ડણક ૧૭ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ડણક ૧૭

ડણક

A Story Of Revenge.

ભાગ:17

( રેખા જોડેથી જાણેલી સેજલ ગર્ભવતી હોવાની વાત કાના ને જણાવે છે.. જે સાંભળી ગુસ્સેથી સિંહ ને મારી સેજલ અને પોતાનાં થનારાં અંશ નો બદલો લેવાનો નીર્ધાર કરે છે અને પોતાનાં સાથીદારો સાથે નીકળી પડે છે સાવજ નો શિકાર કરવા.. વિજય નામનો એક ફોરેસ્ટ ઓફિસર પણ એમની સાથે જોડાય છે. પોતાની સફરમાં કાના ની ટુકડી રાતવાસો કરવા એક જગ્યાએ રોકાય છે જ્યાં કોઈ હિંસક જાનવર નિરો પર ઘાત લગાવી હુમલો કરવાની તૈયારી કરે છે… હવે વાંચો આગળ.. )

ચમકતી આંખોવાળું એ હિંસક પ્રાણી ધીરે ધીરે નિરો ની સાવ નજીક આવી ગયું.. નિરો હજી ગાઢ ઊંઘ માં પોઢયો હતો એટલે એને સહેજ પણ ભણક નહોતી કે એની આટલી સમીપ મોત આવીને ઉભી રહી છે.. અચાનક એ જાનવરે પોતાનું વિકરાળ મોં ખોલ્યું અને પોતાનાં તીક્ષ્ણ દાંત નિરો નાં ખભે ઘુસેડી દીધાં.

અચાનક થયેલાં હુમલાથી નિરો ની કારમી ચીસ નીકળી ગઈ જેનાં લીધે ત્યાં ઊંઘેલા બધાં સહસા જાગી ગયાં.. બીજાં લોકો કંઈ સમજે એ પહેલાં એ હિંસક પશુ નિરો ને ખેંચીને ઝાડીઓમાં દૂર લઈ ગયું.

"નિરો.. "જુમન એ જોરદાર બુમ પાડી અને ઝાડીઓ તરફ દોટ મૂકી.. જુમન ની પાછળ બધાં પણ દોડી નીકળ્યાં એ તરફ.

નિરો ની ચિસો હજુ એ લોકોનાં કાને અથડાતી હતી.. પણ હજુ એ લોકો નિરો કે એ શિકારી જનાવર સુધી પહોંચી નહોતાં શક્યાં.. હજુ એ લોકો ને એ પણ ખબર નહોતી કે હકીકતમાં નિરો પર હુમલો કોને કર્યો છે.

નિરો ને પોતાનું મોત એકદમ સમીપ લાગી રહ્યું હતું.. એને જોયું કે એનાં પર એક દીપડા એ હુમલો કર્યો છે ત્યારે એને સાક્ષાત યમ એને લેવા આવ્યાં હોય એવું લાગ્યું કેમકે એને દીપડા ની મારણ ક્ષમતા અને તાકાત થી પરિચય હતો.. દીપડા નાં દાંત એનાં ખભે ઊંડે સુધી ઉતરી ગયાં હતાં.. પણ આ સમય ડરવાનો નહીં પણ સામનો કરવાનો હતો.

(દીપડો એક એવું પ્રાણી કે જે એકલું જ શિકાર કરે.. ભારત ભરમાં જોવા મળતાં આ વિડાલ વંશ નાં પ્રાણી દ્વારા માનવ પર થતાં હુમલાની સંખ્યા બીજાં જનાવરો દ્વારા થતાં હુમલા કરતાં ઘણી વધારે છે. દીપડો પોતાની ઘાત લગવાની કળામાં ખૂબ નિપુણ હોય છે.. અને અન્ય હિંસક જીવો કરતાં વૃક્ષ પર સરળતાથી ચડવાની એની કળા એને અલગ બનાવે છે. )

દીપડો જ્યારે નિરો ને પોતાની સાથે ઘસડી જઈ રહ્યો હતો ત્યારે નિરો નાં હાથ માં એક લાકડું આવી ગયું.. જે એને બળપૂર્વક દીપડા નાં ચહેરા પર ફટકારી દીધું.. ચહેરા નાં મધ્ય ભાગ માં થયેલાં ઓચિંતા ઘા નાં લીધે દીપડા ની પકડ ઢીલી થઈ ગઈ અને નિરો એની ભીંસ માં થી છૂટી ગયો.

નિરો એ જોયું તો એનાં ખભામાંથી લોહી નીતરી રહ્યું હતું.. જેનાં લીધે એનાં કપડાં પણ લોહીવાળા થઈ ગયાં હતાં.. માર ની કળ વળતાં દીપડો નિરો ની તરફ નજર ગડાવીને ઉભો રહી ગયો.. એની કાતિલ નજર રાત ની આછી ચાંદનીમાં પણ સ્પષ્ટ જોઈ શકતી હતી.. પોતાનો શિકાર આમ હાથમાંથી જતો કરવાની એ રાની પશુ ને સહેજ પણ ઈચ્છા નહોતી.

નિરો પણ જાણતો હતો કે હવે લડવું એ આખરી ઉપાય છે.. નિરો એ પોતાનાં બુટ જેવાં ચામડાં ના પગરખાંમાંથી એક નાનકડું ખંજર કાઢ્યું અને દીપડા ની તરફ નજર કરીને ઉભો રહ્યો.. એને ખબર હતી કે આ નાનકડું ખંજર દીપડા નાં ગળાનાં ભાગમાં ઘુસેડી શકાય તો એને મારી શકાય. બાકી એનાં આખા શરીરનાં બીજાં કોઈપણ ભાગ પર આ ખંજર વધુમાં વધુ ઘા કરી શકે બાકી એને મારી તો ના જ શકે.. એટલે નિશાન એનું ગળું જ હોવું જોઈએ.

આ તરફ દીપડો પણ હવે આવેશમાં આવી નિરો ને ખત્મ કરી દેવાની ફિતરત માં હોય એમ એકીટશે એની તરફ નજરો ગડાઈને તૈયાર હતો આખરી ફેંસલો કરવા માટે.. અચાનક એને બે ડગ પાછા લીધાં અને નિરો ની ઉપર કુદકો માર્યો.. સામે પક્ષે નિરો પણ એની આ હરકત માટે તૈયાર જ હતો.. જેવો એ દીપડા એ કુદકો માર્યો નિરો એ ગજબ ની સ્ફૂર્તિ થી પોતાનું શરીર વાળી દીધું અને દીપડો એની ઉપરથી જેવો પસાર થયો એવું ખંજર દિપડાં નાં ગળા નું નિશાન લઈને ખૂંપાવી દીધું.

નિરો પોતાનાં આ દાવ થી મનોમન ખુશ હતો કે એને દિપડાં ને પરાસ્ત કરી મોત ને ઘાટ ઉતારી દીધો છે.. નિરો એ પાછળ ફરીને જોયું તો દીપડો જમીન ઉપર પડ્યો હતો.. નિરો ને હતું કે હવે આ ઉભો નહીં થાય.. પણ એનાં નર્યા આશ્ચર્ય વચ્ચે ઘુરકિયું કરી દીપડો ઉભો થયો. નિરો એ જોયું તો એનું નિશાન ગળા ની નીચેનાં ભાગ માં લાગ્યું હતું. ત્યાં રહેલી ઝાડી ચામડી અને રૂંવાટી નાં લીધે એ ખંજર નો ઘા નકામો નીવડ્યો.

નિરો ની આ બીજીવાર ની ચાલાકીથી દીપડો રઘવાયો અને પછી એને એક જોરદાર ત્રાડ સાથે વાતાવરણ ને ગુંજવી દીધું.. ઝાડ પર બેસેલાં પક્ષીઓ પણ એની આ ત્રાડ થી ઝબકીને જાગી ગયાં.. અડધી રાતે વાંદરાઓ પણ આમ તેમ ચિસો પાડી કુદકા મારવા લાગ્યાં.. ભય અને ડર નો સાક્ષાત નજારો અત્યારે ત્યાં અનુભવાઈ રહ્યો હતો. નિરો પણ સમજી ચુક્યો હતો કે હવે એનો અંત નજીક છે.. મોત ની રાહ માં એને પોતાની આંખો મીંચી લીધી.

એક ગર્જના કરી દિપડાં એ નિરો પર કુદકો લગાવ્યો પણ એક ગોળી છૂટવાના અવાજે વાતાવરણ ને પાછું ડહોળી દીધું.. અને એ દીપડો નિરો નાં પગ થી થોડે દૂર આવીને પટકાયો.

ગોળી છૂટવાના અવાજે નિરો નું ધ્યાન તોડ્યું અને એને આંખો ખોલી તો એ ખૂંખાર જનાવર એનાં પગ જોડે પડ્યું હતું.. એનાં ગળાનાં ભાગેથી લોહી નીકળી રહ્યું હતું.. અને થોડાં સમય પહેલાં પોતાની ત્રાડ થી જંગલ ને ગુંજવી મુકનાર પ્રાણી પોતાનાં છેલ્લાં શ્વાસ ભરી રહ્યું હતું.

"નિરો.. "ગોળી જે તરફથી છૂટી હતી એ તરફથી જુમનનો અવાજ આવ્યો.. નિરો એ જોયું તો જુમન, અકુ, વિજય, કાનો, ગાભુ અને વિરજી બધાં હાજર હતાં.. એ લોકો દોડીને નિરો ની સમીપ આવ્યાં.

"તું ઠીક તો છે ને.. ?"અકુ એ આવતાં વેંત જ પૂછ્યું.

"આમ તો ઠીક છું.. બસ આ થોડું ખભે વાગ્યું છે.. "નિરો એ જવાબ આપતાં કહ્યું.

કાનો નિરો ની નજીક આવ્યો અને એનો ઘા જોઈ બોલ્યો..

"અરે આને થોડું કહેવાતું હશે. દાંત નો ઘા અંદર સુધી ઉતરી ગયો છે.. "

"કાના ભાઈ.. તમે બહુ ચિંતા ના કરશો આવું તો થયે જાય.. કાલે હું લેપ લગાવી દઈશ એટલે રાહત થઈ જશે.. "જુમન બેફિકરપણે બોલ્યો.

"પણ ગોળી કોને ચલાવી.. ?"નિરો એ પૂછ્યું.

"કોણ હોય બીજું.. વિજય ભાઈ.. દિપડાં ની ત્રાડ સાંભળી અમે આ તરફ આવ્યાં તો જોયું કે દીપડો તારી સામે ઉભો હતો.. અમે દોડીને તારી તરફ તને બચાવવા આવવા માંગતા હતાં પણ વિજય ભાઈએ હાથ નાં ઇશારાથી અમને રોકી ને પોતાની રિવોલ્વર કાઢી અને જેવો દીપડો કુદવાની તૈયારી કરતો હતો ત્યારે એની ગતિ અને દિશા નું પાકું માપ કાઢી વિજય ભાઈ એ ગોળી ચલાવી દીધી અને એમનાં અચૂક નિશાને દીપડો સ્વધામ પહોંચી ગયો.. "જુમને કહ્યું.

"વિજય ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.. "આભારવશ નિરો એ કહ્યું.

"એમાં આભાર ના હોય.. આ મારી ફરજ હતી.. જ્યાં સુધી તમને લોકો ને તમારી સાચી મંજીલ સુધી ના દોરી જાઉં ત્યાં સુધી તમને સહી સલામત રાખવા મારી ફરજ છે.. "વિજયે કહ્યું.

ત્યારબાદ એ લોકો પાછાં પોતાની સુવાની જગ્યાએ આવ્યાં.. વિજયે પોતાની સાથે લાવેલી પેઈન કિલર ગોળીઓ નિરો ને આપી જેથી એને રાહત રહે. હવે એમને નક્કી કર્યું કે આવાં રાત નાં સમયે વારાફરથી કોઈ એક માણસ ચોકી પહેરો કરશે.. અને કાના એ આજ રાત પૂરતી એ જવાબદારી પોતાનાં માથે ઊંચકી લીધી.. !!

પ્રથમ દિવસે જ શિકાર કરવાં નીકળેલી પોતાની ટુકડીમાંથી પોતાનો એક સાથી મરતાં મરતાં માંડ બચ્યો હતો.. જે આગળ આવનારી મુસીબતો ની આગાહી કરી રહ્યું હતું.. એવું કાનો મનોમન માનતો હતો.. બધાં નાં સુઈ ગયાં પછી એ આકાશ સામે જોઈ પોતાની સેજલ ને યાદ કરી રહ્યો હતો.. !!

***

સવાર પડતાં જ બધાં ગાઢ નિંદ્રામાંથી ઉઠયાં.. હજુ પણ નિરો ને ખભે દુઃખી રહ્યું હતું.. સવાર નાં અજવાસ માં જુમન ત્યાં આજુબાજુમાંથી કોઈ છોડ ની પત્તીઓ લેતો આવ્યો અને વાટીને એને નિરો નાં ઘા મૂકી એની પર એક કપડાં નો ટુકડો કસકસાવીને બાંધી દીધો.

સૂરજ નીકળ્યાં પહેલાં જ એ લોકો ફરી પાછા નીકળી પડ્યાં પોતાની મંજીલ એટલે કે આદમખોર સાવજ ની તલાશ માં. જંગલ ના ઉબળ ખાબળ રસ્તા પર સળંગ ચાર કલાક સુધી એ લોકો ચાલતાં રહ્યાં.. વિજય પોતાની જોડે લાવેલાં એક નકશા પરથી એ લોકોને યોગ્ય દિશા ભણી દોરી રહ્યો હતો. જો વિજય જોડે ના આવ્યો હોત તો પોતે કઈ રીતે યોગ્ય રસ્તે આગળ વધત.. ?વિજય ને આમ પોતાની મદદ માટે મોકલી આપવા બદલ કાનો મનોમન ઈશ્વર નો આભાર માની રહ્યો હતો.

થકવી નાંખે એવી લાંબી સફર પછી એ લોકો એક ઢોળાવ વાળી જગ્યાએ આવી ને ઉભાં રહ્યાં.. હવે આગળ વધવું હોય તો આ ઢોળાવ ઉતરવો જરૂરી હતો.

"કાના હવે અહીં થોડીવાર આરામ કરી લઈએ.. પછી આગળ વધીશું.. "વિજયે કાના ની તરફ જોઈએ કહ્યું.

"હા વિજય મને પણ એવું લાગે છે કે થોડો વિસામો કરી જ લઈએ.. બધાં થોડાં થાકી પણ ગયાં છે.. અને સૂરજ પણ માથે છે એટલે થોડો સમય અહીં જ રોકાઈ જઈએ.. "કાના એ કહ્યું.

ત્યારબાદ એ લોકો ત્યાંજ એક લીમડાના વૃક્ષની નીચે આરામ ફરમાવવા બેઠાં.. કાના એ બધાં ને ચણા અને ગોળ આપ્યો જેથી થોડી ભૂખ શાંત થાય અને શક્તિનો સંચાર પણ થાય.

બપોરે ત્રણ વાગ્યાં નાં સુમારે વિજયે કહ્યું.

"તો મિત્રો ચાલો હવે પૂરતો આરામ થઈ ગયો હોય તો આગળ વધીએ.. આપણી હવે આગળ ની મંજીલ છે ત્યાં દૂર દેખાઈ રહેલી નદી.. એનાં કિનારે પહોંચ્યા પછી જ હવે આપણે અટકીશું.. "

"હા ચાલો.. "બધાં એકસાથે બોલી ઉઠયાં.

આરામ કરવાનાં લીધે એ લોકો સ્ફૂર્તિ અનુભવી રહ્યાં હતાં એટલે ઝડપથી એ લોકો ઢોળાવ ઉતરવા આગળ વધ્યા.. એમને આમ ઉતાવળ માં જોઈ વિજયે એમને રોકયાં અને કહ્યું.

"આમ ઉતાવળ કરવાની જરૂર નથી.. ઢોળાવ આમ જોઈએ તો વધુ સીધો નથી એટલે બહુ વાંધો નહીં આવે.. છતાં પણ સાચવીને ઉતરવું પડશે.. કેમકે પથરા વાળી આ જગ્યા એ જો પડી જવાય તો હાડકાં ભાંગવાની શકયતા નકારી ના શકાય.. "

વિજય નાં સૂચન થી બધાં ધીરે ધીરે કરી ઢોળાવ ઉતરી નીચે આવી ગયાં.. નીચે ઉતર્યા પછી એમને હાશ થઈ.. કેમકે લાગે એટલું સરળ નહોતું આ રીતે ઢોળાવ ઉતરવું.

"ચાલો ભાઈઓ ત્યારે ઝડપથી આગળ વધીએ.. અને સાંજ પડ્યાં પહેલાં નદી ને કિનારે સુધી પહોંચી જઈએ.. "જુમને કહ્યું.. એની વાત સાંભળી બધાં નીકળી પડ્યાં નદી ની તરફ.. હવે નો રસ્તો ખુલ્લાં મેદાન જેવો હતો એટલે આગળ ચાલવાની મુશ્કેલી નહોતી.. પણ ગાભુ માટે જુમન અને એનાં સાથીદારો ની માફક આગળ વધવું ખરેખર આકરી કસોટી સમાન હતું.

"જુમન તારે અને કાના ને ઓળખાણ કઈ રીતે થઈ.. ?" ચાલતાં ચાલતાં વિરજી એ પૂછ્યું.

"અરે વિરજી ભાઈ આ બહુ જૂની વાત છે.. લગભગ સાતેક વર્ષ પહેલાં ની.. એ વખતે આપણાં પંથક માં વરસાદ બહુ ઓછો પડ્યો હતો એટલે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એક તો ખેતી માં કંઈ ઉપજ્યું નહીં અને ઉપરથી કોઈ શિકાર લાયક પશુ પણ હાથમાં ના આવતાં હું મારાં કાકા એટલે કે અકુ નાં પિતા કપુરા સાથે રાવટા ગામ ની સીમ માં શિકાર માટે પહોંચી ગયો હતો.. "જુમને વિરજી ની વાત નો જવાબ આપતાં ભૂતકાળ ની વાત યાદ કરતાં કહ્યું.

"પછી શું થયું.. ?" અકુ એ પણ પોતાનાં પિતાનું નામ સાંભળતા જુમન ની વાત જાણવાની બેતાબી દર્શાવી.

બન્યું એવું કે એ વખતે રાવટા માં આવેલાં પાણી નાં વ્હેળા જોડે અમે ઘાત લગાવીને બેઠાં હતાં કે ક્યારે કોઈ પશુ આવી ને અમારી જાળ માં ફસાય.. રાત્રી નો અંધકાર હતો અને એક હરણ પાણી પીવા ત્યાં આવ્યું.. મારી નજર એની પર પડી અને મેં મારાં કામઠામાંથી તીર છોડ્યું જે સીધું એ હરણ ની અંદર ઘુસી ગયું અને થોડી જ વારમાં એ મરી ગયું.

હું એ હરણ નો મૃતદેહ લેવાં આગળ વધ્યો ત્યાં અચાનક મને મારી ડાબી તરફ ની ઝાડીઓમાંથી એક ઘુરકિયું સંભળાયું અને એમાંથી એક સિંહણ બહાર આવી અને મારી સામે ધારીને જોઈ રહી. હું સમજી ચુક્યો હતો કે આ હરણ એનો શિકાર હતું અને હું એનાં અને એનાં શિકાર ની વચ્ચે આવી ગયો હતો.

એ સિંહણે ધરા ને ધ્રુજવી દેતી ત્રાડ નાંખી અને મારી તરફ આગળ વધી.. હું સમજી ગયો હતો કે એનો સામનો કરવો આસન નથી.. મેં પાછળ તીર નીકળવા હાથ નાંખ્યો પણ મારા ખરાબ નસીબે હું બધાં તીર જ્યાં ઘાત લગાવીને બેઠો હતો ત્યાં જ ભૂલી ગયો હતો.. હવે મોત નિશ્ચિત હતું એટલે હું શક્ય એટલી ઝડપે દોડીને ત્યાંથી ભાગ્યો.. એ સિંહણ પણ મને છોડવાનાં મૂડ માં નહોતી અને એ પણ મારી પાછળ ભાગી. મારી જોડે આવેલાં બીજા સાથીદારો પણ સમજી નહોતાં શક્યાં કે પળવાર માં આ શું થઈ ગયું.

હું તીવ્ર ઝડપે દોડીને ત્યાંથી નીકળી ખુલ્લાં ખેતરો તરફ ભાગ્યો.. હું એકધાર્યું દોડવાથી હાંફી ગયો હતો.. સિંહણ નો ઘુરકવાનો અને એનાં પગલાંનો અવાજ શાંત વાતાવરણ માં હું સ્પષ્ટ સાંભળી રહ્યો હતો.. હવે મારાં થી વધુ દોડવું શક્ય નહોતું એટલે મેં પાછાં ફરીને જોયું.. અમારી વચ્ચે નું અંતર હવે વીસેક ડગલાં જ રહ્યું હતું.. હું ગણતરી ની પળ નો મહેમાન હતો એ નક્કી હતું.

અચાનક એક ઘટના બની સિંહણ ની કારમી ચીસ મારાં કાને પડી.. મને એ સાંભળી આશ્ચર્ય થયું કે એવું તે શું બન્યું હશે.. મેં મારી ગતિ ને અટકાવી અને પાછળ ફરીને જોયું તો સિંહણ નાં પગમાં કરંટ નાં તાર હતાં.. અને એમાંથી નીકળતી કરંટ ને લીધે એ સિંહણ અત્યારે પીડામાં હતી.. મેં જોયું તો એક કસાયેલા શરીર ધરાવતો યુવાન ત્યાં સિંહણ ની નજીક હતો.. સિંહણ ની આ દશા જોઈ એ દોડીને થોડે દુર ગયો જ્યાં કોઈ મશીન હતું.. એને ત્યાં જઈ એક સ્વીચ પાડી.. એટલે કરંટ બંધ થતાં એ સિંહણ તાર થી દુર ફેંકાઈ અને એક કારમી ચીસ સાથે ચૂપ થઈ ગઈ.

એ યુવક બીજું કોઈ નહીં કાનો હતો.. કાનો દોડીને સિંહણ જોડે ગયો અને જઈને એનું મૃત શરીર તપાસી મારી સામે જોઈ કહ્યું..

"ડરવાની જરૂર નથી.. આ હવે તને કંઈ નહીં કરે.. આ બિચારી મરી ચુકી છે.. "

પછી હું કાના ની તરફ ગયો અને એનો આભાર માની મારો પરિચય આપ્યો અને કાના એ પણ એની ઓળખ મને આપી.. સાથે એ પણ જણાવ્યું કે આ ખેતર એનું હતું અને રાતે ખેતર ની રખેવાળી કરવા એ ત્યાં આવ્યો હતો ત્યારે ખેતરમાં બનાવેલાં માંચડા પરથી નજર દૂર થી મારો પીછો કરતી સિંહણ અને મારાં પર પડી એટલે મને બચાવવા એને ભૂંડ અને નીલગાય ને મારવા માટે બનાવેલું વિજપ્રવાહ નું મશીન ઉપયોગ માં લઈને મને બચાવી લીધો.

"બસ પછી એ દિવસ છે ને આજનો દિવસ.. મારી આ જીંદગી કાના ભાઈ ની મહેરબાની છે એટલે હવે એમનો પડ્યો બોલ ઝીલવો એ મારાં માટે મારી ફરજ જેવું છે.. "જુમને પોતાની અને કાના ની દોસ્તી કઈ રીતે થઈ એ વિશેની લાંબી વાત બધાં ને કહી.

બસ આમ જ વાતો કરતાં કરતાં એ લોકો નદીને કિનારે આવી પહોંચ્યા ત્યાં સુધી માં સાંજ થઈ ગઈ હતી.. નદી નાં શીતળ જળ માં સ્નાન કરી એ બધાં સ્ફૂર્તિ અનુભવી રહ્યાં હતાં.. થોડીવાર માં તો સૂકા લાકડાં લાવી તાપણું કર્યું.. આજે જમવામાં થેપલાં અને અથાણું હતું.. જે ખાધાં પછી બધાં ને શાંતિ થઈ.

"તો આજે હવે રાતે કોણ જાગશે.. ?" વિજયે પૂછ્યું.

"આજે હું જાગીશ.. "ગાભુ એ જવાબ આપ્યો. ગાભુ ની વાત સાંભળી કાના એ વિરજીને ઈશારો કર્યો એટલે વિરજી એ કહ્યું..

"સાથે હું પણ જાગીશ.. "

તો આજે તો જમીન સાફ કરવાની નહોતી એટલે થોડીવાર માં જ પાથરણ પથરાઈ ગયું.. અને અહીં તહીં ની વાતો કરતાં એ બધાં ને નિંદ્રા દેવી એ પોતાનાં આલિંગન માં સમાવી લીધાં.

જેમ જેમ રાત આગળ જઈ રહી હતી એમ એમ નદી પરથી આવતો શીતળ પવન ગાભુ અને વિરજી ની આંખો ને પણ બોઝલ બનાવી રહ્યો હતો.. એ લોકો ને જોરદાર ઊંઘ આવતી હતી એમાં પણ ગાભુ ની હાલત તો વધુ વિકટ હતી.

જેમ તેમ કરી રાત તો પસાર થઈ ગઈ.. વચ્ચે વિરજી નાં કહેવાથી ગાભુ વચ્ચે બે કલાક સુઈ પણ ગયો હતો.. હજુ ચાર વાગ્યાં હતાં. વાતાવરણ ની ખુશનુમા તાજગી આનંદ આપનારી હતી. હવે કોઈ ચિંતા નથી એમ વિચારી વિરજી એ ગાભુ ને કહ્યું.

"ગાભુ હું થોડું સુઈ લઉં.. ત્યાં સુધી તું જાગતો રહેજે.. "

"હા ભાઈ તું સુઈ જા.. "ગાભુ એ કહ્યું.

ગાભુ ને જાગીને પહેરો ભરવાની જવાબદારી આપીને વિરજી સહેજ આડો પડ્યો.. દિવસભર નાં થાક ને લીધે થોડીજ વારમાં એનાં નસકોરાં સંભળાવા લાગ્યાં.. આ તરફ અડધો કલાક સુધી તો ગાભુ એ ઊંઘ ન આવે એટલે ત્યાં એટલામાં જ આંટા ફેરા માર્યા. થોડું ફર્યા પછી એ નદી ની જોડે રાખેલાં પથ્થર પર બેસી સ્વગત બબડયો.

"અરે હવે સવાર પડી ગઈ.. હવે કોઈ હિંસક પશુ આ તરફ ના જ આવે.. "

ગાભુ ની ઊંઘ પુરી થઈ નહોતી અને વધારામાં પાતળું શરીર અને આળસુ પ્રકૃતિનાં લીધે એને પોતે પણ થોડો સમય આડો પડશે અને ત્યાંથી જ આજુબાજુ ધ્યાન રાખશે એવું વિચારી એ ઉભો થઈને સીધો પથારી તરફ ગયો અને ત્યાં જઈ આડો પડ્યો.. પણ નદી પરથી આવતાં ઠંડા પવનો નાં લીધે ઊંઘ આવી ગઈ અને અજાણતાં જ એની આંખો મીંચાઈ ગઈ.

મોંસૂઝણું થતાં ગાભુ એ વાત થી બેફિકર હતો કે કંઈપણ પ્રકારની અઘટિત ઘટના હવે થઈ શકે છે.. એટલે એ જરૂર કરતાં વધુ ગાફેલ બની ગયો જેનું ભૂંડું પરિણામ હવે ટૂંક સમયમાં આવવાનું હતું એ નક્કી હતું... !!!

વધુ આવતાં ભાગે.

પોતાની પત્ની અને બાળક નો બદલો કાનો લઈ શકશે કે કેમ.. ?? શું એ સાવજ ના આતંક નો ખાત્મો થઈ શકશે.. ?? કાનો અને એનાં સાથીદારો સાવજ નો શિકાર કઈ રીતે કરશે?? ગાભુ ની ભૂલ ની સજા નું પરિણામ એ લોકો એ કઈ રીતે ભોગવવાનું હતું?... વાંચો ડણક A Story Of Revange નાં આવતાં ભાગ માં...

હવે શરૂ થઈ ચૂકી છે એક એવી કથા જેમાં જંગલ ની પરિસ્થિતિ અને વાતાવરણ નું વર્ણન છે.. જેમાં આખું ગીર નું કાળસમું વન છે.. પળેપળ રોમાંચ ની અનુભૂતિ આપતી સાહસ અને શિકાર કથા.. જે આપને અવશ્ય થ્રિલ ની ફિલ આપશે.

આ સિવાય તમે મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" અને "રૂહ સાથે ઈશ્ક" પણ વાંચી શકો છો... આભાર.. !!

- દિશા. આર. પટેલ