(૦૧)
મંથન
લગભગ રાત્રે નવ ની આસપાસ મોબાઈલ ની રીંગ વાગી અને સહજતાથી આભાએ ફોન ઉપાડ્યો. સામા છેડેથી કોઈ પચીસેક વર્ષના છોકરા નો અવાજ પડઘાયો,”હેલો, આ આભા નો નંબર છે? હું અવિ બોલું છું.”
આભા:”શું?”
સામા છેડેથી,”મારું નામ અવિ છે. શું આ આભા નો નંબર છે?”
આભાએ મક્કમ સવારે કહ્યું,”ના.” અને પછી અવાજમાં શક્ય તેટલો આક્રોશ ઉમેરી કહ્યું,” કેમ વારંવાર મને આ જ પ્રશ્ન પૂછતાં ફોન આવે છે? કોણ આભા? હું પોલીસ ફરિયાદ નોધાવું?
સામેથી આજીજી,”ના, પ્લીઝ, મેં તો આજેજ ફોન કર્યો. પણ સોરી જો આ આભાનો નંબર ના હોય તો.”
અને ફોન મુકાઈ ગયો. આભા વિચારી રહી. એ જ ચીર પરિચિત સ્વર સાંભળી પીગળી રહી થોડી ક્ષણો પુરતી. વાગોળી રહી કેટલીક યાદો જે આજે બે વર્ષ પછી પણ તેને વિચારતી કરી મુકતી હતી. આભા ઓળખી ગયેલી અવિના અવાજને પણ વાત ટાળવા એણે બીજા ફોન આ જ નામ ના આવતાં હોવાનું બહાનું બનાવ્યું. હવે અઘરું હતુ આભા માટે અવિ સાથે ભૂલમાંય સંપર્ક રાખવું. છેલ્લાં બે વર્ષથી જ્યાં પોતે નોકરી કરતી હતી ત્યાં હવે પોતાના નામ ની છાપ બગાડવી પોસાય નહી અને જે સંબંધ નુ કોઈ ભવિષ્ય જ નથી તેને ખેંચી મૈત્રી નો સંબંધ વગોવવો એના કરતાં મક્કમ સ્વરે જુઠાણું બોલી લેવું સારું લાગ્યું આભાને. મંથન હતુ કે એણે પોતાના પ્રત્યે આટલી લાગણી ધરાવતા છોકરાને અવગણીને ક્યાંક ભૂલ તો નથી કરી ને? શું આટલી લાગણી ધરાવતો છોકરો ભવિષ્ય માં તેને પતિ તરીકે મળશે? અને જો હા, તો શું એનામાં કોઈ વ્યસન નહી હોય? ભણી ગણી સારું કમાતો છોકરો અને એ પણ કોઈ વ્યસન વગરનો... થોડું અઘરું હતુ પણ આભાને આ જ ખપતું હતુ. અને કદાચ એટલેજ અવિ સાથેની મૈત્રીને એ કોઈ બીજું નામ આપી ન શકી અને આ સંબંધ આગળ પણ ન વધારી શકી. અવિની તે સમય ની તત્પરતા એની આંખો માં દેખાઈ આવતી. આભા સાથે વાત કરતાં અવિનું સમગ્ર અસ્તિત્વ જાણે ખીલી ઉઠતુ. અને એજ રીતે આભા સાથે કોઈ કારણસર વાત ના થાય કે કઈક વાત માં આભા ઉદાસ હોય એ જોઈને અવિના ચહેરાનો રંગ પણ ઉડી જતો. શરૂઆત માં તો બન્ને વચ્ચે નિર્મળ મૈત્રી જ હતી પણ અવિના મન માં ક્યારે એ સંબંધે પ્રેમ નુ રૂપ લઇ લીધેલું એની તો આભાને પણ ખબર નહતી. અને આભાના મન માં? હા, એને પ્રેમ તો ના કહી શકાય પણ આભા પણ અવિના વિચાર કરતી રહેતી. અવિની પોતાના પ્રત્યેની પ્રેમની લાગણીની જાણ થતાં આભાના દિલના ખૂણે ક્યાંક છાનો આનંદ થયેલો જે એના દિમાગે ક્યારેય વ્યક્ત નહી થવા દીધેલો.
અને આજે છેલ્લી વારની વાતચીત પછી લગભગ બે વર્ષે અચાનક અવિ નો ફોન આવ્યો. એની સાથે બનાવટી સ્વરે વાત કરી મક્કમ મને વાત ટાળ્યાની બડાશ આભા ના મનમાં હતી તો બીજી તરફ ઉચકી રહ્યો હતો મન ના ખૂણેથી અફસોસ, કે છેલ્લાં સાત વર્ષથી જે છોકરો પોતાની પાછળ એક આશા રાખી, મિટ માંડી બેઠો છે એની લાગણી દુભાવીને ક્યાંક ભૂલતો નથી કરી રહીને?
આભાને નવાઈ લાગી રહી હતી કે બે વર્ષ પહેલાની છેલ્લી એ વાત દરમ્યાન પોતે ખુબ રુખ્શ વ્યવહાર કર્યો હોવા છતાં આજે અવિ તેને યાદ કરી રહ્યો હતો અને ક્યાંકથી તેનો નંબર શોધી વાત કરી રહ્યો હતો.
(૦૨ )
છેલ્લી વાત
આવું જ રાખ્યું ને? – અવિ
તો શું? – આભા
મૌન ...........
થોડી વાર બંને વચ્ચે કઈ સંવાદ ના થયો. અને પોતાની કૉલેજ પાસેનું સ્ટોપ આવતાં આભા ઉતરી ગઈ. બસમાં થી ઉતરતી વખતે તેની પોતાની પ્રબળ ઈચ્છા હોવા છતાં તેણે પાછુ વાળી ને જોયું નહી. અને વર્ષોથી લગભગ ... ચાર વર્ષથી બસમાંથી પોતાની કૉલેજ આવતાં ઉતરી જતી આભા ...પોતાની એક સારામાં સારી દોસ્ત બની રહેલી અને ભવિષ્ય માં પ્રિય પત્ની બનાવવાની મહેછા જેણે મન માં સેવેલી એ અવિ આભા નુ આ વર્તન – પાછળ ફરીને ના જોવું ... સહન ન કરી શક્યો. બસની સીટ માં ફસડાઈ પડ્યો એ. અને છેલ્લે .......બસ સ્ટેન્ડ માં પહોચી બસ એક કલાક સુધી પડી રહી તો ય ઉઠ્યો નહી. એ રડ્યો પણ નહી. બસ વિચારી રહ્યો.
બહુ અઘરું હતુ અવિ માટે આભા ને ભૂલી જવું. અરે આભા સાથે વાત કર્યા વગર અવિ ને ચેન ન હતું પડતું. અને છેલ્લાં ચાર વર્ષ થી સતત સ્વપ્ન સેવી રહેલ અવિ માટે આભા ની આ રુખ્ક્ષતા અણધારેલી નીકળી. જો કે વાંક પણ અવિ નો જ હતો. વ્યસન માત્ર ને નફરત કરતી આભા સામે ઉભા રહી એણે સિગારેટ પીધી. આભા ને ખબર હતી એની આ કુટેવ ની અને એક મિત્ર ના નાતે એણે ઘણી વાર અવિ ને ટોકેલો. ફક્ત અવિ ને જ નહી, કોઈ પણ બીજા મિત્ર કે ઓળખીતાને ટોકવાની ટેવ હતી આભાને. અને એ રીતે બસ માં સાથે જતાં-આવતાં એક સારા મિત્ર બની ગયેલા અવિ ના વ્યસન ની જાણ થતાં આભાએ એને ટોકવા નુ શરુ કરેલું.
આભા ના મન માં અવિ પ્રત્યે નિર્મળ મૈત્રી જ હતી. બે છોકરા મિત્ર હોય, બે છોકરીઓ મિત્ર હોય એ જ રીતે એક છોકરા-છોકરી વચ્ચેની મૈત્રી અને શરૂઆત માં તો અવિ ના મન માં પણ આ જ ખ્યાલ હતો. પણ...’માટલા ની જેમ ઝમતું હોય છે, કોઈ છાનું માનું એમ ગમતું હોય છે ‘.પંક્તિઓ સાચી પડી રહી. આવીને ખબર પણ ન રહી કે ક્યારે આભા એને ગમી ગઈ.... ના ...કૉલેજ માં સાથે લઇ ને ફરવા જેવી નહી ....પણ ઘર માં પરણી લઇ જવા માટે ગમી ગઈ. પણ છ જ માસ ની મૈત્રી માં અવિ ને જે લાગણી થઇ ગઈ એ આભા ને જણાવવા ની જીગર અવિ માં છ વર્ષે પણ નહતી આવવાની. એવું ન હતું કે એ પહેલાં કોઈ છોકરી સમક્ષ અવિ એ પ્રેમ પ્રસ્તાવ રજુ ન હતો કર્યો પણ એ બધું કૉલેજ ની મસ્તી. જુવાની ના જોશ માં કોઈ પણ છોકરી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ બે ધડક રજુ કરી શકતો અવિ આભા સમક્ષ ભૂલથી પણ આ લાગણી છતી ના થઇ જાય એ માટે સજાગ હતો. આભા ની વાત અનેરી હતી. એ છોકરી એને દિલ થી ગમી હતી. બીજા મિત્રોએ અવિ વતી આભા સમક્ષ વાત કરવાની તૈયારી બતાવી તો પણ અવિએ એમને રોકેલા.. જો આભા ના મન માં અન્ય કોઈ લાગણી ના હોય અને અવિ ના મનની વાત એને ખબર પડે તો બન્ને વચ્ચે કદાચ મૈત્રી પણ જળવાઈ ના રહે. કોઈ પણ રીતે અવિ આભા ની મૈત્રી ગુમાવવા ન હતો માંગતો.
આભા દેખાવ માં અવિ કરતાં ઘણી સુંદર હતી. ભણવા માં પણ તેજસ્વી. જયારે અવિ માટે ભણવા-ગણવા ની બહુ કિંમત નહતી. એવું ન હતું કે અવિ માં આવડત નહતી પણ બંને ના ઉછેર અને ઘર ના વાતાવરણ માં બહુ ફરક હતો. અવિ ભવિષ્ય માં અમેરિકા,ઓસ્ટ્રેલિયા કે અન્ય કોઈ યુરોપ ના દેશ માં ઉડી જવાનો એ નક્કી હતુ. ચરોતર ના પટેલ ના દીકરા માં સહજ એવી વિદેશ ગમન ની ઈચ્છા અને એ માટે નુ આયોજન અવિ ઘડતો રહેતો. જયારે આભા ના મન માં ખુબ ભણી ગણી આર્થિક રીતે પગભર થવા નો લક્ષ્યાંક હતો. અને એને મળ્યું હતુ પણ એવું ઘરનુ વાતાવરણ જેમાં ફૂલ પાંગરે નહી તો જ નવાઈ.
અવિ તેનાં માતા-પિતા નુ એક માત્ર સંતાન હતો. એના પિતાએ એને સારામાં સારી અંગ્રેજી માધ્યમ ની શાળા માં ભણાવ્યો હતો. અંગ્રેજી ઘણું સારું બોલી શકતો અવિ ક્યારેય કૉલેજ માં આવ્યા પછી ગંભીરતાથી ભણ્યો જ નહી નહીતર આભા ને ટક્કર મારે એવી કારકિર્દી ઘડી શક્યો હોત અવિ. અને જો એમ હોત તો અવિ અને આભા નામ પ્રમાણે એક મેક થી વિભિન્ન જોડી બની રહેત. પણ એવું ન હતું. એવું ન હતુ અને એટલેજ આભા ‘અવિની આભા’ ના બને એ વાત અવિ સમજતો હતો. અને એટલેજ ક્યારેય એ આભા સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂકી ના શક્યો... પણ... જયારે........ કૉલેજ નાં ત્રણ વર્ષ પુરા થયાં અને ...............વાર્ષિક પરીક્ષાઓ પણ આવી ગઈ.............. ત્યારે અવિથી રહેવાયું નહી અને ત્યારે.... એની ડાયરી માં આભાને સંબોધી ચાર પાન ભરી એક કાગળ લખ્યો. સંબોધન માં આભાનુ નામ ન હતું લખ્યું. અને છેલ્લે પોતાનું નામ પણ નહી. કદાચ આભા મળે ન મળે એના માટે લખેલી પોતાની આ લાગણી અવિ વર્ષો સુધી સાચવી રાખવા માંગતો હતો.
એક દિવસ અવિને ખબર પડી કે હવે પરીક્ષાઓ પહેલાં વાંચવા માટે રજાઓ છે અને આભા હવે આ બસ માં નહી આવે. વળી કોઈએ કહ્યું કે પરીક્ષા માં આભા નો નંબર બીજી કોઈ કૉલેજ માં હતો અને એટલે આ બસ માં હમણાં તો આભાને મળવાનો અવકાશ જ ન હતો. ત્યારે અવિએ બસ માં જ આભાને એ ડાયરી પકડાવી દીધી જેમાં કેટલાય દિવસથી પોતાના દિલની વાત લખી રાખી હતી.. એ પહેલાં એક બીજી છોકરી જે આભાની પણ મિત્ર હતી તેની સમક્ષ આખી વાત કરી દીધી હતી અને હવે આભા પણ અવિના મન માં રહેલ લાગણી જાણતી હતી. અને છતાં અવિ સાથે એક મિત્ર તરીકે વાત કરતી રહી અને એટલે જ અવિ ને થોડી આશા બંધાઈ પણ હતી કે એનો પ્રસ્તાવ આભા સ્વીકારી લેશે..
ડાયરી પકડાવતાં પહેલાં અવિએ આભાને કહેલું કે શાંતિથી આખુ વાંચજે અને પછી જે કહેવું હોય એ આમાં જ લખી ને આપજે.
આભાએ કાગળ વાંચ્યો.ચાર પાન માં લખયેલા શબ્દો માત્ર શબ્દો નહી પણ અવિની સાચી લાગણી હતી એ વાત આભા સમજતી હતી પણ બન્ને વચ્ચે રહેલો તફાવત ખાસ તો ભણવા-ગણવા બાબતે બન્ને વચ્ચે તફાવત ની મોટી ખાઈ હતી. અને પાછુ અવિ ને સિગારેટ પીવાનું વ્યસન પણ હતુ જે આભા ના વારંવાર ટોકવા છતાં છુટ્યું ન હતું.
કૉલેજ નાં ત્રણ વર્ષ દરમ્યાન ઘણી વાર અવિ મિત્રો સમક્ષ બોલેલો કે “ જો આભા મને ‘હા’ પાડે તો હું બધું જ છોડી દઉં અને એટલી મહેનત કરું (ભણવા માં) કે ખુદ આભા ને ય નવાઈ લાગે” અલબત્ત બીજા મિત્રો તો કઈ ન કહેતા પણ એકવાર આભા ને સારી રીતે જાણતી એક છોકરી બોલી ગયેલી કે “આભા તારા પ્રસ્તાવ ને સ્વીકારી ‘હા’ પાડે તો છોડું એમ નહી, તુ સિગારેટ છોડી દઉં ને ભણવા માં રસ લઇ મહેનત કરવા માંડુ તો કદાચ આભા તારા માટે વિચારે પણ ખરી. તમારી વચ્ચે મૈત્રી ને લીધે મન મેળ તો સારો જ છે. પણ , અવિએ એ વાત પર વિચાર કરવાની તસ્દી સુદ્ધાં ન લીધી અને કહી દીધું કે એમ તે કઈ કોઈનાથી સિગારેટ છૂટતી હશે!!! અને મારે તો બહાર જવાનો વિચાર છે એટલે અહી મહેનત નથી કરતો એમ કઈ ભણવાની વાત વચ્ચે લાવીશ નહી..
કૉલેજ પુરી થઇ ગઈ અને હવે તો બસ પણ આભા અને અવિ ની બદલાઈ ગઈ. આભાએ આગળ ભણવાનું ચાલુ રાખેલું અને અવિ એની યોજના પ્રમાણે કલાસીસ કરતો રહ્યો વિદેશ જવા માટે. એક દિવસ અવિને ક્યાંકથી વાત મળીકે આભા નાં મમ્મી-પપ્પા તેનાં માટે છોકરા જોવાનું શરુ કરી રહ્યાં છે. અને અવિની ધીરજ ખૂટી ગઈ. આભાના બસ નો ટાઈમ તો ખબર હતી એને. એ પહોચી ગયો બસ સ્ટેન્ડ પાસે. અને એને આશા હતી એ પ્રમાણે આભા દેખાઈ પણ ખરી દૂર ઉભેલી. એ કહેવા માંગતો હતો આભાને મળીને કે એ પોતે આભા વગરનું જીવન કલ્પી જ નથી શકતો. એ કહેવા માંગતો હતો આભાને કે એ બધું જ છોડવા તૈયાર છે. સિગારેટ પણ અને વિદેશ ગમન નો વિચાર પણ જો આભા ‘હા’ પાડે તો. એ કહેવા માંગતો હતો આભાને કે એ ખુબ મહેનત કરવા તૈયાર છે ભણવા પાછળ પણ. પણ ....એ કહી ના શક્યો. આજે ચાર વર્ષે પણ એને કોઈ અગમ્ય ડર કે ખચકાટ નડી ગયો. આભા માટે છોકરા જોવાનું શરુ છે એ કલ્પના માત્રથી એ ધ્રુજી ગયેલો. મન બનાવી ને આજે આવેલો અવિ કે આભા સાથે આજે તો વાત કરી કહી જ દેવું છે કે “અવિ હોય ત્યાં આભા હોય જ. જો ને, આપણાં નામ પણ કેટલી સરસ રીતે શોભે છે અવિ ...સૂરજ અને આભા એટલે તેજ.” પણ ઘણી વાર મનમાં બોલેલા સંવાદ હોઠપર લાવી ના શક્યો અવિ અને એને ધ્યાન પણ ના રહ્યું કે બસ સ્ટેન્ડ પાસે ચા ની લારી પાસે ચા પીધા પછી ક્યારે એણે અજાણપણે સિગારેટ કાઢી પીવા માંડી. દૂર ઉભેલી આભા હવે સડક થઇ ગઈ. આટલા સમયથી અવિની આંખોમાં અને એને લખેલા કાગળ માં રહેલી પોતાના પ્રત્યેની લાગણી ને સમજી નરમ થયેલી કે પછી અવિ પ્રત્યે લાગણી માં થોડી ઢળેલી આભા સિગારેટ પિતા અવિનું વરવું રૂપ જોઈ રહી. એણે વિચાર્યું કે “જે માણસ મારી સામે સંકોચ વગર સિગારેટ પી શકે છે એ શું ભવિષ્ય માં મારાં કહેવાથી છોડી શકશે? શું એ બધી વાતો માત્ર વાતો જ હતી કે આભા ‘હા’ પાડે તો હું બધું છોડી દઉં?” આજ સુધી આભા એ ગંભીરતાપૂર્વક અવિ માટે વિચાર્યું ન હતું પણ સિગારેટ ના દૂર થી દેખાતા ધુમાડા સાથે એ વિચારવા નો અવકાશ પણ ઉડી ગયો.
બે ત્રણ દિવસ પછી અવિ હિંમત કરીને એ બસ માં ચઢ્યો જેમાં આભા જતી. આભા સાથે કોઈ બેઠેલ હતુ. અવિ પાછળ બેઠો. આભાને ખબર નહતી. આભાની બાજુમાં સીટ ખાલી થતાં જ અવિ તેની સાથે બેસવા ઉભો થઇ ને આગળ ગયો. અચાનક આભાએ ઉંચું જોયું તો અવિ હતો. અવિ ના મોઢા પર સ્મિત હતુ. પણ આભાએ સ્મિતથી પ્રત્યુત્તર ના આપ્યો. ન તો બેસવા માટે પોતાની બેગ ખસેડી જગ્યા કરી. અવિ ને અતડું તો લાગ્યું પણ આજે એ મક્કમ હતો. આજે એ પોતાની વાત કહેવા આવ્યો હતો થોડા જુદા શબ્દોમાં અને કદાચ ચાર વર્ષ થી ન કહી શકવા ના અફસોસને લીધે એને ખ્યાલ પણ ના આવ્યો કે આજે આભાએ તેની સામે મૈત્રી પૂર્ણ સ્મિત પણ નથી આપ્યું તેની પાછળ બે દિવસ પહેલાં આભા સામે કરેલ સિગારેટ પરાક્રમ જવાબદાર હશે.
આભા પાસે બેસી અવિ બોલ્યો,”મારી ડાયરી માં લખી ને તને મારી લાગણી ની તો વાત કરી જ હતી મેં તને. પણ આજે હું કઈક અલગ પુછવા મંગુ છું. મારે તને ત્રણ સવાલ પુછવા છે.”
આભા: કેવા સવાલ?
અવિ : તુ શું મને બે વર્ષ પછી ‘હા’ પાડીશ? મને ખબર છે તારે ભણવું છે અને હજી મારે પણ સેટ થવાનું બાકી છે. હું બે વર્ષ માં સેટ થઇ જઉં પછીની વાત.
આભા:બીજો સવાલ?
અવિ: તે મને સાચો મિત્ર માન્યો છે ખરો?
આભા : હા સ્તો ને એમનમ તને સિગારેટ છોડવા ટોકતી રહેતી?
અવિ: એ તો મેં ઘણી વાર કહ્યું છે જ કે જો તુ મને ‘હા’ પાડુ તો ..
આભા : બસ, બે જ દિવસ પહેલાં મેં તને સિગારેટ પીતો જોયો હતો.
અવિ : હા પણ ....
આભા: જલદી ત્રીજો સવાલ બોલી નાખ.
અવિ: શું તને લાગે છે કે હું તારા માટે બે વર્ષ રાહ જોઇશ?
આભા: એનો જવાબ ‘હા’
અવિ : અને પહેલા સવાલ નો તો જવાબ આપ.
આભા : એ ‘ના’
ઉદાસ આંખે અવિ બોલ્યો,”તારા જવાબ પર મારે એક નિર્ણય કરવાનો હતો.”
અવિની આંખો માં આભા એ ક્યારેય ન જોયેલ ઉદાસી નુ વાદળ હતુ. આભા ને દયા પણ આવી ગઈ પણ હવે એ સમજી ગઈ હતી. “જે મારી સામે સિગારેટ પીવે એ શું મારી વાત માનવાનો હતો?” આભા વિચારી રહી.
અવિ બોલ્યો,”આવું જ રાખ્યું ને?
આભા : તો શું?
ઘણું કહેવું હતુ બન્ને ને એકબીજા માટે પણ કોઈ કઈ ન બોલ્યું અને મૌન માં રસ્તો કપાઈ ગયો. આભની કૉલેજ નુ સ્ટોપ આવતાં એ ઉતરી ગઈ ...સડસડાટ...પાછળ જોવાની તસ્દી લીધા વગર. અને અવિ બસમાં ફસડાઈને વિચારી રહ્યો.
(૦૩)
નિર્ણય
આભા ભણી ગણી આર્થિક રીતે પગભર થવા માંગતી હતી જયારે અવિને તો જેમ બને તેમ ઝડપથી ઉડી જવું હતુ. અવિને શંકા રહેતી કે જો કદાચ આભા તેનો પસ્તાવ સ્વીકારીલે તો પણ એ વિદેશ જવા રાજી નહી થાય. કારણ કે આભા ઘણીવાર કહેતી કે “અમેરિકા કે કેનેડા જઈ શરૂઆત માં બીજાના ઘર માં અને પછી આપડા પોતાના ઘર માં તો કચરા-પોતા કરવાં એના કરતાં હું સારું કમાઈ અહી ઠાઠ થી કામવાળી રાખી ને રહીશ. જરૂર પડે રસોઈ બનાવવા વાળી પણ રખાય.” અને જો એવું હોય તો વર્ષોથી વિચારેલા પોતાના અને પોતાના માતા-પિતાના સપના ના રંગો વિખરાય. પણ અવિએ નકી કરી દીધેલું કે એક વાર જરૂર પડે વિદેશ જવા નો વિચાર પડતો મુકવો પણ આભાની ‘હા’ હોય તો. અવિ દિવા સ્વપ્ન માં રાચતો રહેતો.... એકવાર આભા સાથે લગ્ન કરી લઉં પછી પ્રેમથી એને સમજાવી વિદેશ જવા રાજી કરી લઈશ. અને સપનાની રંગોળી થોડી મોડી પણ પુરાઈ તો જશેજ. વિખરાશે નહી.
આભા એક એવી છોકરી હતી જે ભણવા-ગણવા, આગળ વધવાની વચ્ચે પ્રેમ પ્રકરણ ખોલવાની વાતને મૂર્ખામી ગણે. અને એટલેજ તો અવિએ એને પૂછેલું કે “તુ મને બે વર્ષ પછી ‘હા’ પાડીશ?”
અને આભાના એ પ્રશ્ન ના જવાબ ‘ના’ સાંભળી ધીમેથી એ બોલેલો કે ,”તારા જવાબ પર મારે એક નિર્ણય કરવાનો હતો.” હા, એક મહત્વ નો નિર્ણય. વિદેશ જવા સ્ટૂડન્ટ વિઝા માટે પ્રયત્ન કરવાનો..પણ આભાએ ક્યાં એને પૂછ્યું હતુ કે શેનો નિર્ણય? એ તો તદ્દન નિર્લેપ રીતે ચાલી નીકળી હતી. એ તો પેલો ફોન આવ્યા ના છેક છ મહિના પછી આભાને ખબર પડી કે અવિ કેનેડા પહોચી ગયો. અને ત્યારે એને યાદ આવ્યા એ શબ્દો જે અવિએ છેલ્લી વાત થઇ ત્યારે કહેલા, ,”તારા જવાબ પર મારે એક નિર્ણય કરવાનો હતો.” અને ફરી આભા વિચારી રહી કે શું જવાનું નક્કી થઇ ગયા પછી જ અવિએ તેને ફોન કર્યો હશે? વિઝા મળ્યા પછી છેલ્લી વાર ફોન પર વાત કરવા માંગતો અવિ શું પુછવા માંગતો હશે? શું ખરેખર એ ‘હા’ પાડી દેત તો અવિ ની વિદેશ ગમન ની ઈચ્છા પડતી મુકવાની તૈયારી હતી? શું ખરેખર અવિ તેને આટલો બધો પ્રેમ કરતો કે વિદેશ જવાના સમયે એણે મને યાદ કરી? એકાદ બે વર્ષ પછી પાછા ફરેલા એન.આર.આઈ મુરતિયા ને તો એકે થી ચડિયાતી એક છોકરીઓ મળી રહેવાની હતી. એ વાત અવિ પણ સમજતો તો હશેજ. તો શું અવિનો પ્રેમ એટલો ઉચો હતો કે તે સુંદર કન્યા સાથે ઝાઝા કરિયાવરની બધી શક્યતાઓ ઠુકરાવી દે? અને એમ કરવામાં એના માતા-પિતા સાથે કલહ તો ઉભો જ અને તો પણ અવિએ ઉડી જતાં પહેલાં એક છેલ્લી વાર ફોન કરેલો. શું એ છેલ્લી વાર નો પ્રયત્ન હશે? અને જો હા, તો પોતાનો અવિને નકારવાનો નિર્ણય સાચો હતો?
બીજો સવાલ જે આભા ને અવાર નવાર સતાવતો એ ,”શું ભવિષ્ય માં આટલો પ્રેમ કરનાર પતિ મળશે?”