કોઈ સ્ત્રી પુરુષનું બ્લેકમેઇલિંગ કરતી હોય તે વાત ઝાલા માટે નવી ન હતી, પરંતુ અર્ધજાગૃત કે તંદ્રાવસ્થામાં રહેલો પુરુષ આવી રીતે શારીરિક સંબંધ બાંધી શકે એ વાત તેમને અજુગતી લાગી. છતાં, કૅમેરાને ચોક્કસ એંગલ પર ગોઠવી, કૅમેરા સમક્ષ ખોટા અંગમરોડ અને અવાજો કરી, દુનિયા ગેરમાર્ગે દોરાય તેવી સીડી બનાવવામાં માધવી સફળ રહી હોય તો કહી ન શકાય. માટે, મહેન્દ્ર સાચું કહે છે કે તેણે ગપ હાંકી છે તે વિશે ઝાલા, સીડી કે ફોટા જોયા સિવાય નિર્ણય કરવાના ન હતા.
“માધવી તને બ્લેકમેઇલ કરતી હતી એટલે તેં તેનું કામ તમામ કરી નાખ્યું ?” ડાભીએ કડકાઈથી પૂછ્યું.
“નહીં સાહેબ. તેણે આત્મહત્યા કરી હતી. કૅમ્પસમાં આવેલા તેના રૂમમાં તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો.”
“કારણ ?”
“કારણ કોઈ જાણતું નથી. પોલીસે તેની આત્મહત્યાનું કારણ જાણવા બહુ પ્રયત્નો કર્યા, પણ તે અજ્ઞાત જ રહ્યું.”
“અને પેલા સીડી ને ફોટા ?” ઝાલાએ પૂછ્યું.
“તે ય કોઈને ન મળ્યા, કદાચ તેણે તે એવી જગ્યાએ છુપાવ્યા હતા જેને કોઈ શોધી ન શકે. આત્મહત્યાના કારણની જેમ તે પણ રહસ્ય બની ગયું. જો કે મારા માટે તો તે સારું જ થયું છે.”
“અમે તને બેવકૂફ દેખાઈએ છીએ ?” ઝાલા તાડૂક્યા. “તેં જ તેને મરાવીને રેકૉર્ડિંગ અને ફોટા ગાયબ કરી દીધા હશે.”
“નહીં સાહેબ, તેણે આત્મહત્યા કરી હતી. ભગવાન કસમ.” મહેન્દ્રએ અંગૂઠા અને આંગળી વડે ગળે ચીમટો ભર્યો.
“આના મોવાળા ખેંચી કાઢો.” ઝાલાએ આદેશ આપ્યો.
બંદૂકમાંથી ગોળી છૂટવાની રાહ જોતા રમતવીરોની જેમ કૉન્સ્ટેબલો તૈયાર ઊભા હતા, તેઓ દંડા લઈને લાગી પડ્યા. દિવાળીમાં તડકે મૂકેલા ગાદલાને ધોકાવતા હોય તેમ તેઓ મહેન્દ્રને ધોકાવા લાગ્યા. પોલીસની કડવી પરોણાચાકરીથી મહેન્દ્ર ચીસો પાડવા લાગ્યો. ઝાલા તેની સામે જોયા વગર બહાર નીકળી ગયા.
****
થોડી વાર પછી ડાભી ઝાલાની કૅબિનમાં પ્રવેશ્યા, ઝાલા પોતાની પેન ઝટકી રહ્યા હતા.
“રીફિલ ખલાસ થઈ ગઈ ?” ડાભીએ પૂછ્યું. તેમણે પોતાના ખિસ્સામાંથી પેન કાઢી ઝાલા સમક્ષ ધરી. તે બંને પાસે એક જ કંપનીની, એક જ કલરની પેન હતી ; ડાભી તે બંને પેન ખરીદી લાવ્યા હતા.
“અરે ના. કાલે સાંજે કંઈક લખતો હતો ને પેન છટકી તો ટીપ ફરસ સાથે અફળાઈ. પૉઇન્ટ ખરાબ થઈ ગયો લાગે છે.” પોતાની પેનને કાગળની જમણી બાજુએ મૂકી ઝાલા ડાભીની પેનથી લખવા લાગ્યા. તેમણે લખતાં લખતાં ડાભીને પૂછ્યું, “શું કહે છે તમારો અનુભવ ?”
“મને તો લાગે છે કે મહેન્દ્રએ બ્લેકમેઇલવાળી વાત ઉપજાવી કાઢી છે. તેના જેવો કાબો પુરુષ કોઈ સ્ત્રીના ઝાંસામાં આવે તે માન્યામાં નથી આવતું. ઊલટું, તેણે જ માધવીની હત્યા કરાવી હશે અને તેને લગતા પુરાવા આરવીના હાથમાં આવી જતાં તેને પણ ઠેકાણે પાડી દીધી.”
“યોગ્ય ચકાસણી અને પૂરતા પુરાવા વિનાનું અનુમાન ફક્ત અનુમાન જ બની રહે છે. તમારે આટલી તપાસ કરાવવાની છે.” ઝાલા જે કાગળમાં લખી રહ્યા હતા તે તેમણે ડાભીને આપ્યો.
ડાભી કાગળ વાંચવા લાગ્યા, તેમાં ચાર મુદ્દા લખ્યા હતા.
1. મહેન્દ્રએ પાંચ લાખની એફડી તોડી છે કે કેમ તે જાણવા તેના બેંક સ્ટેટ્મેન્ટ મેળવવા અને એફડી તોડી હોય તો તે દરમિયાન કોઈ મોંઘી વસ્તુ કે મિલકત ખરીદી છે કે કેમ તેની તપાસ કરવી. જો તેણે તે પૈસાથી મિલકત ખરીદી હતી તો માધવીને પૈસા ચૂકવ્યાની વાત ખોટી છે.
2. મહેન્દ્રની કબૂલાત મુજબ, પોલીસે માધવીની આત્મહત્યાનું કારણ શોધવા પ્રયત્ન કર્યો હતો. માટે, પોલીસ રેકૉર્ડમાં માધવીની આત્મહત્યાની ફાઇલ હશે, તે કઢાવવી. ઘણી વાર સમય-સંજોગો બદલાતા નિરર્થક લાગતી વાત સાર્થક જણાવા લાગે છે. ત્યારે અર્થહીન લાગેલી કોઈ વાત કદાચ અત્યારે અર્થસભર જણાય.
3. લલિતના રૂમમાંથી મળેલી સક્સામિથોનિયમ કે ક્લૉરોફોર્મની બૉટલ પરથી કોઈના આંગળીના નિશાન મળ્યા નથી. માટે, બૉટલ પર લખેલા બેચ નંબર પરથી તે કયા મેડિકલ સ્ટૉર પરથી વેચાઈ છે તેની તપાસ કરવી.
4. સક્સામિથોનિયમની બૉટલ ઓળખાણ કે મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર મળવી મુશ્કેલ છે. તેથી, જેણે પણ આ કારનામું કર્યું છે તે કોઈ ફાર્માસિસ્ટ સાથે ઘરોબો ધરાવે છે. બલર પરિવારના દરેક સભ્યના કૉલ રેકૉર્ડ્સમાં આવેલા કે ગયેલા તમામ નંબર પર ફોન કરી તપાસ કરવી, ઘરનું કોઈ સભ્ય ફાર્માસિસ્ટના કૉન્ટૅક્ટમાં હતું કે કેમ તેની માહિતી મેળવવી.
ડાભી તે કાગળ વાંચવામાં મશગૂલ હતા ત્યારે ઝાલાએ જાણી જોઈને પોતાની બગડેલી પેન ઉઠાવી અને ડાભી તરફ સરકાવી.
“સાહેબ, બીજું બધું તો ઠીક પણ ત્રીજા મુદ્દા પર કામ કરવું અઘરું છે, કયા બેચ નંબરની દવા કયા મેડિકલ સ્ટૉરમાં વેચાય છે તેનો ડેટા કોઈ રાખતું નથી. લિસોટા વગર સાપની ભાળ કેવી રીતે મળશે ?” ડાભીએ બગડેલી પેન ખિસ્સામાં મૂકી.
“જાણું છું, પણ પ્રયત્ન કરવો પડશે.”
“ઠીક છે.” ડાભી કાગળ લઈને ચાલતા થયા. સારી પેનને ખિસ્સામાં ખોસી રહેલા ઝાલા ધીરે રહીને મલકાયા.
****
પંદર મિનિટ પછી ડાભી કૅબિનમાં પાછા ફર્યા. તેમના હાથમાં ઝાલાની પેન હતી.
“શું થયું ?” ઝાલાએ હસતાં હસતાં પૂછ્યું.
“સાહેબ, આપને મેં મારી પેન આપેલી તે ભૂલથી બદલાઈ ગઈ છે. મેં બહાર જઈ લખ્યું ત્યારે લખાયું નહીં એટલે હું સમજી ગયો કે પેન બદલાઈ ગઈ છે. આથી, મેં તાબડતોબ કૉન્સ્ટેબલને મોકલી નવી રીફિલ મંગાવી અને આપની પેન ઓકે કરી દીધી.” ડાભીએ ઝાલાને તેમની પેન પાછી આપી.
ઝાલા જોરજોરથી હસવા લાગ્યા, “પેન ભૂલથી ન્હોતી બદલાઈ, મેં જાણી જોઈને બદલી હતી. હું જાણતો હતો કે તમે નવી રીફિલ નાખ્યા વગર પેન આપવા નહીં આવો. કેટલા રૂપિયા થયા ?” ઝાલાએ પોતાનો બટવો કાઢ્યો.
“કંઈ નહીં.” ડાભીએ માથું ધુણાવ્યું.
“કેમ, અન્ય પોલીસવાળાની જેમ રીફિલ ‘લઈ આવ્યા’ છો કે શું ?”
“ના સાહેબ, ‘ખરીદી લાવ્યા’ છીએ. પણ, સાત રૂપિયામાં શું લેવાનું ?”
પછી, તેઓ પોતાની પેન લઈ બહાર જવા લાગ્યા, પરંતુ કૅબિનના બંધ દરવાજા પાસે અટક્યા, બે પળ દરવાજાને જોતા ઊભા રહ્યા અને એકદમ પાછા ફર્યા.
“હવે શું થયું ?” ઝાલાએ પૂછ્યું.
“આપે મારી પેન જાણી જોઈને બદલી હતી, પણ મને લાગ્યું કે તે ભૂલથી બદલાઈ ગઈ છે.”
“હા, તમારું ધ્યાન ત્યારે વાંચવામાં હતું.”
“અત્યાર સુધી આપણે માનતા આવ્યા છીએ કે પેલું રેડિયમનું દિલ મનીષાબેને ભૂલથી બદલ્યું હતું.”
ઝાલા ડાભીનો કહેવાનો અર્થ સમજી ગયા. ડાભીની શંકા પર શંકા દર્શાવતા તેમણે કહ્યું, “પણ, મનીષાબેન તે સ્ટીકર જાણી જોઈને શા માટે બદલે ?”
“કદાચ તેઓ અભિલાષાની હત્યા કરવાની આરવીની યોજના વિશે જાણી ગયા હોય.”
“તો તેઓ આરવીને તેમ કરતા રોકે, આરવીની હત્યા થઈ જાય તેવું ન કરે.” ઝાલાએ દલીલ કરી.
ડાભી થોડી વાર વિચારતા રહ્યા. “સાહેબ, મારી શંકાને સમર્થન કરે એવું હજુ એક કારણ છે.”
“શું ?”
“આપણે એવું અનુમાન બાંધ્યું છે કે કોલ્ડ ડ્રિંકના ગ્લાસ ભૂલથી બદલાઈ જવાથી અભિલાષાને પિવડાવવાનું કોલ્ડ ડ્રિંક આરવી પોતે પી ગઈ હતી.”
“હા બરાબર.”
“પણ, તે ગ્લાસ કોઈએ જાણી જોઈને બદલ્યા હોય તો ? આરવી કોલ્ડ ડ્રિંક લઈને ઉપર આવી ત્યારે મનીષાબેન અભિલાષાના રૂમમાં ગયા હતા. પછી, આરવી માથાની ગોળી લેવા પોતાના રૂમમાં ગઈ અને અભિલાષા વૉશ રૂમમાં ગઈ. તો રૂમમાં વધ્યું કોણ ? એકલા મનીષાબેન. શું એવું ન બને કે તેમણે કોલ્ડ ડ્રિંકના ગ્લાસ બદલી નાખ્યા હોય ? કઠપૂતળીનો ખેલ જોતી વખતે ભૂલી જવાય છે કે નજર સામે નાચી રહેલી કઠપૂતળીઓ પાછળ અજ્ઞાત આંગળીઓનો ઇશારો જવાબદાર છે.”
ક્રમશ :
(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)