ઘર છૂટ્યાની વેળા - 23 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા - 23

ભાગ ૨૩

કોલેજના ગેટથી સામે કાર ઊભી રહી. કૉલેજ સામે જ એક કોફી શોપ હતું. ડ્રાઈવરને સાંજે કૉલેજ લેવા આવવા માટેનું કહી અને મોકલી દીધો. હજુ કૉલેજ શરૂ થઈ નહોતી. વરુણ કોફીશોપ આગળ આવ્યો. ત્યાંથી કોલેજમાં અવર જવર કરતાં બધા સ્ટુડન્ટ દેખાઈ રહ્યા હતા, એક સેન્ડવિચ અને કોફી ઓર્ડર કરી અને જે ટેબલ ઉપરથી નજર રાખી શકાય એજ ટેબલ ઉપર જઈને બેસી ગયો.

થોડા સમય બાદ કોલેજ સ્ટુડન્ટની અવર જવર ચાલુ થઈ ગઈ. વરુણની નજર રાધિકાને શોધી રહી હતી, ક્યારેક કોઈ ઇન્ડિયન છોકરીને દૂરથી આવતા જોઈ લાગતું કે રાધિકા છે, પણ એ ચહેરો જ્યારે ચોખ્ખો દેખાય ત્યારે નિરાશા જ મળતી. પણ વરુણને આશા હતી કે રાધિકા એને મળશે જ એટલે તે પુરી હિંમતથી રાહ જોઈ રહ્યો હતો.

બપોર થવા આવી પણ રાધિકા દેખાઈ નહિ, પણ હજુ વરુણની આશા જીવંત હતી, તેની નજર કોલેજના દરવાજા સામે જ હતી. સાંજ થવા આવી અને ટેક્ષી પણ વરુણને લેવા માટે પાછી આવી ગઈ. પણ રાધિકા હજુ દેખાઈ નહોતી. કોલેજ પણ બંધ થવા આવી. વરુણ થોડો નિરાશ થયો, તેને મનમાં એમ પણ થયું કે કદાચ રાધિકાએ કોલેજનું ખોટું નામ આપ્યું હોય તો ? પણ પછી વિચાર્યું કે એ કોલેજનું ખોટું નામ શું કામ આપી શકે ? આજે એને રજા રાખી હશે એમ માની તે હોટેલ ઉપર જવા રવાના થયો.

રાત્રે જમવાનું પણ મન ના થયું, રોહન સાથે દિવસ દરમિયાન જે કર્યું તેની વાત કરી અને બીજા દિવસે રાધિકા મળશે એ આશા સાથે સુઈ ગયો.

બીજા દિવસે ટેક્ષી ડ્રાઈવરને રવાના કરી એજ કોફીશોપની એજ ખુરશી ઉપર આવી બેસી ગયો. આજે તો વરુણને આશા હતી કે રાધિકા દેખાઈ જશે, સમય પસાર થતો ગયો પણ નિરાશા સિવાય કંઈ જ ના મળ્યું. પણ વરુણની ધીરજ ખૂટવાનું નામ નહોતી લેતી, દિવસ પૂરો થવા આવ્યો અને મનને મનાવી હોટેલ પાછો ફર્યો.

ત્રીજા દિવસે પણ વરુણ સવારે આવી તેની નિશ્ચિત થઈ ગયેલી જગ્યા ઉપર ગોઠવાઈ નરજને કોલેજ સામે રાખી બેસી ગયો. બપોર સુધી પણ નિરાશા જ મળી, વરુણને મનમાં થયું કે રાધિકા કદાચ તેની નજરમાં ના આવતી હોય અને કોલેજની અંદર ક્યાંક હોઈ શકે, માટે કૉલેજમાં જાતે જ જઈ અને જોઈ આવવાનું વિચાર્યું, મનમાં થયું પણ ખરું કે રાધિકા જો તેને કૉલેજમાં જોઈ જશે તો શું જવાબ આપશે ? પણ આમ બેસી રહીને તો કઈ મળતું નથી, માટે જે થશે એ જોયું જશે એમ વિચારી પોતાના પગને કૉલેજની અંદર લઈ જવા માટે ઉપાડ્યા. કોઈને પૂછી પણ શકાય એમ હતું નહીં. એટલે જાતે જ કૉલેજમાં ફરી અને જોઈ લેવાનું વિચાર્યું.

ઘણીવાર સુધી કૉલેજમાં આમતેમ ફર્યો પણ કઈ હાથ લાગ્યું નહીં, અને નિરાશ થઈને બહારની તરફ આવવા જતો હતો ત્યારે જ એક ભારતીય અવાજે તેને રોકી લીધો. પાછળ ફરીને જોયું તો બે ભારતીય કૉલેજીયન વાતો કરી રહ્યાં હતાં, તેમની વાતોમાં કેટલાક શબ્દો અંગ્રેજી અને કેટલાક હિન્દીમાં આવતા હતાં. તે લોકો પરીક્ષા વિશે નોટિસ બોર્ડમાં બેઠક વ્યવસ્થાનું લિસ્ટ મુકાયું છે તેની વાત કરી રહ્યા હતાં. અચાનક વરુણને વિચાર આવ્યો "જો રાધિકા આજ કોલેજમાં હશે તો એનું પણ નામ લિસ્ટમાં હશે જ."

વરુણે એ છોકરાઓને નોટિસ બોર્ડ કઈ તરફ છે એ પૂછી અને એ તરફ ઉતાવળો ચાલવા લાગ્યો. નોટિસ બોર્ડ પાસે ભીડ જામેલી હતી, થોડે દૂર ઉભા રહીને પહેલા તો વરુણે એ જોયું કે એ ભીડમાં રાધિકા તો છે નહીં ને ? પણ એ ના દેખાતા નોટિસ બોર્ડ પાસે પહોંચ્યો, સિરીઝ પ્રમાણે નામ ગોઠવેલા હતાં, એ યાદી માંથી વરુણને એક આશાનું કિરણ નજરે ચઢ્યું, રાધિકાનું નામ એ લિસ્ટ માંથી મળી આવ્યું. અને એક હાશકારો અનુભવી કોલેજની બહાર નીકળ્યો. હવે તેની આશા વધુ બંધાઈ અને લાગ્યું કે રાધિકા આજ કૉલેજમાં છે અને તે બહુ જલ્દી જ મળી જશે.

ત્રીજો દિવસ પણ પૂરો થવા આવ્યો, રાધિકા કૉલેજ આવી નહીં, મનને મનાવી તે હોટેલ પાછો ગયો, રાત્રે રોહનને બધી વાત કરી, રોહને તેને કહ્યું "ભલે તે હમણાં નહિ આવે પણ પરીક્ષામાં તો જરૂર આવશે." રાધિકાનું નામ લિસ્ટમાં જોઈ વરુણ પરીક્ષાની તારીખ જોવાનું ભૂલી ગયો હતો. તેને રોહનની વાત પણ યોગ્ય લાગી. વરુણે રોહન સાથે થોડીવાર સરસ્વતી અને અવંતિકાની વાતો કરી પછી સુઈ ગયો.

રોહન પણ વરુણ સાથે વાત કરી અને કૉલેજ પહોંચ્યો. વરુણ હવે થોડા જ દિવસમાં પાછો આવવાનો છે અને રાધિકાની કોલેજની પાક્કી માહિતી મળતા રોહનને વરુણની ચિંતા થોડી ઓછી થઈ હતી. સરસ્વતી અને અવંતિકાને પણ વરુણ વિશે બધું જણાવ્યું.

કોલેજ છૂટ્યા બાદ અવંતિકા અને રોહન મેદાનમાં રોજ થોડીવાર બેસતા. ક્યારેક કેન્ટીનમાં કે ક્યારેક લાઇબ્રેરીમાં પણ સાથે જ હોય. આજે મેદાનમાં બેસી અને આવનાર કોલેજના એન્યુઅલ ડે વિશે ચર્ચા કરી રહ્યા હતા.

અવંતિકા : "રોહન, કૉલેજના એન્યુઅલ ડેમાં તું કઈક કરને !!

રોહન : "હું શું કરું એમાં ? ના મને ડાન્સ આવડે છે ના સિંગર જેવો મારો આવાજ છે."

અવંતિકા : "મારી તને સ્ટેજ ઉપર જોવાની ઈચ્છા છે, તારા માટે પડતી તાળીઓ મારે સાંભળવી છે."

રોહન : (થોડું હસી ને) "પગલી... એ બધું ફિલ્મોમાં સારું લાગે, અને હું કઈ ફિલ્મી હીરો નથી તો આ બધું કરી શકું. હું એક સામાન્ય માણસ છું."

અવંતિકા : "ભલે તું ફિલ્મનો હીરો નથી, પણ મારા માટે તું એક હીરો જ છે. આતો મને સહેજ વિચાર આવ્યો એટલે તને કહ્યું. પરફોર્મન્સ કરવું ના કરવું તારી મરજીની વાત છે. તું ભાગ લઈશ કે નહીં લઉં મારો પ્રેમ ઓછો થવાનો નથી."

અવંતિકાને બોલતી સાંભળી રોહનને અવંતિકા ઉપર વધુ પ્રેમ આવી ગયો, બન્ને એક બીજાની આંખોમાં આંખો પરોવી મીઠું સ્મિત રેલાવવા લાગ્યા, અવંતિકાની આંખો શરમથી થોડી ઝૂકી પણ ગઈ. અવંતિકાનો પ્રેમ જોઈ રોહને કહ્યું :

"હજુ એન્યુઅલ ડેમાં બે મહિના જેટલો સમય બાકી છે, અને ત્યાં સુધી હું કંઈક તૈયાર કરી લઈશ બસ."

રોહનને જવાબ સાંભળી અવંતિકા ખુશ થઈ ગઈ. મેદાન સિવાય કોઈ બીજું સ્થળ હોત જ્યાં બંને એકલા જ હોત તો અવંતિકા રોહનને ગળે લાગવી લેતી. પણ પોતાના અરમાનોને દિલમાં દબાવી રોહનનો હાથ પકડી "આઈ લવ યુ રોહન" બોલી શકી.

રોહન : "હું તારી ખુશી માટે કઈ પણ કરીશ."

થોડીવાર સુધી બંને મેદાનમાં બેઠાં, પછી અવંતિકા પોતાના ઘર તરફ જવા નીકળી અને રોહન દુકાન ઉપર.

અવંતિકાને કહી તો દીધું કે તે કઈક કરશે પણ શું કરશે તેને ખુદને ખબર નહોતી. દુકાને પણ એજ વિચાર તેને સતાવ્યા કરતો હતો.કોઈની મદદ પણ લઈ શકાય એમ નહોતું. વરુણ પણ અમેરિકા છે અને તે પણ હમણાં એની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે તો એને પણ કહેવાય એમ નહોતું. બીજા કોઈ ખાસ મિત્રો પણ બનાવ્યા નહોતા જેનું માર્ગદર્શન લઈ શકાય. તેને અવંતિકાને જ પૂછવાનું યોગ્ય લાગ્યું, કદાચ કોઈ બીજા પાસે તે માર્ગદર્શન લે અને ડાન્સ કે કોઈ ગીત રજૂ કરે અને અવંતિકાને ના પણ ગમે એટલે એને જ પૂછીને કંઈક કરીશ તો અવંતીકાને પણ ગમશે. રાત્રે જ અવંતિકા સાથે વાત કરી અને નક્કી કરવાનું વિચારી પોતાના કામ માં લાગી ગયો.

આ તરફ વરુણ સવારે રોજની જેમ ટેક્ષીમાં કોલેજ પહોંચ્યો, થોડીવાર તો કોફીશોપમાં બેસી રાધિકાની રાહ જોઈ, અને મોડા સુધી એ ના દેખાતા કોલેજની અંદર નોટિસ બોર્ડ પાસે પહોંચ્યો. પરીક્ષાની તારીખ વિસ દિવસ પછીની હતી, અને તેની પાસે હવે માત્ર અગિયાર દિવસ જ બાકી રહ્યાં હતાં. તેને બહાર નીકળી અને ટ્રાવેલ એજેન્ટને ફોન લાગાવ્યો.

વરુણ : "હેલ્લો, સંદીપભાઈ."

સંદીપ (ટ્રાવેલ એજન્ટ) : "હા, બોલો વરુણ સર. કેવી ચાલે છે તમારી યુ.એસ.એ. ટ્રીપ ? કોઈ તકલીફ તો નથી થઈ રહી ને ?"

વરુણ : "ના, કોઈ તકલીફ નથી. પણ મારે આપનું થોડું કામ છે, એટલે મારે બીન સમયે ફોન કરી આપને ડિસ્ટર્બ કરવા પડ્યા."

સંદીપ : "ના ના સર, આજ તો અમારું કામ છે, અને અમારા મોટાભાગના કસ્ટમર ફોરેન ટુર ઉપર જ હોય એટલે અમારા માટે તો રાત્રી એજ દિવસ. બોલો આપને શું કામ હતું ?"

વરુણ : "મારે પંદર દિવસના વિઝા વધારવા છે, હું હજુ થોડો વધુ સમય અહીંયા રોકાવવા માંગુ છું."

સંદીપ : "સોરી સર. તમારા વિઝા વધી શકે એમ નથી, કારણ કે તમારા વિઝીટર વિઝા એક જ મહિનાના છે, અને અમેરિકન એમ્બેસીના રુલ્સ થોડા ટફ છે માટે પ્રયત્ન કરીશું તો પણ કઈ નહીં થઈ શકે. તમારા એક મહિનાના વિઝા લેવા પણ મુશ્કેલ હતાં છતાં તમારું ફેમેલી બેકગ્રાઉન્ડ અને બિઝનેશ ના આધારે તમને વિઝા મળી ગયા. પણ હવે વધારવા ના 99% કોઈ ચાન્સ નહિ મળે."

વરુણ : "તમે ટ્રાય તો કરો, થોડા પૈસા વધુ થાય તો પણ હું ખર્ચી નાખીશ પણ તમે કંઈક રસ્તો કરો."

સંદીપ : "પૈસા આપતા પણ આ થઈ શકે તેમ નથી. ગયા મહિને જ મારા એક કલાયેન્ટને આ પ્રોબ્લેમ આવ્યો હતો અને મેં ટ્રાય પણ કર્યો પણ કઈ થયું નહિ."

વરુણ : "તો શું હવે કોઈ જ રસ્તો નથી ?"

સંદીપ : "મારા ધ્યાન મુજબ તો કોઈ રસ્તો નથી, ઘણાં લોકો આવી રીતે ઇન્ડિયા થી યુ.એસ.એ. વિઝીટર વિઝા લઈ જાય છે અને ત્યાંથી પછી પાછા નથી ફરતાં જેના કારણે ત્યાંની ગવર્મેન્ટ હવે સ્ટ્રીક થઈ ગઈ છે. તમારી મુદત પૂરી થતાં જો તમે પાછા ના ફરો અને ત્યાંની પોલીસના હાથમાં લાગી જાવ તો તમારો પાસપોર્ટ પણ જપ્ત થઈ શકે છે અને જેલ પણ થઈ શકે છે. એટલે હું તમને પણ એજ સલાહ આપીશ કે તમે તમારી સમય મર્યાદામાં ઇન્ડિયા આવી જાવ તો જ સારું રહેશે."

વરુણ : "ઓકે. નો પ્રોબેલ્મ, મારે પણ ગેરકાયદેસર અહીંયા રહેવાનો કોઈ ઈરાદો નથી, આ તો જો લીગલી થઈ શકતું હોય એટલે તમારું માર્ગદર્શન મેં લીધું."

સંદીપ : "સાચું માર્ગદર્શન આપવું તો અમારું કામ છે સર. અને તમે ચાહો તો થોડો ટાઈમ ઇન્ડિયા રહી અને પછી એપ્લાય કરી શકો છો, પાછા યુ.એસ.એ. જવા માટે."

વરુણ : "જોઉં ચાલો ને. હજુ મારી પાસે દસ દિવસનો સમય છે, આશા રાખીશ હું જે કામથી આવ્યો છું એ પૂર્ણ થઈ જાય. તો બીજીવાર યુ.એસ.એ. આવવાની જરૂર ના રહે. અને આવવાનું થશે બીજીવાર તો તમારી જ મદદ લઈશ."

સંદીપ : "શ્યોર સર. તમે ગમે તે સમયે મને કોલ કરી શકો છો. બીજી કોઈ તકલીફ હોય તો જણાવો."

વરુણ : "ના બીજી કોઈ જ તકલીફ નથી. હોટેલ પણ ઘણી સારી છે. થેન્ક્સ. આટલી મોડી રાત્રે પણ મારા માટે સમય કાઢવા માટે."

સંદીપ : "it's my work sir."

વરુણ : "ચાલો ત્યારે બાય સંદીપભાઈ."

સંદીપ : "બાય."

વિઝા વધી શકે એમ હતું નહીં. માટે આ દસ દિવસમાં જ રાધિકા સુધી ગમે તેમ કરી પહોંચવાનું હતું. દિવસ આખો પૂરો થયો પણ રાધિકા કોલેજ આવી જ નહીં. નિરાશ થઈને રોજની જેમ જ વરુણને હોટેલ પાછા ફરવું પડ્યું.

રોહને પણ ઘરે આવી પોતાનું કામ પૂરું કરી અને અવંતિકાને મેસેજ કર્યો.

રોહન : "અવંતિકા, મેં તને તો કહી દીધું, કે હું કંઈક કરીશ એન્યુઅલ ડે માં પણ શું કરીશ એ મને ખુદ ને જ ખબર નથી પડતી."

અવંતિકા : "મને પણ કઈ આઈડિયા નથી આવતો કે તું શું કરીશ, અને રોહન ભાગ લેવો જરૂરી નથી, જો ના થઇ શકે તો આપણે કઈ નથી કરવું, જોવાની મઝા માણીશું."

રોહન : "ના, મારે કંઈક તો કરવું જ છે, ભલે હું ત્યાં બેઠેલા બધાને ખુશ ના કરી શકું, પણ મારે તને ખુશ કરવી છે."

અવંતિકા : "રોહને તું કઈ લખને ! તે તો ઘણાં પુસ્તકો વાંચી લીધા છે, તો તું કઈ પોતાનું લખી અને રજૂ કરી શકે છે ને !"

રોહન : "હા, એ વિચાર સારો છે. પણ ક્યાં વિષય ઉપર લખવું એ પ્રશ્ન પાછો આવીને ઉભો રહ્યો."

અવંતિકા : "પ્રેમ વિશે લખ તું. કૉલેજમાં બધાને ગમશે જ. કારણ કે કૉલેજ સ્ટુડન્ટને પ્રેમ જેવા વિષયમાં વધારે રસ હોય છે."

રોહન : "એ મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જ્યારથી તું મળી છે ત્યારથી હું પ્રેમમાં છું. અને આટલા ઓછા સમયનો અનુભવ હું કેવી રીતે વર્ણવી શકું ?"

અવંતિકા : "જો એના માટે એક રસ્તો છે, તું મને પ્રેમ કરે છે, અને તું મારી સાથે જ આખી લાઈફ વિતાવવા માંગે છે. અત્યારે આપણે એકબીજાને પ્રેમ કરીયે છીએ, ભવિષ્યમાં સાથે હોઈશું તો એકબીજાને કેવો પ્રેમ કરતા હોઈશું ? શું આજ પ્રેમ જીવનભર ટકી રહેશે ? એવું વિચારી અને કંઈક લખી નાખ."

રોહન : "હું પ્રયત્ન કરીશ."

અવંતિકા : "રોહન તું કરી શકીશ. અને હા ભગત બનીને આવું ના વિચારતો, એક પ્રેમી બનીને વિચારો કરજે તો બહુ સારું લખી શકીશ."

અવંતિકા એ એટલું લખી થોડા હસવાના ઇમોજી મોકલ્યા જવાબમાં રોહને પણ હસવાના ઇમોજી મોકલ્યા. થોડીવાર વાતો કરી એકબીજાને પ્રેમભર્યા શબ્દો કહી સુઈ ગયા.

વરુણ પાસે હવે દિવસો બહુ જ ઓછા રહ્યાં હતાં, બીજા પાંચ દિવસ પણ કોલેજની બહાર રાહ જોવામાં નીકળી ગયા પણ રાધિકા કૉલેજ આવી જ નહીં. હવે માત્ર પાંચ દિવસ જ બચ્યા હતાં. પચ્ચીસ દિવસથી જેને શોધવા માટે વરુણ ભારતથી અમેરિકા સુધીની સફર ખેડીને આવ્યો હતો તે રાધિકાનું કોલેજના નામ સિવાય તેને કઈ મળ્યું નહોતું,

પચ્ચીસમાં દિવસની એ સાંજે કૉલેજથી પાછા ફરતાં હોટેલથી પાંચ કિલોમીટર દૂર વરુણે ટેક્ષીને ઊભી રખાવી. ટેક્ષી ડ્રાઈવરને ત્યાંથી રવાના કરી અને ચાલતો હોટેલ તરફ જવા નીકળ્યો. છેલ્લા કેટલાય દિવસથી એક જ રસ્તે પસાર થતાં હોવાના કારણે રસ્તો યાદ રહી ગયો હતો. પગમાં પણ હવે હિંમત રહી નહોતી. છતાં ઉદાસ આંખો લઈ વોશિંગ્ટનના રસ્તા ઉપર ધીમે ધીમે ચાલવા લાગ્યો. અંધારું થવા લાગ્યું, અને વોશિંગ્ટનની સડકો અને તેની આજુબાજુની દુકાનો લાઈટથી પ્રકાશિત થવા લાગી. દિવસ કરતાં પણ ત્યાંની રાતો રંગીન લાગતી હતી.પચ્ચીસ દિવસથી વરુણ અહીંયા હોવા છતાં રાધિકાને શોધવામાં આ શહેરને બરાબર જોયું જ નહોતું, અને આજે જ્યારે એ આ રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને કઈ ગમી રહ્યું નહોતું.

રોડક્રોસ કરવા માટે વરુણ એક સિગ્નલ પાસે આવીને ઊભો રહ્યો. ત્યાં એક સ્પોર્ટ્સ કાર થોડે દુર સિગ્નલ ખુલવાની રાહ જોઇને ઊભી હતી. ખુલ્લા માથાવાળી એ કારમાં બે છોકરીઓ અને બે છોકરાઓ હતા. સિગ્નલ ખુલવામાં દસ સેકેન્ડનો સમય બાકી હતો. વરુણે પહેલાં તો એ છોકરા છોકરી તરફ બહુ ધ્યાન ના આપ્યું, પણ સિગ્નલ ઉપર પાંચ સેકેન્ડ બતાવતા કારમાં બેઠેલા એ ચાર જણ મોટેથી કાઉન્ટ કરવા લાગ્યા.. ફાઈવ.. ફોર..થ્રી.. ત્યારે ત્યાં ઊભેલા મોટાભાગના લોકોની નજર એ કાર ઉપર મંડાઈ એ સાથે વરુણે પણ એ તરફ નજર નાખી અને ત્યારે તેના હોશ ઊડી ગયા. એ બે છોકરીમાં એક છોકરી રાધિકા જેવી જ દેખાઈ. સિગ્નલ પર એક અવતાની સાથે જ એ ચાર જણ જોરથી બુ..મ.. બોલતા ત્યાંથી નીકળ્યા પણ વરુણને માનવામાં જ ના આવ્યું કે એ રાધિકા હોઈ શકે. એ કારની પાછળ વરુણ ખા.તરી કરવા માટે દોડવા લાગ્યો. પણ કારની સ્પીડ અને વરુણના દોડવાની સ્પીડમાં ઘણું અંતર હતું, છતાં પણ જે દિશામાં કાર ગઈ હતી એ જ દિશા તરફ વરુણ દોડતો રહ્યો. દૂર સુધી એ કાર ક્યાંય દેખાતી નહોતી છતાં વરુણ પોતાની બધી જ તાકાત લાગવી દોડી રહ્યો હતો.

દોડતા દોડતા વરુણના મગજમાં વિચારો ચાલી રહ્યાં હતાં કે "શું આ રાધિકા જ હતી ? ઇન્ડિયામાં તો રાધિકાનું આ રૂપ ક્યારેય જોવા મળ્યું નહોતું, ના એ ક્યારેય આવી રીતે ઊંચા અવાજે બોલતી.પણ પચ્ચીસ દિવસ સુધી એક કોલેજ સિવાય મને એના વિશે કઈ જ ખબર નથી પડી, અને આજે આંખો સામે એના જેવો ચહેરો આવ્યો , કદાચ આજ ઈશ્વરનો કોઈ સંકેત હશે." એવું વિચારી દોડવા લાગ્યો.

હાંફતો હાંફતો તે એક જગ્યા ઉપર ઊભો રહ્યો, જે કારમાં તેણે રાધિકા જેવો ચહેરો જોયો હતો એ કાર એક ઠેકાણે પાર્ક કરેલી જોવા મળી. કારમાં કોઇ હતું નહીં. કારની સામે એક ક્લબ હતો. થોડો શ્વાસ લઈ એ લોકો કલબની અંદર ગયા હશે એમ માની વરુણ અંદર દાખલ થયો..

વધુ આવતા અંકે..

નીરવ પટેલ "શ્યામ"