માઇક્રો ટેલ્સ - 2 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઇક્રો ટેલ્સ - 2

#1 – નિર્ણય

અગિયાર વર્ષની ઉંમરે, તેને જબરદસ્તીથી પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલી મૂકવામાં આવી હતી. સાત વર્ષ બાદ, સદનસીબે તે મોકો જોઈ, હિંમત કરીને એ નર્કમાંથી ભાગી નીકળી... એણે હોટેલમાં ડિશ ધોવાનું અને કચરા-પોતું કરવાનું કામ લઈ લીધું. શરીર વેચીને એક દિવસના 800 કમાવવા કરતાં, દિવસના 80 રૂપિયા કમાઈને તે ગર્વની લાગણી અનુભવતી હતી...

18 વર્ષની ઉંમરનો ઉંબરો ઓળંગતા જ, કોઈ ફેમેલીમાંથી એક છોકરી ભાગી ગઈ. ખૂબ બધા પૈસા, નામના, અને લોકોનું અટેન્સન પામવા અડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં તેણે પોર્ન સ્ટાર તરીકેનું પહેલું પોર્ન ઇન્ટરવ્યું આપ્યું. બે વર્ષ બાદ, પોર્ન ઈન્ડસ્ટ્રી માટે એ ‘જૂની પ્રોડક્ટ’ થઈ જતાં એને કાઢી મૂકી. દારૂ, ડ્રગ્સ અને કોકોઈનના નશામાં તેનું શરીર અને જીવન ઉધઈ ચડેલા લાકડા જેવુ, સાવ ખોખલું થઈ ગયું. નોર્મલ જોબ કરવા તેણે સોસાયટી અને ફેમેલી તરફથી ઇજ્જત ગુમાવી દીધી હતી. બહાર નીકળતી તો લોકો એને એક સ્ત્રી તરીકે નહીં, બલ્કે ‘સેક્સ ઓબ્જેક્ટ’ તરીકે દેખતા. નશામાં કમાયેલા પૈસા ખતમ થવા લાગ્યા. નશાની તલબ પૂરી કરવા તે ઓછા ડોલર્સમાં કોઇની પણ સાથે સેક્સ કરવા માટે તૈયાર થઈ જતી... લોકો એની સાથે વસ્તુની જેમ વર્તી, સેક્સ કરી, વપરાયેલા કોન્ડોમની જેમ એને ફેંકી દેતા.

બંનેના નિર્ણયે એમના જીવનને આકાર આપ્યો. એકનો નિર્ણય સુખદ જીવનમાં પલટાયો, તો બીજાનો નિર્ણય દુ:ખદમાં.

* * *

#2 – રંગીન કલર પેન્સિલનું બોક્સ

રિસેસના સમયે ક્લાસના વિદ્યાર્થીઓ નિયમ મુજબ નાસ્તા માટે બહાર નીકળ્યા. એજ ક્લાસમાં ભણતા એક નાના છોકરાએ એક વિદ્યાર્થીના દફતરમાંથી રંગીન કલર પેન્સિલનું બોક્સ ચોરી તેના દફતરમાં સંતાડી દીધું.

રિસેસ બાદના દરેક પિરિયડમાં તેની નાનકડી છાતીમાં પકડાઈ જવાનો ડર સતત ઘૂંટાતો હતો.

સ્કૂલ છૂટવાનો ઘંટ વાગ્યો.

તેની છાતીમાં ઘૂંટાતો ડર સ્કૂલના દરવાજા બહાર પગ મૂકતા જ ઓગળવા લાગ્યો. પોતે ચોરી કરવામાં સફળ રહ્યો એનું લુચ્ચું સ્મિત તેના ચહેરા પર ખેંચાયું. દફતર બંને હાથમાં દબાવી દોડતા પગે તે ઘર તરફ ભાગ્યો.

સાંજે જમીને તે રંગીન કલર પેન્સિલનું બોક્સ કાઢીને ચિત્રપોથીમાં રંગ પુરવા લાગ્યો. કલર પેન્સિલ દેખીને તેની માએ ભ્રમરો ઉછાળીને પૂછ્યું, “ક્યાંથી લાયો આ બધી પેન્સિલ? બોલ? કોની છે?”

છોકરો તેની માના તંગ થયેલા મુખભાવ જોઈને ડરી ગયો. તેણે તરત જ સત્ય કહી દીધું.

“ઊભો થા...! પેન્સિલ લઈને મારી સામે ઊભો રે...”

નાનકડી છાતીમાં તેનું હ્રદય ભયને માર્યું જોર જોરથી ધડકતું હતું. પેન્સિલનું બોક્સ લઈને તે તેની મા સામે જઈને ઊભો રહ્યો. હવે તો માના હાથનો માર પડશે એવી ભીતિમાં તેણે બંને પગ વચ્ચે છૂટી પડતાં પેશાબનું દબાણ દબાવી રાખ્યું.

પેન્સિલનું બોક્સ જોઈને તેની માએ ગંભીર અવાજમાં પૂછ્યું, “આ બોક્સ ચોરતા તને કોઈ જોઈ ગ્યું ‘તું?”

છોકરાએ ગભરાયેલા ચહેરે તરત જ નકારમાં બે–ત્રણવાર માથું ધૂણાવ્યું.

એની માના ચહેરા પર રાહતનું આછું સ્મિત ખેંચાયું. છોકરાના ગાલ પર હાથ ફેરવી “શાબાશ...” કહી તેનું દુષ્ટ પરાક્રમ વધાવી લીધું.

છોકરાની છાતીમાં જોર જોરથી ધડકતું હ્રદય હળવું પડ્યું.

“તું તો મારો ચેતન–ચતુર નીકળ્યો, નઈ?”

ખિલખિલ હસતાં ચહેરે તેણે હકારમાં માથું હલાવ્યું. કલર પેન્સિલનું બોક્સ ચોર્યું એનાથી પણ વધુ આનંદ માએ તેનું કામ વધાવી શાબાશી આપી એનો થયો.

એ દિવસે તેની નિર્દોષતા હણાઈ ગઈ.

એ છોકરો મોટો થતો ગયો એમ એમ મોટી ચોરી કરવા લાગ્યો. એક દિવસ તે મોટી રકમની ચોરી કરતાં રંગે હાથે પકડાઈ ગયો.

તેના પર કેસ ચાલ્યો. કોર્ટે 5 વર્ષ કેદની સજા ફટકારી.

તેની પહેલી ચોરી માટે તેની માએ શાબાશી આપી તેનું ખરાબ પરાક્રમ વધાવી લીધું એ બદલ તેની મા પર ધિક્કાર છૂટવા લાગ્યો. જો તેની માએ એ દિવસે તેને એક થપ્પડ ઝીંકી સાચો પાઠ ભણાવ્યો હોત તો એ ક્યારેય ચોર ન બન્યો હોત... અને જેલ જવાનો દિવસ પણ દેખવો પડ્યો ન હોત.

***

#3 – ઈન્ટ્રોવર્ડ ગર્લ

બંને કોલેજ ફ્રેન્ડ્સ કોફી શોપમાં બેઠા હતા.

ધવલે અકળાયેલા અવાજમાં કહ્યું, “ઓહ ગોડ નિલ્પા! તું કેમ આટલી બધી ઈન્ટ્રોવર્ડ છે એ સમજાતું જ નથી?”

તેણે હળવું સ્મિત કરી ખભા ઉછાળ્યાં, “મને પણ...”

“કોલેજના ફર્સ્ટ યરથી તારો ફ્રેન્ડ છું, છતાં પણ હજુ તું અનસોલ્વ્ડ પઝલ જેવી છે. ક્યારેક તો બેસ્ટ ફ્રેન્ડ સામે દિલ ખોલીને વાત કર.”

ધવલને સાંભળીને તે જરાક વધુ હસી પડી.

“તારા બધા સિક્રેટ્સ સાથે કોઈ તને સૌથી સારી રીતે ઓળખતું હોય એવું આ દુનિયામાં કોઈ છે ખરું?”

કોફીના મગમાં આંખો ડૂબાડી, મુસ્કુરાતા તેણે કહ્યું, “મારી પર્સનલ ડાયરી...”

***

#4 – સિક્રેટ લવ સ્ટોરી

બગીચામાં સાંજ ઢળી રહી હતી. ટ્યુબલાઇટ્સનું અજવાળું પથરાઈ રહ્યું હતું. બાળકો તેમના માતા–પિતા સાથે ખેલતા–કુદતાં ઘરે જઈ રહ્યા હતા. કોલેજના બંને યુવાન હૈયાઓ તેમણે નક્કી કરેલા સમય અને સ્થળે પહોંચી ગયા હતા. ટ્યુબલાઇટ નીચેના બાંકડા પર બંને જણા બેઠા.

કિરણે તેની બેસ્ટ ફ્રેન્ડ ફોરમની આંખો દેખીને કહ્યું, “કેમ તું આજે ઉદાસ હોય એવું લાગે છે. શું વાત છે બોલ...?”

“ના. એવું કશું જ નથી...” તે ફિક્કું હસી.

“તો પછી તારી ખૂબસૂરત આંખોને ઉદાસીનતાએ સ્પર્શી લીધી હોય એવું મને કેમ લાગે છે? હં...?” તેણે ફોરમના હાથ પર અંગુઠો પસવારતા કહ્યું.

મનનો મનોભાવ અક્ષરોની જેમ આંખ પરથી વંચાઇ જતાં તે આછું મુસ્કુરાઈ ગઈ.

“તારું USA જવું મને નથી ગમતું યાર. અત્યારથી જ તને મિસ કરતી હોવ એવી ફિલિંગ્સ આવે છે. ખબર નઈ તારા વિના હું શું કરીશ અહીં? આઈ લવ યુ સો મચ યાર...”

“જો તું એટલો બધો મને પ્રેમ કરતી હોય તો USAમાં સ્ટડીનો કોઈ કોર્સ કરવા આવી જાને.”

“પણ મોમ–ડેડ ગુજરાત બહાર જવાની ના પાડે છે. અને હવે તો હું તેમને છોકરાઓ દેખવાની ના પણ નથી કહી શકતી. કેવી રીતે એમને સમજાવું કે હું તને પ્રેમ કરું છું...?”

“હું સમજુ છું તારી પરિસ્થિતિને. આપણે વિડીયો કોલિંગથી વાત કરી કનેક્ટ રહીશું. USA જતાં પહેલા હું તને એક ખાસ વસ્તુ આપવા ઈચ્છું છું.” કહીને કિરણે વેલ્વેટનું લાલ બોક્સ ખોલીને તેની સામે મૂક્યું. છીપલામાં મોતી ચમકતું હોય એમ એ બોક્સમાં પ્રપોઝલ રિંગ ચમકતી જોતાં જ તેણીનું દિલ પ્રેમની લાગણીથી છલકાઈ આવ્યું. જે ક્ષણની રાહ વર્ષોથી જોવાતી હતી એ ક્ષણ અચાનક તેની સામે આવી જતાં ફોરમની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા.

કિરણે ફોરમનો હાથ બંને હથેળીમાં લઈ, વર્ષોથી અનકહી દિલની વાતનું કન્ફેસન કર્યું. દિલમાં અનુભવાતી લાગણીનો જવાબ તેણીનીએ ‘હા’માં આપી, બંને એકબીજાને કસ્સીને ભેટી પડ્યા. ધડકતા દિલમાં ઊછળતો આવેગ તેમનાથી રોકી ન શકાયો. બંનેના થરકતા મુસ્કુરાતા હોઠ તસતસતા પ્રગાઢ ચુંબનોનું રસપાન કરી ભેટી પડ્યા. બંનેના હોઠ પર એકબીજાની લિપસ્ટિકની આછી છાપ આવી ગઈ...

***

#5 – કબર

11 વર્ષનો છોકરો તેની મોટી બહેનની કબર પાસે આવીને ઊભો રહ્યો. ચોકલેટ્સ અને ફ્લાવર્સ ત્યાં મૂક્યા. અશ્રુ ભીની આંખે તેણે હૈયાની લાગણીઓને વાચા આપી, "દીદી, આપણે રમેલી દરેક ગેમ્સમાં હું ચિટિંગ કરતો હતો. ફ્રિજમાં મૂકેલી તારી ચોકલેટ્સ પણ હું ચોરીછૂપી ખાઈ જતો હતો. તને મારી બધી જ ચિટિંગની ખબર હતી છતાંયે તું મોમ-ડેડને કશું જ નહતી કહેતી. જો મને ખબર હોત કે તું મારા સાથે આટલી મોટી ચિટિંગ કરીશ, તો હું ક્યારેય તારી સાથે ચિટિંગ ન કરત! મોટો ચિટર તો હું હતો, તું કેમ બની ગઈ? આઈ મિસ યોર લવ એન્ડ કેર સો મચ, દીદી... તારા વિષેની દરેક વાત હું મિસ કરું છું. પ્લીઝ કમ બેક... મારે તને બિગ હગ કરવું છે. અને આજે તો તારો 17th બર્થડે છે. જોયું, મને તારો બર્થડે પણ યાદ છે! આઈ લવ યુ, દીદી...!

અચાનક હવાની એક લહેરખી ફૂંકાઈ... ઝાડની ડાળખી પર લટકી રહેલું નારંગી-પીળું પાન તૂટીને ઝૂલતું- ઝૂલતું તેના ગાલ પર જાણે લાડ કરતું હોય એમ લસરીને હાથમાં પડ્યું... શીતળ પવનની બીજી લહેરખી એના તરફ ફૂંકાઈ... ને હવાથી અલૌકિક આલિંગન ભર્યું...

કુદરતી સંકેતનો ઈશારો સમજી તેના ચહેરા પર સ્મિત ખીલી ઉઠ્યું.

* * *

#6 – ધાબળો

રોડની સાઈડ પર એક ગરીબ વૃદ્ધ કડકડતી ઠંડીમાં ધ્રુજી રહ્યો હતો. રોડ પરથી કેટલાયે લોકો પસાર થતાં હતા. કોઈએ પણ એક ધાબળો કે કપડું તેના થથરતા શરીર પર ઓઢાડવાની તકલીફ ન લીધી. રાતની વધતી જતી ઠંડમાં તેનું ઘરડું હ્રદય ઝાઝો સમય સાથ ન આપી શક્યું.

જ્યારે સવારે કચરો ઉઠાવવા આવતા મ્યુનિસિપાલિટીના કામદારને ખબર પડી કે એ વૃદ્ધ રાતની ઠંડીમાં મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફોન કરી કફન મંગાવ્યું, અને એ વૃદ્ધના મૃતદેહ પર ઓઢાડ્યું.

વૃદ્ધ માટે જીવન કરતાં મૃત્યુ વધુ દયાળુ રહ્યું હતું.

* * *

#7 – સ્યૂસાઇડ અને લાઈફ

સ્યૂસાઇડે અહંકારી અવાજમાં લાઈફને કહ્યું, "મને અટેમ્પ્ટ કરવામાં ઘણી તાકાત જોઈએ બોસ..! માત્ર હિંમતવાન લોકો જ આપણને અટેમ્પ્ટ કરી શકે..!"

"વાહ...! શું વાત કહ્યી છે! માની ગ્યાં હોં બોસ...!" મૃત્યુએ સહમતિ પૂરી.

લાઇફે સ્મિત કરી, નમ્ર સ્વરે કહ્યું, "બિલકુલ, તમને અટેમ્પ્ટ કરવામાં હિંમત તો જોઈએ જ, પણ એવા લોકોને હું હિંમતવાન નહીં, બલ્કે ડરપોક ને બાયલા કહીશ. કારણ કે તમને અટેમ્પ્ટ કરવામાં થોડીક જ સેકન્ડ્સની જરૂર પડે છે, જ્યારે મને આલિંગવા લોકોને વધારે હિંમતની જરૂર પડે છે. હું એમના પર કેટલીયે તકલીફોના કાંટા એમના માર્ગમાં બિછાવું છું. દુ:ખના ડુંગર તેમના પર નાંખું છું, છતાં તેઓ હિંમત ભેગી કરી, વિશ્વાસ અને શ્રદ્ધાના સહારે સંઘર્ષરૂપી જીવન-યાત્રામાં પોતાની જાતને સતત ઘડતા જાય છે. જેમાં વિશ્વાસ અને શ્રદ્ધા એ તલવાર અને ઢાલ બની જતાં હોય છે. ખરી બહાદુરી જીવનમાં આવતા દુ:ખોને સામી છાતીએ લડવામાં છે. થોડીક પળોની હિંમત ભેગી કરી અમૂલ્ય જીવન ટૂંકાવી દેવામાં નહીં."

જીવનનો ચોટદાર જવાબ સાંભળીને સ્યૂસાઇડ અને મૃત્યુ – બંને એકબીજા સામે મૂરખાઓની જેમ તાકી રહ્યા.

***

લેખક – પાર્થ ટોરોનીલ

Email:

‘101 માઇક્રો-ફ્રિક્શન વાર્તાઓ’ ebook એમેઝોન કિંડલ પર ઉપલબ્ધ છે.

સત્ય ઘટના પર આધારિત ‘મનની આંટીઘૂંટી’ સંપૂર્ણ નવલિકા પણ કિંડલ પર તમે વાંચી શકો છો...