(૦૩)
શરીર પર માખી બેસે ને તરત જ જેમ હાથ ત્યાં માખી ઉડાડવા પહોચી જાય, વિચારવું ન પડે એટલી ત્વરાથી નિર્ણય લેવાઈ જાય. એવું જ કૈક થાય બગડી ગયેલ, ફૂગ આવી ગઈ હોય એવું ખાવા નું ઘરની બહાર નાખવા બાબતે. જેમ વિચારવા નું ન હોય, બગડી ગયેલ ખોરાક ફેંકવાનો જ હોય એમ યોગ્ય ન હોય એવો સંબંધ ફગાવવાનો જ હોય. લગ્ન થઇ ગયાં હોત તો વાત કદાચ અઘરી થઇ જાત પણ સગાઈ તોડવાની વાત હવે સામાન્ય ગણાય છે. ઘી માં માખ પડે ને તરત જ આંગળી એ માખ ને કાઢી ફેંકે એ વલણ થી આભા એ સગાઈ તોડી નાંખી. આ માખી ને ફૂગ વાળા ખોરાક ની ઉપમા જુગુપ્સા જગાવે પણ સટ્ટો જેનો શોખ હોય એને માટે સારી ઉપમા શાની હોય?
સમાજ માં શું વાત થશે એની ચિંતા તો આભા નાં માં-બાપ પણ નહતાં કરતાં. અને કદાચ ચિંતા હોય તો પણ સમાજ ની ચર્ચા ની બીકે કયો બાપ છોકરી ની સગાઈ થયેલી હોય તો સટ્ટો રમતા છોકરા જોડે પરણાવવાનું વિચારે?
આભા એ એક કવિતા લખેલી ‘સ્વપ્ન’ જેમાં એણે એના ભાવિ જીવન નાં અરમાન ની એક ઝંખી જોયેલી. એમાં છેલ્લે પંક્તિ હતી –
“સ્વપ્ન છે સિદ્ધિ ના નભ ની બારી”
આ પંક્તિ તે વારંવાર યાદ કરતી. પોતાની મહેચ્છા જાળવવા અને સિદ્ધ કરવા એક યોગ્ય સાથી મળે એ અનિવાર્ય હતુ અને એમાં બાંધ છોડ એટલે પોતાના સ્વપ્ન સાથે બાંધ છોડ. આભા ક્યારેય એ કરવા તૈયાર નહતી. કે નહતાં તેનાં માં-બાપ તૈયાર પણ હવે પરિસ્થિતિ વધારે વરવી થઇ ગઈ.
એક દિવસ ઘોર અંધારી રાતે રાતરાણી મહેકે ને મન માં જે આહલાદ અનુભવાય એ જ રીતે આભા ના ઘર માં એક ‘હાશ’ થઇ. એક સારો બાયોડેટા ધ્યાન માં આવ્યો. આ વખતે મુલાકાત અત્યંત ગુપ્ત રાખવામાં આવી. બીજુ કોઈ કારણ નહી પણ એક વાર સગાઈ ધામધૂમ થી કરી ને પછી ફોક થઇ એટલે બધાને એવી ઈચ્છા કે આ વખતે બધું સમું સુતરુ પાર ઉતરે પછી વાત જાહેર કરવી. છોકરો આમ તો આભા સાથે શોભે એવો હતો. કમાણી પણ સારી. માં-બાપ નું એક માત્ર સંતાન. હા, એને એક બહેન હતી પણ બીજી નાત માં જાતે પરણી ગયેલી એટલે માં-બાપે એને જાણે નહી નાંખેલી. રૂબરૂ મુલાકાત માં આભા ને સંતોષ થયો. આ વખતે સગાઈ અત્યંત સળગી થી કરવામાં આવી. જો કે છોકરા ની તો આ પહેલી જ સગાઈ હતી. પણ આભા ની બીજી સગાઈ હતી એટલે એમણે પણ સમજી ને સળગી થી સગાઈ કરવા માં સંમતિ આપેલી. સગાઈ અને લગ્ન વચ્ચે નો સમયગાળો બહુ લાંબો નહતો. ત્રણ મહિના માં લગ્ન પણ લેવાઈ ગયાં.
આભા એ કૉલેજ ના શરૂઆત ના દિવસો માં એક કવિતા લખેલી ‘દુલ્હન’ એ કવિતા માં એના પોતાનાં બધાં સપનાં-અરમાન અને વિચાર ...આ બધાં નું જાણે એક ફીંડલુ હતુ.
દુલ્હન
કોમલ કરાંગુલી એ કેશ સવારતી, સહસા દર્પણ માં પ્રતિબિંબ નિહાળતી,
હસ્ત કેરી મહેંદી નીરખી હરખાતી, મલકાતી શરમાતી ઉભી દુલ્હન.
શ્વેત પાનેતર માં સૌમ્ય તે શોભતી, ધારણ કરે ભૂષણ તો નેત્ર ને આંજતી,
પુષ્પ મઢ્યા કેશથી સ્વયં જાણે ખીલતી, ગભરાતી ખંચાતી ઉભી દુલ્હન.
દર્પણ થકી ખોજતી નિજ ચિત્ર આજનું, મહેંદી ભરી હસ્તરેખા થકી આવતી કાલનું.
પુષ્પ સમી ખીલેલ ન કદી મુરઝાય, કલ્પ્ય મૂર્તિ ની જો પ્રાપ્તિ થાય.
કાજલ વડે આંજી જીગીષા નયનમાં, સ્વજન પ્રેમ આંજે અશ્રુ મોતી નયન માં,
થીજી જાય અન્ય ગાત્રો તોય ચેતના નયનમાં, ઉર કેરી લાગણી ની વાચા નયનમાં.
નીરખે કોઈ નર જો ઉડતી નજરે, સહજ સૌન્દર્ય પામી જાય.
પણ જો નીરખે તેનાં નેણ અવિચલ નજરે તોય ન મર્મ પામી જાય.
પામવા તેના ઉર કેરી વેદના-સંવેદના, નારી હોવું એ સહજ શરત, ઉકેલવા તેના નયન કેરી લિપી,
પરિણીત હોવું અનિવાર્ય શરત.
છેલ્લી લીટી માં જે મોટી વાત લખાઈ હતી એ આ કૉલેજ માં ભણતી મુગ્ધા એ કેવી રીતે લખી એ તો વિચારવું રહ્યું પણ આગળ ની કવિતા માં જે અરમાન થી દુલ્હન તૈયાર થાય અને મંગળાષ્ટક ના ગાન ના ગુંજારવ સાથે માંડવા માં આવે એ અરમાન થી સુંદર આભા અતિ સુંદર દેખાતી, બધાં નું ધ્યાન ખેંચતી, મોયરા માં દુલ્હન બની ને બેસી ગઈ અને આદિત્ય ને પરણી પણ ગઈ.
લગ્ન પછી નો થોડો સમય હરવા-ફરવા માં વીત્યો. અલબત્ત આભા ને એ બહુ ઓછો પડ્યો. કૉલેજ સમયથી જ જ્યારે બીજા છોકરા-છોકરીઓ ને સાથે હરતા-ફરતાં જોતી ત્યારે આભા વિચારતી કે પોતે લગ્ન પછી આમ ફરશે. નીતિમત્તા ના બહુ ઊંચા માપદંડ હતા આભાના. લગ્ન પહેલાં કહેવાતા પ્રેમ સંબંધ માટે ધ્રુણા હતી આભાના મનમાં. જો પ્રેમ કર્યો પણ હોત તો લગ્ન કરવા ના ગંભીર નિર્ણય સાથે જ, ખાલી ટાઈમપાસ નહી. અરે એક સગાઈ તુટી તો ય આભા ને અફસોસ થયેલો કે એક અયોગ્ય વ્યક્તિ સાથે પોતે આટલું હરી-ફરી. અલબત્ત એ હરવા-ફરવા માં ક્યારેય સંયમ નહતો ગુમાવ્યો. એટલે આમ જોઈએ તો આદિત્ય આભા ના જીવન માં પ્રવેશેલો પહેલો જ પુરુષ હતો.
જ્યારથી સમજણ આવી ત્યાર થી અરમાન સેવેલાં એ અર્ણવ ઘુઘવાતો હતો. આભા ઝંખતી હતી એ પમરાટ જે કૉલેજ ના મુઘાવાસ્થા ના દિવસો માં હોય. વર્ષો સુધી જે સ્વપ્ન માત્ર માં હતી એ ખુશી માણવા આભા ઝંખી રહી. એની કલ્પના હવે સાકાર કરવાના દિવસો હતા. ભણતી હતી ત્યારથી નોકરી મળી ત્યાં સુધી અને તે પછી પણ સતત મહેનત કરી કેરિયર તો બનાવ્યુ પણ આ બધા માં જીવન માણવા નું હજી શરુ નહતું કર્યું જે હવે શરુ થયું. આદિત્ય પણ શરૂઆત માં ઉત્સાહી દેખાયો. પણ ધીમે ધીમે આભા ને સમજાવા લાગ્યુ કે તે પોતે જેમ વર્ષો નાં સ્વપ્ન નો ખજાનો ખોલી થનગને છે એટલો ઉત્સાહ આદિત્ય ના મન માં નથી. આભા એ મન મારવું પડતુ.
બીજા ના ઘર ની રીતભાત માં ટેવાતાં વાર લાગે એ સહજ હતુ. થોડી તકલીફ આભા ને પણ પડી. એને ખુબ થાક લાગતો આખા દિવસ દરમ્યાન. ઘરકામ નો બોજ વધી ગયો હતો. એને સમજાતુ જ નહતું કે લગ્ન થતાં ની સાથે જ એક યુવતી ને ઘર ની મોટી જવાબદારીઓ થી કેમ ઘેરી લેવામાં આવે છે. આભા ની નાની અમથી ચૂક પર જ્યારે લાંબુ લચક ભાષણ મળતુ ત્યારે આભા ને ત્રાસ લાગતો. અને નવાઈ એ હતી કે આદિત્ય આ બાબતે તેની તરફેણ માં કઈ ન બોલતો.
નાનપણ માં જ્યારે લગ્ન જીવન અંગે કોઈ સમજણ નહતી ત્યારે બાળક તરીકે આભા ના મન માં એવી સંકલ્પના હતી કે ઘર નું કામ કરવા માટે લગ્ન ગોઠવાતાં હશે. સામાન્ય રીતે પરણી ને આવેલ વહુ ઘર નું કામ ઉપાડી લે એટલે જાણે ઘરકામ ની વ્યવસ્થા જળવાય એટલે જ વહુ લાવવા માં આવતી હશે એવું બાળક તરીકે આભા સમજતી. થોડા મોટા થયા પછી એણે લગ્ન અને સાંસારિક જીવન ની સમજ મેળવી ત્યારે પોતાની બાળપણ ની સમજ પર આભા ને હસવું આવતુ. પણ જ્યારે આખો દિવસ કંટાળી ઘરકામ આટોપતી હોય અને નાની અમથી ભૂલ બદલ કર્કશ શબ્દો કાને પડે ત્યારે આભા માટે અસહ્ય થઇ જતુ. અને ત્યારે જ આભા ને સમજાતુ કે ભારતીય સમાજ માં વહુ ઘણું ખરું ઘરકામ અને વ્યવસ્થા જાળવવા જ લાવવા માં આવે છે. પણ ખરુ અચરજ તો ત્યારે થતુ જ્યારે આદિત્ય પણ તેને આવા સામાન્ય કામ ની ચૂક બાબતે ગુસ્સે થઇ ઝાટકી કાઢતો. આભા ને મન શાબ્દિક પ્રહાર અસહ્ય હતા. આદિત્ય નજીવી બાબતો માં પણ અત્યંત ગુસ્સો કરી બેસતો. ધીમે ધીમે નાની નાની બાબતે લાગતી આગ ના તણખા શયન ગૃહ માં પડવા માંડ્યા. કૈક થાય કે આદિત્ય ગુસ્સેથી બુમો મારી ગામ ગજવતો અને શયનકક્ષ સ્મશાન બની જતો. હા, સ્મશાન જ્યાં આભા ના મન નાં તમામ સ્વપ્ન સળગી રહ્યાં.
આભા ની કોઈ પણ માંગ વગર વિચારે નકારવા માં આવતી. આદિત્ય આભા ની વાતો પ્રત્યે સાવ જ બેદરકાર હતો. સાંજ પડે ઘેર આવી, ઝટપટ સારી રસોઈ બની હોય એ જમી, ઊંઘી જઈ, થાક ઉતારી હંમેશાં તાજો રહેતો આદિત્ય રસોઈ, અન્ય નાનાં-મોટાં કામ, નોકરી એ બધી જવાબદારીઓ નિભાવી રહેલી પત્ની ની બે વાત સંભાળવા નવરો નહતો. હા, રસોઈ માં કઈ ગડબડ હોય તો અત્યંત ખરાબ રીતે ઉધડો લેતો આદિત્ય રસોઈ બનાવનાર નો રોજ મૂડ કેવો છે એ જાણતો કે વિચારતો સુદ્ધાં નહી. સતત અન્ય સ્ત્રીઓ જેમને નાની મોટી તકલીફો હોય એ બધાં ની વાતો આભા ને સંભળાવવા માં આવતી. અને એ રીતે એને અહેસાસ કરાવાતો કે તે પોતે ઘણી સારી સ્થિતિ માં છે. “આ પેલી આશા ને તો એના સસરા ગાળો બોલે....આપડે તારે તો બહુ સારુ નસીબ છે.” “પેલી અમિતા ને તો હજી ઘર પણ નથી. તું નસીબદાર છું કે આપડે આપડુ પોતાનું ઘર છે” “પેલો જયેશ તો એની બૈરી ને ટીપે છે....તારું નસીબ સારુ કે આદિત્ય કોઈ દિવસ હાથ નથી ઉપાડતો” આવી કૈક કૈક વાતો આભા ને સાંભળવી પડતી. અલબત આભા ના મન માં ઘણાં સારાં દ્રષ્ટાંત હતાં જેને આધારે એ ફરિયાદ કરી શકે કે ફલાણા ની ઘેર આમ છે કે ફલાણા ને ત્યાં આમ છે..પણ અહી તેનું પોતાનું કોણ હતુ જે આ સાંભળે?