાત્રે ખીચડી જમ્યા હતા તેમણે જણાવ્યું કે અરે ! ગઈ કાલની ખીચડી તો અફલાતૂન હતી, મઝા આવી ગઈ, અને ભલ્લા સાહેબની ' અમીરી ખીચડી’ ના વખાણ કર્યા. જે સભ્યો નહોતા જમ્યા તેમને પસ્તાવો થયો અને બીજા શનિવારે ભલ્લા સાહેબની ‘અમીરી ખીચડી'ની ફરમાયશ આવી. મહારાજે તે મુજબ બનાવી અને સભ્યોએ આનંદ વ્યક્ત કર્યો. પછી તો દર શનિવારે સાજે ‘અમીરી ખીચડી'નું મેનું ફીસ્કડ થઈ ગયું. અને ભલા સાહેબની અમીરી ખીચડી લોકોને દાંતે વળગી.
???????