નો રીટર્ન - ૨ - ભાગ-૩૩. Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન - ૨ - ભાગ-૩૩.

નો-રીટર્ન-૨

ભાગ-૩૩

( આગળ વાંચ્યુઃ- પ્રોફેસર એન્ડ પાર્ટી એક ગાઢ જંગલમાં જઇ પહોંચે છે... જ્યારે અનેરી અને પવન જોગી બ્રાઝિલની ટ્રેનમાં મુસાફરી કરતા રીઓ-ડી-જેનેરો જવા રવાના થાય છે... હવે આગળ...)

બ્રાઝિલ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશને અમે ઉતર્યા ત્યારે બપોરનાં લગભગ સાડા ત્રણનો સમય થયો હતો. અમારી ટ્રેનની સફર પણ ખરેખર આહલાદ્ક રહી હતી. મને કકડીને ભૂખ લાગી હતી એટલે સૌ પ્રથમ સ્ટેશનની સામે જ એક રેસ્ટોરાંમાં અમે ભરપેટ જમ્યાં. એ દરમ્યાન અનેરીએ ફરીથી ફોન કર્યો હતો. તેણે વાત કરી અને ફોન મુકયો.

“ તેઓ અહીં નજીકમાં જ છે. કોઇ “ સેન્ટો રીબેરો” નામની હોટલમાં આવવા તેમણે કહયું છે. ત્યાં રિસેપ્શન પર “ બ્લેક પેન્થર ” કહીશું એટલે ત્યાંનો સ્ટાફ આપણને તેમનાં સુધી પહોંચાડી દેશે એવું ફોનમાં જણાવ્યું છે...”

“ ઓ.કે. ધેન, લેટસ્ ગો...” બીલ ચુકવીને અમે બહાર નીકળ્યાં. ગુગલ મેપમાં સર્ચ કરીને મેં “ સેન્ટો રીબેરો ” નું લોકેશન મેળવી લીધું હતું. અહીંથી લગભગ અડધા કી.મી. નું વોકિંગ ડીસ્ટન્સ હતું એટલે પગપાળા જ અમે એ દિશામાં ચાલી નીકળ્યાં.

રીઓનાં રસ્તાઓ કંઇ ખાસ નહોતાં. આપણાં ભારતનાં કોઇપણ શહેરનાં રેલ્વે સ્ટેશનની બહાર જેવું ભીડભાડ વાળું વાતાવરણ હોય એવો જ નજારો અહીં દ્રશ્યમાન થતો હતો. સ્ટેશનની બહાર નીકળતા તુરંત એક ટુ-વે રસ્તો હતો. તેની બન્ને બાજુથી વાહનો આવ-જા કરતાં હતાં. રોડને સામે કાંઠે હારબંધ મકાનો હતાં. મકાનોની એ હારમાળામાં નીચે તરેહ-તરેહની ચીજો વેચતી દુકાનો હતી. મને એ જોઇને આશ્વર્ય થયું કે તમામ મકાનોમાંથી મોટાભાગનાં મકાનોની છત વિલાયતી લાલ રંગનાં નળીયાથી મઢેલી હતી. રીઓ જેવા ફેમસ શહેરમાં મેં આવા સાદા મકાનો જોવાની આશા રાખી નહોતી. ઉપરાંત અહીં બીજી પણ એક અજાયબી અમે જોઇ. સ્ટેશનમાંથી બહાર નીકળતા ડાબા હાથે ચાર રસ્તા પડતા હતાં. એ ચાર રસ્તાનાં આ તરફનાં કોર્નર ઉપર બે મજલા ઇમારત હતી. એ ઇમારત “ ગંડોલા” રાઇડની ટીકીટ લેવાનું મથક હતી. મતલબ કે શહેરની બરાબર વચ્ચોવચ જેને આપણે રોપ-વે કહીએ છીએ એવી રોપ-વે ની લાઇન બિછાવેલી હતી, જે સીધી જ સામે....દુર દેખાતા એક પહાડની ટોચે જઇને અટકતી હતી. મને ખબર નહોતી કે ત્યાં પહાડ ઉપર શું હશે. પરંતુ “ ગંડોલા ” લાઇન શહેરની મધ્યમાં હોવી એ અચરજભર્યું હતુ. ખેર... અમે લોકેશન મુજબ આગળ ચાલ્યાં. પીળા રંગે રંગાયેલી ટેક્ષીઓ અમારી નજરો સામેથી પસાર થતી હતી પરંતુ અમારે વધુ દુર જવાનું નહોતું એટલે અમે ચાલતાં જ આગળ વધ્યાં. હું સૌથી આગળ ચાલતો હતો. અનેરી અને વિનીત કંઇક વાતો કરતા પાછળ આવતાં હતાં. મેપ પ્રમાણે ચાર રસ્તા વટાવી હું જમણી બાજુ વળ્યો. રીઓ શહેરની ગલીઓ, મકાનો, દુકાનો ઉપર નજર નાંખતો અને મનોમન આ જગ્યાની નોંધ લેતો હું આગળ વધતો હતો. ખરેખર મને આશ્વર્ય થતું હતું કે હું રીઓની બજારમાં શું કરી રહયો છું....? ફક્ત એક સ્વપ્ન અને બીજી અનેરી.... આ બે નો પીછો કરતો હું કયાં પહોંચી ગયો હતો. સ્વપ્ન તો ઠીક છે પરંતુ અનેરી મને મળશે કે નહીં એ પણ હું જાણતો નહોતો. શું આ કોઇ મુર્ખામી ભર્યુ પગલું તો નથીને...? ભારે અટપટા વિચારોમાં ખોવાયેલો હું સાવ અચાનક જ, એકાએક બજાર વચાળે ઉભો રહી ગયો. સહસા મારી નજરોને કશુંક ખટકયું હતું. મારી આંખોએ કંઇક ભાળ્યું હતું. એ શું હતું તે મનમાં ચાલતાં વિચારોનાં શંભુમેળાને લીધે તુરંત સમજાયું નહી પરંતુ મારા પગ અચાનક થંભી ગયાં હતાં.

ફુટપાથ ઉપર લોકોનો ભારે ઘસારો હતો. એકાએક કોઇ અજનબીને ફુટપાથ વચ્ચે ઉભો રહી ગયેલો જોઇ મારી પાછળ ચાલતા લોકો કંઇક અજીબ નજરે મને નીહાળતાં હતાં. મારા ચહેરા ઉપર છવાયેલાં ભાવ જોઇ તેમને કદાચ હું કોઇ ગાંડો અથવા ધુની વ્યક્તિ લાગતો હોઇશ. પણ એવું નહોતું....! બેધ્યાન પણે મારી આંખોએ કશુંક જોયું હતું. એવું કશુંક જે આજ પહેલાં પણ મેં ક્યાંક જોયું હતું. અને એટલે જ હું અટકયો હતો.

હું જ્યાં ઉભો હતો એ ફુટપાથની સામેની બાજુ... રોડની પેલે પાર એક ભવ્ય ઇમારત દેખાતી હતી. ઇમારતની બાંધણી જોતાં લાગતું હતું કે એ કોઇ સરકારી અસ્કયામત હશે. કોઇ સરકારી કચેરી કે પછી લાઇબ્રેરી કે વહીવટી ભવન...એવું કંઇક. પણ મારા આશ્વર્યનું કારણ એ ઇમારત નહોતી. એ ઇમારતનાં મથાળે જે લખ્યું હતું એ શબ્દો એકાએક મારા ધ્યાનમાં આવ્યાં હતાં. એ શબ્દો વાંચીને મને આશ્વર્ય ઉદ્દભવ્યું હતું. એ શબ્દો મે આ પહેલાં પણ કયાંક વાંચ્યા હતા.. બહું ધ્યાનપૂર્વક વાંચ્યા હતાં...!

બરાબર એ સમય દરમ્યાન વિનીત અને અનેરી મારી પાછળ આવીને ઉભા રહી ગયા હતા.

“ પવન... કેમ ઉભો રહી ગયો...? ” અનેરી પણ અજીબ હતી. ઘડીક મને “તું ” અને ઘડીક “તમે” કહીને બોલાવતી હતી.

“ આ સામે દેખાય છે એ ઇમારત જો...” મેં આંગળી ચીંધી. તે બંનેએ નજર ઘુમાવીને એ તરફ જોયુ.. અનેરીનાં ચહેરાં ઉપર અસમંજનાં ભાવ પથરાયાં. તેને સમજાયું નહીં કે હું શું બતાવવા માંગું છું.

“ શું છે એ ઇમારતમાં...?” તેણે અચરજથી પુછયું.

“ એ ઇમારત પહેલાં પણ કયાંક જોઇ હોય એવું મને લાગે છે...” મેં કહયું. અનેરી હસી.

“ તું આ પહેલાં કયારેય બ્રાઝિલ આવ્યો છે...?”

“ નહીં...”

“ તો સ્વપ્નમાં જોઇ હશે...!” તેણે મજાક કરી.

“ બાય ગોડ પ્રોમીસ પણ હું સાચું કહું છું. ખરેખર આ ઇમારત હાલમાં જ કયાંક જોઇ હોય એવું મને લાગે છે...”

“ અચ્છા...!” અનેરીએ ઉદ્દગાર કાઢયો અને ફરીથી એ તરફ તેની નજર ફેરવી. “ આ તો પુરાતત્વ ખાતાનું કોઇ મ્યુઝિયમ હોય એવું લાગે છે...!” તે બોલી. અને... પછી એકાએક જ તેનાં ચહેરાની રંગત ફરી. તેની આંખોમાં દુનિયાભરનું વિસ્મય ઉમટયુ.. આશ્વર્યથી તેનું મોં ખુલ્યું. “ ઓહ ગોડ પવન, યુ આર રાઇટ...! ” એકાએક તે રોડની વચ્ચે જ, હર્ષની ચીચીયારીઓ પાડતી કુદવા લાગી. “ પવન... યુ આર અ જેમ...! ટ્રુલી ફેબ્યુલસ...!” કોઇ નાના છોકરાની જેમ તે ઉછળતી-કુદતી હતી. ત્યાંથી પસાર થતાં રાહદારીઓ કંઇક શંકાભરી નજરે અમારી તરફ જોતાં હતાં. તેમને લાગતું હશે કે કોઇ પાગલ પ્રવાસીઓનું ગ્રુપ ફરવા નીકળી પડયું છે. હું પણ અનેરીની એ ચેષ્ટા જોઇને ખાસીયાણો પડી ગયો હતો.

“ અનેરી સ્ટોપ... સ્ટોપ...! આમ રોડ વચ્ચે કુદકા મારવાનું બંધ કર. આખરે એવું તો શું છે એ બિલ્ડંગમાં કે તું આમ એકાએક ઉત્સાહમાં આવી ગઇ...?”

“ પવન, તને હજુ યાદ નથી આવતું...?” તેણે પહેલી ભર્યો સવાલ પુંછયો, અને પછી જવાબ પણ તેણે જ આપી દીધો. “ અરે પેલા ફોટાઓ...! મારી પાસે છે એ ફોટાઓમાં આ જ ઇમારત છે. ઇન્દ્રગઢની લાઇબ્રેરીમાંથી જે કેમેરો મળ્યો તેમાં આ ઇમારતનાં જ ફોટાઓ હતાં ને...! તને કેમ યાદ નથી આવતું..? ”

“ હેં...!” મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. મેં આંખો પહોળી કરીને ફરીથી એ ઇમારતને ધ્યાનથી જોઇ. કયારનો હું યાદ કરવાની કોશિષ કરતો હતો પરંતુ અલપ-ઝલપ જોયેલા એ ફોટાઓને કારણે મને સ્ષ્ટ રીતે કશું યાદ આવતું નહોતું. અનેરીએ કહયું ત્યારે સમજાયું કે આ ઇમારત આજ પહેલાં મેં એ ફોટાઓમાં જોઇ હતી. અનેરીએ જે ફોટા અમદાવાદમાં ડેવલપ કરાવ્યાં હતાં તેમાનાં એક ફોટામાં આ જ ઇમારત દ્રશ્યમાન થતી હતી.

સાચું કહું તો, અનાયાસે જ અમારા હાથમાં એક જેકપોટ આવ્યો હતો. કમ સે કમ અત્યારે તો મને એવું જ લાગતું હતું કે ફોટઓ વીશે કંઇક તો અમને જાણવા મળ્યું.

“ તેનાં મથાળે શું લખ્યું છે..? “

“ તું જ વાંચ ને...જો નીચે અંગ્રેજીમાં પણ લખ્યું જ છે.” અનેરી બોલી. તેની વાત સાચી હતી. બિલ્ડીંગનાં મથાળે પોર્ટુગીઝ ભાષામાં મોટા અક્ષરે કંઇક લખ્યું હતું એનો તરજુમો તેની નીચે ખૂબ નાના અક્ષરોમાં અંગ્રેજીમાં પણ લખ્યો હતો.

“ બ્રાઝિલ નેશનલ લાઇબ્રેરી કમ મ્યુઝિયમ..” મેં વાંચ્યુ.

“ ચાલ, અંદર જઇએ.” અચાનક જ અનેરીએ મારો હાથ પકડયો અને રસ્તો ઓળંગવા લાગી. વિનીત અમારા પાછળ દોરાયો.

“ પણ... આપણે પહેલાં તારા દાદાને છોડાવવા જોઇએ. એ કામ અગત્યનું છે.” રસ્તો ઓળંગીને અમે સામેની ફુટપાથ ઉપર આવ્યા હતાં. મેં અનેરીને રોકીને કહયું હતું.

“ જાણું છું...” તેણે આંખો ઝીણી કરીને મને તાકયો. “ પરંતુ મને તારી કહેલી વાત હજુંય યાદ છે.”

“ શું કહયું હતું મેં...? ” મને કશું યાદ આવ્યું નહી કે અનેરીને મેં શું કહયું હતું.

“ એ જ કે તારા દાદાને એ લોકો એમ જ થોડા છોડી દેશે...! આ ફોટઓ તેમને આપ્યા પછી પણ દાદાનો જીવ સલામત રહેશે કે નહીં તેની શું ખાતરી...? એવું તે મને પુંછયું હતું....!”

“ ઓહ યસ, પણ તેનું અત્યારે શું છે...? ભાગ્યે જ કોઇ અપહરણકાર તેની “ડીલ” ફાઇનલ થયા બાદ કોઇ અપહ્યત વ્યક્તિને જીવતો રહેવા દેતો હોય છે...” કહેતા મને થોડું દુઃખ થયું પણ આખરે મારા મનમાં જે શંકા હતી એ મેં અનેરી સમક્ષ વ્યક્ત કરી દીધી. આ વાત હું પહેલાં પણ કહેવા માંગતો હતો અને અનેરી પણ સારી રીતે સમજતી હતી કે તેનાં દાદા સાથે શું બની શકે છે. છતાં એક અજરા-અમર આશા હતી કે તેનાં દાદા સલામત પાછા આવશે.

“ દાદાની સલામતીની ખાતરી કરવા જ આપણે અંદર જઇએ છીએ. આ બિલ્ડીંગ સ્વરૂપે આપણને એક કડી હાથ લાગી છે, કદાચ એવું બને કે અંદર બીજું કંઇક પણ જડી આવે. એ લોકો આ ફોટાઓ પાછળ છે, મતલબ કે ફોટાઓમાં જે ચિત્રો છે એ બહું અગત્યનાં હશે જ. તને સમજાય છે ને મારી વાત...!” તેણે પુંછયું.

અનેરી જે અનુમાન કરતી હતી એ મને બરાબર સમજાતું હતું. ફોટાઓ અગત્યનાં છે તો તેમાં દેખાતી ચીજો પણ અગત્યની હોવી જોઇએ. મતલબ કે આ ઇમારત પણ અગત્યની છે.

“ ચાલ અંદર જઇએ...!” મેં કહયું અને અમે ઇમારત તરફ ચાલ્યાં.

@@@@@@@@@@

બ્રાઝિલ નેશનલ મ્યુઝિયમની બિલ્ડિંગ ભવ્ય હતી. મુખ્ય રસ્તાની કિનારીએથી મ્યુઝિયમ સુધી જવાની એક પહોળી પગદંડી હતી. એ પગદંડીની બંને તરફ લીલાછમ ઘાસની લોન બીછાવેલી નજરે ચડતી હતી. એ લોનમાં એક સીધી લાઇનમાં ઘટાદાર વૃક્ષો ઉભેલા હતાં. એ વૃક્ષોનાં છાંયામાં લોકોને બેસવા માટે બાંકડા મૂકાયા હતાં. અમે હરિયાળી લોન વટાવીને મુખ્ય ઇમારત નજીક આવ્યાં. જુનાં જમાનાનાં રજવાડી યુગની શાખ પુરતી, આછા ક્રિમ રંગે રંગાયેલી મ્યુઝિયમની એ બે મઝલા ઇમારત વિશાળ જગ્યામાં પથરાયેલી હતી. પ્રવેશદ્વાર ઉપર એન્ટ્રી કરાવીને અમે અંદર, સીધાં એક મોટા હોલમાં પ્રવેશ્યાં. મ્યુઝિયમ અહીંથી જ શરૂ થઇ જતું હતું. હોલમાં તરેહ-તરેહનાં કલ્પચર વ્યવસ્થિત રીતે કાચની પેટીઓમાં સચવાયેલા નજરે પડતાં હતાં. જો બીજો કોઇ સમય હોત તો મને આ બધુ જોવામાં ખરેખર મજા પડી હોત, પરંતુ અત્યારે અમારી પાસે સમય નહોતો. અમારે ઝડપથી બધું જોઇ લેવાનું હતું. અમે અહીં શેની શોધમાં આવ્યા છીએ એ પણ અમને પણ નહોતી ખબર, છતાં મનમાં એક આશા જન્મી હતી કે અહીંથી જરૂર કોઇ સુરાગ મળશે જે અમને આગળની દિશા ચિંધાડશે.

મુખ્ય હોલ બહું જલદી જોવાઇ ગયો એટલે તેનો એક ચકરાવો લઇને અમે ઉપર જવાના દાદર નજીક પહોંચ્યા. અહીથી પહેલાં મજલે જવાતું હતું. સૌથી પહેલાં અનેરી દાદર ચઢી. તેની પાછળ વિનીત પણ પગથિયા ચડતો ઉપર તરફ ગયો. હું થોડો પાછળ રહી ગયો હતો. તેનું કારણ એ હતું કે હું બધી ચીજોને ધ્યાન પૂર્વક જોતો મનોમન નોંધ કરતો આવતો હતો. હું પણ એ દાદર સુધી આવ્યો અને પગથિયા ચઢવા લાગ્યો. ઉપર જતો એ દાદર ગોળ હતો. મતલબ કે, દાદરનાં પગથિયા ગોળાકારમાં ચકરાવો લેતાં ઉપર તરફ પહોંચતા હતાં. હું હજું બે-ત્રણ પગથિયા જ ચઢયો હોઇશ કે મારી નજર નીચે ફર્શ તરફ... દાદરનાં ગોળકારમાં ખાલી છુટતી જગ્યામાં મુકાયેલા એક કાચનાં બોક્ષ તરફ ખેંચાઇ. આખા હોલમાં મેં લગભગ બધું જ જોઇ નાંખ્યું હતું. બસ, ફક્ત આ એક બોક્ષ જ જોવાનું ચૂકાઇ ગયું હતું. ઉપર જવાનું માંડી વાળીને હું નીચે ઉતર્યો અને સિમેન્ટનાં બનેલા ઉંચા પિલ્લર ઉપર મુકાયેલા એ કાચનાં બોક્ષ પાસે જઇને ઉભો રહયો. એ બોક્ષ ઉપર તેની બાજુની દિવાલમાં ખોડેલા પીળા બલ્બનો આછો પ્રકાશ પથરાતો હતો. બલ્બનાં પીળા પ્રકાશમાં મને કાચની પેટીની અંદર સાચવીને રખાયેલો એક બહુ જ જર્જરીત કાગળ નજરે ચઢયો. મેં ધ્યાનથી એ કાગળને જોયો અને, એકાએક જ મારી આંખો ચમકી ઉઠી. જે “ કશુંક” શોધવા અમે મ્યુઝિયમમાં દાખલ થયાં હતાં એ “ કશુંક” આ જર્જરીત દસ્તાવેજ જ હતો. અદ્દલ એવો જ દસ્તાવેજ મેં અનેરી પાસે હતાં એ ફોટઓમાં જોયો હતો. મારા ઉત્હાસનો પાર ન રહયો. મારા હદયમાં આનંદની સરવાણી વહેવા લાગી. અનાયાસે જ મારા ચહેરા ઉપર હાસ્ય છવાયું. એ દસ્તાવેજ તરફ નજર રાખીને જ આનંદનાં અતિરેકમાં મેં અનેરીનાં નામની બુમ પાડી.

અનેરી ઉપર, પહેલા માળનાં ગોળાર્ધ સુધી પહોંચી ચુકી હતી. મારો અવાજ સાંભળી તેણે દાદરનાં કઠેડા ઉપરથી ઝળુંબીને નીચે જોયું.

“ શું છે...? ” તેણે હાંક મારી.

“ નીચે આવ. આ જો, તને કંઇક બતાવું ...” ગોળાકાર દાદરનાં કારણે હું તેને ઝળુંબતી તો જોઇ શકતો હતો પણ તેનો ચહેરો સ્પષ્ટપણે મને દેખાતો નહોતો..

“ શું છે વળી...!” તે બોલી અને દાદર ઉતરવા લાગી. વિનીત તેની પાછળ- પાછળ દાદર ચઢયો હતો. તેને પણ અચરજ થયું હતું અને તે પણ દાદર ઉતર્યો હતો. તે બન્ને નીચે આવીને મારી બાજુમાં ઉભા રહી ગયાં.

“આ દસ્તાવેજ જો...!” મેં અનેરીને કાચની પેટીમાં સચવાયેલો કાગળ બતાવતાં કહયું. “ તારી પાસે જે ફોટાઓ છે એમાં સેમ-ટુ-સેમ આ દસ્તાવેજનો પણ એક ફોટો છે.” અનેરી એ પેટી નજીક સરકી. તેણે એ નીચા ઝુકીને ધ્યાન પૂર્વક એ દસ્તાવેજને નિહાળ્યો. તેની ભૂખરી આંખોમાં ચમક ઉભરી.

“ ઓહ યસ...” આનંદ મિશ્રિત ઉદ્દગાર તેનાં મોંમાંથી નીકળ્યો. ઉત્સાહનાં અતીરેકમાં પાછળ હટીને તે મારી નજીક આવી અને મારા ખભે હાથ મુકયો. તે અપલક નજરે દ્રષ્ટીથી એ દસ્તાવેજને જોઇ રહી હતી.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો. બની શકે તો કોમેન્ટ પણ કરજો.

તમારો પ્રેમ અને પ્રતિભાવ બન્ને મારા માટે અગત્યનાં છે.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા કહેજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો લેખકને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ વોટ્સએપ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 3 અઠવાડિયા પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા

Yakshita Patel

Yakshita Patel માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Jayshree Thaker

Jayshree Thaker 2 વર્ષ પહેલા

Asha Dave

Asha Dave 2 વર્ષ પહેલા