અવિ એટલે સૂરજ અને આભા એટલે તેજ. નામ પણ જાણે મેળ ખાતાં, પણ વાસ્તવ માં ક્યાં મેળ ખાધો? કૉલેજ માં ફક્ત અભ્યાસ અને કારકિર્દી ની બાબત માં લક્ષ્ય સેવતી અને લગ્ન ને લઇ ને ‘અત્યાર થી વિચાર પણ નથી કરવો’ વિચારતી આભા એ અવિ માટે ક્યારેય વિચાર ન કર્યો. એ માટે અવિ નુ બેદરકારી ભર્યું વર્તન અને એની સિગારેટ ની ટેવ બન્ને સરખાં જવાબદાર. વર્ષો સુધી જેના વિશે વિચાર પણ ન કર્યો એ અવિ હવે આભા ને યાદ આવ્યો. એની કોઈ ખૂબી ને લીધે નહી પણ આદિત્ય ની ખામી ને લીધે.
કોઈ પણ સ્ત્રી જો પ્રેમાળ પતિ મળે તો ભૂતકાળ ના પ્રેમી ને યાદ કરવા ઈચ્છતી નથી. અહી તો આભા નો કોઈ પ્રેમ સંબંધ નહતો. અવિ માટે એણે ક્યારેય પ્રેમી કે જીવનસાથી તરીકે કલ્પના પણ નહતી કરી. છતાં આજે તેને પસ્તાવો થઇ રહ્યો હતો. સિગારેટ – બીડી કે અન્ય વ્યસન ના બંધાણી તામસી પ્રકૃતિ ના થઇ જાય છે એવી આભા ની માન્યતા હતી. તેના પતિ આદિત્ય ને કોઈ વ્યસન નહતું. પણ છતાં નાની નાની બાબતે અતિશય ગુસ્સો કરતો આદિત્ય ક્યારેય આભા ને એ માન ન આપી શક્યો જેની આભા એ સહજ ઈચ્છા રાખેલી. ઘણી વખત એવું બનતું કે કુટુંબ ના અન્ય સભ્યો ની હાજરી માં કે ઘણી વખત તો અન્ય લોકો ની ઉપસ્થિતિ માં આભા ની નાની સરખી ભૂલ ને લીધે અવિ ત્રાડ પાડી ઉઠતો. અપમાન સહન ન કરી શકતી આભા એકલી એકલી રડી પડતી.
અવિ આભા ‘હા’ પાડે એ આશા એ લગભગ સાત વર્ષ આશા ની મીટ માંડી બેઠેલો જ્યારે વાસ્તવિક જીવનસાથી આદિત્ય તો રાત્રે આભા નો ચહેરો ઉદાસ હોય તો એને પ્રફુલ્લિત કરવા સાત મિનિટ પણ નહતો આપતો. ધાર્યા કરતાં વધારે સ્વકેન્દ્રી હતો આદિત્ય. સ્વકેન્દ્રી એ રીતે કે એના ઘર – કુટુંબ – મિત્રો બધા ને સાચવવા જાળવવા ની આશા રાખતો એ આભા પાસે. પણ આભા નુ મન કેટલું અકળાય છે એ સમજવાની દ્રષ્ટિ જ નહતી એની પાસે. ઘણી વાર તો આભા ને લાગતું કે અવિ એ કોઈ પતિ-પત્ની યુગલ ને સારી રીતે જીવન જીવતાં જોયાં જ નહી હોય? શું એ કોઈ મિત્ર ને તેની પત્ની ની દરકાર લેતાં જોતો જ નહી હોય? અર્થ તો આદિત્ય ના નામ નો પણ સૂરજ જ થતો હતો. પણ આ એવો સૂર્ય હતો જેનો તાપ આભા ને અકળાવતો. ક્યારેય આહલાદક લાગ્યો નહી આદિત્ય નો તાપ. અને એટલેજ એક પ્રકાર ની તૃષા રહી જતી આભા ના મન માં. જેને લઇ ને એને અવિ યાદ આવી જતો.
કેનેડા જતાં પહેલાં છેલ્લી વાર આભા સાથે વાત કરી લેવા કે કદાચ છેલ્લી વાર એને પુછી લેવા અવિ એ આભા ને ફોન કરેલો અને ત્યારે આભા એ પોતે અવાજ બદલી ને વાત કરેલી અને ફોન કાપી નાંખેલો. ત્યારે આભા ને ક્યાં ખબર હતી કે એક સાચી લાગણી વાળા છોકરા ને ઠુકરાવી, એની સાથે વિદેશ માં સ્થાયી થવાની વાત પર વિચાર સુદ્ધાં ન કરી, વ્યસન જે એ છોડવા પણ પ્રયત્ન કરતો એને મન માં રાખી ‘ના’ પાડવા માં એ ભવિષ્ય માં કેવા જીવનસાથી માટે આગળ વધી રહી છે જેને માનસિક, આર્થિક અને સામાજિક બધી રીતે ટેકો કરવા છતાં, સંપૂર્ણ વફાદાર હોવા છતાં, તેની સાથે તન કે મન બે માં થી એક પણ તાદાત્મ્ય નહી અનુભવી શકાય !!!.
લગ્ન ના બે-ત્રણ વર્ષ પછી પણ જ્યારે આદિત્ય ના વર્તન માં ફેર ન પડયો ત્યારે આભા ને વારંવાર અવિ યાદ આવવા માંડયો. આભા નાં માં-બાપ ના સંસ્કાર એટલા ઉંચા હતા કે એ ક્યારેય મન થી પણ વ્યભિચારી ન થઇ શકે. એટલે સોશિયલ મિડીયા ધ્વારા અવિ ને શોધી એની સાથે સંબંધ બાંધવા નો વિચાર પણ એ સંસ્કારી માં-બાપ ની પુત્રી નહી કરે.....આ કથા નો એવો કોઈ વણાંક નહી આવે જેની અત્યારે તમે કલ્પના કરો છો. બધા અનૈતિક સંબંધો ફક્ત આર્થિક કે શારિરીક કારણોથી નથી બંધાતા. માનસિક કે ચૈતસિક જરૂરીયાત બહુ મોટુ પરિબળ છે જે લગ્નેતર સંબંધ પાછળ ભાગ ભજવા છે પણ જો આભા એક મજબુત મન ની સ્ત્રી ન હોત, એના ઉછેર માં ઉચ્ચ નૈતિક મૂલ્યો વણાયેલ ન હોત, તો કદાચ એ અવિ ને શોધત કે અન્ય કોઈ સાથે સંબંધ બાંધી લેત. અને ઘણી સમાજ માં જીવતી જાગતી સાચી પણ પ્રછન્ન વાર્તાઓ માં નુ એક પાત્ર બની જાત. પણ અહી આપડે એક એવા આદર્શ માં-બાપ નો ઉછેર પામેલી સંસ્કારી સ્ત્રી ની વાત કરી રહ્યા છીએ જે આદિત્ય ના ગમે એવા ખરબ વર્તન ના બદલા માં ક્યારેય એના સિવાય અન્ય પુરુષ વિશે નહી વિચારે.
આભા ના મન માં કોઈ નાજુક ક્ષણે એક વાત આવી ગઈ કે કદાચ સાચી લાગણી દર્શાવનાર અવિ ની બહુ ક્રૂર રીતે અવગણના કરવા નુ અજાણતાં થયેલું પાપ એને પોતાને નડી રહ્યું છે. સાચી લાગણી ની કદર ન કરી શકવાની એ સજા છે કે તેને પોતાને એવો જીવનસાથી મળી ગયો જે આભા જેવી અસાધારણ પ્રતિભા ની કદર ન કરે. કદર ન કરે એ તો ઠીક એને પ્રેમ થી ભીંજવી પણ ન શકે. અને આ વાત સમજવા સાથે એક પસ્તાવો એવો પ્રબળ બન્યો કે ઘણી વાર આભા એક અદ્રશ્ય શક્તિ ને મન માં સંબોધી પ્રાર્થતી કે અવિ જ્યાં હોય ત્યાં ખુબ સુખી થાય ...એટલો સુખી કે એને- આભાને યાદ પણ ન કરે. ભલે એ પોતે તો હવે હંમેશાં અવિને યાદ કરતી રહેવાની હતી.
દીકરા ના ઉછેર માં ધ્યાન પરોવવા છતાં જ્યારે વ્યક્તિગત મહેચ્છાઓ મારતાં મારતાં આભા થાકતી ત્યારે એક હતાશા તેને ઘેરી લેતી. પણ હવે કોઈ વિકલ્પ આભા ને સૂઝતો નહતો. એક દિવસ એક જ્યોતિષ વિદ્યા ના જાણકાર સંત આવી ચઢ્યા. વ્યક્તિ ના ચહેરા – કપાળ ન ભાગ ને જોઈ તે જે-તે વ્યક્તિ વિશે ઘણું કહી શકતા એ જાણકાર આભા ન ચહેરા તરફ વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા. તેમને આભા ન ચહેરા પર એ આભા – તેજ દેખાયુ જે આદિત્ય, તેના ઘર ન સભ્યો કે અન્ય કોઈ પાડોશી ને ક્યારેય દેખાવા નુ નહતું. સાનંદ આશ્ચર્ય થી એમને આભા ની પ્રતિભા ના વખાણ કર્યા. સાથે આભા ને ગાયત્રી મંત્ર નુ રટણ કરવા સલાહ આપી. એમના માનવા મુજબ ગાયત્રી મંત્ર ગમે તેવી વિકટ કે હતાશા જનક પરિસ્થિતિ વચ્ચે આભા નો ઉન્નતિશીલ કાર્યો માં ઉત્સાહ ટકાવી રાખશે.
આભા ને જાણે વર્ષો પછી કોઈએ તેનાં વખાણ કર્યાં હોય એવું લાગ્યું. એક તબક્કે સતત પ્રશંસા મેળવતી તેજસ્વી આભા આજે વર્ષો પછી કોઈ અજાણ્યા સાધુ ના મુખે વખાણ સાંભળી હરખાઈ. ગાયત્રી મંત્ર નુ રટણ કરવા નો મનોમન નિર્ધાર કર્યો. પણ એ નિર્ધાર ટક્યો નહી. પાકટ વાય સુધી આવો કોઈ મંત્ર – જાપ ન કર્યો હોઈ આભા માટે એ શક્ય ન બન્યું. પણ વગર કોઈ રટણ-સ્મરણે આભા માં એક અકળ ઉર્જા નો સંચાર થયો. એનો જાણે પુનર્જન્મ થયો....