Murderer's Murder - 54 books and stories free download online pdf in Gujarati

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 54

જો નસીબે સાથ ન આપ્યો હોત તો લલિત આજે જેલમાં હોત. અભિલાષાએ વાતચીતનો શરૂઆતનો ભાગ સાંભળ્યો નહોતો અને આરવીએ ગુડબાય કહેતાં તે નીચે ભાગી ગઈ હોવાથી અંત પણ સાંભળ્યો ન્હોતો. તેણે સંવાદનો જે ભાગ સાંભળ્યો હતો તે દરમિયાન લલિત મજાક કરી રહ્યો હતો. માટે, વાસ્તવિકતા અલગ હોવા છતાં લલિત પોતાને પ્રેમ કરે છે એવા ભુલાવામાં તે રહી હતી.

ખરેખર તો અભિલાષાને ખતમ કરવાની આખી યોજના લલિતે જ બનાવી હતી. કોઈ જાણતું ન હતું, પણ તે મહેન્દ્રભાઈની જેમ રંગીન મિજાજનો હતો. કૉન્ફરન્સના નામે બે-ત્રણ મહિને વિદેશ જઈ તે પોતાના ઐહિક શોખ પૂરા કરી લેતો હતો. આરવી સાથેના તેના સંબંધો આ જ પ્રકારના હતા ; પરંતુ આરવી તેના પ્રેમમાં પડી ગઈ હતી.

રામુકાકાએ તેમને સાથે જોયા તેના ઘણા સમય પહેલાથી તેમની વચ્ચે આ ચાલી રહ્યું હતું. આરવીના રાજકોટ ચાલ્યા ગયા પછી પણ તેઓ સમયાંતરે હોટેલમાં મળતા હતા ; આરવી રાજકોટથી આવતી અને લલિત વડોદરાથી જતો. લીંબડી પાસે હાઇવેની અલગ અલગ હોટેલોમાં તેઓ બપોર સાથે ગાળતા. તેઓ અભિલાષાના આધારકાર્ડને આરવીના આઈડી તરીકે રજૂ કરતા અને આરવી તેટલો સમય અભિલાષા બની જતી. આધારકાર્ડના ફોટોની નબળી ક્વોલિટી અને આરવી તથા અભિલાષાના એક જેવા અણસારથી આજ સુધી કોઈને આરવીના અભિલાષા હોવા પર શંકા પડી ન હતી.

લલિત માટે ફસામણ ત્યારે ઊભી થઈ જયારે આરવી તેના પર લગ્ન કરવાનું દબાણ કરવા લાગી. લલિતના બાળકનો ગર્ભપાત કરાવ્યા પછી તેનું દબાણ ખૂબ વધી ગયું હતું.

લલિતને ભય હતો કે તે અભિલાષાને છૂટાછેડા આપશે તો અભિલાષા કોર્ટે ચડશે અને તેને તેણે આજીવન ભરણપોષણ ચૂકવવું પડશે. તે એ પણ જાણતો હતો કે તેમ ન કરવું હોય તો તેણે પોતાની સંપત્તિનો બહુ મોટો હિસ્સો અભિલાષાના નામે કરી દેવો પડશે. એ સિવાય સગી સાળી સાથે આડાસંબંધો બાંધી પત્નીને છોડી દેવાથી તેની બદનામી થવાની હતી અને તે ચારિત્રહીન લેખાવાનો હતો.

‘જો અભિલાષા મરી જાય તો હું તને અબઘડી અપનાવી લઉં’ એમ કહી તે આરવીની વાત ટાળવા લાગ્યો. ખાસ્સા દિવસો સુધી આવું ચાલ્યા પછી આરવીએ પોતાનું મન મનાવી લીધું. તેણે ગંભીર થઈને કહ્યું, “તમને મેળવવા હું કંઈ પણ કરવા તૈયાર છું, અભિલાષાને મારવા પણ !”

લલિત પાસે કોઈ રસ્તો ન રહ્યો. ‘કોઈની હત્યા કરવી સહેલી નથી’ એમ કહી તેણે ફરી બહાના બનાવા શરૂ કર્યા, પરંતુ આરવીએ તેને રીતસરની ધમકી આપી, “જો તમે મને નહીં અપનાવો તો હું તમારા પર વારંવાર બળાત્કાર કર્યાનો આરોપ લગાડીશ. હોટેલ રજિસ્ટરમાંથી તમારા અને અભિલાષાના રોકાયાના પુરાવા મળી જશે અને અભિલાષા કબૂલશે કે તે તમારી સાથે ન્હોતી, પછી ? તમને કોઈ બચાવી નહીં શકે.” વાતોવાતોમાં આરવીએ એ પણ જણાવ્યું કે મનીષાબેન, તેને પ્રેગનન્સી વિશે ફોન પર વાત કરતા સાંભળી ગયા હતા, પણ તેઓ બાળકના બાપ વિશે જાણી શક્યા નથી. માટે, લલિત તેની સાથે લગ્ન નહીં કરે તો તે મનીષાબેનને ખોટું કહેશે કે લલિતે તેના પર બળાત્કાર કર્યો હતો અને પોતાની બહેનનો સંસાર ન તૂટે તે માટે તે ચૂપ રહી હતી !

આરવીના આ સ્વરૂપથી લલિત બરાબરનો ફસાયો. તે આરવીને અપનાવવા તૈયાર હતો, પરંતુ અભિલાષાને છૂટાછેડા આપી તેને મિલકતનો હિસ્સો કે ભરણપોષણ આપવા તૈયાર ન હતો. બહુ વિચારતાં તેને લાગ્યું કે અભિલાષાની હત્યાની ફૂલપ્રૂફ યોજના બનાવી શકાય તો પોતાની બદનામી ન થાય, અભિલાષાને ભરણપોષણ કે વળતર ન ચૂકવવું પડે અને દુનિયા તેના અને આરવીના લગ્નને રંગેચંગે સ્વીકારે.

તેણે આરવી સમક્ષ શરત મૂકી કે તે અભિલાષાને ખતમ કરવાની યોજના બનાવી દેશે, પૈસા અને અન્ય મદદ કરશે, પરંતુ પોતે સીધી રીતે ક્યાંય સામેલ નહીં થાય. લલિતના પ્રેમમાં આંધળી બનેલી આરવીએ તેની બધી શરતો માન્ય રાખી.

પછી, લલિતે અભિલાષાને પૂરી કરી દેવાની યોજના બનાવી. બહુ પહેલા પોતાના નશાખોર ભાઈ પાસેથી દુર્ગાચરણ વિશે સાંભળેલી વાતો તેણે ઉપયોગમાં લીધી. છતાં સાવધાની વર્તતો તે, એક પણ વાર દુર્ગાચરણ સામે ન આવ્યો, ન તો ક્યારેય આરવીએ દુર્ગાચરણ પાસે લલિતના નામનો ઉલ્લેખ કર્યો.

હત્યાની રાત્રે ‘વ્હોટ આર યુ ડુઈંગ માય લવ ? આઈ કેમ હિયર ડાઉનસ્ટેઇર્સ ટુ ગેટ કોલ્ડ ડ્રિંક. ડુ યુ વોન્ટ સમ ?’ મેસેજ કરીને આરવીએ લલિતને જણાવ્યું હતું કે અભિલાષાની મોતનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે, તે અભિલાષા માટે ઊંઘની ગોળીવાળું કોલ્ડ ડ્રિંક લેવા રસોડામાં ગઈ છે. આરવીના બીજા મેસેજ ‘માય ડાર્લિંગ સીમ્સ સ્લીપી ! સેન્ડ મી યોર લવ બિફૉર આઈ ડુ વ્હોટ આઈ શુડ નોટ’માં લલિત માટે ધમકી ન હતી, પરંતુ યોજનાના આગળના અમલ માટે, પોતે જે ન કરવા જેવું કામ કરવા જઈ રહી છે તેના માટે, લલિતના માનસિક સધિયારાની અપેક્ષા હતી.

પોતાનો ફોન નિખિલને ગેમ રમવા આપતી વખતે, મ્યુઝીકનો અવાજ ન આવે એટલા માટે ફોન સાયલેન્ટ કરી દીધો હોવાથી, લલિતને મેસેજ આવ્યા છે એવી ખબર ન્હોતી પડી. તે રાત્રે તે પોતાના રૂમની બહાર નીકળવાનો ન હતો અને દુર્ગાચરણના ગયા પછી ઘરનો દરવાજો પણ આરવી જ બંધ કરવાની હતી. થોડી વાર પછી નિશ્ચિંત લલિતે, પોતાનો ફોન હાથમાં લઈને જોયું તો તેમાં આરવીના મેસેજ આવ્યા હતા. તેણે તે વાંચ્યા અને તરત જ રીપ્લાય કર્યો.

‘આઈ લવ યુ’ મેસેજમાં તે આરવીની સાથે છે એવું સૂચવવાનો પ્રયાસ હતો અને ‘ડોન્ટ બી ઇમોશનલ’માં બહેનને મારવા જઈ રહેલી તું લાગણીશીલ ન થતી તેવો ઉલ્લેખ... ચૅટ ડીલીટ કરવાનો તેમજ ડેટા બૅકઅપ ઑફ કરી દેવાના મેસેજ પાછળ ખાસ કારણ હતું. લલિતે નક્કી કર્યું હતું કે હત્યાના બીજા દિવસે તે પોલીસને બોલાવશે. તે ઓવરકૉન્ફિડન્સમાં હતો કે પોલીસ ગમે તેમ કરશે તો ય દુર્ગાચરણ કે આરવી સુધી નહીં પહોંચી શકે. છતાં, બધાના ફોન ચેક થશે એ બીકે તેણે આરવીને તે મેસેજ કર્યા હતા.

પણ, સંજોગો જ એવા સર્જાયા કે મનીષાબેને તે મેસેજ વાંચી લીધા. જોકે, તેઓ આરવીનો ફોન ન ખોલી શક્યા એટલે મેસેજ અનરીડ દેખાતા રહ્યા. બાદમાં, રૂમમાં પાછી ફરેલી આરવીએ, તે અનરીડ (!) મેસેજ વાંચ્યા અને આખી ચૅટ ડીલીટ કરી ડેટા બૅકઅપ ઑફ કરી દીધો.

આરવીનો ફોન અને ફોન ખોલવાના કોડ વિશે પોલીસને પહેલા જ દિવસે ખબર પડી ગઈ હોવા છતાં લલિતની ધરપકડ ત્રણ દિવસ સુધી ન થઈ એટલે લલિતને ખાતરી થઈ ગઈ હતી કે પોલીસ ચૅટ વાંચી શકી નથી. બાદમાં, મનીષાબેનના ખુલાસા પછી પોલીસે લલિતની ફરી પૂછપરછ કરી ત્યારે લલિતે અનુમાન લગાવ્યું કે ‘પહેલી વખતમાં પોલીસે ચૅટ વિશે ન પૂછ્યું અને અત્યારે છેક કેમ પૂછ્યું ? ચોક્કસ અભિલાષા તે ચૅટ વાંચી ગઈ હશે અને તેણે તે વિશે પોલીસને કહી દીધું હશે.’ તેનું તારણ ખોટું હતું પણ નસીબ બળવાન...

પોલીસ ચૅટના કેટલા ભાગ વિશે જાણે છે તેની તેને ખબર ન હતી. અસત્ય તેનો ભેદ ખોલી નાખશે એવું લાગતા તે, તેની અને આરવી વચ્ચે થયેલી ચૅટ વિશે અક્ષરસ: બોલી ગયો. હા, મેસેજના શબ્દો અને વાક્યોનું ખોટું અર્થઘટન કરી તેણે ઝાલા અને ડાભીને ઉલ્લુ બનાવ્યા.

એ પહેલા ઝાલાએ તેને રામુના ખુલાસા વિશે જણાવ્યું ત્યારે, લલિતે આવેગમાં ભાન ભૂલ્યાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી. આરવીએ તેના ગાયનેકોલોજિસ્ટ મિત્ર પાસે ગર્ભપાત કરાવ્યો છે તે વાતની પોલીસને ખબર પડી ગઈ હોવાથી તેણે તે બાબતનો પણ સ્વીકાર કરી લીધો હતો. તે ઉડીને આંખે વળગે તેવું ખોટું બોલવાની ભૂલ કરવા માંગતો ન હતો.

જોકે, તેણે ભૂલો ન્હોતી જ કરી એવું ન્હોતું. જે દિવસે સવારે અભિલાષાની ચીસ સંભળાઈ ત્યારે તેને ભ્રમ થયો હોય એવું લાગ્યું હતું. તેને થયું હતું કે અભિલાષા મરી ગઈ હશે તો તેનો અવાજ ક્યાંથી સંભળાયો ? પરંતુ પછી, અભિલાષાના બદલે આરવીનો મૃતદેહ જોઈ તે ડઘાઈ ગયો હતો. તે એટલો બધો હેબતાઈ ગયો હતો કે ‘આટલું ઓછું લોહી વહ્યું હોવા છતાં આરવી મરી કેમ ગઈ’ એ બાબત તેના ધ્યાન પર આવી ન્હોતી. તે ત્યારે અન્ય વિચારોમાં ખોવાઈ ગયો હતો, દુર્ગાચરણે અભિલાષાના બદલે આરવીનું કાંડું કેમ કાપ્યું એ પ્રશ્ને તેને ગૂંચવી માર્યો હતો. છતાં, પોલીસ દુર્ગાચરણ સુધી ક્યારેય નહીં પહોંચે એવી ભ્રમણામાં તેણે પોલીસ બોલાવવાની ભૂલ કરી હતી. પછી, જયારે ઝાલાએ કહ્યું કે આરવીની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો છે ત્યારે તેને લાગ્યું હતું કે ઘરનું કોઈ સભ્ય મોટી રમત રમી રહ્યું છે. આ વિચારથી તે ચેતી ગયો હતો અને ખૂબ સાવધાનીથી વર્તવા લાગ્યો હતો.

પોતાના અંગત ખાતામાંથી એકસાથે અઢી લાખ રૂપિયા ઉપાડવા એ પણ તેની મોટી ભૂલ હતી. જોકે, આરવી તેને બ્લેક મેઇલ કરતી હતી અને તેની પાસે આરવીને રૂપિયા દેવા સિવાય કોઈ ઉપાય ન હતો તેમ કહી તેણે પોતાનો બચાવ કરી લીધો હતો. તે ખૂબ કાબો હતો, પોતાની વિરુદ્ધના પુરાવાઓને પોતાના બચાવમાં ઘસડી જતાં તેને સારી રીતે આવડતું હતું.

પોલીસે દુર્ગાચરણની ધરપકડ કરી ત્યારે જ તે સમજી ગયો હતો કે પોલીસ અભિલાષાની હત્યા કરવાની આરવીની યોજના વિશે જાણી લેશે. છતાં, આરવીએ પોતાનું નામ ક્યાંય નહીં જ લીધું હોય તેવા વિશ્વાસ સાથે તે પોઝીટીવ રહ્યો હતો.

હા, તેના રૂમમાંથી સક્સામિથોનિયમ અને કલોરોફોર્મની બૉટલ મળી ત્યારે તે ગભરાયો હતો, છતાં કોઈ રીઢા ગુનેગારની જેમ પોલીસનો માર અને ટૉર્ચર સહીને ચૂપ રહ્યો હતો. ભલે, તે બાબતે તે નિર્દોષ હતો, પરંતુ પોતે આચરેલા ગુના બાબતે ય તેણે કોઈ ભાંગરો વાટ્યો ન હતો. તે સારી રીતે જાણતો હતો કે મોઢું ખુલશે તો જેલના દરવાજા કાયમ માટે ખુલી જશે !

છેલ્લે, નસીબ જોર કરતું હોવાથી તેની બંધ બાજીમાં ત્રણ એક્કા નીકળ્યા હતા. અભિલાષાએ જે અધૂરો સંવાદ સાંભળ્યો તે તેના માટે લાઈફલાઇન સાબિત થયો હતો. અભિલાષાના તે ખુલાસાથી ઝાલા અને ડાભીને ખાતરી થઈ ગઈ હતી કે ‘આરવી પોતાનું બ્લેક મેઇલિંગ કરતી હતી’ એવી લલિતની વાત સાચી છે, લલિત સાચું બોલતો હતો અને તે નિર્દોષ છે ! પાછળથી સૌને અભિલાષાના ખુલાસા વિશે ખબર પડતાં, લલિતના વકીલોએ તેનો ઉપયોગ, લલિતના બચાવ માટે કર્યો હતો. જે સ્ત્રીને મારવા લલિતે યોજના બનાવી હતી તે જ સ્ત્રીની જુબાનીથી તે શંકાના દાયરામાંથી બહાર નીકળી ગયો હતો.

****

‘હું જેમ કરવા માંગતો હતો તેમ નથી થયું, પણ હું જે કરવા ધારતો હતો તે થયું છે. ના, તેના કરતા ય સારું થયું છે. અભિલાષાથી તો છુટકારો મળ્યો જ મળ્યો, આરવી પણ ગળે ન વળગી. હવે હું એકદમ મુક્ત છું, ગુનેગાર હોવા છતાં આઝાદ જીવન જીવી રહ્યો છું.’ વિચાર કરી રહેલા લલિતે ડૉરબેલનો અવાજ સાંભળ્યો. ઊભા થઈ તેણે હોટેલના રૂમનો દરવાજો ખોલ્યો. સામે એક ખૂબસૂરત વિદેશી લલના ઊભી હતી. ‘દુનિયામાં સુંદરીઓનો દુકાળ નથી’ મનમાં બબડી તેણે તેને અંદર ખેંચી લીધી, રૂમનો દરવાજો બંધ થઈ ગયો.

(સમાપ્ત)

****

વાચક મિત્રો, મર્ડરર’સ મર્ડર સમાપ્ત થઈ ગઈ છે તેમ જાણીને બિલકુલ ઉદાસ ન થશો, કારણ કે અમે તમારા માટે - મર્ડરર’સ મર્ડર સાથે દિલથી જોડાઈ ગયેલા વાચકો માટે - વાર્તાનું મેકિંગ લઈને આવી રહ્યા છીએ. હા, આ વાર્તા લખવાના બીજ કેવી રીતે પડ્યા, વાર્તા લખતી વખતે સર્જક ટીમ ક્યાં ક્યાં અટવાઈ, દરેક ગૂંચવાડાનો ઉકેલ કેવી રીતે શોધ્યો, જે તે વસ્તુ લખતા પહેલા તેની ખરાઈ કેવી રીતે કરી, તે તમામ વાતો લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થવાના છીએ. વળી, તે માટે આપે લગીર રાહ જોવાની નથી. કારણ કે આવતી કાલથી જ, મતલબ તારીખ 7 થી 13 નવેમ્બરમાં (શનિ-રવિ સિવાય, સાંજે સાત વાગ્યે) મેકિંગ ઓફ મર્ડરર’સ મર્ડરના કુલ પાંચ પ્રકરણો પ્રકાશિત થશે. અને અમે ખાતરી આપીએ છીએ કે “મેકિંગ ઓફ મર્ડરર’સ મર્ડર” પણ આપને મૂળ વાર્તા જેવી જ મજા કરાવશે. તો મેકિંગ વાંચવાનું ભૂલશો નહીં.

બીજું એ કે અમે વાર્તામાં સાચા ‘વિલન’નું નામ ધારવાની જે સ્પર્ધા રાખી હતી તેમાં અનેક વાચકોએ હોંશભેર ભાગ લીધો હતો. જોકે સ્પર્ધામાં આરવીના હત્યારા વિશે નહીં પણ ‘મુખ્ય ગુનેગાર’ વિશે અનુમાન કરવાનું હતું. આથી, લલિતને વિલન ધારનાર વાચકોના નામ જ ડ્રો માટે સ્વીકૃત કરાયા છે. હવે, કયા કયા વાચકોએ કયા કયા પ્રકરણમાં ‘લલિત’ને વિલન ધાર્યો છે તે નીચે જણાવ્યું છે.

નામ - સાચી ધારણા કરી છે તે પ્રકરણ નંબર

Bharat Mangukiya - 26

Urvesh Patel - 26

Sparikh511 - 26

Alpesh Barot - 26

Ashish Thakor - 26

Roshni Joshi - 27

Rohit Sondagar - 27

Chintan Gajera - 28

Siddharth Shah - 48

Guddy - 48

Ahari Daksha - 50

Kapil Paghdal - 50

Dipalee Vadher - 50

આ સિવાય Tanuએ 26મા પ્રકરણમાં ‘મનીષાબેન’ અને 28મા પ્રકરણમાં ‘લલિત’ નામ ધાર્યું હતું, જયારે Sonal Joganiએ 26મા પ્રકરણમાં ‘લલિત’ અને 27 તથા 28મા પ્રકરણમાં ‘લલિત અને અભિલાષા’ સંયુક્ત નામ ધાર્યું હતું. પરંતુ, આ બંનેએ મુખ્ય વિલનના નામ એક કરતા વધુ વખત ધાર્યા છે અને બંને વખતની ધારણામાં ભિન્નતા છે એટલે એક વખત સાચું નામ ધાર્યું હોવા છતાં તેમના નામ ડ્રો માટે સ્વીકૃત કરાયા નથી.

ખાસ નોંધ

ઉપર જણાવેલા પંદર (તેર સ્વીકૃત અને બે અસ્વીકૃત) નામ સિવાય અન્ય કોઈ વાચકે લલિતનું નામ મુખ્ય વિલન તરીકે ધાર્યું હોય અને અહીં તેમનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો તેમણે કયા પ્રકરણમાં તેનો ઉલ્લેખ કર્યો છે તે આજની કમેન્ટ બોક્સમાં લખી જણાવે. મેકિંગ પૂરું થતા જ લલિતને વિલન ધારનાર વાચકોના નામની ચિઠ્ઠી ઉછાળવામાં આવશે અને તેમાંથી ત્રણ વાચકોને મર્ડરર’સ મર્ડરના લેખક હાર્દિક કનેરિયાએ લખેલ અને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ગયેલ થ્રિલર વાર્તા “કારસો” ભેટ આપવામાં આવશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED