ડણક ૨ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડણક ૨

ડણક

A Story Of Revenge.

ભાગ:-૨

(ઝરખ ના ટોળાં નો શિકાર કરવાની જવાબદારી પંચ ની હાજરી માં સ્વીકાર્યા બાદ કાનો, જુમન, ગાભુ અને વિરજી એ માટે તૈયારી કરી પહોંચી જાય છે એ હિંસક પશુ ના શિકાર પર. એમનાં છટકામાં ફસાયેલા ઝરખ અત્યારે મૃત બકરી નું ભોજન આરોગી રહ્યાં હતાં.. હવે વાંચો આગળ.. )

અચાનક એક સળવળાટ થયો અને કાનો અને જુમન એ ટોળાં ની સામે આવી ને પડ્યાં.. ચંદ્ર ની આછી રોશની માં એ ઝરખ ના લોહી થી ખરડાયેલા ચહેરા બહુ વિકૃત ભાસી રહ્યાં હતાં. પોતાની મિજબાની વચ્ચે આવી ચડેલાં આ વગર નિમંત્રણ નાં મહેમાનો ને જોઈ એમને બકરી ને પડતી મૂકી અને જુમન તથા કાના પર તૂટી પડવા આગળ વધ્યાં.

પણ એમને ક્યાં ખબર હતી કે કાનો અને એનાં મિત્રો તો એમનો કાળ બની ને આવ્યાં હતાં.. જેવાં એ ઝરખ એમની તરફ આવ્યાં એવી જ કાના એ માચીસ કાઢી અને એ જ્યાં ઊભાં હતાં ત્યાંથી થોડે દુર છૂટી ફેંકી.. ત્યાં ઉગેલ સૂકા ઘાસ માં નાંખેલ કેરોસીન ના લીધે માચીસ ની એક સળી એ મોટો ભડકો કરી દીધો જેની આગ માં એક ઝરખ નું ભડથું થઈ ગયું.. પોતાનાં સાથી ની આવી દશા જોઈ ઝરખ નું બાકી નું ટોળું અંજાઈ ગયું અને ભાગવા ની કોશિશ કરવા લાગ્યું.

"ગાભુ તમારી બાજુ આવે છે.. "કાના એ બુમ પાડી અને ગાભુ અને વિરજી ને સાવધ રહેવા કહ્યું.

નાસતાં એ ઝરખ નાં ટોળાં ની પાછળ કાના એ અને જુમને ખૂબ જ તીવ્રતા એ છલાંગ લગાવી.. દોડતાં દોડતાં જ જુમને પોતાનો ભાલો કસકસાવી ને ઘા કર્યો જે સીધો જ એક ઝરખ ના પેટ ની આરોપાર નીકળી ગયો અને એ ઝરખ એ ત્યાં જ દમ તોડી દીધો.. બીજી તરફ કાના ની ઝડપ અને સ્ફૂર્તિ ના લીધે એક દોડતાં ઝરખ ને કાના એ પોતાની ડાંગ વડે ભોંય ભેગું કરી દીધું.

કાનો અને નીચે જમીન પર પડેલું ઝરખ હવે સામસામે હતાં.. એક હિંસક રાની પશુ ને પોતાના થી ફક્ત બે હાથ દૂર હોવા છતાં કાના ની આંખો માં ન હતો ડર કે ના હતો કોઈ જાત નો ભય.. આવા સંજોગો માં પણ કાના ના હૃદય ની ગતિ અને શ્વાસો ની અવરજવર એકદમ શાંત હતી.. કાના ની નજર પણ એ ઝરખ ની દરેક હરકત પર હતી.. સહસા એ ઝરખે કાના ની તરફ નજર નાંખી અને કુદકો મારી એની ઉપર ચડી બેઠું.. પણ કાનો તૈયાર હતો, જેવી એ ઝરખે છલાંગ મારી એ જ સમયે કાના એ એ ઝરખ ની ડોક ને મજબૂતાઈ થી પકડી લીધી.

એ ઝરખ ના પોતાની પર કુદવાથી કાનો જમીન પર તો પડ્યો પણ ઝરખ ની ડોક હજુ એનાં હાથ માં હતી. કાના ના શરીર પર દાંત બેસાડી દેવાની ભરચક કોશિશ માં એ ઝરખ લાગ્યું હતો.. પણ આ એજ કાનો આહીર હતો જેને એકવાર પાણી નાં વ્હેળા માં મગર ની પકડ માં થી એક બાળક ને બચાવવા પોતાના જીવ ની પણ પરવાહ નહોતી કરી અને મગર ને મારી ને એ બાળક ને છોડાવ્યું હતું તો આ ઝરખ ની તો એનાં બળ અને સાહસ આગળ શું વિસાત. ?

અચાનક કાના એ પોતાનાં દાંત ભીંસ્યા અને પોતાનાં ફાટફાટ થતાં બાવળાં ની તાકાત વડે એ ઝરખ નું ગળું ૧૮૦ ડિગ્રી એ મરડી ને એને મોત ને ઘાટ ઉતારી દીધું.. ત્રણ ઝરખ કાળ ના છપ્પર માં હોમાઈ ગયાં હતાં જ્યારે બાકી ના ચાર પણ પોતાની મોત તરફ આગળ વધી રહ્યાં હતાં.

ગાભુ અને વિરજી પણ બીજી બાજુ તૈયાર હતાં એ ઝરખ નો સામનો કરવા માટે. કાના નાં ખાસ મિત્ર એવાં ગાભુ અને પાડોશી ગામ ના સરપંચ નો દીકરો વિરજી પણ કાના ની જોડે રહી એનાં બધાં દાવપેચ શીખી ગયાં. એમનાં લોહી માં પણ સોરઠ ની ધરા ની ખુમારી વહેતી હતી.

ગાભુ અને વિરજી જ્યાં ઊભાં હતાં ત્યાંથી સહેજ આગળ એક ખાડો ખોડવામાં આવ્યો હતો જેની ઉપર થોડું ઘાસ નાંખી એને ઢાંકવામાં આવ્યો હતો.. આ ખાડા ની અંદર લાકડાનાં મોટાં ભાલા જેવા ટુકડા ઊભાં કરી દેવાયાં હતાં.. આ પેંતરો જુમન ને સુઝાવ્યો હતો.

જેવાં એ ઝરખ વિરજી અને ગાભુ ની દિશા માં આવ્યાં એટલે એમને પોતાની જોડે રહેલ ટોર્ચ નો પ્રકાશ એ ઝરખ ની આંખો તરફ ફેંક્યો જેનાથી ચમકી ને એ ઝરખ નું ટોળું બીજી તરફ આગળ વધ્યું. એમની યોજના મુજબ વધેલાં ઝરખ ને ખાડા ની દિશા માં વળ્યાં.

એમની યોજના સફળ બની અને બે ઝરખ એ ખાડા માં પડ્યા અને લાકડા ના એ અણીદાર ટુકડા એમના શરીર ની આરપાર નીકળી ગયાં. પણ બીજાં બે ઝરખ ત્યાં જ અટકી ગયાં અને પોતાની જાત ને સંભાળી લીધી ખાડામાં પડતાં પડતાં.

હવે વધેલાં બે ઝરખ વિરજી અને ગાભુ ની દિશા માં આગળ વધ્યા.. વિરજી અને ગાભુ ને ગણતરી નહોતી કે આમ ઝરખ એમની તરફ પાછાં આવશે.. એક ઝરખે ગાભુ પર કુદકો માર્યો તો બીજાં એ વિરજી પર.. વિરજી હતો મજબૂત બાંધા નો અને કસાયેલા દેહ નો માલિક એટલે એને પોતાની જાત ને સંભાળી લીધી અને પોતાની ખેસ માં છુપાવેલું ખંજર કાઢી એ ઝરખ ના ગળા માં ઘુસેડી દીધું અને એનો અંત આણી દીધો.

પણ આ તરફ સુકલકડી દેહ નો ગાભુ ઝરખ ના ઘાતક વાર થી બચવા ની કોશિશ કરી રહ્યો હતો.. પણ બચેલું ઝરખ જાણે મરેલાં પોતાનાં સાથી ઓ નો બદલો લેતું હોય એમ ગાભુ ને મારવા મથી રહ્યું હતું.. ગાભુ ની ઘણી કોશિશો છતાં એ ઝરખ ના દાંત એના ખભા માં ઉતરી ગયાં અને ગાભુ ના મુખે થી મદદ ની ચીસ રૂપે "કાના.. બચાવ"નીકળી ગયું.

ગાભુ ની મરણતોલ ચીસ સાંભળી કાના એ પોતાની નજીક પડેલાં જુમને મારેલાં મૃત ઝરખ ની અંદર ઘુસેલો જુમન નો ભાલો નિકાળ્યો અને ગાભુ ના અવાજ ની દિશા માં દોટ મૂકી.. ઝરખ ના દાંત ધીરે ધીરે ગાભુ ના ખભા માં ઊંડા ખૂંપી રહ્યાં હતાં અને દર્દ ના માર્યા ગાભુ નો જીવ તળિયે ચોંટ્યો હતો ત્યાં જ એક ઝટકા સાથે એ ઝરખ ઉછળીને પોતાનાં પર થી દૂર ફેંકાયું એવું ગાભુ ને મહેસુસ થયું.

ભગવાન નો આભાર માનતાં ગાભુ એ નજર ઊંચી કરી જોયું તો એ ઝરખ ના પેટ ની આરપાર ભાલો ઉતરી ગયો હતો અને એની ઉપર મોત બની સવાર થયેલું ઝરખ હવે દુનિયા ને છોડી ચૂક્યું હતું. ગાભુ જાણતો હતો એ ભાલો ફેંકનાર બીજું કોઈ નહીં પણ યારો નો યાર, દિલદાર એવો એનો ભેરૂબંધ કાનો છે.

ચાર નવયુવકો એ આજે અશક્ય લાગતું કામ પોતાની બુદ્ધિ અને બળ ના જોરે કરી બતાવ્યું હતું. ઝરખ નાં એ હિંસક ટોળાંનો શિકાર કરવા માટે એક મરેલી બકરી અને થોડાં છટકા ગોઠવી કાના એ પોતાના મિત્રો ની મદદ થી એ ઝરખ ના ટોળાં ને હતું ના હતું કરી દીધું એ કંઈ નાનીસુની બાબત તો નહોતી જ.

સવાર પડતાં તો બળદ ગાડા માં એ ઝરખ ના ટોળાં ના મૃતદેહો ખડકી ને કાનો એનાં દોસ્તો સાથે પહોંચી ગયો પંચાયત ની સમક્ષ. કાના અહિરે ઝરખ ના ટોળાં નો ખાત્મો કર્યો હોવાની વાત સાંભળી આજુબાજુ ના ગામ ના ઘાડે ધાડા રાવટા ગામ માં ઉતરી આવ્યાં.. બધાં સરપંચ ની હાજરી માં કાના અને એનાં મિત્રો નું સન્માન થયું અને કાના ને ઈનામી રાશિ આપવામાં આવી.

પોતાની શરત મુજબ કાના એ ઝરખ ના મૃતદેહ જુમન ને સુપ્રત કરી દીધાં.. અને મળેલી ઈનામી રકમ માં થી પણ એક હજાર રૂપિયા જુમનને આપ્યાં. જતાં જતાં કાના ને ગળે લગાવી જુમને કહ્યું.

"મારા ભાઈ ભવિષ્ય માં કામ પડે તો યાદ કરજે.. તારા જેવાં દોસ્ત માટે તો જીવ આપતાં પણ નહીં ખચકાઉં.. "

ગાભુ ની જરૂરી સારવાર પણ કાના એ બાજુ માં રહી ને કરી.. પોતાનાં શબ્દો નું માન રાખવા પોતાનાં જીવ ની પણ પરવાહ ના કરનારાં પોતાનાં આ ભડવીર મિત્ર ને જોઈ ગાભુ ની આંખ માં હર્ષ ના આંસુ ઉભરાઈ આવ્યાં. ગાભુ એ મનોમન ઈશ્વર નો ઉપકાર માનતાં કહ્યું.. 'ભાઈ કરતાં પણ સવાયો ભાઈબંધ આપવા માટે તારો લાખ લાખ ઉપકાર.. જો ભવિષ્ય માં કાના માટે મારા લોહી નું દરેક ટીપું પણ વહી જાય તો મને કોઈ ગમ નથી. "

વિરજી એ પણ ભીની આંખો એ કાના ની વિદાય લીધી. થોડાં દિવસ ની કાના ની મિત્રતા માં વિરજી ને પણ ભાઈ જેવો ભેરુ મળ્યો હતો એ વાત ની ખુશી હતી.. આ ઉપરાંત વિરજી એ વિચારી ઉત્સાહિત હતો કે હવે ભવિષ્ય માં એના સંતાનો ને પોતાનાં અને પોતાનાં મિત્રો ની આ અપ્રીતમ સહસકથા કહી શકશે.

***

એ દિવસ પછી કાના આહીર ને લોકો ચહેરે થી ઓળખે ના ઓળખે પણ નામ થી જરૂર ઓળખતાં. ગામ ની ઘણી યુવતી ઓ મરતી હતી કાના ની ઉપર. આજુબાજુ ના ગામ માં થી પણ કાના માટે લગ્ન માટે ઘણી બધી વાતો આવી હતી પણ કાનો હજી મારે લગન કરવાની વાર છે એમ કહી એ બધી વાતો ને નકારી દેતો.

રાવટા ગામ માં રહેતી હિરલ પણ કાના ને પોતાનો મનમીત માની બેઠી હતી.. સહેજ શ્યામવર્ણી કાયા અને ઉલાળા મારતું હિરલ નું યૌવન ગામ ના ઘણાં યુવકો ને ઘાયલ કરી જતું હતું. હિરલ નો દેહાકાર જાણે ખજુરાહો ના મંદિર માં બનેલી સુંદર પ્રતિમા ની ઝાંખી કરાવતો હતો. માફકસર નું શરીર પણ એની ઉપર બે ઉન્નત ટેકરી જેવાં ઉરોજ પ્રદેશ હિરલ ને વધુ આકર્ષક બનાવી રહ્યાં હતાં.

પોતાનાં ખેતરે ગાય ભેંશ માટે ચારો લેવાં હિરલ ને જોવા ગામ ના જુવાનિયાઓ સવાર સાંજ એનાં જવા આવવાનો સમય સાચવી લેતાં. હિરલ ના એક હુકમ પર કેટલાંય યુવકો જીવ આપી દેવા પણ તૈયાર હતાં, પણ હિરલ પોતાની જાન આપતી કાના પર. હિરલે તો તન અને મન થી કાના ને જ પોતાનો સર્વસ્વ માની લીધો હતો.

પણ આ તરફ કાનો હિરલ ને થોડી પણ મચક આપતો નહીં. હિરલ ઘણીવાર ખેતર માં એકલી કાના ને મળવા જતી. પોતાનાં રૂપ અને અદા થી કાના ને આકર્ષવાની ભરચક કોશિશ થતી પણ કાના તરફ થી હંમેશા એને ઉપેક્ષા જ મળતી. એની બધી કોશિશો કાના આગળ વ્યર્થ જતી. છતાંપણ હિરલે મનોમન નક્કી કરી લીધું હતું કે "પાણી ભરીશ તો કાના ના ઘર નું નહીં તો આજીવન કુંવારી જ રહીશ"

જ્યારે કાનો અને ગાભુ રાતે એકલાં ખેતર માં બેસતાં ત્યારે ગાભુ ઘણીવાર કાના ને કહેતો..

"ભાઈ આખું ગામ જેની એક ઝલક જોવા તલપાપડ થઈ ઉઠે છે એ હિરલ તારા પર મરે છે.. પણ તું છે કે એની સામે સરખી નજર પણ નથી નાંખતો.. ભાઈ તે શું ધાર્યું છે એ તો જણાવ.. એવું તો નથી ને કે બીજી કોઈ છોકરી મન માં વસી ગઈ છે.. ?"

ગાભુ ની આવી વાતો સાંભળી મલકાઈને બોલતો.. "અલ્યા ગાભુ તારાં થી ક્યારેક કંઈ છુપાવ્યું છે ખરું કે હવે છુપાવીશ.. ભાઈ હિરલ સારી છોકરી છે, એ દેખાવે પણ ઘણી સુંદર છે અને એનો પરિવાર પણ સારો છે.. પણ એને જોઈ મને મન માં કોઈ લાગણી નથી આવતી. હૃદય માં જે ભાવ કોઈ મન માં વસેલી છોકરી ને જોઈ આવવા જોઈએ એ મને હિરલ ને જોઈ નથી આવતાં.. "

"પણ ભાઈલા હવે તારી ઉંમર થવા આવી કોઈ સારી છોકરી શોધી ઝટ પરણી જા એટલે અમે પણ મોહનથાળ ભેગાં થઈએ.. "ગાભુ એનાં સ્વભાવ મુજબ હસીને કહેતો.

"આવશે આવશે.. ક્યારેક તો આવશે મારાં રૂદીયા ની રાણી.. બસ એની જ રાહ જોઈને બેઠો છે તારો આ ભેરુ.. "કાનો મન માં પોતાની ભાવિ પ્રિયતમ વિશે વિચારતાં કહેતો.

કાના ની વાત સાંભળી ગાભુ આકાશ તરફ જોઈ મનોમન પ્રભુ ને પ્રાથના કરી કહેતો"હે ભગવાન મારાં ભેરુ ને જલ્દી એની પ્રિયતમા મળી જાય એવી આપ ને અરજ છે"

***

શ્રાવણ મહિનો ચાલુ હતો.. સૌરાષ્ટ્ર એટલે સાધુ સંતો ની ભૂમિ.. પુણ્યશાળી આત્મા એવાં આપા ગીગા, જલારામ બાપા અને બાપા સીતારામ ની ભૂમિ.. સંત નરસૈયા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની અને રાષ્ટ્રીય શાયર એવાં લોક કવિ ઝવેરચંદ મેઘાણી ની ભૂમિ. જ્યાં હજારો સંતો આવી ને વસ્યાં એ સૌરાષ્ટ્ર ની પાવન ધરતી પણ શ્રાવણ મહિનો આવતાં જ ઠેર ઠેર નાનાં મોટા મેળા ની મોસમ પુરબહાર માં ખીલી ઉઠતી.

આવો જ એક ભવ્ય મેળો ભરાતો જાવંત્રી ગામ ની જોડે આવેલાં બાથેશ્વર મહાદેવ નાં મંદિરે. આજુબાજુ નાં નાનાં મોટાં ગામ માં થી ઘણાં લોકો મહાદેવ નાં દર્શનાર્થે અને મેળા માં મહાલવા માટે આવતાં. કાનો અને ગાભુ પણ પોતાનું બળદગાડું લઈને બાથેશ્વર મહાદેવ નાં મેળા માં આવ્યાં હતાં.

અંગે ભરત ભરેલું કેડિયું, માથે સુંદર પાઘડી અને પગ માં મોજડી સાથે આમ તેમ આંટા ફેરા મારતાં કાના ને જોઈ અવિનાશ વ્યાસ ના સ્વર માં ગવાયેલ એક સુંદર લોકગીત સ્ફુરી ઉઠે.

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !

તારા પગનું પગરખું ચમચમતું રે

અને અંગનું અંગરખુ તમતમતું રે ,

મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !

કાનો પોતાનાં ભત્રીજા રાજુ માટે પાવો ખરીદી રહ્યો હતો ત્યારે એની નજર ચકડોળ માં બેઠેલી એક યુવતી પર પડી.. જાણે કોઈ ભુત જોઈ લીધું હોય એમ કાના ની નજરો એ યુવતી પર જ સ્થિર થઈ ગઈ. એકીટશે કાનો એ અલહળ, નખરાળી, જોબનવંતી યુવતીના રૂપ ને નિહાળવામાં એવો તે ખોવાઈ ગયો કે જલેબી લેવા ગયેલો ગાભુ ક્યારે પાછો આવી એની જોડાજોડ ઉભો રહ્યો એની જાણ જ ના રહી. ગાભુ પણ એ યુવતી ને એકધારી નજર થી જોઈ રહેલાં પોતાના ભેરુ ને રોકવાનાં મૂડ માં નહોતો એટલે થોડો સમય એ ચૂપ જ રહ્યો.

પણ પાંચ મિનિટ થવા આવી પણ કાના ને આજુબાજુ નું કંઈ ભાન ન હોવાનું જ્ઞાત થતાં ગાભુ એ કાના ને ખભા થી હલાવીને કહ્યું.

"એ ભાઈ ક્યાં ખોવાઈ ગયો.. ? આ લે કાંતિકાકા ની સ્પેશિયલ ગરમાગરમ જલેબી.. "

"ક્યારે આવ્યો ગાભુ, ? હું ક્યારનીયે તારી રાહ જોતો હતો.. "કાનો અચકાતાં અચકાતાં બોલ્યો.

"ભાઈ હું તો ક્યારનોય તારી બાજુ માં આવીને ઉભો છું પણ લાગે છે તારું તન અહીં છે પણ મન બીજે ક્યાંક.. ?"કાના ની ફીરકી લેતાં ગાભુ એ કહ્યું.

"અરે એ તો.. "શરમાઈને કાના એ કહ્યું.

"શું એતો.. કોણ છે એ છોકરી.. ?" ગાભુ એ કાના ને ઉદ્દેશીને કહ્યું.

"અરે હું તો નથી ઓળખતો પણ આતો ચકડોળ પર એ જોબનવંતી યુવતી નું સાગર ના મોજાં ની જેમ હિલોળા લેતાં યૌવન ને જોઈ જોઈ હું એની સુંદરતા માં ખોવાઈ ગયો. બસ બીજું કંઈ નહીં.. "ભોંઠપ ભર્યાં અવાજે કાના એ કહ્યું.

"અરે ભાઈ તને આખરે કોઈક તો છોકરી પસંદ આવી બાકી મને તો એમ કે આ વિશ્વામિત્ર ને મનાવવા સ્વર્ગ થી મેનકા ને ધરતી પર ઉતારવી પડશે.. હાલ તો પછી એ છોરી ની મુલાકાત લેતાં આવીએ.. એ બહાને વાત તો આગળ વધે?"મુદ્દા ની વાત પર આવતાં ગાભુ એ કહ્યું.

"હાલ ત્યારે.. અરે પણ ક્યાં ગઈ એ.. હમણાં તો એની સખીઓ ની સાથે ચકડોળ પર હતી.. તો ગઈ ક્યાં!!??ચકડોળ પર એ છોકરી ને ના જોતાં ચમકીને કાના એ કહ્યું.

"અરે હવે શું કરીશું.. ?" સવાલ સૂચક નજરે કાના ની તરફ જોઈ ગાભુ એ કહ્યું.

"અરે હશે ક્યાંક આજુબાજુ માં.. ચાલ ગાભુ એ છોકરી ને આજે તો ગમે તે કરી મળવું પડશે.. હાલ એને ગોતવા.. "વ્યગ્ર સ્વરે કાના એ કહ્યું.

"પણ આટલી બધી વસ્તી માં એ યુવતી મળશે.. ?" ગાભુ એ કહ્યું.

"ભોલેનાથ જો અહીં સુધી લાવ્યા છે તો જરૂર અમારી એક મુલાકાત કરાવશે... મને વિશ્વાસ છે મારાં ભોળા પર.. "મંદિર ની ફરકતી ધજા તરફ જોઈ કાના એ કહ્યું.

"તો હાલ ત્યારે હવે તો કંઇ પણ થાય.. એ છોકરી ને ગોતી ને જ રહીશું.. હાલ ભેરુ હાલ.. "ગાભુ એ કહ્યું.

ગાભુ ની વાત પૂર્ણ થતાં જ કાનો અને ગાભુ નીકળી પડ્યાં કાના ના મન માં વસેલી એ અજાણી સ્વરૂપવાન યુવતી ની ખોજ માં.. !! આ ખોજ પુરી થશે કે નહીં એની તો ખબર ભોલેનાથ જ જાણે.. પણ નિયતી આ બંને ને કોઈ કારણ થી નજીક લાવવા મથી રહી હતી એ તો નક્કી જ હતું. !!

***

કાના ને એ યુવતી ફરી મળશે કે નહીં? હિરલ ના કાના ને એકતરફી પ્રેમ કરવાનો અંજામ શું આવશે? કોનો પ્રેમ કોને મળશે ? આ જાણવા વાંચતા રહો ડણક નો નવો ભાગ આવતાં સપ્તાહે.. !!

- દિશા. આર. પટેલ