ડણક ૧૦ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડણક ૧૦

ડણક

A Story Of Revenge.

ભાગ:-10

(કાના અને સેજલ ની મુલાકાત નો સાક્ષી બનેલો દલપત સેજલ ના પિતા માનસિંહ ને બધી વાત જણાવી દે છે. ગુસ્સા માં આવી માનસિંહ સેજલ ને ઓરડામાં બંધ કરી દે છે.. આ તરફ રવજી ના કહેવાથી માનસિંહ કાના ને અહીં આવતો રોકવાની અને આવે તો એને મોત ના મુખ સુધી પહોંચાડવાની યોજના ઘડી કાઢે છે.. સેજલ નાં કહ્યા મુજબ ચંપાબેન મીના ને મળે છે. મીના વિરજી ને કહી કાના ને કિસા ના આવવા સમજાવવાનું કહે છે.. રાવટા ગયેલો વિરજી કાના ને સઘળી હકીકત કહે છે પણ કાનો એક નો બે થતો નથી અને પોતે સેજલ ને આપેલું વચન પાળવા કિસા જવાનું નક્કી કરે છે. હવે વાંચો આગળ)

"સૂરજ ઉગ્યો ને કુકડા ની બાંગે પડી ગઈ આજ ની સવાર..

વચન ખાતર કાનો પણ નીકળી પડ્યો જો ને ઘોડે થઈ ને સવાર.. "

એને સૂરજ ની પહેલી કિરણ પોતાનાં ચહેરા પર પડતાં ની સાથે કાનો અને વિરજી ઘરે જવા નીકળી પડ્યાં.. ત્યાં નિત્યક્રમ પૂર્ણ કરી ચા પાણી પતાવી બંને એ ઘોડા પર બેસી કિસા ગામ ની વાટ પકડી. આજ નો દિવસ કાના માટે એની જીંદગી નો સૌથી મહત્વ નો દિવસ હતો.. કેમકે કાનો નક્કી કરી ચુક્યો હતો કે આજે સેજલ એની થઈ જાશે કાં એ પોતે રાખ થઈ જશે.

આ તરફ કારતક પૂર્ણિમા નો દિવસ આવી ગયો હોવાથી સેજલ અને ચંપાકાકી ચિંતિત હતાં કે જો કાનો આવશે તો જરૂર એની જીંદગી માથે મોટું સંકટ ઉભું થયાં વગર નહીં રહે.. માનસિંહ ને ભરોસો હતો કે પોતાનાં મોત ની તૈયારી થઈ રહી હોવાની વાત મળતાં કાનો કિસા ગામ ની સરહદ માં પગ નહીં મૂકે અને જો મુકશે તો જીવતો પાછો નહીં જાય એનું પણ આયોજન થઈ ગયું હતું. એભલ અને સુરો એનાં લુખ્ખા દોસ્તારો સાથે ગામ ને પાદરે જ હથિયાર ધારણ કરી બેઠાં હતાં. આમ પણ એ લોકો ને તો આવી જ તક જોઈતી હતી કે ક્યારે કોઈ બબાલ કરવા મળે.

કિસા ગામ ના પાદરે ઠઠ્ઠા મશ્કરી કરતાં આ દોસ્તો ના ટોળાં નું ધ્યાન ત્યારે અચાનક ભંગ થયું જ્યારે ઘોડા નાં પગરવ નો અવાજ એમનાં કાને અફળાયો.. આ સાથે જ ગામ આ આવતાં રસ્તા પર ઉડતી ધૂળ ની ડમરીઓ પણ એમની નજરે ચડી.. માનસિંહ નાં કહ્યા મુજબ કાનો નહીં જ આવે એ વાત એમની ખોટી પડતી માલુમ પડી. કાનો અને વિરજી એમનાં પાણીદાર ઘોડા પર સવાર થઈને આવી રહ્યાં હતાં એ જોઈ એ લોકો સાવધ થઈ ગયાં.

"એ નાથુ તું જા ને બાપુ ને ખબર આપતો આવ કે કાના ની લાશ જોવી હોય તો ઝટ ગામ ને પાદર આવી જાય"બડાઈ મારતો હોય એમ એભલ બોલ્યો.. એની વાત સાંભળી નાથુ પણ માનસિંહ બાપુ ને ખબર આપવા દોટ મૂકીને ત્યાંથી નીકળ્યો.

કાનો અને વિરજી બંને આજે માથે કફન બાંધી ને આવ્યાં હતાં.. કેસરિયાં કરવાં પડશે એવી એમની મનોમન ગણતરી હતી જે ગામ ને પાદર બેસેલાં હથિયાર ધારી યુવકો નાં ટોળાં ને જોઈ સાચી પડતી માલુમ પડી.

"ભાઈ કાના લાગે છે આ લોકો આપણી જ રાહ જોઈને બેઠાં છે.. જો આગળ બે યુવાનો ઊભાં એ છે સેજલ નાં પિતરાઈ એભલ અને સુરો.. "વિરજી એ કાના ની તરફ જોઈને કહ્યું.

"આપણી નહીં એમનાં મોત ની રાહ જોઈને ઊભાં છે ભેરુ.. "કાનો પણ કંઈ કોઈના બાપ થી ગાંજ્યો જાય એમ નહોતો.

કાના અને વિરજી એ એ લોકો ના ટોળાં થી લગભગ દસેક હાથ દૂર પોતાનાં ઘોડા ની લગામ ખેંચી ઘોડાને અટકાવ્યા.. અને છલાંગ મારી એ લોકો ની સામે આવી ને ઊભાં રહ્યાં.

"એ વિરજી તું નાહક આ મામલા માં દખલ ના આપ.. તું અમારા ગામ નો છે અને લીલા બા નો દીકરો છે.. એમનાં માટે અમને માન છે એટલે તને સાવચેત કરીએ છીએ કે તું આ કાના ને અમારા હવાલે મૂકી તારા ઘર ની વાટ પકડ.. "સુરા એ કાના ની જોડે વિરજી ને જોઈને કહ્યું.

"સુરા તું ક્ષત્રિય નો દીકરો છે તો હું પણ કણબી નો દીકરો છું.. માટી માં એક કણ વડે કઈ રીતે મણ માં અનાજ લેવું એની આવડત છે અમને.. અને આ કાના ની દોસ્તી તો મેં છે ને એવાં હજારો અને લાખો બીજ રૂપી લાગણીઓ ને કેળવી ને મેળવી છે એટલે જીવ છૂટવો હોય તો છૂટે પણ આ દોસ્તી નહીં તૂટે.. "કાના નાં હાથ ને પકડી ને વિરજી એ કહ્યું.

"તો પછી તું પણ થઈ જા તૈયાર યમરાજા ના દર્શન કરવા માટે.. "

આટલું કહી એભલે પોતાનાં હાથ માં રહેલી ડાંગ ને વિરજી ઉપર વીંઝી.. પણ કાના એ પોતાનો હાથ વીજળી ના પલકારા જેટલા સમય માં વચ્ચે લાવી એ ડાંગ ને પોતાનાં મજબૂત હાથ થી રોકી લીધી.. આ જોઈ સુરા એ કાના પર ડાંગ ઉગામી તો વિરજી એ એનો ઘા પોતાનાં હાથ વડે રોકી ને એ ડાંગ ને પોતાનાં હાથ થી મજબૂત પકડી લીધી.

કાના અને વિરજી ની આ હરકત થી સુરો અને એભલ અકળાઈ ગયાં.. બંને ઘણી કોશિશ પછી પણ એમની ડાંગ ને કાના અને વિરજી નાં હાથ માં થી છોડાવી ના શક્યાં એટલે ખિજાઈને એમનાં દોસ્તો ને કહ્યું.

"અરે બાયલાઓ ની માફક કેમ ઉભા છો.. ?તૂટી પડો આ બંને પર.. "

એભલ અને સુરા નો હુકમ સાંભળી એ લોકો હરકત માં આવ્યા અને લાકડીઓ લઈને કાના અને વિરજી તરફ આગળ વધ્યા.. કાનો અને વિરજી પણ મુત્સદ હતાં એટલે એમને સુરા અને એભલ ની ડાંગ ને આંચકી લઈ ને એ લોકો ના પ્રહાર ને ખાળી દીધો.. બસ પછી તો જાણે વાતાવરણ માં ડાંગ અથડાવવાનો અને કાના તથા વિરજી ના પ્રહાર થી એભલ અને સુરા નાં માણસો નાં હાડકાં ભાંગવાનો અવાજ પ્રસરી ગયો.

કાના નાં મજબૂત હાથ થી પકડાયેલી ડાંગ જાણે મોત નું નગ્ન નૃત્ય કરતી હોય એમ આમ થી તેમ ઘુમી રહી હતી. એનાં માંસલ અને સશક્ત બાવડાં થી થતો દરેક ઘા જાણે મરણતોલ હોય એમ એભલ અને સુરા નાં માણસો ને અધમુંવા કરી મુકવા કાફી હતો.. ત્રણ ચાર નાં માથા ફૂટી ગયાં તો ઘણાં નાં હાથ અને પગ નાં હાડકાં ભાગી ગયાં.. હવે વધુ સમય માર સહન કરવાની કે કાના અને વિરજી સામે લડવાની તાકાત એ લોકોના માં બચી નહોતી એટલે એ રણમેદાન છોડી ભાગી ગયાં.. એભલ અને સુરા ની ગાળો કે બુમો પણ એમને રોકી ના શકી.

હવે સુરો અને વિરજી તથા કાનો અને એભલ સામે સામે હતાં.. હવે મુકાબલો હતો એભલ અને સુરા ના અહમ ને જમીનદોસ્ત કરવાનો.. "હર હર મહાદેવ" નાદ સામે વિરજી અને કાનો તો એભલ અને સુરા પર જાણે ગીધ કોઈ મડદાં ને જોઈ તૂટી પડે એમ તૂટી જ પડ્યાં.. સુરા અને એભલ નો એમનાં પ્રહાર ને ખાળવાનો તમામ પ્રયાસ જાણે વિફળ થઈ ગયો અને એ બંને નિઃસસ્ત્ર બની ગયાં. કાના ને મોત ને ઘાટ ઉતારવા આવનાર એ બંને અત્યારે જમીન પર પડ્યાં હતાં અને કાના જોડે જીવ ની ભીખ માંગી રહ્યાં હતાં.

એભલ અને સુરો મનોમન માનતાં હતાં કે આજે તો કાનો એમને જીવતાં નહીં છોડે પણ એમની બધી જ ગણતરી થી વિપરીત કાના એ પોતાની ડાંગ ફેંકી દીધી અને પોતાનાં બંને હાથ લંબાવી એભલ અને સુરા ને ઊભાં થવામાં મદદ કરી એ જોઈ એ બંને તો આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયાં.

"તો શું તે અમને બક્ષી દીધાં.. ?" એભલ એ કાના ની તરફ જોઈ સવાલ કર્યો.

"અરે તમે કંઈ થોડાં મારાં દુશ્મન છો.. તમે ભલે મને તમારો દુશ્મન માનો પણ હું તમારા માટે એ ભાવ ધરાવતો નથી.. મારે મન તો સેજલ નાં ઘર નું દરેક સદસ્ય મારાં ઘર ના સદસ્ય જેવું છે.. હું ધારું તો સેજલ ને ભગાવી ને પણ લઈ જઈ શકું એમ હતો.. પણ એવું કરું તો તમારા ઘર ની આબરૂ અને પ્રતિષ્ઠા દાવ પર લાગે. હું તો સેજલ નાં પિતાજી ને મળી મારાં માટે સેજલ નો હાથ માંગવા આવ્યો હતો.. જો સેજલ ની ખુશી નું વિચારતાં હશે તો એ મારી વાત માની જશે એવી મને ખાત્રી હતી અને આમ કરવાથી એમની આબરૂ જશે નહીં પણ પોતાની દીકરી ની ખુશી માટે નાત જાત અને ઊંચ નીચ ના વાડા તોડવા વાળી વ્યક્તિ તરીકે એ સમગ્ર પંથક માં માન પામશે.. બાકી જો તમે ઇચ્છતા હોય કે મારો જીવ લઈ તમને સંતોષ મળશે તો આ રહી મારી ગરદન.. ચલાવી દો એનાં પર તલવાર.. બાકી સેજલ વગર ની આ જીંદગી કરતાં મને મોત વ્હાલી છે.. "કાના એ પોતાની ગરદન ઝુકાવી કહ્યું.

અચાનક કોઈએ કાનાની ઝુકેલી ગરદન ને ઊંચી કરી.. આ કારણ થી કાનો થોડો ચમક્યો.. એને નજર ઉઠાવી જોયું તો કોઈ પચાસેક વર્ષ નાં મજબૂત કદ કાઠી ધરાવતાં મોભાદાર વ્યક્તિ સામે ઊભાં હતાં.

"દીકરા આ ગરદન ઝુકવા માટે નથી બની.. આ ગરદન તો ઝુકાવવા માટે બની છે.. હું માનસિંહ.. સેજલ નાં બાપુ.. મેં મારી સેજલ ની પસંદ ને સમજ્યા વગર જ નાત જાત નાં ત્રાજવે એનાં પ્રેમ ને તોલ્યો એ બદલ હું દિલગીર છું.. તારી બહાદુરી મેં મારી નરી આંખે જોઈ અને તારાં ઉચ્ચ વિચારો પણ મેં મારાં સગા કાને સાંભળયા છે.. તારા જેવો વીર અને ગુણી પુરુષ જો સેજલ નો ભરથાર બનતો હોય તો મને કાંઈ વાંધો નથી.. મારાં આશીર્વાદ અને સહમતિ તમારી જોડે છે.. અત્યાર સુધી તારા પ્રત્યે જે મન માં વેર રાખ્યું એ બદલ મને માફ કરજે.. "માનસિંહ પોતાનાં હાથ જોડી બોલી રહ્યાં હતાં.

કાના એ માનસિંહ નાં જોડાયેલાં હાથ ને પોતાનાં હાથ માં લઈ માનપૂર્વક નીચે કર્યાં અને એમનાં ચરણ સ્પર્શ કરીને બોલ્યો..

"તમે મારાં પિતાતુલ્ય છો એટલે તમારે મારી જોડે માફી માંગવાની ના હોય.. હું તમને વચન આપું છું કે તમારી દીકરી ને રતીભાર પણ દુઃખ નહીં પડવા દઉં.. એની દરેક ખુશી માટે હું હંમેશા સમર્પિત રહીશ.. "

"બેટા સેજલ અહીં આવ તો.. "થોડે દૂર ઉભેલી સેજલ ને પોતાની તરફ બોલાવી કહ્યું. એભલે જ્યારે નાથુ ને માનસિંહ ને ઘરે બોલાવવા મોકલ્યો ત્યારે માનસિંહ ની પાછળ પાછળ ચંપાબેન અને સેજલ પણ ત્યાં પહોંચી ગયાં હતાં.

સેજલ અને કાના ની નજરો પરસ્પર મળી એટલે ખુશી નાં લીધે એ બંને ની આંખો માં આંસુ ઉભરાઈ આવ્યાં... સેજલ અને કાના એ વારાફરતી ચંપાબેન અને માનસિંહ નાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા.. ત્યાર બાદ એભલ અને સુરા એ પણ ગળે મળી કાના ને અભિનંદન પાઠવ્યા.. વિરજી તો આ અદ્ભૂત દ્રશ્ય જોઈ જાણે રડી જ પડ્યો.. પોતાનાં મિત્ર ની જીંદગી મા આવેલાં આ સુંદર પ્રસંગ ની સાક્ષી બનવાનો એને અંતઃકરણ થી આનંદ હતો જે એનાં ચહેરા પર થી સ્પષ્ટ જોઈ શકાતું હતું.. !

માનસિંહ સાથે થોડો ઘણો વાર્તાલાપ કર્યાં બાદ કાનો વિરજી ની તરફ વધ્યો અને આંખો થી જ એનો આભાર માની વિરજી ને ગળે મળ્યો.. આ પ્રસંગ ભરત અને રામ નું મિલન થયું હોય એવો ભાસતો હતો.

"ભેરુ તારા સાથ વગર આ બધું શક્ય નહોતું.. તારો આ ઉપકાર હું કઈ રીતે ઉતારી શકીશ.. ?" વિરજી ને ઉદ્દેશીને કાનો બોલ્યો.

"એકબાજુ ભેરુ બોલે ને બીજી બાજુ મેં ઉપકાર કર્યો તારા પર એવું બોલે.. આવું થોડી ચાલે મારાં મિત્ર.. હા અને જો તારે મારો આ ઉપકાર ઉતારવો હોય તો એક કામ કરવું પડશે.. "વિરજી એ કહ્યું.

"હા બોલ ને યાર.. આ શરીર માં વહેતાં લોહી નું છેલ્લો કતરો વહી જાય ત્યાં સુધી આ ઉપકાર નો બદલો આપવો પડશે તો પણ હું તૈયાર છું.. "વિરજી એ મક્કમ અવાજે કહ્યું.

"ભાઈ આમ લોહી નથી વ્યય કરવાનું.. તારું તો સેજલ હારું ગોઠવાઈ ગયું.. હવે મારું અને મીના નું પણ ચોકઠું પાકું ગોઠવાઈ જાય એની ગોઠવણ કરો.. "હસીને વિરજી બોલ્યો.

"સારું તો આજે જ લીલા બા ને મળી ને તારી અને મીના ની વાત કરું અને એમને કહી તારી અને મીના ના લગ્ન ની વાત માટે નું માંગુ મીના નાં ઘરે મોકલું.. બસ હવે તો ખુશ ને મારાં ભાઈલા.. ?" કાના એ કહ્યું.

"બહુ જ ખુશ.. "કાના ને ગળે લગાવી વિરજી બોલ્યો.

***

બસ પછી તો કાના ના કહેવાથી લીલાબેને પોતાનાં દીકરા વિરજી નાં લગ્ન ની વાત મીના ના ઘરે ચલાવી.. લીલાબેન નું સરપંચ હોવું અને એમનો સુખી સંપન્ન પરિવાર ઉપરાંત વિરજી પોતે પણ સંસ્કારી હોવાની છાપ ધરાવતો હોવાથી ના આવવાનો તો સવાલ જ નહોતો.

બસ પછી તો વસંત પંચમી ના દિવસે કાના અને સેજલ ની સાથે વિરજી અને મીના નાં લગ્ન નું નક્કી થઈ ગયું.. પોતાનાં બંને મિત્રો એ પોતપોતાનું ગોઠવી લીધું પણ પોતાની તરફ ધ્યાન જ ના આપ્યું આ વાત થી વ્યથિત ગાભુ ને જોઈ કાનો અને વિરજી જાતે જ જઈ સેજલ ની સહેલી રેખા નાં ઘરે જઈ એ બન્ને નું પણ નક્કી કરી આવ્યાં.. રેખા નું ઘર પૈસેટકે ગરીબ હતું એટલે સેજલ અને મીના ની હારે જ એક જ મંડપ માં પોતાની દીકરી નાં લગ્ન થઈ જાય તો ખર્ચો બચી જશે એ કારણ થી એમને હામી ભરી દીધી.. આ ઉપરાંત કાના એ એમને એ પણ કહ્યું કે ગાભુ ના ઘરવાળા ને કંઈપણ દહેજ ની જરૂર નથી એટલે એમને રેખા સાથે ગાભુ નાં લગ્ન ની વાત ને ઉમળકાભેર વધાવી લીધી.

વસંત પંચમી નાં દિવસે એક જ મંડપ માં સેજલ,મીના અને રેખા નાં અનુક્રમે કાના,વિરજી અને ગાભુ સાથે ધામધૂમ થી લગ્ન કરવામાં આવ્યાં.. માનસિંહ નું પર નાત માં દીકરી ની ખુશી માટે એનાં લગ્ન કરાવવાનો ફેંસલો મોટાભાગ નાં લોકો ને યોગ્ય લાગ્યો હતો.. ત્રણેય યુગલો એ વડીલો નાં આશીર્વાદ લીધાં અને પ્રભુતાં નાં પગલાં પાડવા પોતપોતાની સાસરી તરફ પ્રયાણ કર્યું.

મીના નાં લગ્ન તો એનાં જ ગામ થયાં હતાં એટલે એને તો અવારનવાર પોતાનાં ઘરે આવવા જવાનું થશે જ એમ વિચારી એ વધુ દુઃખી નહોતી થઈ.. પણ સેજલ અને રેખા તો પરગામ જતી હોવાથી વિદાય પ્રસંગે બહુ રડી.. એમાં પણ સેજલ નું રુદન જોઈ એને ગળે મળી રડતાં માનસિંહ ને જોઈ ત્યાં હાજર સર્વ ની આંખો છલકાઈ ગઈ.

કાના ની અને ગાભુ ની જાન રાવટા પહોંચી ગઈ એટલે ત્યાં પણ એમનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યો.. આજે એ યુવતીઓ પોતાનાં ઘર ની દીકરી મટીને કોઈ પારકાં ઘર ની પુત્રવધુ બની ગઈ હતી.. પુત્ર વધુ એટલે પુત્ર થી પણ વધુ.. બધાં લોકો ખુશ હતાં પણ ગામ માં એક વ્યક્તિ એવું પણ હતું જે ખૂબ જ દુઃખી હતું એનું નામ હતું 'હિરલ'. હિરલ તો નાનપણ થી એક જ સપનું જોતી હતી કે કાના ની પત્ની બનવું પણ કાના ની જીંદગી માં કોઈ બીજાં નું નામ લખાઈ ચૂક્યું હતું એ વાત એને દુઃખ પહોંચાડી ગઈ.. છતાંપણ હિરલ પોતાની વાત પર મક્કમ હતી કે પાણી ભરીશ તો કાના ના ઘર નું નહીં તો કુંવારી જ મરી જઈશ.

લગ્ન પછી ની બીજી વિધિઓ પતાવ્યાં પછી આજ ના દિવસે બંને યુગલો એ પતિ પત્ની હોવાનાં સુંવાળા અહેસાસ નો અનુભવ કર્યો. સેજલ તો આજે નદી જેમ સાગર માં સમાઈ જાય એમ કાના માં સમાઈ ગઈ હતી.. આજે તો બંધ ઓરડામાં જ્યારે એક પછી એક પરિધાન હટતાં ગયાં એમ એમ એક બીજા ના પ્રેમસાગર માં ડૂબી જવાની કાના અને સેજલ ની આતુરતા વધી ગઈ.

અધરો થી શરૂ થયેલો પ્રેમનો સ્વાદ આજે પરિપૂર્ણ થઈ ગયો હતો.. એવો સુંદર અનુભવ જેમાં દર્દ હતો પણ એ મીઠો હતો.. જેને શબ્દો માં વર્ણવવો અશક્ય હતો એ પ્રાપ્ત કરી આજે સેજલ કળી માં થી ફૂલ બની ગઈ હતી.. મોડે સુધી એકબીજા ને વધારે માં વધારે પ્રેમ આપવાની જાણે હોડ મચી હોય એમ કાનો અને સેજલ પ્રયત્ન શીલ રહ્યાં.. આખરે થાક નાં લીધે ક્યારે એ બંને મીઠી નીંદર માં પોઢી ગયાં એની જાણ જ ના રહી.

સવારે ઉઠી ને જ્યારે સેજલે પોતાનાં રૂપ ને અરીસા માં નિહાળ્યું ત્યારે એને મહેસુસ કર્યું કે એનાં યૌવન માં કંઈક ખૂટતું હતું જે આજે પૂર્ણ થઈ ચૂક્યું છે.. પોતાનાં મનમીત એવાં કાના ને પોતાનાં પતિ તરીકે મેળવી સેજલ ખુબજ ખુશ હતી. એની ખુશી નો કોઈ પાર નહોતો.. અત્યાર સુધી જે કંઈપણ થતું આવ્યું એ કોઈ સપનું તો નથી ને એ જોવા એને પોતાની જાત ને એક વાર ચૂંટી પણ ખણી જોઈ.. પણ ના આ સપનું નહોતું.. આ સત્ય હતું એ કાના ની થઈ ચૂકી હતી.. હંમેશા માટે.. સેજલ કાનાભાઈ આહીર મનોમન એ બોલી અને પછી શરમાઈને પોતાનો ચહેરો મહેંદી મુકેલી પોતાની હથેળી માં છુપાવી લીધો.

સેજલ ની આ હરકતો ને પથારી માં પડ્યાં પડ્યાં જોતો કાનો પણ મંદ મંદ હસી રહ્યો હતો.. આજે એ પણ પૂર્ણ થઈ ચૂક્યો હતો સેજલ ને એની પત્ની નાં રૂપ માં પ્રાપ્ત કરીને.. !!

વધુ આવતા અંકે.

આ તો આ નવલકથા નો અંત આવી ગયો હોય એવું લાગે છે એવું વિચારતાં વાંચકો ને એટલું જ કહેવાનું કે આતો હજુ શરૂવાત છે.. આ નવલકથા ના શીર્ષક માં જે બદલા ની વાત છે એ કેવો હતો, કેમ હતો અને કોનાં જોડે કોણ લેવાનું હતું એ હજુ જોવાનું બાકી છે.. આગળ જતાં આ નવલકથા તમને રડાવી મુકશે એ પાકું છે.. અને હજુપણ એક રસપ્રદ સફર ની શરૂવાત બાકી છે.. જે તમારો રસ નવલકથા ના અંત સુધી બનાવી રાખશે.

આ નોવેલ નો નવો ભાગ આવતાં સપ્તાહે. આ નોવેલ અંગે આપનો અભિપ્રાય આપ કોમેન્ટ બોક્સ માં આપી શકો છો.. આ ઉપરાંત માતૃભારતી ઉપર મારી અન્ય નોવેલ દિલ કબૂતર પણ વાંચવા વિનંતી.. આભાર!!

-દિશા આર. પટેલ