ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 25 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 25

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૨૫

અણવરિયણનું દાપું

અલય આવ્યો ત્યારે પરીને જોવાનો તરીકો તેને બદલાયેલો લાગ્યો. રૂપાનાં તો લગ્ન પણ જાહેર થઈ ગયાં અને હવે તો રૂપા તેની પહોંચ બહાર છે તે સમજાઈ જતાં પુખ્ત વલણ અપનાવાઈ રહ્યું હતું. પરીને હાય કહેતાં તેનું હાસ્ય તેના પરિવર્તનની ચાડી ખાતું હતું. પરી હવે ફોટોગ્રાફર નહોતી. તેની જેમ જ અભિનયના ક્ષેત્રે પ્રિયંકા મેમની શિષ્યા હતી. લીડ રોલમાં હતી. વળી રૂપા કરતાં એક કદમ આગળ વધીને તે તાંબે પરિવારની હતી. તેને એ યાદ હતું કે અક્ષરને અને પરીને થોડો સમય આપો એમ કહેલું હતું.

પ્રિયંકા મેમે પહેલી નજરે અલયને માપી લીધો હતો. તેની આંખોમાં પરી પ્રત્યે આદર હતો, અને તેઓ માનતાં કે આ સારી નિશાની છે. તાંબે મેન્શનમાં પ્રિયંકા મેમના ફ્લૅટની નજીક તેને ઉતારો મળ્યો હતો. તેમને પગે લાગ્યા પછી રૂમમાં જઈને ફ્રેશ થતી વખતે મનમાં સમજાય નહીં તેવી બેચેની લાગતી હતી. રાત ભર પરી હવે મળશે નહીં; કાલે સવારે સ્ક્રિપ્ટવાંચન વખતે કદાચ મળે.

ત્યાં ફોન આવ્યો. સાંજનું ડિનર અક્ષર અને પરી સાથે નીચે કૅન્ટીનમાં લેવાનું છે તો ફ્રૅશ થઈને નીચે આવો. તેને બહુ જ મન હતું કે રૂપા પણ તે લોકો સાથે હોય પણ તેણે તે ઇચ્છાને દાબી દીધી. પુખ્તતા હવે તેને કહેતી હતી, જિંદગીમાં આગળ વધવાનું હોય; પાછળ જોવાનું નહીં કે ભૂતકાળમાં રહેવાનું નહીં.

નીચે કૅન્ટીનમાં જ્યારે પહોંચ્યો ત્યારે પ્રિયંકા મેમ, પરી અને મેઘાઆંટી પણ જમવામાં સાથે હતાં.

ભોજન પિરસાતું હતું ત્યારે અક્ષર અને રૂપા પણ આવી પહોંચ્યાં. પ્રિયંકા મેમે બધાને રોલ પ્રમાણે સ્ક્રિપ્ટ આપી અને તાકીદ પણ કરી કે ભોજન પછી આપણે સ્ક્રિપ્ટવાંચન કરીશું. જો અલયને જૅટલેગ નહીં લાગતો હોય તો તે પણ શરૂઆતનાં દૃશ્યોમાં ભાગ લઈ શકે છે.

અલય કહે, “ના, હું પ્લેનમાં સારું એવું ઊંઘ્યો છું એટલે વાંધો નહીં આવે.”

પૂર્વભૂમિકા આપતાં કહ્યું, આ ફિલ્મ ખૂબ સફળ અને બૌધિક રીતે જેનો બુદ્ધિ આંક (આઇ ક્યૂ) હોય તેમને લાગતો રોગ છે. અને એવી બે જોડિયા બહેનો જેમના જન્મસમયમાં દસ મિનિટ મોટીબહેન સોલી અને નાનીબહેન ડૉલીની વાર્તા છે. પારસી માતાપિતાની આ છોકરીઓ ડાન્સ, સંગીત, સર્જન અને સ્ટેજ ઉપર ખૂબ જ સફળ છે. તેને પરિણામે બન્ને બહેનોને એકબીજા વિના બિલકુલ ચાલતું નથી. આ ખૂબ જ સફળતાએ તેમને સામાન્ય જનજીવનથી દૂર કરી દીધાં છે. સોલીનો રોલ પરી નિભાવે છે અને ડૉલી રૂપા છે. નાનપણથી સોલી મોટીબહેન હોવાનો હક્ક પુરુષ તરીકે નિભાવે છે જ્યારે ડૉલી સ્ત્રીના માળખામાં ગુંગળાય છે. બુદ્ધિમત્તાનો આંક બન્નેનો ખૂબ ઊંચો હોવાથી સામાન્ય નિર્ણયો લેવામાં સોલીને ડૉલી કાયમ મદદ કરતી..

વધતી ઉંમરે સોલી જે દાદાગીરી કરતી તે ડૉલી જો યોગ્ય હોય તો જ ગાંઠતી. તેવામાં પ્રશાંત બન્નેની જિંદગીમાં આવ્યો જે ડૉલીને ચાહતો હોય છે, સોલીને નહીં...તે બાબતે બન્ને બહેનોમાં વિખવાદ થાય છે અને સોલીનું અપમાન કરી તેઓની જિંદગીમાંથી જતો રહે છે. અને બન્ને બહેનો ડિપ્રેશનનો ભોગ બને છે.

૩૫ વર્ષનો ડૉ. જિપ્સી પરેરા સાયકોલૉજિસ્ટ તરીકે બન્ને બહેનોની જિંદગીમાં આવે છે જે બન્ને માટે કુમળી લાગણી ધરાવે છે. જ્યારે ડૉલી તેના મૅનેજર બેંજામિનની વાગ્દત્તા બનીને હીરાની અંગૂઠી પહેરી લે છે જે સોલીને નથી ગમતું. અને બન્ને બહેનો ફરી ઝઘડે છે. આ ઝઘડામાં બન્ને બહેનોનું ચુંબનદૃશ્ય ઝઘડાના અંતે આવે છે. સોલી માનસિક રીતે ડૉલી ઉપરનો હક્ક છોડતી નથી ત્યાં સુધી વિવિધ પ્રકારે કાવાદાવા ચાલે છે.

એક ઝઘડામાં કંટાળીને ડૉલી જિપ્સીને કહે છે, તું ડૉક્ટર છે પણ તેનો ઇલાજ કરતાં નથી આવડતો.. બી હસબંડ ફોર હર અને મારો જીવ છોડાવ. સોલી આ સાંભળે છે અને ડૉલી પ્રત્યેના તેના લગાવ બદલ આવું સૂચન આપતી બહેન માટે તિરસ્કાર કરે છે. બેન્ઝી આ તિરસ્કાર અને ગેરસમજ દૂર કરવા મથે છે જે દૂર થાય છે અને બન્ને બહેનોનાં એક જ માંડવે લગ્ન થાય છે.

આ કથા તો ડાન્સ સિક્વન્સને જાળવવા બોલકું માધ્યમ છે, અગત્યનો ભાગ છે. જરૂરી માત્રા કરતાં વધુ લગાવ એ રોગ છે તે સંદેશો સંગીત અને નાટ્યદૃશ્યો દ્વારા અપાય છે. આ ચલચિત્ર મોંઘું થવાનું છે કારણ કે આ પોષાકચિત્ર છે અને એક એક ડાન્સ લાંબા સમયની સફળતાની કહાણી છે. અને ખૂબ જ મોંઘા છે. છેલ્લા બે મહિનામાં ૮ નૃત્યો તો ફિલ્માવાઈ ગયાં છે. હવે કથાને આ એક મહિનામાં પૂરી કરવાની છે.

રૂપા પહેલી વખત બોલી, “બેન્ઝીનો રોલ અક્ષર કરે તો?”

અલયને પહેલી વખત લાગ્યું કે રૂપા તો અક્ષરના ગળાડૂબ પ્રેમમાં છે. તે મૂછમાં હસ્યો ત્યારે પ્રિયંકા મેમ બોલ્યાં, “અક્ષર પાસે ટાઇમ છે? તેની રેસિડન્સી સંભાળશે કે ઍક્ટિંગ કરશે?”

“મેં હૉસ્પિટલમાં સેકંડ શિફ્ટ લીધી છે. એટલે પહેલી શિફ્ટમાં લંચ સુધી હું કામ કરી શકીશ. અને બે મહિનાનો તો સવાલ છે.”

પ્રિયંકા મેમ બોલ્યાં, “ભલે વિચારીને કાલે જણાવીશ.”

રાતના દસ વાગી રહ્યા હતા. છૂટા પડતી વેળાએ અક્ષરને અલયે કહ્યું, “પરીને વાંધો ના હોય તો તમે બધાં ઉપર કૉફી પીવા આવો ને.”

“પરી તો મોમ સાથે ઘરે જશે. હું, રૂપા અને પ્રિયંકા મેમ સાથે આવીએ?”

મેઘામા કહે, “કૉફી તો મારે પણ પીવી છે. બધાં જ જઈએ.”

અક્ષર કહે, “મોમ, સમજા કરો. અલયને પરી સાથે વાત કરવી છે.”

“હા, તો ભલે ને કરે. આપણા બધાંની હાજરીમાં કરે ને?” પ્રિયંકા મેમે મમરો મૂક્યો એટલે બધાં અલયના રૂમ તરફ ગયાં. કૅન્ટીનમાંથી કૉફી અને સાદાં બિસ્કિટ પણ ઓર્ડર થયાં.

અલયે બધાંને રૂમમાં બેસાડ્યાં.

અને ગજવામાંથી હીરાની વીંટી કાઢીને પરીને ધરી અને બોલ્યો, “પરી તું મારી બનીશ?”

બધાં પરી સામે જોઈ રહ્યાં.. પરી કહે, “હા હું તારી બનીશ.”

તાળીઓના ગડગડાટે આખું તાંબે મેન્શન ભરાઈ ગયું.

“મારા આ નિર્ણયમાં મારાં મા જેવાં પ્રિયંકા મેમનો હુકમ હતો. આ રોલ નાનો હતો જે મોટો થયો તેમાં અક્ષરનો હાથ હતો.”

ફોન ઉપર સદાશિવ તાંબે, રામઅવતાર અને જાનકી માને બોલાવ્યાં. આખુ યુનિટ ભેગું થઈ ગયું. અલયે શિકાગોમાં તેની માને ફોન કર્યો અને પરી સાથેના વિવાહના સમાચાર આપ્યા. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આશીર્વાદ મેળવ્યા.

સદાશિવ તાંબેએ આવીને આશીર્વાદ આપતાં કહ્યું કે “બન્ને ભાઈબહેન એક જ દિવસે પરણશે.”

અક્ષર બોલ્યો, “પરી, મેં કહ્યું હતું ને, અણવરિયણનું દાપું તને તારો પ્રથમ પ્રેમ જ આપીશ.”

સદાશિવ તાંબે પેંડા અને જાનકીમા આઇસક્રીમ લાવ્યા હતાં. પદ્મજા ફઈ પણ રાજીનાં રેડ હતાં.

પરીના મોં ઉપર અદભુત આનંદ હતો. પંડિત ત્યાં જ હતો પણ ફોટા પાડવાની યોજના આવતી કાલ ઉપર મુલતવી રહી. જ્યારે સરખો ડ્રેસ અને રિંગ સેરીમની સરખી રીતે કરવાનું આયોજન થયું.

અલયનાં ઘરવાળાં પણ આવતી કાલે શિકાગોથી આવવાનાં છે. પરીને તેનો સાહ્યબો મળ્યો રૂપાના સાહ્યબાથી..બન્ને સખીઓ આનંદમાં ઝૂમતી હતી અને ગાતી હતી –

મેં તો ભૂલ ચલી બાબુલકા દેશ

પિયાકા ઘર પ્યારા લગે..

***