Murderer's Murder - 35 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 35

“લલિત અને વરુણની પૂરી મહેમાનગતી કરવામાં આવી છે, પણ બેમાંથી એકેય ગુનો સ્વીકારતા નથી.” ડાભીએ કહ્યું.

“એવું પણ બને કે તે બંને ખરેખર નિર્દોષ હોય, છતાં રહેમ ન દાખવતા.” ઝાલાની એક ખાસિયત હતી, તેઓ ક્યારેય કોઈને મનથી ગુનેગાર કે નિર્દોષ ધારીને કાર્યવાહી ન કરતા. તેમણે ડાભીને નેહા સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું અને ઉમેર્યું, “નેહાએ મહેન્દ્રનું નામ લીધું તેના બે કારણો છે. એક તો આરવી પાસે મહેન્દ્રએ આચરેલા કોઈ ગુનાહિત કૃત્યના પુરાવા હતા અને બીજું એ કે નેહાને મહેન્દ્ર પ્રત્યે જોરદાર ઘૃણા છે.”

“તો શું કરવું છે ?” ડાભીએ પૂછ્યું.

“ખોટા માણસને ખંખેરવામાં કંઈ ખોટું નથી. એમાંય બંદૂક બીજાના ખભે રાખીને ફોડવાની હોય ત્યારે તો બિલકુલ નહીં. આપણા માટે નેહા તે ખભો છે.”

“સમજી ગયો.” ડાભી મહેન્દ્રની ધરપકડ કરવા રવાના થયા.

તેમના ગયા પછી ઝાલાને સુરપાલનો ફોન આવ્યો, “લલિતના રૂમમાંથી મળેલા સક્સામિથોનિયમ કે ક્લૉરોફોર્મની બૉટલ પર કોઈના ફિંગરપ્રિન્ટ્સ મળ્યા નથી. બૉટલ ખાનામાં મૂકતા પહેલા તેની બહારની સપાટી સ્વચ્છ કપડાંથી લૂછી નાખી હોય એવું લાગે છે. અને પછી, બૉટલને કોઈ અડક્યું નથી.”

સુરપાલની વાત સાંભળી ઝાલાને આશ્ચર્ય ન થયું, અલબત્ત તેઓ તો ધારતા જ હતા કે આ લલિતને ફસાવવાનું કાવતરું છે.

****

ખાસ્સા સમય પછી ડાભી મહેન્દ્રને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા.

“સમજી લે કે તું ચર્ચમાં પોપ સામે ઊભો છે અને તારે કન્ફેસ કરવાનું છે.” ઝાલાએ કહ્યું.

“પણ, મેં કંઈ કર્યું નથી.”

“પેલી યુવાન પ્રોફેસરને ભૂલી ગયો જેનું મોત તારા કારણે થયું હતું ? તેં તેનું જીવન બરબાદ કર્યું હતું. આરવીના હાથમાં તારા એ પાપના પુરાવા આવી ગયા હતા માટે તેં તેને ય મારી નાખી. તને એમ, કે એમ કરીને તું તારું પાપ ઢાંકી શકીશ, પણ આરવીએ તે તમામ પુરાવાની કોપી નેહાને આપી રાખી હતી.” ઝાલા અતિશય વિશ્વાસથી બોલ્યા અને વિશ્વાસ સાથે બોલાયેલી વાત ખોટી હોય તો પણ સાચી લાગતી હોય છે.

“ક... ક... કોણ પ્રોફેસર ?” મહેન્દ્રની જીભ થોથવાઈ.

ઝાલાએ કંઈપણ બોલ્યા વગર ડાભી સામે જોયું. તેમણે પોતાનો કમરપટ્ટો છોડ્યો અને મહેન્દ્ર બોલી ઊઠ્યો, “તમે માધવી ગુપ્તાની વાત કરો છો ?”

ઝાલા હા કે ના બોલ્યા વગર ઊભા રહ્યા કારણ કે તેમને કંઈ ખબર જ ન હતી. તેમણે ફરી વાર ડાભી સામે જોયું અને મહેન્દ્ર બોલ્યો, “તેણે આત્મહત્યા કરી હતી.” પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતો સુંવાળો માણસ પોલીસની ખાતર-બરદાસ સહી શકે તેમ ન હતો.

“મને ઇન્ટરવલ પછીની નહીં, આખી સ્ટોરી સાંભળવામાં રસ છે.” ઝાલાએ ચપટી વગાડી.

મહેન્દ્ર કંઈક વિચારવા લાગ્યો. તેને ચૂપ ઊભેલો જોઈ ડાભીએ હવામાં પટ્ટો વીંઝ્યો. ચામડાના પટ્ટો જમીન સાથે ટકરાતા ‘સટાક’ અવાજ સંભળાયો. જાણે, પોતાના વાંસામાં સોળ ઊઠ્યો હોય એમ મહેન્દ્ર કાંપી ઊઠ્યો.

“2007માં તમામ પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ પાસ કરી માધવી અમારી કૉલેજમાં જોડાઈ ત્યારે તેના પપ્પા જામનગરમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા. અહીં તેનું કોઈ ન હોવાથી તે કૉલેજ કૅમ્પસમાં રહેતી હતી. તેના લેક્ચરમાં, કોઈ અનુભવી પ્રોફેસરના લેક્ચર કરતા પણ વધુ છોકરાઓ હાજર રહેતા ; એટલે નહીં કે તે ખૂબ સારું ભણાવતી હતી, પણ એટલે કે તે બહુ સુંદર દેખાતી હતી. કૉલેજના ઘણાં છોકરાઓ તેના પર મરતા.”

“છોકરાઓની વાત છોડ, તારું સ્ટેટસ જણાવ.” ઝાલાએ કહ્યું.

“સાહેબ, લિંગની આગળ ‘પુ’ લાગતો હોય તેવી દરેક વ્યક્તિને સુંદર સ્ત્રીનો સાથ ગમતો જ હોય છે અને આ સાહેબ ‘નપુંસકલિંગ’ નથી.” ડાભીએ સપાટો બોલાવ્યો.

મહેન્દ્ર નીચું જોઈ ગયો. “અમારી વચ્ચે સારી મિત્રતા હતી.” તેણે કહ્યું.

“સ્ત્રી-પુરુષ વચ્ચેની સારી મિત્રતા બે પ્રકારની હોય છે ; એકમાં વાતો શેર થતી હોય છે અને બીજામાં બેડ !”

ઝાલાનો તુક્કો મુક્કાની જેમ વાગ્યો હોય તેમ મહેન્દ્રનું મોઢું કાળું પડી ગયું, “સાહેબ, તમને જે પુરાવા મળ્યા છે તેની પાછળનું સત્ય કંઈક બીજું છે. હું લાચાર હતો.”

ઝાલાને પોતાનું તીર નિશાના પર લાગતું જણાયું. “ખુલાસાવાર જણાવ.” તેમણે કહ્યું.

“મને તે તોફાની દિવસનો મહિનો, તારીખ, વાર બધું જ યાદ છે. 2008ના ઑગસ્ટ મહિનાની વાત છે. શુક્રવારે પંદરમી ઑગસ્ટ અને શનિવારે રક્ષાબંધન હોવાથી શુક્ર, શનિ, રવિ ત્રણ રજાઓ આવતી હતી. શુક્રવારના દિવસથી જ કૅમ્પસમાં સોપો પડી ગયો હતો. હોસ્ટેલમાં રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. મુક્તાના ભાઈની રાખડી બાંધવા અમારે અમદાવાદ જવાનું હતું. પરંતુ, પંદરમીની સાંજે જ મારી તબિયત બગડી, મને ઝાડા થઈ ગયા. મેં અમદાવાદ જવા માટે નામરજી બતાવી, મારી નરમ તબિયતના કારણે મુક્તાએ પણ જવાનું માંડી વાળ્યું, પરંતુ મેં આગ્રહ કરતા તે અને વરુણ સોળમીએ સવારે રવાના થયા. કૉલેજે ફાળવેલા મારા ક્વાર્ટરમાં ત્યારે કોઈ ન હતું, લલિત મિત્રો સાથે ફરવા ગયો હતો અને રામુ નાથદ્વારા દર્શન કરવા ગયો હતો.

મુક્તાના રવાના થયા પછી મને કંટાળો આવવા લાગ્યો, કૅમ્પસમાં સાવ સન્નાટો હતો અને ઘરનું ટીવી પણ બગડેલું હતું. ત્યારે મને વિચાર આવ્યો કે માધવી કૅમ્પસમાં જ હશે. કાઠિયાવાડની સાતમ-આઠમ વખણાય છે અને અઠવાડિયા પછી જન્માષ્ટમી આવતી હોવાથી તે ત્યારે જામનગર જવાની હતી. મેં માધવીને ફોન કરીને કહ્યું, “કોઈ પ્રોગ્રામ ન હોય તો બેસવા આવ, એકલો એકલો હું વધારે બીમાર પડી જઈશ.”

તે થોડી વારમાં આવી પહોંચી, તેની સાથે ચીકુના જ્યુસનો થર્મોસ હતો. થોડી વાર વાતો કર્યા પછી મેં જ્યુસ પીધું, પણ મારી આંખો ઘેરાવા લાગી. કોઈ ભયંકર નશો કર્યો હોય તેમ મારું માથું ભારે થઈ ગયું. મારી જાગૃતિ જતી રહી અને હું અર્ધજાગૃત કે શિથિલ થઈ ગયો હોઉં તેમ ખુલ્લી આંખે સૂતો રહ્યો. મારા દિમાગ કે શરીર પર મારો કાબૂ ન હતો, હું શું કરી રહ્યો છું, મારી સાથે શું થઈ રહ્યું છે તેનું મને ભાન ન હતું.

હું જયારે હોશમાં આવ્યો ત્યારે નિર્વસ્ત્ર હતો, મારા કપડાં અસ્તવ્યસ્ત પડ્યા હતા, માધવી સામેની ખુરશીમાં ડિજિટલ કૅમેરો પકડીને બેઠી હતી. તેણે મને એક વીડિયો બતાવ્યો, જેમાં મારી અને તેની વચ્ચે બંધાયેલા અંતરંગ સંબંધો રેકૉર્ડ થયા હતા. હું સમજી ગયો કે તેણે મને કેફી દ્રવ્ય પિવડાવ્યું હતું જેના નશા હેઠળ મેં આ બધું કર્યું છે.

તે ખંધાઈથી હસીને બોલી, “એક ઉપરી તરીકે તમે મારું શોષણ કર્યું છે. હું આ વીડિયો બહાર પાડું તો તમારી પત્ની તમને છોડી દે, તમારી નોકરી જાય અને તમારી બદનામી થાય. હા, મારી ય થોડી બદનામી થાય પણ સહાનુભૂતિ વધુ મળે.”

તેની વાત સાંભળી મેં તેનો કૅમેરો ઝૂંટવી લીધો, પણ તેણે નિરાંતે કહ્યું, “તમે ઘણા કલાકથી તંદ્રામાં હતા. તમને શું લાગે છે, એટલો સમય હું અહીં બેસી રહી હતી ? આ વીડિયોની સીડી બનાવીને યોગ્ય જગ્યાએ મૂકી દીધી છે. હજુ તો વીડિયો પરથી ફોટા બનશે. લાવો હું જ આ વીડિયો ડીલીટ કરી દઉં.” એમ કહી તેણે કૅમેરાનું મેમરી કાર્ડ ફૉર્મેટ કરી દીધું. મારા ગુસ્સાની સીમા ન રહી, મેં તેનું ગળું પકડ્યું. તે ધમકી આપતા બોલી, “મારા શરીર પર એક પણ ઈજા થશે તો તમારા વિરુદ્ધનો એક પુરાવો વધી જશે.” તેની વાત સાંભળી હું ઢીલો પડ્યો. મેં કહ્યું, “શું જોઈએ છે તારે ?” તો કહે, “પૈસા... પાંચ લાખ રોકડા અને પછીથી દર મહિને ત્રીજા ભાગનો પગાર.” હું ચોંક્યો પણ તે હસતી રહી. મેં તેને સમજાવી કે આ વધારે પડતું છે, પણ તે ટસની મસ ન થઈ. મારી પાસે તેની સાથે સહમત થયા સિવાય છૂટકો ન હતો.

તે દિવસે તે ચાલી ગઈ અને મારી ઊંઘ હરામ કરતી ગઈ. રાત્રે મુક્તા અને વરુણ તથા બીજા દિવસે રામુ આવી પહોંચ્યો, પણ હું આ વાત કોઈને કહી ન શક્યો. એક સ્ત્રીએ પુરુષનો બળાત્કાર કર્યો છે એ વાત કેટલા લોકો સાચી માને ? ભલે, હું નિર્દોષ હતો છતાં આવા કિસ્સામાં લોકો પુરુષને જ ગુનેગાર ઠેરવતા હોય છે.

સોમવારે બેંક ખૂલતાં મેં મારી એફડી તોડી અને માધવીને પાંચ લાખ રૂપિયા આપ્યા. પછી, લગભગ બાર મહિના સુધી હું તેને ત્રીજા ભાગનો પગાર આપતો રહ્યો, પણ આટલાથી વાત અટકી નહીં. તે ગમે ત્યારે ગમે તે વસ્તુની ખરીદી કરી આવતી અને તેનું બિલ મારે ભરવું પડતું. હું તેનાથી ખૂબ ત્રાસી ગયો હતો.”

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED