મેકિંગ ઑફ મર્ડરર’સ મર્ડર - ભાગ – 2 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેકિંગ ઑફ મર્ડરર’સ મર્ડર - ભાગ – 2

૩. હરિવિલા સોસાયટીના મકાન ઘટ્યા...

મર્ડરર’સ મર્ડર નોવેલમાં મેં જે સોસાયટી બતાવી છે તે ‘હરિવિલા સોસાયટી’ને સધ્ધર સોસાયટી દર્શાવી છે. સોસાયટીના જે ઘરમાં ક્રાઇમ થાય છે તે છસ્સો વારનો ભવ્ય બંગલો છે. વાર્તાના શરૂઆતી ડ્રાફ્ટમાં મેં તે સોસાયટીમાં ચારસો બંગલા બતાવ્યા હતા અને સોસાયટીમાં અવરજવર માટે એક ગેટ રાખ્યો હતો. પરંતુ, અમોલ પ્રકાશનના આનંદભાઈ શાહે મને ગણતરી કરાવી. તેમણે કહ્યું, “600 વારના ચારસો બંગલાની લૅવિશ સોસાયટીમાં સ્વિમિંગ પૂલ, જિમ, કોમન પ્લોટ, પહોળા રસ્તા, વગેરે અનેક એમેનિટીસ હોય. આ બધું ગણીને ચાલીએ તો સોસાયટી બહુ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હોય. ઉપરાંત, ચારસો મકાન પ્રમાણે વસ્તી ય ઘણી થાય. તેથી, સોસાયટીમાં અવરજવર માટે ફક્ત એક ગેટ ન હોય.”

વાચકો બહુ ઝીણું કાંતે છે તેની મને ખબર હતી, પણ આ પ્રસંગથી અનુભવ થયો કે એક પ્રકાશકમાં સો વાચકનો આત્મા વસતો હોય છે ! તેમની વાતમાં દમ હતો. છતાં, સોસાયટીમાં નવો ગેટ ઉમેરું તો ગુનેગાર તે નવી જગ્યાએથી પ્રવેશ્યો કે ભાગ્યો હોવાની શક્યતાઓ ઊભી થાય. ત્યાં ઊભા રહેતા જમાદારનું નવું પાત્ર/પાત્રો ઉમેરવા પડે. દિવસ-રાતના અલગ ગણીએ તો બે ગેટના ચાર જમાદાર ‘જમા’ થાય, જે મારા દિમાગ પર ‘જમ’ની જેમ હુમલો કરે. ટૂંકમાં, તેમ કરવામાં મારા દિમાગની કઢી થઈ જાય તેમ હતું. પણ, હું રહ્યો આળસુ માણસ ! (માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું છે કે ‘મારે અઘરું કામ પાર પાડવાનું હોય ત્યારે હું તે કામ આળસુ માણસને સોંપી દઉં છું. આળસુ માણસ ‘આળસુ’ હોવાથી તે કામ કરવાની સહેલી પદ્ધતિ શોધી કાઢતો હોય છે.’ – પહેલા તો હું ય મહેનતુ હતો, પણ આ વાંચ્યા પછી આળસુ થઈ ગયો છું !) એટલે, બહુ વિચારીને નક્કી કર્યું કે આવી પીંજણ કરવા કરતા સોસાયટી જ નાની કરી દઉં. આમેય આપણા ખિસ્સાનું ક્યાં રોકાણ હતું કે સોસાયટી નાની કરવામાં નુકસાન આવે ! છેવટે, મેં હરિવિલા સોસાયટીને ચારસોના બદલે સાઠ(60) બંગલાની સોસાયટી બનાવી દીધી.

4. ગનના ઉપયોગે કર્યા પાગલ...

મેં આ નોવેલમાં એક જગ્યાએ સપ્રેસર લગાવેલી પરવાનાવાળી ગનનો ઉપયોગ કર્યો છે. (સપ્રેસર અને સાયલેન્સર એક જ હોય કે અલગ અલગ, તેની રચના કેવી હોય, તેમાં કેટલા પ્રકાર આવે, તે હથિયારના અવાજને કેવી રીતે સપ્રેસ કરી શકે, તે બધું જાણવા મેં કેટલાય વીડિયો જોયા હતા, કેટલાય લખાણ વાંચ્યા હતા.) તે ગન મારા માટે માથાનો દુખાવો બની ગઈ હતી. વાર્તાના પહેલા ડ્રાફ્ટમાં મેં સ્મિથ એન્ડ વેસન કંપનીની ગનનો ઉપયોગ કર્યો હતો, પછી બે ચાર મિત્રોએ જણાવ્યું કે મોદી સાહેબ મેક ઇન ઇન્ડિયાનું કેમ્પેન ચલાવે છે તો મારે વાર્તામાં દેશી હથિયાર વાપરવું. આથી, મેં ‘ઇન્ડિયન ઑર્ડિનન્સ ફેક્ટરી’ની રિવૉલ્વર વાપરવાનું નક્કી કર્યું. (રિવૉલ્વર અને પિસ્તોલમાં ફરક હોય તે હું જાણતો હતો, પરંતુ સિંગલ ઍક્શન રિવૉલ્વર અને ડબલ ઍક્શન રિવૉલ્વરમાં શું ફરક હોય, સાઇડ લોડીંગ રિવૉલ્વર એટલે શું વગેરે અનેક ટર્મિનૉલોજી મેં અલગ અલગ વીડિયો અને યુઆરએલ સર્ચ કરીને જાણી હતી.) એક વાર તો વાર્તામાં .32 IOF રિવૉલ્વર વાપરી ય નાખી, પરંતુ પછી શંકા પડી કે તેને સાઇલેન્સર નહીં ચડતું હોય તો ? યૂટ્યૂબ અને ગુગલ પર મને એક પણ વીડિયો કે લેખ એવો ન્હોતો મળ્યો કે જેમાં ‘IOFની ફલાણી રિવૉલ્વરમાં સપ્રેસર ચડે છે’ એવું સ્પષ્ટ થતું હોય.

આ બાબતની વધુ ખાતરી કરવા મેં મારા કોલેજકાળના મિત્ર ભગીરથસિંહ ઝાલાની મદદ લીધી. તે જૂનાગઢમાં રેંજ ફોરેસ્ટ ઑફિસર તરીકે મોભાદાર ફરજ બજાવે છે. તેણે જણાવ્યું, “IOFની તમામ રિવૉલ્વર સર્વિસ રિવૉલ્વર છે અને સામાન્ય જનતા તેને સેલ્ફ ડિફેન્સના હેતુથી ખરીદે છે. આ બંને કિસ્સામાં ફાયર સાઇલેન્ટલી થાય એવી જરૂર રહેતી નથી. સપ્રેસરનો ઉપયોગ ફક્ત પ્રોફેશનલ કિલર કરતા હોય છે અને તે લોકો જનરલી લોંગ રેંજ સ્નાઇપરનો ઉપયોગ કરે છે. તેથી, IOFની રિવૉલ્વર કે પિસ્તોલને સપ્રેસર નહીં ચડતું હોય.” છતાં, તે બહુ સ્યોર ન હતો એટલે મારી શંકાનું ચોક્કસ સમાધાન ન થયું.

ફરીવાર, મેં ગુગલ સમક્ષ હાથ ફેલાવ્યા, દુનિયાની કઈ કઈ રિવૉલ્વરને સપ્રેસર ચડાવી શકાય છે એમ કરીને સર્ચ કર્યું. સતત ત્રણ દિવસની મહેનત પછી મને ‘નાગન્ટ એમ 1895’ સિવાય કોઈ ગેસ સીલ રિવૉલ્વર ન મળી જેને સપ્રેસ કરી શકાય. વળી, નાગન્ટનું ઉત્પાદન બેલ્જિયમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ દ્વારા રશિયા માટે થતું હોવાથી નવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે ‘ભારતમાં વિદેશી ગનનો પરવાનો મળી શકે ખરો ?’

તે જાણવા મેં અન્ય પોલીસ અધિકારીની મદદ લીધી. તેઓ મારા મિત્ર અર્જુન ખંડવીના ભાઈ છે. તેમની પાસેથી જાણવા મળ્યું કે ‘ભારતમાં વિદેશી ગનનો પરવાનો તો મળે, પણ પરવાનો લેનારે અમુક વધુ એજન્સીઓ સાથે માથું ફોડવું પડે.’ તેમના વિસ્તારમાં એક ભાઈ પાસે વિદેશી બંદૂકનો પરવાનો હતો પણ ખરો. તેથી, મેં પરવાનાવાળી પરદેશી રિવૉલ્વર વાપરવાનું નક્કી કર્યું. (આમેય, પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં હિસ્સો લઈ ચૂકેલી ઘરડી ‘નાગન્ટ’ના યુઝર કન્ટ્રીમાં ભારતનું નામ હતું.)

વળી, પાછું મારે તે નિર્ણય પર ફેરવિચારણા કરવી પડે તેવો પ્રસંગ બન્યો. વાત વાતમાં ખબર પડી કે મારા દૂરના મિત્ર નિસર્ગના પપ્પા રિટાયર્ડ આર્મી ઑફિસર છે અને તેઓ રશિયા પાસે આર્મ્સ(હથિયારો)ની ડિલિવરી લેવા જતા હતા. મેં તેમને ફોન કરીને આ વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું, “ભારતમાં વિદેશી ગનનો પરવાનો ન જ મળે. ભલે, મારા નિવૃત્ત થયાને પચીસ વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ તેટલા વર્ષોમાં ભારતમાં હથિયાર રાખવાના કાયદા કડક થયા છે. એટલે હવે તો વિદેશી ગન બિલકુલ નહીં રાખી શકાતી હોય.” હું હલી ગયો. આ કોકડું ઉકલવાનું નામ જ ન્હોતું લેતું. છેવટે, કોઈ ગન શોપમાં જઈ, મેં તે વિશે ચોક્કસ માહિતી મેળવવાનું નક્કી કર્યું.

તપાસ કરતા ખબર પડી કે લીલાનગર બ્રિજ પાસે એક ગન શોપ છે. આથી, હું ઉદય ગન હાઉસના માલિક શ્રી ઉદયભાઈ ભદોરિયાને મળ્યો. ખૂબ ભલા અને સાલસ એવા ઉદયભાઈએ મારી મૂંઝવણ વિશે સાંભળ્યું અને તરત માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું, “આમ તો બધી જ ગનને સાઇલેન્સર ચડાવી શકાય, પરંતુ બધા દેશોની રિવૉલ્વર સારી ક્વોલિટીની આવતી નથી. કેટલીક ગનમાં સાઇલેન્સર લગાવી ફાયર કરો તો ગન તૂટી જતી હોય છે.” તેમણે મને તેમની પાસે રહેલી વેબ્લી એન્ડ સ્કોટ કંપનીની રિવૉલ્વર બતાવી અને કારતૂસ ખાલી કરી મને તે હાથમાં આપી. જીવનમાં પહેલી વાર મેં સાચી રિવૉલ્વર હાથમાં પકડી, તેને ફેરવી ફેરવીને જોઈ. બાદમાં, તેમણે મને પરવાના અંગેની માહિતી આપી અને તેમની પાસે રહેલો વેબ્લીનો પરવાનો બતાવ્યો. તેમણે કહ્યું, “ભારતના માણસને વિદેશી ગન રાખવાનો પરવાનો મળી શકે, પરંતુ બોર (નાળચાનું કાણું) અને અન્ય સ્પેસિફિકેશન ધારા-ધોરણ મુજબ હોવા જોઈએ.” તેમણે મારી બધી મૂંઝવણ દૂર કરી, અન્ય કોઈ મદદની જરૂર પડે તો ફરી મુલાકાત લેવા જણાવ્યું. (આટલો સરસ સહકાર અને જરૂરી માહિતી આપવા બદલ શ્રી ઉદયભાઈ ભદોરિયા અને ઉદય ગન હાઉસનો ખૂબ ખૂબ આભાર.)

હવે, તો ફિકરની કોઈ વાત જ ન હતી, મારે કઈ ગન વાપરવી તેનો સચોટ જવાબ મળી ગયો હતો.

5. રાઇગર મોર્ટિસનો ઉપયોગ કરવો હતો, પણ ન કર્યો...

વાર્તામાં એક જગ્યાએ (બીટા હોટેલના રૂમ નંબર ૨૨૩૧માં) એક સ્ત્રીપાત્રને ગંભીર રીતે ઘાયલ કરવા મેં રાઇગર મોર્ટિસનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. (રાઇગર મોર્ટિસ : માણસનું મૃત્યુ થયા પછી સમય વીતતા તેના દેહમાં ચોક્કસ ફેરફાર થવા લાગે છે. નિશ્ચિત સમય પછી તેના અંગો અક્કડ થવા લાગે છે, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં રાઇગર મોર્ટિસ કહે છે.)

યોજના મુજબ પુરુષ પાત્રના મૃત્યુ વખતે તેના હાથમાં બંદૂક રહી જવાની હતી અને ચોક્કસ કલાકો પછી તેના મૃતદેહની આંગળીઓ અક્કડ થવી શરૂ થાય ત્યારે સ્ત્રી પાત્ર રૂમમાં દાખલ થવાનું હતું. મેં વિચાર્યું હતું કે રાઇગર મોર્ટિસના કારણે અક્કડ થઈ રહેલી મૃતદેહની આંગળીઓથી ટ્રિગર દબાઈ જશે અને આવનારું પાત્ર વીંધાઈ જશે.

પણ તેમ કરતા પહેલા, મને ભ્રાતાસમાન ડૉક્ટર મહેશભાઈ ત્રાંગડિયાની સલાહ લેવાનો વિચાર આવ્યો. મેં તેમને આ વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું, “રાઇગર મોર્ટિસમાં આંગળીઓ એટલી બધી સ્ટિફ ન થાય કે બંદૂકના હાર્ડ ટ્રિગરને દબાવી શકે. જોકે, લેખકો નોવેલમાં તેનો ઉપયોગ કરતા હોય છે.”

પણ, પ્રાયોગિક ધોરણે શક્ય ન હોય તેવી કોઈ પણ વાતનો ઉલ્લેખ મારે વાર્તામાં કરવો ન્હોતો. તેથી, રાઇગર મોર્ટિસનો આઇડિયા પડતો મૂકી, હું નવા તુક્કા લડાવવા લાગ્યો. બહુ વિચાર કરીને, મેં... (પાત્રને ઘાયલ કરવા મેં કઈ પદ્ધતિ વાપરી છે તે આપ જાણો જ છો. – સાબુના પાણીથી લીસી થયેલી બાથરૂમની લપસણી ફરસ યાદ આવી ગઈ ને ?)

ક્રમશ :