Danak - 6 books and stories free download online pdf in Gujarati

ડણક ૬

ડણક

A Story Of Revenge.

ભાગ:-6

(આજુબાજુ ના ગામો માં પ્રખ્યાત એવો કાનો સેજલ ને જોતાં વેંત એને દિલ દઈ ચુક્યો હોય છે. શરદ પુનમ ના ગરબા માં સેજલ અવશ્ય આવશે એવી આશા કાનો સેજલ ના ગામ કિસા આવે છે. ત્યાં યોજાતી પ્રતિયોગીતા ના અંતે કાનો અને સેજલ સંયુક્ત રીતે વિજેતા બને છે.. સેજલ પણ કાના ને દિલ દઈ ચુકી હોય છે. હવે વાંચો આગળ)

"ડૂબ્યાં બંને એકબીજા ની આંખ માં.. ઊંડાઈ છે જ્યાં અપરંપાર

તરવું બંને ને આવડે તો પણ હવે ડૂબવું જ લાગે એક આધાર.. "

જ્યારે કોઈ વ્યક્તિ પસંદ આવવા લાગે ત્યારે એની સાથે થનારા મિલન ની રાહ કેમેય કરી જોવાતી નથી.. દરેક દિવસ જાણે સો સો વર્ષ જેવો લાંબો લાગવા માંડે છે. સેજલ અને કાના ની પણ દશા એવી જ હતી. બંને ને હવે એકબીજા ને કોઈપણ રીતે મળવું હતું. ઘણું બધું કહેવું હતું એકબીજાને!!

કાના એ હવે ત્રણ ચાર દિવસ પોતે કિસા માં જ રોકાશે એવું વિરજી ને જણાવી દીધું હતું. કાનો પોતાના ઘરે હજુ રોકાવાનો છે એ જાણી લીલાબેન અને વિરજી વધુ આનંદિત થયાં. આમ પણ કાઠિયાવાડી લોકો માટે અતિથિ દેવ સમાન હોય અને આતિથ્ય એમનાં માટે પૂજા સમાન.

સવારે સ્નાન કરી કાનો અને ગાભુ વિરજી સાથે એની વાડી માં લટાર મારવા નીકળી પડયા. ત્રણેય વાડી માં પહોંચ્યા એટલે કેશવ નામનો વાડી ની દેખરેખ માટે રાખેલો માણસ ખાટલા ઢાળી ગયો. ખાટલા પર બેસી કાનો,ગાભુ અને વિરજી વાતો એ વળગ્યાં.

"કાના ભાઈ કાલે તો તે ખરો રંગ રાખ્યો.. ધન્ય છે મારા ભેરુ ને.. "વિરજી એ કાના ની પીઠ થાબડીને કહ્યું.

"હા પણ કાના એ આટલો રંગ કોનાં માટે રાખ્યો એતો વિરજી તું સમજી જ ગયો હોઈશ.. "ગાભુ એ કહ્યું.

"ખબર ના પડી ગાભુ તું શું કહેવા માંગે છે.. ?" ગાભુ ની વાત નો અર્થ ના સમજ્યો હોય વિરજી બોલ્યો.

"વિરજી,આપણો ભેરુ સેજલ ને પ્રેમ કરે છે.. એ વાત તો મેં તને જણાવી હતી ગઈકાલે.. તો આ ઢોલ કાનો વગાડતો હતો એ વાત સાચી પણ એ માટે ની જરૂરી શક્તિ નો સંચાર તો સેજલ ભાભી ના આંખો ના ઈશારે થતો હતો.. "આટલું બોલી ગાભુ જોર થી હસવા લાગ્યો.

"એ ગાભલા.. શું કંઈપણ બકબક કર્યા કરે છે.. ના જોયો હોય તો મોટો ભાભી વાળો.. "ખોટો ગુસ્સો કરી કાનો બબડયો.

"હા તો હવે અહીં રોકાવાનું કારણ પણ જણાવી દે વિરજી ને નહીંતો આ ત્રણ દિવસ ક્યારે જતાં રહેશે એની ખબરેય નહીં પડે.. "ગાભુ એ કાના ને ઉદ્દેશીને કહ્યું.

"હા ભાઈ આમ તો તું સવારે નીકળી જવાનું કહેતો હતો પણ આમ ત્રણ દિવસ રોકાવાનું કીધું એટલે મને ગમ્યું તો ખરું પણ આ વાત નો એક સુખદ આંચકો તો લાગ્યો જ.. "વિરજી બોલ્યો.

"જો ભાઈ.. તમારા બંને થી કંઈપણ છુપાવવું એ ખુદ મારા થી કોઈ વાત છુપાવવા બરાબર છે.. ગાભુ સાચું કહે છે કે હું કાલે સેજલ સામે જીતવા નહીં પણ એને જીતવા ઢોલ વગાડતો હતો.. એની દરેક નજર જ્યારે જ્યારે મારા પર પડતી ત્યારે મારા હૃદય સોંસરવી ઉતરી જતી.. એ પણ હવે મને પ્રેમ કરવા લાગી છે એ નક્કી છે.. મારું મન ચોક્કસ એમ માને છે કે એ મારા પ્રેમ નો અવશ્ય સ્વીકાર કરી લેશે.. "કાનો જાણે સેજલ નો ચહેરો યાદ કરી રહ્યો હોય એમ બોલ્યો.

"તો ભાઈ પછી હવે રાહ શેની જોવે છે.. જો તને એટલો જ વિશ્વાસ હોય તો પછી સેજલ જોડે રાખી દે તારા દિલ ની વાત.. "વિરજી એ કાના ના ખભે હાથ મૂકીને કહ્યું.

"પણ ભાઈ.. સેજલ ને હવે કઈ રીતે મળીશ.. એ સમજાતું નથી.. ?"ચિંતિત સ્વરે કાનો બોલ્યો.

"અરે મારા ભાઈલા... હું બેઠો છું તો તું કેમ આટલી ચિંતા કરે છે.. આજે સાંજે તારી સાથે સેજલ ની મુલાકાત ગોઠવી દેવાની જવાબદારી તારા આ ભેરુ ની.. "વિરજી એ કહ્યું.

"આભાર મારા ભાઈ.. તારી વાત સાંભળી હવે મારાં હૈયા ને ટાઢક વળી એવું લાગે છે.. "વિરજી ને સંબોધીને કાનો બોલ્યો.

"જો ભાઈ આ મિત્રતા માં આભાર માનવાનો ના હોય.. અને તારું સેજલ જોડે ગોઠવાઈ જાય એમાં મારો પણ અંગત સ્વાર્થ છુપાયેલો છે.. "કુટિલ સ્મિત સાથે વિરજી બોલ્યો.

"તારો અંગત સ્વાર્થ... ?, ભાઈ સમજાય એવું બોલ.. "કાનો વિરજી ની વાત સાંભળી આશ્ર્ચર્ય ના ભાવ સાથે બોલ્યો.

"સેજલ ની પેલી બહેનપણી છે ને મીના.. એની હારે મારુ ચોકઠું ક્યારનુંય બેસી ગયેલું છે. તારો મેળ પડી જાય સેજલ સાથે તો મારે પણ મીના ને મળવાનું બહાનું મળી જાય ને. "આંખો પટપટાવી હસતાં હસતાં વિરજી બોલ્યો.

"વાહ મારો ભાઈ.. જોરદાર કહેવાય ભાઈ.. આમ પણ તું આ ગામ ના સરપંચ નો દીકરો છે એટલે વટ તો પડે જ ને. તારી અને મીના ની જોડે જામે હો... "આટલું બોલી કાનો વિરજી ને ભેટી પડ્યો.

"અરે તમે બે એ તમારું નક્કી કરી લીધું તો મારું કંઈ વિચાર્યું જ નહીં.. "ઉદાસ ચહેરે ગાભુ બોલ્યો..

"અરે ગાભલા સેજલ ને બીજી એક બહેનપણી પણ છે.. એની હારે તારું ગોઠવી દઈશું.. એ ચાલશે ને?"વિરજી ને તાળી આપી કાનો બોલ્યો.

"હા એ કરજો.. આમ પણ મને એ રેખા બહુ ગમે છે.. કાલે રાતે એ મારી સામે જોઈ રહી હતી અને બે-ચાર વાર હસી પણ હતી"ગાભુ ઉત્સાહિત સ્વરે બોલ્યો.

"રેખા,રેખા.. રેખા... "ગાભુ ને હેરાન કરતાં હોય એમ કાનો અને વિરજી એકસાથે બોલ્યાં..

એમની આ હરકત થી ગાભુ શરમાઈને એટલું બોલ્યો..

"રેખા ના બોલો.. રેખા ભાભી બોલો... "

ગાભુ ની વાત સાંભળી બધાં હસી પડ્યાં.. ત્યારબાદ ત્રણેય મિત્રો લાગી ગયાં કઈ રીતે સેજલ અને કાના ની મુલાકાત ગોઠવવી એની વાતચીત માં.. !!

***

કાના ની અને સેજલ ની મુલાકાત કઈ રીતે કરાવવી એનું વિરજી નક્કી કરી ચુક્યો હોય છે. મીના બપોરે એના પિતાને જમવાનું આપવા રોજ ખેતરે જતી હોય છે એ વાત વિરજી જાણતો હોય છે.. અને કેટલીયે વાર વિરજી આમ ચોરી છુપી મીના ને મળ્યો પણ હતો. એટલે જ્યારે મીના ખેતરે થી એના બાપુ ને બપોર નું જમવાનું આપી પાછી વળતી હતી ત્યારે અચાનક વિરજી એનો હાથ પકડી એને ખેંચીને રસ્તામાં આવતાં એક વડ ના ઝાડ પાછળ લઈ ગયો..

"એ વિરજી આ બધું શું છે.. ??છોડ કોઈક આવી જાશે.. "વિરજી થી પોતાનો હાથ છોડાવતા મીના એ કહ્યું.

"આવી જવા દે.. હું ડરતો નથી કોઈનાં બાપ થી પણ.. "વિરજી એ મૂછો પર હાથ ફેરવતાં કહ્યું.

"તું ભલે ના ડરતો હોય પણ મને તો બીક લાગે છે.. મારા બાપા ને કોઈ આપણે આમ મળીએ એમ કહેશે તો મને એ જીવતી કાપી નાંખશે.. અને આમ મૂછો પર હાથ ફેરવ્યા કરતાં મારા બાપુ જોડે મારો હાથ માંગવા આવે તો હાચો મરદ માનું તને.. "કટાક્ષ કરતાં મીના એ કહ્યું.

"આવીશ એક દિવસ આવીશ તારો હાથ માંગવા.. હાથ નહીં તને આખી માંગવા.. "વિરજી એ મક્કમતા થી કહ્યું.

"પણ હવે જલ્દી આવજે.. હું પણ હવે તારા વગર નથી રહી શકતી.. "વિરજી ને ગળે વીંટળાઈ ને મીના એ કહ્યું.

થોડો સમય વિરજી અને મીના આમ જ એકબીજાને ભેટી રહ્યાં.. પછી મીના ને પોતાનાં થી અલગ કરી વિરજી એ કહ્યું.

"સાંભળ મીના.. એક કામ કરવાનું છે.. તારે.. જે તારા સિવાય બીજાં કોઈ થી થઈ શકે એમ નથી.. "

"મારા થી જ થઈ શકે એવું તે વળી શું કામ છે.. ?"આશ્ચર્ય ના ભાવ સાથે મીના એ વિરજી ને પૂછ્યું.

"મીના કાલે રાતે ગરબા ની સ્પર્ધા માં જે જીત્યો એ કાનો આહીર મારો ભેરૂબંધ થાય.. ત્રણ દિવસ એ મારા ઘરે જ રોકાવાનો છે.. એ સેજલ ને બહુ જ પ્રેમ કરે છે અને એની આગળ પોતાનાં દિલ ની વાત રજૂ કરવા માંગે છે.. તો તું સેજલ ને જાણ કરજે કે કાનો એને મળવા માંગે છે.. "મીના નો ચહેરો પોતાનાં હાથમાં લઈ વિરજી બોલ્યો.

"શું કાનો હજુ કિસા માં રોકાયો છે.. ??તો તો સેજલ ને આ વાત કહેવી જ પડશે.. કેમકે સેજલ પણ કાના ને મળવા ઉતાવળી બની છે.. કાલે રાતે જ્યારે બધાં વિખુટા પડી ઘરે ગયાં ત્યારે રસ્તામાં સેજલ ઉદાસ હતી તો અમે એને પૂછ્યું કે કેમ સ્પર્ધા માં જીત્યાં પછી પણ એનો ચહેરો ઉતરેલી કઢી પી ગયો હોય એવો છે.. તો હવે કાના ને પોતે ફરીવાર ક્યારે જોઈ શકશે એની ચિંતા એને ઉદાસ કરી રહી છે એવું કારણ આપ્યું.. "મીના એ કહ્યું.

"તો તો ખૂબ સરસ.. કાનો હાચું કહેતો હતો કે સેજલ પણ એને પ્રેમ કરવા લાગી છે તો હવે તું સેજલ ને કહી દે કે કાના ને આજે સાંજે આવીને મળે.. "મીના ની વાત સાંભળી ખુશીના ભાવ સાથે વિરજી બોલ્યો.

"પણ ક્યાં મળવાનું એ તો જણાવ પહેલા.. ?" મીના એ વિરજી સામે જોઈ પૂછ્યું.

મીના નો સવાલ સાંભળી વિરજી થોડું વિચાર્યા બાદ બોલ્યો..

"સાંજે છ વાગે.. નાગ દેવતા ના મંદિર ની પાછળ જે પાણી નો વ્હેળો જાય છે એની જોડે આવેલાં પીપળા ના વૃક્ષ નીચે કાનો સેજલ ની રાહ જોતો ઉભો હશે.. તું કહી દેજે એને આવી જાય ત્યાં"

"તો સેજલ પણ ત્યાં સમયસર આવી જશે એની સંધિયે જવાબદારી મારી.. "મક્કમ સ્વરે મીના એ કહ્યું.

ત્યારબાદ એકબીજા ના હોઠ પર નાનકડું ચુંબન આપી વિરજી અને મીના પોતપોતાના રસ્તે નીકળી ગયાં.. !!

***

મીના સેજલ ની નજીક જ રહેતી હતી અને અવારનવાર એનાં ઘરે જવાનું થતું હોવાથી એ મનફાવે ત્યારે એનાં ઘરે પહોંચી જતી અને કોઈ કંઈ પૂછતું પણ નહીં.. ઘરે જઈ થોડો સમય આરામ કરી મીના સેજલ ના ઘરે પહોંચી ગઈ.

"ચંપા કાકી સેજલ ક્યાં છે.. ?" મીના એ ડેલી ખોલતાં જ સામે ખાટલો ઢાળી બેસેલાં સેજલ ની માતા ચંપા બેન ને સેજલ વિશે પૂછ્યું.

"ક્યાં હોય બીજે.. ઉપર મેડી એ એના ઓરડામાં હશે.. "ચહેરા પર કોઈ ભાવ વગર ચંપાબેને જવાબ આપ્યો.

ચંપાબેન ની વાત સાંભળતાં જ મીના દાદરો ચડી ઉપર મેડી પર આવેલાં સેજલ ના ઓરડામાં પહોંચી ગઈ.. પલંગ માં આડી પડી ઝવેરચંદ મેઘાણી ની સૌરાષ્ટ્ર ની રસધાર નવલકથા વાંચતી સેજલ મીના નો પગરવ ઓળખી ગઈ હોય એમ મીના નાં ઓરડામાં પ્રવેશતાં જ બોલી.

"આવો મીના રાણી.. તમારાં પગલાં પર થી એવું લાગે છે તમે ખુશ છો.. કંઈક નવી વાત લઈને આવ્યાં છો.. ? એવું તો નથી ને કે વિરજી તારા ઘરે તારો હાથ માંગવા આવ્યો હોય.. ?"

"આવશે એને આવવું હશે તો.. અને મારી ચિંતા તું ના કર.. પણ હું તારા માટે એક ગજબ ની ખબર લઈને આવી છું.. અને એ પણ કાના વિશે.. "મંદ હસીને મીના બોલી.

"શું કાના વિશે.. બોલ ને શું વાત જાણી લાવી છે.. જલ્દી બોલ"કાના નું નામ સાંભળતાં જ સફાળી પલંગ માં થી ઉભી થઈ અધીરાઈ પૂર્વક સેજલ બોલી.

"અરે ધીરજ રાખ.. મારી બેન.. આમ આટલી અધીરી ના બનીશ.. "સેજલ ને ખભે થી પકડી મીના એ કહ્યું.

"મીના હવે તો કાના ને મળ્યાં વિના આ શ્વાસ પણ ભારે લાગી રહ્યો છે.. તું બોલ ને શું જાણી લાવી છે મારા કાના વિશે. ?"આતુરતા સાથે સેજલે પૂછ્યું.

"તો સાંભળ.. તારો કાનો હજુ રાવટા નથી ગયો.. એ વિરજી ના ઘરે રોકાયો છે અને હજુ બીજા બે દિવસ એનાં ધામા ત્યાં જ છે.. બોલ છે ને સારી ખબર.. ?" આંખો પહોળી કરી સેજલ સામે જોઈ મીના એ પૂછ્યું.

"હા બહુ સરસ.. "મીના ના હાથ પકડી એની સાથે ફૂડરડી ફરતાં સેજલ બોલી.

"બસ બસ કર મારી માં.. હજુ તો આ અડધી વાત કરી એમાં ઘેલી થઈ ગઈ.. હજુ આગળ સાંભળીશ તો સો ટકા ગાંડી થઈ જઈશ.. "મીના એ કહ્યું.

"હજુ શું છે બીજું.. તો ઝટ બોલ ને.. "સેજલ બોલી.

"આજે બપોરે મને વિરજી મળ્યો હતો.. એને મને કહ્યું કે કાનો એનાં ઘરે રોકાયો છે.. સાથે એને એ પણ કીધું છે કે કાનો તને મળવા માંગે છે.. "હસીને મીના બોલી.

"સાચું કહે છે તું.. ?" સુખદ ભાવ સાથે સેજલે પૂછ્યું.

"હા અલી.. સાચું કહું છું.. આજે સાંજે છ વાગે,નાગ દેવતા ના મંદિર ની જોડે પસાર થતાં વ્હેળા ની જોડે આવેલાં પીપળા નીચે કાનો તારી વાટ જોતો હશે.. તને ત્યાં મળવા જવાનું કહ્યું છે.. તું જઈશ ને.. ?" મીના એ કહ્યું.

"હા હું જઈશ.. મારે પણ મારા કાના ને મળવું છે.. હવે ક્યારે છ વાગે ને મને એના દર્શન થાય.. તારો ખૂબ ખૂબ આભાર સખી.. તારી આ વાત સાંભળી તને ચુમી લેવાનું મન થાય છે.. "મીના ના ગાલ ને ચુમતા સેજલે ખુશખુશાલ સ્વરે કહ્યું.

સેજલ કાના ને મળવા જવાની છે એ વાત નું પાકું થતાં મીના ને હાશ થઈ.. કેમકે એને વિરજી ને સેજલ મળવા આવશે એની જવાબદારી લીધી હતી.. પછી છ વાગવાની રાહ જોતી બંને સખીઓ વાતે વળગી.

આ તરફ મીના ને મળીને આવ્યાં પછી વિરજી એ વાતે ચોક્કસ હતો કે સેજલ કાના ને મળવા આવશે જ.. કેમકે મીના પર એને વિશ્વાસ હતો કે એ કોઈપણ રીતે સેજલ ને પોતે કહ્યા પ્રમાણે ની જગ્યા એ આવવા માટે તૈયાર કરી જ લેશે અને એમાં પણ સેજલ નો કાના તરફ નો ઢોળાવ અને એનાં તરફ થી કાના ને મળવાની બેતાબી જાણ્યાં પછી આજે એનાં ભેરૂબંધ ની પોતાની પ્રિયતમા ને મળવાની ઇચ્છા પુરી થશે એ વાત પાક્કી હતી.

વિરજી એ કાના ને મળી ને સેજલ કઈ જગ્યા એ અને ક્યારે મળવા આવશે એ વિશે જણાવી દીધું.. કાના એ પણ વિરજી ને ગળે મળી એનો આભાર માન્યો. હવે બે હૈયાં રાહ જોતાં હતાં એકબીજાની સાથે થનારી મુલાકાત ની.. !!

"બે પ્રેમી પંખીડા ક્યારે મળશે એની બંને ને છે ઘણી અધીરાઈ..

સમય પણ જાણે વેરી બન્યો.. કેમેય કરી એ ના પસાર થાય.. "

વધુ આવતાં અંકે.

કાના અને સેજલ ની પ્રથમ મુલાકાત કેવો રંગ લાવશે.. ?? એમનો પ્રેમ પૂર્ણતા પામશે કે કેમ?? મીના અને વિરજી નાં લગ્ન થશે કે નહીં.. ?? અને આ નવલકથા નાં શીર્ષક માં જે બદલા ની વાત છે એ કયો બદલો અને કોનાં જોડે નો બદલો.. ? જાણવા વાંચતાં રહો ડણક: A Story Of Revenge.. નો નવો ભાગ આવતાં સપ્તાહે.. !!

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED