ઘર છૂટ્યાની વેળા -31 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા -31

ભાગ ૩૧

અવંતિકા : "શું કરે છે સરુ ?"

સરસ્વતી : "કઈ નહિ. તારા ફોનની જ રાહ જોતી હતી ! શું થયું આજે ? કેવી રહી રોહિત સાથેની મુલાકાત ?"

અવંતિકા :"રોહિતની વાતો પરથી તો એ સારો છોકરો લાગે છે. પણ મને ચિંતા રોહનની થાય છે. હું તો લગ્ન કરી લઈશ, પણ એ કેવી રીતે મારા વગર રહી શકશે ?"

સરસ્વતી : "હા, રોહન તને ખૂબ જ પ્રેમ કરે છે. અને એ તને ક્યારેય ભૂલી તો નહીં જ શકે. પણ અવંતિકા મારું માનું તો સમય સાથે બધું જ સરખું થઈ જશે. હું પણ વરુણને પ્રેમ કરતી હતી, હું તો મારા દિલની વાત એના સુધી પહોંચાડી પણ નથી શકી. અને આજે તેનાથી આટલી દૂર આવીને વસી ગઈ. છતાં રહી શકું છું. આપણે સાથે વિતાવેલી એ યાદોના સહારે. રોહન પણ એ યાદોમાંજ પોતાનું જીવન વિતાવી દેશે."

અવંતિકા : "પણ ક્યાં સુધી, એના જીવનમાં કોઈ બીજું આવી જાય એ મને ગમશે. પણ આમ એકલવાયું જીવન જીવે એ હું નહિ જોઈ શકું. મને એની ચિંતા થયા કરશે."

સરસ્વતી : "અવંતિકા, તારા લગ્ન જો રોહન સાથે થયા હોત તો તેની ચિંતા કરવી યોગ્ય હતી. પણ હવે તું રોહનને નહિ રોહિતને અપનાવવા જઈ રહી છે. અને તે કંઈ ખોટું નથી કર્યું, ના તે રોહનને છેતર્યો છે. તું તારા પપ્પા માટે આ કરી રહી છું. રોહન ખૂબ જ સમજદાર છે. તે તેના જીવનમાં આગળ વધશે. તું પણ હવે બધું ભુલાવી એક નવી શરૂઆત કર. સમય સાથે બધું જ થઈ જશે. અત્યારે રોહન ભલે કહેતો કે તેના જીવનમાં કોઈ નહિ આવી શકે. પણ સમય જતાં તારી જેમ કોઈ એને પણ પ્રેમ કરનારું મળી જાય તો તે અપનાવી પણ લે."

અવંતિકા : "હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તેને મારા કરતાં પણ વધારે પ્રેમ કરનાર કોઈ મળી જાય. અને તું કહું છું એ વાત પણ યોગ્ય છે. હવે મારે રોહન વિશે બહુ ના વિચારવું જોઈએ. રોહિત વિશે જાણી અને તેની સાથે લગ્ન કરી મારા પપ્પાને ખુશી આપવી જોઈએ."

સરસ્વતી : "હા અવંતિકા, રોહિત વિશે તે શું નક્કી કર્યું છે ?"

અવંતિકા : "કાલે એ ઘરે આવ્યો, લંડનમાં રહીને પણ એ હજુ ભારતીય સભ્યતાને ભુલ્યો નથી. એની વાતો પણ સારી હતી. મમ્મી પપ્પાને તો એનો સ્વભાવ ગમ્યો. મને પણ એની વાતો પસંદ આવી. બીજીવાર એની સાથે એકલા મળી અને વાતો કરીશું."

સરસ્વતી : "સરસ. ચાલ બેસ્ટ લક. રોહનની જેમ રોહિત પણ તને પ્રેમ કરે. વળી એ તો તારો બાળપણનો મિત્ર છે. એ પણ તારા માટે સારું છે."

અવંતિકા : "હા. કાલે બપોરે એ જમવા આવવાનો છે, પછી અમે બહાર જઈશું."

સરસ્વતી : "સરસ."

અવંતિકા : "મારી વાત છોડ હવે તું કહે.. તે શું વિચાર્યું છે લગ્ન માટે ?"

સરસ્વતી : "બે ત્રણ છોકરા જોયા પણ મને યોગ્ય નથી લાગ્યા, પપ્પાએ મને એમ જ કહ્યું છે કે તને પસંદ આવે તો જ હા કહેજે."

અવંતિકા : "હા, પસંદ આવે તો જ હા કહેજે. વરુણના વિચારોમાં ગમે તેને હા ના કહેતી."

સરસ્વતી :(થોડું હસીને) ના હવે, જે મળવાનું જ નથી એના વિચારો કરી ને દુઃખી શું કામ થવાનું. વરુણને તો ખબર પણ નથી કે હું એને પ્રેમ કરું છું. મારો પ્રેમ તો એક તરફી રહી અને પૂર્ણ થઈ ગયો. હવે તો જેની સાથે લગ્ન થાય એની સાથે જ જીવન વિતાવવાનું છે."

અવંતિકા : "ખરેખર સરુ. જે ગમે છે તે મળતું નથી, અને મળે છે તેને ગમતું કરી જીવન વિતાવવું પડે છે."

સરસ્વતી : "એનું નામ તો જીવન છે. ચાલ હવે સુઈ જા. તારે કાલે રોહિતને મળવાનું છે."

અવંતિકા : "હા. સારું ચાલ બાય. ગુડ નાઈટ."

સરસ્વતી સાથે વાત કરી અવંતિકાનું મન થોડું હળવું બન્યું. રોહન તેના જીવનમાં આગળ વધે તેવી પ્રાર્થના મનોમન તે કરતી રહી. રોહિત વિશે સુતા સુતા પણ વિચારતી રહી. બીજા દિવસની મુલાકાત તેના માટે ખાસ હતી. રોહિતના સ્વભાવ અને તેની પસંદગી વિશે તે જાણવા માંગતી હતી.

રોહન અને વરુણની નવા પ્રોજેકટ વિશેની તૈયારીઓ શરૂ હતી. બંને મન લગાવી અને દરેક બાબતને સમજી રહ્યા હતાં. કંપનીના પ્રોડક્શન વિભાગમાંથી પણ ઘણી જાણકારી મેળવી લીધી. વરુણ રોહનને વ્યસ્ત રાખી અને તે અવંતિકાને ભૂલવામાં મદદ કરવા માંગતો હતો. તેના પપ્પાએ આ નવા પ્રોજેક્ટનું કામ સોંપી અને આ કામમાં મોટો સાથ આપ્યો હોય તેમ વરુણને લાગ્યું.

બીજા દિવસે અવંતિકાના ઘરે રોહિત માટે જમવાની તૈયારીઓ થવા લાગી. રોહિત પણ નિર્ધારિત સમયે આવી પહોંચ્યો. અવંતિકા તેની મમ્મી સાથે રસોડામાં વ્યસ્ત હતી. રોહિત સાથે અવંતિકાના પપ્પા ડ્રોઈંગ રૂમમાં બેઠા. જમવાનો સમય થયો થાળીઓ પીરસાઈ. અવંતિકાના હાથે બનાવેલ રસોઈના રોહિતે ખૂબ વખાણ કર્યા.

જમતાં જમતાં જ રોહિતે અવંતિકા સાથે બહાર જવાની ઈચ્છા દર્શાવી. અવંતિકાના પપ્પા અને મમ્મીએ પણ જવા માટે પરવાનગી આપી. જમી અને બંને બહાર જવા માટે નીકળ્યા.

ક્યાં જવું એ નક્કી નહોતું કર્યું. રોહિત અમદાવાદની જગ્યાઓથી અજાણ હતો. માટે અવંતિકાએ જ સ્થળ નક્કી કર્યું. પરિમલ ગાર્ડન. ત્યાં શાંતિ પણ હોય અને બેસવા માટે સારી જગ્યા પણ.

પરિમલ ગાર્ડનમાં એક ઠેકાણે બેસી રોહિતે વાત શરૂ કરી.

રોહિત : "સરસ જગ્યા છે આ."

અવંતિકા : "હા, અહીંયા શાંતિ પણ છે અને પ્રકૃતિ પણ એટલે જ હું અહીંયા લઈ આવી."

રોહિત : "થેન્ક્સ. તો અવંતિકા હવે આગળ શું વિચાર છે ?"

અવંતિકા : "મેં તો પપ્પાને હા જ કહી છે. અને એમનો નિર્ણય સામે હું કંઈ જ કહી ના શકું."

રોહિત : "પણ અવંતિકા. આપણે જીવનભર સાથે રહેવાનું છે. અને એ પણ ખુશીથી. મનમારી અને જીવન નથી વિતાવવાનું."

અવંતિકા : "હા, રોહિત. હું મારી ખુશીથી જ હા કહી રહી છું.આપણે એકબીજાને નાનપણથી ઓળખીએ છીએ. થોડા વર્ષો તું લંડનમાં ચાલ્યો ગયો ત્યારથી આપણી વચ્ચે વાત નથી થઈ. પણ એથી કશું બદલાઈ પણ નથી ગયું. તારા પપ્પા જ્યારે જ્યારે અમારા ઘરે આવ્યા ત્યારે ત્યારે એમને મને પોતાની દીકરીની જેમ વહાલ કર્યું છે.તારા વિશે પણ એમણે ઘણી વાતો કરી."

રોહિત : "હા, હું માનું છું કે આપણે બાળપણથી એકબીજાને ઓળખીએ છીએ. પણ જે સમય આપણે મળ્યા નથી એ સમય યુવાનીનો સમય હતો. આ સમય દરમિયાન ઘણાં બદલાવો આપણી વચ્ચે આવી ગયા. ઘણુંબધું વીતી ગયું હશે આ સમય દરિમયાન. મને પણ એ બધા સાથે કોઈ નિસબત નથી. અને હું એ સમય દરિમયાન જે કઈ થયું હોય એના વિશે પણ કઈ જ પૂછવા નથી માંગતો. દરેક વ્યક્તિનો એક ભૂતકાળ હોય છે, અને આ ભૂતકાળને એ વ્યક્તિ ભૂલવા માંગતું હોય, મારે એવી કોઈ વાતો જાણી અને વિચારી, ના તને દુઃખી કરવી છે ના મારે દુઃખી થવું છે. જે દિવસથી હું તારી સાથે લગ્નગ્રંથીથી જોડાઈશ એ દિવસથી મારા ઉપર ફક્ત તારો જ અધિકાર હશે. અને તારા ઉપર ફક્ત મારો જ. જૂનું બધું જ ભૂલી અને એક નવી શરૂઆત કરીશું."

અવંતિકા રોહિતની વાતો સાંભળી રહી. રોહિતની છબી, તેનું વ્યક્તિત્વ અવંતિકાના માનસપટ ઉપર તેના જીવનસાથી તરીકેનું ચિત્ર અંકિત કરી રહ્યું હતું. અવંતિકાને પણ લાગ્યું કે રોહિતની પસંદગી ખોટી નથી. તે હકારાત્મક વિચાર સરણી ધરાવે છે. એને ક્યારેય દુઃખી નહિ કરે તે આશા હતી. રોહન જેટલો પ્રેમ તે પોતાને કરશે કે નહીં એ તો સમય જ બતાવશે પણ અત્યારની રોહિતની વાતો અવંતિકાને તેના વિશે વિચારવા મજબૂર કરી રહી હતી.

અવંતિકાને વિચારમાં ખોવાયેલી જોઈ રોહિતે કહ્યું ,:

"હેય, ક્યાં ખોવાઈ ગઈ. મેં કઈ ખોટું કહ્યું ?"

અવંતિકા : "ના, હું તારી વાત સાથે સહમત છું, પણ રોહિત આજકાલ સમાજમાં જોવા મળે છે કે લગ્ન પહેલા છોકરાઓ મોટી મોટી વાતો કરે છે અને લગ્ન બાદ પરિસ્થિતિ સાવ જુદી હોય છે. હું મારા મમ્મી પપ્પાને છોડી તારી સાથે લગ્ન કરી વિદેશ ચાલી જઈશ. ત્યાં જઈ અને કઈ ખોટું નહિ થાય એ વાતનો ડર મને સતાવ્યા કરે છે.".

રોહિત : "ટ્રસ્ટ મી અવંતિકા. મારા તરફથી તને કોઈ તકલીફ નહિ થાય. તારો ડર હું સમજી શકું છું. મેં પણ સમાજમાં ઘણાં એવા કિસ્સાઓ જોયા છે. બટ, મારા તરફથી એવું ક્યારેય નહીં થાય."

રોહિતની વાત અવંતિકાને યોગ્ય લાગી. તેની વાતોમાં વિશ્વાસ છલકતો હતો. રોહિતના પપ્પાનો સ્વભાવ પણ અવંતિકા જાણતી હતી માટે એ ઘર તેના માટે યોગ્ય જ હતું. પોતે તેના પપ્પાની ખુશી માટે લગ્ન કરવાનું નક્કી કરી જ લીધું હતું પણ રોહિત આટલો સારો છોકરો હશે તે તને વિચાર્યું નહોતું. બંને મોડા સુધી ત્યાં બેઠાં. રોહિતે અવંતિકાને ઘરે ઉતારી હોટેલ ઉપર ગયો.

અવંતિકા તરફથી લગ્નની હા સાંભળી તેના મમ્મી અને પપ્પા બંને ખુશ હતા. અવંતિકાના પપ્પાએ ફોન કરી રોહનના પપ્પાને પણ લગ્નનું મુહૂર્ત કઢાવવાનું જણાવી દીધું. થોડા દિવસમાં એ લોકો લંડનથી આવી લગ્ન જેમ બને તેમ જલ્દી ગોઠવાય એવું નક્કી કરવાના હતા. અવંતિકા અને રોહિત પણ હવે સાથે સમય વિતાવવા લાગ્યા. અવંતિકાને રોહિતનો પ્રેમાળ સ્વભાવ ગમી ગયો.

રોહિત અને વરુણ પણ મન લગાવી કામ કરવા લાગ્યા. તેમને સાઇટ વિઝીટ કરવા માટે દહેજ જવાનું થયું. બંને કાર લઈ અને દહેજ જવા માટે નીકળ્યા. સાઇટ વિઝીટ કરી રોહને નર્મદા સંગમ જોવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. નર્મદાના સાનિધ્યમાં રોહન પોતાની જાતને "તત્વમસી"નો નાયક અનુભવી રહ્યો હતો. દરિયામાં ભળી જતાં રેવાના નીરને જોઈ વરુણ પણ ખુશ થયો. રોહનને તો એજ ક્ષણે બધું જ મૂકી અને ત્યાંથી પરિક્રમા કરવા ચાલી નીકળવાની ઈચ્છા થઈ ગઈ. પણ વરુણ સાથે તેને એક મોટી જવાબદારી સ્વીકારી લીધી છે. એ છોડી શકાય એમ નહોતી. થોડા દિવસમાં અહીંયા જ રહેવા આવી જવાનું હોવાથી તે મનોમન ખુશ હતો. મન થતાં તે વારે વારે મા રેવાના સાનિધ્યમાં સમય વિતાવી શકશે એની ખુશી સાથે પાછો ફર્યો.

રોહિતના પપ્પા મમ્મી લંડનથી આવી ગયા. લગ્નનું મુહૂર્ત પણ આવતા મહિનાનું નીકળી ગયું. થોડા જ સમયમાં બધી જ તૈયારીઓ સાથે ધામધૂમથી લગ્ન કરવાના હતા.અવંતિકા તેના પિતાની એકની એક દીકરી હતી માટે એ લગ્નમાં કોઈ કસર બાકી રાખવા માંગતા નહોતાં. લગ્નની ખરીદી પણ શરૂ થઈ ગઈ.

રોહિતને પણ અવંતિકા અને તેનો સ્વભાવ ગમ્યો. જીવનસાથી બનાવવા માટેના તમામ ગુણ અવંતિકામાં હતા. કદાચ અવંતિકા સિવાય બીજું કોઈ તેને યોગ્ય નહિ મળે એમ માનતો. બંને પરિવારોમાં લગ્નની તૈયારી જોરશોરથી થવા લાગી.

અવંતિકા લગ્નથી ખુશ હતી પણ રોહન વિશે તેના મનમાં વિચારો તો આવ્યા જ કરતાં હતાં. રોહન સાથે છેલ્લીવાર મળ્યા બાદ વાત પણ કરવાની બંધ થઈ ગઈ હતી. છતાં લગ્ન પહેલા એકવાર મળવાનું અવંતિકાએ રોહનને કહ્યું હતું.

અવંતિકાના મમ્મી પણ અવંતિકાની ખુશી જોઈ ખુશ હતાં. એક સમય ઘર છોડીને ચાલી ગયેલી દીકરી પોતાના પરિવારની ખુશી માટે પાછી ફરી અને તેના પપ્પાના કહ્યા પ્રમાણે લગ્ન પણ કરવા તૈયાર થઈ ગઈ. એ જોઈ તેમને વધુ હરખ થતો હતો. તેના પપ્પા પણ દિકરીમાં આ બદલાવ જોઈ ખુશ હતા.પોતાની દીકરી માટે તેમને ગર્વ થતો હતો.

રોહિત સાથે ફોન ઉપર વાતો ચાલતી. સાથે સાથે લગ્નના દિવસો પણ નજીક આવતા હોવાના કારણે અવંતિકાને રોહનને મળવાનો યોગ્ય સમય મળતો નહિ. લગ્નની ખરીદીમાં પણ અવંતિકાને રોહિતના પરિવાર સાથે તો કોઈવાર પોતાની મમ્મી સાથે જવાનું થતું. પણ તેને મનોમન વિચારી લીધું કે લગ્ન પહેલાં રોહનને મળવું જરૂર છે.

સરસ્વતીને પોતાના લગ્નમાં અઠવાડિયા પહેલા જ આવવાનું જણાવી દીધું. સરસ્વતી પણ આવવા માટે તૈયાર થઈ. અને સરસ્વતી આવે બાદ જ રોહનને મળવા માટે કોઈ મેળ પડી શકે તેમ હતો.

રોહન અને વરુણ રોજ સાથે ઓફીસ જતાં. ઓફિસનું ઘણું ખરું કામ હવે વરુણ સાંભળવા લાગ્યો. તેના કારણે વરુણના પપ્પા પણ બહારની મિટિંગ અને કામ સાચવી શકતા. એક દિવસ વરુણ અને રોહન ઓફિસમાં બેઠા હતાં ત્યાં જ પટાવાળો એક કવર લઈ અને ઓફિસમાં પ્રવેશ્યો. વરુણે જોયું તો એ એક આમંત્રણ પત્રિકા હતી તેના ઉપર તેના પપ્પાનું નામ લખેલું હતું. તેને કોઈ રસ લીધો નહિ અને બાજુ ઉપર મૂકી પોતાનું કામ કરવા લાગ્યો. રોહને પણ એ તરફ નજર ના નાખી. થોડીવારમાં કામ પૂર્ણ થતાં બંને શાંતિથી બેઠા અને વાતો કરવા લાગ્યા. ટેબલ ઉપર પડેલું કાર્ડ જોઈ રોહને કહ્યું : "યાર, તમને તો આમ ઘણાં આમંત્રણ આવતા હશે ?"

વરુણ : "હા, પપ્પાના ધંધાકીય સંબંધો એટલા વિકસેલા છે કે અવાર નવાર આવા આમંત્રણ આવતા રહે. જો કોઈ નજીકના સંબંધ હોય તો જવું પડે. અને એ પણ પપ્પા જ જઈ આવે. મને તો નથી ગમતું આ બધા પ્રસંગોમાં જવાનું."

રોહન : "જોઉં તો ખરો તમારા શ્રીમંત પરિવારો કેવા કાર્ડ છપાવે છે ?"

વરુણ : "હા જોને." (એમ કહી પોતાની નજીક પડેલું કાર્ડ રોહન તરફ લાબું કર્યું.)

રોહન કાર્ડ હાથમાં લીધું અને વાંચતા જ આંખો બંધ કરી ખુરશીને માથું ટેકવી દુઃખમાં સરી પડ્યો. આ જોઈ વરુણે કહ્યું :

"શું થયું ભાઈ ? કેમ આમ એકદમ દુઃખી થઈ ગયો ?"

રોહન કઈ બોલી શક્યો નહિ માત્ર તેને કાર્ડ વરુણ તરફ લાંબુ કર્યું.

વરુણે કાર્ડમાં નામ જોયા તો Avantika weds Rohit. વરુણ રોહનના દુઃખનું કારણ સમજી ગયો. અને કહ્યું :

"દોસ્ત, આ તો એક દિવસ થવાનું જ હતું. તું શું કામ દુઃખી થાય છે ?"

રોહન થોડો સ્વસ્થ થતાં : "દુઃખ મને એ વાતનું નથી વરુણ કે અવંતિકા લગ્ન કરી રહી છે. પણ એને મને લગ્ન પહેલાં એકવાર મળવાનું કહ્યું હતું, પણ મને લાગે છે એ મને ભૂલી જવા જ માંગે છે. તેના લગ્નની તારીખ પણ નીકળી ગઈ અને મને એને જાણ પણ ના કરી ?"

વરુણ રોહન પાસે આવતાં તેના ખભે હાથ મૂકી અને કહેવા લાગ્યો : "તને ના મળવા પાછળ એની કોઈ મજબૂરી રહી હશે એમ પણ બની શકે ને ?"

રોહન : "હા, બની શકે. પણ એને જાણ તો કરવી હતી ? આજે આ કાર્ડ તારા પપ્પાના ધંધાકીય સંબંધોના કારણે મળ્યું. તેથી જાણી શક્યા કે એના લગ્ન છે. નહિ તો હું એજ આશાએ બેસી રહેતો કે અવંતિકા મને લગ્ન પહેલા જરૂર મળશે !!"

વરુણ : "હજુ લગ્નને થોડા દિવસ બાકી છે. એ અત્યારે તૈયારીમાં પડી હોય તો સમય ના પણ મળી શક્યો હોય. ધીરજ રાખ એને કહ્યું હશે તો એ જરૂર મળવા આવશે."

રોહન : "જોઈએ હવે, શું થાય છે. મને આજે થોડું દુઃખ થયું આ જાણી. કારણ કે અવંતિકા આમ ના કરી શકે મને પૂરો વિશ્વાસ હતો. પણ આજે આ વિશ્વાસ થોડો ડગમગી ગયો."

વરુણ : "મને પણ અવંતિકા ઉપર વિશ્વાસ છે. એ એકવાર તને જરૂર મળવા આવશે."

અવંતિકાના લગ્ન વિશે જાણી રોહન થોડો ઉદાસ રહેવા લાગ્યો. કામમાં પણ બરાબર મન નહોતું લાગતું. અવંતિકાએ તેને કેમ ના જણાવ્યું લગ્નની તારીખ વિશે ? એ પ્રશ્ન તેના મનમાં વારે વારે આવ્યા કરતો પણ જવાબ માત્ર અવંતિકા પાસે જ હતો.

વધુ આવતા અંકે...

લે. નીરવ પટેલ "શ્યામ"