ડણક
A Story Of Revenge.
ભાગ:19
( સેજલ ની મોત નો બદલો લેવા કાનો પોતાનાં સાથીદારો સાથે નીકળી પડે છે સાવજ નો શિકાર કરવા.. વિજય નામનો એક ફોરેસ્ટ ઓફિસર પણ એમની સાથે જોડાય છે. પોતાનાં સિદી દોસ્તો ની મદદ થી કાનો આગળ વધે છે.. રાતે એક જગ્યાએ નિરો પર દિપડાં દ્વારા હુમલો થાય છે પણ સમયસુચકતા વાપરી વિજય એને બચાવી લે છે.. કૂતરાં નાં ટોળાં થી બચીને કાનો અને એનાં મિત્રો વિજય ની સલાહ થી નદી ઓળંગવાનું નક્કી કરે છે.. બધાં નદી ની સામેની બાજુ પહોંચી જ ગયાં હોય છે ત્યારે કાનો પાણીમાં કંઈક જોવે છે.. હવે વાંચો આગળ.. )
"પણ શું થયું.. ?" કાના નું આમ બહાર નીકળવાનું આમ અચાનક બોલતાં જુમને પૂછ્યું.
"મેં કહ્યું ને જલ્દી બહાર નીકળો એટલે બહાર નીકળી જાઓ.. "કાના એ ભય અને આજીજી નાં સુરમાં ચિલ્લાઈને કહ્યું.
કાના નાં અવાજ માં રહેલો ભય સમજાતાં વિરજી,જુમન અને અકુ ઉતાવળાં કિનારા તરફ આગળ વધ્યાં.. જુમન અને વિરજી તો બહાર આવી ગયાં પણ અકુ હજી પાણીમાં હતો.. અકુ એ થડ પર રહેલાં છેલ્લા બે થેલા કાના નાં હાથમાં મૂક્યાં. એટલામાં કાના એ ફરીવાર પાણીમાં કંઇક હલચલ જોઈ.. અને આ વખતે એ હલચલ ત્યાં હાજર બધાં ની નજરે ચડી.
"અકુ.. જલ્દી.. જલ્દી બહાર આવ.. "હવે બધાં એકસાથે જોરજોરથી ચિલ્લાવા લાગ્યાં.
અકુ છેક નદીનાં કિનારા સુધી આવવા થયો એટલે કાના એ નદીનાં પાણી માં થોડું આગળ જઈને અકુનો હાથ પકડી બહાર ખેંચવા માટે પોતાનો હાથ લાંબો કર્યો.
અકુ અને કાના નાં હાથ વચ્ચે માંડ બે ત્રણ ફૂટ નો અંતર હતું અને એ બહાર નીકળવા જ આવ્યો હતો ત્યાં એક ઝટકા સાથે એ પાણીમાં પાછો ખેંચાઈ ગયો.. અને એનાં મોંઢે થી 'બચાઓ.. બચાઓ.. "નો પીડાભર્યો ચિત્કાર ગુંજી વળ્યો.
"અકુ.. "આટલું કહી કાનો પાણીમાં કુદવા જ જતો હતો પણ વિરજી એ અકુ ની ફરતેનું દ્રશ્ય જોઈ કાના ને પાણી માં ઉતરતાં રોકી દીધો.. કાના એ ઘણું જોર કર્યું પણ ગાભુ અને વિરજી એ એને અંદર જવા ના જ દીધો.
અકુ ની ચારેબાજુ વિશાળકાય મગરો નું ટોળું જમા થઈ રહ્યું હતું.. એકાદ મગર હોત તો એમનો મુકાબલો કરવાનું સમજી શકાય પણ સાત-આઠ મગર ને મારવા અને એ પણ પાણી માં જઈએ એતો હાથે કરી યમરાજા ને પોતાને મળવા બોલાવવા જેવું હતું. અકુ એ પોતાની જોડે રહેલું ચાકુ કાઢી એક મગર નાં ચહેરા પર ચલાવવાનું શરૂ કર્યું પણ એટલું કાફી નહોતું.. !!
(મગર કે મગરમચ્છ એ સરીસૃપ પ્રજાતી નું સૌથી ખતરનાક અને જીવલેણ પ્રાણી છે.. નાના તીક્ષ્ણ આરી જેવાં દાંત વડે મગર નાં જડબાં ની પકડ શાર્ક પછી સૌથી મજબૂત જડબાં વાળા પ્રાણી તરીકે એને સ્થાન આપે છે.. પાણી માં ઘાત લગાવીને શિકાર કરવો અને પોતાનાં શિકાર ને સંપૂર્ણ ખાઈ જવો એ એમની ક્રૂરતા ની નિશાની છે. આફ્રિકન મગર તો હાથી નાં બચ્ચા,મોટી જંગલી ભેંસ,સિંહ વગેરે પર પણ હુમલો કરતાં ખચકાતાં નથી.. પાણી માં એમની તાકાત બમણી થઈ જાય છે એટલે એક કહેવત પણ પ્રચલિત છે.. "પાણી માં રહેવું અને મગર થી વેર. ")
જુમન અને નિરો પણ અકુ અકુ.. નાં નામ ની બુમો પાડી રહ્યાં હતાં.. ધારવા છતાં પણ કોઈ કંઈપણ કરી શકવા અસમર્થ હતું.. વિજયે પોતાની રિવોલ્વરમાંથી બે ગોળી અકુ ની આજુબાજુ ચલાવી પણ એનાંથી કોઈ ફરક પડ્યો નહીં.
થોડીવારમાં તો અકુ ની આજુબાજુ લોહી થી પાણી લાલ થઈ ગયું.. એની ચીસો પણ તીવ્ર થઈ અને ધીરે ધીરે બંધ થઈ ગઈ.. અકુ ની દર્દનાક ચીસો ની જગ્યાએ ખામોશી વ્યાપ્ત થઈ ગઈ અને અકુ નો દેહ માંસ નાં ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો.. બધાં મગરો એ પોતપોતાની રીતે એનાં શરીર નો જે હીસ્સો હાથમાં આવ્યો એની જયાફત ઉડાડવાની શરૂ કરી.
પોતાની નજરો સામે પોતાનાં સાથીદાર ની આવી કરપીણ મોત જોઈ ત્યાં હાજર બાકીનાં બધાં લોકો રીતસરનાં રડી પડ્યાં.. અકુ નો મૃતદેહ પણ હાથમાં ના આવ્યો એવી મોત મળી એ વિશે વિચારી એ દરેક નું હૃદય દ્રવી ઉઠ્યું હતું.. સૌથી વધુ દુઃખી જુમન હતો કેમકે અકુ તો એનાં કાકા નો દીકરો હતો.. પોતાનો ભાઈ હતો.
ત્યાં હાજર લોકો હજુપણ નદીની તરફ જોઈ રહ્યાં હતાં.. એ દરેક ની આંખો માં અકુ ની આવી કારમી મોત માટે દુઃખ સ્પષ્ટ દેખાતું હતું.. બધાં એ વારાફરથી જુમન ને સાંત્વના આપી.. છેલ્લે કાનો જુમન જોડે ગયો અને કહ્યું
"જુમન,આ બધું મારાં લીધે જ થયું છે.. ના હું એ આદમખોર સાવજ નો બદલો લેવાનું વિચારત.. ના અકુ ને આમ મરવું પડત.. હવે હું ઈચ્છું છું કે તમે બધાં ઘરે પાછાં વળો.. હું એકલો જ આગળ વધીશ.. "
કાના ની વાત સાંભળી જુમને પોતાનાં આંસુ લૂછયાં અને કહ્યું.
"કાના ભાઈ જન્મ અને મૃત્યુ તો ઉપરવાળા ના હાથ માં છે.. અકુ નું મોત આ રીતે જ લખ્યું હશે.. અકુ તો મર્દ માણહ હતો એનું મોત લડતાં લડતાં થયું એ વાત નો મને હરખ છે. અને વાત રહી એ સાવજ ને ખતમ કરવાની તો હું તો છેલ્લાં શ્વાસ સુધી તમારાં જોડે છે.. હવે ભલે ને જીવ જાય પણ આપણું ધારેલું કામ અધૂરું નથી મૂકવું.. "
જુમન નો ભાઈ મર્યો હોવા છતાં એનાં શબ્દો માં રહેલો જુસ્સો ત્યાં હાજર દરેક ની અંદર જોમ ભરવા કાફી હતો.. જુમન ની વાત પૂર્ણ થતાં એ બધાં પણ એકસાથે બોલી ઉઠયાં.
"કાના અમે પણ તારી સાથે છીએ.. . તારો બદલો પૂરો કરવા અમે પણ અકુ ની જેમ જાન ની બાઝી લગાવી દઈશું.. "
કાનો આવાં સાચાં મિત્રો મળવા બદલ પોતાની જાત ને ધન્ય ગણી રહ્યો હતો.. એ બધાં એ નદી નાં પાણી તરફ જોઈને અકુ ની આત્મા ની શાંતિ માટે ની પ્રાર્થના કરી અને નીકળી પડ્યાં આગળ ની સફર ઉપર.. જ્યાં ખબર નહીં શું થવાનું હતું.. !!
***
નદી ની આ તરફ નો પ્રદેશ પ્રમાણમાં વધુ ગીચ અને ગાઢ હતો.. કિનારા થી થોડે જ દૂર થી વિશાળ વૃક્ષો ની હારમાળા ધરાવતું જંગલ શરૂ થતું હતું.. બધાં ને કકડીને ભૂખ લાગી હતી પણ અકુ નું આમ અચાનક મોત થતાં એમની ભૂખ જાણે મરી ગઈ હતી.. અને એ લોકો જંગલમાં પ્રવેશ્યાં.
હજુ તો સૂરજ માથે જ હતો તોપણ અત્યારે સહેજ પણ તડકો કે સૂર્ય નો પ્રકાશ વર્તાતો ના હોય એવું જંગલ ની અંદર નું દ્રશ્ય હતું.. નિરો એ હાથ માં એક લાંબુ ખંજર લઈ રાખ્યું હતું જેનાંથી રસ્તે આવતી ઝાડીઓને દૂર કરતાં કરતાં તેઓ આગળ વધી રહ્યાં હતાં.. નદી નાં કિનારેથી નીકળ્યાં પછી બધાં ચુપચાપ હતાં. હજુ પણ અકુ ની મોત નું દ્રશ્ય એમની આંખો સમક્ષ રમતું હતું.
"વિજય,હવે ક્યાં સુધી ચાલવાનું છે.. ?"લગભગ બે કલાક જેટલું ચાલ્યાં પછી ખામોશીનો ભંગ કરતાં કાનો બોલ્યો.
"કાના હવે તો આ વનરાજી ની વચ્ચે ત્યાં સુધી ચાલવું પડશે.. જ્યાં સુધી રાત્રી રોકાણ કરી શકાય એવી જગ્યા ના મળે.. કેમકે અહીં ક્યાંક તો એવી જગ્યા મળવાથી રહી.. "કાના ની વાત નો જવાબ આપતાં વિજય બોલ્યો.
વિરજી અને ગાભુ ને હજુપણ એ વાત પર વિશ્વાસ નહોતો કે એ લોકો યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યાં છે.. કેમકે છેલ્લી વાર એ સાવજ નું કોઈ નિશાન દેખે બે દિવસ થી પણ વધુ સમય વીતી ગયો હતો... મન માં પેદા થયેલાં આ સવાલ ને આખરે ગાભુ એ પૂછી જ લીધો.
"વિજય,તને શું લાગે છે.. આપણે સાચી દિશામાં છીએ.. કેમકે હજુસુધી સિંહ આ તરફ હોવાનાં કોઈ સગડ મળ્યાં નથી.. "
"આમ જોઈએ તો ગાભુ તારી વાત ખોટી પણ નથી.. પણ એક ફોરેસ્ટ ઓફિસર તરીકે મારો અંદાજો શક્યત ખોટો તો નહીં જ પડે.. "વિજય પોતાની વાત પર મક્કમ હતો.
વિજય ની વાત હજુ તો પુરી પણ નહોતી થઈ ત્યાં એમનાં કાને એક ડણક સંભળાઈ.. ડણક વન કેસરી ની.. ડણક ડામલહથ્થા સાવજ ની.. જે સાંભળી બધાં નાં હૃદય ક્ષણભર માટે અટકી ગયાં હોય એવું એમને અનુભવ્યું.
ડણક સાંભળતા જ ગાભુ ની શંકા નું સમાધાન થઈ ગયું અને એને વિજય ની તરફ પ્રશંસાભરી નજરે જોયું.. વિજય એ પણ ગાભુ ની સામે જોઈ આછેરું સ્મિત પ્રગટ કર્યું.
"ડણક આ તરફ થી આવી.. મતલબ કે આપણે સાચી દિશામાં છીએ.. "નિરો એ કહ્યું.
ધીરે ધીરે સાંજ પડવા આવી હતી.. દિવસે જ્યાં સાંજ જેવું લાગતું એ જગ્યાએ અત્યારે સાંજ નાં સમયે રાત પડી હોય એવું ભાસી રહ્યું હતું.. !!
"ગાભુ તારી બેગમાં બે ટોર્ચ છે.. એ કાઢ.. "કાના એ કહ્યું.
કાના ની વાત સાંભળી ગાભુ એ ટોર્ચ કાઢી અને ટોર્ચ નાં પ્રકાશમાં એ લોકો આગળ વધી રહ્યાં હતાં.. ધીરે ધીરે વધુ સમય સુધી ચાલવું અને આજુબાજુ નું દ્રશ્ય જોવું પણ મુશ્કેલ થઈ જતાં જુમને કહ્યું.
"હવે તો આપણે ક્યાંક એવી યોગ્ય જગા એ પહોંચવું પડશે જ્યાં રાત પસાર કરી શકાય.. કેમકે મને લાગે છે કે અહીંથી વધુ આગળ વધવું શક્ય નથી.. "
"હા જુમન સાચું કહી રહ્યો છે.. આપણે શીઘ્ર માં શીઘ્ર રાતવાસો કરાય એવાં સ્થાને પહોંચવું પડશે.. "કાના એ પણ જુમન ની વાત માં હામી ભરતાં કહ્યું.
હજુ બધાં અંદરોઅંદર એ વિશે ચર્ચા કરી રહ્યાં જ હતાં ત્યાં નિરો એ કંઈક અવાજ સાંભળ્યો એટલે એને બધાં ને ચૂપ રહેવા માટે કહ્યું... અને આંખો બંધ કરી એ અવાજ ને વધુ સ્પષ્ટ રીતે સાંભળવાનો પ્રયાસ કરવા લાગ્યો.. નિરો શું કરી રહ્યો છે એ કોઈને સમજાયું નહીં.. પણ બધાં ચુપચાપ એને જોઈ રહ્યાં.
"ઝરણું.. ઝરણું છે આ તરફ.. "પોતાની જમણી તરફ આંગળી કરીને નિરો એ કહ્યું.
"શું ઝરણું.. ?,તો પછી એવી કોઈ જગા વિજય ભાઈ જોડેનાં નકશા માં કેમ નજર ના આવી.. ?"ઝરણાં વિશેની વાત સાંભળતા જ ગાભુ એ કહ્યું.
"લાગે છે આ મોસમી ઝરણું છે.. જે વરસાદ ની મોસમ માં જ નિર્માણ થતું હશે અને વરસાદ ની મોસમ પૂર્ણ થતાં અલોપ થઈ જતું હશે.. "જુમને ગાભુ ની વાત નો જવાબ આપતાં કહ્યું.
"હા જુમન ની વાત સાચી છે.. ગીર નાં જંગલો માં ચોમાસાની મોસમ માં આવાં સેંકડો ઝરણાં અસ્તિત્વ માં આવે છે.. એટલે જ નકશામાં ક્યાંય આનો ઉલ્લેખ નથી.. "વિજયે કહ્યું.
"હા હવે.. જે હોય એ.. મને લાગે છે આપણે વાતોમાં સમય બગાડયાં કરતાં નિરો નાં કહ્યા મુજબ ઝરણાં ની દિશામાં આગળ વધવું જોઈએ.. શાયદ ત્યાં રાત્રે રોકાવાની જગા હોય.. અને ઝરણાં નાં પાણી નો ઉપયોગ કરી રાત નું ભોજન પણ તૈયાર કરી શકીશું.. "કાના એ કહ્યું.
કાના ની વાત સાંભળી બધાં નિરો નાં કહ્યા મુજબ ની દિશામાં આગળ વધવા લાગ્યાં.. સિંહ ની ડણક પણ એજ દિશામાંથી આવતી હતી એટલે એ લોકો થોડાં સાવધ પણ હતાં.. રખેને ક્યારે એ સાવજ જોડે ભેટો થઈ જાય.
***
જેમ-જેમ એ લોકો આગળ વધી રહ્યાં હતાં એમ એમ ઝરણાં નાં પાણી નો ખળખળ વહેવાનો અવાજ બધાં ને સ્પષ્ટ સંભલાઈ રહ્યો હતો.. સાવજ ની ડણક પણ આ સાથે વધુ ને વધુ તેજ થઈને ક્યારેક ક્યારેક એ બધાં ને સંભળાતી હતી.
પોણો કલાક જેટલું એકધાર્યું ચાલ્યાં પછી એ લોકો ઝરણાં ની જોડે પહોંચી ગયાં.. હવે ઝરણું એમની આંખો ની સામે હતું.. એક ટેકરી જેવાં પર્વત પરથી આવતું આ નાનકડું ઝરણું પોતાની આસપાસ એક ખુબસુરત નયનરમ્ય સૃષ્ટિ નું જનક બન્યું હતું.
દૂધ જેવું સફેદ પાણી નિરંતર વહી રહ્યું હતું.. આજુબાજુ ની જમીન પથરાળી અને સપાટ હતી.. આજુબાજુ અલગ અલગ નાનાં મોટાં સુંદર છોડ ઉગ્યા હતાં.. ખરેખર આંખો ને ઠંડક પ્રાપ્ત થાય એવો નજારો એમની આંખો ની સામે હતો.. !!
"અદ્ભૂત.. સુંદર.. "દરેક નાં મોંઢેથી ત્યાંની સુંદરતાં નાં સંદર્ભ માં અલગ અલગ શબ્દો અનાયાસે જ સરી પડ્યાં.
સૌપ્રથમ તો એ બધાં એ મળીને ઝરણાં નાં વહેતાં પાણી માં પોતાનાં હાથ પગ ધોઈ થોડી તાજગી પાછી પ્રાપ્ત કરી લીધી.. દિવસભર નો શારીરિક થાક જાણે ઉતરી ગયો હોય એવું એ બધાં ને મહેસુસ થઈ રહ્યું હતું.. ત્યારબાદ એ લોકો એ મોરૈયા નો મસાલેદાર ભાત બનાવી ને એનું ભોજન કર્યું અને પછી સુવા માટે ની તૈયારી કરી.. એ માટે ઝરણાં ની જોડે એક પથ્થર ઉપર બધાં ચડી ગયાં અને એમજ પોતાનો થેલો માથા નીચે રાખી સુઈ ગયાં.. સૂતી વખતે પણ દરેક ને અકુ ની મોત નું એ ભયાવહ દ્રશ્ય આંખો સામે રમી રહ્યું હતું.
"આજે કોણ ચોકીદારી કરશે.. કેમકે ઝરણું નજીક હોવાથી કોઈપણ જનાવર પાણી પીવાના આશય થી અહીંયા આવી શકે છે.. "વિજયે કહ્યું.
"આજે બધાં સુઈ જાઓ.. હું આજ ની રાત અહીં પહેરો ભરીશ.. આમ પણ આજે મને ઊંઘ નહીં આવે એ પાકું છે.. "જુમને રાતે જાગવાની જવાબદારી પોતાનાં શિરે લેતાં કહ્યું.
આજે રાતે જુમન એકલો જાગશે એવું નક્કી થયાં મુજબ બીજાં બધાં સુઈ ગયા અને જુમન પોતાનાં ભાઈ અકુ ની યાદમાં તાપણા જોડે બેસી રાતભર જાગતો રહ્યો. એનું હૃદય પણ તાપણા ની આગ ની માફક સળગી રહ્યું હતું. જુમન આમ જ આખી રાત ત્યાં જ બેસી ને પોતાનાં ભાઈ ની મોત પર આંસુ સારતો રહ્યો.
સવાર પડતાં જ જુમને ત્યાં સૂતાં બીજાં લોકો ને જગાડ્યા.. બધાં રાતભર ની ઊંઘ પછી પોતાની જાતને તાજગીસભર મહેસુસ કરી રહ્યાં હતાં.. આજે રાતે કોઈપણ અનિચ્છનીય બનાવ ના બન્યો એટલે બધાં ને થોડી ઘણી રાહત હતી.. કેમકે પ્રથમ દિવસે રાતે નિરો પર દિપડાં નો હુમલો અને બીજાં દિવસે કુતરાઓ દ્વારા અચાનક આવી જવું એ બંને ઘટનાઓ હેરાન કરી મુકવા કાફી હતી.
"ચાલો તો બધાં સ્નાન કરી લઈએ અને પછી આગળ જવા માટે પ્રસ્થાન કરીએ.. "વિરજી એ કહ્યું.
"વિરજી સુઝાવ સારો છે.. ચાલો ત્યારે.. "કાના એ પણ વિરજી ની વાત માં હામી ભરી.
ત્યારબાદ એ બધાં લોકો ઝરણાં નાં શીતળ જળ માં સ્નાન કરવા માટે ગયાં.. ઝરણાં નું ઠંડુ પાણી જેમજેમ એમનાં શરીર ને સ્પર્શ કરતું એમએમ એ લોકો વધુ સ્ફૂર્તિ મહેસુસ કરી રહ્યાં હતાં.
અડધો કલાક સુધી એ બધાં ત્યાં જ ઝરણાં નીચે પાણી ની છાલક ની મજા લેતાં રહ્યાં.. ત્યાં અચાનક સિંહ ની ડણક સંભળાઈ.. ગર્જના નજીકમાંથી આવતી હોવાનું લાગતાં વિજયે કહ્યું.
"ચાલો હવે નીકળીએ.. મને લાગે છે આપણી મંજીલ હવે વધુ દૂર નથી.. "
વિજય ની વાત સાંભળી બધાં પાણીમાંથી બહાર આવ્યાં.. અને બહાર આવી પોતાની જાત ને લૂછી રહ્યાં હતાં.. ગાભુ વારંવાર નીચા નમી પોતાનાં પગ પાછળ ખણી રહ્યો હતો.
"એ ગાભલા શું થયું.. કેમ ક્યારનોય આમ નીચો નમી નમી ને શું કરે છે.. ?" ગાભુ ની આ હરકત જોઈ કાનો બોલ્યો.
"અરે કંઈ નહીં કંઈક જીવડું કરડી ગયું લાગે છે એટલે ખણ આવે છે.. બીજું કંઈ નહીં.. "ગાભુ એ ખણતાં ખણતાં જવાબ આપ્યો.
કાના અને ગાભુ ની વાત સાંભળી જુમન નું ધ્યાન એ તરફ ગયું.. એને કંઈક અજુગતું લાગતાં એ ગાભુ જોડે ગયો અને એ ખણતો હતો એ જગ્યાએ નીચા નમીને જોયું અને ત્યારબાદ જુમનેઆજુબાજુ પોતાની નજર દોડાવી અને પછી એ ચિલ્લાઈને બોલ્યો..
"સાપ.. ગાભુ ને સાપ કરડી ગયો છે.. "
જુમન ની વાત સાંભળતા જ બધાં નું ધ્યાન એ તરફ ગયું અને બધાં ચિંતિત વદને એ તરફ આવ્યાં અને નીચા નમીને જોયું તો ગાભુ નાં પગ ની પાછળ નાં ભાગ માં બે નાનકડાં ચિહ્નો હતાં.. જેનાં પરથી એ સ્પષ્ટ હતું કે ગાભુ ને સર્પ ડંસી ગયો હતો.
દરેક નાં ચહેરા પર હવાતિયાં આવી ગયાં હતાં.. એમાં પણ અકુ ને ખોયાં પછી ગાભુ ને ખોવા નહોતાં માંગતા.. બધાં એકબીજાનાં ચહેરા તાકી રહ્યાં હતાં.. કોઈને કંઈ સૂઝતું નહોતું.. ગાભુ પહેલાં થી જ થોડો ડરપોક હતો.. એટલે પોતાને સાપ કરડી ગયો છે એ સાંભળતા જ એને તો આંખે અંધારા આવી ગયાં હતાં.. !!!
વધુ આવતાં ભાગે.
પોતાની પત્ની અને બાળક નો બદલો કાનો લઈ શકશે કે કેમ.. ?? શું એ સાવજ ના આતંક નો ખાત્મો થઈ શકશે.. ?? કાનો અને એનાં સાથીદારો સાવજ નો શિકાર કઈ રીતે કરશે?? ગાભુ નો જીવ બચી શકશે કે નહીં.. ?? કાનો અને એનાં સાથીદારો સિંહ ની ડણક નો પીછો કરી ક્યાં સુધી પહોંચી શકશે..?? ... વાંચો ડણક A Story Of Revange નાં રોમાંચ અને દિલધડક કથાવસ્તુ થી ભરપૂર આવતાં ભાગ માં...
આ સિવાય તમે મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" અને "રૂહ સાથે ઈશ્ક" પણ તમે માતૃભારતી પર વાંચી શકો છો... આભાર.. !!
-દિશા. આર. પટેલ