Doctor Dolittle - 15 books and stories free download online pdf in Gujarati

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 15

15. બાર્બરી ડ્રેગન...

ટાપુ પર ઊગી નીકળેલી ભીની શેરડી ખાવાથી ભૂંડને ઠંડી ન ચડી ગઈ હોત તો ડૉક્ટર અને તેમના પ્રાણીઓ સલામત રીતે રફુચક્કર થઈ શક્યા હોત, પણ...

થયું એવું કે ડૉક્ટર અને પ્રાણીઓ ચાંચિયાઓના જહાજ પર ચુપચાપ ચડી ગયા અને તેમણે એટલી જ ચુપકીદીથી લંગર ઉપાડ્યું. પછી, વહાણને ખાડીની બહાર નીકળવા તેઓ તેને ધીમી ગતિએ હંકારવા લાગ્યા. પરંતુ ત્યારે જ, ભૂંડે મોટેથી છીંક ખાધી. અત્યાર સુધી ચાંચિયાઓ, ડૉક્ટરના વહાણના ભંડકિયામાં ખાંખાં-ખોળા કરતા હતા પરંતુ છીંકનો અવાજ સાંભળી તે ઉપર દોડી આવ્યા.

ઉપર આવતા વેંત તેમણે ડૉક્ટરને ભાગતા જોયા અને ખાડીની બહાર નીકળવાના માર્ગમાં હોડી ઉતારી અંતરાય ઊભો કરી દીધો જેથી જહાજ ખાડીની બહાર ન જઈ શકે.

પછી, પોતાને ડ્રેગન તરીકે ઓળખાવતા ચાંચિયાઓના સરદાર બેન અલીએ દાંત ભીંસ્યા, મૂઠીઓ વાળી અને જોરથી કહ્યું, “હવે તું બરાબર ફસાઈ ગયો છે. તું મારું જહાજ લઈને ભાગી જવાની વેતરણમાં હતો, મારું ! અરે, બાર્બરીના ડ્રેગન બેન અલીને હરાવી શકે એવો ખારવો આજ સુધી પાક્યો નથી. તારી પાસે રહેલા બતક અને ભૂંડને જોઈ મારા મ્હોંમાં પાણી આવે છે. અમે તે બંનેના નાના નાના ટુકડા કરીને તેમને ખાઈ જઈશું. તું પણ કંઈ એમ જ નહીં છૂટે. તારે તારા મિત્રને કહેવડાવી સોનું ભરેલી પેટી મંગાવવી પડશે. પછી જ તારો છુટકારો થશે.”

આ સાંભળી ગબ-ગબ તો રડવા જ લાગ્યું અને ડબ-ડબ ઊડી જવાનો વિચાર કરવા લાગ્યું. પણ, ઘુવડ ટૂ-ટૂએ ડૉક્ટરના કાનમાં ફૂંક મારી, “તેને વાતો કરાવતા રહો, તેની સાથે સારી રીતે વર્તો. આપણું જૂનું વહાણ ગમે તે ક્ષણે ડૂબવા લાગશે. ઉંદરોએ કહ્યું છે કે વહાણ બહુ જલદી સમુદ્રના તળિયે બેસી જશે અને ઉંદરો ક્યારેય ખોટા નથી પડતા. જ્યાં સુધી વહાણ તેમને લઈને ડૂબી ન જાય ત્યાં સુધી તેમની સાથે વાતો કરો. તેમને વ્યસ્ત રાખો.”

“પણ, વહાણ ક્યારે ડૂબશે એ થોડું નક્કી છે ! સારું, મને ટ્રાય કરવા દે. સાલું, શેના વિશે વાત કરવી એ જ સમજાતું નથી.” ડૉક્ટરે જવાબ આપ્યો.

“અરે, આવવા દો એમને ; થઈ જવા દો બબ્બે હાથ.” જિપે કૂદકા મારતા કહ્યું. “તે ફક્ત છ જણ છે. આપણે તે હેવાનો સામે લડીશું. આજે એમની ખેર નથી. જયારે આપણે ફડલબી પાછા ફરીશું તો હું આપણી બાજુમાં રહેતા કૂતરાંને કહીશ કે મેં સાચા ચાંચિયાને બચકું ભર્યું હતું. આપણે તેની સાથે લડવા સક્ષમ છીએ.”

“ના, એ તો આપઘાત કરવા જેવું છે. તે દરેક પાસે તલવાર અને બંદૂક છે.” ડૉક્ટરે કહ્યું. “મારે તેમની સાથે વાતો કરવી પડશે.” પછી ડૉક્ટરે ચાંચિયાઓ તરફ ફરીને કહ્યું, “બેન અલી, મારી વાત સાંભળ...”

પણ, ડૉક્ટર આગળ કંઈ બોલે એ પહેલાં જ ચાંચિયાઓ તેમનું વહાણ લઈ નજીક આવવા લાગ્યા. તેમનો હરખ માતો ન્હોતો અને તેઓ એકબીજા સાથે શરત લગાવતા હતા કે ‘ભૂંડને કોણ પહેલાં પકડશે ?’

બિચારું ગબ-ગબ તો ડરથી ધ્રૂજવા લાગ્યું. તો બીજી બાજુ પુશ્મી-પુલું તેના શિંગડાને ધ્વજસ્તંભ સાથે ઘસી શિંગડાની ધાર તેજ કરવા લાગ્યું. જિપ હવામાં કૂદકા મારી ભસી રહ્યો હતો, તે બેન અલીને કૂતરાંની ભાષામાં ગંદી ગાળો આપી રહ્યો હતો.

પણ અચાનક, ચાંચિયા મૂંઝાયા. તેમણે હસવાનું અને જોક્સ મારવાના બંધ કરી દીધા. તે તમામના ચહેરા પર ચિંતા પ્રગટી. કંઈક એવું બન્યું હતું જેથી તે સૌ અસ્વસ્થ બની ગયા હતા.

બેન અલી પોતાના જ પગને તાકવા લાગ્યો. તેણે જોરથી રાડ પાડી, “સાવધાન, વહાણ ડૂબી રહ્યું છે !”

અને પછી બધા ચાંચિયાઓએ વહાણની આજુબાજુ ધ્યાનથી જોયું. વહાણ પાણીમાં ઊંડું ને ઊંડું ગરકી રહ્યું હતું. હવે, એક ચાંચિયાએ કહ્યું, “જો આ જૂનું વહાણ ડૂબવાનું હતું તો ઉંદર આ વહાણ છોડીને ગયા કેમ નહીં ? આપણને તો ભાગતા ઉંદર દેખાયા જ નથી !”

અને જિપે ચાંચિયાઓના જહાજ પરથી બૂમ પાડી, “ડફોળોના સરદારો, વહાણ પર કોઈ ઉંદર હોય તો તમને તે વહાણ છોડીને ભાગતો દેખાય ને ! બધા ઉંદરો બે કલાક પહેલાં જ ભાગી ગયા છે. હવે, ‘હા... હા...’ કરીને હસો !”

પણ, તે કોઈ પ્રાણીઓની ભાષા સમજતા ન હતા તેથી જિપે જે કહ્યું તે સમજી શક્યા નહીં. થોડી જ વારમાં વહાણનો આગળનો ભાગ વધુને વધુ ડૂબવા લાગ્યો. પછી તો આગળનો ભાગ ડૂબતો જતો હોવાથી વહાણ પાછળથી ઊંચું થયું અને ચાંચિયાઓ રેલિંગ, દોરડું જે હાથમાં આવ્યું તે પકડી લટકવા લાગ્યા. પણ, વહાણના તમામ બારી-દરવાજામાંથી દરિયાનું પાણી અંદર પ્રવેશ્યું અને આખું વહાણ ડૂબ્યું ; ભયંકર અવાજ કરતુ તે દરિયાના પાણીમાં બેસી ગયું અને છએ ચાંચિયાઓ, ખાડીના ઊંડા પાણીમાં, મોજા સાથે હિલોળા લેતા ઉપર-નીચે થવા લાગ્યા.

તેમાંના કેટલાક ટાપુના કિનારા તરફ તરવા લાગ્યા તો કેટલાક ડૉક્ટર જે જહાજ પર હતા તે જહાજ પર ચડવાનો પ્રયાસ કરવા લાગ્યા. પણ, જેવો કોઈ ચાંચિયો ડૉક્ટરના જહાજ પર ચડવાનો પ્રયાસ કરતો કે જિપ તેના નાક પર બચકું ભરી લેતો. આથી, ચાંચિયાઓ ખૂબ ગભરાઈ ગયા. તેમણે જહાજ પર ચડવાનું માંડી વાળ્યું.

પછી, તે બધા એકદમ ગભરાયા અને એકસાથે બોલી ઊઠ્યા, “શાર્કનું ટોળું ! શાર્ક માછલીઓ આવી રહી છે ! અમને જહાજ પર ચડવા દો નહિતર શાર્ક અમને ખાઈ જશે. મદદ કરો, અમને મદદ કરો.”

ડૉક્ટરે જોયું તો ખરેખર, ખાડીની પાછળની બાજુએથી શાર્ક માછલીઓ આવી રહી હતી. તે માછલીઓ સીધી ચાંચિયાઓ તરફ ગઈ. પછી એક મોટી શાર્ક જહાજની નજીક આવી અને પોતાનું નાક પાણીની બહાર કાઢી ડૉક્ટરને પૂછ્યું, “તમે જ પેલા જાણીતા ડૉક્ટર જ્હોન ડૂલિટલ - એમ.ડી. છો ?”

“હા.” ડૉક્ટરે કહ્યું. “મારું જ નામ જ્હોન ડૂલિટલ છે.”

“તમને મળીને આનંદ થયો.” શાર્કે કહ્યું અને ઉમેર્યું, “અમે જાણીએ છીએ કે આ બધા ચાંચિયા બેરહમ છે, ખાસ કરીને આ બેન અલી. જો એ તમને રંઝાડતો હોય તો અમને કહી દો, તેમને ખાઈ જવામાં અમને લગીર સંકોચ નહીં થાય. પછી, કોઈ તમને ત્રાસ નહીં આપે. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી.”

“આભાર.” ડૉક્ટરે કહ્યું. “તેં ખૂબ કામની વાત કરી છે, પણ... મને લાગે છે કે તેમને મારીને ખાઈ જવા એ અંતિમ ઉપાય નથી. હું તમને ન કહું ત્યાં સુધી એકેય ચાંચિયાને ટાપુના કિનારા સુધી જવા ન દેતા. હા, તેમને હાથ-પગ હલાવીને તરવા દેજો જેથી ડૂબી ન જાય. એ સિવાય, બેન અલીને અહીં વહાણની નજીક આવવા દે, મારે તેની સાથે અગત્યની વાત કરવી છે.”

માટે, શાર્કના ટોળાએ બેન અલીને ડૉક્ટર સુધી જવા દીધો.

“સાંભળ બેન અલી” જહાજના છેડે રહેલી રેલિંગ પકડી, માથું દરિયા તરફ નમાવી જ્હોન ડૂલિટલે કહ્યું. “મને ખબર છે કે તું ખૂબ ખરાબ માણસ છે અને તેં ઘણા માણસોને મારી નાખ્યા છે. જો હું કહું તો આ ભલી માછલીઓ તમને ખાઈ જવા તૈયાર છે અને તેમ કરવામાં ખોટું ય નથી કારણ કે આ દરિયાને તમારા જેવા જલ્લાદોથી છૂટકારો મળશે. પણ, જો તું મને વચન આપે, હું કહું તેમ કરવા તૈયાર થાય, તો હું તમને છએને જીવતા રાખી શકું એમ છું.”

બેન અલીની બંને બાજુએ શાર્ક તરી રહી હતી. તે તેના પગ સૂંઘતી હતી. બેન અલીએ તરત કહ્યું, “મારે શું કરવાનું છે ?”

“તારે હવેથી કોઈ માણસની હત્યા કરવાની નથી. તારે ચોરી કરવાનું બંધ કરી દેવું પડશે. બીજાના વહાણ ડૂબાડવાનું બંધ કરી દેવું પડશે. ટૂંકમાં, તારે ચાંચિયો મટી સારો માણસ બનવાનું છે.”

“પણ, તો પછી હું કરીશ શું ? હું જીવીશ કેવી રીતે, મારું ગુજરાન કેવી રીતે ચાલશે ?” બેન અલીએ પૂછ્યું.

“તારે અને તારા બધા માણસોએ આ ટાપુ પર કામ કરવાનું છે. અહીં બચ્ચાં ઉછેર કેન્દ્ર શરૂ કરો. તમારે કનેરીના બચ્ચાં ઉછેરવાના છે.” ડૉક્ટરે કહ્યું.

આ સાંભળી બાર્બરી ડ્રેગન ગુસ્સાથી લાલ-પીળો થઈ ગયો. “બચ્ચાં ઉછેર કેન્દ્ર ?” તેણે ઘૃણાથી નિસાસો નાખ્યો, “હું એક નાવિક ન બની શકું ?”

“નહીં. તું ઘણા સમયથી નાવિક જ હતો પણ તે કેટલાય મજબૂત જહાજો અને સારા માણસોને દરિયાના પાણીમાં ડૂબાડી દીધા છે. હવેની જિંદગી તારે શાંત ખેડૂત તરીકે વિતાવવાની છે. બોલ છે મંજૂર ? જલદી બોલ, મારી પાસે ઝાઝો સમય નથી અને શાર્ક મારા જવાબની રાહ જોઈ રહી છે. ફટાફટ નિર્ણય લઈ લે.”

“બચ્ચાં ઉછેર કેન્દ્ર” બેન અલી ગણગણ્યો અને પાણીમાં જોયું. તેના પગ પાસે તરતી શાર્ક હજુ પણ તેનો પગ સૂંધી રહી હતી.

“સારું, મંજૂર છે.” તેણે કમને કહ્યું. “અમે ખેડૂત બનીશું.”

“અને યાદ રાખજે,” ડૉક્ટરે સખ્તાઈથી કહ્યું, “તું આ વચન નહીં પાળે તો, તમે ફરીવાર લૂંટફાટ અને મારધાડ શરૂ કરશો તો, મને ખબર પડ્યા વગર રહેવાની નથી. આ કનેરીઓ જ મને કહી જશે. અને એ પણ જાણી રાખ, કે જો એવું થશે તો હું તને સજા કરવાનો નવો રસ્તો શોધી લઈશ. ભલે, હું તારા જેટલો સારો નાવિક નથી, પણ દુનિયાભરના પ્રાણીઓ, પક્ષીઓ અને સમુદ્રીજીવો મારા મિત્રો છે. મારે તારા જેવા ચાંચિયાથી ડરવાની કોઈ જરૂર નથી. પછી ભલે તું ‘બાર્બરીનો ડ્રેગન’ જ કેમ ન હોય ! હવે જા અને સારો ખેડૂત બનીને શાંતિથી જીવજે.”

પછી, ડૉક્ટર મોટી શાર્ક તરફ ફર્યા અને તેની સામે હાથ હલાવતા કહ્યું, “વાત થઈ ગઈ છે. તેમને કિનારા સુધી જવા દો.”

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED