Danak - 16 books and stories free download online pdf in Gujarati

ડણક ૧૬

ડણક

A Story Of Revenge.

ભાગ:16

( માનવભક્ષી સાવજ ના હુમલા માં પોતાની પત્ની સેજલ ને ગુમાવ્યાં બાદ કાનો અર્ધ પાગલ બની જાય છે. એક પછી એક હત્યાઓ કરતો સિંહ વનવિભાગ દ્વારા પણ નથી પકડાતો. હિરલ રેખા ને સિંહ ના હુમલામાં ગોવિંદ ના બચવા પાછળ કાના નો હાથ હોવાનો પુરાવો આપે છે.. બીજી બાજુ રેખા જોડેથી જાણેલી સેજલ ગર્ભવતી હોવાની વાત કાના ને જણાવે છે.. જે સાંભળી ગુસ્સેથી સિંહ ને મારી સેજલ અને પોતાનાં થનારાં અંશ નો બદલો લેવાનો નીર્ધાર કરે છે અને પોતાનાં સાથીદારો સાથે નીકળી પડે છે સાવજ નો શિકાર કરવા.. વિજય નામનો એક ફોરેસ્ટ ઓફિસર પણ એમની સાથે જોડાય છે.. હવે વાંચો આગળ.. )

રાવટા ની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ સાસણ વિસ્તાર સાસણ ગીર નાં હુલામણા નામે પ્રખ્યાત હતો.. અહીં નાં સાવજ ની સાથે અહીં પાકતી કેસેર કેરી પણ ખૂબ પ્રખ્યાત છે.. પોતાની સફર ની શરૂવાત કરી કાનો અને એનાં મિત્રો રાવટા થી લગભગ પાંચેક કિલોમીટર ચાલી ને સાસણગીર નાં જંગલો માં પ્રવેશ કરી ચૂક્યાં હતાં. ચાલતાં ચાલતા બધાં એ એક પછી એક પોતાની ઓળખાણ ફોરેસ્ટ ઓફિસર વિજય ને આપી.

"તો કાના હવે આપણે કઈ તરફ આગળ વધીશું.. સાવજ ક્યાં હશે એની ખબર તો હોવી જોઈએ ને.. પછી આપણે એનો શિકાર કરી શકીશું.. "ગાભુ ને હજુ માંડ પાંચ કિલોમીટર ચાલ્યો હશે ને થાક વર્તાતા બોલ્યો.

"ગાભુ તું બોલ્યાં વગર ચાલવાનું રાખ.. જો હિંમત નહોતી તો તારે આવવું જ નાં જોઈએ.. "વિરજી એ સણકો કરતાં ગાભુ ને કહ્યું.

"વિરજી.. ગાભુ ની વાત સાવ હસવા જેવી નથી.. આ ગીર નું જંગલ સેંકડો ચોરસ કિલોમીટર માં પથરાયેલું છે.. અને આપણી જોડે ખાવાનો જથ્થો મર્યાદિત છે એટલે સમય વેડફવો યોગ્ય નથી.. "વિજયે કહ્યું.

"તો વિજય ભાઈ તમે જંગલ અને જંગલી પ્રાણીઓ વિશે અમારાં થી વધુ જાણો છો એટલે હવે આગળ બધો દિશા નિર્દેશ તમારે જ કરવાનો છે.. અમે તમારાં કદમ થી કદમ મિલાવીને પાછળ પાછળ આવીશું.. "કાના એ વિજય ની વાત સાંભળી કહ્યું.

"અત્યાર નો સમય સાવજ ના સંવવન નો છે.. એટલે માદા સિંહણ ની ખોજ માં એ સાવજ જંગલ માં અંદર પાછો ચાલ્યો ગયો હશે.. અને એટલે જ છેલ્લાં થોડાં દિવસ થી ક્યાંક કોઈ હુમલો થયો નથી.. "વિજયે કાના ની વાત સાંભળી જણાવ્યું.

"તો પછી આપણે એની સુધી કઈ રીતે પહોંચીશું.. ?" ગાભુ એ પૂછ્યું.

"એનાં માટે આપણે એ સાવજ નું પગેરું મેળવવું પડશે.. અને એનાં દ્વારા જ એનાં સુધી પહોંચવું પડશે.. "વિજયે કહ્યું.

"પણ એ સાવજ નું પગેરું કઈ રીતે શોધીશું.. ?" વિરજી એ સવાલ કર્યો.

"જોવો તમને હું થોડાંક સૂચનો કરવા માગું છું.. એ મુજબ આપણે પ્રયાસ કરીશું તો એ આદમખોર સાવજ નું પગેરું અને એનાં પર થી એને શોધી શકીશું.. "વિજયે બધાં ને એક ત્રિભેટે ચાલતાં અટકાવી કહ્યું.

બધાં ઉભાં રહી ગયાં અને વિજય શું કહે છે એ સાંભળવા એની તરફ જોઈ રહ્યાં.

"એ સિંહ આદમખોર હતો એટલે જ એ જંગલ નો પોતાનો વિસ્તાર મૂકી માનવ વસ્તી માં ઘૂસ્યો.. બાકી કોઈ સિંહ આવું કરતાં નથી.. અને જ્યાં સુધી માણસ એમનાં પર ખતરો નાં ઉભો કરે અથવા તો એમનાં અને એમનાં શિકાર ની વચ્ચે ના આવે ત્યાં સુધી કોઈ મનુષ્ય પર હુમલો પણ નથી કરતાં. એટલે લાગે છે કે આ સિંહ ને એનાં ટોળામાંથી છૂટો કરી દેવામાં આવ્યો હશે.. એટલે જ ના છૂટકે એને શિકાર નાં સરળ ઉપાય તરીકે માણસો પર હુમલો શરૂ કર્યો.. કેમકે આમ જોઈએ તો સિંહ શિકાર જ ના કરે.. ટોળામાં રહેતાં સિંહો માં સિંહણ જ શિકાર કરતી હોય છે.. "વિજયે સિંહો ની પ્રકૃતિ વિશે જણાવતાં કહ્યું.

"આતો જબરું કહેવાય.. બૈરાં શિકાર કરે અને ઘણી આરામ ફરમાવે.. આપણે આવું હોત તો સારું હતું.. "ટીખળ કરતાં ગાભુ બોલ્યો. ગાભુ ની વાત સાંભળી બધાં હસી પડ્યાં.

"જો હવે એ સિંહ સુધી પહોંચવું હશે તો એનાં દ્વારા છોડવામાં આવેલ દરેક નિશાની ને શોધવી પડશે.. એ આદમખોર આ રસ્તે જ જંગલ માં આ ત્રણ રસ્તામાંથી કયાં રસ્તે ગયો હશે એ શોધવું પડશે.. એ માટે એનાં પગલાં ની નિશાની, એનાં મળ મૂત્ર, એનાં છોડેલાં અધૂરા શિકાર આ બધી માહિતી પરથી આપણે એનાં સુધી પહોંચવાનો રસ્તો શોધવો પડશે.. "વિજયે સાવજ નું પગેરું કઈ રીતે શોધવું એ વિશે જણાવતાં કહ્યું.

"આમ જોઈએ તો આ કામ સરળ તો નથી જ.. "કાનો થોડું વિચારી ને બોલ્યો.

"હા કાના તારી વાત સાચી છે.. પણ તારાં આ સિદી મિત્રો એમાં આપણ ને બહુ ઉપયોગી થશે.. મારી વાત સાંભળતા જ એમનાં ચહેરા પર આવેલું સ્મિત એ વાત ની ચાડી ખાય છે કે આ બધું કામ એ આસાની થી કરી શકશે. આમ પણ એમની જોવાની અને સૂંઘવાની શક્તિ કોઈ જનાવર થી કમ ના આંકતો.. "વિજયે જુમન અને એનાં મિત્રો તરફ જોઈએ કહ્યું.

"હા કાના આ કામ અમારાં ત્રણ ઉપર છોડી દે.. તમે બધાં અહીં બેસો હું, અકુ અને નિરો અલગ અલગ રસ્તે જઈને તપાસ કરી આવીએ કે એ આદમખોર જાનવર કયા રસ્તે આગળ વધ્યો છે.. "જુમને કાના ની તરફ જોઈને કહ્યું.

"સારું તો તમે જલ્દી નીકળો.. આપણે સાંજ સુધી માં એ રસ્તે આગળ વધી કોઈ સારી જગ્યા પણ શોધવાની છે.. જ્યાં રાત પસાર કરી શકાય.. "વિજયે જુમન ને ઉદ્દેશીને કહ્યું.

"સારું તો અમે નીકળીએ.. "આટલું કહી જુમન, અકુ અને નિરો નીકળી પડ્યાં એ ત્રિભેટે થી ફંટાતા ત્રણ અલગ અલગ રસ્તે.. !!

જતાં જતાં જુમને પોતાનાં બંને સિદી ભાઈઓ અને કાના અને એનાં સાથે હાજર બીજાં લોકો ને અમુક સૂચનો આપ્યાં.. અને એ મુજબ વર્તવા જણાવી દીધું..

***

જુમન અને એનાં સાથીદારો ને અલગ અલગ રસ્તે ગયે લગભગ સવા કલાક જેટલો સમય વીતી ગયો હતો.. જંગલ નું ભેજવાળું અને હૂંફાળું વાતાવરણ ખરેખર ભલભલા ને થકવી નાંખે એવી અનુભૂતિ ત્યાં હાજર કાનો, વિરજી અને ગાભુ કરી રહ્યાં હતાં.. આજુબાજુ દેખાતી ઘટાટોપ વનરાજી અને જંગલમાંથી આવતાં ચિત્ર વિચિત્ર આવજો ખરેખર એક ડર નો માહોલ પેદા કરી રહ્યાં હતાં.

અચાનક ત્રિભેટે આવતાં રસ્તામાં જે રસ્તો ડાબી તરફ પડતો અને જ્યાં અકુ ગયો હતો ત્યાંથી એક ચિચિયારી જેવો અવાજ આવ્યો.. જે સાંભળતા જ કાના અને ત્યાં બેઠેલાં બીજાં લોકો નાં ચહેરા ખીલી ઉઠયાં.

હકીકત માં જુમને જતાં જતાં પોતાનાં સાથીદારો ને કીધું કે જે પણ એ સાવજ નું પગેરું શોધી કાઢે એને આ રીતે ચિચિયારી પાડી બધાંને અવગત કરવા.. અને કાના અને બીજાં લોકો ને પણ કહ્યું હતું કે તમને જેવી અમારાં ત્રણમાંથી કોઈની પણ ચિચિયારી સંભળાય એવું જ તમારે એ રસ્તે આગળ વધવું.. આ ચિચિયારી નો મતલબ હતો કે અકુ એ એ સાવજ ની કોઈ નિશાની શોધી લીધી હતી જેનો મતલબ હતો કે સાવજ એ રસ્તે આગળ વધ્યો હતો.

અકુ નો સંદેશ રૂપી ચિચિયારી નો અવાજ સાંભળતાં જ કાનો, વિરજી, ગાભુ અને ઓફિસર વિજય એ દિશામાં આગળ વધ્યા.. લગભગ પંદર વિસ મિનિટ જેટલું ચાલ્યાં હશે ને ત્યાં અકુ અને જુમન એમને એક ઝાડ ની નીચે ઉભેલો જણાયો.. એ લોકો અકુ અને જુમન ને જોતાં જ એ તરફ આગળ વધ્યા.. જુમન ને પોતાની પહેલાં આવી ગયેલો જોઈને એ બધાં ને સિદી લોકો ની સ્ફૂર્તિ ઉપર માન ઉપજ્યું.

"અકુ શું મળ્યું તને.. ?" ઓફિસર વિજયે અકુ ની તરફ જોઈને પૂછ્યું.

"સાહેબ આ જોવો.. સિંહ નું મળ અને આ ઘાસ ઉપર એનાં મૂત્ર ની ગંધ અને નિશાન.. "અકુ એ નીચા બેસી ને કહ્યું.

"પણ તને ખબર કઈ રીતે પડી એ આ સિંહ નું જ મળ અને મૂત્ર છે.. ?"વિરજી એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"વિરજી ભાઈ આ બધું અમારાં લોહીમાં છે.. અમે મૂત્ર ની ગંધ અને મળ જોઈને કહી દઈએ કે એ કોનું છે.. શિકાર કરતી વખતે આ વાત જ અમને ઉપયોગી નીવડે છે.. કેમકે જો ખબર જ ના હોય કે આજુબાજુ કોઈ હિંસક પ્રાણી છે કે નહીં.. તો ક્યારેક શિકાર કરવાની જગ્યાએ અમારો શિકાર થઈ જાય"અકુ ને પૂછાયેલા પ્રશ્ન નો જુમને જવાબ આપતાં કહ્યું.

"ગજબ છે તમારી શિકાર કળા.. માની ગયાં દોસ્ત.. "વિરજી એ જુમન નાં વખાણ કરતાં કહ્યું.

એમની વાતચીત ચાલુ હતી એટલામાં નિરો પણ ત્યાં આવી પહોંચ્યો.. એ સમજી ગયો કે અકુ એ સિંહ નું પગેરું શોધી આ રસ્તે સિંહ આગળ વધ્યો એની માહિતી એકઠી કરી લીધી હતી.

"એક બીજી વાત કહું કે આ રસ્તે સિંહ નાં ગયે હજુ માંડ ચાર દિવસ જ થયાં છે.. કેમકે એનું મળ હજુએ થોડું લીલું છે.. પૂર્ણપણે સુકાયું નથી.. "અકુ એ કહ્યું.

અકુની વાત સાંભળી વિજય સિવાય બાકીનાં બધાં નાં મોં ખુલ્લાં રહી ગયાં.. એ લોકો ને એ વાત નું આશ્ચર્ય હતું કે અકુ કઈ રીતે મળ ઉપરથી આટલું બધું કહી શકે છે.. એમનો ચહેરો જોઈ એમનાં મન ની વાત સમજી ગયો હોય એમ જુમન બોલ્યો.

"ભાઈઓ શું વિચારો છો.. એમ જ ને.. કે આટલી સામાન્ય વસ્તુ પરથી અમે કઈ રીતે આટલું બધું અનુમાન બાંધી શકીએ છીએ.. કણબી જમીન જોઈને નક્કી કરી શકે કે આ વખતે કયો પાક લેવો જોઈએ અને રાજવી પરિવાર નો માણહ ઘોડો જોઈ એની નસલ ઓળખી જાય છે.. એ બધાં આવું કરી શકે છે કેમકે આ બધું એમનાં લોહીમાં હોય છે.. આ જન્મજાત કળા છે.. એમ અમારાં માં પણ જંગલી પશુ વિશે જાણકારી મેળવવાની જન્મજાત કળા આવી ગઈ હોય"

જુમન નો જવાબ બધાં ને ગળે ઉતરી ગયો..

"ચાલો ત્યારે હવે આ રસ્તે આગળ વધીએ.. "વિજયે કહ્યું.

વિજય નાં કહેતાં જ એ લોકો ની ટોળકી નીકળી પડી એ રસ્તે આગળ ની તરફ.. એ લોકો એ વાત થી બેખબર હતાં કે બે ચમકતી આંખો ક્યારનીયે એમની ઉપર મંડાઈ રહી હતી અને એમની પાછળ પાછળ આવી રહી હતી!!

***

ધીરે ધીરે વાતો કરતાં કરતાં ધીરે ધીરે કાનો અને એનાં સાથીદારો ની ટુકડી બે કલાક સળંગ ચાલીને જંગલમાં ખાસી એવી દૂર પહોંચી ગઈ હતી.. થોડે દુર થી ખરું જંગલ શરૂ થતું હતું.. સૂર્ય ધીરે ધીરે ક્ષિતિજ પર આથમી રહ્યો હતો.. ચોમાસાની ઋતુ હોવાથી સાંજ થઈ હોવાં છતાં પણ એવું લાગતું હતું કે રાત થઈ ગઈ હોય.. ધીરે ધીરે અંધકાર ફેલાઈ રહ્યો હતો જે ઘટાદાર વૃક્ષો ની હારમાળા વચ્ચે વધુ ઘનઘોર લાગી રહ્યો હતો.

"કાના હવે અહીં જ રાત પસાર કરીએ.. કેમકે ઘણું ચાલ્યાં પછી થાક પણ લાગ્યો છે અને રાત થવા આવી.. હજુ વધુ મોડું થઈ જાય એ પહેલાં અહીં જ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરીએ.. "વિજયે સલાહ આપતાં કહ્યું.

વિજય ની વાત સાંભળી બધાં એ પોતપોતાનાં ખભે થી બેગ ઉતારી અને ત્યાંજ જમીન પર મૂકી દીધી.. ત્યાં રોકાણ કરવાની વાત સાંભળી સૌથી વધુ હાશ ગાભુ ને થઈ કેમકે હવે થોડું પણ ચાલવું એનાં માટે શક્ય નહોતું.

સૌપ્રથમ તો એ બધાં એ આજુબાજુ થી સૂકા લાકડાં એકઠાં કર્યાં અને એનું સારું એવું તાપણું કર્યું.. તાપણા નાં પ્રકાશ માં કાના અને એનાં સાથીદારો એ ગરમાં ગરમ ખીચડી બનાવી અને લસણ ની ચટણી અને મરચાં સાથે આરોગી... આખો દિવસ ચાલવાનો થાક અને ભૂખ નાં લીધે ખીચડી એમને બત્રીસ પકવાન કરતાં પણ અધિક સ્વાદિષ્ટ લાગી.

"વાહ ભાઈ મજા આવી ગઈ.. "ઓડકાર ખાતાં વિરજી બોલ્યો.

"હા ભાઈ.. જોર જામો પડી ગયો.. "નિરો એ પણ વિરજી ની વાતમાં હકાર ભણતાં કહ્યું.

"એતો ભૂખ લાગે ને ત્યારે તો પાણા પણ મીઠાં લાગે.. "કાના એ કહ્યું.

"ચાલો તો ભાઈઓ જમવાનું તો પતિ ગયું.. હવે સુવા માટે કંઈક વ્યવસ્થા કરીએ.. "વિજયે કહ્યું.

"જુમન તું અને તારાં સાથીદારો પેલાં પીપળા નાં ઝાડ નીચે જમીન સાફ કરી દો.. હું અને ગાભુ ત્યાં પાથરણું કરી દઈએ.. વિરજી તું અને વિજય બાકીનો સામાન વ્યવસ્થિત પેક કરી દો.. "કાના એ કહ્યું.

કાના ના કહ્યા મુજબ જુમન, અકુ અને નિરો એ મળીને ત્યાં જોડે આવેલાં પીપળાના વૃક્ષ નીચે થી ઘાસ અને બીજું નિંદામણ સાફ કરી સુવા લાયક જગ્યા બનાવી દીધી.. જ્યાં જોડે લાવેલ પ્લાસ્ટિક નું પાથરણ પાથરી ને કાના આને ગાભુએ સુવાની વ્યવસ્થા કરી દીધી.. એટલામાં જમવાના વાસણો ધોઈ અને પેક કરી વિરજી અને વિજય પણ આવી ગયાં.

"અરે ભાઈ તમે તો સેજ સજાવી દીધી.. "વિજયે આવી ને કહ્યું.

"ભાઈ જોર ઊંઘ આવે છે.. હું તો આ પડ્યો.. "એમ કહી વિરજી ત્યાં પાથરણ માં સુઈ ગયો.

"ભાઈઓ ત્યાં થી થોડાં લાકડાં લાવી આપણી સુવાની જગ્યા ની જોડે તાપણું કરી દો.. અને થોડું મીઠું લાવી પથારી ની આજુબાજુ ભભરાવી દો.. જેથી કરી નાની મોટી જીવાત રાતે હેરાન ના કરે.. થોડું કેરોસીન પણ હાથે પગે લગાવી લો નહીંતો મચ્છરો રાતભર સુવા નહીં દે.. "વિજયે જરૂરી સુચન કરતાં કહ્યું.

વિજય ની સલાહ મુજબ બધાં એ કરી દીધું અને પછી બધાં સુઈ ગયાં.. વિજય ની સલાહ એમને ઘણી ઉપયોગી નીવડી રહી હતી એનાં લીધે કાનો વિજય નું આમ પોતાની ટુકડીમાં સામેલ થવાની વાત નાં લીધે ખૂબ ખુશ હતો.. કેમકે એની યોગ્ય સલાહો વગર આટલે સુધી આટલી આસાનીથી પહોંચવું સરળ તો નહોતું.. !!

થાક ની અસર ધીરે ધીરે બધાં પર વર્તાઈ રહી.. અને રાત ની આગોશમાં બધાં પોઢી ગયાં.. બધાં ભર નિંદ્રા માં હતાં ત્યારે મોત બની કોઈ એમની તરફ આગળ વધી રહ્યું હતું.. જોડે આવેલી ઝાડીઓમાંથી નીકળી બે ચમકતી આંખો દબાતા પગલે એ લોકો ભણી આગળ વધી રહી હતી.. તાપણા નાં પ્રકાશમાં એ જનાવર નો પડછાયો ખૂબ વિકરાળ લાગી રહ્યો હતો.

એકદમ નજીક પહોંચી ગયાં પછી એ જાનવરે પાથરણ ની જમણી તરફ સુતેલા નિરો ની તરફ નજર નાંખી અને મનોમન એને પોતાનો શિકાર માની ને અંતિમ હુમલા ની તૈયારી કરી દીધી.. !!

***

વધુ આવતાં ભાગે.

પોતાની પત્ની અને બાળક નો બદલો કાનો લઈ શકશે કે કેમ.. ?? શું એ સાવજ ના આતંક નો ખાત્મો થઈ શકશે.. ?? કાનો અને એનાં સાથીદારો સાવજ નો શિકાર કઈ રીતે કરશે?? એ હિંસક જાનવર કોણ હતું જે કાના ની ટુકડી પાછળ પાછળ ત્યાં આવી પહોંચ્યું હતું.. ?? શું નિરો બચી જશે કે પછી મોત ને ભેટશે??... વાંચો ડણક A Story Of Revange નાં આવતાં ભાગ માં...

હવે શરૂ થઈ ચૂકી છે એક એવી કથા જેમાં જંગલ ની પરિસ્થિતિ અને વાતાવરણ નું વર્ણન છે.. જેમાં આખું ગીર નું કાળસમું વન છે.. પળેપળ રોમાંચ ની અનુભૂતિ આપતી સાહસ અને શિકાર કથા.. જે આપને અવશ્ય થ્રિલ ની ફિલ આપશે.

આ સિવાય તમે મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" અને "રૂહ સાથે ઈશ્ક" પણ વાંચી શકો છો... આભાર.. !!

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED