ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 26 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 26

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૨૬

ટર્નિંગ પૉઇન્ટ

બીજા દિવસની સવાર પરી માટે અને રૂપા માટે ખૂબ બિઝી રહી. અલયનાં ઘરવાળાં શિકાગોથી ૧૧ વાગે આવી જવાનાં હતાં. તે પહેલાં મેકઅપવાળા ૯ વાગે આવવાના હતા. અલયને સૂટ લાવવાનો હતો. ભારે કપડાં ઉપરાંત બૅન્કમાંથી લૉકર ખોલાવી દાગીના લાવવાના હતા. પરીને ક્યાંય છૂટા પડવું નહોતું એટલે અલય, અક્ષર અને રૂપા તે બધાં સાથે ફરતાં હતાં તેથી રઘવાટ વધતો હતો.

સવારે નાસ્તો કરવાના પણ હોશ નહોતા. અલયનાં મમ્મી અને કઝીનોનું ટોળું આવવાનું હતું. અને સેટ ઉપર પ્રેક્ટિસ ચાલુ હતી.. બધા સેટ ઉપર જ એક વાગે ભેગાં થવાનાં હતાં. પરીને ખિલખિલાટ હસતી જોવાનો મોકો આજે રૂપાને અને અક્ષરને મળ્યો હતો. પરી સંકોચાતી અને શરમાતી પણ અક્ષર તેની શરમને ધોઈ પીતો અને ગાતો –

‘મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા..ભૈયા રાજા બજાએગા બાજા....”

તાંબે એસ્ટેટ ફૂલોથી શણગારાઈ હતી. જેટલાં શૂટિંગ ચાલુ હતાં તે બધાંનો લંચ બ્રેક ૧ વાગે પડનારો હતો. સો કરતાં વધુ માણસોને કૅન્ટીનમાં જમવાનું હતું. ગોર મહારાજે મંત્રોચ્ચાર સાથે, જેવા અલયનાં મા આવ્યાં કે તરત પૂજન શરૂ કરાવી દીધુ હતું. નમણી પરી આવી ત્યારે અલયનાં ભાઈબહેનોએ ધમાલ ધમાલ કરી મૂકી..બરોબર ૧૨ અને ૩૦ના ટકોરે અલયે વીંટી આપી અને વીડિયો અને ફોટાના ઝબકારાઓએ સૌને જણાવી દીધું કે તાંબે મેન્શનની દીકરીનાં વિવાહ થઈ રહ્યાં છે. વડીલોને પગે લાગ્યાં અને વિવાહ સંપન્ન થયા. સદાશિવ, અક્ષર અને મેઘા થોડાં આર્દ્ર થયાં પણ એકના ટકોરે લંચ અપાયો...પૂના મિસળ, બટાકા પૌઆં, અને તીખી સેવ.. ગુલાબજાંબુ અને કાલા જામ પીરસાયાં. અમેરિકન પદ્ધતિએ વરવધુનાં રજિસ્ટર્ડ મૅરેજ થયાં અને પહેલું વિધિવત ચુંબન અપાયું–લેવાયું.

પદ્મજા ફોઈ આનંદમાં હતાં. એકના ટકોરે તો સેટ ઉપર બધાં હતાં..

હૉલ ઉપર સગાંવહાલાં અને વરવધુ હતાં.. હિંદુ વિધિ અને અમેરિકન પદ્ધતિ – તાંબે પરિવારની ખાસિયત મુજબ – ખૂબ ધામધૂમથી છ કલાકના ટૂંકા ગાળામાં પ્રસંગ ઊજવાયો.

પ્રિયંકા મેમે અક્ષરને પ્રમોશન આપ્યું અને તે બે રોલ સાથે કરવાનો હતો. થોડી પૈસાની છૂટ પણ થતી હતી, જેમાં લગ્નની ખરીદી ચાલુ થઈ હતી. બેન્જામિનના રોલમાં રૂપા તેની સાથે ખીલતી અને બિનજરૂરી છૂટ લેવાતી ત્યારે પ્રિયંકા મેમ બગડતાં અને કહેતાં, રોલમાં તમે રીયલ લાઇફ લાવશો તો મારે રોલ ઘટાડી દેવો પડશે.. મારી વાર્તા તો સોલી અને ડૉલી ઉપર ચાલે છે. તેથી કથાવસ્તુને ન્યાય આપો. પરી હજી તેની હતાશામાંથી બહાર નહોતી આવી. અલય પણ તેને ભાઈની જેમ રમત રમતો લાગતો, ત્યારે તે ખૂબ જ રડતી.. અને એવાં બધાં દૃશ્યો પંડિત સતત લેતો.

આજે પદ્મજા ફોઈ અભિનય વિશે પરીને અને રૂપાને સમજાવતાં હતાં કે અભિનયને રીયલ લાઇફ સાથે જોડવામાં ફાયદા ઓછા અને નુકસાન વધુ છે. જેમ કે કૅમેરા ક્લિક થાય ત્યારે મનમાં સ્વિચ ઓન અને ઑફ થવી રહી. તરત પરીમાંથી સોલી બધી જ રીતે થવું રહ્યું. તારાં દૃશ્યો અલય સાથે ડૉક્ટર અને પેશન્ટનાં છે અને તું પ્રેયસીમાં તરત ફેરવાઈ જાય છે.. અને તે તને કૅમેરા સામે પ્રેયસી સમજી કોઈ પ્રતિભાવ ના આપે તો તે સમજી શકાય છે, પણ એને કારણે ડૉલીની ઇર્ષ્યા ના કરાય. અને અભિનેત્રી તરીકે તેની સરખામણી પણ ના કરાય..

“અલય તો સહેજ પણ મને લિફ્ટ નથી આપતો..જ્યારે રૂપા તો ભાઈને કેટલો બધો રિસ્પોન્સ આપે છે?”

પદ્મજા માથું ધુણાવતાં ધુણાવતાં બોલ્યાં, “કોઈ પણ સરખામણી કરવાને બદલે તને પ્રિયકા કહે તેટલું કામ જ કર અને મનને મજબૂત બનાવવા માંડ. સોલીનો રોલ તો બે મહિના જ છે પણ પતિપત્ની તો તમે આખું જીવન રહેવાનાં છો. સોલીનો રોલ અભિનેત્રી તરીકે તને તારી કારકિર્દીનો પહેલો પડાવ છે. જેટલી તું નબળી પડીશ તેટલી તારી જ નામોશી થશે. તું કથામાં પુરુષ છે પણ વાસ્તવમાં તો તું પણ સ્ત્રીના રોલમાં છે તેથી જેટલા ભાવોના ઉતારચઢાવ તારે જોવાના છે તેટલા રૂપાને નથી જોવાના. આ તારે માટે તક પણ છે અને કસોટી પણ...કારણ કે વાર્તામાં તારે ખલપાત્ર બનવાનું છે.”

“ફઈ! આપનો આભાર.. બહુ સમયસર અને સાચું માર્ગદર્શન આપ્યું.. સ્વીચને વાસ્તવિકતા અને ભવિષ્ય સાથે પણ જોડવાની છે.. અને નિષ્ફળતાના પડછાયામાંથી જો બહાર નહીં આવું તો તાંબે નહીં.”

“એક બીજી વાત સમજ. અભિનેત્રી તરીકે સફળ થવું કે નિષ્ફળ એ તારા હાથમાં નથી. તારું કામ જોઈને જનતા જનાર્દન એ નિર્ણય આપે છે. તેથી ફિલ્મ રિલીઝ થતાં જ એ પ્રોજેક્ટની બારી મનમાં બંધ થઈ જ જવી જોઈએ..જેમ તારી ફિલ્મો મુખ્ય સ્ક્રિપ્ટમાં લેવાઈ ગયા પછી એ ફિલ્મો તારી ન રહેતાં તે પ્રોજેક્ટના માલિકની થઈ જતી હોય છે તેમ જ..”

પરી સાંભળી રહી હતી. તેનું મગજ સ્વીચ ઉપર કેંદ્રિત હતું. જિંદગીભર સમજવા જેવું જ્ઞાન હતું..તે મનમાં બોલી, કાલ બન્ને નકામી છે. જે છે તે આજ છે, અને તેથી તો આજ છે..કિંમતી છે અને તેથી તે અમૂલ્ય ભેટ છે..પ્રેઝન્ટ છે. અક્ષર અને અલયની હાજરીને લીધે વાર્તા ઝડપથી આગળ વધી રહી હતી અને હવેની કહાણીમાં પ્રસંગો ઝડપથી ઉમેરાતા હતા. બેંજામિન અને પરેરા પોતપોતાના રોલને ન્યાય આપતા હતા. “સહિયર” ફિલ્મનું ફિલ્માંકન ધારેલા સમયે પૂરું થઈ ગયું.

પ્રિયંકા મેમે ત્રીજી વખત હાથ પછાડ્યો. ફિલ્મ રિલીઝ થતાં પહેલાં સેન્સર પછી પારસી કોમે બહિષ્કાર કર્યો અને હવે હલકી પ્રથા લેસ્બિયનને ઉત્તેજન આપે તેવાં દૃશ્યો હટાવો.. ખાસ તો બે બહેનોનું ચુંબંનદૃશ્ય કાઢી નાખો જેવી વાતો આવી.

અચાનક ટર્નિંગ પૉઇન્ટ બધાની જિંદગીમાં આવ્યો અને આવો ટર્નિંગ પૉઇન્ટ હંમેશાં લોસ એન્જેલસમાં જ આવતો હોય છે. પણ ડબ્બામાં ગયેલી આ ફિલ્મને અમેરિકાનો સર્વોચ્ચ ઓસ્કાર ઍવૉર્ડ મળ્યો.

રૂપા અને પરીને શ્રેષ્ઠ અદાકારાનો ઍવૉર્ડ મળ્યો અને અક્ષર અને અલયને સાઇડ રોલ માટે ઍવૉર્ડ મળ્યો..પ્રિયંકા મેમને સફળ દિગ્દર્શન અને લેખનનો ઍવૉર્ડ મળ્યો. મ્યુઝિક ડિરેક્ટર મનમોહન બાસુ અને આઠેઆઠ ગીતો પોપ્યુલારિટીના આંક આંબી ગયા. બે બહેનોનું યુગલગીત તો પ્લેટિનમ રૅકોર્ડને આંબી ગયું. અંગ્રેજીમાં ફિલ્માયેલ ગીત સમગ્ર વિશ્વમાં ગવાતું થઈ ગયેલું. ત્યાર પછી ભારતમાં ફિલ્મ એવી જબરજસ્ત ચાલી કે પ્રિયંકા મેમને પહેલી વખત રૅકોર્ડ કલેક્શન એક કરોડ મળ્યું.

આ ભાંજગડમાં નહીં પડેલા તાંબે અને રામઅવતાર લગ્નની તારીખો સામે આવતી જોઈ ગળાડૂબ તૈયારીમાં પડ્યા. ત્યારે રૂપા અને પરીએ એક વાંધો લીધો. આ રિસેપ્શનમાં તમારા મિત્રો અને સગાંવહાલાં કેમ? આ લગ્નમાં અમારા મિત્રો જ હોવા જોઈએ ને?

આ લગ્નનો ખર્ચો માબાપે શું કામ આપવાનો? અમારી પાસે પૈસા છે અને તે ખર્ચો અમે જ આપીશું. એટલે મહેમાન અમે નક્કી કરશું. જગ્યા અમે નક્કી કરશું અને વડીલોએ તો બસ અમને હગ કરવાના, આશીર્વાદ આપવાના અને ફક્કડ થઈને લગ્નમાં ફરવાનું.

મેઘા અને જાનકી તેવું નહોતાં માનતાં અને ધૂંધવાતાં હતાં..તેમની દલીલ એ હતી કે આટલાં વર્ષોથી જેટલા ચાંદલા કર્યા હતા તે પાછા લેવાનો આ સમય છે..રૂપા કહે, “જાનકી મા, થોડા હવે તમારા રિટાયર્મેન્ટ માટે તમે પૈસા બચાવો. પણ લગ્નનો ખર્ચો તો હું અને અક્ષર તથા પરી અને અલય જ કરશું. આ દલીલો લાંબા સમય સુધી ચાલી. આખરે તે દિવસ આવી ગયો જેનો વરસોથી રૂપા અને પરીને ઇંતજાર હતો. બે વરરાજાઓ અને બે વહુઓ બહુ ધામધૂમથી પરણી ઊતર્યાં..

સંપૂર્ણ