Murderer's Murder - 34 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 34

રૂમ નંબર 2231ની અંદર કોઈ ન હતું. બેડ પર વિશેષનો નાઇટ ડ્રેસ પડ્યો હતો અને બાથરૂમમાંથી પાણી પડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

‘વિશેષ ન્હાવા ગયો લાગે છે, હું આવવાની છું એવું જાણતો હોવાથી રૂમનો દરવાજો ખુલ્લો રાખીને ગયો છે.’ નેહાએ વિચાર કર્યો. પોતાનું પર્સ નાઇટ ડ્રેસની બાજુમાં મૂકી તે આલીશાન બેડ પર બેઠી. થોડી વાર પછી, બાથરૂમ તરફ મોં કરીને તે જોરથી બોલી, “હું આવી ગઈ છું.”

‘આજે હું વિશેષની રાહ જોતી બેઠી છું પણ થોડાં સમય પછી તે મારી રાહ જોતો કોઈ બગીચામાં બેઠો હશે.’ એમ વિચાર કરી, શેખચલ્લીની સ્ત્રી આવૃત્તિ હોય તેમ તે કલ્પનાઓમાં ખોવાઈ ગઈ. લગભગ દસેક મિનિટ સુધી કલ્પનાવિહાર કર્યા પછી તે બાથરૂમ પાસે ગઈ, બાથરૂમનો દરવાજો રૂમના દરવાજાની જેમ આડો કરેલો હતો.

“ઘસી ઘસીને નાહીશ તો ય એક દિવસમાં ગોરો નહીં થઈ જા.” દરવાજા પાસે ઊભા રહી તેણે ટીખળ કરી. પાણીના ધધૂડાનો અવાજ સંભળાતો રહ્યો. તે ફરી બોલી, “હું દરવાજો ખોલી નાખીશ તો તારે ને મારે બેયને શરમાવું પડશે.” ફરી નેહાની વાતનો કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. હવે, તેને ડર લાગ્યો. થોડા ભય, રોમાંચ અને શરમના મિશ્રણથી તેણે દરવાજાને ધક્કો માર્યો.

દરવાજો ખૂલતાં જ નેહાનું ધ્યાન ફરસ પર વહેતા આછા લાલ પાણી તરફ ગયું. તેના ધબકારા અસાધારણ રીતે વધી ગયા, તેણે નજર ઊંચકીને જોયું તો સામી દીવાલ પર લોહીના રગેડા ઊતર્યા હતા. દીવાલને અડીને ગોઠવાયેલા બાથટબની ઉપરનો નળ ખુલ્લો હતો અને ટબમાંથી લાલ પાણી છલકાઈ રહ્યું હતું. નેહા ગભરાતા ગભરાતા આગળ વધી, બાથટબ પાસે જઈ તેણે લાલ પાણીમાં ડોકિયું કર્યું. ભલે, વિશેષનું માથું ખરાબ રીતે ફાટી ગયું હતું છતાં ટબના પાણીમાં ડૂબેલી વિશેષની લાશને તે ઓળખી ગઈ. તે ભયાનક રીતે ગભરાઈ, બે પળ પહેલા વિશેષને મેળવવા ઝંખતી નેહા વિશેષના મડદાંથી દૂર ભાગવા પાછી ફરી. તે એકદમ દોડવા ગઈ. પણ, મોંઘી ચકચકિત લાદી પર ફેલાયેલા સાબુયુક્ત પાણીથી ફરસ લપસણી થઈ ગઈ હતી, તે ત્રીજા જ પગલે લપસી પડી.

પડતી વખતે તે પોતાની જાતને સંભાળી ન શકી. તેનું માથું મોંઘા મજબૂત પથ્થરના ‘વૉશ બેઝિન – પ્લેટફૉર્મ’ સાથે ભયંકર રીતે અફળાયું, તેની આંખે એકદમ અંધારા આવ્યા. નીચે પડતી વખતે તે બાથરૂમના ખુલ્લા દરવાજાને પકડવા ગઈ. દરવાજાને તેના જમણા હાથનો ધક્કો વાગતા તે બારસાખ સાથે અથડાઈ પ્રત્યાઘાત પામ્યો. ગતિથી પાછો ફરેલો દરવાજો નેહાના દેહ સાથે ટકરાઈને ફરી પ્રત્યાઘાત પામ્યો. જાણે નાટકના દ્રશ્ય પર પડદો પાડતો હોય તેમ તે બંધ(આડો) થઈ ગયો અને નેહા બેહોશીમાં સરી પડી.

****

ભૂતકાળમાં બાથરૂમની ફરસ પર પડેલી નેહા કૉમામાં ચાલી ગઈ હતી અને અત્યારે હોસ્પિટલના બિછાને પડેલી નેહા નિદ્રાદેવીના ખોળામાં સરી પડી. બેહોશ થતા પહેલા જોયેલું બાથટબનું લાલ પાણી અને વિશેષની લાશ તેને ઊંઘમાં પણ દેખાતા રહ્યા.

ખાસ્સી ઊંઘ ખેંચીને તેણે આંખો ખોલી ત્યારે, મંજુલા સહાયને તેની મમ્મી પાસે બેઠેલી જોઈ. નેહાને તે ન રુચ્યું, આંખો ખોલતા જ સામે પોલીસવાળા દેખાય એ કોને ગમે ?

“હવે સારું લાગે છે ?” મંજુલાએ શુષ્કતાથી પૂછ્યું.

નેહાએ ફક્ત માથું હલાવ્યું.

“આરામ થઈ ગયો કે હજી સૂવું છે ?” તે ઊભી થઈને નેહા પાસે આવી.

“થઈ ગયો.” નેહાએ ટૂંકો જવાબ આપ્યો.

મંજુલાએ ઝાલાને વીડિયો કૉલ કર્યો. ઝાલા પોતાની કૅબિનમાં બેઠા હતા. તેમણે એ જ કૉલ પર નેહાની પૂછપરછ કરી. નેહાએ તેમને વિશેષ સાથે થયેલી ટેલિફૉનિક વાતચીત અને બીટા હોટેલના રૂમવાળી વાત કહી સંભળાવી. તેણે કહ્યું, “વિશેષને તો છેક સુધી ખબર જ ન્હોતી કે આરવી મરી ચૂકી છે, તો તેણે આરવીની હત્યા કેવી રીતે કરી હોય ? મને તો હલકટ મહેન્દ્ર પર જ શંકા છે. હું તેની વિરુદ્ધ જુબાની આપવા તૈયાર છું.”

આરવીના કેસમાં અગત્યની કડી શોધવા મથતા ઝાલાએ તે આખો કૉલ રેકૉર્ડ કર્યો હતો. તેમણે હેમંતને કહી વિશેષનો પીએમ રિપૉર્ટ મંગાવ્યો. કોઈ માણસ પોતાને ગમતી ફિલ્મ ન જુએ તેટલી વાર ઝાલાએ તે વીડિયો કૉલ જોયો, કોઈ માણસ પોતાને ગમતી નોવેલ ન વાંચે તેટલી વાર ઝાલાએ તે પીએમ રિપૉર્ટ વાંચ્યો. ઝાલાનું શરીર પંખા નીચે બેઠું હતું, પરંતુ દિમાગ પરસેવે નીતરી રહ્યું હતું, તેઓ પુરુષાર્થ કરી રહ્યા હતા. પીએમ રિપૉર્ટમાં લખ્યું હતું કે વિશેષનું મૃત્યુ સવારના સાડા ચારથી સાડા પાંચની વચ્ચે થયું છે. ઝાલા તાળા મેળવતા વિચારવા લાગ્યા.

‘નેહાએ જણાવ્યું છે કે વિશેષ અગિયાર વાગ્યા પછી આરવીને મળવા ગયો હતો. રજિસ્ટર અને કૅમેરા મુજબ એ સાચું છે ; તે સવા અગિયારે સોસાયટીમાં પ્રવેશ્યો હતો.

પછી, તેણે પોતાના જૂના નંબરમાંથી આરવીને ફોન કર્યો, પણ તે નંબર આરવીએ બ્લૉક કર્યો હોવાથી તેણે બીજું સિમકાર્ડ વાપર્યું. કૉલ રેકૉર્ડ્સ પરથી આ વાતને પણ પુષ્ટિ મળે છે.

વિશેષે આરવીને ફોન કર્યો ત્યારે અગિયારને અઢાર થઈ હતી માટે આરવી નીચે રસોડામાં હશે, તે કોલ્ડ ડ્રિંક લેવા આવી હશે. તેમની વચ્ચે ત્યારે ત્રીસ સેકન્ડની વાતચીત થઈ. એટલા સમયમાં શું વાત થઈ શકે ? તો કે, ‘હું વિશેષ બોલું છું, તું પ્લીઝ ફોન ન કાપતી. – મારે તને મળવું છે. - હું તારા ઘરની બહાર ઊભો છું. – તું પ્લીઝ બહાર આવી જા. – વગેરે...’

બાદમાં, આરવી દરવાજો ખોલીને બહાર આવી અને પાંચેક મિનિટની તકરાર પછી અંદર ચાલી ગઈ ; વિશેષે નેહાને કહ્યું હતું કે તેમની વચ્ચે ફક્ત પાંચ મિનિટની મુલાકાત થઈ હતી.

આ બધું મળીને કુલ પંદર મિનિટનો સમય પણ નહીં વીત્યો હોય અને કૅમેરા મુજબ વિશેષનો હરિવિલા સોસાયટીમાં આવવા-જવાનો સમય અગિયાર ને તેર તથા અગિયાર ઓગણત્રીસનો છે.

આગળનો ઘટનાક્રમ વિચારીએ તો, બીજા દિવસે સવારે વિશેષ બહાનું કરીને ઘરેથી નીકળી ગયો કારણ કે તે કેપિઓફોબિયાથી પીડાતો હતો. વળી, આરવીએ તેને ધમકી આપી હતી કે તે તેને હેરેસમેન્ટના કેસમાં અંદર કરાવી દેશે. તેણે પોલીસનો ફોન કાપ્યો, પોતાનો ફોન સ્વિચ ઑફ રાખ્યો, હોટેલ બદલી એ બધા માટે તેની બીમારી અને આરવીની ધમકી જવાબદાર હતા.

ઉપરાંત, વિશેષની બીમારીથી અજાણ નેહાએ તેના ડરમાં ઉમેરો કર્યો. તેણે કહ્યું કે આરવી મરી ચૂકી છે અને પોલીસ તેને આરોપી તરીકે શોધી રહી છે. બસ ખલાસ, વિશેષના મનમાં ભયનો સુનામી ઊઠ્યો.

હોટેલના રૂમમાં એકલા પડી ગયેલા વિશેષને ઊંઘ ન આવી અને તેનો ડર વધતો ગયો. ભાગી જવું કે આત્મસમર્પણ કરવું એ બાબતે તે નિર્ણય ન કરી શક્યો. અસમંજસના કારણે તે સવારે ચાર વાગ્યે હોટેલના રૂમનો દરવાજો ખોલી બહાર નીકળ્યો અને લોબીમાં ઊભો રહ્યો. તે સમયના કૅમેરાના રેકૉર્ડિંગમાં તેના ચહેરા પર ભયંકર અજંપો દેખાઈ રહ્યો છે. કદાચ તેની માનસિક હાલત પૂરી રીતે ડામાડોળ થઈ ગઈ હતી, એટલી હદે કે તે શું કરી રહ્યો છે તેનું પણ તેને ભાન ન હતું. એટલે જ રૂમમાં પાછા દાખલ થતી વખતે તે દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો.

પછી, રૂમમાં અંદર જઈ તેણે આત્મહત્યા કરી લીધી. પણ, તેની લાશ બાથટબમાંથી શા માટે મળી ? કદાચ નકારાત્મક વિચારોથી - માનસિક થાકથી છુટકારો મેળવવા, ફ્રેશ થવા તેણે બાથ લેવાનું વિચાર્યું હશે અને બાથટબમાં પડ્યા પડ્યા જ ખોટા ભયના ઓથાર હેઠળ પોતાના માથામાં ગોળી મારી લીધી.

હજુ અલગ એંગલથી વિચારીએ તો, હોટેલ કૅમેરાના રેકૉર્ડિંગ જણાવે છે કે રૂમ નંબર 2231માં નેહા સિવાય કોઈ ગયું-આવ્યું નથી. પીએમ રિપૉર્ટમાં વિશેષના મૃત્યુનો સમય સવારના સાડા ચારથી સાડા પાંચની વચ્ચે અનુમાનિત કરાયો છે, જયારે નેહા રૂમમાં સાડા સાતે પ્રવેશી હતી. બાથટબમાંથી મળેલી રિવૉલ્વર અને તેને લાગેલું સપ્રેસર પણ વાસુ પરિવારના જ છે. આ બધી વાતથી એક જ તારણ નીકળે છે કે વિશેષે આત્મહત્યા કરી છે. હા, વિશેષે જયારે ગોળી મારી હશે ત્યારે બાથટબ પાણીથી પૂરું ભરાયું નહીં હોય. નહિતર, વિશેષનું માથું પાણીમાં ડૂબેલું ન હોત. અડધા ભરેલા બાથટબમાં સૂઈને, સપ્રેસર લગાવેલી રિવૉલ્વરને પોતાના લમણામાં તાકીને, તેણે ટ્રિગર દબાવી દીધું હશે. બાદમાં, નળ ચાલુ હોવાથી, બાથટબ પૂરું ભરાઈ જતાં વિશેષનો માથા સહિતનો દેહ પાણીમાં ગરક થઈ ગયો. જોકે, મરતાં પહેલા તેણે શું શું કર્યું, છેલ્લી ઘડીએ તેના દિમાગમાં શું ચાલતું હતું એ બધી વાતો કાયમ માટે રહસ્ય બની રહેશે.’

ઝાલાએ ફરી એક વાર નેહાનું રેકૉર્ડિંગ સાંભળ્યું અને મહેન્દ્રને કસ્ટડીમાં લેવાનું નક્કી કર્યું.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED