Making of Murderer's Murder - 1 books and stories free download online pdf in Gujarati

મેકિંગ ઑફ મર્ડરર’સ મર્ડર - ભાગ – ૧

માતૃભારતી વેબ અને એપ પર મર્ડરર’સ મર્ડરનો પહેલો ભાગ પ્રકાશિત થયો ત્યાર પહેલા અમે માતૃભારતીના ફેસબુક પેજ પર અને મારી (લેખકની) વોલ પર લખ્યું હતું કે વાર્તા પૂરી થયા પછી અમે મર્ડરર’સ મર્ડરનું મેકિંગ પ્રકાશિત કરીશું. જોકે ત્યારે સર્જક ટીમે વિચાર્યું હતું કે વાર્તા લખતી વખતે ક્યારે શું સમસ્યા આવી અને તેનો નીચોડ શું અને કેવી રીતે શોધ્યો તે વિશે પાત્રોના નામ સાથે શબ્દસ: લખીશું. પરંતુ, હવે લાગે છે કે તેમ કરવામાં જોખમ છે. તે એ કે કોઈ નવો વાચક મર્ડરર’સ મર્ડર રહસ્યકથા વાંચતા પહેલા ઉત્સાહમાં મેકિંગ વાંચી લે અને અમે તેમાં બધું ખુલ્લું કરી દીધું હોય તો વાર્તાનું સસ્પેન્સ ખૂલી જાય જે વાચકની વાર્તા વાંચવાની મજા મારી નાખે. તો અમે ‘રા’ રાખીને વાત કરવાનું નક્કી કર્યું છે ! જોકે, ખુલ્લેઆમ નહીં કહીએ તો ય જેમણે વાર્તા વાંચી છે તેઓ સમજી જશે કે કઈ વાત કોના સંદર્ભે છે.

એમ તો વાર્તા લખવાની શરૂઆત કરી ત્યારે અને લખાઈ ગયા પછી તેનું મેકિંગ લખવાનો મારો કોઈ ઇરાદો ન હતો. આ તો મર્ડરર’સ મર્ડર પૂરી કરીને મેં મારા મિત્રો સાથે તેની સર્જનયાત્રા વિશે, મારા રીસર્ચ, મહેનત અને મનોમંથન વિશે ચર્ચા કરી ત્યારે એક મિત્રએ કહેલું, “યાર, તું મર્ડરર’સ મર્ડરના મેકિંગ વિશે લખ, લોકોને આવી વાતો મનોરંજક અને ઉત્સાહપ્રેરક લાગતી હોય છે.”

તેની વાત સાચી હતી, આથી મેં ‘મેકિંગ ઓફ મર્ડરર’સ મર્ડર’ લખવાનું શરૂ કર્યું. મને એમ કે તે તો ચપટીમાં લખાઈ જશે, પણ મસાવાળા માણસે મરચાના ભજીયા ખાધા જેવું તે આકરું પડ્યું. હા, બધી વાતો તટસ્થ રીતે, મરી-મસાલા ભભરાવ્યા વગર લખીએ છતાં વાચકને તે રસપ્રદ લાગે તેવી રજૂઆત કરવી સહેલી ન હતી. વળી, મર્ડરર’સ મર્ડર લખતા પહેલા, લખતા લખતા અને લખાઈ ગયા પછી તેને એડિટ કરવામાં જે મહેનત થઈ તે બધું લખવામાં ‘મેકિંગ’, મૂળ નોવેલ કરતા ય લાંબુ થઈ જતું હતું ! છેવટે, હું કાતર અને સોઈ-દોરો લઈને બેઠો અને વેતરવા જેવું વેતરીને સીવવા જેવું સીવતો ગયો.

૧. ઇન્સપેક્ટ ઝાલાના શાર્પ ઓબ્ઝર્વેશન બાબતે...

એક વાત તો સ્વીકારવી જ પડશે કે મેં શેરલોક હોમ્સ વાંચી ત્યારે અન્ય વાચકની જેમ તેમના અદ્ભુત નિરીક્ષણથી પ્રભાવિત થઈ ગયો હતો. ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારો નાયક પણ વિચક્ષણ અને પ્રભાવશાળી હોય તો મજા પડે. પછી બહુ વિચાર્યું તો લાગ્યું કે લાશ જોઈને જ ઇન્સપેક્ટર કહી દે કે આ આત્મહત્યા નથી પણ હત્યા છે તો વાચક પર તેની અલગ જ અસર જન્મશે. બસ આ એક વિચારથી આખી મર્ડરર’સ મર્ડરનું સર્જન થયું... (કદાચ એટલે જ ક્રિયેટિવ ફિલ્ડના કલાકારો કે સર્જકો ચક્રમ કહેવાતા હશે, જેમના એક વિચારમાંથી કલ્પનાનું જંગલ ઊગી નીકળતું હોય છે !) પછી, મેં તેમ જ કર્યું અને ક્રાઇમ સ્પોટ પર આવતા જ ઝાલા કહી દે કે ‘આ આત્મહત્યા નથી, પણ હત્યા છે’ તેવો સીન ક્રિયેટ કર્યો. હા, ત્યારે મેં આરવીના રૂમમાં બેડની નીચે લોહીનું નાનકડું ખાબોચિયું દર્શાવ્યું હતું. વળી, ‘ઑલરેડી મરી ગયેલી’ આરવીના હાથ પર બ્લેડ મારવામાં આવી છે તે વાત સસ્પેન્સ રાખી હતી. (મતલબ, ઝાલા ય તે જાણતા ન હતા.) બહુ ડ્રાફ્ટ સુધી આ ચાલેલું. અનેક મિત્રો, વાચકો અને ડૉક્ટરોએ વાર્તાની પ્રિન્ટ વાંચી, પણ તેમાં કોઈને કોઈ ભૂલ ન દેખાઈ. પછી તે વાર્તા, મેં લેખક કમ મિત્ર એવા ભાવિક રાદડિયાને આપી અને તેણે એક અજબ ત્રુટી શોધી મને ચોંકાવી દીધો.

તેણે કહ્યું, “જો મરી ગયેલી આરવીના કાંડા પર બ્લેડ મારવામાં આવી હોય તો બહુ લોહી ન વહે, નીચે લોહીનું ખાબોચિયું ભરાઈ જાય એટલું તો કદાપિ ન વહે ! થાય એવું કે મરેલા માણસનું હ્રદય ધબકવાનું બંધ થઈ ગયું હોય એટલે શરીરમાં લોહીનું વહન ન થતું હોય અને હ્રદય લોહીને ધક્કો ન મારે એટલે હાથમાં હોય તેટલું જ લોહી બહાર આવે.”

તેની વાત એકદમ લોજિકલ હતી. છતાં, મેં તેની ખાતરી કરવા મારા ભાઈના ખાસ મિત્ર અને ફોરેન્સિક મેડિસિન ડૉક્ટર મહેશભાઈ ત્રાંગડિયાનો સંપર્ક કર્યો. (આ નોવેલ પૂરી થઈ ત્યાં સુધીમાં મેં તેમને દસ વાર ફોન કર્યા હશે અને તેમણે દરેક વખતે મારી વાત શાંતિથી સાંભળી મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.) મેં આ વિશે પ્રશ્નોત્તરી કરતા તેમણે કહ્યું, “નોર્મલ માણસના શરીરમાં 4.5 થી 5 લિટર લોહી હોય છે. જીવતા માણસના કાંડા પર બ્લેડ મારવામાં આવે તો આશરે 1/3 લોહી વહી ગયા પછી તે મરે, જયારે મરેલા માણસના કાંડા પર બ્લેડ મારવામાં આવે તો અમુક ml લોહી જ વહે.” તેમણે એ પણ જણાવ્યું કે માણસ જાડો હોય તો કદાચ થોડું વધુ લોહી નીકળે, પણ બંને કિસ્સામાં ઇન્સ્પેકટર જોઈને જ કહી દે કે ‘માણસ મરી ગયા પછી જ બ્લેડ મારવામાં આવી છે.’

ત્યારે મને સમજાયું કે લખતી વખતે કેટલું સભાન રહેવું પડે છે. ‘આરવીના રૂમમાં બેડની નીચે લોહીનું નાનકડું ખાબોચિયું ભરાયેલું હતું’ જેવું એક જ વાક્ય લેખકની આખી વાર્તાને ખોટી સાબિત કરી શકે છે. વળી, પહેલા તો ઝાલા એટલું જ તારણ આપવાના હતા કે ‘આ હત્યા છે’, પણ બીજા જ પ્રકરણમાં એવું તારણ નીકળી જાય કે ‘ઑલરેડી મરી ગયેલી’ આરવીના હાથ પર બ્લેડ મારવામાં આવી છે તો તેની અસરમાં બીજા પચાસ સુધારા આવે. અરે, પોલીસ તપાસની આખી દિશા જ બદલાઈ જાય. આથી, અમે (હું અને હાર્દિક કયાડા) ગભરાયા અને આટલો બધો ફેરફાર ન કરવો પડે તે માટે રસ્તો શોધવા ખૂબ મથ્યા, પણ કોઈ ઉપાય ન જડ્યો. છેવટે, અમે એકડેએકથી સુધારા કર્યા. (અમારે આવી મહેનત કરવી પડી ત્યારે ઘડીભર તો મને, ભાવિક રાદડિયાને ભડાકે દેવાનું મન થયું હતું, પણ સુધારા થઈ ગયા પછી તેને ગળે લગાડવાનું મન થયેલું.)

૨. ક્રાઇમ સ્થળ પર ચોક્કસ વસ્તુ મળવા બાબતે

નોવેલમાં, ક્રાઇમ સ્થળ પર પોલીસને એક એવી વસ્તુ મળે છે જે પાછળથી ગુનેગારને પકડવામાં મદદરૂપ થાય છે. આમ તો મેં નોવેલ લખવાની શરૂ કરી ત્યારથી જ નક્કી હતું કે ગુનેગારના ખિસ્સામાંથી કોઈ વસ્તુ પાડી દેવી છે, જેથી પોલીસ ડૉગ તે વસ્તુને શોધી શકે. (ડૉગ સ્કવોડ ખાલી હાથે પાછી જાય તો સરકારી (ટૅક્સ પેયરના) રોકાણનું વળતર ન મળે જે મને પસંદ ન્હોતું. હું નિયમિત ટૅક્સ ભરું છું ને !)

પહેલા મેં વિચાર્યું હતું કે ગુનેગાર જે રૂમમાંથી ગુનો કરીને ભાગવાનો છે, તેના ટેબલના તળિયે નાનકડી ખીલી બહાર કાઢી રાખીશું. પોતાનું કામ પતાવીને ભાગી રહેલા ગુનેગારનું પેન્ટ તેમાં ભરાશે અને પેન્ટનો લીરો ફાટીને ત્યાં ફસાઈ જશે. પણ, પરમ મિત્ર હાર્દિક કયાડાને તે આઇડિયા પ્રેક્ટિકલ ન લાગ્યો.

પછી, અમે વિચાર્યું કે ગુનેગાર બીડીનો વ્યસની હોય તો તેના ખિસ્સામાં માચીસનું બોક્સ રહેતું હોય. માટે, ગુનો કરતી વખતે - હત્યા માટેનો સામાન (બ્લેડ કે રૂમાલ) કાઢતી વખતે, તે તેના ખિસ્સામાંથી પડી જાય એવું બની શકે. આ આઇડિયા સારો હતો, પણ ઊભેલા માણસના પેન્ટના ખિસ્સામાંથી મેચબોક્સ પડે તો કેટલો અવાજ થાય તે જાણવું જરૂરી હતું. આથી, મેં મેચબોક્સ ખરીદ્યું (હું અને કયાડા બીડી-સિગારેટ પીતા નથી એટલે અમારી પાસે તે ન્હોતું.) અને તેને મારા ખિસ્સામાં સેરવ્યું. પછી, રૂમાલ કાઢવાના બહાને તેને નીચે પાડ્યું તો અવાજ થયો. ભર બપોરે ભારે કોલાહલ વચ્ચે મને મેચબોક્સ પડવાનો અવાજ સંભળાયો, માટે અડધી રાતના સન્નાટામાં ગુનેગારને તે સંભળાય જ. અને અવાજ સંભળાયા પછી ગુનેગાર તેને ત્યાં પડી રહેવા દે કે !

બાદમાં, અમને લાગ્યું કે એક જ દીવાસળી વધી હોય તેવું મેચબોક્સ પડશે તો અવાજ નહીં થાય. આથી, મેં મેચબોક્સને ખાલી કર્યું, અંદર એક જ દીવાસળી રહેવા દઈ તેને ફરી પાડ્યું. ફરી અવાજ થયો.

એવામાં કયાડાને વિચાર આવ્યો. તે કહે, “રૂમમાં ટેબલ-ખુરશી છે એવું બતાવવાનું અને ખુરશીને લેધર કે કપડાંથી મઢવાની. (કલ્પનામાં ગમે તે વસ્તુ વસાવવા કે મઢવામાં પૈસા થોડા બેસે છે ?) પછી, એક જ દીવાસળીવાળા મેચબોક્સને ખુરશી પર પાડવાનું. ઊંચાઈ અને વજન ઓછા હશે તો અવાજ નહીં થાય.”

મેં તેમ કરીને જોયું, તો ય અવાજ થયો. હવે, શું કરવું ? અમે બે દિવસ સુધી વિચારતા રહ્યા કે ગુનેગાર અજાણતા એવી કઈ વસ્તુ છોડી જાય જે કૂતરાં પકડી શકે અને પ્રેક્ટિકલ પણ લાગે. કોઈ જવાબ મળતો ન હતો.

એવામાં એક સેલ્સમેન મારી ઑફિસે આવ્યો, હું બહુ વ્યસ્ત હતો એટલે મેં તેને સમય ન આપ્યો. નછુટકે, તે તેનું વિઝિટિંગ કાર્ડ આપી ચાલતો થયો. મને મારું ટેબલ ચોખ્ખું રાખવાની આદત છે, એટલે મેં તે કાર્ડ મારા પેન્ટના ખિસ્સામાં સેરવ્યું. (ટી-શર્ટ પહેર્યું હતું એટલે ઉપર ખિસ્સો ન હતો અને બોસ-ચેર પર બેસીને કામ કરી રહ્યો હોવાથી પાકિટ કાઢવા ઊભું થવું પડે તેમ હતું.) તે દિવસે સાંજે હું ઘરે ગયો અને હાથ-મોઢું ધોઈ રૂમાલ કાઢ્યો. ત્યાં દૂર સોફા પર બેસેલી મારી ભત્રીજીએ કહ્યું, “કાકા, રૂમાલ કાઢતી વખતે તમારા ખિસ્સામાંથી કંઈક પડી ગયું છે.” મેં નીચે જોયું, તે વિઝિટિંગ કાર્ડ હતું. મને મારો જવાબ મળી ગયો હતો.

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED