Murderer's Murder - 46 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 46

ખૂબ ચાલાકીથી છુપાવેલું પરબીડિયું આરવીના હાથમાં કેવી રીતે આવી ગયું તેનું રાઝ ખોલતા મુક્તાબેન કહેવા લાગ્યા, “ફેબ્રુઆરી મહિનાની વાત છે, હું અને મહેન્દ્ર કેરાલા ફરવા ગયા હતા. અમને ઘણા લોકોએ કહેલું કે જો તમારે એકાંત અને શાંતિ માણતા માણતા કેરાલા જોવું હોય તો ફેબ્રુઆરીમાં જજો, ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે, વરસાદ બિલકુલ હોતો નથી અને ટૂરિસ્ટ પણ ઓછા થઈ ગયા હોય છે.

મારા કમનસીબે અમે ફરવા ગયા તે દિવસોમાં લલિતે ઊધઈની ટ્રીટ્મેન્ટ કરાવવા માણસો બોલાવ્યા. ઘરમાં કોઈક કોઈક જગ્યાએ ઊધઈ નીકળી હતી માટે ટ્રીટ્મેન્ટ કરાવવી જરૂરી હતી. લલિતે ફોન કરતા પેસ્ટ કંટ્રોલવાળા આવ્યા અને ઘરના દરેક રૂમમાં ઊધઈની દવાનો છંટકાવ કરવા લાગ્યા. રામુ તેમની સાથે ફરતો હતો, પેસ્ટ કંટ્રોલનું કામ કેવી રીતે થાય છે તે જોવા આરવી પણ સાથે ફરતી હતી.

કામ કરતા કરતા તેઓ મારા બેડરૂમમાં પ્રવેશ્યા અને વૉલ-પીસની લાકડાની ફ્રેમને દવાવાળું પોતું મારવા, ત્રણેય વૉલ-પીસને નીચે ઉતાર્યા. પેસ્ટ કંટ્રોલવાળા પોતાનું કામ કરતા હતા અને રામુ તથા આરવી ત્યાં ઊભા હતા. વૉલ-પીસને પ્રથમ નજરે જોતા કોઈને શંકા પડે તેવું ન હતું, પરંતુ આરવીની ચકોર આંખોએ નોંધ્યું કે એકસરખી ડિઝાઇન અને ફોટા ધરાવતા ત્રણ વૉલ-પીસમાંથી એકમાં વધારાના સ્ક્રુ લાગેલા છે. બે વૉલ-પીસમાં, દીવાલમાં મારેલી ખીલીમાં ટીંગાડવાના કાન જ સ્ક્રુથી જડેલા હતા, જયારે મોટા વૉલ-પીસમાં ચાર સ્ક્રુ વધારાના હતા. તે સ્ક્રુથી બંધ થયેલા ખાનાના કવર જેવા ચોરસ ઢાંકણને જોઈ આરવીને શંકા પડી, પણ રામુ અને પેસ્ટ કંટ્રોલવાળાની હાજરીમાં તે ચૂપ રહી. પછી બીજા દિવસે, તે ડિસમિસ લઈને મારા રૂમમાં પ્રવેશી અને મોટું વૉલ-પીસ ઉતારી ચારેય સ્ક્રુ ખોલ્યા.

વૉલ-પીસની પાછળનું કવર ખૂલતાં જ આરવીને ગુપ્ત ખાનું દેખાયું, જેમાં પેલું પરબીડિયું સંતાડેલું હતું. તેણે તે કાઢ્યું અને તેનું મોં ખોલ્યું. અંદરથી નીકળેલા ફોટા અને પત્રએ આરવીને ચોંકાવી, પણ તેણે હોશિયારી વાપરી. પરબીડિયું પોતાની પાસે રાખી, વૉલ-પીસનું કવર હતું તેમ બંધ કરી, તેણે વૉલ-પીસને તેની મૂળ જગ્યા પર લટકાવી દીધું.”

“આરવીના હાથમાં આ પુરાવા આવી ગયા છે તેની ખબર તમને કેવી રીતે પડી ?”

“આરવીના રાજકોટ ચાલ્યા ગયા પછી અમે તેના માટે વરુણનું માગું નાખ્યું હતું, પરંતુ આરવીએ લગ્ન માટે ના કહી હતી. તેના જવાબથી વરુણ ખૂબ અપસેટ થયો હતો અને મને આરવી પર ચીડ ચડી હતી. એવામાં રામુએ મને લલિત અને આરવીના અંતરંગ સંબંધો વિશે જણાવ્યું. આ હકીકત જાણી મારી આરવી પ્રત્યેની નફરત એકાએક વધી ગઈ. જોકે, મને લાગ્યું કે આરવીએ વરુણનું માગું નકાર્યું તે એક રીતે સારું થયું છે. નહિતર, તેના અને લલિતના સંબંધો શરૂ રહ્યા હોત, જે મારા દીકરાના જીવનને નષ્ટભ્રષ્ટ કરી નાખત.

મને થયું કે હું તે સંબંધો વિશે અભિલાષાને જણાવી દઉં જેથી આરવીની બદનામી થાય, પરંતુ બદલો લીધાના સંતોષ કરતા માફી આપ્યાનો અસંતોષ વધુ હિતકારી હોય છે તેમ વિચારી હું ચૂપ રહી. છતાં તે એટલું સહેલું ન હતું. દિવાળી કરવા વડોદરા આવેલી આરવીનો ચહેરો જોઈને મને દાઝ ચડતી હતી, મારા દિલમાં તેના પ્રત્યે હળાહળ ધિક્કાર જન્મ્યો હતો. ચામડી પર પડેલા દાઝ્યાના ફોલ્લાને ફોડીએ તો બળતરા થાય અને ન ફોડીએ તો અકળામણ થાય એવી મારી હાલત હતી. દરમ્યાન, અમને એકાંત મળ્યું અને હું બોલ્યા વગર ન રહી શકી. મેં આરવીને કહ્યું, “ચેતી જજે, સગા જીજા સાથે આડસંબંધ ધરાવતી છોકરીઓ પોતાનું, પોતાની બહેનનું અને કેટલાંય લોકોના જીવન બરબાદ કરી નાખતી હોય છે.”

મને એમ કે મારી વાત સાંભળી તે ગભરાશે, પરંતુ તે તો છંછેડાઈ. તેણે વળતું આક્રમણ કરતા જવાબ આપ્યો, “તમે મારા કપડાં ઉતારવાનો પ્રયાસ કરશો, તો હું તમારા કપડાં ફાડી નાખીશ. તમે જાણતા નથી પણ તમારા પતિની ગલીચ હરકતોના કારણે વર્ષો પહેલા એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો. માધવી નામની એ યુવતીની આત્મહત્યા પાછળ તમારા પતિના અશ્લીલ કરતૂત જવાબદાર હતા. તમારા બેડરૂમમાં જે વૉલ-પીસ લટકે છે તેમાંના એકમાં ગુપ્ત ખાનું છે. તેમાંથી મને એક પરબીડિયું મળ્યું છે. તે પરબીડિયામાં તમારા પતિને ગુનેગાર સાબિત કરતા પુરાવાઓ છે. જો પુરાવાઓ પોલીસ પાસે પહોંચશે તો તમારા પતિને કોઈ નહીં બચાવી શકે. તમે તો ખાલી મને બદનામ જ કરી શકશો, પણ હું તમને તબાહ કરી દઈશ.”

“આ વાતચીત ક્યારે થઈ હતી ?”

“મેં આરવીને ઇન્જેક્શન માર્યું તેના આગલા દિવસે.”

“મતલબ 23મી તારીખે.”

“હા.” મુક્તાબેને યાદ કરીને કહ્યું.

“પછી ?”

“તે પુરાવાઓ મેં છુપાવ્યા હતા એવી આરવીને ખબર ન્હોતી. તેને લાગ્યું હતું કે એ પરબીડિયું મહેન્દ્રએ છુપાવ્યું હતું અને હું તેનાથી અજાણ છું. મેં હકીકતથી અણવાકેફ હોવાનો ઢોંગ ચાલુ રાખ્યો એટલે તેણે, તેની પાસે તે ફોટા અને પત્રો કેવી રીતે આવ્યા તેનો ફોડ પાડ્યો. છેલ્લે, તેણે ફરીથી ધમકી ઉચ્ચારતા કહ્યું, “તમારું મોઢું ખુલશે ત્યારે પત્ર અને ફોટાનું પરબીડિયું પોલીસ સમક્ષ ખૂલી જશે.””

આરવી પાસે મહેન્દ્ર વિરુદ્ધ કયા પુરાવા હતા અને તે પુરાવા તેણે કેવી રીતે મેળવ્યા તે બંને પ્રશ્નોના જવાબ પોલીસને મળી ગયા, પરંતુ મુક્તાબેને આરવીની હત્યા કેવી રીતે કરી, તેમણે લલિતને ફસાવવાનો પ્રયત્ન શા માટે કર્યો, તેમના આ કારનામામાં મહેન્દ્ર અને વરુણ જોડાયેલા હતા કે કેમ તે જાણવાનું બાકી હતું.

“આરવીની ધમકીથી મને ધ્રાસકો પડ્યો હતો.” મુક્તાબેને કહ્યું. “તે આખો દિવસ હું બેચેન રહી, મને આરવી પર બિલકુલ ભરોસો ન્હોતો. તે છોકરી ગમે તેવી નાની બાબતમાં પુરાવા ખુલ્લા કરી દે તેમ હતી. તે આખી રાત મને ઊંઘ જ ન આવી. મને લાગ્યું કે આરવીની સલામતીમાં મહેન્દ્રની અસલામતી છે, માટે મેં આરવીને ખતમ કરી દેવાનું નક્કી કર્યું.”

“સમસ્યાનો ઉકેલ જોઈતો હોય તો સમસ્યા મિટાવવી પડે, સમસ્યાના સર્જકને મિટાવવાનો પ્રયાસ નવી સમસ્યા ખડી કરતો હોય છે. વળી, આ વાત એટલી મોટી ન્હોતી કે તમારે આરવીને ખતમ કરવી પડે.” ઝાલાએ કહ્યું.

“તમારે મન નાની વાત, મારા માટે જીવન મરણનો સવાલ હતો.” મુક્તાબેને દાંત ભીંસ્યા, તેમના ચહેરા પર રોષ ભભૂક્યો. “વાસ્તવિકતા એ હતી કે મહેન્દ્રની ગેરહાજરીમાં બલર પરિવારમાં મારી કે વરુણની કોઈ કીમત ન હતી. લલિત મારો પોતાનો દીકરો ન હતો કે તેને મારી ફિકર થાય. તે પહેલાથી જ મને નાપસંદ કરતો હતો. તેણે મારો મા તરીકે સ્વીકાર જ નથી કર્યો. મને વિશ્વાસ હતો કે મહેન્દ્રને જેલ જવું પડશે તો તે અમને ઘરની બહાર કાઢી મૂકશે. આમેય, બંગલોથી માંડી મોટાભાગની મિલકત તેણે આપબળે વસાવી છે. વરુણ કે હું તેમાં ભાગ માંગવા દાવો કરી શકીએ તેમ નથી.”

“શું લલિતના રૂમમાં સક્સામિથોનિયમની બૉટલ મૂકવા પાછળ આ જ કારણ જવાબદાર હતું ?”

“ના, મેં બહુ વિચાર કરીને નિર્ણય લીધો હતો. મહેન્દ્રને સલામત રાખવો હોય તો આરવીની બલિ ચડાવવી જરૂરી હતી અને આરવીની હત્યા થાય એટલે પોલીસ તપાસ થાય. પછી, તપાસ દરમિયાન પોલીસને કોઈ ચોક્કસ વ્યક્તિ પર શંકા ન જાય તો મારા કે મહેન્દ્ર પરનું જોખમ વધી જાય એમ હતું.”

“તો આમ કરીને તમે પોલીસનું ધ્યાન લલિત તરફ દોરવા માંગતા હતા, તેને પોલીસનો ચારો બનાવવા માંગતા હતા.”

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED