ભવોભવના (લઘુકથાઓ) Ashq Reshmmiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભવોભવના (લઘુકથાઓ)

૧.આજનો યુવાન

નવી જાતના રોગે એને હમણાનો ભરડામાં લીધો છે.

એની આંખે અંધાપો બેઠો છે, છતી આંખે!

નયનોમાં જાણે ગાંધારી ઊતરી છે.

કાન તો સાવ બહેર મારી ગયા છે.

કશું સાંભળી શકવા સમર્થ જ નથી.

ધ્રુબાંગ કરતો ઢોલ વાગે તોય એને તો લાગે જાણે ટાંકણી જ પડી છે!

કાને બહેરાશ ઊતરી છે કે મગજ બહેર મારી ગયું છે એની એને ખુદને જ ગતાગમ પડતી નથી!

સત્ય જોઈ જોઈ શકે છે, અનુસરી શકતો નથી!

સત્યનો સાથ ચાહવા છતાં પણ આપી શકતો નથી, હીજરાય છે.

ઘણીવાર એને લાગે છે જાણે ઘેટાના ટોળાનું એ ટાઢું ટબુકલું છે!

ને ક્યારેક લાગે છે જાણે એ શૅર છે- પાંજરામાં પુરાયેલો!

લુખ્ખી ગુલામીમાં એ ગરકાવ થઈ રહ્યો છે- સઘળું જાણવા છતાં- મૂંગા મોઢે.

ખબર નથી પણ તાળીઓ પાડવાની તો એને જબરી મજા આવે છે!

રોજ મુજરાના સપનાઓમાં જ રાચતો રહે છે.

ક્યારેક એકાંતમાં એ રડી પડે છે.

જે ઘટનાને જાહેરમાં સમર્થન આપતો હોય છે એ જ ઘટના ઘરના ખૂણામાં એને રડાવી જાય છે!

ગમતું નથી એને ગમાડવું પડે છે.

કહો ને કે ઝાપટ મારીને ગાલ લાલ કરવાની જબરી ફાવટ આવી ગઈ છે.

બળાત્કારીઓ તરફ અણગમો છે.

જાહેરમાં આવા જલ્લાદો પર થૂંકે છે, ને કોઈ યુવતીને ટૂંકા વસ્ત્રોમાં જોતાં જ ટપકતી લાળે આહ નીકાળતા એ શરમાતો નથી.

ઘણીવાર એને એમ લાગે છે કે એજ સર્વસ્વ છે ને છતાં પણ એ જાણતો નથી કે એનો અયોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે.

સત્યનો સાથ આપી શકતો નથી ને અસત્યને સ્વિકારી સકતો નથી, માંય ને માંય રિબાય છે!

હુલ્લડો, ટોળું જોઈ આવેગમાં અટવાય છે, કશું જ કરી શકતો નથી.

એનું બ્રેઈન, હાર્ટ અને થિંકિંગ પાવર હેક કરી ને હેંગ કરી નાખવામાં આવ્યા છે એનું એને ગૌરવ છે!

ખૂન, રિશ્વત, બેઈજ્જતી, અરે માણસની એને કંઈ કિંમત નથી.

એને તો બસ મૂંગામંતર થઈ તમાશો જોવાની જાણે લોટરી કે નોકરી લાગી ગઈ છે!

માણસાઈ, રાષ્ટ્રપ્રેમ સળગી રહી છે ને એ મહીં તેલ રેડીને મજા માણી રહ્યો છે.

પશુને પ્રેમ જતાવવાની પેરવીમાં એ માણસની મહોબ્બતને રગદોળી રહ્યો છે.

એને ક્રાંતિ કરવી છે, કિન્તું ટોળાનો હિસ્સો બની જાય છે, માત્ર હિસ્સો!

એણે આંખ ઝીણી કરી.

બધું ધુંધળું કળાતું હતું.

ક્યાંક કશું લૂંટાતું હતું, ક્યાંક કશુંક સળગી રહ્યું હતું કશેક કંઈ ગરબડી રંધાઈ રહી હતી, ક્યાંક કશુંક ચુંથાતું હતું ને વળી ક્યાંક ગંધાતું હતું.

કિન્તું જાણે કોઈએ એને લાચાર કરી લીધો હતો.

એને રદય નહોતું પણ એ જીવી રહ્વો હતો જાણે!

***

૨. ભવોભવના

એને ઊંઘ નહોતી આવતી, માત્ર ઊંઘવાની વ્યર્થ ચેષ્ટા કર્યે જતો હતો. અકળામણ ગભરાવતી હતી.

એવામાં અચાનક એને વોટ્સઅપ મેસેજ ટપક્યો. એ જાણીજોઈને બેખબર રહ્યો. બેડ પર પડ્યા પછી ફોનને નહી અડકવાની એની જબરી નેમ. કિન્તું આજે એનું ધ્યાન વારે વારે ફોન તરફ ખેંચાતું હતું. નાછૂટકે એ હાર્યો. ઊભો થયો. ફોન અનલોક કર્યો. આવેલ મેસેજ જોઈ એની આંખે ચોમાસું ચડ્યું. હેતાળ હૈયું અને દર્દનો દરિયો હિલ્લોળે ચડ્યો. છતાં મનના ખૂણે આનંદ ઊભરાયો.

મેસેજ મહિના પહેલા જ પરણીને ગયેલી એની પ્રેયસીનો હતો. ઊતાવળે એણે ઊભડક મેસેજ વાંચવા માંડ્યો:

પ્રિતમ...

તું શાયદ ખુશ હોઈશ.

તે કહ્યું હતું ને કે મારા સિવાય અન્યથી લગ્ન કરે તો મને જાણ ન કરતી! મે એ સરાસર પાળ્યું. તારાથી દૂર રહીને બહું જ ખુશ છું! (તું ખરેખર ભાગ્યશાળી છે હો! કે મારા વિના ખુશ છે! એ મનમાં જ હરખાતો બબડ્યો.)

તે એક વચન માગ્યું હતું ને મે આપ્યું પણ હતું. કિન્તું હું એ નિભાવી ન શકી એનો તને રંજ હશે, મને આનંદ છે. (વાહ! તું ગજબની નીકળી હો! એ ફરી ઉમળકાથી મનમાં બોલ્યો)

તને ખબર નથી, હું તને રજેરજ જાણું છું. તું મારી સાથેની આખરી મુલકાતનો કડવો ઘુંટ જીરવી શકવા સમર્થ ન હતો એટલે જ તને છેલ્લી મુલાકાત ન આપીને મે વચનભંગ કર્યું! તું મને વીસરી શક્યો નહી હોય એની મને ખાતરી છે કિન્તું હું તને ભૂલી ગઈ છું એ તું નહી જાણતો હોય! હાં, તારી આખરી ઈચ્છા પૂરી કરવા હું તને જરૂર મળીશ, સમયની આરપાર અને ક્ષતિજને પેેલે પાર. કિન્તું તું રાહ ન જોતો, પણ હું તને મળીશ.(વાહ, શું લખ્યું છે! પ્રેમિકા તો આવી જ હોવી જોઈએ! એ પલંગમાં પડતા જ બોલી ઊઠ્યો.)

ખુશ રહેજે, બકાં. લગ્ન કરી લેજે. આમ તો ન કરે એમાં જ ભલાઈ છે. પણ સંસારનો કંસાર ચાખવામાં જ મજા છે. હાં, સાંભર્યું: તું કહેતો હતો કે મારા ઉદરમાં તારો ગર્ભ ઉછરે. પણ, હાયરે નસીબ! હવે તો તારી યાદ પણ દિલમાં નથી રહી! ક્યારેક પાંપણના તીરે ઝળકી જરૂર ઊઠે છે તું! બસ, હવે અલવિદા. તારો એકવાર ફરીથી અવાજ સાંભળવો છે.

એક કામ કરજે. કાલ સવારે પાદર જજે. આપણે મળતાં હતાં એ ખીજડાની ઉત્તર દિશાએ તેતર બોલતા સંભળાય તો ઝટ ફોન જોડજે, નહીં તો ભવોભવના!

***

૩. એકરાર

મેં આજસુધી હંમેશા પત્નીને જ ચાહી છે, પરંતું આપને જોયા પછી આપના તરફ ઢળી જવાયું છે. ઈજાજત આપો તો આપનો પ્રેમ પામીને ધન્ય થઈ જાઉં???

અને એને ઉત્તર મળ્યો:" જે પત્નીનો ન થયો એ મારો શું થવાનો હતો?" એણે નકારમાં હોઠ મરડી ચાલતી પકડી.

"અરે માની જાઓ.." એણે બૂમ પાડી.

"ના, મારાથી એ હરગિજ નહી બને!"

"કોઈ સંજોગોમાં?"

"ના, હું મારા પતિને દગો ન આપી શકું!"

"ઓકે, તમારી આંખે હવે ક્યારેય નહીં ચડું!"

"તારી મરજી."

અને ત્રીજા દિવસે એ કુટણખાનેથી પકડાઈ!

***

૪.ગુનો

પણ એણે પ્રેમલગ્ન કર્યા એમાં વાંધો શું?

કેમ વળી? એણે સમાજના બંધનનું ઉલંઘન કર્યું છે!

બસ, એનો એટલો જ વાંક ને?

હાં..!

સમાજને એની એટલી પરવા હતી તોક્યાંક કો'કની છોકરી અપાવવી હતી ને?

એ માટે લાયક હોવું પડે!

વાહ! જબરો છે સમાજ હો! કોઈ કુંવારું ભટકે તો આબરું નથી જતી ને કોઈ પ્રેમ લગ્ન કરીને સંસાર માંડે ત્યારે આબરું જાય છે?

ગમે તે, એણે ગુનો કર્યો છે. સજા તો મળશે જ!

***

૫.વૈભવી

બાગમાં એક યુગલ હતું. સૂર્યાસ્તને જોઈ યુવતી બોલી:'અયાન, આવતા અઠવાડિયે મારા લગ્ન છે! આપણા પ્રણયને જીવંત રાખીને તુંય લગ્ન કરી લેજે!'

'લગ્ન'સાંભળીને અયાનના હોશકોશ ઉડ્યા.

'હવે,મારું કોણ?'

'અન્ય રસ્તો નથી!'

'કેમ?? તારા અફર વાયદાનું શું?'

'વાયદા નિભાવશું તો મોતને ભેટશું!'

'મારા અસ્તિત્વનું શું ! મારી હયાતીના અસ્તનો સમય પાકી ગયો છે!તારી ડોલી અને મારી અર્થી સાથે ઊઠશે!'

વૈભવી ગભરાઈ!' બકા,અયાન! માત્ર ત્રણ જ વર્ષના પ્રયણ સંબંધમાંથી વિખુટા પડવાથી તું બેહાલીમાં આવી કાયર વાતો ભલે કરતો કિન્તું એકવાર તારા માવતરનું વિચારજે, જેઓ ત્રેવીસ વર્ષથી તારા પર પ્રેમ વહાવી રહ્યા છે. તને મારો પ્રેમ વામણો લાગશે.

'માવતર' સાંભરતા જ પ્રેમિકાનું મન રાખવા જીવતર એમના ચરણે સમર્પિત કરી લીધું.

એક ગામમાં મંદિર બની રહ્યું હતું. એક ભાઈ બહું દિવસથી પોતાનું સઘળું છોડીને મંદિરના નિર્માણકાર્યમાં ઓતપ્રોત હતાં. એક દિવસ એ મંદિરને પગથિયે એ ભાઈનું એક બાળક ત્યાં આવી પહોચ્યું. બાળકે ચોફેર નજર ફેલવી. પછી પિતાજીને પૂછ્યું: "પાપા, આ શું બને છે?"

"બેટા, આ મંદિર બનાવીએ છીએ."

"કોના માટે?"

"ભગવાન માટે."

"હે પાપા! આ બધા કહે છે કે ભગવાને આ દુનીયા બનાવી, માણસો બનાવ્યા છે?:

"હા બેટા, એજ ભગવાન. તું બહું ડાહ્યો હો દીકરા!"

"પણ પાપા?"

"બોલ દિકરા." વચ્ચે જ પિતાએ પૂછ્યું.

"ભગવાનને મંદિરની શી જરુર?"

"કેમ બેટા? આપણે જેમ ઘરની જરૂર પડે છે એમ ભગવાનનેય ઘર જોઈએ ને!

"પણ પાપા, ભગવાને આખી દુનિયા બનાવી તો પોતાનું મંદિર કેમ બનાવી શકતા નથી? અને એ ક્યાં છે?"

પાપા ખામોશ બની બાળકની અબૂધતાને તાકી રહ્યાં.

***