ચાલ આજે એવી દિવાળી પણ ઉજવીએ... Ravi bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ આજે એવી દિવાળી પણ ઉજવીએ...

મનની માટી અને કાયાનું કોડિયું, દિલની દિવેટ, તારાપણાનું તેલ પૂરીએ,

ચીત્તની ચિનગારીથી જીવનની જ્યોત પ્રગટાવીએ ત્યારે સાચી દિવાળી ઉજવાય

દિવાળી આવી ગઈ અને નવું વર્ષ પણ આવી ગયું. વાઈબ્રન્ટ નવરાત્રીથી શરૂ થયેલી આ ફેસ્ટિવ ફિલિંગ્સ હવે ઉત્તરાયણ સુધી અકબંધ રહેવાની. વાત આજે કંઈક અલગ પ્રકારની દિવાળીની કરવી છે. દિવાળીની ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક માન્યતાઓ, પરંપરાઓ અને બીજું ઘણું આપણે જાણીએ છીએ. આજે એકપેઢીએ જીવેલી અને બીજી પેઢી જીવી રહી છે તેવી દિવાળીની વાત કરવી છે. ખાસ કરીને 80થી 90ના દાયકામાં જન્મેલા લોકો કે જેઓ જૂની પેઢી સાથે સંકળાયેલા છે અને આ વિશ્વને આધુનિકતાનો આંચળો ઓઢીને આગળ વધતું જોવાના સાક્ષી પણ છે. આ એક એવી પેઢી છે જે જૂનું ત્યજી શકતી નથી અને નવું મુક્તમને અપનાવી શકતી નથી. હું અને મારા જેવા લાખો લોકો આ પેઢીના જ છીએ. તેવા લોકોની દિવાળીની વાત કરવી છે.

રાવણનો સંહાર થઈને રામરાજ્યની સ્થાપના થઈ કે રામ અયોધ્યા પરત આવ્યા તેની ઉજવણી એટલે દિવાળી જેવી ધાર્મિક પરંપરાઓ તેના સ્થાને યથાવત છે પણ આજે વાત કરવી છે પોતાની જાત સાથેની દિવાળીની. આજે એક એવી દિવાળી ઉજવવી છે જેવી દિવાળી આજથી વીસ કે પચ્ચીસ વર્ષ પહેલાં આપણે ઉજવતા હતા.

તે દિવાળી ખરેખર કેવી હતી. યાદ છે બધાને.... સૌથી પહેલાં તો નવરાત્રી પતે એટલે ઘરની સફાઈ થતી, જે આજે પણ થાય છે. તે સમયે જૂની યાદો અને સંભારણા માળીયામાંથી મળી આવતા હતા અને આજે નકામી વસ્તુઓ મળે છે. લખોટીઓનો ડબ્બો કે છાપો અને ભમરડાની થેલી મળી જતી તો આખું બાળપણ આંખોમાં ઉપસી આવતું. હવે તો ટેડીબેર, સોફ્ટટોય્ઝ અને બીજી વસ્તુઓ માળીયા કે કબાટોમાંથી નીકળે છે જે મોટાભાગે ડોમેસ્ટિક હેલ્પર્સ અને નોકરોના સંતાનોને આપી દેવાય છે. મમ્મી ઘરમાં સાફસફાઈ કરતી, આપણે થોડીઘણી મદદ કરતા, નાસ્તા બનાવતી, મઠીયા તળાતા, ચોળાફળી અને ઘુઘરા બનતા. મગસ, મોહનથાળ અને મીઠાઈઓ બનતી. આજે મમ્મી-પપ્પા આલિશાન કાર લઈને નીકળે, એકાદી ફરસાણ કે સ્વીટમાર્ટની દુકાન પાસે કાર ઊભી રાખે. લગભગ અડધો કલાકમાં તો બધી જ વસ્તુઓ લઈને બહાર અને થોડીવારમાં ઘરે. હવેની મિઠાઈમાં ઘરની મિઠાસ નહીં પણ બજારની સુગર વધી છે. આપણે મહેનત ફ્રી વસ્તુઓ લાવતા થયા છીએ અને એટલે જ આપણે સુગરફ્રી મિઠાઈ ખાવી અને ખવડાવવી પડે છે. માણસાઈની મીઠાસ ઓછી થઈ અને લાગણીઓ સુગરકોટેડ થવા લાગી એટલે મનને મધુમેહ થવા લાગ્યો.

ધનતેરસના એકાદ-બે દિવસ પહેલાં ઘરમાં ફટાકડાં આવે. ઘરના જેટલાં પણ બાળકો હોય તેમને સરખા ભાગે વહેંચવામાં આવે છતાં નાના-મોટા સંતાનો એકબીજાને વધારે મળ્યું તેના ઝઘડા કરે. આજે હજારો રૂપિયાના ફટકાડાં લાવવાની શક્તિ છે પણ ફોડવાની ફુસરત અને આનંદ નથી. દાઝી જવાની બીક અને પોલ્યુશનની પળોજણે બિન્ધાસ્ત બાળપણને કેદ કરી દીધું છે. એક સમય હતો જ્યારે તારામંડળ અને કોઠી ફોડતા પણ બીક લાગતી હતી છતાં ભાઈબંધો સામે શેખી મારતા કે આ વખતે તો બોમ્બના જ પાંચ પેકેટ લાવ્યો છું. ટેટાની તો વીસ લૂમ લાવ્યો છું. ફટાકડા ફોડી લીધા પછી બીજા દિવસે સવારે વધેલા ટેટા અને બોમ્બ શોધવા અને વિણવા નીકળતા હતા.

આખી રાત જાગીને રંગોળીઓ કરતા. કોની રંગોળી સરસ થાય છે તે જોવા માટે સવારે રેકી કરવામાં આવતી. આખા ઘરમાં અને કમ્પાઉન્ડમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં કોડિયા મૂકીને દીવા કરતા અને અજવાસનો આનંદ લેતા. આજે રંગબેરંગી સિરીઝ અને લાઈટ લગાવીને અજવાસને પણ આર્ટિફિશિયલ કરી દીધો છે. તેનો આનંદ પણ એવો જ થઈ ગયો છે. ફટાકડા ફોડવા નીકળીએ ત્યારે આજુબાજુના ઘરમાં જો વધારે દીવા બળતા હોય તો છુપાઈને એકાદ ઓલવી કાઢતા જેથી પોતાના ઘરના દીવા વધારે ચાલે છે તેવું સાબિત કરી શકાય.

નવા વર્ષે નવા કપડાં પહેરીને ઠાઠથી નીકળતા. ત્યારે બ્રાન્ડ કોને કહેવાય કે બ્રાન્ડેડ કપડાં હોવા જોઈએ તેવી સમજ નહોતી પણ દિવાળીએ નવા કપડાં લેવાના તેનો આનંદ વિશેષ હતો. મેં બે જોડી કપડાં લીધા તો મેં ચાર જોડી લીધાં જેવી બડાઈ મારતા અને બીજાને હેરાન કરવાનો નિર્દોષ આનંદ લેતા. આજે બ્રાન્ડેડ કપડાં પહેરીને પણ એવો આનંદ નથી મળતો. નવા વર્ષના બે-ચાર દિવસમાં શક્ય એટલા સગા સંબંધીઓને મળવા તેમના ઘરે જતા, થોડા દૂર રહેતા મિત્રો, સંબંધીઓ કે સ્નેહીઓને પોસ્ટકાર્ડ અથવા તો દિવાળી કાર્ડ મોકલતા. આજે લાખો વોટ્સએપ મેસેજની આપલે થાય છે પણ ક્યાંય લાગણીઓની આપ-લે થતી નથી. શક્ય એટલા લોકોને પગે લાગતા જેથી ગલ્લામાં વધુમાં વધુ પૈસા જમા કરી શકાય. કોણ વધારે પૈસા આપે છે તેમના ઘરે જવાને પ્રાધાન્ય આપતા.

કોની મમ્મી મઠિયા, ચોળાફળી કે મગસ સરસ બનાવે છે તેની હરિફાઈ જામતી. મિત્રો માત્ર આ જજમેન્ટ આપવા માટે પણ એકબીજાના ઘરે જઈને નાસ્તાઓની બેહિસાબ જયાફત ઉડાવતા. કોના ઘરે સારો મુખવાસ હોય છે અને કોણ વાસી વસ્તુઓ મુકે છે કે કોણ સાવ કંજુસ છે તેની પણ યાદી બનાવતા. અરે શિક્ષકોના ઘરે પણ દિવાળીની શુભેચ્છા આપવા પહોંચી જતા અને અડધું વર્ષ તેમણે આપણી સાથે જે કર્યું તેનો બદલો અડધો કલાકમાં બધો જ નાસ્તો ઝાપટી જઈને લઈ લેતા. ત્યારે વેકેશનમાં ફરવા જવાનો કે વિદેશ જવાનો ટ્રેન્ડ નહોતો. તે સમયે સંતાનો ઘરે રહેવા માટે કકળાટ કરતા, જીદ કરતા અને આજે ગણેશચતુર્થી દરમિયાન તો દિવાળીની રજાઓનું પ્લાનિંગ થઈ જાય છે. કયું ડેસ્ટિનેશન, કયો દેશ, કયું રાજ્ય અને કેટલા દિવસ બધું પહેલેથી જ નક્કી થઈ જાય છે.

ધનતેરસે ધનની પૂજા થતી, અને લક્ષ્મીજીની આશીર્વાદ મેળવવામાં આવતા, આજે તો લક્ષ્મીજીને કઈ બેન્કમાં રાખવા અને કયા દેશમાં રાખવા તેની મથામણ જ ચાલ્યા કરતી હોય છે. ત્યારે મનના વૈભવની બોલબાલા હતી અને આજે ધનના વૈભવની છે. કાળીચૌદસે ચારરસ્તે કકળાટ કાઢવા જતા અને આજે ગમે ત્યારે કકળાટ થઈ જાય તેવી સ્થિતિમાં આવી જઈએ છીએ. કાળી ચૌદસ અને દિવાળીની આખી રાત જાગીને ફટાકડા ફોડતા. આજે તો સમય, કાળ, તીથી અને કાયદાને ધ્યાનમાં રાખીને ઉજવણીઓ કરવી પડે છે. પહેલાં તો બાજુમાં રહેતા સોમાકાકા સામેથી ફટાકડા ફોડવા માટે ઘરની બહાર બોલાવતા અને આજે બાજુમાં રહેતા સોફેસ્ટિકેડેડ અંકલ દસ વાગ્યા પછી ફટાકડા ફોડો તો ડુ નોટ ડિસ્ટર્બ કરીને બચકાં ભરવા નીકળે છે. હવે તો કદાચ પોલીસને પણ બોલાવી શકે તેમ છે.

મૂળ વાત એટલી જ છે કે, આપણે જે દેખાડો અને દંભની દુનિયામાં જીવી રહ્યા છીએ તેને થોડો આરામ આપીને એક એવા બાળપણ અને જીવાયેલી જિંદગીને યાદ કરીએ જે સાચા અર્થમાં આપણા જીવનને અજવાસથી ભરતી હતી. તેમાં પ્રેમનો પ્રકાશ અને સ્નેહની સુગંધ હતી, ફટાકડાંની ગંધ પણ આનંદ આપતી અને સાપની ટીકડીમાંથી નીકળતો ધુમાડો પણ ધૂપસળી જેવો લાગતો. આવી જિંદગી કદાચ પરત તો નહીં આવે પણ હા આપણી આગામી પેઢીને આવી ઉજવણી કરતા શીખવીએ તો પણ દિવાળીનો આનંદ સાર્થક થશે. તે એકાદ દેશ ઓછો ફરશે કે એકાદ જોડ કપડાં ઓછા લાવશે તો ખાસ ફરક નહીં પડે પણ જિંદગીનો સાચો આનંદ માણતા તેને નહીં આવતે તો આખી જિંદગી સ્ટેસ, સિમ્બોલ અને સોફેસ્ટિકેશનમાં કાઢી નાખશે. ત્યારે દીવા નહીં જીવ બળતો હોય છે. હોટેલની રોટી સબ્જી અને મોબાઈલમાં પબજીથી પણ વિશેષ દુનિયા છે તેનું ભાન તેમને કરાવીએ અને જીવનનો સાચો આનંદ માણીએ તેવી આશા અને નૂતન વર્ષાભિનંદન.

ravi.writer7@gmail.com