Aapna souni shwetu books and stories free download online pdf in Gujarati

આપણાં સૌની શ્વેતુ


સંતાનો આપણું જ લોહી છે જ્યારે ઉછાળો મારશે ત્યારે સાચો જ ઉછાળો મારશે. દીકરી જમાઈના સંસારમાં હસ્તક્ષેપ કરતા માતાપિતાની મનોવ્યથા
જ્યારથી ધારીણી લગ્ન કરીને આવી ત્યારથી ઘર કેમ ચલાવવું એ બાબતે પ્રફુલભાઇના સુચનો વધી ગયાં હતાં.
“અરે ત્યાં સુધી કે બ્રાંડેડ જ ખરીદાય અને સેલના કપડાં તો ના ખરીદાયવાળી વાતોથી અપૂર્વનું ભેજુ ભરમાવવાનું શરુ કરેલું. આમ કરીને નિવૃત્તીના આરે આવી ઉભેલા અપૂર્વના પપ્પાની વાતો કાપવા મથતા.”
બાપાને ઉવેખતો અને સસરા પ્રફુલભાઈને સદા સાચા માનતો. અપૂર્વ ને ઝંઝટ નહોતી જોઇતી.ખાસ તો ધારીણી ને સમજાવવુ સહેલું પડતું. બાપા તો હજાર ભય બતાવે અને થવા પાત્ર કામ થવા ના દે. અપૂર્વ જ્યાં કામ કરતો ત્યાં પણ બાપાનો ફોન આવતો અને કાયમ કંઇકને કંઇક સલાહો દેતા તેથી એક વખત ગુસ્સામાં કહી દીધું, “બાપા તમને જ્યાં સમજ ના પડે ત્યાં ડહાપણ ડહોળ્યા કરો છો ને તેથી તમારું માનવાનું મે બંધ કર્યુ છે સમજ્યાને !”
“ભલે માનીશ ના, પણ સાંભળજે”
“જે વાત માનવાની ના હોય, તે સાંભળીને ફાયદો શું?”
“સારુ તને જ્યારે જરૂર લાગે ત્યારે ફોન કરજે, મારો ૪૦ વરસનો અનુભવ કહે છે; ૧)દેવુ કરીને ઘી ન પીવું અને ૨)સૉડ હોય તેટલી જ ચાદર તાણવી. ૩) છેલ્લી વાત ત્રેવડ ત્રીજો ભાઇ તેથી દેખા દેખી ન કરવી.”
“સારુ પપ્પા એ બધી વાતો ભારતની છે. અત્યારે અમેરિકામાં તો જેટલું ક્રેડીટ કા વધુ વાપરો તેટલું વધુ સારું.”
“પૈસાની વાતો બધેજ એક સરખી ભારત હોય કે અમેરિકા. ક્યારે જરાસરખી ચૂંક પડશે તો ક્રેડીટ માં નોંધાઇ જશે.”
“પ્રફુલ જેમ કહે તેમ જ કરે છે આ છોકરો પણ ક્રેડીટ કાર્ડ પર હપ્તે ચઢી ગયોને તો વ્યાજ ૨૪% લાગશે.”
બાપાનો બડ્બડાટ સાંભળતી બા બોલી, ”હવે તમે જીવ શું કામ બાળો છો? તમારી ફરજ સમજીને તમે કહ્યું. ઘોડાને વાવ સુધી લવાય પણ પાણી તો તેણે જ જાતે પીવુ પડે ને? વાર્યા ના વળે તે હાર્યા વળે”
“હા. તે તો છે જ.પણ આપણી ફરજ તો ભુલ ના કરે તેથી ટકોર કરવાની ખરું ને ?”
ધારિણી કહે તેમ અને કહે તેટલું જ ઘરમાં આવે અને બાપાનો જીવ બળે. વધેલું પાછું નહીં આપવાનુ પણ ટ્રેશ કરવાનું. અરે ભાઈ જરુર હોય તેટલું જ લાવો ને ! બાપાની ફરજોને કચ કચ માનતી ધારીણી અને પ્રફુલભાઇએ આખરે બાપા અને બા ને ઘરડાઘર બતાવ્યું ત્યારે બોલ્યા” હાશ! હવે આપણું રાજ.”
અપૂર્વ માનતો કે નાના હતા ત્યારે અમને ડે કેરમાં તમે મુકતા ત્યારે તમારી દલીલ હતી ને કે સરખી ઉમરના સાથે રહે તો તેમને પણ ગમે. બસ તેમ જ તમે સરખી ઉમરના સાથે રહો !
ચારેક મહિના ગયા હશે અને માધવી અને પ્રફુલ આવીને અપૂર્વનાં ઘરમાં પરમેનંટ થઈ ગયા. અમને તો નાનકડી શ્વેતામાં ધારીણી જ દેખાય છે. તેના સિવાય ગમતું નથી. તેના ફોટાનું કોલાજ બનાવવુ છે.
“અમેરિકામાં અમેરિકાની જિંદગી જીવો. આ શું, અહીં પણ ભારતની જેમ ઘરમાં ખાવાનું બનાવાનું ?
લંચમાં પીઝા, પાસ્તા કે ટાકો બેલ ખાઈ આવવાના. નહીં વાસણની ઝંઝટ કે નહી તેને સાફ કરવાના. સાંજે ડીનર વ્યવસ્થીત કરવાનું. વેરાઈટી ખાવા મળે અને શ્વેતા સાથે રમવાનો બંને ને સમય મળે. આ શું ચુલો અને કચરા પોતું, દર અઠવાડીયે મેઈડ બોલાવી લેવાની એટલે પત્યું.”
“પૈસા કોને માટે બચાવવાના? ઘડપણે સોસિયલ સિક્યોરીટી અને મેડી કેર મળવાના જ છેને?”
વર્ષમાં એક વખત ફાધર ડે અને મધર ડે ના દિવસે અપૂર્વને યાદ આવતું ,મારા ઘરડા મા બાપ રીટાયર હોમમાં છે ત્યારે શ્વેતાને લઇને તે મળવા જતો. બાકી ટાઇમ જ ક્યાં છે?
જો કે બાપાએ તો હવે બોલવાનું છોડી દીધું છે. છોકરા અમેરિકન થઇ ગયા છે. શ્વેતા પણ બ્રાઉન પડીકાની આદિ થઇ ગઈ છે. તેનું શરીર પણ ફુલી રહ્યું છે. એ હાલત અપૂર્વની પણ છે. ક્યારેક અપૂર્વનું મન મમ્મીનાં હાથની રસોઈ ખાવા તરસી જાય. ખાસ તો ભીંડાનું ભરેલુ અને રવૈયાનું શાક. હોટેલમાં બધું જ મળતું હોય. પણ મમ્મી કોઇ જુદીજ રીતે બનાવતી. ધાણાજીરૂ અને કોપરુ ભરપેટ વાપરતી. ધારીણીને એ બનાવવાનો બહુજ કંટાળો આવતો.
સમય જતા માધવી બેન અને પ્રફુલભાઈ ઘરની દરેક બાબતોમાં માથુ મારતા. અપૂર્વ કમાવામાં ગળાડુબ હતો એટલે આ વાત પહેલા મદદ લાગતી હતી પણ તે લોકોની અંગત બાબતોમાં જ્યારે સુચનો થતા ત્યારે અપૂર્વ છંછેડાઇ જતો. અને કહેતો આપ વડીલ છો તેથી આપના સુચનો સહી લઉં છું પણ એનો અર્થ એમ નહીં કે તે વાત મને ગમે છે. હા તમારે મને તમારી વાત માટે આગ્રહ નહી કરવાનો. અને પ્લીઝ શ્વેતા માટે કે ઢારીણી માટે શું સારુ છે અને શું ખરાબ છે તે મને વારંવાર કહેવાની જરૂર નથી. તમારી વાતોથી અને ખાસ કરી વારંવાર કહેવાતી વાતોમાં મને ચીઢ ચઢતી હોય છે.
ધારીણી કહેતી, “પપ્પા એમને એકેની એકવાત એમના પપ્પા કહેતા ત્યારે તેમને આવી જ ચીઢ ચઢતી.”
ત્યારે તો પ્રફુલભાઈ ગમ ખાઈ ગયા પણ કહે છે ને કે સાઠે બુધ્ધી નાસે બસ તેમજ જ્યારે ને ત્યારે તેમનાથી બોલ્યા વીના ના રહેવાય. અને અપૂર્વ ઘાંટો પાડે ત્યારે કહે નાના મોટાનું માન નથી રાખતો. અપૂર્વ ધારીણી ને કહે પપ્પાને જરા સમજાવ કે ભાભો ભારમાં તો વહુમા લાજમાં. મને મારા બાપા પણ કહેતાને તો હું અકળાઇ જતો.
જ્યારે ઘરમાં પ્રફુલભાઇ સાથે રક્ઝક થતી ત્યારે તેને બાપા યાદ આવતા.અને બાપાની વાતો યાદ આવતી.એમની વાતો બેઠી ધારની વરસાદ જેવી હતી.તેમાં વર્ષોની વાતો નો નિતાર હતો. છોકરાને શું કરતા અનુભવોનું ભાથું ભરી દઉં કે જેથી કોઇ પણ હાલતમાં તે દુઃખી ન થાય. જ્યારે પ્રફુલભાઇ ની દરેક વાતોમાં એમનું હીત વધુ હતું. સામાન્ય રીતે તો તે આંખ આડા કાન કરતો.પણ બ્રાંડેડ વાતોનો આગ્રહ જ્યારે માઝા પકડતો ત્યારે તેઓનાં મન નો ચોર પકડાતો.
દસેક વર્ષે પરિસ્થિતિ બદલાઈ અમેરિકાની નોકરીઓ હાયર અને ફાયરના કાયદાથી ચાલતી હોય છે. બહુ સામાત્ય નિયમ છે. તેથી નોકરી છુટી ગયા છતાં ધારીણી નો હાથ સાંકડો ન થયો. બધી નોકરીઓ અમેરિકામાંથી બહાર જવા માંડી અને હવે એકલું ફાયર જ થતું અને હાયર ન થતું .ખર્ચા ચાલુ અને આવક આછી.
છ મહીના થયા અને કૉલ સેંટરમાંથી કૉલ આવવાનાં શરુ થયા ત્યારે આંખ ખુલી. અપૂર્વ જોઇ રહ્યો હતો. પ્રફુલભાઇની બાંસુરી પણ બદલાઇ હતી.બીલોમાં આવતુ વ્યાજ નો દર જોઇ ને છક્કા છુટી ગયા. પ્રફુલભાઇ કહેતા હતા ક્રેડીટ કાર્ડ ઘસતા પહેલા ખબર નહોતી કે મહીના પછી પૈસા ભરવાના થશે?
પહેલી વખત સખત ઝટ્કો વાગ્યો. એક તો ક્રેડિટ કાર્ડવાળા પાછળ પડ્યા છે. તેમાંથી બહાર નિકળવાનો રસ્તો બતાવવાને બદલે મને જ ડામ? આવા કપરા વખતે તેઓ ધારી શક્યા હોત તો કહી શક્યા હોત,’ અપૂર્વ મારી પાસે સગવડ છે હું તમને જોબ મલે ત્યાં સુધી મદદ કરીશ’. પણ આવી અપેક્ષા બાપા પાસે કરાય. સસરા પાસે ઓછી થાય? પ્રફુલભાઇ અને સાસુમાનો કોલાજ પ્રોજેક્ટ પુરો થતો જ નહોતો. તેમને હવે થોડો ચમત્કાર બતાવવાની જરુર હતી.
એક દિવસ વાત વાતમાં ધારીણી ને કહ્યું “પપ્પા અને મમ્મી હવે ચાર ધામ પ્રવાસે જાય તો કેવું? શ્વેતા મોટી થઈ ગઈ છે અને…”
“એટલે?”
“એટલે એમ કે હવે તેમણે દેશનાં ઘર સાચવવા અને પાછલી ઉંમરનું ધરમ ધ્યાનપણ કરવું જોઇએ ને?” “ એમને ત્યાં ના ફાવે હની!” “ ભલે ના ફાવે ત્યારે જોઇશું પણ મેં તો તેમને માટે ચાર ધામની યાત્રાની ટીકીટ કઢાવી છે. આ સોમવારે કાંતીકાકાનો સંગાથ છે. વડોદરા નું ઘર પણ મરમ્મત માંગે છે તો ભલે એકાદ વર્ષ તે બધું કરી લે. અને હા ટિકીટનાં પૈસા ભારત જઈને આપવાના છે તેથી તેમને જમાઈએ જાત્રા કરાવી તેવું ના લાગે. બરોબર.”
ધારીણી, “અપૂર્વ આ તું સારું નથી કરતો.”
જો ધારીણી તારુ ધાર્યુ બધું દસ વર્ષ કરી લીધું અમેરિકન બની ને જોઇ લીધુ. હવે કેટલાક કામો મારે ભારતિય બનીને કરવા રહ્યા.” પહેલી વખત ધારીણી અપૂર્વની દ્રઢતા જોઇ ડગી ગઈ.
“નોકરી છુટી ગઈ. પછી ખર્ચામાં સહેજ પણ હાથ સાંકડો કર્યો છે ? અને પાછા કહે છે ક્રેડીટ કાર્ડ ઘસતા પહેલા ખબર નહોતી કે મહિના પછી પૈસા ભરવાના થશે ? મારા બાપા આ જગ્યાએ હોતને તો આ પરિસ્થિતિ તો આવત જ નહીં અને આવી હોતને તો તર્ત જે કંઈ હોત તે આપી દેત.” અપૂર્વના અવાજમાં કડકાઈ ડોકાતી હતી. થોડી વારનાંમૌન પછી તે આગળ બોલ્યો. એક તો નોકરી છુટી ગઈ હતી અને જેટલું વ્યાજ ભરે તેટલું જ વ્યાજ બીજે મહીને ક્રેડીટ કાર્ડમાં બોલે.પ્રિન્સીપલ તો ઘટવાનું નામ જ ન લે. ઘરનો હપ્તો ભરવાનો. કાર નો હપ્તો ભરવાનો અને બચત જેવું તો ક્યાં હતુ? અને આ મારું અને શ્વેતાનું વજન કુદકે અને ભુસકે વધે છે તેથી બ્રાઉન પડીકા બંધ અને રસોડુ ચાલુ કરો.”
બાપાના શબ્દો મનમાં ગુજવા માંડ્યા.” સૉડ હોય તેટલું તાણીએ અને દેખા દેખી નહીં કરવાની .ત્રેવડ તો ત્રીજો ભાઈ છે’.
અપૂર્વે ધારીણીનું ક્રેડીટ કાર્ડ લઈ કાતરથી કાપી નાખ્યું ત્યારે ધારીણી બોલી, “તમે પણ તમારા બાપાના જ દીકરાને ?”
“જો સાંભળ. એમનું સાંભળ્યું હોત ને તો આ કોલ સેંટરના કૉલ આવતા ન હોત.” થોડો સમય મૌન રહી તે ફરી બોલ્યો, “તારા બાપાને સાંભળ્યા ત્યાર પછી કાર્ડ ઘસવાની લત પડી. તેઓ જ કહેતા હતા ને કે અમેરિકન ઇકોનોમી સ્પેંડીંગ ઇકોનોમી છે. પણ બાપા કહેતા હતા ને ,’સૉડ હોય તેટલું તાણવું’ નહીં કે બેકે ધીરેલા પૈસા મફતના છે તેમ સમજવું. કહે કોણ સાચું ?”

"ઝાપટુ તો જોર બસ અમથું બતાડે છે;
જે ધીમી ધારે પડે છે એ ઉગાડે છે."
– પંકજ મકવાણા


રવિવારે સાંજે વેવાઇ ચારધામની જાત્રાએ જવાના છે. તેમને વળાવવા અને શાંતિથી જાત્રા કરવાનું કહેવા બા અને બાપાને અપૂર્વ ઘરડાઘરમાંથી તેડી આવ્યો. ધારીણીનું મોં ચઢી ગયું હતું. પણ મૌન રહી, કારણ તે સમજી ગઈ હતી કે કોણ સાચું હતું.
સોમવારે નીકળતાં નીકળતાં સસરાજીનાં પગ પકડી ને માફી માંગતા અપૂર્વ બોલ્યો, “સસરાજી બોલ્યુંં ચાલ્યું માફ કરજો. અને હેત પ્રીત રાખજો.”
મનમાં હાર્યા ખેલાડીની જેમ તેઓ બોલ્યા, “હા, તમે પણ બોલ્યું ચાલ્યું માફ કરજો.” તેમના મનમાં પ્રતિભાવ ઉઠતા હતા.જમાઇ તો પારકા. આંગળીથી નખ છેવટે તો વેગળાજ ને ? માધ્વી બેને પણ બા અને બાપાને પગે લાગતા કહ્યું, શ્વેતાને તમારી પણ જરૂર છે. ધારીણી કંઇ ભુલચુક કરે તો સાચે માર્ગે વાળજો. ગમે તેમ તો અપૂર્વ કુમાર અને ધારીણી બંને આપણા સંતાનો છે. શ્વેતાને વહાલ કર્યું.
બાપા કહે, “સંતાનો આપણું જ લોહી છે જ્યારે ઉછાળો મારશે ત્યારે સાચો જ ઉછાળો મારશે. આપ ચારધામ ફરીને આવો પછી જો હયાત હોઇશું તો હેતે પ્રીતે સાથે રહીશું નહીતર સૌને ઝાઝા જુહાર. તમારો જમાઇ એકનો એક છે અને અમારી પણ વહુ એકની એક છે. અને આપણા સૌની શ્વેતુ પણ એકની એક છે.”
ચારેય દાદા અને દાદી શ્વેતા સામે જોઇ રહ્યા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED