Featured Books
શ્રેણી
શેયર કરો

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૫

પ્રકરણ ૫ શેઠ શ્રી અશ્વિનભાઈ.

અશ્વિન શેઠની અલવિદાઃ- અશ્વિન વદ બીજ સંવત ૨૦૭૧ ગુરૂવાર.

.

ટ્રાન્સ્પોર્ટ્રડ એ અતુલનાં 'કાર્ટીંગ' એજન્ટ. અતુલનો કાચો અને તૈયાર માલ (રો મટીરિયલ અને ફીનીશ્ડ પ્રોડક્ટ્સ) મશીનરી, તથા અન્ય આનુષંગિક વસ્તુઓ લાવવા લઈ જવાનું કામ ટ્રાન્સપોર્ટેડ સંભાળે. તે કંપનીના માલિક અમદાવાદના સ્વ. શ્રી ચિનુભાઈ કાલીદાસ શેઠ. અતુલની ઓફીસ શ્રી અશ્વિનભાઈ શેઠ સંભાળે. પુરા પરોપકારી અને નિરાભિમાની સજ્જન. કોઈને માટે ઘસાઈ છૂટવામાં પાછી પાની ના કરે.૪૦- ૫૦ ટ્રકોનો મોટો કાફલો. રોજની અતુલ -અમદાવાદ-મુંબાઈ અવર જવર. તેઓની ઓફીસ તથા ગોડાઉન મુંબાઈ, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં. અતુલના કર્મચારીને કોઈ પણ નાની મોટી વસ્તુ મંગાવવી હોય તો તે અશ્વિનભાઈને વાત કરે. બીજે દિવસે તે વસ્તુ સહિસલામત તેના ઘેર હાજર થઈ જાય. એક પણ પૈસાના ચાર્જ વગર 'હોમ ડીલીવરી’. ઘઉંની સીઝનમાં ઘઉં, ચોખાની સીઝનમાં ચોખા, તેમના અમદાવાદના ઓળખીતા વહેપારી પાનાચંદ શેઠની દાણાપીઠમાં આવેલી પેઢી પાસે જથ્થાબંધ ભાવે ખરીદી અને અતુલમાં ઘેર બેઠા વ્યાજબી ભાવે ઉત્તમ ક્વોલીટીનો માલ પહોંચાડે. ટ્રાન્સપોર્ટના કે મજુરીના એક પણ પૈસાના ચાર્જ વગર 'હોમ ડીલીવરી'

આવો જ એક દુઃખદ પ્રસંગ. ' જશને માથે જુતિયાં' જેવો. તેલની સીઝનમાં તેલના ભાવ આસમાને ગયા. અશ્વિનભાઈને વાત કરી અમદાવાદથી તેલના ડબ્બા મંગાવ્યા. ચોમાસાની સીઝનમાં રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. ટ્રકમાં તેલના ડબ્બા એક બીજા સાથે અથડા અથડીમાં ડેમેજ થયા, અને કેટલાક ડબ્બામાંથી તેલ લીક થવાથી ઓછું થયું. સારા સારા ડબા લોકોએ લઈ લીધા લીકેજ ડબ્બા લોકોએ લેવાની ના પાડી. પૈસા તો અમદાવાદના વહેપારીને ચુકવવા જ પડે. અશ્વિનભાઈએ ખોટ ખાઈને તે ડબ્બા લઈને અતુલ કેન્ટીનમાં આપ્યા. આમ ઉપકારનો બદલો લોકોએ અપકારથી આપ્યો. આ પ્રસંગ પછી તેમણે તેલ કે કોઈ પ્રવાહિ વસ્તુ મંગાવવાની ચોખ્ખી ના પાડી.

અતુલના શ્રી યુ.એમ. શાહના ભાઈને મુંબાઈ ખાતે 'લેમ્બ્રેટા સ્કૂટર' ની એજન્સી. સ્કૂટરની તે વખતે ભારે ડીમાન્ડ. આજે નોંધાવો તો દસ વર્ષે તમારો નંબર લાગે. સ્કૂટરનાં કાળા બજાર થાય. પૈસાપાત્ર લોકો જુદા જુદા નામે નોંધાવી રાખે અને જ્યારે તેમનો નંબર આવે ત્યારે તે લઈ કાળા બજારમાં ડબલ ભાવે વેચી નાંખે. અતુલ કંપનીએ સ્કુટર માટે લોન અને સ્કુટર એલાઉન્સ માસીક રૂ ૫૦/- આપવાનું શરૂ કર્યું હતું. અતુલના કર્મચારી અતુલમાંથી લોન લઈ આવા સ્કૂટર ખરીદે. અડોશ પડોશમાં રહેતા બે કર્મચારી સર્વિસ પર જવા માટે એકબીજા સાથે શેર કરે અને સ્કુટરના એલાઉન્સમાંથી આર્થિક કમાણી કરે. આ સ્કૂટર શ્રી અશ્વિનભાઈની ટ્રકમાં અતુલ આવે. અતુલના રસ્તા મોટા અને ટ્રાફીક ઓછો તેથી જેમ તેમ શીખે, અને પુરૂં આવડ્યું નાઆવડ્યું અને લાયસન્સ માટે અશ્વિનભાઈ શેઠનો સહારો. ટ્રાન્સપોર્ટના બહોળા બીઝનેસને લઈને R.T.O સાથે તેમને રોજનો સંબંધ, તેથી તેઓ પણ અશ્વિનભાઈનું માન જાળવે. તેઓ તેમની ઓફીસેથી ફોન કરે કે ચીઠ્ઠી આપે એટલે વગર ટ્રાયલે લાયસન્સ મળી જાય. અશ્વિનભાઈની ચીઠ્ઠીનો અતુલના ઘણ બધા કર્મચારીઓએ લાભ લીધેલો છે.

ટ્રાન્સપોર્ટ સિવાયના અન્ય સામાજીક કાર્ય, ' ઉત્કર્ષ'ના ડ્રામાની ટીકીટોના વેચાણ, ડ્રામા પાર્ટીના માણસો અને તથા તેમના માલ સામાન સેટીંગ્સ, તેમના રહેવા જમવાની વ્યવસ્થા વગેરે સઘળુ કાર્ય શ્રી અશ્વિનભાઈ જ ઉપાડી લેતા. તેમના વગર આ કાર્ય થઈ શક્યું જ ન હોત.

અશ્વિનભાઈ શેઠ એ અતુલની પ્રવૃત્તિના શ્વાસ અને પ્રાણ હતા, અતુલની એકે એક પ્રવૃત્તિમાં તેઓની હાજરી નોંધપાત્ર રહેતી. અમદાવાદ ખાતે અતુલ કર્મચારી સ્નેહસંમેલન તારીખ ૨૭-૧૦-૨૦૧૫ મંગળવારે શરદપૂર્ણિમાએ મળ્યું હતું. તેમાં છેલ્લી હાજરી આપી સૌના અભિવાદન ઝીલી તારીખ ૨૯-૧૦-૨૦૧૫ અશ્વિન વદ બીજ ૨૦૭૧ને ગુરૂવારે સૌને અલવિદા કરી નશ્વર દેહ છોડી સ્વર્ગે પ્રયાણ કર્યું. જીવનના અંત સુધી તેમણે અતુલના લોકોને સેવા આપી છે. ચાલો આજે આપણે સૌ તેમના પવિત્ર અને પૂન્યશાળી આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ.

???????