Ghar chhutyani veda - 39 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા ભાગ-૩૯

ભાગ -૩૯ (અંતિમ ભાગ)
સુરેશભાઈ તેમની પત્ની સાથે અનિલભાઈના ઘરે આવ્યા અને ત્યાં રોહન વિશેની ચર્ચા આરંભાઈ.
અનિલભાઈ : "સુરેશભાઈ, ચાર વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, આપણે તો આશા છોડી દીધી પણ અવંતિકા હજુ રોહિતના આવવાની આશા લઈને બેઠી છે."
સુરેશભાઈ : "હા, એજ ચિંતા અમને કોરી ખાય છે, જુવાન જોધ વહુ ઘરમાં વિધવાની જેમ પોતાનું જીવન વિતાવે એ અમે પણ નથી જોઈ શકતા, અને એને સમજાવવાના આપણે ઘણાં પ્રયત્નો કર્યા ! પણ એ કોઈ વાતે માનવા માટે તૈયાર જ નથી. તો હવે શું કરીએ ?"
અનિલભાઈ : "મેં એક રસ્તો વિચાર્યો છે. અને એટલે જ મેં આજે તમને અહીંયા બોલાવ્યા."
સુરેશભાઈ : "કેવો રસ્તો ?"
અનિલભાઈ : "થોડા દિવસ પહેલાં હું અને સુમિત્રા એજ વિશે વાત કરતાં હતાં, અચાનક અમને એનાં એક કૉલેજ ફ્રેન્ડની યાદ આવી. એનું નામ રોહન છે. મેં એનો સંપર્ક શોધી એની સાથે વાત કરી અને જાણવા મળ્યું કે એને હજુ સુધી લગ્ન જ નથી કર્યા, અને મને એક આશાનું કિરણ દેખાયું. હું એને મળવા ઇન્ડિયા જઈ આવ્યો અને બધી વાત એની સાથે કરી. એ પણ અવંતિકાને અપનાવવા માટે તૈયાર થઈ ગયો. હું મારી સાથે જ એને લંડન લઈ આવ્યો છું. હવે આપણે સાથે મળી અવંતિકા અને રોહનને ભેગા કરીએ. અવંતિકા અહીંયા એકલી પડી ગઈ છે. ના તેના કોઈ મિત્રો છે, ના કોઈ એવી વ્યક્તિ જેની સાથે તે પોતાના દિલની વાત કરી શકે. માટે રોહન વિશે જાણી હું તરત તેને મળવા નીકળી ગયો. તમને પણ પૂછવામાં મેં સમય ના બગાડ્યો. બસ હવે તમે હા કહો તો આપણે રોહન અને અવંતિકા મળે એવું આયોજન કરીએ"
સુરેશભાઈ : "અનિલભાઈ તમે ખૂબ જ સારું કામ કર્યું છે. અમને કોઈ મનદુઃખ નથી કે તમે અમને પૂછ્યા વિના રોહનને અહીંયા લઈ આવ્યા. અને જો રોહનના કારણે અવંતિકાનું જીવન સુધરી જતું હોય તો અમને ખૂબ જ ખુશી થશે. પણ રોહનના મમ્મી પપ્પા આ માટે તૈયાર થશે ?"
અનિલભાઈ : "મેં બધી જ તપાસ કરી. રોહનના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયાં, થોડો સમય મામાના ઘરે રહ્યો અને પછી અમદાવાદમાં આવી એકલો રહેવા લાગ્યો. તેની આગળ પાછળ કોઈ નથી. તેનો એક મિત્ર છે. જેના બિઝનેસમાં રોહન જોડાયો અને આજે એ આખા બિઝનેસને સાંભળે છે."
સુરેશભાઈ : "આ તો ખૂબ સારી વાત કહેવાય. રોહન જેવા સફળ અને મહેનતુ છોકરાના હાથમાં અવંતિકાને સોંપી આપણે એને એક સારું જીવન આપવા જઈ રહ્યાં છીએ."
સુરેશભાઈ અને તેમની પત્નીની સહમતી ના કારણે સુમિત્રા અને અનિલભાઈ ખુશ થયા. બીજા દિવસે અવંતિકાને કોઈપણ રીતે ક્રિસ્ટલ પેલેસ પાર્કમાં લઈ આવવાની હતી. સુરેશભાઈએ આ જવાબદારી પોતાના માથે લીધી. સાંજે છ વાગ્યાનો સમય ગોઠવી, રોહન અને અવંતિકાને ભેગા કરવાનું કામ બંને પરિવારોએ ભેગા મળી નક્કી કર્યું.
અનિલભાઈએ રોહનને ફોન કરી સાંજે છ વાગે ક્રિસ્ટલ પાર્ક પહોંચી જવાનું કહ્યું. સુરેશભાઈએ અવંતિકાને પાર્કમાં મોકલવા માટે એક આયોજન કર્યું. અવંતિકા ઓફિસથી સાડા પાંચ વાગે નીકળતી. ઓફિસથી પાર્કનું અંતર વિસ મિનિટનું હતું. સુરેશભાઈ એ અવંતિકાના ઓફીસ જતાં પહેલાં જ જણાવી દીધું કે "સાંજે તેઓ ક્રિસ્ટલ પાર્કમાં જવાના છે તો ઓફિસથી નીકળતાં તેમને ઘરે લઈને જાય." અવંતિકા "સારું" કહીને નીકળી ગઈ. તેને ખબર નહોતી કે પાર્કમાં તેની રાહ જોતાં સુરેશભાઈ નહિ પણ રોહન મળશે. 
રોહન માટે દિવસ વિતાવવો મુશ્કેલી ભર્યો થઈ રહ્યો હતો. તે ત્રણ વાગે જ પાર્ક જવા માટે નીકળી ગયો. સાડા ત્રણ સુધી પાર્કમાં પહોંચી તે એક ઠેકાણે બેસી ગયો. અનિલભાઈ અને સુમિત્રા સુરેશભાઈના ઘરે જ ચાલ્યા ગયાં. સાંજે અવંતિકા રોહન સાથે આવે એની રાહ જોવા માટે. બરાબર સાડા પાંચ વાગે સુરેશભાઈએ અવંતિકાને ફોન કરી યાદ કરાવ્યું.  પોતે ક્યાં સ્થળ પાસે હશે એ પણ જણાવી દીધું. પણ એ સ્થળ પાસે રોહન મળવાનો હતો. 
રોહન પણ પાર્કમાં બેઠો બેઠો પોતાના હાથમાં પહેરેલ ઘડિયાળને જોયા કરતો. સમય પણ જાણે આજે થંભી થંભીને ચાલતો હોય એમ લાગી રહ્યું હતું. રોહને એન્યુઅલ ડેના દિવસે જે જેકેટ પહેર્યું હતું એજ આજે પહેરીને આવ્યો હતો. 
છ વાગવામાં દસ મિનિટ બાકી હતી અને અવંતિકા પાર્કમાં પ્રવેશી. રોહન જે તરફ તેની રાહ જોઈ રહ્યો એજ તરફ તે આગળ વધી રહી હતી. રોહનની નજર સામેથી આવતી અવંતિકા ઉપર પડી. એક સમયતો તેને માન્યામાં ના આવ્યું કે એ અવંતિકા હોઈ શકે, કૉલેજમાં હસતો ખીલખીલાટ કરતો ચહેરો આજે સાવ મુરઝાયેલો દેખાઈ રહ્યો હતો. શરીર તો ચાલી રહ્યું હતું પણ જાણે એમાં જાન ના હોય તેવું લાગી રહ્યું હતું. અવંતિકાને હજુ અનુમાન નહોતું કે તેની સામે રોહન ઊભો રહ્યો છે. તેની નજર આમ તેમ સુરેશભાઈને શોધી રહી હતી. રોહનથી થોડે દૂર અવંતિકા ઊભી રહી અને સુરેશભાઈને શોધવા લાગી. આજુબાજુમાં નજર ફેરવતાં અવંતિકાની નજર સામે ઉભેલા રોહન ઉપર જઈ અટકી. રોહનને જોતાં એકક્ષણ તો તેને માનવામાં ના આવ્યું કે એ રોહન જ છે. પણ તેને પહેરેલા જેકેટ અને રોહનની આંખો જોઈ અવંતિકાને લાગ્યું આ રોહન જ છે. રોહન એક નજરે અવંતિકાને જ જોઈ રહ્યો હતો. અવંતિકાની નજર પણ રોહનને જ જોવા માટે અટકી ગઈ. રોહનને જોતા તેના હૃદયમાં મૃત્યુ પામેલી લાગણીઓ સજીવન થવા લાગી. વર્ષો પહેલા ખોવાઈ ગયેલો એક ચહેરો નજર સામે જોઈ અવંતિકાની આંખો છલકાયા વિના રહી ના શકી. રોહન પણ જાણે મિલનની એ પળને ઝંખતો હોય તેમ તેનાથી દૂર ઊભો આંસુઓ સારી રહ્યો હતો. કુછ કુછ હોતા હૈ ના શાહરુખ ખાનની જેમ પોતાના બંને હાથ ફેલાવી અવંતિકાને પોતાની બાહોમાં સમાઈ જવા માટે આમંત્રણ આપવા લાગ્યો. અવંતિકા પણ જાણે વર્ષોથી રડવા માટે અધિર બની હોય તેમ દોડીને રોહનન બહોપાશમાં સમાઈ ગઈ અને ચોધાર આંસુએ રડવા લાગી. રોહન પણ તેને ભેટીને ખૂબ રડ્યો, અવંતિકાના વિરહમાં આટલા વર્ષો દૂર રહી ઘણાં આંસુઓ એકલા એકલા વહાવ્યા હતાં, આજે અવંતિકા તેની બાહોમાં રડી રહી હતી તેને ચૂપ કરાવવાના બદલે તે પણ તેની સાથે રડવા લાગ્યો.
ઘણીવાર સુધી બંને રડતાં રહ્યાં, રોહને અવંતિકાને થોડી અળગી કરી તેની આંખોના આંસુઓ લૂછયા. રોહિતના ગયા બાદ આ પહેલો એવો પ્રસંગ હતો જ્યારે અવંતિકા આટલું રડી હશે. અવંતિકાને શાંત કરતાં રોહને કહ્યું : 
"બસ હવે હું તને રડવા નહિ દઉં, કે ના હવે મારાથી તને દૂર જવા દઈશ"
રોહનને ભેટતા પહેલા એકક્ષણ માટે અવંતિકા બધું જ ભૂલી ગઈ હતી, પણ રોહને તેને જે કહ્યું એ સાંભળી તેનાથી થોડી દૂર ખસી કહેવા લાગી :
"રોહન, મારુ જીવન હવે સાવ બદલાઈ ગયું છે, હું હવે પહેલાંની અવંતિકા નથી રહી. મારા જીવનમાં ઘણું બધું ઘટી ગયું છે."
"મને બધી જ વાતની જાણ થઈ ચૂકી છે અને એટલે જ હું તારી પાસે આવ્યો છું." અવંતિકાના બંને હાથ પકડતાં રોહન કહેવા લાગ્યો.
"ભલે રોહન તને બધું જ ખબર હોય છતાં હું તારો સાથ નહિ આપી શકું, કદાચ કાલે રોહિત પાછો આવે તો હું એને શું જવાબ આપીશ?" રોહનના સામેથી મોઢું ફેરવતા અવંતિકા બોલી.
"તને વિશ્વાસ છે કે રોહિત પાછો આવશે ? અવંતિકા એને ગયાને ચાર વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો, જો એ ક્યાંક હોત તો અત્યાર સુધી એના કોઈક તો સમાચાર મળી શક્યા હોત ને ? ભલે તું એના સુધી ના પહોંચી શકતી પણ એ તો તારો કે તારા સસરાનો સંપર્ક કરતો ને ? અવંતિકા, હકીકત સ્વીકારી લે હવે, તારા માટે નહીં તો તારા દીકરા આરવ અને તારા બંને પરિવારો માટે, તારા મમ્મી પપ્પા અને તારા સાસુ સસરા છેલ્લા કેટલાય સમયથી તારા કારણે પરેશાન છે, એ નથી જોઈ શકતા આ રીતે તને પળ પળ મરતાં, કેવી હતી તું અને હવે કેવી થઈ ગઈ છે ? ક્યારેય અરીસા સામે ઊભા રહી તે તારી જાતને જોઈ છે ? તારી આંખો નીચેના કુંડાળાને ધ્યાનથી જોયા છે ? કેટલી રાતોના ઉજાગરા ? કેટલાય આંસુઓ વહ્યા વગરના અકબંધ તારી આંખોમાં ભરાયેલા પડ્યા છે." રોહન અવંતિકાને સમજાવવા લાગ્યો.
રોહનની વાત સાંભળી અવંતિકાની આંખોના આંસુઓ વધુ તીવ્ર બન્યા, શું કરવું તેના માટે તે કોઈ નિર્ણય કરી શકતી નહોતી. રોહન અવંતિકાને સમજાવી રહ્યો હતો.
"કિસ્મત વાળી છે તું ! જેને આવા મા - બાપ અને માતાપિતા જેવા સાસુ સસરા મળ્યા છે. તારા પપ્પાએ મારો સંપર્ક કર્યો, અને મને તારા વિશે જાણ થઈ. હું હવે તને આ પરિસ્થિતિમાં રહેવા દેવા નહોતો માંગતો, મેં પણ તને પ્રેમ કર્યો હતો, તારા રોહિત સાથે લગ્ન થવાના કારણે ભલે હું તારાથી દૂર થઈ ગયો, પણ હવે હું તને એકલી નહિ રહેવા દઉં. એ સમયે મારી મજબૂરી હતી જેના કારણે હું કઈ કરી શક્યો નહીં, પણ આજે તારા બંને પરિવાર મારી સાથે છે. અને હું પણ હવે હાર માનવાનો નથી, તને અને આરવને બંનેને અપનાવવા આવ્યો છું."
રોહનની વાતોથી અવંતિકાનો વિચાર બદલાવવા લાગ્યો, અવાર નવાર તેના સાસુ સસરા અને મમ્મી પપ્પા પણ આ બાબતે વિચારવા માટે કહ્યા કરતાં હતાં પણ અવંતિકાના દિલમાં સુતેલી લાગણીઓને કોઈ જગાડી શક્યું નહિ, પણ આજે રોહને અવંતિકાને વિચારવા ઉપર મજબુર કરી દીધી. રોહનને ભેટીને પાછી રડવા લાગી. રોહને તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું :
"જે બન્યું છે એ ભૂલી ને હવે નવા જીવનની શરૂઆત કર. મારા જીવનમાં એક તારી ખોટ હતી, અને ઈશ્વરે જ આપણને આજે ભેગા કર્યા છે. ઘરે તારા મમ્મી પપ્પા આપણી રાહ જોઈ રહ્યાં છે. મારી પાસે એમને કેટલીય આશાઓ હતી. અને તારી એક હા એમની આશાઓ પૂર્ણ કરશે."
અવંતિકાએ રોહનની આંખો સામે આંખો મિલાવતા "હા" કહ્યું. રોહનના ચહેરા ઉપર ખુશીનું મોજું ફરી વળ્યું. અવંતિકા સાથે રોહન પણ તેના ઘરે ગયો. બંને પરિવાર ત્યાં ભેગા મળી એ લોકોના આવવાની રાહ જોતાં હતાં. બંનેને સાથે જોઈ અનિલભાઈ અને સુરેશભાઈને ખુશી થઈ.  ઘરે આવી અવંતિકા રોહન સાથે લગ્ન કરવા રાજી થઈ છે એ જાણી બંને પરિવાર ખૂબ જ ખુશ થયા.
અવંતિકાના બીજા લગ્ન હોવાના કારણે વિધિવત લગ્ન ના થઇ શક્યા, પણ રોહનના મિત્ર વરુણે ભવ્ય રિસેપશનનું આયોજન કર્યું. રોહનને પણ અવંતિકાના સાસુ સસરાએ પોતાનો દીકરો માની લીધો. રોહનને પણ મા બાપ મળી ગયા, આરવને પિતાનો પ્રેમ મળી ગયો. અવંતિકા અને રોહન બંને પોતાની ખુશહાલ જિંદગી વિતાવવા લાગ્યા. આરવ ના કારણે રોહને બીજા બાળકની પણ ઈચ્છા ના વ્યક્ત કરી. વર્ષો સુધી રોહિતના કોઈ સમાચાર આવ્યા જ નહીં, અને રોહન સાથે નવું જીવન શરૂ કર્યા બાદ અવંતિકાએ પણ સ્વીકારી લીધું કે રોહિત હવે આ દુનિયામાં નથી.

લે. નીરવ પટેલ "શ્યામ"

આ નવલકથા અહીંયા પૂર્ણ થાય છે. આ સમગ્ર નવલકથા આપને કેવી લાગી ? તેનો અભિપ્રાય ચોક્કસ આપજો. 

આપનો આભારી
નીરવ પટેલ "શ્યામ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED