શ્વેત ક્રાંતિ ના જનક : ડૉ. વર્ગીસ કુરિયન Amita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત ક્રાંતિ ના જનક : ડૉ. વર્ગીસ કુરિયન

શ્વેત ક્રાંતિ ના જનક : ડૉ. વર્ગીસ કુરિયન

એક અનોખા સ્વપ્નદ્રષ્ટા , વિશ્વ માં ઈતિહાસ રચનારા , મિલ્કમેન ઓફ ઇન્ડિયા, શ્વેત ક્રાંતિ ના જનક અને ભારત ની સૌથી મોટી મિલ્ક કંપની “અમૂલ” ના સંસ્થાપક વર્ગીસ કુરિયન એટલે ભારત દેશ નું ગૌરવ-રત્ન ! કદી કોઈ વિચારી ના શકે, તેવી અકલ્પનીય વિચારધારા, કુશાગ્ર બુધ્ધિ, અથાગ પરિશ્રમ અને ભારત ના અનેક ખેડૂતો ના સાથ ને સહકાર થી દેશ ને દૂધ ના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ માં પ્રથમ હરોળ માં મૂકનારા આદરણીય, ‘પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ ડૉ. કુરિયન આજે આપણી વચ્ચે હયાત નથી. પણ એમણે ડેરી ક્ષેત્રે લાવેલી ક્રાંતિ થી સફળતા નો સ્વાદ આજે અતુલ્ય “ અમૂલ” ની પ્રોડકટ ના ભાગ રૂપે ભારત ની એકેએક વ્યક્તિ માણી રહી છે. “ ઓપરેશન ફલડ “ ચલાવી ને ભારત માં દૂધ ની એવી ભરતી ઉભરાવી , કે દુનિયા ના નકશા માં અજાણ્યું “ આણંદ” ગામ દુનિયાભર માં “મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા” ના નામે જાણીતું થયું ને વિશ્વભર માં ભારત ની અપૂર્વ સિદ્ધિ નો સ્વીકાર થયો.

જીવન સંપૂર્ણતાથી જીવવા માટે , સામે આવેલા બધા જ પડકારો ઝીલવાના છે ને દરેક પડકાર માં કંઈક તક રહેલી છે , એમ માની આગળ વધનાર એ સ્વપ્નદ્રષ્ટા એ દૂધ ની અછત ધરાવતા આપણા ભારત ને વિશ્વમાં દૂધ ના ઉત્પાદન માં સૌથી પ્રથમ હરોળ માં મૂકી દીધું.પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે અનેક હોદ્દા સંભાળ્યા. ૧૯૫૦ થી ૧૯૭૩ ના વર્ષ સુધી “ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (અમૂલ), ૧૯૭૩ થી ૧૯૮૩ માં “ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન” ના સ્થાપક ને એમ. ડી. રહ્યાં. “એન.ડી.ડી.બી.” ના ચેરમેન તરીકે સેવાઓ આપી. “ઈરમા” ન ચેરમેન પદે રહ્યા . તે ઉપરાંત “નેશનલ કો-ઓપરેટીવ ડેરી ફેડરેશનઓફ ઇન્ડિયા “ ના ચેરમેન પદે પણ રહ્યાં. આ પદ ની ફરજ નિભાવતાં એમણે રાષ્ટ્ર ના ડેરીના ખેડૂતો તેમ જ ગ્રામીણ પ્રજા ની સેવા કરવા નું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. ડગલે ને પગલે સંઘર્ષ નો સામનો કરતાં કરતાં આ વામન વિચારધારા ને કઈ રીતે એ વિરાટ સ્વરૂપ સુધી લઇ ગયા, એ જાણવા એમના જીવન માં ઊંડા ઉતરવું જ પડે. તો ચાલો, આજે ભારત ને દુનિયા માં ગૌરવ અપાવી ને દેશ નું નામ રોશન કરનારા ડૉ. કુરિયને કઈ રીતે પોતાની બુધ્ધિ ને બળ થી આ ભગીરથ કાર્ય પાર પડ્યું , તે જાણીએ.

૧૯૨૧ માં ૨૬ મી નવેમ્બર ના રોજ કેરાલા ના કાલીકટ ગામ માં જન્મેલા વર્ગીસ ચાર ભાઈ-બહેનો માં નું ત્રીજું સંતાન હતા.પિતા બ્રિટીશ માં સર્જન-ડૉકટર હતા ને માતા કુશળ પિયાનોવાદક. નાનપણ થી તે ભણવામાં અત્યંત તેજસ્વી હતા. મદ્રાસ માં લોયોલા કોલેજ માંથી ફિજિક્સમાં બી.એસ.સી. કરી એન્જીનીયરીંગ કર્યું . નાની વયે ખુબ સંઘર્ષ એકલા વેઠવાને લીધે તેમને જીંદગી ના પ્રથમ સોપાન થી જ જાત પર આલંબન રાખવાના ને સ્વતંત્ર વિચાર ના બોધપાઠો મળી ગયા હતા. ભણવા સિવાય બીજી ઘણીબધી રમતો જેમ કે ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ, બોક્સીંગ વગેરે માં પણ તેઓ કોલેજ નું પ્રતિનિધિત્વ કરનાર કુશળ રમતવીર હતા. પિતા ના આકસ્મિક અવસાન બાદ ૨૨ વર્ષના કુરિયન ને તેમના મામા ફેમીલી સાથે થીસ્સુર લઇ ગયા. ઉચ્ચ અભ્યાસ બાદ તેમને ટીસ્કો માં નોકરી મળી, જ્યાં તેમના મામા ઉચ્ચ અધિકારી ના પણ ઉપરી થતા હતા. કામ માં ખુબ જ નિપુણ અને પ્રમોશન માટે બધી જ રીતે લાયક હોવા છતાં જયારે તેમને એમ લાગ્યું કે તેઓ નોકરી માં કુરિયન નહિ, માત્ર ઉચ્ચ અમલદાર ના ભાણેજ છે, ત્યારે તેમણે ઉચ્ચ અભ્યાસ માટે અંગ્રેજ સરકાર ની સ્કોલરશીપ માટે અરજી નાખી . બ્રિટીશ સરકારે જાહેર કરેલી યોજના મુજબ ૫૦૦ યુવાન ભારતીય નાગરિકો ને વિશિષ્ટ તાલીમ માટે પરદેશ મોકલવાના હતા, જેમાં તેમની પસંદગી થઇ. એમને ધાતુશાસ્ત્ર કે ફિજીક્સ માં શિષ્યવૃત્તિ જોઈતી હતી પણ ડેરી એન્જીન્યરીંગ માં આપવા માં આવી.

ટીસ્કો માં થી ગમે તેમ કરી ને છૂટવા એમણે આ શિષ્યવૃત્તિ નો સ્વીકાર કર્યો ને ૧૯૪૬ માં મીશીગન સ્ટેટ યુનિવર્સીટી માં ભણવા અમેરિકા ગયા . ત્યાં હરિચંદ દલાયા સાથે એમને સારી મિત્રતા થઇ.૧૯૪૮ માં તેઓ ભણી ને ભારત પાછાઆવ્યા ત્યારે દેશ આઝાદ થઇ ગયો હતો, દેશ ના ભાગલા પડી ગયા હતા અને તેમના મામા જોન મથાઈ નવા સ્વતંત્ર ભારત ના નાણામંત્રી બની ચુક્યા હતા.

લીલું ખમીસ, પીળું પાટલૂન ને લીલી ફેલ્ટ ની હેટ પહેરી ને બની ઠનીને શિક્ષણ ના અન્ડર સેક્રેટરીને મળવા ગયા, ત્યાં તેમને તેમની કર્મ-ભૂમિ “ આંણદ” નો ઓર્ડર પકડાવવા માં આવ્યો. તેમણે કહી દીધું કે અજાણી જગ્યા એ જવા માં મને જરાય રસ નથી. ત્યારે સેક્રેટરી ઉકળી પડ્યા કે “ તમે આમ કહી જ કઈ રીતે શકો ? જો ના જવું હોય તો સરકારે તમારા ઉચ્ચતર શિક્ષણ પાછળ ખર્ચેલા ૩૦૦૦૦/- નો હું દાવો માંડીશ “. હવે તેમની પાસે કોઈ જ વિકલ્પ નહોતો. ઈમ્પીરીયલ ડેરી રીસર્ચ ઇન્સ્ટીટયુટ , બેંગ્લોર માં તેમની ડેરી એન્જીનીયર તરીકે ની નિયુક્તિ પાકી જ હતી. ભારત સરકાર તેમની સાથે કઈ છેતરપીંડી કરી ગયા ની એમને લાગણી થઇ. તદ્દન અજાણ્યા ગામ આણંદ માં એમને મોકલવામાં આવ્યા , જ્યાં એક પડકારરૂપ જીંદગી એમની રાહ જોઈ રહી હતી. કોને ખબર હતી કે આણંદ માં એમનું એક પગલું આખા ભારત ને આશીર્વાદરૂપ થઇ પડશે !!!

જયારે આણંદ પહોંચ્યાં, ત્યારે ડેરી ઉદ્યોગ પ્રાઇવેટ હાથ માં હતો . ખેડૂતો ને એમના દૂધ ના સરખા ભાવ ના આપી ને એમનું શોષણ કરવા માં આવતું . વચેટિયા અને અમલદારો પૈસા લઇ જતા અને જમીન વગર ના ખેડૂતો ને એમના દૂધ ના ખુબ જ ઓછા પૈસા મળતા. આ શોષણ અટકાવવા સરદાર વલ્લભભાઈ પટેલ એ સહકારી મંડળીની સ્થાપના કરવાનું વિચાર્યું. ખેડૂતો ના હાથ માં દૂધ ના એકત્રીકરણ, પ્રોસેસિંગઅને માર્કેટિંગ રહે તો જ આ શોષણ દૂર થાય. માટે આવી સહકારી મંડળી બનાવી ને ત્રિભુવનદાસ પટેલ ને આ મંડળી ના પ્રમુખ બનાવવામાં આવ્યા. એમણે ઝડપ થી ૨ મંડળીઓ માં કામ ચાલુ કરાવી દીધું. પણ તે વખત ની પોલ્સન કંપની કે જેનું બજાર માં એકચક્રી શાસન હતું, તેણે આ મંડળી ને વિખેરવા માટે બને તેટલી બધી જ યુક્તિઓ વાપરી.

આ તબક્કે કુરીયન ને આ ગામ માં જવાનું આવ્યું. એક અજબ અને આકસ્મિક ક્ષણ હતી એ ! ભાગ્ય એ ઘડેલી યોજના નો એક પરમ હિસ્સો હતી એ ક્ષણ ! ધારે તો એ શાનદાર શહેરી જીવન, ઉચ્ચ પદ વળી નોકરી, વિલાસી જીવન વ્યતીત કરી શકત પણ ભારત સરકાર ના કરાર ના ભાગ રૂપે આ ધૂળિયા, રૂઢીવાદી, ઉત્તેજનાહીન અને ઊંઘરેટા શહેર માં કુરીયન એ કદમ મૂક્યો. ત્યાં માત્ર આઠ જ મહિના માં એ કંટાળી ગયા. જે ક્રીમરી માં એમણે મૂક્યા હતા , ત્યાં પણ કંઈ સંશોધન થતું નહોતું. જે કામ ૧ જણ કરી સકે તે માટે ૨૦ જણ મૂકેલા અને કામ માં પણ કોઈ ને રસ નહોતો. આ બધા થી કંટાળી ને એમણે રાજીનામું મુક્યું , જેનો સ્વીકાર થયો. આણંદ છોડી ને જવા માં હતા , ત્યાં ખેડા જીલ્લા કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન ના સંસ્થાપક ત્રિભુવનદાસ પટેલ એ એમણે રોકી લીધા ને થોડા દિવસ એમની સાથે કામ કરવા માટે મનાવી લીધા. કુરિયન ને પણ ખેડૂતોએ એમના માં મુકેલા વિશ્વાસ ના લીધે એમને મદદ કરવાની ભાવના હતી , માટે ત્યાં રોકાઈ ગયા. ને ધીમે ધીમે એમના કામ માં રસ લઇ ને આગળ વધતા ગયા.

ડીસેમ્બર થી માર્ચ માં વાછરડા ના જન્મના લીધે દૂધ નું ઉત્પાદન વધારે થતું હતું. પણ એટલી માંગ નહોતી રહેતી. જેથી ખેડૂતો ને ભારે નુકસાન થતું. જો આવા સમયે દૂધ ને પાવડર ના ફોર્મ માં પરિવર્તિત કરાય, તો આ નુકસાન અટકી શકે. પણ અત્યાર સુધી માત્ર ગાય ના દૂધ નો પાવડર જ બનાવવાની ટેકનીક શોધી હતી. ડૉ. કુરિયને અમેરિકા ના પોતાના સાથીદાર હ.મ. દલાયા ને આણંદ બોલાવ્યા. જલ્દી જ એમણે ભેંસ ના દૂધ માં થી સ્કીમ પાવડર ને કંડેન્સ મિલ્ક બનાવવાનો આવિષ્કાર કર્યો. જયારે કુરિયન અને દલાયા આના રિસર્ચ માં ખૂંપેલા હતા , ત્યારે દુનિયાભર ના ડેરી એક્ષ્પર્ત આને અસંભવ વસ્તુ ગણતા હતા , પણ એમણે આ અશક્ય વસ્તુ ને શક્ય કરી ને દેખાડી.ડેરી ને બ્રાંડ નામ આપવાનો પ્રયાસ થયો ને “અમૂલ” નામ ઠરાવવામાં આવ્યું, જેનો અર્થ થાય છે “અમૂલ્ય “ ! સ્વદેશી ઉત્પાદન તરીકે ના ગૌરવ નું પ્રતિક એવું આ નામ ,૧૯૫૭ માં રજીસ્ટર કરાયું ને માત્ર થોડા જ સમય માં ઘેર ઘેર ગુંજતું થઇ ગયું.

હવે અમૂલ વિદેશી કંપની નેસ્લે ને બરાબર ની ટક્કર આપી રહી હતી, જે અત્યાર સુધી માત્ર ગાય ના દૂધ નો પાવડર વાપરતી હતી. અમૂલ ની કહાની માત્ર ખેડૂતો ને નફો મેળવી આપવાની કહાની નથી, જેમ જેમ વિકાસ થતો ગયો , તેમ તેમ બીજા પણ ઘણા જ ફાયદા થયા. પતિ-પત્ની સાથે મળી ને કામ કરતાં , એટલે એમના સંબધો માં સુધારો થયો. બ્રાહ્મણ-હરિજનો એક જ લાઈન માં ઉભા રહેતા માટે વર્ણભેદ ના પૂર્વગ્રહો દૂર થયા. વિકાસ ના કાર્યક્રમ નો ધ્યેય ગ્રામીણ બહુમતી એક સમૃદ્ધ અને સંતોષજનક સમાજરચના ઉભી કરી શકે તે હતું, માત્ર દૂધ ઉત્પાદન ના મશીનો નું આધુનિકરણ નહોતું. અજાણ્યા ગામ માં થી આણંદ રાષ્ટ્ર ના નકશા માં સ્થાન પામ્યું. “ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા” ના નામે પ્રખ્યાત થયું. અમૂલ બધા ને માટે ફાયદાકારક નીવડ્યું . દૂધ ઉત્પાદક માટે જીવન આનંદ નો અનુભવ, ગ્રાહક માટે શુદ્ધ ખાતરી પૂર્વક નું દૂધ , માતા માટે બાળક ના પોષણ માટે નું રીલાયેબલ સ્ત્રોત, અને દેશ માટે ગ્રામીણ વિકાસ અને સેલ્ફ-રીલાયન્સ !! અમૂલ ની સફળતા એ હવે હલચલ મચાવી દીધી હતી.

૧૯૬૪ માં એમને દિલ્હી મિલ્ક સ્કીમ ના ચેરમેન બનાવ્યા. ત્યાં ની અનર્થકારી વ્યવસ્થા સુધારવા એમને નાણામંત્રી અને કૃષિ મંત્રી જેટલી સત્તા આપવામાં આવી. ત્યાં એમણે ૬ જ અઠવાડિયા માં ધરમૂળ થી બધા ફેરફાર કર્યા, સુધારા કર્યા, રેશનીંગ બંદ કરાવ્યું ને બધા ને એક જ ભાવે રાતોરાત દૂધ મળતું થયું.

ડૉ. કુરિયન અને અમૂલ ની સફળતા તત્કાલીન પ્રધાન મંત્રી લાલબહાદુર શાસ્ત્રી ને એટલી હદે પ્રભાવિત કરી દઈ. એમણે કંજરી ગામ માં મુલાકાત લીધી અને કહ્યું કે આખા દેશ માં આવા અનેક ‘આણંદ’ ઉભા કરો. આખા દેશ માં દૂધ ક્ષેત્રે સહકારી મંડળી થકી આમૂલ પરિવર્તન નો શંખ ફૂંકાયો ને “નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ “ ની સ્થાપના થઇ ને કુરિયન ને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

આ પદ પર રહી ને તેમને “ ઓપરેશન ફલડ “ શરુ કર્યું. ઓપરેશન ફલડ એટલે દૂધ ની રેલ.... લાવવાની યોજના ! વર્લ્ડ બેન્કે તેના માટે ૪૦ લાખ ડોલર આપ્યા. જેમાં થી ૧૦ લાખ ડોલર ના મેહનતાણા સ્વરૂપે આઈ. આઈ. એમ. ના માઈક કે જે એફ. એ. ઓ. ના નિષ્ણાત હતા એમને લીધા. અને શરુ થયું નોન-સ્ટોપ ફલડ ... અબજો લીટર દૂધ ની ધારણાઓ ... ભારત ને દૂધ ના ક્ષેત્રે સુરક્ષિત રાખવાની મહેચ્છા નો પ્રારંભ !

પ્રારંભિક તબક્કા માં ઘણી મુશ્કેલીઓ પડી , જેનો ધીરજપૂર્વક ને સફળતા પૂર્વક સામનો કરતાં કરતાં આ બધું આગળ વધાર્યું. ગૃહિણીઓ દૂધ ગરમ કરતી માટે એમ વિચાર્યું કે બોટલ માં થી બહાર કાઢવાનું હોય તો મશીનો વડે પ્રવાહી દૂધ મોટા પાયે કેમ ના આપીએ ? એ માટે વેન્ડિંગ મશીનો ને આયાત કરવાની પરમીશન ના મળી,અહીં એની ડીઝાઇન બનાવતાં બીજા ૪ વર્ષ નીકળી ગયા પણ અંતે વેન્ડિંગ મશીન ખુબ સફળ થયા ને એક બટન દબાવતાં જ આખો દિવસ દૂધ મળતું થયું. ભારત માં દૂધ માર્કેટિંગ ના ઈતિહાસ માં આ એક ક્રાંતિ સ્રજક બનાવ છે.

૧૯૮૧ થી ૮૫ માં બીજો તબક્કો હતો. પહેલાં તબક્કા માં ૧૮ કેન્દ્ર હતા તે વધી ને ૧૩૬ થયા . અને ૨૨૦૦૦ ટન દૂધ નો પાવડર વધી ને ૧૪૦૦૦૦ ટન થયો. ત્રીજો તબક્કો ૧૯૮૫ થી ૧૯૫૫ સુધી નો હતો, જે દરમ્યાન બધા અન્દર અન્દર સ્પર્ધા ના કરે અને તાકાત ને એક બળ બનાવી ને વાપરે તે માટે “ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન “ ની સ્થાપના થઇ. છેલ્લા તબક્કા માં પશુ ચારા, પશુ આરોગ્ય અને પશુ-પોષણ ના મુદ્દા ઓ પર સંશોધન ને સામેલ કરવા માં આવ્યા હતા.

શ્રી એચ. એમ. પટેલ ના આગ્રહ થી એમણે તેલીબીયા ના ધંધા માં પણ ઝુકાવ્યું ને ‘ધારા “ બ્રાંડ નું તેલ બહાર પડ્યું. , જેમાં પણ એમણે સફળતા મળી. આ સિવાય મીઠા ના ખેડૂતો માટે પણ પ્રયત્ન કર્યો. ૫ વર્ષ માં ૧૦૦૦૦ માં થી ૧ લાખ ટન જેટલું ઉત્પાદન કર્યું. પણ ટાટાના આયોડાઈઝડ મીઠા પછી આ પ્રોજેક્ટ પડતો મુકાયો, જેનો તેમને જિંદગીભર અફસોસ રહ્યો.

જાણવા જેવી વાત એ છે કે એપોતે કડી દૂધ નહોતા પીતા, કારણ કે એમણે દૂધ નહોતું ભાવતું. તેમ છતાં, આખું જીવન એક અજાણી જગ્યા પર વિતાવી ને, સેવેલા સ્વપ્ન નું ભારત ઘડવા માટે તેમણે દિવસ-રાત ખૂબ કામ કર્યું. દેશ આઝાદ થયો ત્યાર પછી તરત ના જમાના માં તેમનું કામ ચાલુ થયું ને તેમનું સ્વપ્ન હતું કે ભારત ભૂખ અને ગરીબી માં થી છુટકારો મેળવી ને સમગ્ર વિશ્વના રાષ્ટ્રો માં અગ્રણી રાષ્ટ્ર નું સ્થાન મેળવે. પોતાના કાર્યો ને અર્થસભર પ્રદાન મળે તેના સભાન પ્રયત્નો કરી ને તે કાર્યોને દેશ ની પ્રગતિ તરફ વળ્યા.

એમની ઉપલબ્ધિઓ માટે એમણે ઘણા બધા સન્માન અને પુરસ્કાર મળ્યા. એશિયા નો સૌથી સન્માનીય “ રેમોન મેગ્સેસે એવાર્ડ “ મળ્યો. ભારત સરકાર દ્વારા તેમને કૃષિ રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. “ઇન્ટરનેશનલ પર્સન ઓફધ યર “ પણ એમણે આપવામાં આવ્યો.

આવા આ મુઠ્ઠી ઊંચેરા માણસે ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ ના દિવસે આપણી વચ્ચે થી વિદાય લીધી. અત્યંત વ્યસ્ત અને , યોજનાઓ ને પ્રવૃત્તિઓ થી ધમધમતી ગૌરવપૂર્ણ જીન્દગી વિતાવી. તેઓ માનતા કે “ વિકાસ ના સાધનો લોકો ના હાથ માં આપવા થી જ વિકાસ થાય છે “. આ માન્યતા ને સાચું ઠેરવતાં સહકારી મંડળીઓ દ્વારા એક અકલ્પનીય શ્વેત ક્રાંતિ નું સર્જન કર્યું. જેથી તેમને “ મિલ્કમેન ઓફ ઇન્ડિયા “ નું બિરુદ મળ્યું. દરેક પડકાર માં એક તક છુપાયેલી હોય છે, એમ માનનાર ડૉ. કુરિયને ભારત માટે કરેલું અભૂતપૂર્વ યોગદાન અમૂલ્ય અને અપૂર્વ છે. આજે ભારત ની એક પણ વ્યક્તિ અમૂલ ના નામ થી અપરિચિત નથી. અમૂલ ની જુદી જુદી પ્રોડકટસ જેમ કે દૂધ, ચીઝ, મિલ્ક પાવડર, કંડેસ મિલ્ક વગેરે થી ભારત ની એકેએક વ્યક્તિ જોડાયેલ છે .સદીઓ માં ક્યારેક આવા કોક મહાન વ્યક્તિ નો જન્મ થાય છે, જે દેશ ને પ્રગતિ ની સાથે ગૌરવ અપાવે. આવા મહાન ગૌરવ-રત્ન ને કોટિ કોટિ પ્રણામ !!!