આ બધું તારા ઘરે જઈને કરવાનું... Ravi bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ બધું તારા ઘરે જઈને કરવાનું...

આ બધું તારા ઘરે જઈને કરવાનું...

We belong to land nut the land does not belongs to us. We built home but the home does not belongs to us.

કેનેડાના જાણીતા કવિયત્રી કેટારી અકેવેન્ઝીએ સ્ત્રીની લાગણીને સુપેરે રજૂ કરી છે. ઘરની વાત કરીએ તો સામાન્ય રીતે તેના પર પુરુષ પહેલેથી જ પોતાનું આધિપત્ય દર્શાવતો હોય છે. ઘરમાં છોકરી થોડી એક્સ્ટ્રા મોર્ડન થવા લાગે અથવા તો મિત્રો સાથે મોડી રાત સુધી ફરવા જવાનું કહે, શોર્ટ્સ અને મોર્ડન કપડાં પહેરવાનું કહે તો માતાનો પહેલો જવાબ હોય છે... તારા ઘરે જઈને આ બધું કરજે... નવાઈની વાત એ છે કે તેનું ઘર કયું? માતા જો દીકરીને એમ કહેતી હોય તે કે તારા ઘરે જઈને કરજે... અને આ જ દીકરી જ્યારે તેના ઘરે જાય ત્યારે તેનો પતિ અથવા તો સાસુ અધિકારપૂર્વક એમ કહેતા હોય છે કે, મારા ઘરમાં આ બધું નહીં ચાલે. ઘણી વખત વૃદ્ધ માતા-પિતાને તેનો યુવાન દીકરો પણ એમ કહી દેતો હોય છે કે મારા ઘરમાં આ બધું...

અત્યારના સમયમાં છૂટાછેડાનું પ્રમાણે વધી રહ્યું છે. આ વાત એટલા માટે કરવી પડે કે, સ્ત્રી માટે ક્યારેય કોઈ વિચારતું જ નથી. ભારતમાં છૂટાછેડાના કેસ પાંચ-દસ વર્ષ પણ ચાલતા હોય છે અને પાંચ છ મહિનામાં પણ ઉકેલ આવી જતો હોય છે. આ દરમિયાન સ્ત્રીને ખાધા-ખોરાકી આપવી કે છૂટા થયા પછી સંપત્તીમાં ભાગ આપવો તે બધું કાયદાને આધિન છે. જે પશ્ચિમી સંસ્કૃતિનું આપણે અનુકરણ કરીએ છીએ તેમાં તો છૂટાછેડા થાય એટલે અડધી અને ક્યારેક તેના કરતા પણ વધારે સંપત્તી પત્નીને આપવી પડતી હોય છે. ત્યાં સ્ત્રીની વૈયક્તિક સુરક્ષા માટે વિચાર કરવામાં આવે છે. આપણે ત્યાં એવું નથી. અહીંયા તો કંઈપણ થાય એટલે પતિદેવ કહી દે કે જતી રહે મારા ઘરમાંથી.... અથવા તો તારા બાપાના ઘેર જતી રહે... બાપના ઘરે જાય તો તેને સમજાવે કે પતિનું ઘર જ તારું સાચું ઘર છે... આપણે ત્યાં સમજાવટથી રહેવાનું....

આપણે વિચારીએ કે એક સ્ત્રી પોતાની લાગણીઓ, ઊર્મીઓ અને સંવેદનાઓ દ્વારા એક મકાનને ઘર બનાવે છે. તે જીવનની અંતિમ ક્ષણ સુધી તેમાં ચેતનાનો પ્રાણ ફુંક્યા કરતી હોય છે અને છતાં તેના માટે પોતાનું કોઈ ઘર નથી હોતું. તેને ગૃહિણી કહેવાય, ગૃહલક્ષ્મી કહેવાય અને સાદી ભાષામાં ઘરવાળી પણ કહેવાય છે. છતાં આ ઘરવાળી હંમેશા ઘરવગરની જ હોય છે. સામાન્ય રીતે પુરુષ આવક લાવે અને સ્ત્રી ઘરનું મેનેજમેન્ટ કરે તેવી માનસિકતાએ પુરુષને આધિપત્યની તુમાખી આપી છે. આજના સમયમાં અને ખાસ કરીને શહેરોમાં સ્ત્રી કમાતી પણ હોય છે અને ઘર પણ સાચવતી હોય છે. પુરુષ કરતા બેવડી જવાબદારી સ્વીકારીને ફરતી હોય છે. ગામડાંમાં સ્ત્રીને માત્ર પગાર નથી મળતો એટલું જ હોય છે, બાકી તો ખેતરમાં કામ કરવું, ઢોર-ઢાંખર સાચવવા અને તેની સાથે ઘર, પરિવાર, સંતાનોનું ભણતર, સામાજિક પ્રસંગોએ હાજરી વગેરે તેના ભાગે પણ આવતું જ હોય છે. આ અર્ધાંગીની ક્યારેય તેનો વિરોધ નથી કરતી. તેને પ્રેમથી બનાવેલું ઘર એક જ ક્ષણે તેની વિરુદ્ધ થઈ જાય છે. સ્ત્રી પાસે એવું કોઈ ઘર જ નથી જ્યાં તે પોતાની રીતે રહી શકે. અહીંયા સ્વતંત્રતા કે સ્વચ્છંદતા કરતાં સ્વમાનની કામના વધારે હોય છે. આ સ્વમાન આપે તેવું ઘર જ નથી હોતું.

વીસમી સદીના ઉત્તારર્ધમાં હેરીક ઈબ્સન નામના જાણીતા નાટ્યકારે એક નાટક લખ્યું હતું ‘ડોલ્સ હાઉસ’. આ નાટકની નાયિકા નોરા જ્યારે પોતાનું ઘર છોડીને જાય છે ત્યારે તે ઘરનો દરવાજો જોરથી પછાડે છે. તે જાય છે ત્યાં નાટક પૂર્ણ થાય છે. થોડા વખત એલ્ફ્રેઈડ જેલીનેક નામના લેખકે આ નાટકના અંત ઉપરથી એક બીજું નાટક બનાવ્યું, જેનું નામ હતું, ‘વ્હોટ હેપન્ડ આફ્ટર નોરા લેફ્ટ હર હસબન્ડ’. નોરાનું આ દરવાજો પછાડીને જવું તે દુનિયાની મોટાભાગની સ્ત્રીઓની લાચારી, કરુણતા અને સહનશક્તિને રજૂ કરે છે. જ્યારે પણ દુનિયામાં કૌટુંબિક વિખવાદ થયો છે ત્યારે પુરુષે સ્ત્રી સામે એક જ હથિયાર ઉગામ્યું છે કે, મારા ઘરમાં આ નહીં ચાલે... અથવા તો મારા ઘરમાંથી ચાલી જા... આ ગૃહલક્ષ્મીએ ક્યારેય ક્યાંય પોતાનો અધિકાર બતાવ્યો જ નથી. તે ઘરના દરેક કામ જાતે કરે છે અને સંસાર ચલાવે છે. તેના આ કામને માત્ર ઘર ચલાવ્યું કહેવાય છે. હવે જો સ્ત્રી સમગ્ર ઘર ચલાવતી હોય તો તેને ઘરમાંથી કાઢી મૂકવાનો અધિકાર પુરુષ પાસે હોઈ જ કેવી રીતે શકે. પુરુષના જે મકાનને સ્ત્રી પોતાની સંવેદનાઓ ઘર બનાવે છે તેના પર તેનો અધિકાર જ નહીં. પુરુષ એમ ક્યારેય નથી વિચારતો કે આ સંવેદનાસભર ઘર બનવા પાછળ ક્યાંક સ્ત્રીની છૂપી વેદનાઓ પણ રહેલી છે.

નવાઈની વાત એ છે કે ધર્મો સ્ત્રીને અર્ધાંગીની ગણાવે છે પણ સમાજ તેની સ્વીકારતો નથી. સ્ત્રીને ક્યારેય પુરુષે પોતાની શૈયા સિવાય અડધો અધિકાર આપ્યો જ નથી. ગુજરાતી ભાષામાં એક સુંદર નવલકથા લખાઈ હતી જેણે સમગ્ર સમાજને હચમચાવી મૂક્યો હતો. દંભનો આંચળો ઓઢીને ફરતા સમાજને વિચારવા મજબૂર કર્યો હતો. નવલકથાનું મુખ્યપાત્ર વસુધા.. કે જેને એક જ અભાવ પીડા આપતો હતો કે, ઘર મારું છતાં હું મારી મરજીથી રહી શકતી નથી. આ અભાવ માત્ર વસુધાનો નહોતો પણ ગુજરાત અને ભારત અથવા તો દુનિયાની મોટાભાગની સ્ત્રીઓના અભાવને રજૂ કરતો આઈનો હતો. સ્ત્રી સતત એવું જ ઝંખતી હોય છે મારું પોતાનું એક ઘર હોવું જોઈએ જ્યાં હું મારી મરજી પ્રમાણે રહી શકું. મારું પોતાનું એક ઘર હોવું જોઈએ જ્યાંથી મને કોઈ કાઢી ન મૂકે અથવા તો દરવાજો ન બતાવે.

માલિકી અને અહંકાર પુરુષના સ્વભાવના અવિભાજ્ય અંગ છે. સ્ત્રી હોય કે મકાન જે જમીન તે પોતાનો અધિકાર જતાવતો જ હોય છે. તે પોતાના અધિકાર અને માલિકીને સમયાંતરે પૂનઃસ્થાપિત કરવાનો પણ પ્રયાસ કરતો રહે છે. સ્ત્રી પાસે એવું કશું જ નથી હોતું. સ્ત્રીને લગભગ અડધી જિંદગી પસાર કર્યા પછી આ અધિકાર મળતો હોય છે અને તે પણ બીજી સ્ત્રીને દબડાવવા માટે. તેના કારણે પોતાના અભાવ, અવિશ્વાસ, અસલામતી, અશાંતિ અને વિખેરાઈ ગયેલા અભરખાઓ તે પોતાની આગામી પેઢીને વારસામાં આપતી હોય છે.

ગુજરાતીઓમાં દીકરીના લગ્ન સમયે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. હીરાના અને સોનાના દાગીના, ગાડી અને બીજું ઘણું કરિયાવરમાં અપાતું હોય છે. આ માતા-પિતાએ દીકરી માટે એક ઘર ખરીદવાનું પણ વિચારવું જોઈએ. દીકરીના લગ્નમાં લાખોનો ખર્ચ કરવા કરતા, આખું ગામ જમાડવા કરતા કે લાખો રૂપિયાનું કરિયાવર આપવા કરતા તેને એક ઘરની ચાવી આપજો જ્યાં તેના પોતાના સુખનું સરનામું હોય. ઈસ્લામમાં પણ લગ્ન કરતી વખતે દીકરીને કરિયાવર તો અપાય જ છે પણ સાથે મહેર અપાય છે. ખુદા ન ખાસ્તા જો છૂટા થવાનો સમય આવે તો તે સમયે તેને સ્ત્રીધન ગણીને પરત કરવામાં આવે છે. સામાન્ય રીતે વાત કરીએ તો દયાદાન તરીકે અપાય છે. લગ્ન શું છે એ હજી સમજી શકવાની ઉંમર નહોતી ત્યારે છૂટાછેડાનો ભોગ બનેલા પાકિસ્તાના જાણીતા શાયરા પરવીન શાકીરે ખૂબ જ સરસ વાત કરી હતી,

તલ્લાક તો દે રહે હો, ગરુર-એ-કહેર કે સાથ,

મેરા શબાબ ભી લૌટા દો મુઝે, મેરી મહેર કે સાથ.

‘’ ‘’