મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 47 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 47

“લલિતને બલિનો બકરો બનાવવા પાછળ મારી બીજી ગણતરી પણ હતી.” મુક્તાબેને કહ્યું. “હું જાણતી હતી કે આરવીના મૃત્યુ પછી ઘરના બધા સભ્યોની પૂછપરછ થશે. તે દરમિયાન રામુ, આરવી અને લલિતના સંબંધ વિશે બફાટ કરી દે તો પોલીસને સ્વાભાવિક જ લલિત-અભિલાષા પર શંકા પડે. તેમને બે શક્યતાઓ ઊભી થતી જણાય : એક તો આરવી-લલિતના અવૈધ સંબંધની જાણ થતા અભિલાષાએ પોતાની બહેનની કતલ કરી નાખી હોય. બીજું, પોતાની સાથે લગ્ન કરવાનું દબાણ કરતી આરવીનું કામ લલિતે નીપટાવી નાખ્યું હોય.

એવામાં આરવીનું મૃત્યુ જે દવાથી થયું હોય તે દવા લલિતના રૂમમાંથી મળી આવે તો પોલીસની શંકા દ્રઢ થઈ જાય અને હું તથા મહેન્દ્ર ચિત્રની બહાર થઈ જઈએ.”

“પણ તેમાં, લલિત, અભિલાષા અને નિખિલની જિંદગી તબાહ થઈ જાય તેનું શું ?”

“તે બધા મારા માટે ઓરમાયા છે. માણસે જયારે પોતાના અને પારકામાંથી પસંદગી કરવાની હોય ત્યારે નિર્ણય કરવો સરળ હોય છે. જોકે, યોજનાને અંતિમ અંજામ આપવા મારે ફાર્માસિસ્ટની જરૂર હતી, જે માટે વીરેન્દ્ર શ્રેષ્ઠ માણસ હતો.”

“કેમ ?”

“હું ભણીને બહાર પડી ત્યારે શિવાય હોસ્પિટલમાં પહેલી વાર નર્સ તરીકે જોડાઈ હતી. તે સમયે વીરેન્દ્ર, હોસ્પિટલની બહાર આવેલા મેડિકલ સ્ટૉરમાં નોકરી કરતો હતો. તેને મારી સાથે પહેલી નજરે પ્રેમ થઈ ગયો હતો અને તેણે મારી સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, મેં તે પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.

બાદમાં, મારા લગ્ન જે છોકરા સાથે થયા, તે એક વર્ષમાં મૃત્યુ પામ્યો અને હું વિધવા થઈ. આર્થિક રીતે પગભર થવા, કોઈના હૂંફ અને સાથની ઝંખના સાથે, હું ફરી વાર શિવાય હોસ્પિટલમાં જોડાઈ. એવામાં, વીરેન્દ્ર મારી મદદે આવ્યો, તેના આશ્વાસન અને દિલાસાએ મારામાં હિમ્મત પૂર્યા, મારી દરેક બાબતમાં સાથ આપતો તે ઘણી વાર મને ઘર સુધી મૂકવા આવતો.

પણ, મારો સમય ખરાબ ચાલતો હતો. અમારા મૈત્રીપૂર્ણ આચારમાં મારા ભાભીને વ્યભિચાર દેખાયો, તેમણે મારા પર ચારિત્રહીન હોવાના આક્ષેપો મૂક્યા. તે કર્કશા ભાભીથી છુટકારો મેળવવા, હું બલર પરિવારમાં નર્સ તરીકે જોડાઈ, પણ કમનસીબે મહેન્દ્રના સકંજામાં સપડાઈ. મારે તેની સાથે લગ્ન કરવા પડ્યા અને વીરેન્દ્ર સાથેનો મારો સંપર્ક તૂટી ગયો.”

“તો તમે વીરેન્દ્રને ફરી કેવી રીતે શોધ્યો ?”

“એક વર્ષ પહેલા મારા ફેસબુક એકાઉન્ટ પર તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. ત્યારથી, હું સતત તેના સંપર્કમાં છું. હું જાણતી હતી કે તેને મારા પ્રત્યે પહેલાથી કૂણી લાગણી છે, અને જે તમને ચાહતા હોય તેમને મનાવવા અઘરા નથી હોતા.”

“આપ આરવીની હત્યા કરવા માંગો છો તે જાણવા છતાં વીરેન્દ્રએ તમને દવા આપેલી ?”

“ના. મેં તેને બેવકૂફ બનાવ્યો હતો. મેં કહેલું કે મારા દૂરના સંબંધી વર્ષોથી પથારીવશ છે અને તેઓ ખરાબ રીતે રિબાય છે. તેઓ વરસ દિવસથી ‘મને મારી નાખો’, ‘હવે નથી સહેવાતું’ કહ્યા કરે છે અને ઘરના સભ્યો તેમની સેવા કરીને કંટાળ્યા છે. મારી વાત સાંભળી તેણે દલીલ કરેલી કે આવી રીતે સક્સામિથોનિયમનું ઇન્જેક્શન મારવું ગેરકાયદેસર છે અને તેમ કરવામાં સઅપરાધ માનવ વધનો ગુનો બને છે. છતાં, ‘એ મરવા વાંકે જીવે છે’, ‘કોઈને બિલકુલ ખબર નહીં પડે’, ‘તારું નામ ક્યાંય નહીં આવે’ વગેરે સમજાવટના અંતે મેં તેને મનાવ્યો હતો. 24મીની બપોરે હું તેના મેડિકલ સ્ટૉર પરથી દવા લઈ આવી હતી.”

“હત્યાની રાત્રે તમે શું કર્યું ?”

“છેક એક વાગ્યે મેં આરવીનું કામ તમામ કરવાનું નક્કી કર્યું હતું. વચ્ચે સવા અગિયાર સાડા અગિયારની આસપાસ ઘરમાં ચહલપહલ થતી હોય એવું લાગેલું, પણ હું મારા રૂમમાંથી બહાર નીકળી ન્હોતી. કોઈને મારા પર સહેજે શક ન થાય તે માટે હું સૂઈ ગઈ છું એવો ઢોંગ કરવો જરૂરી હતો. મહેન્દ્ર તો ક્યારનો નસકોરાં બોલાવતો હતો.

રાત્રે પોણા એકે હું ઊભી થઈ. મારા બેડરૂમના બાથરૂમમાં પ્રવેશી હાથમોજા પહેર્યા, જૂના હાથરૂમાલને ક્લૉરોફોર્મથી લથબથ કર્યો અને સિરિંજ તથા નીડલ કાઢી સક્સામિથોનિયમના વાયલમાંથી દવા ખેંચી. આરવીની મોતનો સામાન મેં મારા જ બાથરૂમમાં તૈયાર કરી લીધો હતો, હું આરવીના રૂમમાં બને તેટલો ઓછો સમય રહેવા માંગતી હતી.

પછી, તે ઇન્જેક્શન અને રૂમાલને પૉલિથીન બૅગમાં નાખી હું ઉપર ગઈ. મેં આરવીનો રૂમ ખોલ્યો, રૂમની અંદર પ્રવેશી દરવાજો બંધ કર્યો. અંદર ઘોર અંધારું હતું, નાઇટ લૅમ્પ પણ ચાલુ ન હતો. અડધી મિનિટ હું એમ જ ઊભી રહી જેથી મારી આંખો અંધારામાં જોવા ટેવાઈ જાય.

દરેક સેકન્ડ સાથે મારા ધબકારા વધી રહ્યા હતા, મારું મન ગભરાવા લાગ્યું હતું. પરંતુ, ‘આરવીની મોતમાં મહેન્દ્રની જિંદગી છે’ એમ વિચારી મેં થેલીમાંથી રૂમાલ કાઢ્યો. હિમ્મત કરી હું આરવીની જમણી બાજુએ ગઈ અને નિદ્રાધીન આરવીના મોઢા પર રૂમાલ દાબી દીધો. તેણે કંઈ હલનચલન ન કર્યું, મને લાગ્યું કે ઊંઘમાંથી તે સીધી બેહોશીમાં સરી પડી છે. મેં તે રૂમાલ ફરી પૉલિથીન બૅગમાં મૂક્યો. હું ત્યાં ટેબલ લૅમ્પ પાસે ઊભી હતી, મેં તેની સ્વિચ ચાલુ કરી, થેલીમાં રહેલું સક્સામિથોનિયમનું ઇન્જેક્શન બહાર કાઢ્યું અને આરવીના જમણા હાથની કોણી પાસે નસમાં માર્યું. સિરિંજ ખાલી થતાં મેં ઇન્જેક્શન થેલીમાં નાખ્યું અને ટેબલ લૅમ્પ બંધ કરી હું રૂમની બહાર નીકળી.

નીચે મારા રૂમમાં જઈ હું સીધી બાથરૂમમાં પ્રવેશી. ત્યાં સિરિંજ, નીડલ વગેરે જુદું કરી તે દરેકને કમોડમાં ફ્લશ કર્યા. પછી, હાથવગી કરી રાખેલી કાતરથી હાથમોજા, પૉલિથીન બૅગ અને રૂમાલના ટુકડે ટુકડા કરી તેમને પણ ફ્લશ કર્યા.

બાદમાં, બાથરૂમમાંથી બહાર નીકળી હું પલંગ પર આડી પડી અને દોઢ કલાક સુધી પડખા ઘસતી રહી. છેલ્લા ચોવીસ કલાકથી હું જેના વિશે વિચારી રહી હતી તે કામ પાર પડ્યું હતું, છતાં ચિંતા અને ભય શમવાના બદલે વધી રહ્યા હતા. હવે શું થશે એ ડરથી ઊંઘ વેરી બની ગઈ હતી. મારું ગળું સુકાઈ રહ્યું હતું. બેડરૂમમાં રહેલો પાણીનો જગ હું પહેલા જ ખાલી કરી ચૂકી હતી. લગભગ અઢી વાગ્યે હું પથારીમાંથી ઊભી થઈ. રસોડામાં જઈ પાણી પીને પાછી ફરી. પરંતુ દીવાનખંડમાં પ્રવેશતાં જ મારું ધ્યાન ઘરના મુખ્ય દરવાજા પર ગયું. નાઇટ લૅમ્પના હળવા પ્રકાશમાં મને લાગ્યું કે દરવાજાનો આગળિયો ખુલ્લો રહી ગયો છે. હું દરવાજા પાસે ગઈ, ખરેખર તેમ જ હતું. કદાચ રામુ તે બંધ કરતા ભૂલી ગયો હશે એમ વિચારી મેં તે વાસી દીધો અને ફરી મારા રૂમમાં જઈ લંબાવી દીધું.

મેં વિચાર્યું હતું કે સવારે જે કોઈ આરવીના રૂમમાં જઈ તેને ઉઠાડવાનો પ્રયાસ કરશે તેને લાગશે કે આરવીને કંઈક થઈ ગયું છે. આવા સંજોગોમાં તે લલિતને બોલાવશે અને લલિત તેના ધબકારા તપાસી જાહેર કરશે કે તે મરી ચૂકી છે. આરવીના મૃત્યુની અણધારી ખબરથી ઘરમાં હડકંપ મચવાનો હતો. અને ત્યારે જ, હું સક્સામિથોનિયમનું વાયલ અને ક્લૉરોફોર્મની બૉટલ લલિતના રૂમમાં મૂકી આવવાની હતી.”

“તમે આરવીને ક્લૉરોફોર્મવાળો રૂમાલ સૂંઘાડ્યો ત્યારે તેણે કોઈ પ્રતિકાર કરેલો ?” ઝાલાએ પૂછ્યું.

“ના. કદાચ તે ભર ઊંઘમાં હતી.”

“સામનો કરવા હાથ ઊંચો કર્યો હોય કે આંખો ખોલીને સામે જોયું હોય, એવું કંઈ ?”

“મેં તેને ક્લૉરોફોર્મ સૂંઘાડ્યું ત્યારે રૂમમાં ઘોર અંધારું હતું. આંખો તો ઠીક, તેનો ચહેરો જ દેખાતો ન હતો.”

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)