Abhivyakti ane Anubhuti vacche no Tafaval books and stories free download online pdf in Gujarati

અભિવ્યક્તિ અને અનુભૂતી વચ્ચેનો તફાવત...

થોડા દિવસ પહેલાં એક કોફી શોપમાં બેઠો હતો. ત્યાં આસપાસ અનેક યુગલ બેઠા હતા અને ઘણા સિંગલ લોકો હતા જે મારી જેમ કોઈની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન મારી બરાબર પાછળ બેઠેલી છોકરીએ તેની સાથે આવેલી મિત્ર સાથે વાતો કરવાની શરૂ કરી. રોશની નામની આ છોકરીએ પોતાના ફિયાન્સ રોહિત વિશે એલફેલ બોલવાનું શરૂ કરી દીધું.

વાત એવી હતી કે રોહિતે દિવાળી દરમિયાન રોશનીને કેટલીક વસ્તુઓ ગિફ્ટ આપી હતી. બંનેની સગાઈને એક વર્ષ પૂરું થયું હોવાથી રોહિતે આ ગિફ્ટ આપી હતી. ગિફ્ટ બધી બરાબર હતી પણ તેમાં રોશનીએ માગેલી કેટલીક વસ્તુઓ નહોતી તેમ રોશની અને તેની મિત્રની વાતચીત ઉપરથી લાગતું હતું. રોશનીએ તેની મિત્રને કહ્યું કે, રોહિત સાવ બુદ્ધિ વગરનો છે, કહ્યા પછી વસ્તુ લાવતો નથી. મેં જે નહોતી માગી તે વસ્તુઓ ઉઠાવી લાવ્યો અને મગાવી હતી તે ન લાવ્યો. લગભગ અડધો કલાક બંને વચ્ચે આવી ચર્ચાઓ ચાલી. અંતે રોશનીએ એવું કહ્યું કે રોહિતને ખાસ તેના પ્રત્યે પ્રેમ નથી અને તે આ સગાઈ તોડી કાઢવા વિચારે છે. તેને કયા પ્રસંગે કેવી ગિફ્ટ લાવવી કે આપવી તેનું ભાન જ નથી. તે પ્રેમને સમજી શકતો જ નથી. આવી વ્યક્તિ સાથે લાંબું ન રહી શકાય. આવી ચર્ચા પછી બંને યુવતીઓ ચાલી ગઈ.

હવે સવાલ એ ઊભો થાય છે કે, ગિફ્ટની પસંદગી અથવા તો ગણા-અણગમાના આધારે પ્રેમ કેવી રીતે નક્કી કરી શકાય. તમે માગીને જ્યારે ભેટ લેતા હોવ તો પછી ગિફ્ટનો અર્થ જ નથી રહેતો. ગિફ્ટ સામેની વ્યક્તિ માટે હંમેશા સરપ્રાઈઝનો વિષય રહી છે. આપનારને જિજ્ઞાષા હોય છે કે સામેની વ્યક્તિ કેવી પ્રતિક્રિયા આપશે અને લેનારને ઉત્તેજના હોય છે અંદર શું રહેલું છે. આવી લાગણીઓને બાજુએ મૂકીને જ્યારે સામેની વ્યક્તિ એમ કહે કે, મારી બર્થ ડે છે મને આઈફોન ભેટમાં આપજે અથવા તો મારી એનિવર્સરી છે મારા માટે ટીવી ભેટમાં લાવજે તો તેને ગિફ્ટ કહેવા કરતા માગણી કહેવી વધારે ગ્રાહ્ય છે.

તેનાથી થોડા આગળ વધીએ તો ગિફ્ટ આપવાથી કે લેવાથી પ્રેમની અભિવ્યક્તિ થઈ જાય છે તે માનવું કે સ્વીકારી લેવું કેટલા અંશે યોગ્ય કે ગ્રાહ્ય છે. કોઈ વ્યક્તિ તમારા જન્મ દિવસે આખો દિવસ તમારી સાથે પસાર કરે અને ભેટમાં માત્ર એક ગુલાબનું ફુલ આપે અથવા તો કશું જ ન આપે તો તમે તેના પ્રેમને કેવી રીતે મુલવશો. બીજી વ્યક્તિ તમને ડાયમન્ડ રિંગ આપે અથવા તો મોંઘો ફોન ગિફ્ટ કરે પણ તમારા જન્મદિવસની ઉજવણી માટે સમય ફાળવી ન શકે તો તેના પ્રેમને કેવી રીતે મુલવશો.

પ્રેમને મુલવવાનો જ ન હોય. આપણે પ્રેમની અનુભુતી છોડીને તેની અભિવ્યક્તિ પાછળ આંધળી દોટ મૂકી છે અને એટલા માટે જ તેની કિંમત કરતા થઈ ગયા છીએ. પ્રેમ અનુભવગત બાબત છે. પ્રેમ કેવી રીતે વ્યક્ત થાય છે તેના કરતા કેટલો વ્યક્ત થાય છે તે જોવું જોઈએ. વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો મોટાભાગે વેલેન્ટાઈન થઈને ફરતા અને વેલેન્ટાઈન શોધતા ફરતા લવરીયાઓ પ્રેમ અને રોમાન્સ વચ્ચેનો તફાવત સમજતા જ નથી. વરસાદમાં પલળવું, અંધારામાં શારીરિક ચેષ્ટાઓ કરવી, એકબીજાને કિસ કરવી, હાથમાં હાથ નાખીને મોલમાં આંટાફેરા કરવા કે પ્રસંગોપાત એકબીજાને ભેટસોગાદો આપવી એ પ્રેમ નથી. એ માત્ર અભિવ્યક્તિનો એક પ્રકાર છે. છોકરી ફોન કરીને છોકરાની પાસે કોઈ વસ્તુની માગણી કરે અને પેલો ગમે ત્યાંથી શોધીને ગમે તે રીતે તેને લાવી આપે એ પાગલપન છે. તેવી જ રીતે પ્રેમના નામે પ્રેમિકાને શરીર સોંપવા મજબૂર કરવી કે મજા કરવી તે ઈમોશનલ રેપ છે.

પ્રેમી કે પ્રેમીકાને સતત ફોન કરવા, એસએમએસ કરવા, વોટ્સએપ કરવા, કોઈને ગમે તેવી ફેશન કરવી, એકબીજાની વાતો કરતાં રહેવું તે માત્ર અભિવ્યક્તિ છે અને તેનો અતિરેક ઘેલછા છે. અભિવ્યક્તિના અનેક પ્રકાર હોઈ શકે છે. અભિવ્યક્તિ દરેક વ્યક્તિએ બદલાતી હોય છે. આ અનુભુતી પોતાની જાતમાં જન્મે છે અને સામેની વ્યક્તિ સમક્ષ રજૂ થાય છે પણ તેનો અનુભવ કરાવી શકાતો નથી. આપણે આ અભિવ્યક્તિને જ પ્રેમ માની બેઠા છીએ. તો શું અભિવ્યક્ત ન થતો હોય તે પ્રેમ ન કહેવાય. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ પણ અભિવ્યક્ત ન કરી શકતા હોઈએ. લાગણીઓનું ઘોડાપૂર મનમાં ધસમસતું હોય પણ એક એક ટીપું પણ સામેની વ્યક્તિને ન સ્પર્શી શકે તો તેનો કોઈ અર્થ જ નથી.

સામાન્ય રીતે લોકો સંંબંધ બાંધતાની સાથે જ એકબીજાને ગમતા રહેવાની કવાયત શરૂ કરી દે છે. એક વખત પ્રેમી કે પતિએ કહી દીધું કે, તારે આમ નહીં કરવાનું તો તરત જ તેને અમલમાં મૂકી દેવાનું. પ્રેમિકા અથવા તો ફિયાન્સ કહે કે તારે શોર્ટ શર્ટ નહીં પહેરવાના, ટીશર્ટ વધારે પહેરવાની એટલે ભાઈ તરત જ લાગુ કરી દે. ખાસ કરીને સગાઈ અને લગ્ન વચ્ચે થતાં ફેરફારો વ્યક્તિને ગમતી રહેવા માટે સતત મથામણ કરાવતા હોય છે. આપણે જેવા છીએ તેવા એકબીજાને ગમતા જ નથી. મને ગમે છે તેવી સામેની વ્યક્તિ હોવી જોઈએ તેવી માનસીકતા સાથે આપણે સામેની વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર આક્રમણ શરૂ કરી છીએ. પ્રેમની અભિવ્યક્તિ પણ તેમાનો જ એક પ્રકાર છે. વારવાર ફોન કરવા, મેસેજ કરવા, ખાધુ કે નહીં, ઓફિસથી ઘરે આવ્યો કે નહીં, તે નાસ્તો કર્યો કે નહીં, શ્વાસ લીધો કે નહીં જેવી નાહકની ચર્ચાઓમાં આપણે અટેન્શન મેળવવા મથીએ છીએ. દૈનિક ક્રિયાઓ યાદ કરવામાં ક્યાંય પ્રેમ નથી. ચોક્કસ સમયે આ સવાલો ઝઘડાનું મૂળ બનતા હોય છે. પ્રેમમાં અભિવ્યક્તિ અને પૂછપરછ બંનેમાં પણ તફાવત હોય છે તે આપણે સમજતા નથી અથવા તો સમજવા માગતા નથી.

પ્રેમ સમજ અને વિશ્વાસના પાયા પર રચાતી ઈમારત છે. તે આપણા અસ્તિત્વનું સનાતન સત્ય છે. પ્રેમ એવું તત્વ છે જે પ્રકૃતિએ સર્જેલી તમામ જીવંત બાબતોને જોડી રાખે છે. જેનામાં સંવેદના છે તે પ્રેમને સમજે છે. તે સરહદ પાર રહેલી વ્યક્તિને પણ આપણી સાથે જોડી શકે છે. આપણે વિચારે એ કે દુનિયામાં કરોડો લોકો છે તેમાંથી કોઈ એક વ્યક્તિ આપણો જીવનસાથી કે આપણી જીવનસાથી કેવી રીતે બની. લાખો લોકોમાંથી ગણતરીના બે-ચાર કે આઠ-દસ લોકો જ કેમ આપણા ખાસ મિત્રો છે. કોઈના માટે અકારણ લાગણી કેમ જન્મે છે અથવા તો કોઈ એક જ વ્યક્તિ કેમ ગમતી થઈ જાય છે. આટલી વિશાળ પૃથ્વી ઉપર કોઈની સાથે સંબંધ બંધાવો તે અલૌકિક ઘટના છે. આપણે તેનો આનંદ માણવાના બદલે તે વ્યક્તિ આપણે સાથે કેવું વર્તન કરે છે અને કરશે તેની ચર્ચા કે વિચારણામાં પડી જતા હોઈએ છીએ. આપણને શું મળશે કે આપણે સામે શું આપીશું તેના વિશે વિચારીને આપણે વર્તન નક્કી કરતા હોઈએ છીએ કે પછી લાગણીઓ મુલવતા હોઈએ છીએ. આવી લાગણીઓને ખરેખર પ્રેમ કે સ્નેહની કેટેગરીમાં મૂકવી કે નહીં તે મોટો સવાલ થઈ જાય છે.

શરીરમાં થતાં ફેરફારો કે હોર્મોનલ ચેન્જિસ શારીરિક આકર્ષણ માટે જવાબદાર હોઈ શકે પણ પ્રેમ માટે નહીં. પ્રેમ દૈવિય અનુભવ છે. પવનની લહેરખી આવે અને શરીર રોમાંચિત થઈ જાય તેમ કોઈ વ્યક્તિ અનાયાસે ગમતી થઈ જાય તે પ્રેમ છે. વરસાદ પલાળી શકે પણ ભિંજાવું હોય તો અનુભુતી થવી જ જોઈએ. બસ આટલો તફાવત સમજાય તો પ્રેમ શું છે તે પણ સમજી જવાશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED