Danak - 20 books and stories free download online pdf in Gujarati

ડણક ૨૦

ડણક

A Story Of Revenge.

ભાગ:20

( સેજલ ની મોત નો બદલો લેવા કાનો પોતાનાં સાથીદારો સાથે નીકળી પડે છે સાવજ નો શિકાર કરવા.. વિજય નામનો એક ફોરેસ્ટ ઓફિસર પણ એમની સાથે જોડાય છે. પોતાનાં સિદી દોસ્તો ની મદદ થી કાનો આગળ વધે છે.. રાતે એક જગ્યાએ નિરો પર દિપડાં દ્વારા હુમલો થાય છે પણ સમયસુચકતા વાપરી વિજય એને બચાવી લે છે.. કૂતરાં નાં ટોળાં થી બચીને કાનો અને એનાં મિત્રો નદી ઓળંગે છે ત્યારે મગરો દ્વારા અકુ ને મારી નાંખવામાં આવે છે.. આગળ એક ઝરણાં જોડે રાતવાસો કર્યા પછી સવારે સ્નાન કરતી વખતે ગાભુ ને સાપ કરડી જાય છે.. હવે વાંચો આગળ.. )

"જુમન તને કઈ રીતે ખબર કે ગાભુ ને સાપ જ કરડ્યો છે.. અને એવું પણ હોય કે એ સાપ હોય પણ એમાં ઝેર ના હોય.. મતલબ કે બીનઝેરી હોય.. "વિરજી એ જુમન તરફ જોઈને પૂછ્યું.

"વિરજી ભાઈ ત્યાં જોવો.. હજુપણ એ ખડચિતળિયો પથ્થર પર પડ્યો છે.. "ઝરણાં જોડે રહેલાં પથ્થર પર પડેલાં ટપકાં વાળા સાપ તરફ આંગળી કરીને જુમન બોલ્યો.

(ખડચિતળિયો જેને હિન્દીમાં દબૌયા અને અંગ્રેજી માં વાઈપર તરીકે ઓળખવામાં આવે છે.. આ સાપ ની પ્રજાતી સમગ્ર ભારતમાં બધે જોવા મળે છે.. આ સાપ નો રંગ એવો છે કે એ સહેલાઈથી છુપાઈ શકે છે.. ઉંદર અને નાનાં પક્ષીઓ એનો મુખ્ય ખોરાક છે.. ઘણીવાર શિકાર ની શોધમાં એ માનવ વસ્તીમાં આવી પહોંચે છે.. દુનિયામાં બીજાં સાપો ની તુલનામાં વાઈપર દ્વારા સૌથી વધુ લોકો મૃત્યુ પામે છે.. આ સાપ નું ઝહેર તમારાં લોહી નાં ઉત્સેચકો પર અસર કરી ને માણસ ને બહુ ઝડપી મારી નાંખે છે.. )

"ખડચિતળિયો જો કરડ્યો હશે તો ગાભુ જોડે હવે વધુ સમય નથી.. આ જંગલમાં ઝરે વિરોધી રસી પણ મળવી શક્ય નથી.. "ચિંતિત સુરે વિજય બોલ્યો.

જુમને બધાં નાં ચહેરા તરફ જોયું અને તરત જ એક કપડું લઈ ગાભુ નાં પગ પર ફટાફટ બાંધી દીધું.. અને નિરો ની તરફ જોઈને મોટેથી કહ્યું.

"નિરો જા અને આજુબાજુ ક્યાંય પેલી સાપ નું ઝેર ઉતારવાની જડીબુટ્ટી મળે તો લેતો આવ.. ત્યાં સુધી હું ઝેર ચૂસીને બહાર નિકાળવાનો પ્રયત્ન કરી જોઉં.. "

જુમન નો આદેશ મળતાં જ નિરો ઝડપથી દોડીને આજુબાજુ નજર કરી કંઈક શોધખોળ કરવા લાગ્યો.. જુમને નીચા નમી ગાભુ ને જે ભાગમાં સાપ કરડ્યો હતો ત્યાં પોતાનું મોઢું રાખ્યું અને ઝેર ખેંચીને કાઢવાનું શરૂ કર્યું.. ચાર પાંચ વાર ગાભુ નાં પગમાંથી ઝેર ચૂસવાની અને પછી થૂંકી દેવાની પ્રક્રિયા કરી જુમન બોલ્યો.

"મોટાભાગ નું ઝેર તો નીકળી ગયું છે.. તો પણ થોડીઘણી અસર તો જરૂર વર્તાશે.. "

થોડીવાર માં તો નિરો પોતાનાં હાથમાં લીલાં અને રતાશ પડતાં છોડ નાં પાંદડાં લઈને પહોંચી ગયો.. જુમને એનાં હાથમાંથી એ પાંદડા લઈ લીધાં અને મસળીને એમાંથી રસ કાઢ્યો અને સાપ કરડ્યો હતો એ જગ્યાએ થોડાં ટીપાં પાડ્યાં.. પછી વધેલાં પાંદડાના કુચા ને સર્પદંશ ની જગા એ મૂકી એક કપડું બાંધી દીધું.

"આ અત્રીલાલ અને સાહસમુરિયા નાં છોડ નાં પાન હતાં.. એમનાં માં સાપ નું ઝેર કાપવાની કુદરતી શક્તિ છે.. આનાંથી ગાભુ નો જીવ બચી જશે.. "જુમને કહ્યું.

"જુમન તારો ખૂબ ખૂબ આભાર.. તે પોતાનાં જીવ ની પ્રવાહ કર્યાં વગર ગાભુ નો જીવ બચાવી લીધો.. "કાના એ ગાભુ ને ગળે લગાડીને કહ્યું.

"ભાઈ હવે આતો મારી ફરજ હતી.. અને આ બધું તો અમને જન્મજાત આવડે છે.. એટલે મારાં માટે આ બધું સરળ હતું.છતાંપણ ગાભુ ને સર્પદંશ ની થોડી ઘણી અસર તો થવાની.. "જુમને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"મતલબ.. કંઈ ખબર ના પડી.. ?"વિરજી એ પૂછ્યું.

"મતલબ કે ગાભુ નાં શરીરમાં જે થોડું ઘણું ઝેર ગયું છે એ વહેલું મોડું એનાં જીવ પર જોખમ કરી શકે છે.. "વિરજી ની વાત નો જવાબ આપતાં વિજય બોલ્યો.

"તો એનો કોઈ ઉપાય નથી.. ?"ગાભુ એ પૂછ્યું.. એને પોતે બચી જવાની ખુશી હતી પણ વિજય ની વાત સાંભળી થોડો ઘણો ડર પેદા થયો.

"હા, ઉપાય છે.. પણ એ માટે ગાભુ ને અહીં થી ઉત્તર પૂર્વ દિશામાં આવેલ ફોરેસ્ટ ઓફિસે લઈ જવો પડશે.. ત્યાં એન્ટી વેનમ હશે.. મતલબ કે ઝેરવીરોધી રસી એટલે એનાં થી ગાભુ બચી જશે.. "વિજયે કહ્યું.

"તો ચાલો આપણે ગાભુ ને લઈને ત્યાં જઈએ.. "કાનો બોલ્યો.

"કાના ગાભુ ને ત્યાં પહોંચતા અડધો દિવસ થી પણ વધુ સમય લાગી જશે.. જો આપણે ત્યાં ગયાં તો આપણો સમય બગડશે અને પછી એ સાવજ નું આપણાં હાથમાં આવવું મુશ્કેલ બની જશે.. માટે એનાં કરતાં એવું કરીએ કોઈ એક વ્યક્તિ ગાભુ ને લઈને ત્યાં જંગલ ખાતા ની ચોકી એ પહોંચે.. "વિજયે થોડું વિચારીને કહ્યું.

"હા.. આમ તો તારી વાત સાચી છે.. પણ કોણ જશે ગાભુ જોડે.. ?"વિરજી એ પૂછ્યું.

"હું જઈશ.. ગાભુ ની જોડે.. "નિરો એ કહ્યું.

"નિરો.. તું શું બોલી રહ્યો છે.. હજુ તો તારાં હાથ પર નો ઘા રિઝાયો નથી અને તું કહે છે તું ગાભુ ને લઈને એટલે દૂર સુધી જઈશ.. ?"વિરજી એ નિરો ની વાત પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"મને હવે સારું છે.. અને કોઈને તો જવું જ પડશે ગાભુભાઈને લઈને.. તો હું જાઉં એમાં ખોટું શું છે.. ?"નિરો એ સામો સવાલ કર્યો જેનો કોઈ જોડે ઉત્તર નહોતો એટલે બધાં એ એને ગાભુ ને લઈને ચોકી સુધી જવાની મુક સહમતિ આપી દીધી.વિજયે પોતાની જોડે રહેલો નકશો પણ નિરો ને આપ્યો જેથી એને ચોકી સુધી પહોંચવામાં મુશ્કેલી ના રહે.

હજુ ગાભુ ચાલવા સક્ષમ હતો એટલે નિરો એ પાણી ની એક બોટલ ભરી અને ગાભુ નો હાથ પકડી જે દિશામાં ચોકી હતી એ તરફ જવા માટે ઝડપથી ચાલવા માંડ્યા.. એક પછી એક આવતી અફતોમાંથી બહાર આવીને કાનો, વિજય, વિરજી અને જુમન સિંહ ની ડણક નો અવાજ જે દિશામાંથી આવતો હતો એ તરફ નીકળી પડ્યાં.. !!

***

"કાના હવે તો આપણી સફર નો અંત નજીક છે.. આપણી મંજીલ અને આપણાં વચ્ચે માંડ એકાદ દી નું અંતર છે.. "વિજયે હસીને કાના ની તરફ જોતાં કહ્યું.

"હા હવે બસ એ પળ ની રાહ જોઈ રહ્યો છું જ્યારે એ હત્યારો સાવજ મારી નજરો ની સામે હોય અને હું એને મારીને મારી પત્ની અને બીજાં માસુમ લોકો ની મોત નો બદલો લઈ લઉં.. "કાનો ઉશ્કેરાઈને બોલ્યો.

"હા કાના એ સમય પણ ઝટ આવી જશે.. દ્વારકાધીશ અહીં સુધી લાવ્યો છે તો આગળનું પણ ધારેલું એજ પૂરું પાડશે.. "વિરજી ને ચાલતાં ચાલતાં કાના ને ખભે હાથ મૂકી કહ્યું.

"પણ આ સાથે મને ગાભુ ની ચિંતા છે.. રખેને એને કાંઈ થઈ ગયું તો હું એની પત્ની રેખા ને શું જવાબ આપીશ.. "આટલું બોલતાં કાનો થોડો ઢીલો પડી ગયો.

"કાના ભાઈ.. ચંત્યા ના કરો.. બધું સારાં વાલા થઈ જાશે.. બસ ઉપરવાળા પર ભરોસો રાખો.. "જુમને કહ્યું.

"હા ભાઈ હવે તો એનો જ આશરો અને એનો જ આધાર છે.. "કાના એ આટલું કહ્યું ત્યાં સિંહ ની ત્રાડ સંભળાઈ.. જે એ વાત ની સાબિતી પૂરું પાડતું હતું કે એ લોકો સાચે રસ્તે હતાં.. સાવજ ની ડણક સંભળાતા જ એ લોકો વધુ ઝડપે હાલી નીકળ્યાં.. !!

આગળ નો રસ્તો થોડો પથરાળ જરૂર હતો પણ એકંદરે સીધો હતો.. થોડાં ઘણાં ઝાડવાં અને ઝાડીઓ થી આખો રસ્તો લીલોછમ હતો.. વર્ષા ઋતુ એ જાણે સમગ્ર જંગલ ને લીલી ચાદર ઓઢાડી હોય એવું સુંદર નયનરમ્ય દ્રશ્ય ઠેર ઠેર આંખે ઉડીને વળગતું હતું.. આખે રસ્તે પક્ષીઓનાં કર્ણપ્રિય અવાજો પણ કાને અફળાતા હતાં.. મક્કમ ગતિએ કાનો અને એનાં સાથીદારો હવે સાવજ ની વધુ ને વધુ નજીક પહોંચી રહ્યાં હતાં.

આ તરફ ગાભુ અને નિરો પણ વિજયનાં જણાવ્યા મુજબ બહુ ઝડપથી આગળ વધી રહ્યાં હતાં.. ચોકી થી હવે ત્રણેક કિલોમીટર જેટલું અંતર બાકી હતું ત્યારે ગાભુ પર સાપ નાં ઝેર ની અસર થવા લાગી.. એની આંખો હવે ચકરાવા લાગી હતી.. શ્વાસોશ્વાસ ઉપરનીચે થવા લાગ્યાં.. ધડકનો મંદ પડવા લાગી.. અને એ ચક્કર ખાઈને હેઠે પડી ગયો.

"ગાભુ ભાઈ.. ગાભુ ભાઈ.. શું થયું.. ?" ગાભુ ને નીચે પડેલો જોઈ નિરો એ મોટેથી સાદ દઈને ગાભુ ને કહ્યું.. પણ ગાભુ એનાં સવાલ નો ઉત્તર આપી શકે એવી સ્થિતિમાં નહોતો.. ગાભુ એ પ્રયત્ન કર્યો પણ એનું મોં ખુલી ના શક્યું.

"ગાભુ ભાઈ.. તમે ચિંતા ના કરશો.. .હું ગમે તે કરીને તમને ચોકી સુધી પહોંચાડીશ.. બસ તમે આંખો ખુલ્લી રાખજો.. "એટલું કહી નિરો એ ગાભુ ને પોતાનાં ખભે લીધો અને જેમ વિક્રમ રાજા વેતાળ ને ઉપાડીને જાય એમ નિરો એ ગાભુ ને ઉપાડી લીધો અને એક કપડું લઈને ગાભુ ની પીઠ પરથી પોતાનાં પેટ પર બાંધી દીધું.. ત્યારબાદ રીતસર નો દોડીને નિરો ચોકી ની દિશામાં આગળ વધ્યો.

ધીરે ધીરે સૂરજદાદા અસ્ત થવાંની તૈયારીમાં હતાં.. એટલે ગમે તે કરી રાત પડ્યાં પહેલાં ચોકી એ પહોંચવું જરૂરી હતું.. કેમકે મોડું થયું તો ગાભુ નું બચવું અશક્ય હતું એ વાત એ સમજતો હતો.એટલે જ નિરો પોતાની બધી તાકાત એકઠી કરીને દોડી રહ્યો હતો.

એક ઢોળાવવાળો ભાગ ચડતાં જ નિરો એ જોયું તો સામે જ વિજયે કહેલી ચોકી હતી.. ત્યાં આવતાં પ્રકાશ પરથી નિરો એ સમજી ગયો હતો કે ત્યાં કોઈક તો અત્યારે ચોક્કસ હાજર છે.. બસ હવે દસેક મિનિટ માં એ ત્યાં પહોંચી જશે એમ વિચારી એને હરખમાં ગાભુ ને ઉદ્દેશીને કહ્યું.

"ગાભુભાઈ આપણે પહોંચી ગયાં.. જોવો સામે ચોકી દેખાય છે.. "

પોતાની વાત નો ગાભુ દ્વારા કોઈ પ્રત્યુત્તર ના મળતાં નિરો ની ચિંતા બેવડાઈ ગઈ અને એને પેટ પર બાંધેલી કપડાંની ગાંઠ ખોલી અને ગાભુ ને નીચે ઉતારી જમીન પર સુવડાવ્યો.. ગાભુ ની નાડી પકડી નિરો એ તપાસી જોયું કે ગાભુ જીવિત છે કે મૃત.. પણ એનાં માટે રાહત ની વાત એ હતી કે ગાભુ નું હૃદય ચાલતું તો હતું પણ બહુ જ ધીમું.. હવે એ થોડાં સમયનો મહેમાન છે એ નક્કી હતું.

"હું કંઈ નહીં થવા દઉં.. ગાભુભાઈ ને.. "આટલું કહી નિરો ને ગાભુ ને પોતાનાં મજબૂત અને કસાયેલાં હાથ ની તાકાત વડે ખોળામાં ઊંચકી લીધો અને દોડતો દોડતો ચોકી ની તરફ આગળ વધ્યો.

***

નિરો તો પોતાની મંજીલ થી થોડાંક જ પગલાં દૂર હતો.. પણ કાનો પોતાનાં સાથીદારો સાથે ક્યાં રોકાશે એનું નક્કી નહોતું.. એ લોકો ઘણે દૂર સુધી જંગલમાં ઊંડે સુધી આવી ગયાં હતાં.. અચાનક જુમને કંઈક જોયું એટલે જોરથી બોલ્યો..

"ભાઈઓ સિંહ આટલામાં જ છે.. એની મોજુદગી રૂપે એને ખાધેલી નીલગાયનો વધેલો મૃતદેહ સામે પડ્યો છે.. "

જુમન ની વાત સાંભળી બધાં સાવધ થઈ ગયાં.. અને ધીરા ડગલે એ તરફ આગળ વધ્યાં.. નજીક જઈને જોયું તો આ મૃતદેહ તાજો જ હતો મતલબ કે એનું મારણ કરે ઝાઝો સમય થયો નહોતો.. એ પરથી પુરવાર થતું હતું કે એ સાવજ આટલામાં જ ક્યાંક હશે.

"વિજય ભાઈ આપણી મંજીલ આવી ગઈ.. આપણે સાવજ ની રહેવાની જગ્યા શોધી કાઢી.. "કાના એ કહ્યું.

"હા પણ લાગતું નથી એ સાવજ અહીં હોય.. કેમકે બે કલાક થી એની ડણક દૂર જતી હોય એવું લાગ્યું.. પણ આ નિવાસ સ્થાન એનું જ લાગે છે.. કેમકે અહીં નીલગાય, જંગલી ભેંસ અને હરણ નાં મૃતદેહનાં હાડકાં પડ્યાં છે.. "આંગળી થી હાડકાં નો ઢગ બતાવી વિજયે કહ્યું.

"તો હવે આપણે શું કરીશું.. એને ક્યાં જઈને શોધીશું.. ?" વિજયે ઉદાસ સ્વરે કહ્યું.

"હવે આપણે એને શોધવા નહીં જઈએ.. પણ એ અહીં આવશે એ નક્કી છે એટલે આપણે ઘાત લગાવી એની રાહ જોઈશું.. "વિજયે કહયું.

"વિજય ભાઈ ની વાત ખોટી નથી.. આપણે એને શોધવા જઈએ એનાં કરતાં એ અહીં આવે એની રાહ જોઈએ.. "જુમને કહ્યું.

"આમ પણ હવે રાત થવાં આવી.. એટલે આપણું આગળ વધવું શક્ય તો નથી જ.. "કાના એ પણ ત્યાં રોકાવાની વાત પર પોતાની સહમતિ જાહેર કરતાં કહ્યું.

"હા તો ચાલો કોઈ સારી છુપાવાની જગ્યા શોધી લઈએ.. "વિજયે કહ્યું.. એનાં કહેવાની સાથે બધાં લોકો એ ખુલ્લી જગ્યા ની આજુબાજુ છુપાવાની કોઈ સારી જગ્યા શોધવાનાં પ્રયત્ન માં લાગી ગયાં.

"કાના અહીં.. આવ.. આ તરફ જમીન કરતાં જગ્યા ઊંચી પણ છે.. સાથે પથ્થરો ની અને ઝાડીઓની આડાશ પણ છે.. "વિરજી એ એક સારી જગ્યા શોધી કાઢી હતી.

"હા વિરજી અહીં છુપાવવું બિલકુલ સુરક્ષિત છે.. તો આજની રાત અહીં જ રોકાણ કરીએ.. અને તમે બધાં સુઈ જાઓ.. હું આજની રાત જાગીશ.. "વિજયે કહ્યું.

"પણ વિજય તમે.. "કાનો હજુ તો આટલું બોલ્યો ત્યાં વિજયે એને બોલતો અટકાવી દીધો.. અને એની વાત વચ્ચે થી કાપતાં બોલ્યો.

"તમે બધાં થાકી ગયાં છો.મારાં માટે આ બધું રોજ ની વાત થઈ.. અને હું એકદમ તરોતાજા છું.. તો તમે આરામ કરો આજની રાત હું જાગીશ.. આશા રાખું કાલ નો સૂરજ તમારાં માટે એવો દિવસ લઈને આવે જેની કલ્પના પણ તમે ના કરી હોય.. "

"સારું ત્યારે.. "આટલું કહી કાના એ વિજય ની રાતે જાગી ને ચોકી કરવાની વાત સ્વીકારી લીધી… અને ત્યારબાદ એ વિરજી અને જુમન નિંદ્રાદેવી નાં ખોળામાં સુઈ ગયાં.

***

"કોઈ છે અંદર.. કોઈ છે.. ?"ચોકી નો દરવાજો જોર જોરથી ખખડાવી નિરો એ કહ્યું.

નિરો નો અવાજ સાંભળી બે ફોરેસ્ટ ઓફિસરો દરવાજો ખોલી બહાર આવ્યાં અને નિરો ને બારણે ઉભેલો જોઈને કહ્યું.

"ભાઈ.. કોણ છે તું.. અને આ ભાઈ કોણ છે તારી ખોળામાં.. ?"

"મારુ નામ નિરો છે અને આ બેહોશ વ્યક્તિ નું નામ ગાભુ છે.. એને સર્પ કરડી ગયો છે.અમે જડીબુટ્ટી લગાવી અને ઝેર ચૂસી ઝરૂરી સારવાર તો કરી દીધી છે પણ થોડું ઝેર અંદર ઉતરી ગયું લાગે છે.. એટલે તમે આ ગાભુ ભાઈ ને ઝેર વિરોધી રસી આપો અને એમની જાન બચાવી લો.. "નિરો એ આજીજીનાં સુરમાં કહ્યું.

"ઓફિસર ધવલ જલ્દી થી આને પલંગ માં સુવડાવવામાં મદદ કરો.. "એક ચાલીસેક વર્ષનાં રુવાબદાર ઓફિસરે પોતાની જોડે હાજર એક ત્રીસેક વર્ષ નાં નવયુવકને કહ્યું.

"યસ.. સર.. "ધવલે આટલું કહી નિરો ને ગાભુ ને અંદર લાવી ત્યાં ચોકી ની અંદર એક રૂમમાં પડેલાં પલંગ પર સુવડાવવામાં મદદ કરી.

"ભાઈ કંઈ ખબર છે કયો સાપ કરડ્યો છે.. "ઓફિસરે નિરો ને પૂછ્યું.

"હા સાહેબ.. ખડચિતળિયો હતો.. "નિરો એ જવાબ આપ્યો.

"કાંતિ કાકા.. ઓ.. કાંતિ કાકા.. જલ્દી પેલાં લીલાં રંગની ઇમરજન્સી માટે ની કીટ મને આપો.. "એ ઓફિસરે કોઈક ને મોટા સાદે કહ્યું.. એમની વાત સાંભળતા જ એક સાઠેક વર્ષનાં વૃદ્ધ એક લીલો પ્લાસ્ટિક નો ડબ્બો લઈને ગાભુ જ્યાં સુવડાવ્યો હતો ત્યાં આવ્યાં અને બોલ્યાં.

"મુકેશ ભાઈ.. આ રહી કીટ.. "એ ઓફિસર નું નામ મુકેશ હતું.

મુકેશે તાત્કાલિક કીટ ખોલી અંદર થી એક શીશી કાઢી.. એ શીશીમાં ઝેર વિરોધી રસી હતી.. પછી મુકેશે એને જોરથી હલાવી.. અને એક ઇન્જેક્શન લઈને એની સોય શીશી નાં ઢાંકણામાં પરોવી ને ઇન્જેક્શકન ભરી લીધું.

ત્યારબાદ ગાભુ નાં હાથ ની નસ શોધી એમાં ઈન્જેક્શન પરોવી દીધું.. નિરો આ બધું એકીટશે જોઈ રહ્યો હતો.. !!

"હવે તારો દોસ્ત સલામત છે.. એને કંઈ નહીં થાય.. તું ચિંતા ના કર.. "ઓફિસર મુકેશે નિરો નાં ખભે હાથ મૂકી કહ્યું.

"આપનો ખુબ ખુબ આભાર સાહેબ.. "આંખમાં હર્ષનાં આંસુ સાથે નિરો એ હાથ જોડી ને મુકેશને કહ્યું.

"ભાઈ આ અમારી ફરજ છે… એમાં હાથ ના જોડીશ.. "નિરો નાં હાથ પર પોતનાં હાથ રાખી મુકેશે કહ્યું.

"સાહેબ મારા દોસ્ત ને ક્યારે ભાન આવશે... અને અમે ક્યારે અહીંથી જઈ શકીશું.. ?" નિરો એ પૂછ્યું.

"જો ભાઈ ભાન તો બે કલાક માં એ આવે અને દસ કલાકે પણ આવે.. માટે તારે આજની રાત તો અહીં જ રોકાવું પડશે.. "ધવલ નામનાં યુવાન ઓફિસરે કહ્યું.

"સારું સાહેબ તો હું અહીં સુઈ જઈશ.. નીચે.. "નિરો એ કહ્યું.

"અરે ભાઈ.. સુવાની વાત પછી પહેલાં તારે અમારી જોડે જમવાનું છે.. અને તું જમવાની ના બોલતો નહીં..." મુકેશે કહ્યું… એમનું આમ બોલવું સાંભળી નિરો જમવા માટે ના કહી શક્યો નહીં.

લગભગ દોઢેક કલાક બાદ જમવાનું તૈયાર થઈ ગયું એટલે ઓફિસર મુકેશે ગાભુ નાં જોડે બેઠેલાં નિરો ને બુમ પાડીને કહ્યું.

"ભાઈ ચાલ જમવા.. "

ત્યારબાદ કાંતિકાકા ત્રણ થાળી મૂકી ગયાં અને એમાં ગરમાગરમ ભજિયાં, રોટલી, ટામેટાં સેવ નું શાક અને છાસ પીરસી ગયાં.. સાથે કોબી નું કચુંબર અને કેરી નું અથાણું.. બધાં એ આ સ્વાદિષ્ટ ભોજન ને શાંતિ થી ન્યાય આપ્યો.. નિરો તો ઘણાં સમયે આટલું ઉત્તમ જમ્યો હતો એટલે એતો પંદર જેટલી રોટલી ઝાપટી ગયો.

જમીને બધાં ઉભાં થયાં અને વાતો એ વળગ્યાં.. વાતો વાતો માં ઓફિસર મુકેશે નિરો ને પૂછ્યું.

"ભાઈ આ સાપ ક્યાં કરડ્યો હતો તારાં દોસ્ત ને અને તને અહીં કોને મોકલ્યો.. ?"

નિરો એ ત્યારબાદ એમને બધી વાત જણાવી કે કઈ રીતે કાના નો આદમખોર સાવજ સાથે બદલો લેવાનો નિર્ણય પૂર્ણ કરવાં એમની ટુકડી જંગલ માં ગઈ.એમાં વિજય નામનો એક ફોરેસ્ટ ઓફિસર પણ જોડાયો.જ્યાં તબક્કાવાર ઘણી મુશ્કેલ પરિસ્થિતિ આવી જે છતાં તેઓ આગળ વધતાં રહ્યાં.. અકુ નું મૃત્યુ અને ગાભુ ને સાપ કરડવાની વાત પણ જણાવી.. અને એ પણ કહ્યું કે ફોરેસ્ટ ઓફિસર વિજયનાં કહેવાથી એ લોકો અહીં સુધી આવ્યાં હતાં.

નિરો ની વાત સાંભળી મુકેશ અને ધવલ એકબીજાની સામે તકતા રહી ગયાં.. એમનો ચહેરાનો બદલાયેલો રંગ જોઈ નિરો એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"શું થયું સાહેબ.. કેમ આમ તમારાં ચહેરાનો રંગ ઉડી ગયો.. ?"

"અમારાં ચહેરાનો રંગ ઉડી જવાનું કારણ છે.. ઓફિસર વિજય.. કેમકે આ નામનો કોઈ ઓફિસર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે જ નહીં.. "મુકેશે કહ્યું.

"પણ સાહેબ.. અમારી સાથે શરૂથી લઈને અત્યાર સુધી ઓફિસર વિજયે અમારી ખૂબ મદદ કરી છે.અને એમની સહાયથી જ અમે આટલે સુધી પહોંચી શક્યા છીએ.. તમારી જાણ બહાર કોઈ હોય એવું પણ બને ને.. ?" નિરો બોલ્યો.

"નિરો.. હું ફોરેસ્ટ વિભાગના હેડ ઓફિસરમાં સ્થાન ધરાવું છું.. મારી જાણ બહાર આ નામનો કોઈ વ્યક્તિ જંગલ ખાતામાં હોય એવું બની જ ના શકે.. "મક્કમ અવાજે ઓફિસર મુકેશે કહ્યું.

"અને સાહેબ ને દરેક ઓફિસર નાં નામ અને ચહેરો પૂર્ણ પણે યાદ છે.. બીજી વાત કે અમારાં ડિપાર્ટમેન્ટ ની જાણ બહાર કોઈ આમ તમારી સાથે કે બીજાં કોઈની સાથે ના જઈ શકે.. "ઓફિસર ધવલે કહ્યું.

"પણ સાહેબ.. વિજય કરીને કોઈક તો છે જે અદ્દલ ફોરેસ્ટ ઓફિસરના કપડામાં છે અને એની જોડે રિવોલ્વર પણ છે.. "નિરો પોતાની વાત પર મક્કમ હતો.

નિરોનાં અવાજમાં રહેલી મક્કમતા જોઈ મુકેશ અને ધવલ સમજી ગયાં કે સાચેમાં કોઈક તો ફોરેસ્ટ ઑફિસરના વેશ માં નિરો અને એનાં મિત્રો ની સાથે હતો.. પણ કોણ હતો એ.. ??

સામે પક્ષે નિરો નાં મગજમાં પણ વિચારો નાં વંટોળ ઉમટ્યા હતાં.... ઓફિસર મુકેશ અને ઓફિસર ધવલ નાં કહેવા મુજબ જો વિજય નામનો કોઈ ફોરેસ્ટ ઓફિસર હતો જ નહીં તો એમની સાથે અત્યાર સુધી આવનારો અને એમની મદદ કરનારો એ ઓફિસર કોણ હતો.. .?? કેમ એ એમની મદદ કરી રહ્યો હતો.. ?? આ બધી વાતો નાં જવાબ શોધવા જરૂરી હતાં.. !!!

વધુ આવતાં અંકે..

પોતાની પત્ની અને બાળક નો બદલો કાનો લઈ શકશે કે કેમ.. ?? શું એ સાવજ ના આતંક નો ખાત્મો થઈ શકશે.. ?? કાનો અને એનાં સાથીદારો સાવજ નો શિકાર કઈ રીતે કરશે?? વિજય આખરે હતો કોણ?? ફોરેસ્ટ નો વેશ ધરી કાના ની મદદે આવવાનું કારણ શું હતું??.. વાંચો ડણક A Story Of Revange નાં રોમાંચ અને દિલધડક કથાવસ્તુ થી ભરપૂર આવતાં ભાગ માં...

આ સિવાય તમે મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" અને "રૂહ સાથે ઈશ્ક" પણ તમે માતૃભારતી પર વાંચી શકો છો. ટૂંક સમયમાં એક નવી નોવેલ આપ માટે લઈને આવીશ "અનામિકા:કહાની એક ડાકણ ની"… આભાર.. !!

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો