આદિત્ય સાથે પરણેલી પણ તન-મન થી તાદાત્મ્ય ન અનુભવતી, થોડી હતાશ થઇ ગયેલી આભા એની હતાશા માં કૉલેજ સમય ના મિત્ર અવિ ને યાદ કરતી. એને મન માં ઠસી ગયેલું કે સાચી લાગણી ધરાવનાર અવિ ની કદર ન કર્યા નુ જ પાપ કે પરિણામ છે કે તેને તેની લાગણી ના સમજી શકનાર અને ગુસ્સા વાળા સ્વભાવ નો તામસી પ્રકૃતિ નો પતિ મળ્યો. અને અવિ ના સારા જીવન – ભવિષ્ય માટે તે મનોમન પ્રાર્થના કરતી. પણ ઉચ્ચ સંસ્કાર ધરાવતી તે ક્યારેય મન થી પણ આદિત્ય ને બેવફા ન થઇ. એણે હતાશા માં થોડાં કાવ્ય નુ સર્જન કરેલુ.
નાનપણથી જ વરસતા વરસાદ માં આભા અનેરો આહલાદ અનુભવતી. લગ્ન પછી પણ શુરુઆત ના ત્રણ-ચાર વરસાદ તે અચૂક માણી લેતી. પણ ધીમે ધીમે તે ઘર કામ,જવાબદારી અને આદિત્ય ની સતત તેની લાગણી પ્રત્યે ની ઉપેક્ષા ને લઇ હતાશ થઇ ગયેલી. એક વાર વરસાદ શરુ થયો અને ઝડપથી બહાર સુકવેલાં કપડાં લેવા દોડી ગયેલી આભા ને કઈક યાદ આવ્યું.....છેલ્લા કેટલાક સમય થી એ વર્ષા રાણી ને આવકારવાનુ ... વરસાદ માં નાહવાનું ભૂલી જ ગયેલી.... કેટલી કૃત્રિમ તે પોતે થઇ ગયેલી? આવુ શું કામ થયું? પતિ નહતો ત્યારે પણ વરસાદ તો આ જ હતો અને તેને વરસાદ બહુ આકર્ષતો... તો પછી હવે શું થયું? અને એણે જાતે જ એનો જવાબ મન માં મેળવ્યો કે નાની નાની બાબતો જેમાં તે પોતે રોમાંચ ઝંખતી તે વાતો માં ક્યારેય આદિત્ય નો સાથ ન મળ્યો. વરસાદ ના છાંટા ઘર માં ન આવે એ માટે વાછોટીયું બાંધવામાં, કે બહાર બુટ-ચંપલ ન રહી જાય એ જોવા માં આદિત્ય અવ્વલ. આભા ની કશી ચૂક થાય તો ત્રાડ પાડવા માં અવ્વલ પણ ક્યારેય એણે આભા સાથે બેસી બે સારા શબ્દો બોલવાનું કે તેની સાથે વરસાદ નો રોમાંચ અનુભવવાનું ઉચિત ન માન્યું. આદિત્ય ની ભીતર કદાચ એક પ્રસન્ન દામ્પત્ય માં સહજ એવો નાની નાની બાબતો માં થી રોમાંચ લૂંટવાનો ભાવ હતો જ નહી. અને એ ક્ષણે આભા એક કાગળ લઇ ને બેઠી અને સર્જન થયું એક નવા કાવ્ય નુ ‘પમરાટ’
પમરાટ
આંગણામાં ગાડી, રવેશી માં સાવરણી, ઢાંકતાં,ખસેડતાં..
ભીંજાય ના કપડાં ક્યાંક સુકવેલાં તારપર લેતાં-લેતાં..
ન ઘૂસે કીટક-મચ્છર બારી-બારણા વાસતા-વાસતા ..
બુઝાશે બત્તીઓ વરસે જો મેઘ ઝટપટ રસોઈ આટોપતાં...
દિનચર્યા આખી રઘવાઈ,સ્ત્રી એમાં બઘવાઇ.એ જોવાનુંય ભૂલી ધરા કેવી સજાઈ.
ગમતો તો એનેય મેઘ વરસતો, મન મૂકી ન્હાતી એય સખીઓ સંગ.
ભીની માટી ની મહેક એનેય હિલ્લોળતી, વર્ષા સંગ નૈસર્ગી એનેય ખીલવતી.
ભીના પવન નો રોમ રોમે પમરાટ, યૌવન ને ઉમરે મહેક્યો જ્યારે પહેલી વાર..
એ ઘડી નથી વિસરાઈ પણ એ જિંદગી જાણે વિખરાઈ.
ઝંખતી એ વરસાદ જે વરસતો અવિરત ઉર ને ધાર.
મળી જાય જો એકાદ ક્ષણ પેલો પમરાટ, પળ માં ખીલશે એ ઇન્દ્રધનુષી ધાર
આવાં અનેક કાવ્યો નાં સર્જન કરી એ આદિત્ય ને બતાવતી પણ ખરી પણ ન તો આદિત્ય એનો મર્મ સમજતો કે ન એનામાં કોઈ રોમાંચ નો સંચાર થતો કે ન તો એનું આભા પ્રત્યે નુ વર્તન બદલાતું.
એક દિવસ એક જ્યોતિષાચાર્ય આવી આભા ના ચહેરા-કપાળ ની આભા પરથી એક એવું કથન કરી ગયા કે જેનાથી આભા ના મન માં એક શક્તિ નો સંચાર થયો. એમણે તો ગાયત્રી મંત્ર કરવાનુ સુચન પણ કરેલુ પણ આભાથી એ ન થયું. પણ હવે એ સમજી ગઈ કે પોતાનું ગણાતું કોઈ કદર કરે કે ન કરે પણ પ્રતિ ક્ષણ ઉન્નત વિચાર રાખી ઉન્નતી કરવી. અને એણે સારું લખવાનો ....ફરી થી સારું લખાણ શરુ કરવા પ્રયત્ન કરવા નો નિર્ધાર કર્યો. અને એ સાથે રચાયું એક કાવ્ય ‘શબ્દ વિશ્વ’
શબ્દ વિશ્વ
ઉડતી તી આભ માં અચાનક એની બારીઓ વસાઈ ગઈ,
સંસાર સાગર ના ભાર માં હું હળવેક થી ગૂંગળાઈ ગઈ.
બદલાતી ઉંમરે બદલાઈ મારી ય ભૂમિકા,
સ્વીકારી મનમાં છે એમાં જ મારી ગરિમા.
ખબર પણ ન પડી કે દલદલ માં ડૂબતી ગઈ,
હરખાઈ હું કામ માં મારા પારંગત થતી ગઈ.
ટેરવાં ભૂલ્યાં પકડ જે પકડતી હું કલમ,
કુળ વધુ થઇ વાહ રળતી શબ્દવિશ્વ વિસરતી ગઈ.
લખતી તી જોમથી જ્યાં આશા ભરી કવિતા,
દિલ એ હદે ઘવાયું કે લખું તો ય ડોકાય હતાશા.
પણ અચાનક એક દિ તૂટી મારી તંદ્રા,
કે નિજ હસ્તી ભૂલવી છે ગાંડી ઘેલછા.
તૂટી જાય અન્યો માટે તન મન થી ભલે ભાર્યા,
અળગી ગણાય છે જેમ આંગળીથી નખ વેગળા.
તો શું કામ ટેરવાં ને મારાં ભૂલવા દઉં એ પકડ?
નહી ચૂકું ફરજ પકડી રાખી કલમ!
રાતી કે કાળી હો સંજોગો ની શ્યાહી, મને વ્હાલું શબ્દ વિશ્વ,
કે જીવન જોમ સાથે ભૂલેલી હસ્તી ચિતારતુ શબ્દ વિશ્વ!!!
એક અદમ્ય ઉત્સાહ ના સંચાર સાથે આભા એ જાણે પોતાના જીવન નો નવો અધ્યાય શરુ કર્યો. જ્યારે સમય મળે ત્યારે એ થોડુ ઘણું લખતી. એમ કરતાં કરતાં એક વર્તમાન પત્ર ના તંત્રી સાથે પરોક્ષ સંપર્ક થયો. અને એની લખેલી કવિતા માટે એક કોલમ મળી. ખીલેલા લાગતાં પુષ્પની સુવાસ ઉડી ગઈ હોય એવી સ્થિતી થઇ ગઈ હતી આભા ની. એને બદલે હવે તેણે ઉસ્તાહ થી કાવ્ય સર્જન શરુ કર્યું. સાથે સાથે પોતાના વાંચન ના શોખ માટે એણે વધારે સમય આપવા માંડયો. પહેલાં સાસુ કે પતિ ની કોઈ ના ગમતી વાત સતત મનમાં વાગોળ્યા કરતી આભા હવે એ વાત ને મન પર લેતી જ નહી. રસોઈ કરતાં કરતાં પણ હવે એ પોતાનાં ગમતાં ગીતો સાંભળતી. આદિત્ય પાસે તો એવી દ્રષ્ટિ જ નહતી કે તેને આભામાં આ પરિવર્તન દેખાય અને હવે આભાને પણ એની પડી નહતી. હવે આભા ને સમજાયું કે નજીક ના ગણાતા સ્વજનો જે કદી આપડી કદર કરવાના નથી એમની પાસેથી કદરની અપેક્ષા રાખવી એ મોટામાં મોટી ઘેલછા છે. અને કદાચ આ અપેક્ષા જ વ્યસન વગર ના પતિ ની ઘેલછા કરતાં પણ વધુ પીડાદાયક છે.
એક વાર આભા નવરી બેસી ભૂતકાળ ની યાદો માં સરી પડેલી. એની નોકરી ના શરૂઆત ના સમય ની જ વાત. એ વખતે શાહીદ કપૂર સાથે સંબંધ નો અંત આણી ચુકેલી કરીના સૈફ અલી ખાન ને પરણવા જઈ રહી હતી અને આ વાત ચર્ચા માં હતી. એ વખતે સ્ટાફ રૂમ માં એની ઉંમરની શિક્ષિકા મિત્રો સાથે એ વાત ની ચર્ચા નીકળી. એક બહેન બોલી,”સૈફ કરતાં શાહીદ વધારે દેખાવડો હતો, કરીના એ ભૂલ કરી. તો બીજી બોલી, “શાહીદ ઉંમર માં બરાબર હતો આ તો એના કરતાં કેટલો મોટો છે!!!” તો વળી ત્રીજી બહેને એમ કહ્યું કે કરીના નો નિર્ણય બરાબર છે. એણે કહ્યું,” સૈફ જોડે રૂપિયા વધારે નહી?” આભા એ વખતે તો ચુપચાપ સાંભળી રહેલી. કઈ બોલી નહતી. પણ આજે ભૂતકાળ ની એ વાત યાદ આવતાં એણે તારણ કાઢ્યું કે એ બહેનો ની વાત માં ક્યાંક એમના મન માં રહેલી ઘેલછા જ હતી કોઈને પૈસા ની તો કોઈને રૂપની અને શું એ જ દુઃખ નુ મૂળ નથી?