મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 26 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 26

ડાભી ઝાલાની કૅબિનમાં પ્રવેશ્યા ત્યારે ઝાલા પેનને આંગળી તથા અંગૂઠા વચ્ચે પકડીને લોલકની જેમ ફેરવી રહ્યા હતા. ડાભીને જોઈ તેઓ બોલ્યા, “મારી થિયરી ખોટી પડી છે. મને એમ કે હત્યારાએ આરવીની હત્યાને આત્મહત્યામાં ખપાવવા તેના કાંડા પર બ્લેડ મારી છે. પણ, આરવીને બ્લેડ મારનાર અને આરવીની હત્યા કરનાર બંને શખ્સ અલગ અલગ છે. દુર્ગાચરણને ખૂબ ધોયા પછી ય તેના જવાબો નથી બદલાયા તે સૂચવે છે કે તે યોજના સિવાય બીજું કંઈ જાણતો નથી. તે એ પણ નથી જાણતો કે તેણે મરેલી આરવીના કાંડા પર બ્લેડ મારી હતી. રૂમમાં છવાયેલું ઘેરું અંધારું અને વ્યક્તિ ઊંઘની ગોળીવાળું કોલ્ડ ડ્રિંક પીને સૂઈ રહી હશે એવી ધારણાના કારણે તેને આવી શંકા ન પડી.”

“હા સાહેબ. આરવી કોઈ અન્યને મારવા ઇચ્છતી હતી, પણ તેનું પોતાનું જ મર્ડર થઈ ગયું. ઇટ્સ અ મર્ડરર’સ્ મર્ડર... બંદૂકમાંથી છૂટેલી ગોળીએ 180 ડિગ્રીનો યુ-ટર્ન લઈ બંદૂક પકડનારને જ વીંધી નાખ્યો હોય એવું બન્યું છે.”

“જો મનીષાબેને પેલું સ્ટીકર ન બદલ્યું હોત તો બલર બંગલોમાં તે રાત્રે બે મર્ડર થયા હોત. એક આરવીનું અને બીજું આરવી જેનું મર્ડર કરવા ઇચ્છતી હતી તેનું...”

“પણ, હવે પ્રશ્ન એ થાય કે આરવી કોનું મર્ડર કરવા ઇચ્છતી હતી ? અને આરવીનું મર્ડર કોણે કર્યું ?”

“દુર્ગાચરણે પગથિયાં ચડી ઉપરના માળે જવાનું હતું, માટે આરવી જેની હત્યા કરાવવા માંગતી હતી તે વ્યક્તિ ઉપરના માળે રહેતી હોવી જોઈએ. હવે, ઉપરના માળે આરવી સિવાય મનીષાબેન, લલિત, અભિલાષા અને નિખિલ હતા. મતલબ, આરવી તે ચારમાંથી જ કોઈ એકની હત્યા કરાવવા માંગતી હતી.”

“અભિલાષાએ કહેલી વાતો પર વિચાર કરીએ તો તે રાત્રે આરવી કોઈ ઉદ્વેગમાં હતી. અભિલાષાએ ઉદ્વેગનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે તે બહુ મોટું પગલું ભરવાની છે, આખું ઘર ચોંકી જાય એટલું મોટું ! આવું કામ કરવા જઈ રહેલા માણસના મનમાં ઉદ્વેગ હોય એ સ્વાભાવિક છે. વળી, ઘરના સદસ્યની હત્યા કરવાથી મોટું પગલું બીજું શું હોઈ શકે ? એ સિવાય આરવીએ અભિલાષાને સૂવડાવીને સૂઈ જવાની વાત કરી હતી. અહીં, સૂવડાવીને સૂઈ જવાનો મતલબ શું થાય ? શું તે અભિલાષાની હત્યા થઈ ગયા પછી સૂઈ જવાની વાત કરતી હતી ?” ઘણાં લોકોને પ્રશ્ન પૂછીને હિન્ટ આપવાની આદત હોય છે, ડાભી તેમાંના એક હતા.

“શરૂઆતથી વિચાર કરીએ તો આરવીએ દુર્ગાચરણને કહ્યું હતું કે તેને જેના રૂમમાં જવાનું છે તે વ્યક્તિને આરવીએ એકલી પાડી દીધી હશે. હત્યાની રાત્રે આરવીએ અભિલાષાને એકલી પાડી દીધી હતી, તેણે લલિત અને નિખિલને ચાલાકીથી નિખિલના રૂમમાં મોકલી દીધા હતા. તેણે દુર્ગાચરણને એવું પણ કહ્યું હતું કે તેને જેની હત્યા કરવાની છે તે વ્યક્તિને તે ઊંઘની ગોળીઓ નાખેલું કોલ્ડ ડ્રિંક પિવડાવી દેશે. તે રાત્રે સવા અગિયારે, આરવી કોલ્ડ ડ્રિંકના ગ્લાસ લેવા નીચે ગઈ હતી અને તેને પાછા ફરતા ખાસ્સી વાર પણ લાગી હતી. કદાચ કોલ્ડ ડ્રિંકમાં ઊંઘની ગોળીઓ ઓગાળતા વાર લાગી હોય !”

“વળી, કોલ્ડ ડ્રિંક લઈને પગથિયાં ચડી રહેલી આરવીએ અભિલાષાને ટ્રે આપી ન્હોતી. કદાચ તેને ડર હતો કે ઊંઘની ગોળીવાળો ગ્લાસ બદલાઈ જશે. ઉપરાંત, કોલ્ડ ડ્રિંકના તે ખાલી ગ્લાસ પોલીસના હાથમાં ન આવી જાય એટલા માટે આરવીએ તેને રાત્રે જ ધોઈ નાખ્યા.” અડધું સુડોકુ ભરાયા પછી બાકીની જગ્યાઓ ફટાફટ પૂરાવા માંડે તેમ ઝાલા અને ડાભીને તાળા મળવા લાગ્યા.

“એમ તો દુર્ગાચરણે જે રૂમમાં ઘુસવાનું હતું તેની અંદર આરવી સંપૂર્ણ અંધારું કરી દેવાની હતી અને અભિલાષા સાડા બારે જાગી ત્યારે તેના રૂમમાં સંપૂર્ણ અંધારું હતું. એ સિવાય, દુર્ગાચરણને જે રૂમમાં પ્રવેશવાનું હતું તેના દરવાજા પર આરવી, નિશાનરૂપે રેડિયમવાળું દિલ લગાવવાની હતી જે તેણે અભિલાષાના દરવાજા પર લગાવ્યું હતું.”

“હા, અભિલાષાના દરવાજાના ડાઘ પાસે મનીષાબેન સિવાય ફક્ત આરવીની આંગળીઓના નિશાન મળ્યા છે. મનીષાબેનની આંગળીઓના નિશાન મળ્યા કારણ કે તેમણે તે દિલ ઉખેળ્યું હતું અને આરવીની આંગળીઓના નિશાન મળ્યા કારણ કે તેણે તે દિલ ચોંટાડ્યું હતું !”

“પણ ડાભી, અભિલાષાએ ઊંઘની ગોળીવાળું કોલ્ડ ડ્રિંક પીધું હતું તો તેની ઊંઘ કેમ ઊડી ગઈ ?” હાઇવે પર અચાનક બમ્પ આવે અને ઝડપથી દોડતી ગાડી એકદમ ધીમી પડી જાય તેમ અંકોડા મળવાની તેમની ગતિ પર અંકુશ આવ્યો. સ્થિર થવા જઈ રહેલા પાણીમાં ફરી ભમરી પેદા થઈ.

“તે કદાચ એટલા માટે કે કોલ્ડ ડ્રિંકના ગ્લાસ બદલાઈ ગયા હતા. મનીષાબેન માટે માથાની ગોળી લેવા ગયેલી આરવી ભૂલી ગઈ હતી કે તેણે કયા ગ્લાસમાં ઊંઘની ગોળીઓ ભેળવી છે.” ડાભીએ તર્ક કર્યો.

“આપ કહો છો તેમ થયું હોવાની પૂરી શક્યતા છે. આરવીનો હત્યારો પોતાનું કામ ચુપચાપ કરીને ચાલ્યો ગયો તેનું કારણ તે પણ હોઈ શકે છે. જોરદાર ઘેનના કારણે આરવી પ્રતિકાર, શોરબકોર કે ઝપાઝપી ન કરી શકી હોય એવું બની શકે. પણ તો, આરવીના હાથ પર ઇન્જેક્શન માર્યાનું નિશાન ક્યાંથી આવ્યું ? પીએમ રિપૉર્ટ વગર ચોક્કસ ખબર નહીં પડે કે તેણે મરતાં પહેલા નશાકારક દ્રવ્યનો ડોઝ લીધો હતો કે ઊંઘની ગોળીવાળું કોલ્ડ ડ્રિંક.”

“સાહેબ, મને હજુ એક પ્રશ્ન ગૂંચવી રહ્યો છે. આરવી, મનીષાબેને દિલની હેરાફેરી કરી લીધા પછી, એટલે કે અભિલાષાના સૂઈ ગયા પછી, સાડા અગિયાર પછી, પોતાના રૂમમાં ગઈ હોય. ત્યારે પોતાના રૂમનો દરવાજો ખોલતી વખતે તેનું ધ્યાન દરવાજા પર ચોંટેલા દિલ પર કેમ ન ગયું ? બંને દરવાજા પર ડાઘ એવી જગ્યાએ છે કે સામાન્ય માણસની નજર તેના પર પડ્યા વગર રહે જ નહીં. વળી, આરવીને સ્ટીકર દેખાયું હોય તો તે, તેને ત્યાંથી ઉખેળી ફરી અભિલાષાના દરવાજા પર લગાવી દે. પણ, એવું કંઈ થયું નથી.”

“આરવીની હત્યા કોણે કરી છે તે જાણવું અત્યારે એથીય અગત્યનું છે.”

થોડી વાર ચુપકીદી છવાઈ. ચુપકીદીનો ભંગ કરતા ડાભીએ ધીમેકથી કહ્યું, “આરવી પ્રેગનન્ટ હતી તે વાત લલિત જાણતો હતો. લલિત આ વાત, એક ડૉક્ટરના નાતે નહીં, પણ બાપના નાતે જાણતો હોય તો ? અને આ વાતની ખબર અભિલાષાને પડી જતા તેણે આરવીનું કાસળ કાઢી નાખ્યું હોય તો ?”

ઝાલા ‘હા’ કે ‘ના’ કંઈ બોલ્યા વગર બેસી રહ્યા.

“રામુને ઉઠાવવો છે ? બહારના માણસો ન જાણી શકે એવી ખટપટ અને સંબંધો વિશે ઘરઘાટી જાણતા હોય છે.”

ઝાલાએ આંખોથી સહમતી આપી. “પણ, સાવધાનીથી આગળ વધજો. અત્યારે એ વાત ગુપ્ત રાખજો કે આરવીએ ઘરના કોઈ સભ્યની હત્યા કરવાની યોજના બનાવી હતી.”

****

ડાભી બલર બંગલે પહોંચ્યા. સરકારી કાગળ કે ઑર્ડર વગર રામુને ઉઠાવી જવામાં મુત્સદ્દીપણું દાખવવું પડે એમ હતું.

છળના બળનું જ્ઞાન ધરાવતા ડાભીએ કળ વાપરી. આરવીનો હત્યારો પકડાઈ ગયો છે અને તે ‘દુર્ગાચરણ’ છે એવી માહિતી આપી તેમણે સૌને વિશ્વાસમાં લીધા. જોકે, આ આખી યોજના આરવીની હતી અને તે બલર પરિવારના કોઈ સભ્યની હત્યા કરાવવા ઇચ્છતી હતી એ વાત તેમણે છુપાવી રાખી. બાદમાં, તેઓ ખોટું બોલ્યા કે દુર્ગાચરણની કબૂલાત મુજબ આ ગુનામાં રામુની સંડોવણી છે.

કોઈ પણ વ્યક્તિ પર ફક્ત આરોપ લાગવાથી જ લોકો તેને આરોપી માની લેતા હોય છે ; ડાભીના ખોટા ખુલાસાથી બલર પરિવાર હચમચી ઊઠ્યો.

“સાહેબ, તે જૂઠું બોલે છે. હું નિર્દોષ છું, મેં કંઈ જ કર્યું નથી.” રામુ કરગરવા લાગ્યો.

પણ, વફાદાર નોકરના ઠગારા હોવાની વાત પર પરિવારને શંકા પડે તે પહેલા જ ડાભી તેને લઈ રવાના થયા.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)