Danak - 5 books and stories free download online pdf in Gujarati

ડણક ૫

ડણક

A Story Of Revenge.

ભાગ:-5

(આજુબાજુ ના ગામો માં પ્રખ્યાત એવો કાનો સેજલ ને જોતાં વેંત એને દિલ દઈ ચુક્યો હોય છે. પ્રથમ મુલાકાત માં જ સેજલ જોડે કાના ને થોડી તું તું મેં મેં થાય છે.. પણ કાનો એને જ પોતાની પત્ની બનાવવાની ગાંઠ વાળી ચુક્યો હોય છે. શરદ પુનમ ના ગરબા માં સેજલ અવશ્ય આવશે એવી આશા એ કિસા આવેલો કાનો ત્યાં યોજાતી પ્રતિયોગીતા માં ભાગ લે છે.. જ્યાં છેલ્લે એ અને સેજલ બે જ પ્રતિસ્પર્ધી વધ્યા હોય છે.. હવે વાંચો આગળ)

"આ યુવક નું નામ છે કાનાભાઈ આહીર. કાનો રાવટા ગામ નો વતની છે.. ચહેરા થી તો કાના ને આપ સૌ ના ઓળખતાં હોય એવું બની શકે પણ આ નૌજવાન નું નામ અને એનું સાહસ આપ સૌ જાણતાં જ હશો. જે રીતે કાના એ એનાં મિત્રો સાથે મળીને ખેડૂતો અને એમનાં પશુધન ને રંઝાડતાં ઝરખનાં ટોળાં નો જે કુશળતા થી સફાયો કર્યો એ સરાહનીય છે. "સેજલ ની સામે હવે સ્પર્ધક છે એ કાનો આહીર છે એ જણાવતાં છગન ભાઈ બોલ્યાં.

પોતાનો મુકાબલો જે યુવક સાથે છે એ કાનો આહીર છે જેના સાહસ અને પરાક્રમ નાં આજકાલ સમગ્ર પંથક માં પંચમ લહેરાય છે એ જાણ્યાં પછી પણ સેજલ ને પોતાની જ જીત થશે એ બાબત નો ભરોસો હતો. પણ મેળામાં થી પાછા ફરતી વખતે પોતે કાના જોડે કરેલાં ખરાબ વર્તન પર સેજલ ને પસ્તાવો થઈ રહ્યો હતો. પોતે જે યુવક ને આટલી નફરત કરે છે એનાં પર તો ગામ ની બધી યુવતીઓ મરતી હતી એ જાણ્યાં પછી કાના પ્રત્યે નો પોતાનો ગુસ્સો અને નફરત ગાયબ થઈ ગયાં હોય એવું સેજલ ને મનોમન થઈ રહ્યું હતું.

સેજલે એક નજર મીના અને રેખા પર નાંખી તો એ બે તો કાના ને જોવામાં મંત્રમુગ્ધ થયેલી નજરે પડી.. એ બે તો શું ત્યાં હાજર બધી યુવતી ઓ અને સ્ત્રીઓ ની નજર પણ કાના ના માંસલ દેહ પર મંડાયેલી હતી.. હવે પોતે પણ કાના પર એક નજર નાંખી.

કાના એ પણ આજે સુંદર પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતાં.. પોતે જ્યાં શ્યામ રંગ સાથે જળ ના રંગ સમા આસમાની રંગ ના પરિધાન પહેર્યા હતાં તો એની બિલકુલ વિપરીત કાનો શ્વેત અને અગ્નિ ના રંગ એવાં પીળાં રંગ ના વસ્ત્રો માં સજ્જ હતો. હાથ માં ચાંદી નું કડું અને પગ માં ચામડા ની બનેલી મોજડી કાના ના દેહ ને વધુ આકર્ષક બનાવી રહ્યાં હતાં. ચહેરો સોહામણો અને પાણીદાર મૂછો.. ફુલેલી છાતી અને ફાટફાટ થતાં બાવડાં કોઈપણ સ્ત્રી ને એની તરફ આકર્ષવા કાફી હતી.. કામદેવ નો અવતાર હોય એમ કાનો આજે શોભી રહ્યો હતો.

ખબર નહીં આજે પોતે પણ બીજી યુવતીઓ ની માફક કાના ની તરફ કેમ જાણે આકર્ષિત થઈ રહી હતી એ સેજલ ને સમજાતું નહોતું.. ક્ષણવાર માં તો પોતે જેને પોતાનો દુશ્મન માની રહી હતી એ કાના ને એ મનોમન પસંદ કરવા લાગી હતી એ સેજલ માટે સમજવું અઘરું હતું.

"ના સેજલ હજુ આજ ની પ્રતિયોગીતા પુરી નથી થઈ.. તું કેમ આ યુવક તરફ આમ ખેંચાણ અનુભવી રહી છે.. ?સંભાળ તારી જાત ને.. આજે તો આ કાના ને હરાવી તારે ચડિયાતું સિદ્ધ થવાનું જ છે.. આજુબાજુ ના પંથક માં લોકો જે કાના ના વખાણ કરે છે એને માત આપી તારે એ લોકો ને ખોટાં પુરવાર કરવાનાં છે.. "સેજલ મનોમન પોતાની જાત સાથે વાત કરી રહી હતી.

"તો હવે શરૂ થાય છે એ આખરી મુકાબલો જેનો તમને બધાં ને અધીરાઈ પૂર્વક નો ઇંતેજાર છે.. તો હવે ઢોલી રૂપે કાનો અને ખેલૈયા રૂપે સેજલ એકબીજાને હરાવવા માટે ઝઝૂમશે.. શું ત્રણ વર્ષ થી સળંગ આ સ્પર્ધા માં વિજેતા બનતી સેજલ કાના ને હરાવી શકશે કે પછી કાનો પોતાનાં બાવડાં અને હાથ ના જોરે સેજલ ને માત કરશે એનો ટૂંક સમયમાં જ નિર્ણય આવી જશે.. "છગનભાઈ સવસાણી એ જાહેર કર્યું.. એમનાં જાહેર કરતાં ની સાથે જ ત્યાં હાજર સેંકડો લોકો એ કાના અને સેજલ ના નામ ની ચિચિયારીઓ થી વાતાવરણ ને ગુંજવી દીધું.

પ્રતિયોગીતા નું આહવાન થઈ ચૂક્યું હતું.. કાનો અને સેજલ પોતપોતાની રીતે મનોમન તૈયાર થઈ ચૂક્યાં હતાં. સેજલ આ પ્રતિયોગીતા ને કોઈપણ રીતે જીતવાનું મનોમન નક્કી કરી ચુકી હતી.. જ્યાં સામા પક્ષે કાનો એક જ વસ્તુ જીતવા માંગતો હતો એ હતું સેજલ નું દિલ.

કાના એ ઢોલ ને ગળે બાંધ્યું અને પોતાનાં હાથ ની થાપ આપી સ્પર્ધા ની શરૂવાત કરી દીધી.. ઢમ.. ઢમ.. ઢીબંગ ના અવાજ સાથે સેજલ ના ઘૂંઘરૂં બાંધેલા પગ થરકવા માંડ્યા.

"ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન .

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

જગ ની રીત શું કામ?

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

આખું માંડી ને જોવે ગામ

ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન ..

ગોરી ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન.. "

અડધો કલાક સુધી ધીરે ધીરે વાગતાં ઢોલ ની થાપ પર ગરબે ઘુમતી સેજલ ને વધુ તકલીફ ના થઈ. સેજલ ની નજર કાના તરફ હતી તો કાના ની નજર સેજલ તરફ.. બંને હવે આજુબાજુ માં કોણ છે,કોણ નહીં એ ભૂલી ને એકબીજા ની આંખો માં ખોવાઈ ગયાં હતાં.. કાના નાં હાથ ચાલી રહ્યાં હતાં તો સેજલ ના પગ.. લોકો ની નજરો એ બંને તરફ મંડાયેલી હતી.

સમય જેમ જેમ આગળ વધી રહ્યો હતો એમ એમ કાના ના હાથ વધુ વેગે ઢોલ ને થાપ આપી રહ્યાં હતાં.. ઢોલ નો ધબકાર અત્યારે સેજલ નાં હૃદય ના ધબકાર ને કાબુ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.. ધીરે ધીરે સેજલ ના પગ ની ગતિ પણ વધી ગઈ.. એ પણ કાના ની દરેક થાપે વાગતાં ઢોલ નાં ધબકારે ધબકારે મન મૂકી ગરબે ઘુમી રહી હતી.. હવે સેજલ પણ ભૂલી ગઈ હતી કે પોતે જીતવા માટે આ પ્રતિયોગીતા માં ભાગ લઈ રહી હતી,એને તો બસ કાના ના ઢોલ નાં તાલે નાચવું હતું.. !!

આ તરફ કાનો પણ હવે સેજલ નાં મન ની વાત જાણી ચુક્યો હોય એમ ઢોલ ને વધુ ગતિએ વગાડી રહ્યો હતો.. કાના ના મજબૂત હાથ ની થાપ નાં લીધે ઢોલ નાં ધબકારા ત્યાં હાજર લોકો મહેસુસ કરી રહ્યાં હતાં.. લોકો માટે હવે એ નક્કી કરવું મુશ્કેલ હતું કે કોણ આ સ્પર્ધા ના અંતે વિજેતા બનશે.

ધીરે ધીરે કાનો સેજલ ની સમીપ પહોંચી ગયો અને ઢોલ ને થાપ આપી એની આજુબાજુ માં પોતે પણ ઘુમવા લાગ્યો.. કાનો જ્યાં ગોળ ગોળ ફરતો એની મધ્યમાં સેજલ હવે દુનિયા ભૂલી ગરબે ઘુમી રહી હતી.. બંને હવે જીતવા નહીં એકબીજા માટે હારવા માંગતા હતાં.. પણ ખબર નહીં કેમ કાના ના હાથ નહોતાં અટકતાં કે સેજલ ને પગ.

સેજલ ના પગ હવે થાકી ગયાં હતાં.. એનો આકર્ષક દેહ પરસેવા થી ભીંજાઈને વધુ આકર્ષક લાગી રહ્યો હતો. એને અટકવું હતું,એને હાર સ્વીકારી લેવી હતી હવે કાના ની સામે.. આખરે એ કાના ના પૌરુષત્વ સામે માત સ્વીકારી લેવા તૈયાર થઈ ગઈ હતી પણ કાનો જે રીતે ઢોલ વગાડી રહ્યો હતો એ એનામાં નવા જોશ નો સંચાર કરી એને ગરબે ઘુમવા મજબૂર કરી રહ્યાં હતાં.

ચામડા ના મજબૂત રીતે કસાઈને બાંધેલા પડદા ને લીધે ઢોલ પર ની દરેક થાપ ની અસર કાના ના હાથ પર થવા લાગી હતી. આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય છે એમ કાના ના હાથ નો માર જેમ ઢોલ ના પડદા પર પડતો એના પ્રત્યાઘાત રૂપે કાના ના હાથ ને પણ માર લાગતો.. ધીરે ધીરે કાના ના હાથ લાલ થઈ ગયાં અને પછી તો હાથ માં થોડાં ચીરા પડ્યાં જેના લીધે એમાં થી લોહીની ટશર ફૂટી નીકળી. હાથ માં નીકળેલું લોહી હવે ઢોલ ના પડદા પર દેખાઈ રહ્યું હતું. બીજો કોઈ હોત તો આ દર્દ ની પીડા ના લીધે ક્યારનોય અટકી ગયો હોત પણ આ કાનો હતો.. !

કાનો જીતવા માટે હવે ઢોલ નહોતો વગાડી રહ્યો.. એ એટલે ઢોલ વગાડી રહ્યો હતો કેમકે એ સેજલ ની આંખો ના ભાવ વાંચી ચુક્યો હતો જેમાં એને સમજાઈ ચૂક્યું હતું કે સેજલ પણ આજે જીતવા નથી ગરબે ઘુમતી પણ પોતાનાં પ્રત્યે પેદા થયેલાં પ્રેમ ને લીધે એ ઢોલ ના તાલે ઝૂમી રહી હતી.

સેજલ ને આંખે અંધારા આવી ગયાં હતાં.. થાક ને લીધે એનાં શ્વાસોશ્વાસ હવે અનિયમિત થઈ ગયાં હતાં.. કાનો સેજલ ની દશા અને એને થઈ રહી પીડા એના ચહેરા ની રેખાઓ પર થી સમજી ચુક્યો હતો.. આ તરફ ઢોલ પર લાગેલાં લોહી ના નિશાન પણ સેજલ ની નજરે ચડી ગયાં હતાં.

બંને ને હવે અટકી જવું હતું.. બંને હવે હારી ને જીતવા માંગતા હતાં.. અચાનક કાના ના હાથ ની થાપ વધારે વેગે પડવા લાગી.. લોહી એના હાથ ની આંગળીઓ માં થી હવે બુંદો સ્વરૂપે ઢોલ ના પડદા ને ભીંજવી રહ્યું હતું.. સેજલ પર હવે ગોળ ગોળ ઘુમી સંપુર્ણપણે ભાન ભૂલી મદહોશ થઈને નાચી રહી હતી.. ત્યાં હાજર લોકો પણ હવે બેબાકળા બન્યાં હતાં.. આયોજકો ને પણ હવે આ સ્પર્ધા વહેલી તકે પૂર્ણ થાય એની અધીરાઈ હતી.. કેમકે હવે કાનો અને સેજલ ગાંડપણ ની હદ સુધી પહોંચી ગયાં હતાં.. બંને આ સ્થિતિ માં પોતાની જાત ને નુકશાન પહોંચાડી શકે એની શકયતા હતી.. !!

એકાએક જોરદાર અવાજ થયો અને કાના ના જોર થી થયેલા હાથ ની થાપ ના ઘા ને ઢોલ ના પડદા સહન નાં કરી શક્યા અને ચડડડ... ના અવાજ સાથે ફાટી ગયાં.. કાનો અટક્યો એવી જ સેજલ જમીન પર ફસડાઈ પડી.

કાના એ પોતાનાં ગળા માં થી ઢોલ ને પડતું મૂક્યું અને દોડીને સેજલ તરફ ગયો.. એની બાજુમાં જઈને કાનો ઘૂંટણભેર બેઠો અને સેજલ ના અર્ધબેભાન અવસ્થા સુધી પહોંચેલા દેહ ને પોતાના હાથ માં લઈ એને જોર થી બુમ પાડી..

"કોઈ જલ્દી પાણી લાવો... "

મીના,રેખા,ગાભુ,વિરજી અને છગનભાઈ પણ દોડીને કાના અને સેજલ ની સમીપ આવી પહોંચ્યા હતાં

થોડીવાર માં કોઈ પાણી લઈને આવ્યું એટલે કાના એ સેજલ ના ચહેરા પર એનો છંટકાવ કર્યો.. કાના ની આંખો અત્યારે મુરઝાયેલા સેજલ ના ચહેરા પર સ્થિર હતી.. એનો શ્વાસોશ્વાસ હજુપણ ઘણી ગતિ એ ચાલી રહ્યો હતો.. ધીરે ધીરે સેજલ ને થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતાં એને પોતાની બંધ આંખો ને હળવેકથી ખોલી તો એની નજર કાના ના ચિંતિત ચહેરા પર પડી.

ક્ષણભર સુધી તો એ એકીટશે કાના ની સામે જોઈ જ રહી.. કેમ થોડીવાર સુધી પારકો લાગતો આ વ્યક્તિ પોતાના થી પણ વધુ પ્યારો લાગવા માંડ્યો હતો એ સેજલ માટે એક કોયડો જ હતો.

સેજલ હળવેક થી કાના ના ખોળા માં થી ઉભી થઈ અને કાના નાં હાથ તરફ જોઈ બોલી..

"તમને હવે કેમ છે.. ?"

"અરે અમે તો મર્દ માણસ અમને કંઈ ના થાય.. અને આ ઘા તો હમણાં રૂઝાય જાશે.. પણ અંતર પર જે ઘા પડ્યાં છે એની દવા થવી ભારે છે.. "કાના એ ખાલી સેજલ ને જ સંભળાય એમ ધીરેથી કહ્યું.

કાના ના કહેવાનો અર્થ સમજી ચુકેલી સેજલ એક કટારી જેવું સ્મિત આપી ઉભી થઈ અને રેખા તથા મીના ને જઈને વળગી પડી.. આ તરફ વિરજી અને ગાભુ પણ કાના ને ભેટી પડ્યાં.. આખરે આ જોરદાર અવિસ્મરણીય પ્રતિયોગીતા પૂર્ણ થવાથી અને સેજલ તથા કાના નાં સ્વસ્થ હોવાથી બધાં ના જીવ ને હાશકારો થયો.

પણ હજુ એ એક પ્રશ્ન બધાં નાં મન માં ઘૂંટાતો હતો કે આખરે આ સ્પર્ધા માં જીત કોની થઈ અને કોની હાર થઈ?

છગનભાઈ એ માઈક હાથ માં લઈ ને પહેલાં તો માં ખોડિયાર અને ભગવાન સોમનાથ મહાદેવ નાં જયઘોષ સાથે બોલવાનું પ્રારંભ કર્યું.

"અહીંયા ઉપસ્થિત આપણે સૌ એક એવી અદ્ભૂત પ્રતિયોગીતા ના સાક્ષી બન્યાં છીએ જે ના ભૂતો બની ના ભવિષ્ય બનશે.. લગભગ બે કલાક સુધી બંને સ્પર્ધકો જાણે દુનિયા ભૂલી પોતપોતાની કળા ને સિદ્ધ કરવામાં લાગેલાં હોય એવું લાગી રહ્યું હતું.. સેજલ ની સ્ફૂર્તિ અને ગરબે ઘુમવાની કળા થી સૌ અવગત હતાં પણ કાનો આટલો કુશળ ઢોલી નીકળશે એ વાત આજે આપણ ને ખબર પડી.. "

"હવે કોણ વિજેતા બન્યું એ કહેવું તો અઘરું છે.. પણ એક વાત છે કે કોઈ હાર્યું તો નથી જ. જો ઢોલ નો પડદો ના ફાટ્યો હોત તો કાનો ના અટકત.. અને કાનો ના અટક્યો હોત તો સેજલ ના અટકી હોત.. માટે બધાં નિર્ણાયકો એ મળીને નિર્ણય લીધો છે કે આજની આ પ્રતિયોગીતા ના વિજેતા સંયુક્તપણે કાનો અને સેજલ બને છે.. !!"

હજુ તો છગનભાઈ એમનું વાક્ય પૂર્ણ કરે એ પહેલાં જ ત્યાં હાજર જનતા એ સેજલ અને કાના ના નામ થી વાતાવરણ ગુંજવી મૂક્યું. કાના અને સેજલે એકબીજા ની સામે જોયું અને પરસ્પર મુસ્કાન આપી આંખો ના ઈશારા થી જ એકબીજા ને અભિનંદન આપ્યાં.

ત્યારબાદ કાના અને સેજલ ને આયોજકો ના હાથે ઈનામ આપવામાં આવ્યું.. બંને એ એકબીજા જોડે હાથ મિલાવી જીત ની બધાઈ આપી. સેજલ ના હાથની સુંવાળપ કાના ના હૃદય ને સ્પર્શી ગઈ હતી જ્યારે કાના ના હાથ ની મજબૂત પકડ સેજલ ના કોમળ હૃદય ના દ્વાર પર દસ્તક દઈ ગઈ હતી.

ધીરે ધીરે બધાં પોતપોતાનાં ઘરે જવા અગ્રેસર થઈ રહ્યાં હતાં.. કાનો પણ વિરજી અને ગાભુ ની સાથે વિરજી ના ઘરે જવા નીકળ્યો જ્યારે સેજલ પોતાનાં ઘરે જવા.. પણ જતાં જતાં સેજલ ની નજરો હજુપણ કાના ની તરફ મંડાયેલી હતી.. એ નજરો થી જાણે સેજલ કહી રહી હતી.

"તારા રે નામનો છેડ્યો એક તારો

હું તારી મીરા તુ ગીરીધર મારો

આજ નો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી

આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી"..

આજ ની વધેલી રાત કાનો સેજલ ના અને સેજલ કાના ના વિચાર માં પસાર કરવાનાં હતાં એ બાબત માં કોઈ શંકા ને સ્થાન નહોતું.. હવે બંને નાં મન માં એક જ પ્રશ્ન ગુંજતો હતો કે હવે ક્યારે બંને ની મુલાકાત થશે.. ??હવે તો વહેલા માં વહેલી તકે મળવું બંને માટે શ્વાસ લેવાથી વધુ આવશક્ય બની ગયું હતું.. આજ ની શરદ પુનમ ની રાત કાના ને સેજલમય અને સેજલ ને કાનામય બનાવી ગઈ હતી.. !

કાના અને સેજલ ના હૃદય માં એકબીજા પ્રત્યે નાં પ્રેમ નાં બીજ અંકુરિત થઈ ચૂક્યાં હતાં પણ જ્યારે એકબીજા તરફ થઈ રહેલાં ઈશારા પર દલપત નામનાં સેજલ ની જ કોમ નાં એક યુવક ની નજર સ્થિર હતી એ વાત થી બંને અજાણ હતાં.. દલપત સેજલ મનોમન ચાહતો હતો.. કાના પ્રત્યે સેજલ નું આમ અકર્ષાવું એને પચ્યું નહોતું.. હવે આગળ પોતાને શું કરવાનું છે એનું આયોજન દલપત વિચારી રહ્યો હતો.. !

વધુ આવતાં અંકે...

નજરો થી શરૂ થયેલો પ્રેમ હવે એનાં ચરમ સુધી કઈ રીતે પહોંચશે? કાના અને સેજલ ની ફરી થી મુલાકાત થશે કે કેમ? દલપત સેજલ અને કાના ની પ્રેમ કહાની માં કઈ રીતે વિઘ્ન ઉભું કરશે?.. આ બધું જાણવા વાંચતા રહો આ સુંદર નવલકથા ડણક:A Story Of Revenge.. નો નવો ભાગ આવતાં સપ્તાહે..

આ સિવાય દિલ કબૂતર નામ ની મારી સુંદર નોવેલ પણ તમે માતૃભારતી માં વાંચી શકો છો.. !!

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો